- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

મારા જીવનના પ્રેરક પ્રસંગો – કલ્પેશ ડી. સોની

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી કલ્પેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર.]

[1]

આસ્ટોડીયાથી વાડજ જવા માટે હું સીટી બસમાં પાછલા દરવાજેથી ચડ્યો. દરવાજા પાસે સીટ આગળ હું ઊભો રહ્યો. આગળથી કંડકટરભાઈ ઝડપથી પાછળ આવ્યા અને અન્ય મુસાફરોની સાથે મને કહેતા હોય એ રીતે આમ કહ્યું એટલે હું જે સીટ આગળ ઊભો હતો ત્યાં મેં જોયું. એક યુવાન બહેન ત્યાં બેઠી હતી. અમદાવાદ શહેરના કંડકટરભાઈઓ સ્ત્રીના ગૌરવ અને સન્માન માટે જાગ્રત છે એવી મારી સમજ છે, પરંતુ હું પણ સજ્જન છું. મને શા માટે કંડકટર એ સીટ આગળથી ખસીને આગળ જવાનો આગ્રહ કરે છે ? મારા ઊભા રહેવાથી બેઠેલી યુવતીને કોઈ પરેશાની થવાની નથી. હું જીદે ભરાઈને ત્યાં જ ઊભો રહ્યો. આગ્રહ છોડીને કંડકટર આગળ ટિકીટ આપવા જતા રહ્યા.

વાડજ આવ્યું એટલે આગળ દરવાજેથી બસમાંથી ઉતરીને ચાંદખેડા જવા માટે બસસ્ટેન્ડ આગળ ઊભો રહ્યો. સહજ મારો હાથ ખીસામાં ગયોને હું ચમક્યો. મારું પાકીટ ચોરાઈ ગયું હતું. મને બ્રહ્મજ્ઞાન થયું. આગળ બનેલી ઘટનાનું પુનરાવર્તન મારા મગજમાં થવા લાગ્યું. આસ્ટોડીયા સ્ટેન્ડથી શા માટે એક શખ્સ મને જે બસ આવે તે, ‘વાડજ જશે, ચડી જાવ’ એમ કહેતો હતો. પાકીટ ચોરવાનો જેનો વ્યવસાય છે તેઓને કંડકટર ઓળખતા હોય જ પરંતુ કાંઈ કરી શકે નહિ. તેથી તેઓ મુસાફરોને આગળ વધવાની સૂચના સતત આપ્યા કરે. પાછળના દરવાજેથી મુસાફરનું પાકીટ ચોરીને ચાલુ બસે ઉતરી જવાનું ચોર માટે આસાન હોય છે. મારા પ્રત્યે સદ્દભાવનાથી પ્રેરાઈને મને લુંટાતો બચાવવા કંડકટરભાઈ મને આગળ વધવાનો આગ્રહ કરતા રહ્યા અને હું બીજો જ અર્થ લઈને ત્યાં ઊભો રહ્યો. છેવટે ‘જેવું મુસાફરનું ભાગ્ય’ એમ વિચારીને કંડકટર આગળ જતા રહ્યાને જે બનવાનું હતું તે બનીને જ રહ્યું. મારું પાકીટ ચોરીને ચોર બસના પાછલા દરવાજેથી ઊતરી ગયો.

[2]

વેબ મેમોરિયલ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 1 થી 7 સુધી છોકરાઓને પણ પ્રવેશ અપાતો હોવાથી અમે વડોદરા રહેવા આવ્યા બાદ પિતાશ્રીએ મને ધોરણ 5 થી 7 દરમ્યાન આ શાળામાં ભણવા મોકલ્યો. વર્ગમાં બેઠક વ્યવસ્થા એ પ્રકારની હતી કે એક પાટલી પર ત્રણ જણા બેસે. એક પાટલી પર બે છોકરા વચ્ચે એક છોકરીએ બેસવાનું અને તેની પાછળની પાટલી પર બે છોકરી વચ્ચે એક છોકરાએ બેસવાનું. આ રીતે આખા વર્ગમાં બધા બેસે. હું મહત્વાકાંક્ષી હોવાથી હંમેશા પ્રથમ પાટલીએ બેસવાનું પસંદ કરતો. મારી બાજુમાં રોઝી નામની ખ્રિસ્તી છોકરી બેસતી. તેની એક ટેવ હતી કે દરરોજ સવારમાં વર્ગમાં આવીને પ્રથમ મારી સાથે કોઈને કોઈ મુદ્દે શરત લગાવે. જે હારે તે, જે જીતે તેને પચાસ પૈસા આપે. 1980ની સાલમાં પચાસ પૈસાની કિંમત છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થી માટે કેટલી હોઈ શકે ? જરા વિચારજો. હું હંમેશા શરત જીતતો અને મને પચાસ પૈસા મળી જતા. તે સમયે હું પોરસાતો. મને થતું કે મારું જ્ઞાન મને અત્યારથી ધન રળી આપે છે તો મોટો થઈને તો હું કેટલું બધું કમાઈશ !

