માળો ઝૂલ્યો ડાળે – નીતિ દવે

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.]

માર્ચ મહિનાના રવિવારની સવાર હતી. હું મારા રૂમની બાલ્કનીમાં ઊભી ઊભી રવિવારની નિરાંત માણી રહી હતી. બાલ્કનીમાંથી દેખાતું આકાશ સાવ ખુલ્લું નથી. સામેનો ઘેઘૂર લીમડો અને કણજીનું વૃક્ષ અમારા આકાશમાં છવાઈ ગયાં છે. લીમડાની ડાળીઓ અને પાંદડાંની જાળીમાંથી ચળાઈને આવતા સવારના સોનેરી તડકાના જાત જાતના કલાત્મક ટુકડાઓને ગોઠવીને હું મનોમન મ્યુરલ રચી રહી હતી. આ મ્યુરલ પર દોડાદોડ કરતી ખિસકોલીની પૂંછડીની પીંછી વળી બીજા કેટલાયે નવા આકાર રચતી હતી ! તેમાં પાછી કૂદક કૂદક ઊડી ઊડીને વારંવાર બેસતી ચકલીનાં પગલાંની ઝીણી ભાત કોઈ ઝીણી નકશીની યાદ અપાવતી હતી. કબૂતર, કાગડા, લેલાં અને કાબરે તેમની રોજિંદી દિનચર્યા મુજબ સમૂહગાન શરૂ કરી દીધું હતું. પરોઢિયેમાં મીઠી રાગિણી છેડ્યા પછી બે-ત્રણ દૈયડ હંમેશાં આ સમયે મૌન થઈને ડાળી પર આમતેમ ઊડ્યા કરતાં. ક્યારેક ક્યારેક આવી ચડતા મહેમાનોની જેમ મુનિયાનું ટોળું એકસાથે વૃક્ષ પરથી નીચે જમીન પર ઊતરી આવતું અને પાછું એકસાથે ઊડી જતું. આ બધા મારા પડોશીઓનો આજનો હાજરી રિપોર્ટ ભરતી હોઉં તેમ મેં એ બધા પર નજર દોડાવી. હવે ફકત એક હાજરી પૂરવાની બાકી રહી હતી. મેં મારી કમ્પાઉન્ડ વૉલ પરની જાળી તરફ નજર નાખી. રોજ ત્યાં ચંચળતાપૂર્વક ઊડતી, બેસતી, પૂંછડીને પંખાની માફક અર્ધગોળાકારમાં ખોલતી અને બંધ કરતી ટપકીલી નાચણ દેખાતી. આજે એ ત્યાં નહોતી. એની ગેરહાજરી પૂરવી પડશે કે શું ? નાચણ એના નામ પ્રમાણે હંમેશાં નૃત્યરત રહેતું પંખી છે. મને એની આ વાતે હંમેશાં નવાઈ લાગતી. એના દેહમાંથી સતત સ્ફૂર્તિ અને ચંચળતાનું ઝરણું વહ્યા કરતું. ક્યાંથી આવતું હશે આ ઝરણું એનામાં ? એની આસપાસ ચારેબાજુ જાણે આનંદની છોળો જ ઊડ્યા કરતી હોય તેમ એ હંમેશાં નાચ્યા જ કરે. ઘડીકમાં એક ડાળી પર બેસે, એક-બે નૃત્યની મુદ્રા બતાવે અને પળવારમાં ઊડીને બીજી ડાળી પર બેસે. ક્યારેક ઘટામાં થોડી ક્ષણો માટે છુપાઈ જાય અને તરત બહાર ઊડી આવે. મેં એને મોટા ભાગે કમ્પાઉન્ડ વૉલ પરની જાળી પર ચંચળ ઊડાઊડ અને નૃત્ય કરતી જોઈ છે. એ કદાચ એનું પ્રિય સ્થળ હતું. વચ્ચે વચ્ચે વૃક્ષની ડાળીઓ પર આંટો મારી આવતી. પણ આજે એ એના પ્રિય સ્થળ પર નહોતી. મેં યાદ કર્યું કે ગયા રવિવારે એ ત્યાં હતી કે નહીં ? મને ફકત રજાના દિવસોમાં જ આ દુનિયામાં ડોકિયું કરવાની ફુરસદ મળતી. ચાલુ કામકાજના દિવસોમાં આવો સમય મળતો નહીં. મને યાદ ન આવ્યું કે ગયા રવિવારે મેં એને જોઈ હતી કે નહીં.

