સુખ સુધીનું અંતર – જિજ્ઞાસા જાની

[રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2007માં પ્રાપ્ત થયેલી અનેક કૃતિઓમાંની એક કૃતિ. શ્રીમતી જિજ્ઞાસાબેનનો (ટેક્સાસ, અમેરિકા) આપ jjani27@yahoo.com પર સંપર્ક કરી શકો છો.]

મંગળફેરા થઈ ગયા અને હવે નવદંપતી વડીલોનાં આશીર્વાદ લઈ રહ્યા છે. જગતભાઈનાં હોઠો પરથી હાસ્ય ખસતું નથી. આજે એમણે સુખી થવાના બઘા જ પગથિયા ચઢી લીઘા છે. હમણાં જ એમને કેટલાક સગાવ્હાલાઓએ કહ્યું કે તમારા જેવું સુખી માણસ બીજું કોઇ જ નથી, અને એ વિચારે એમની છાતી ગજ ગજ ફુલી રહી છે. એમણે મોટા હોલમાં લગ્ન સમારંભ ગોઠવ્યો છે. જગતભાઈએ નજીક અને દૂરનાં સગા, યાદ કરીને બધા મિત્રો અને પરિવારોને સહકુટુંબ આમંત્રણ આપ્યા હતા. ભારતીય સંસ્ક્રુતિ જળવાઈ રહે અને આઘુનિકતા અને ભોતિક જાહોજલાલી છળકે એ માટે પાણીની જેમ પૈસા વાપર્યા છે. દિકરી-જમાઈની ઈચ્છાઓ સંતોષી અને સાથે-સાથે પોતાના મોભાને અનુરૂપ વ્યવહાર કર્યા છે. લગ્નમાં કરેલી ધામધુમ વર્ષો સુધી કુટુંબમાં ચર્ચાનો વિષય બની રહેશે એની જગતભાઈને ખાત્રી છે.

જગતભાઈને તરલામાસીનો લગ્ન પ્રસંગ યાદ આવી ગયો. એ વખતે તેઓ જગતભાઈ નહી પણ આઠ વરસનો જગુ હતો. આજે પણ તેમને લગ્નમાં થયેલી ઘામઘુમ યાદ છે. અને હોય જ ને, બા તો જીવતી હતી ત્યાં સુઘી એ પોતાના મામાનાં ઘરનાં દરેક પ્રસંગ વિશે વારંવાર વાત કરતી. બા એમના મામાને ઘરે ઉછરેલી. મામા ગામમાં ઘણા પ્રતિષ્ઠિત વ્યકતિ ગણાતા. કેટલાક વર્ષો તેમણે સરપંચ તરીકેની ફરજ પણ બજાવેલી હતી. મામાને ત્રણ દિકરાઓ અને બે દિકરીઓ હતી. મોટો દિકરો એ ડોક્ટર બન્યો. એમણે બાને સગી દિકરીની જેમ જ ઉછેરી હતી. મામાના ઘરે ઘન-દોલત અને સુખ સાહ્યબીની છોળો ઉડતી. મામાની ઓળખાણથી જ પિતાજીને સરકારી દવાખાનામાં કમ્પાઉંડરની નોકરી મળી હતી. બાને હંમેશા અફસોસ કે પિતાજી ડોક્ટર નથી. તરલામાસીના લગ્ન એ ઘરમાં છેલ્લો પ્રસંગ હતો. મામાએ ખર્ચો કરવામાં પાછું વાળીને જોયું ન હતું.

