- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ગુરુભક્ત આરુણિ – અજ્ઞાત

ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુર્ગુરુર્દેવો મહેશ્વર: |
ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ: ||

‘ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ ભગવાન શિવ છે. ગુરુ જ સાક્ષાત્ પરબ્રહ્મ છે. આવા ગુરુદેવને નમસ્કાર.’

ગુરુ મળે તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ આજની કેળવણી, આજનું શિક્ષણ તો ગુરુને વંદના કરવી તો દૂર રહી, ગુરુને ઠમઠોરવા સુધીની કક્ષાએ પહોંચી ગયું છે. સાચી વાત તો એ છે કે ગુરુએ સ્વયં ધનની લાલચે પોતાનું ગૌરવ ગુમાવ્યું છે. ગુરુ પાસે તો કેવળ વિદ્યા સિવાય અન્ય ધન હોવું જ ન જોઈએ. આ સભ્યતા, આ સંસ્કારને વિશ્વવિદ્યાલયોના ગુરુદેવો ખોઈ બેઠા છે. ધનલોભી હોવાને કારણે જ ગુરુઓની પાસેથી જ્ઞાન ચાલ્યું ગયું છે, તો એ અદ્યાપકો પોતાના વિદ્યાર્થીઓને શું આપવાના છે ?

જીવનમાં શ્રદ્ધા હોવી અત્યંત આવશ્યક છે. શ્રદ્ધાથી જ જીવી શકાય છે, સંશયથી નથી જીવી શકાતું. સંશયાત્માનો વિનાશ થાય છે એમ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે. આપણે કોઈક માણસ પર તો શ્રદ્ધા રાખવી જ જોઈએ. શ્રદ્ધા વગર તો સરકાર પણ ચાલતી નથી, શાસનતંત્ર પણ ચાલતું નથી. પરંતુ દુર્ભાગ્યે ઘણા માણસોને પોતાની જાત પર પણ શ્રદ્ધા નથી હોતી. આત્માએ કરેલો સંકલ્પ, ચંચળ મનના સંશયો સ્વીકારતા નથી. પરિણામે કોઈ પણ શુભ કાર્ય થઈ શકતું નથી. સુકાન વગરનું જહાજ અને શ્રદ્ધા વગરનો માણસ, આ બન્નેની દશા શું થાય એ આપણે જાણીએ છીએ. ગુરુદેવ તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ કરતાં પણ મહાન છે. આવા ગુરુદેવ પાસેથી, એમનાં ચરણે બેસી શ્રદ્ધા દ્વારા જ વિદ્યા મેળવી શકાય છે. ગુરુ હંમેશાં પોતાના શિષ્યોનું કલ્યાણ જ ઈચ્છતા હોય છે. શિષ્યની શ્રદ્ધા અને ભક્તિ જોઈ ગુરુદેવ પ્રસન્ન થાય છે અને પોતાની પાસેથી સકળ વિદ્યાઓ એ શિષ્યને આપે છે.

આધુનિક યુગમાં ઠેરઠેર વિદ્યાલયો છે, ઉચ્ચ વિદ્યાલયો છે અને વિશ્વવિદ્યાલયો પણ છે, પરંતુ પ્રાચીનકાળમાં આવું કશું ન હતું. વિદ્વાન અને તપસ્વી ગુરુદેવો અરણ્યોમાં પોતાના આશ્રમો રાખતા હતા અને વિદ્યા મેળવવા ઉત્સુક શિષ્યોએ ગુરુના આશ્રમે વિદ્યા-ઉપાર્જન કરવા જવું પડતું. આશ્રમોમાં આજનાં મહાવિદ્યાલયોની જેમ જ છ કલાકનું જ શિક્ષણ અપાતું ન હતું. શિષ્યોને જ ગુરુના આશ્રમમાં સ્વચ્છતા જાળવવી પડતી. યજ્ઞો માટે સમિધાઓ, કાષ્ઠ લાવવાં પડતાં. ગુરુ સ્વયં પણ શિષ્યો સાથે કામ કરતા અને વિદ્યા પણ શીખવતા. ગુરુની કૃપા જે શ્રદ્ધાવાન શિષ્ય વધારે મેળવતો એને વધુ વિદ્યા મળતી.

પ્રાચીનકાળમાં આવા એક ગુરુદેવ હતા. એમનું નામ મહર્ષિ આયોદધૌમ્ય હતું અને એમની પાસે ત્રણ શિષ્યો વિદ્યા મેળવતા હતા – આરુણિ, ઉપમન્યુ અને વેદ. ધૌમ્ય મહર્ષિ ભારે પરિશ્રમી હતા અને શિષ્યો પાસેથી પણ શ્રમજનક કામો કરાવતા. એમના આ ત્રણે શિષ્યો ગુરુભક્ત હતા. ગુરુદેવ આજ્ઞા આપે એ કાર્ય તેઓ ખંત અને ચીવટથી કરતા. પરિશ્રમી ધૌમ્ય ઋષિના આશ્રમે બહુ ઓછા શિષ્યો વિદ્યા મેળવવા આવતા, પણ જે કોઈ આવતા એ બધા સકળ વિદ્યાઓ, જ્ઞાન અને શ્રદ્ધા-ભક્તિ લઈને જ આશ્રમમાંથી બહાર જતા.

