મુન્ની – દીવાન ઠાકોર

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

મધુમાસીએ સોફા પરથી ‘હૂપ’ કહી કૂદકો માર્યો. ભોંય પર પડવાનો ‘ધબાક’ અવાજ થયો. પડતાંની સાથે જ સ્પ્રિંગની જેમ ઊછળીને તરત જ સ્ટેચ્યુની મુદ્રા ધારણ કરી. એ પછી આંખો નચાવી, ગાલ ફૂલાવ્યા, જીભ કાઢી ડોકી આમતેમ ઝુલાવી ગળામાંથી વિચિત્ર અવાજ કાઢ્યો તોય ચકુ ન હસી. ચકુએ મંદમંદ સ્મિત રેલાવ્યું હોત તોય મધુમાસીની મહેનત લેખે લાગી જાત. ના હોઠ ખૂલ્યા, ન આંખો હસી. જો કે મધુમાસી એમ હિંમત હારે એમ ન હતાં. એમણે દઢ નિશ્ચય કર્યો. ભલે ગમે તે થાય, ગમે તે રોલ ભજવવો પડે. એમણે ઘુમરી ખાધી અને તરત જ પાછળના ઓરડામાં અદશ્ય થઈ ગયાં.

બિચારી છોકરીનું દુ:ખ હુંય સમજું છું. હુંય મા છું ને. મા વગરની છોકરીનું શું થશે ? પાંચ-છ વરસની ઉંમર તે કાંઈ ઉંમર કહેવાય ? માના લાડકોડને ઠેકાણે બોર-બોર જેવડાં આંસુડાં. બાપ તો આખો દિવસ ચુમાઈને કામકાજમાં જીવ પરોવશે પણ આ ભોળી પિલુડીનું શું ? બાપડી…. બિચારી… છોકરાંય કંટાળી ગયાં છે. એમનીય કારી ન ફાવી. હસતી નથી, રમતી નથી. બોલી બોલીને એક શબ્દ બોલે છે… મમ્મી. આમ તો એ શબ્દ માત્ર શબ્દ નથી આખું પુસ્તક છે. એને જોઈને દયા આવે છે. માંડ બટકું ખાય છે. બહુ આગ્રહ કરું તો માથું હલાવે. ના,… ના. ખાવું નથી…. બેઠી બેઠી જ ઊંઘી જાય. મારે કાંઈક કરવું પડશે.
 

હું નાની હતી ત્યારે હેમીમાના કૂવે આંબલી-પીપળી રમતી. ગૂંદીના ઝાડ પર ચઢી ગૂંદાં ખાવાનાં. જાંબુ ખાઈને જીભ રંગવાની. હું આવડી જ હતી… ચકુ જેટલી…. આખો દિવસ તોફાન-મસ્તી. ખાવું, પીવું ને રમવું. આ તો ખાતી નથી, પીતી નથી ને રમતી નથી. ને બોલે છે તેય કેવું ?
‘મારી મમ્મી ક્યાં ગઈ ?’
‘ભગવાનના ઘેર.’
‘હજુ કેમ આવી નથી ?’
‘ભગવાનનું ઘર દૂર છે. પાછાં આવતાં વાર લાગે.’
‘મારે જવું છે.’
‘ના.’
‘કેમ ?’
‘ભગવાન વઢે’
‘કેમ ?’
‘જે શાક-રોટલી ખાય, બિસ્કિટ ખાય, આઈસ્ક્રીમ ખાય, ચોકલેટ ખાય એને જ ભગવાન બોલાવે, તું ખાઈશ ?’
‘ના… નથી ખાવું. મારી મમ્મી ક્યારે આવશે ?’