તરલામાસીનાં લગ્ન પછી, બાએ તો દિવસો સુઘી પિતાજીને શાંતીથી બેસવા ન દીઘા. ‘બઘા મને પૂછતા હતા, અરે ગંગાબેન આવી સાડી કેમ પહેરી છે? આ તો તમારા ઘરનો પ્રસંગ છે તો આવી સાદાઈ કેમ? એ તો મેં વાત વાળી લીઘી, કેમ કહું કે મારે તો કમ્પાઉંડરના પગારમાંથી ચલાવવું પડે છે?’ બા આગળ કહે, ‘મારા મામાના ઘરનાં બઘા કેટલા સુખી છે?’ હવે મારી સામે જોઈને બાએ કહ્યું, ‘જો સાંભળ જગુ, તારે ભણીગણીને ડોક્ટર બનવાનું છે. ખુબ પૈસો કમાવજે, સારી કન્યાને પરણજે અને ભગવાન ચાર-પાંચ દિકરા-દિકરીઓ આપે. ભગવાન તને હંમેશા સુખી રાખે.’ બા આવા આશીર્વાદ જગુને હંમેશા આપતા. વારંવાર આવું સાંભળવાથી, જગુભાઈના મનમાં એકવાત બરાબર ઠસી ગઈ કે સુખી થવા ડોક્ટર બનવું, ખૂબ પૈસા કમાવવા અને મોટા પરિવારને સંભાળવુ. હવે જગતભાઈના જીવનમાં એક જ ઘ્યેય, સુખી થવું છે.

જગુએ ભણવામાં ખૂબ મહેનત કરી. ગામની શાળામાં જગુનો નંબર પહેલા પાંચમાં જ આવતો. પણ ભણવામાં હોંશિયાર હોવાથી સુખ મળતું નથી. જગતભાઈને તો ડોક્ટર બનીને ધનવાન થવું હતું. એમની અથાગ મહેનત છતાં, બારમા ઘોરણનું પરિણામ સારું ન આવ્યુ. જગતભાઈને લાગ્યુ કે હવે એમને જીવનમાં ક્યારેય સુખ નહિ મળે. પિતાજીના સમજાવ્યા પછી એમણે ફાર્મસીસ્ટ બનવાનું નક્કી કર્યુ. આમ, ઘણી નાની ઉંમરથી જ જગતભાઈએ ‘સુખી થવું છે’ ના સપના પાછળ આંઘળી દોટ મૂકી. અને એમની બાએ કહેલા રસ્તા પર ચાલી નીકળ્યા.

એક નાનકડો છોકરો રમતો રમતો આવી અથડાયો અને જગતભાઈ વર્તમાનમાં આવી ગયા. પછી મનોમન કહે છે, હવે માત્ર ઘર ઘરનાં, વેવાઈ પક્ષનાં અને દિકરી-જમાઈએ જમવાનું બાકી છે. લાવ હું એકવાર રસોડામાં જઈ આવું, એમ વિચારતાં, પોતે મંડપના પાછળના ભાગ તરફ ચાલવા માંડ્યા. ક્ષણભરમાં ફરીથી પોતાની સંપત્તિ અને સફળતા પર ઓળઘોળ થવા માંડ્યા. ભગવાનની દયા અને પિતાજીનાં આશીર્વાદથી મારાં ત્રણેય બાળકોનાં સારા ઘરે લગ્ન થયાં છે. રસોઈયા મહારાજ સાથે વાત કરી, સંતોષથી પાછા વળતાં, તેમની નજર, લાડુની થાળી પડી અને જગતભાઈનાં પગ થંભી ગયા.

વાહ, શું લાડવા છે? બરોબરો ગોળ, અસલ ઘીનાં, ગોળ નાખીને બનાવેલા, અને ખસખસમાં રગદોળેલા…એની સુગંધથી કયારે જગતભાઈનાં પગ બે ડગલાં આગળ વધ્યા એની તેમને ખબર જ ના પડી. બસ, એક આખો લાડવો ખાવા મળે તો એનાથી વધુ આનંદ બીજા કશામાં જ નથી. બસ, જરાક હાથ લાંબો કરું અને લાડવો લઈ લઉં. પરંતુ, જગતભાઈને પોતાની દિકરીને આપેલું વચન યાદ આવ્યું, ‘(I promise) બેટા, હું ગળ્યું નહિ ખાઉં. મારા ડાયાબીટીસને વધવા નહી દઉં. પણ દિકરી, તું થોડીકવાર માટે ભૂલી ન જાય કે તું ડોક્ટર પછી અને દિકરી પહેલાં છે?’ તરત જ દિકરીની વહારે આવતા જયાબેન બોલ્યા હતાં, ‘બધા તમારી ભલાઈ માટે જ તો કહે છે. છેલ્લા બે મહિનાથી તમારે સવાર-સાંજ, ઇન્સ્યુલીનનાં ઇન્જેકશનો લેવા પડે છે. હવે તો આપણી ડોક્ટર દિકરી, પરણીને સાસરે જશે, પછી કયાંક જાન વિદાયવેળાએ, દોડાદોડ ના કરાવશો. એટલા માટે જ તો હું જમણવારમાં લાડુની ના કહેતી હતી. આમ, જોવા જઈએ તો, આજનાં જમાનામાં, લાડુ જ કોણ ખાય છે? એમાં પણવળી અમેરિકાથી આવેલા લોકો?..’ જયાબેનનું બોલવાનું ચાલુ હતુંને જગતભાઈ ઓરડામાંથી બહાર નીકળી ગયા.