એની ગેરહાજરીની નોંધ લઈને મેં મારા કમ્પાઉન્ડની અંદરના બગીચામાં નજર વાળી. અચાનક મારી નજર બાલ્કનીની બરાબર નીચે ઊગેલી લીંબુડીની ડાળ પર પડી. ત્યાં કંઈક નવું દશ્ય નજરે પડ્યું. લીંબુડીની પાતળી લીલી ડાળી પર ગોળાકાર નાની ટોપલી જેવું કંઈક દેખાયું. કઠેડા પરથી નમીને મેં નીચે ધ્યાનથી જોયું. મારા આશ્ચર્ય અને આનંદનો પાર નહોતો. એ કોઈ પક્ષીનો માળો હતો ! તેમાં નાનાં નાનાં ત્રણ-ચાર બચ્ચાં દેખાતાં હતાં. બહુ નાનાં, હજી હમણાં જ ઈંડાંમાંથી બહાર નીકળ્યાં હોય તેવાં ! લીંબુડીનાં લીલાં લીલાં પાનની વચ્ચે નાનોશો માળો અને એમાં નાનાં નાનાં બચ્ચાં ! ઉત્તેજનામાં ઝડપથી દાદરો ઊતરીને હું લીંબુડી પાસે પહોંચી. વાઈનગ્લાસ કે ચાના કપ જેવા આકારનો, ઘાસની સળીઓથી ગૂંથાયેલો, ઉપરના ભાગે ખુલ્લો એ માળો ખૂબ સુંદર હતો. ઉપર પારદર્શક પ્લાસ્ટર કર્યું હોય તેમ કરોળિયાનાં જાળાં પાથરેલાં હતાં. કોઈ કુશળ સ્થપતિએ તૈયાર કર્યો હોય તેવી સફાઈબંધ કારીગીરી હતી. કોણ હશે આનો સ્થપતિ ? મને પ્રશ્ન થયો. ઉપરથી જોયું ત્યારે ભૂખરાં, કાળા રંગનાં બચ્ચાં દેખાતાં હતાં. બચ્ચાં એટલાં નાનાં હતાં કે કંઈ ઓળખાણ પડતી નહોતી. કબૂતર, ચકલી, કાબર, કાગડો કે લેલાં આટલી સુંદર ગૂંથણી નથી કરતાં અને આ સુઘરીનો માળો તો નહોતો જ ! કોઈ બીજું નવું પક્ષી આવ્યું હશે કે શું ? તો પછી મારી નજરે એ કેમ નહીં ચડ્યું હોય ? મને હસવું આવ્યું. એમ તો લીંબુડી પર આ માળો પણ કેટલાક દિવસથી બનતો હશે. મારી નજર ક્યાં એના પર પડી હતી ? લીંબુડી પર લીંબુ લાગ્યાં હતાં ત્યારે રોજ રોજ હું ત્યાં જતી અને જોતી રહેતી પણ એક-દોઢ મહિના પહેલાં બધાં લીંબુ ઉતારી લીધા પછી લીંબુડીનો ભાવ કોણ પૂછે ? કેટલી સ્વાર્થી હું ? તો પછી કોઈ નવું પક્ષી અહીંની દુનિયામાં પ્રવેશે તો મને કોણ જાણે ક્યારેય ખબર પડે ! મને થયું એના બારણે ટકોરા મારીને પૂછું, ‘આ કોનું ઘર છે ?’ કે પછી બચ્ચાંને પૂછું, ‘બેટા, શું છે તારા પપ્પાનું નામ ?’ અહીં નીચેથી તો માળામાં અંદર રહેલાં બચ્ચાં દેખાતાં નહોતાં. ઉપર બાલ્કનીમાંથી જોતાં મજાનાં લાગતાં હતાં. હું માળામાં ડોકિયું કરવા માળા તરફ આગળ વધી. લીંબુડીનાં પાંદડાની જાળીમાંથી અચાનક મારી જૂની અને જાણીતી ટપકીલી નાચણ પ્રગટી. અરે, આ તો અહીં છે ! મેં તો એને કમ્પાઉન્ડ વૉલની જાળી પર ન જોઈ એટલે એની ગેરહાજરી પૂરી દીધી હતી ! કાળો-ભૂખરો, ધુમાડિયા રંગનો દેહ, આંખ ઉપરથી માથા સુધી લંબાયેલી સફેદ પાતળી ભમ્મર, પેટનો ભાગ સફેદ, ગળા પર ટપકાં એવાં ગોઠવાયેલાં હતાં જાણે ગલપટ્ટો ! નાજુક, પાતળિયો દેહ એટલો મોહક લાગે ! કાચાં લીલા રંગનાં પાંદડાં વચ્ચે એ જુદી જ તરી આવતી હતી. એટલી ચંચળ કે એક ક્ષણ પણ હલનચલન કર્યા વગર રહી ન શકે.