એ પછી ચકુ રડવા માંડી. મધુમાસીનો જીવ કપાઈ ગયો. એમની આંખો ભીંજાઈ ગઈ. અંદરથી કોઈક બોલ્યું : ‘અલી મઘલી, આમ તો આખો દિવસ ગતકડાં કાઢી બધાને હસાવે છે. આ નાની અમથી ડેંટીને હસાવી શકતી નથી ? ક્યાં ગઈ તારી અક્કલ ?’ આ વખતે માથે સાફો બાંધ્યો હતો. મેંશની ડબી મૂછો ચીતરવા કામ લાગી હતી. કાળા દુપટ્ટાનો સાપ બનાવી ગળામાં ભરાવી દીધો. વેલણ હાથવગું હતું જે મોરલી થઈ ગયું. છોકરાં ચારેકોર ગોઠવાઈ ગયાં.
‘છોકરાંઓ તાળીઓ પાડો.’ તાળીઓ પડી.
‘બચ્ચા લોગ આજ તુમકો મૈં જાદુ કા ખેલ દિખાઉંગા.’
‘બિસ્કિટ-ગોલી ખિલાઉંગા.’ ફરી તાળીઓ પડી.
છાબડી વચ્ચે સાપ મૂકી ઉપર કપડું ઢાંકી દીધું હતું. મોરલી વાગવા માંડી. મદારી મોરલીના સૂરની સાથે નાચવા માંડ્યો.
‘બોલો છોકરાંઓ બમ કાઢું કે ભમ ?’
‘ભમ’
‘બચ્ચાઓ તાળીઓ પાડો.’

મોરલી વાગી, છાબડીમાં છુપાયેલો સાપ ફેણ ઊંચી કરી આમતેમ તાકી રહ્યો. એ પછી હવામાંથી બિસ્કીટ અને ગોળીનો વરસાદ થયો. બાળકોને મજા પડી. ગોળી-ચોકલેટ માટે ઝૂંટાઝૂંટ થઈ. મદારી નાચી રહ્યો હતો. નાચતાં નાચતાં મદારીની આંખો ચકુના ચહેરાનું અવલોકન કરી રહી હતી. હાસ્યની પાતળી રેખા પણ જોવા ન મળી. ફરી ઠેક લીધી. આ વખતે સાપ ઊછળીને છોકરાં પર પડ્યો. ચીસાચીસ થઈ. ઓરડો ગાજી ઊઠ્યો. મદારીએ બીજો ખેલ પાડ્યો.

પ્લાસ્ટિકના બે પોપટ અને ઢીંગલીની સવારી નીકળી. પાછળ પાછળ સસલો અને કાચબો ચાલ્યા. હાથી સૂંઢ હલાવતો ઊભો હતો. વાધને પાંજરામાં પૂર્યો હતો. બધાએ ખુશ થઈ તાળીઓ પાડી. ચકુ ચૂપચાપ જોતી રહી. ચકુએ તાળી ન પાડી. એને મન આખોય ખેલ અર્થહીન હતો. એને માટે ઈશ્વરે જે ખેલ પાડ્યો હતો એ જ મહત્વનો હતો. બીજી યુક્તિ વિચારવી પડશે. સામે પ્લાસ્ટિકની ઢીંગલી પડી હતી. નાનું નાક અને નાની બે આંખો. રતુંબડા ગાલ અને ગોળમટોળ ચહેરો. ઢીંગલી મધુમાસીને ટગર ટગર તાકતી હતી. બાળકો વીખરાયાં. મધુમાસી ઘેર ગયાં. ઘરનાં કામકાજમાં ચિત્ત પરોવ્યું. બપોરવેળા થઈ હતી. નાની અમથી ઊંઘ ખેંચી લઉં, એમ વિચારી એમણે ભોંય પર લંબાવ્યું. છત પર આંખો સ્થિર થઈ. પોપચાં ઉઘાડ-બંધ કયાંય સુધી કર્યાં, ઊંઘ ન આવી. સામેની દીવાલ પર ગણપતિનો ફોટો હતો. પરથમ સમરું ગૌરી પુત્ર ગણેશ. બીજા ભગવાનના ફોટા હતા, પણ બધા મૂંગામંતર. પથ્થરની મૂર્તિ જેવા. દાદા કંઈક સુઝાડો. આમ ને આમ તો ચકુ એની મા પાસે પહોંચી જશે. તમે અને અમે સૌ જોતાં રહીશું… ના…. ના.. દયા કરો પ્રભુ.