બત્રીસની ઉંમર વટાવી ચુકેલી દિકરી માયાએ આખરે લગ્ન કરવાની હા કહી. પણ સાથે તરત જ ઉમેર્યું કે પોતે જીવનસાથી પણ શોધી લીધો છે. કોલેજમાં અને રેસીડેન્સીમાં જોડીદાર એવો, ભારતીય મહારાષ્ટીયન બ્રાહ્મણની સાથે લગ્ન નક્કી થયાં. ચાલો સરસ, જમાઈ પણ ડોક્ટર છે. છેલ્લા પ્રસંગને ધામધુમથી કરવાના હેતુથી સૌ મુંબઈ આવ્યા, અને નાનપણથી લાડુભક્ત એવા જગતભાઈની જીદને લીધે લાડુની મીઠાઈને જમણમાં રાખવામાં આવી હતી. નાના હતા ત્યારે રીસાયા હોય કે પહેલા નંબરે પાસ થયા હોય, જગતભાઈ માટે બા લાડુ અનેકવાર બનાવતા.

જગતભાઈનાં મોટા દિકરાએ તો, અમેરિકન-ઈટાલીયન છોકરીની સાથે લગ્ન કર્યાં હતાં. અનિચ્છાએ, જગતભાઈ-જયાબેને દિકરાનાં આ લગ્ન મંજુર કરેલાં. જગતભાઈને તો જાણે તેમની માથે આભ તુટી પડતું લાગ્યું અને તેમના ઉપર દુઃખનાં ડુંગર ફરી વળ્યાં. તેમને થયું કે આ પહેલાં પોતે બધી જ રીતે સુખી હતા અને કોઈએ તેમના સુખમાં આગ ચાંપી.

લાગે છે, હજી હમણાં જ તો, જગતભાઈનાં જયાબેન સાથે લગ્ન થયાં હતાં. વાહ, પોતે કેટલા બધા નસીબદાર કે આટલી સદગુણી અને સુશીલ પત્ની મળી. જયાબેન સાથે પોતાની જીદંગી, ન્યુજર્સીમાં આવેલા નાના અપાર્ટમેંટમાં શરુ કરી હતી. ફાર્મસીસ્ટ તરીકેની નોકરી એક સારી દુકાનમાં મળી હતી. બંને હુતો-હુતી, સારી કમાણી અને સારી બચત હતી. આ સુખમાં વધારો કરવા આવી- માયા. આ બધું તો જાણે એમને વગર માંગ્યે જ મળી ગયું હતું. થોડાંક વર્ષો પસાર થયાં અને તેમની દિકરા માટેની ઈચ્છા પુરી થતી નહોતી. જગતભાઈ ભગવાનને બસ એક જ પ્રાર્થના કરતા, ભગવાન એક દિકરાથી અમારા જીવનમાં આનંદ છવાઈ જશે. અમારા સુખમાં માત્ર એક શેર માટીની ખોટ છે. આખરે જગતભાઈને ઘેર એક પછી એક બે દિકરાનો જન્મ થયો. મોટા દિકરાનું નામ જયેશ અને નાના પુત્રનું નામ જીત રાખ્યું.