પંખાની જેમ પૂંછડી અર્ઘગોળાકારમાં ખોલવાની છટા એવી આકર્ષક ! મને જોઈને એણે તીવ્ર અવાજે ‘ચક..ચક…ચક…ચક…’ બોલવાનું શરૂ કર્યું. આજે એટલું જોરથી બોલી રહી હતી ! અચાનક ક્યાંકથી એની જોડીદાર ટપકી પડી. ટપકીલી નાચણનાં નર અને માદા દેખાવમાં સરખાં હોય છે. તેથી દૂરથી જોતાં નર છે કે માદા એવો તફાવત સમજાતો નથી. હવે આ બે જણ મળીને મારી સામે સતત ‘ચક…ચક…ચક…ચક..’ બૂમો પાડવા લાગ્યાં. એવું લાગતું હતું જાણે મારી ઉપર ગુસ્સે ભરાયાં હતાં. ચહેરા પણ તંગ લાગતા હતા. તંગ ચહેરે પણ નાચણ નાચવાનું નહોતી ભૂલી ! મને એમનું આ વર્તન સમજાતું નહોતું. આજે આવી રીતે કેમ વર્તી રહ્યાં છે ? અચાનક ઝબકારો થયો. આ એમનો માળો તો નહીં હોય ! મેં એને હંમેશાં અહીંતહીં ઊડાઊડ કરતી જોઈ હતી પણ ક્યારેય માળો નહોતો જોયો. અલી નાચણ, જો આ તારો માળો હોય તો તને ડિઝાઈનર્સ એવોર્ડ આપવો પડે ! હું લીંબુડીથી થોડી દૂર જઈને શાંતિથી ઊભી રહી ગઈ. જેવી હું દૂર ખસી કે નાચણ યુગલની બૂમો બંધ થઈ ગઈ. બંને નાચણ પાસ પાસેની અલગ અલગ ડાળી પર બેસી ગઈ. એક નાચણ પૂંછડીને પંખાની જેમ ખોલ-બંધ કરીને અર્ધવર્તુળમાં ફેરફુદરડી ફરી. અજબની સ્ફૂર્તિ ! આંખના પલકારામાં તો હવામાંથી ચાંચમાં કંઈક પકડાયું. હવામાં ઊડતાં માખી, મચ્છર, નાનાં જીવડાં એનો ખોરાક ! ચાંચમાં પકડેલો ખોરાક લઈને ઊડીને સીધી જઈ બેઠી પેલા માળા પર.