એ જ વખતે આંખો ઘેરાઈ ગઈ. સુંદર મેઘઘનુષ પ્રગટ થયું. મધુમાસીને માથે મુગટ હતો અને ચારેબાજુ છોકરાં ફક્ક્ડ કપડાં પહેરી ઊભાં હતાં. પણ ચકુ ક્યાં ? પેલી રહી ચકુ…. આવ બેટા આવ….
‘ચાલો સૌ ચાંદામામાને ઘેર. ચાંદામામાને ઘેર જઈશું પૂરણપોળી ખાઈશું. તાજાંમાજાં થઈશું.’ મધુમાસીએ બધાને એકબીજાની આંગળી પકડવા કહ્યું. છોકરીઓ ગોઠવાઈ ગઈ. સૌથી આગળ ચકુ. મધુમાસીએ આંખો બંધ કરી હવામાં હાથ લાંબો કર્યો. એકસાથે બધા ઊડ્યા. દૂર દૂર મહેલ દેખાયો. ધોળા ધોળા દૂધ જેવો મહેલ. મહેલમાં પ્રવેશીને જોયું તો સામે જ ધોળા ધોળા દૂધ જેવા ચાંદામામા, ઊભા ઊભા હસે. પરીઓ નૃત્ય કરે. છોકરીઓ તો ખુશ ચકુ પણ ખુશ. બધાએ ગીત ગાયાં, નાચ્યા, કૂદયા. એ પછી ઘંટ વાગ્યો. ચાલો જમવા બેસી જાવ. જેને જે જોઈએ તે માગો. ખાવું હોય એટલું ખાવ. બગાડવાનું નહીં. ચાંદામામા હસે, દરેકની ખબર પૂછે. ચકુને પૂછ્યું :
‘બેટા, તું કેમ કાંઈ ખાતી નથી.’
‘ચાંદામામા મારે મમ્મી જોઈએ. છે.’

ફડાક કરતી આંખ ખૂલી ગઈ. એ સ્વપ્ન હતું. સરસ સ્વપ્ન હતું. પણ… અત્યારે ચકુ શું કરતી હશે ? બીજા દિવસની સવાર પડી. ઘરનાં કામકાજમાંથી પરવારી ચકુ પાસે જવાનું હતું. ઝટપટ કામ પૂરું કર્યું. કપાળે ચાંદલો કરતાં મોઢું દર્પણમાં જોયું. સામે કોઈ બીજી સ્ત્રી હતી.
‘કેમ અલી આમ ટગર ટગર તાકી રહી છે ? મને ભાળી નથી શું ?’ જવાબ આપવા જીભ ઊપડતી ન હતી. શું બોલવું ? આંખોમાં નિરાશા અને કપાળ પર ચિંતાની વાંકીચૂકી રેખાઓ. ઉત્સાહનું નામ-નિશાન નહીં.
‘કેમ ચૂપ છે ? તારે શું દુ:ખ છે ? તારા ઘણીએ કાંઈ કહ્યું ?’
‘ના…રે… બાઈ.’ એટલું જ દબાતા સ્વરે બોલાયું. મન ખાંખાંખોળા કરવા માંડ્યું. દુ:ખ એક વાતનું છે. ચકુ હસતી નથી.
‘મૂઈ… એવી જ છે. એની મા જેવી ડાહીડમરી અને ઓછાબોલી.’
‘એની મા તો મરી ગઈ…. બિચારી છોકરી….’
‘મઘલી તું શું કામ દુ:ખી થાય છે ?’
‘બિચારી મા વિનાની છોકરી ઉદાસ થઈ બેસી રહે એ કેમ ચાલે ? અત્યારે એની રમવા-કૂદવાની ઉંમર. સાચું કહું, મને તો કોળિયો ગળે ઊતરતો નથી.’
‘તો પછી જા… કાંઈક કર….’
મોં પર ચમક આવી ગઈ. દર્પણ ટગર ટગર તાકતું રહ્યું. કપાળ પરની કરચલી દૂર થઈ ગઈ. હજુ કાંઈ મોડું થયું નથી. સૌ બાળકો ઓસરીમાં ભેગાં થયાં. દરેકની આંખોમાં ઉત્સુકતા હતી. આજે મધુમાસી નવો ખેલ પાડવાનાં છે. રૂમઝૂમ ઝાંઝર ઝમકાવતાં મધુમાસી આવ્યાં. બાળકો જોતાં જ રહી ગયાં. શો મધુમાસીનો ઠાઠ ! કેવો એમનો શણગાર ! રાજાની રાણી જેવાં દેખાતાં હતાં. મધુમાસીએ બેઠક લીધી. તેમની બરાબર સામે ચકુ બેઠી હતી. મૌનની પૂતળી.
‘બોલો, છોકરાંઓ મીંદડી કેમ બોલે ?’
‘મ્યાઉં….’
‘કાગડો કેમ બોલે ?’
‘કાં કાં….કાં….કાં…’
‘ગધેડો કેમ બોલે ?’
‘હોંચી…હોંચી….’
‘આગગાડી કેમ બોલે ?’
‘ભક છૂક….ભક છૂક….’
‘ગાય કેમ બોલે ?’
કોઈ ન બોલ્યું. થોડાક ચિત્ર-વિચિત્ર અવાજો થયા. કોઈ ટેહુક બોલ્યું. કોઈ ચીં ચીં કર્યું. કોઈએ વાઘ બોલાવ્યો.
‘નથી આવડતું ?’
‘ના.’
મધુમાસીએ માથા પર હાથ મૂકી બે શિંગડાં બનાવ્યાં. ગળામાંથી ઘોઘરો અવાજ કાઢ્યો.
‘મા..આ….આ….આ…આ……આ……આ…….હંભ્ભા…..’
બધાએ ખુશ થઈને તાળીઓ પાડી. મૌનની પૂતળી ન હાલી કે ન ચાલી.