સમયને જતાં વાર લાગતી નથી. ઘરમાં જયાબેને બાળકોને ઉછેરવામાં ધ્યાન કેન્દ્દિત કર્યું અને જગતભાઈ કમાણી કરવામાં લાગી પડયા. થોડાક વર્ષો પછી, સૌ ફલોરિડા રહેવા ગયાં. અહીં જગતભાઈએ એક પછી એક એમ બે દવાની દુકાનો કરી. આજે સગાવ્હાલામાં પૈસે-ટકે સૌથી વધુ સમ્રુધ્ધ અને સુખી પોતે છે; એ વાતની જગતભાઈને જાણ હતી. એમની ખુબ જ ઈચ્છા હતી કે એમના દિકરા ડોક્ટર બને. પોતાના પિતાની જે ઈચ્છા જગતભાઈ પોતે ન પૂરી કરી શકયા એ એમના દિકરાઓ કરશે એવો તેમનો વિશ્ર્વાસ હતો. મારા બંને દિકરાઓ ડોક્ટર થાય તો હું છાતી કાઢીને કહું કે અમે અમેરિકામાં આવીને આપણા ગામ અને ઘરનું નામ ઊજાળ્યું છે. પણ હકીકતમાં જગતભાઈનાં સપનાં કરતા સહેજ જૂદુ થયું. માયાને મેડીકલમાં રસ હોવાથી એ ડોક્ટર બની, જયેશ કોમ્પ્યુટર એંજિનિયર બન્યો અને જીત ફાર્મસીનું ભણ્યો. જીતે હવે દુકાનો સંભાળવામાં ઘણો જ મદદરુપ છે.

ચાલો એમ પણ ચાલત. પણ, જ્યારે જયેશે જેસિકા જોડે લગ્ન કયૉ અને, દિકરી માયાના હાથ પીળા કરવાની ઈચ્છા કયારે ચિંતામાં બદલાઈ ગઈ એ ન તો જગતભાઈને ખબર પડી કે ન જયાબેનને. આ બનાવથી ચેતી જઈને, તેમણે બીજા દિકરા, જીતના વિવાહ જ્ઞાતિની જ યોગ્ય કન્યા સાથે વહેલા કરાવી દીધા. સમય જતાં, જેસિકા તેના સારા મળતાવડા સ્વભાવને લઈને, કુટુંબમાં ભળી ગઈ. હવે તો બસ માયાનું ઠેકાણું પડે એટલે બસ, સુખથી રામનામ ભજશું એમ જગતભાઈ વારંવાર જયાબેનને કહેતા.

જીવનની ઘટ્માળ ચાલતી ગઈ. પરંતુ જગતભાઈએ આમાંથી કશું જ અનુભવ્યું નથી. ક્યારે બાળકો મોટા થયા અને કયારે જગતભાઈ ઘડપણને ઉંબરે આવી ઊભા એની તેઓને જાણ પણ નથી. એમણે જીવનને એક જ હેતુથી જીવ્યું છે. જગતભાઈએ સુખ પાછળની દોડમાં ઘણું અંતર કાપ્યું. આ સફરમાં એમણે પોતાના સ્વાસ્થ્યનું ઘ્યાન ન રાખ્યું. આજે તેઓ નિયમિતપણે ડાયાબીટીસ, હ્રદયરોગ અને વા માટેની દવાઓ લે છે.