બંને બાજુ પાંખોને ઢળકતી રાખી પૂંછડી ઊંચી કરી, પંખાની જેમ ખોલી. ચાંચ નમાવી નીચે માળામાં. ચાંચમાનો ખોરાક બચ્ચાંનાં મોંમાં મૂકી રહી હશે. જોવા જેવી છટા હતી ! કેવી અનેરી સુખદ ક્ષણો હશે એના માટે ! માળામાં અંદર શું ચાલી રહ્યું છે તે અહીંથી દેખાતું નહોતું. એટલે હું ઉપર બાલ્કની તરફ દોડી. દાદર ચઢીને ઉપર પહોંચી ત્યારે મા તો ઊડી ગઈ હતી પણ બચ્ચાં માળાની અંદર સળવળાટ કરી રહ્યાં હતાં. થોડી વારમાં માતા (કે પિતા !) ચાંચમાં ખોરાક લઈને ફરી આવી. એક સાથે ત્રણ બચ્ચાંએ બહારથી કાળી પણ અંદરથી પીળા રંગની કોમળ અને ટચૂકડી ચાંચ ખોલી. જાણે પીળા ફૂલની ત્રણ પાંદડીઓ ઊઘડી ! માતાએ સ્ફૂર્તિથી એક ચાંચમાં ખોરાક મૂકી દીધો. આ ક્રિયા દરમ્યાન પણ એનું નૃત્ય તો ચાલુ જ હતું. માળા પર બેઠાં બેઠાં નૃત્યની એકબે મુદ્રા રજૂ કરીને બીજી ડાળ પર ઊડી ગઈ. આજનો રવિવાર તો આ ટપકીલી નાચણ પરિવારના નામે થઈ ગયો હતો. નાચણ ઘડીભર ઝંપીને બેસે નહીં. એક ડાળથી બીજી ડાળ પર જીવડાં પકડવા ઊડ્યા કરે. હવામાંથી ખોરાક પકડવા જાત જાતની ચિત્ર-વિચિત્ર ગુલાંટ મારે. નીચે જમીન પર માખી, મચ્છર દેખાય તો એકદમ જોશભેર નીચેની તરફ ગતિ કરે અને પલકવારમાં એને ઝડપીને ઉપર આવી જાય ! જ્યાં બેસે ત્યાં નાચે, ફુદરડી ફરે, પૂંછડીને ખોલબંધ કર્યા કરે. જાતજાતની નૃત્યમુદ્રાઓ દેખાડે. જાણે સતત નાચતા રહેવું એ જ એનું જીવનકાર્ય ન હોય ! સુખ, દુ:ખમાં, ભય, ગુસ્સો કે મોજ-મસ્તી જેવી લાગણીઓમાંય નાચતા જ રહેવાનું ! ભવાઈમાં જેમ રંગલો સુખની વાત હોય કે દુ:ખની, હાસ્યરસ હોય કે કરુણરસ, ભય કે આશ્ચર્ય જે પણ હોય બધી વાત નાચતાં નાચતાં, ‘તા… થૈયા…. થૈયા… તા.. થૈ !’ સાથે જ કરે તેમ આ નાચણ પણ જ્યારે જુઓ ત્યારે, ‘તા.. થૈયા…’ જ કરતી હોય ! જુદી જુદી લાગણી કે સંજોગો પ્રમાણે એની નૃત્યમુદ્રાઓ બદલાતી હશે ? ભય અનુભવે તો અમુક ચોક્કસ મુદ્રા દર્શાવે કે ગુસ્સામાં હોય ત્યારે અમુક ચોક્કસ મુદ્રા વ્યક્ત કરે. એવી લાગણીની અભિવ્યક્તિ નૃત્યમુદ્રાઓ દ્વારા થતી હશે ? સંશોધનનો વિષય છે.