બીજી રમત શરૂ થઈ.
‘ચકલી ઊડે….’
‘ફરર…રર….’
‘મોર ઊડે….’
‘ફરર….રર….’
‘હાથી ઊડે…’
‘ફરર…..રર….’
‘ના માસી હાથી ના ઉડે.’ વળી પાછા બધા ખડખડાટ હસ્યા. ચકુ હસી નહીં. માત્ર તાકી રહી. સંતાકૂકડી, ચોરપોલીસ, ઘરગથ્થાની રમત રમાઈ. એ પછી ગીતો, જોડકણાં, ઉખાણાં અને ટુચકા… ધાર્યું પરિણામ આવ્યું નહીં. હવે કઈ રમત રમવી ? મધુમાસીની નજર બે-અઢી ફૂટની પ્લાસ્ટિકની ઢીંગલી પર પડી. હજુય એ ટગર ટગર તાકી રહી હતી.
‘બબલી ઢીંગલી આપ તો…’
‘ના… નહીં આપું…’
‘જો બિચારી રડે છે. લાવ એને છાની રાખું.’

બબલીએ ઢીંગલી આપી. ઢીંગલી હાથમાં લેતાં જ આંગળાં ધ્રૂજી ગયાં. ઢીંગલીનું ગોળમટોળ માથું, ખિલખિલ થતો ચહેરો, લખોટી જેવી બે આંખો, પાતળા ગુલાબી હોઠ, સુંદર લીસા ગાલ, નાનું નાક અને સોનેરી વાળ. મધુમાસીએ ઢીંગલી ખોળામાં લઈ લીધી. બબલી રડવા માંડી. ઢીંગલીનું માથું ઢીંચણ પર રાખી, ઢીંચણ હલાવતાં તેને સુવડાવવા મથી રહ્યાં. બબલી જોશથી રડવા માંડી. મધુમાસી ધ્યાનથી ઢીંગલી જોઈ રહ્યાં.
‘મારી દીકુ…. મારી ચકુ… છાની રહે… સૂઈ જા બેટા…. એલેલે… હુલુલુ… દીકુના મામા આવે છે… હલવો-પેંડા લાવે છે… હાલો… લોલો…હાલ…’
ઢીંગલીની આંખોમાં આંસુ રેલાયાં. ઢીંગલી હીબકે ચઢી. જેમ જેમ હીબકાં વધ્યાં તેમ તેમ મધુમાસીનો અવાજ ઊંચો થતો છતને અડવા માંડ્યો.
‘ના… ના.. મારી બકુ ના. રડવાનું નહીં. તને બરફી, પેંડા, જલેબી ખવડાવીશ…. અલે લે….. હલૂલૂ… હાલ…. ડાહી દીકરી ચૂપ થા…’
રડવાનો અવાજ વધતો ગયો. મધુમાસીને અચાનક યાદ આવ્યું કે બાળકી ભૂખી છે. તેને દૂધ પીવડાવા માંડ્યું. ‘લે દૂધ પી… છાની રે મારી લાડકી… હું તારી મા છું….’