લાડુની સામે જોતાં, જગતભાઈ મનમાં જ બોલ્યા આજે આ ખુશીનો દિવસ પણ આવ્યો અને માયાના લગ્ન લેવાઈ ગયા. આ બધું જ પિતાજીના આશીર્વાદથી જ શક્ય બન્યું છે. અને જો બા જીવતી હોત તો અમારા આ સૌભાગ્યની નજર જરૂર ઉતારત. બા પણ આવા જ સરસ લાડુ બનાવતી હતી. મને લાડુ બહુ ભાવે એટલે કહે, ‘જગુ, તું સાચો બામણ, તને તો જનમથી લાડવા બહુ ભાવે છે.’ અને જગતભાઈને યાદ આવ્યું કે એ પાંચ વરસનાં હતા ત્યારે ઘેર ગણપતિભગવાનની પૂજા રાખી હતી. બીજા પકવાનની સાથે લાડુ પણ હતા. સવારથી એ લાડુની થાળીની આજુબાજુ ફરતા જગુએ વારાફરતી બા, ફોઈ, આશાકાકી, પાસે જઈને એક, બે, ત્રણ… કરીને કુલ ચાર લાડુ ખાઈ ગયા. બાએ જાણ્યું એટલે જગુભાઈને કડક સૂચના મળી કે હવે એકપણ લાડુ ખાવાનો નથી. અને બાએ કહ્યું કે જો તું સંતાઈને પાંચમો લાડવો ખાઈશ તો ગણપતિદાદા તને જોઈ જશે અને પાપ લાગશે. જગતભાઈએ આખી સાંજ લાડુ સામે જોઈને કાઢી. કદાચ ગણપતિદાદા દૂર જાય અને મને એક લાડુ ખાવા મળે !

એવી જ લોભામણી નજરે લાડુને જોઈને ઊભા હતા અને ત્યાં જ જીતનો અવાજ સંભળાયો,’ ડેડી, (let’s go) બધા તમારી રાહ જુએ છે. તમારે જીજાજીની બાજુમાં બેસવાનું છે. થાળીઓ પીરસાઈ ગઈ છે.’ જગતભાઈએ જઈને જોયું તો બધા જમવા માટે બેસી ગયા હતા અને ભાણાં પીરસાઈ ગયા હતાં. માત્ર એમની જ ખુરશી ખાલી હતી. પોતાના સમગ્ર પરિવારની સાથે એ પણ જમવા બેઠા અને ત્યાં જ જગતભાઈએ પોતાની થાળીમાં જોયું તો…લાડુ! જગતભાઈ મનોમન વિચારે છે, મે પૂરા પાંસઠ વરસની જીદંગી ગાળી. જીવનમાં ઘણી ભાગદોડ કરી, ઉતાર-ચઢાવ જોયા, ઠોકરો ખાધી. ત્યારે જતા આજે જીવનમાં આટલી સફળતા મળી છે. આખરે બાની ઈચ્છા પ્રમાણે મારી પાસે ઐશ્વર્ય છે, મારી દિકરી ડોક્ટર બની અને બંને દિકરા ખૂબ ભણેલા છે, મોટો પરિવાર છે, છતાં જીવનમાં કશુંક ખૂટે છે. ભલે દુનિયા કહે, પણ મને પોતાને હું સૌથી સુખી માણસ લાગતો નથી. જગતભાઈને જીવનનાં થોડા-થોડા અંતરે જુદી જુદી ઈચ્છાઓ અને જરૂરીયાતોથી સુખ મળશે એમ લાગતું હતું. આજે, બાની વાખ્યા પ્રમાણે એમની પાસે બઘુ જ છે, છતાં હ્રદયમાંથી સુખની અનુભૂતિ થતી નથી.

આમ તો છેલ્લા મહિનાથી એમને કંઈક અજંપો લાગ્યા કરે છે. ચિંતા કરવાને બદલે એમ વિચાર્યુ કે કદાચ, દિકરીના લગ્નની તૈયારીની દોડઘામનો થાક હશે. પણ આવા ઉલ્લાસનાં પ્રસંગે થાક ન લગાડાય, એમ વિચારીને ફરીથી જોશમાં આવી ગયા. ગઈકાલની સાંજથી વળી પાછા એ ઢીલા પડી ગયા. આમ શા માટે થાય છે એ જગતભાઈને સમજાતું નથી.