વર્ષાઋતુ ચાલતી હતી. પાંચાલદેશના શિષ્ય આરુણિને ગુરુએ આજ્ઞા આપી : ‘પ્રિય આરુણિ ! તું અત્યારે જ ખેતરે પહોંચી જા અને ખેતરને પાળા બાંધી દે કે જેથી વરસાદનું જળ ખેતરની બહાર ન નીકળી જાય. બધું જળ ખેતરમાંથી વહી જશે તો પાક સારો નહીં ઊતરે. વર્ષાનું જળ ખેતરમાં જ શોષાઈ જવું જોઈએ.’

આજ્ઞા સ્વીકારી આરુણિ ખેતર પર આવ્યો. વરસાદ મુશળધાર તૂટી પડ્યો હતો. ખેતર જળથી છલકાઈ ગયું હતું. ખેતરને પાળા બાંધેલા હતા, પરંતુ એક ઊંચી જગાએથી પાળો તૂટી ગયો અને એમાંથી વેગપૂર્વક જળ વહી રહ્યું હતું. આરુણિએ પાવડો લીધો અને ભીની માટીથી પાળાને પૂરવા લાગ્યો, પરંતુ અનરાધાર વર્ષાને કારણે ખેતરમાંથી જે વેગથી પાણી બહાર નીકળતું હતું એ આરુણિએ પૂરેલી ભીની માટીને ખેંચી જતું. તનતોડ શ્રમ કરી આરુણિ પાળાને પૂરવા મથી રહ્યો, પરંતુ એનો શ્રમ એળે જતો હતો. છેવટે પાવડો ફગાવી તૂટેલા પાળાની આડે પોતે સૂઈ ગયો. આમ થવાથી પાણી રોકાઈ ગયું. થોડી વાર પછી વરસાદ પણ બંધ રહ્યો. પરંતુ ખેતરમાં પાણી ભરેલું હતું. જો પોતે ઊભો થાય તો બધું પાણી નીકળી જાય. એ ચૂપચાપ પડી રહ્યો અને રાત પડી ગઈ.

સંધ્યાકર્મથી પરવારી મહર્ષિએ શિષ્યોને બોલાવ્યા. એમણે આરુણિને ન જોયો.
‘આરુણિ ક્યાં છે ?’ મહર્ષિએ પૂછ્યું.
‘ગુરુદેવ ! આપે જ એને પ્રાત:કાળે ખેતરના પાળાનું રક્ષણ કરવા મોકલ્યો છે.’
‘શું ?’ મહર્ષિ ચમકી ગયા : ‘શું હજુ એ ખેતરેથી પાછો નથી ફર્યો ?’
‘ના જી, હજુ સુધી એ દેખાયો નથી.’
‘આ વાત તો ચિંતાજનક છે.’ ગુરુ બોલ્યા : ‘ચાલો, આપણે એને શોધી કાઢવો જોઈએ.’
પોતાના બન્ને શિષ્યોને સાથે લઈ મહર્ષિ ધૌમ્ય આરુણિને શોધવા નીકળ્યા. ત્રણેએ મળીને આરુણિને ખૂબ શોધ્યો. પરંતુ આરુણિ ન મળ્યો. છેવટે મહર્ષિએ હાક લગાવી :
‘વત્સ આરુણિ ! તુ ક્યાં છે ?’
આરુણિ ગુરુદેવના અવાજને ઓળખી ગયો. એ બોલ્યો : ‘ગુરુદેવ, હું અહીં પાળો બનીને પડ્યો છું.’

અવાજની દિશા તરફ મહર્ષિ અને બન્ને શિષ્યો ચાલ્યા. એમણે જોયું કે ખેતરમાંથી વહી જતા પાણીને રોકવા આરુણિ તૂટેલા પાળાની આડે પાળો બનીને પડ્યો છે. એને આ રીતે પડેલો જોઈ મહર્ષિ બોલ્યા : ‘પુત્ર, હવે તું અહીં આવ.’
આરુણિ ઊભો થયો. શરીર પરથી માટી હટાવી એ ગુરુ પાસે આવ્યો. પોતાના શિષ્યની આવી ગુરુભક્તિ જોઈ મહર્ષિનું હૃદય ભરાઈ આવ્યું. એમણે આરુણિને છાતીએ દબાવ્યો, પ્રેમથી એનું મસ્તક સૂંધ્યું અને આશીર્વાદ આપ્યા : ‘વત્સ ! તારી ગુરુભક્તિથી હું પ્રસન્ન છું. તારે હવે કશું વાચન નહીં કરવું પડે. સકળ વિદ્યાઓ તને મળશે. તું સર્વશાસ્ત્રવિશારદ બનીશ અને તારી કીર્તિ ભારતભરમાં ફેલાશે. તને મારા આશીર્વાદથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે. આજથી તારું નામ ઉદ્દાલક રહેશે અને આ નામે જ તને પ્રસિદ્ધિ મળશે.’ આ આરુણિ મુનિ ઉદ્દાલક નામથી પ્રસિદ્ધિ થયા, જેમનો સંવાદ ઉપનિષદમાં આવે છે.