બબલીની આંખોમાંથી આંસુ વહેતાં હતાં પણ રડવાનું બંધ થઈ ગયું હતું. એ મધુમાસીને આશ્ચર્ય સાથે તાકી રહી. બધાએ તાળીઓ પાડી. ચકુના ચહેરા પર હાસ્ય પ્રગટયું. મધુમાસીએ જોયું કે બાળકી દૂધ પીતી નથી. મૂઈ… દૂધ કેમ નથી પીતી ? અરે… આ તો હલતી નથી ને ચાલતીય નથી…. શું થયું આને ?
‘બટા… દૂધ પી લે…. બકુ… મારી સામે જો. આંખો ખોલ.’ ગળામાં ડૂમો બાઝ્યો. ગળામાંથી નીકળતો અવાજ ધીમો થઈ ગયો. દૂધનાં ટીપાં આંસુ બનીને વહેવા માંડ્યાં.
‘અરે ! આ દૂધ કેમ પીતી નથી ? હમણાં સુધી તો મને ટગર ટગર તાકતી હતી. મીઠું મીઠું હસતી હતી. મમ્મી…. મમ્મી… બોલતી હતી. ઓ મુન્નીના પપ્પા….. ક્યાં ગયા ? જુઓને…. મુન્ની આંખો ખોલતી નથી…. એને અચાનક શું થયું ? સાવ જાણે પ્લાસ્ટિકની પૂતળી….
મધુમાસી હીંબકે ચઢ્યા.
ક્યાંકથી અવાજ સંભળાયો.
‘એને છોડી દે મધુ. એ તો ભગવાનને ઘેર પહોંચી ગઈ.’
મધુમાસી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યાં.

ચકુને મજા પડી. એની આંખો ટગર ટગર તાકતી હતી. ચહેરા પર પ્રગટેલું હાસ્ય મોટું થયું. ચકુ ખડખડાટ હસવા માંડી. એને હસતી જોઈ બાળકો તાનમાં આવી ગયાં. બધાએ જોશથી તાળીઓ પાડવા માંડી. ખડખડાટ હાસ્ય અને તાળીઓના અવાજથી ઓરડો ગુંજી ઊઠયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એહથી આગળ – સુધીર પટેલ
ફેર છે – દિનેશ કાનાણી Next »   

18 પ્રતિભાવો : મુન્ની – દીવાન ઠાકોર

 1. મા વગરની દિકરીની વ્યથા ને મધુબેનના તેને હસાવવાના પ્રયત્નો હૈયાના સઁવેદનોજગાડીજાય છે,

 2. chetana d mehta says:

  ખુબ સરસ વર્તા દિલ મ અન્દર ઉતરિ જાય એવિ લગનિ સભર

 3. Ramesh Shah says:

  નવા જ અંદાજ માં લખાયેલ વાર્તા.વાંચવા ન મળે તો અફસોસ થાય.

 4. pragnaju says:

  મા વગરની દિકરીને મધુબેન જેવા મા મળે તે સદનસીબ કહેવાય-
  દિકરીનું તો ખરું
  પણ મધુમાનુ વધુ!
  સરસ વાત
  સરસ અંદાઝ

 5. Bharat Dalal says:

  Unbelievable and so emotional.Madhumasi really needs congrats for such wonderful acts.

 6. Bhavna Shukla says:

  “લોહીની સગાઈ” ના અમરતકાકી અને મંગુ યાદ આવી ગયા………….. સુંદર..

 7. Lalit Khatri says:

  Really Very Nice & impressive.. Madhumasi was so kind & she love kids….. This Story is full of emotions & feelings.

 8. Asif Hirani says:

  Amazing Story….Full of Emotions and Love. It reminds me a Famous Story by Pannalal Patel “Lohi Ni Sagaai” which was a part of my curricula during S.S.C. Gujarati Book

 9. Keyur Patel says:

  અતિ સુંદર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.