આખરે જગતભાઈએ પોતાના અત્યંત પ્રિય અને જ્ઞાની મિત્ર ચૈતન્યને મોકળા મને વાત કરી. ચૈતન્ય અને જગતભાઈની મૈત્રી લગભગ પચાસેક વર્ષો જૂની. અને એટલે માત્ર દોસ્ત નહિ પણ સગા ભાઈ જેટલા હેતથી ચૈતન્યએ કહ્યું,’ ચાલો તો હવે હું તમને કહું જગતભાઈ કે આ અજંપો કેમ છે. તમે બાળપણમાં જ તમારું જીવન કેમ જીવશો એનાં માપદંડ નક્કી કરી નાખ્યા છે. જીવનના દોરેલા ચિત્રને સાકાર કરવા તમે ઘણો જ ભોગ આપ્યો. તમે સમય અને સંજોગો સાથે લડ્યા છો. અને દેખીતી રીતે સફળ થયા છો. પણ, તમે જીદંગી પસાર કરો છો અને જીવવાનું ભુલી ગયા છો.’ જગતભાઈના ખભા પર હાથ મૂકીને ચૈતન્યએ કહ્યું,’ માયાએ મેડિકલમાં દાખલો લીઘો ત્યારે તમે એના આનંદમાં સુખી થવાને બદલે, જયેશ અને જીતનાં ભવિષ્યની ચિંતામાં લાગી ગયા. જયેશનાં લગ્નને વઘાવવાને બદલે, જીતની જીવનસંગીની શોઘમાં ખોવાઈ ગયા. તમારા પૌત્ર-પૌત્રીઓને રમાડવાને બદલે, માયાનાં માટે મૂરતિયાના ઘર ગણવા માંડ્યા. જીવનમાં આગળ વઘવા માટે ઘ્યેય જરૂરી છે પણ લક્ષ્ય મળતા તેને ઓળખવું પણ એટલું જ જરૂરી છે. નહીતર પછી લોકો તમારી જેમ દોડતા જ રહી જશે.’ ગઈકાલે રાત્રે જ અનિન્દ્રાના દરદી, જગતભાઈ, વિચારતા હતા કે હવે બને તો એક વધુ દુકાન કરવી છે. હવે મને જીતની મદદ છે, તો ત્રણ દુકાન સંભાળવામાં મુશ્કેલી નહી પડે. અત્યારે જગતભાઈને પોતાની નાદાની સમજાઈ રહી હતી. અને આ જ્ઞાન થવાથી બાકીની જીંદગીની ઘોડાદોડથી પોતે બચી જશે એની ખુશીથી તેઓ ચૈતન્યને ભેટી પડ્યા. વળી ચૈતન્યએ કહ્યું,’ સુખ સુઘીનુ અંતર બહુ દૂર હોતું નથી. એના માટે તો નિખાલસ મન અને સમજુ હ્રદય જોઈએ.’

અત્યારે બઘાની સાથે બેઠેલા, જગતભાઈ ચૈતન્ય સાથે થયેલ વાતને યાદ કરે છે. આજે, આટલા વર્ષે જગતભાઈની એક જ ઈચ્છા છે, લાડુ ખાવાની. પાંસઠ વરસના જગતભાઈ અને પાંચ વર્ષના જગુને માટે સુખ સુધીનું અંતર હાથ લાંબો કરવા સુધીનું જ હતું. જગતભાઈએ જોયું કે બધા વાતોમાં મશગૂલ છે એ તકનો લાભ લઈને એમણે હાથ લાંબો કર્યો અને લાડવાનો અડધો ટુકડો ઝડપથી મોંઢામાં મુકી દીધો. લાડુની મીઠાશ મોંમા ઓગળી રહી છે અને હોઠો પર નિર્દોષ હાસ્ય રમી રહ્યું છે. જગતભાઈને અત્યારે પરમ સુખનો અનુભવ થઈ રહ્યો હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્કૂટર વિષે – નિર્મિશ ઠાકર
શ્રી ગુણેશ સ્તુતિ – પુરાણોક્ત Next »   

19 પ્રતિભાવો : સુખ સુધીનું અંતર – જિજ્ઞાસા જાની

 1. Hiral Thaker 'Vasantiful' says:

  Nice story…..!!!!!!!!!