સમયાંતરે હું યુવાન થયો. એ પછી મને બધું સમજાઈ ગયું. રોઝી શા માટે મારી સાથે શરત લગાવતી હતી ? શા માટે હંમેશા તે હારતી હતી ? કેમ હંમેશા તેની પાસે પચાસ પૈસાનો છુટ્ટો સિક્કો તૈયાર રહેતો હતો ? ક્યારેક તો સ્પષ્ટ રીતે મારો જવાબ ખોટો હોય તો પણ તે મારા જવાબનું એવું અર્થઘટન કરતી કે મારો જવાબ સાચો થાય. હું તો તરત જ રીસેસમાં પચાસ પૈસા વાપરી નાંખતો. કદાચ મને ખબર ન પડે એમ તે મને પચાસ પૈસાના ગોળી-બિસ્કીટ ખાતો જોતી હશે અને આનંદ પામતી હશે. બીજાને રાજી કરીને પોતાને આનંદ થાય એનું ભાવજીવન ખીલેલું છે એમ કહેવાય. આવું સમજાયા પછી મને મારા જ્ઞાનના ઘમંડ બદલ શરમ આવી અને ભાવજીવન ખીલવવાની પ્રેરણા મળી.

[3]

હું મારી બહેન સાથે અમારા મામાના ઘરેથી પરત આવવા બસમાં બેઠો. મારી બહેન બારી પાસે બેઠી હતી અને હું એની બાજુમાં બેઠો હતો. બસ ઉપડી. થોડી વાર થઈ અને મારી બહેનના ખોળામાં ખારી સીંગના ફોતરા પડ્યા. મેં અમારી સીટની આગળ-પાછળની સીટ પર બેઠેલા મુસાફરો તરફ નજર ફેરવી. મેં જોયું કે મારી બહેનની બરાબર પાછળની સીટ પર બારી પાસે બેઠેલા એક ભાઈ ખારી સીંગનું પડીકું ખોળામાં હાથથી પકડીને બીજા હાથે ખારી સીંગ ફાકી રહ્યા હતા. થોડી વાર થઈને ફરીથી કેટલાક ફોતરાં મારી બહેનના ખોળામાં આવીને પડ્યા. મેં વિચાર્યું કે બસ આગળ તરફ દોડી રહી છે તેથી પવન આગળથી પાછળ જાય એટલે પાછળથી ફોતરાં ઊડીને આગળ આવે એ શક્ય નથી. છતાં મેં થોડી વાર બહેનને બારી બંધ કરવા કહ્યું. બહેને બારી બંધ કરી. થોડી વાર બાદ મારી બહેનના ખોળામાં બે-ત્રણ ખારીસીંગના દાણા પડ્યા.

મેં ગુસ્સામાં પાછળ જોયું. પાછળની સીટ પર બેઠેલા ભાઈ શાંતિથી ખારીસીંગ ફાકી રહ્યા હતા. તેઓની સાથે ખરાખરીનો ખેલ ખેલી લેતા પહેલાં છેલ્લીવાર મેં અન્ય શક્યતાનો વિચાર કરી જોયો કે બીજી કોઈ રીતે મારી બહેનના ખોળામાં સીંગદાણા પડી શકે કે કેમ ? અચાનક મારી નજર ઉપર તરફ ગઈ. સામાન રાખવાની જગ્યાએ નાનકડું પડીકું પડ્યું હતું. મેં ત્યાં ધ્યાનપૂર્વક જોયું તો ઉબડ-ખાબડ રસ્તાઓ પરથી પસાર થવાને કારણે પડીકાની દોરી ઢીલી થઈ હતી અને એમાંથી ક્યારેક ખારીસીંગના ફોતરાં તો ક્યારેક બે-ત્રણ દાણા પડતા હતા. મેં એ પડીકાના માલિકની શોધ કરીને તે પડીકું તેઓની પાસે રાખવા જણાવ્યું જેથી તેઓના પૈસા વ્યર્થ ન જાય. મને ખાતરી થઈ કે કોઈના પર દોષારોપણ કરતાં પહેલાં ખૂબ જ ધીરજ રાખીને ઘટનાની તપાસ કરવી જરૂરી બને છે.