આ પછી તો રોજ રોજ નાચણનો માળો મારા માટે મારા બગીચાનું કેન્દ્રબિંદુ બની ગયો. નાચણયુગલ માળાની આસપાસ ઊડ્યા કરતું અને એક ડાળથી બીજી ડાળ પર નૃત્ય કર્યા કરતું. બચ્ચાંની સારસંભાળ લેતું. હું માળાની નજીક જવા કોશિશ કરું તો ગુસ્સે થઈને બંને બૂમો પાડતાં. તેમને ખલેલ ન પડે તેમ થોડે દૂર રહીને એમની પ્રવૃત્તિઓ કૅમેરામાં ઝડપવાની કોશિશ કરી. દૂર રહીને ચકલીથી સહેજ જ મોટા કદના પંખીની પ્રવૃત્તિઓની તસવીર કૅમેરામાં લેવી અઘરી હોય છે. એમાંય આ તો એકદમ ચંચળ ! કૅમેરાની ચાંપ દબાવો એટલી વારમાં તો એની મુદ્રાઓ બદલાઈ ગઈ હોય અથવા તો ઊડીને બીજી ડાળી પર બેસી જાય ! એક દિવસ મારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે એક બચ્ચાએ માળામાંથી બહાર ડોકું કાઢ્યું. જાણે મને ‘હેલો’ ના કહી રહ્યું હોય ! એની ભોળી ભોળી આંખો ફેરવીને નવી વિસ્મયકારક દુનિયા જોતું હતું. પોતાની ડોક આમતેમ ફેરવી. પછી માથું ઊંચું કરીને એણે આકાશ તરફ જોયું. નાનકડો ફિલસૂફ હોય તેમ આકાશમાં તાકી રહ્યું ! થોડી વારમાં બીજા બચ્ચાએ પણ માથું ઊંચું કર્યું. હવે બચ્ચાં માળામાં જાણે સમાતાં નહોતાં ! અને એક દિવસ એવો આવ્યો જ્યારે બચ્ચાંને પાંખો ફૂટી. માળામાં પાંખોનો ફડફડાટ છવાઈ ગયો. એકસાથે બધાં બચ્ચાં પાંખો ફેલાવે. વીંઝવાનો પ્રયત્ન કરે. પાંખોના ફેલાવાથી આખો માળો ભરાઈ ગયો. બધાં એકબીજા સાથે ગેલ કરે. મસ્તીમાં ઝીણો ઝીણો કલરવ કરે. એમની આ બધી પ્રવૃત્તિઓને મેં મારા કૅમેરાની મર્યાદિત ઝૂમ ક્ષમતા વડે તસવીરોમાં કંડારવાની કોશિશ કરી. એક વાર પાંખો ફૂટે પછી તો બચ્ચાંની નજર દૂરની દિશાઓ તરફ જ મંડાય ! એક દિવસ સાંજે ઘરે આવીને જોયું તો માળામાં એક જ બચ્ચું હતું. બાકીનાં ઊડી ગયાં હતાં ! બીજી સાંજે હું લીંબુડી પાસે ગઈ તો એકેય ડાળી પર નૃત્ય કરતું નાચણયુગલ ન દેખાયું. મેં એમતેમ બધે નજર ફેરવી પણ નજીકમાં ક્યાંય નાચણ દેખાઈ નહીં. હું ધીરેથી માળાની નજીક સરકી. માંડ મોકો મળ્યો હતો માળાને નજીકથી જોવાનો ! નજીક જઈને ઊંચા થઈને માળામાં ડોકિયું કરતાં પહેલાં મેં ફરી આસપાસ જોયું. ક્યાંયથી ‘ચક…ચક’ નો ગુસ્સા ભરેલો અવાજ ન સંભળાયો. ડરતાં ડરતાં મેં અંદર નજર કરી. બચ્ચાની ભોળી ભોળી આંખો નહોતી ચમકતી, પાંખોનો ફરફરાટ નહોતો, ઝીણો ઝીણો કલરવ પણ નહોતો. ક્યાંય ચેતન નહોતું, અંદર વેરાન ફરકતું હતું. મેં ધીમેથી મારી આંગળી અંદર ફરકતા વેરાનમાં ફેરવી. માળાની ગૂંથણીનો નરમ નરમ સ્પર્શ સંવેદનામાં ભરીને આંગળી પાછી ફરી અને હું માળામાં ફરફરતા વેરાનમાં સમાયેલી યાદોને ભરીને પાછી વળી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુરુભક્ત આરુણિ – અજ્ઞાત
મનહંસા મોતી ચારો – સં. હસમુખ વી. પટેલ Next »   

12 પ્રતિભાવો : માળો ઝૂલ્યો ડાળે – નીતિ દવે

 1. Trupti Trivedi says:

  Beautiful!!! Very few gets chance to enjoy nature like this.

 2. Hiral Thaker 'Vasantiful' says:

  મને થયું એના બારણે ટકોરા મારીને પૂછું, ‘આ કોનું ઘર છે ?’ કે પછી બચ્ચાંને પૂછું, ‘બેટા, શું છે તારા પપ્પાનું નામ ?’