 2. Krunal Choksi, NC says:

  its a wonderful story….seriously people just run after the mirage and just forget real happiness u can derive from small incidents…..

  excellent story….

 3. pragnaju says:

  “ભલે દુનિયા કહે, પણ મને પોતાને હું સૌથી સુખી માણસ લાગતો નથી. જગતભાઈને જીવનનાં થોડા-થોડા અંતરે જુદી જુદી ઈચ્છાઓ અને જરૂરીયાતોથી સુખ મળશે એમ લાગતું હતું. આજે, બાની વાખ્યા પ્રમાણે એમની પાસે બઘુ જ છે, છતાં હ્રદયમાંથી સુખની અનુભૂતિ થતી નથી.”
  આ મનુષ્ય સહજ સુખ માટેની પ્રકૃતિનું નીરીક્ષણ અને દરેકની તે પ્રાપ્ત કરવાની પધ્ધતિ-
  “આટલા વર્ષે જગતભાઈની એક જ ઈચ્છા છે, લાડુ ખાવાની. પાંસઠ વરસના જગતભાઈ અને પાંચ વર્ષના જગુને માટે સુખ સુધીનું અંતર હાથ લાંબો કરવા સુધીનું જ હતું. જગતભાઈએ જોયું કે બધા વાતોમાં મશગૂલ છે એ તકનો લાભ લઈને એમણે હાથ લાંબો કર્યો અને લાડવાનો અડધો ટુકડો ઝડપથી મોંઢામાં મુકી દીધો. લાડુની મીઠાશ મોંમા ઓગળી રહી છે અને હોઠો પર નિર્દોષ હાસ્ય રમી રહ્યું છે. જગતભાઈને અત્યારે પરમ સુખનો અનુભવ થઈ રહ્યો હતો. “સરસ નીરુપણ
  ધન્યવાદ

 4. bharat dalal says:

  There is no end of satisfying desires; a way to become unhappy. Santosh is the key of happiness.

 5. H. G. SHAH says:

  It’s a very good article.

 6. Bhavna Shukla says:

  પાંસઠ વરસના જગતભાઈ અને પાંચ વર્ષના જગુને માટે સુખ સુધીનું અંતર હાથ લાંબો કરવા સુધીનું જ હતું.
  ………………………………………………………………….
  મેળવીએ તો ઘણુ પણ માણીએ કેટલું? લેખીકાએ બહુ સુચક શબ્દોમાં કહ્યુ કે જીવનમાં આગળ વઘવા માટે ઘ્યેય જરૂરી છે પણ લક્ષ્ય મળતા તેને ઓળખવું પણ એટલું જ જરૂરી છે. સુંદર વાર્તા.

 7. Keyur Patel says:

  હં હં!! વાર્તા છે.

  મેરે મન યે બતા દે તુ, કિસ ઑર ચલા હૈ તુ
  ક્યા પાયા નહી તુને, ક્યા ખોજ રહા હૈ તુ….

 8. Ashish Dave says:

  Simply great… enjoy what you have rather than looking for what you don’t. Nice presentation as well.

  Ashish Dave
  Sunnyval, CA

 9. Dhaval B. Shah says:

  Nice one!!

 10. Arati Patel says:

  મસ્ત વર્તા હતિ.. મજા આવિ ગઇ.. આગલ વધતા રહો

 11. Jignasa says:

  Thank you everyone for your honest and encouraging feedback. Readers comments means a lot to me.

 12. Atul Jani says:

  ૧.ધ્યેય નીશ્ચિત કરવું.
  ૨.ધ્યેય ને પામવા માટે પ્રામાણિક પ્રયત્નો કરવાં. ૩.ધ્યેય સુધી પહોંચવુ .
  ૪. પ્રાપ્તિનો આનંદ માણવો

  જીવન સાફલ્ય માટે ના ઉપરોક્ત ચાર સોપાન માં થી જો એકાદ નો પણ અભાવ હોય તો જીવન સંપુર્ણપણે આનંદમય બની શકતુ નથી.

  જીગ્નાસા બહેન આવા સુંદર લેખનું નિરુપણ કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ્.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.