  બંને બાજુ પાંખોને ઢળકતી રાખી પૂંછડી ઊંચી કરી, પંખાની જેમ ખોલી. ચાંચ નમાવી નીચે માળામાં. ચાંચમાનો ખોરાક બચ્ચાંનાં મોંમાં મૂકી રહી હશે. જોવા જેવી છટા હતી ! કેવી અનેરી સુખદ ક્ષણો હશે એના માટે !

  Realy very nice….! How beautifully you write . The whole article moves in front of us like a live movie.

  Thank you

 3. ashish m shah says:

  good very good

 4. URMILA says:

  artistically written article – ‘The whole article moves in front of us like a live movie.’
  Completely in agreement with Hiral

 5. pragnaju says:

  નીતિ દવેની ‘માળો ઝૂલ્યો ડાળે’ બે વાર વાચી .આંખો બધ કરી પંખીની લાગણીઓ સમજવા પ્રયત્ન કર્યો.
  છેલ્લે વાંચતા ‘ એક દિવસ સાંજે ઘરે આવીને જોયું તો માળામાં એક જ બચ્ચું હતું. બાકીનાં ઊડી ગયાં હતાં ! બીજી સાંજે હું લીંબુડી પાસે ગઈ તો એકેય ડાળી પર નૃત્ય કરતું નાચણયુગલ ન દેખાયું. મેં એમતેમ બધે નજર ફેરવી પણ નજીકમાં ક્યાંય નાચણ દેખાઈ નહીં. હું ધીરેથી માળાની નજીક સરકી. માંડ મોકો મળ્યો હતો માળાને નજીકથી જોવાનો ! નજીક જઈને ઊંચા થઈને માળામાં ડોકિયું કરતાં પહેલાં મેં ફરી આસપાસ જોયું. ક્યાંયથી ‘ચક…ચક’ નો ગુસ્સા ભરેલો અવાજ ન સંભળાયો. ડરતાં ડરતાં મેં અંદર નજર કરી. બચ્ચાની ભોળી ભોળી આંખો નહોતી ચમકતી, પાંખોનો ફરફરાટ નહોતો, ઝીણો ઝીણો કલરવ પણ નહોતો. ક્યાંય ચેતન નહોતું, અંદર વેરાન ફરકતું હતું. મેં ધીમેથી મારી આંગળી અંદર ફરકતા વેરાનમાં ફેરવી. માળાની ગૂંથણીનો નરમ નરમ સ્પર્શ સંવેદનામાં ભરીને આંગળી પાછી ફરી અને હું માળામાં ફરફરતા વેરાનમાં સમાયેલી યાદોને ભરીને પાછી વળી.
  મને ‘ડૂમો ભરાઈ આવ્યો.મનમા થયું-
  “એક વાર પાંખો ફૂટે પછી તો બચ્ચાંની નજર દૂરની દિશાઓ તરફ જ મંડાય !” એ સાદુ સત્ય મન કેમ સહજતાથી સ્વીકારતું નથી? સરસ અનુભીતિ માટે અભિનંદન

 6. Ami says:

  ખુબ જ સરસ…

 7. Keyur Patel says:

  બહુજ સુંદર અને સુક્ષ્મ નિરક્ષણ !!! વાંચવાની મજા આવી.

 8. બહેન ! તમારી સૂક્ષ્મદૃષ્ટિથી લખાયેલો આ લેખખૂબ જ
  ઝીણવટવાળી નિરીક્ષણ વૃત્તિ દર્શાવે છે.તમારું લખાણ
  દાદ આપવાને પાત્ર ગણાય !અભિનંદન સહ આભાર !

 9. Ramesh Shah says:

  કુદરતે રચેલી આ સ્રુષ્ટી ની આટલા નજીક જઈને આ રીતે જ નિહાળી શકાય અને વાંચતાં મનભરાય જાઈ એવી લેખન શક્તિ ને ખુબ અભિનંદન.આવું અવલોકન વાંચ્યા બાદ નીતિ ને એટલું જ પુછવાનું કે તમે ક્યાં રહો છો? ક્યા શહેરમાં આવુ અલોકીક દ્રશ્ય જોયું?

 10. Jayesh says:

  Niti, you have wonderful eyes to observe such things, sensitive heart to comprehend it emotionally and brilliant brain to describe it.

 11. SatishSwami says:

  Excellant. No ned to comment.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.