બે લલિતનિબંધો – રીના મહેતા

[‘ખરી પડે છે પીછું’ પુસ્તકમાંથી સાભાર.]

[1] એકાંતનું અનુસંધાન

આખા ઘરમાં હું એકલી છું! તદ્દન એકલી! આ કોઇ મોટી વાત નથી. પણ, મારે માટે તો રોમાંચક જ છે. આવું એકાંત ઘણા વખત પછી સાંપડ્યું છે. વિશ્વ આખું જાણે ઊંડા મૌનમાં ડૂબી ગયું હોય તેમ ચારે બાજુ શાંતિ જ શાંતિ છે. ઘરમાં મારા પગરવ સિવાય બીજો કોઇ જ અવાજ નથી. કેવળ ઘડિયાળનું લોલક ટક-ટક અવાજ કર્યા કરે છે. મને મીઠી મુંઝવણ થાય છે કે હું શું કરું? કોઇ સરસ કેસેટ સાંભળું કે વાંચુ કે કંઇક લખું કે કોઇને ફોન કરું કે ઘસઘસાટ ઉંઘી જઉ? શું કરું? શું કરું? કે કંઇ ન કરું? હું હો – હો કરીને હસવા જઉં છું ને પછી નાનો અમથો ઠેકડો લગાવી બાળકોના ઝુલે ઝુલી લઉ છું. એક ઓરડામાંથી બીજા ઓરડાંમાં ને પછી ત્રીજા ઓરડામાં જઉં છું. છેલ્લે વાડામાંયે ફરી આવું છું.

કેટલાંક જણ આમ જ વર્ષોનાં વર્ષો એકલાં જ રહેતા હશે. એમને ઢગલે ઢગલાં એકાંત મળતું હશે. પછી એક એકાંત કદાચ એકલતામાં પણ પરીણમતું હશે. ઘણાને એકલાં રહેવુ ગમે છે. તેઓ આનંદથી એકલા જીવે છે. તો વળી કેટલાકને એકલા રહેવાનો ડર લાગે છે. તેઓ ઝાઝો સમય એકલા રહી શકતાં નથી. હકીકતમાં કોઇ તદ્દન ને તદ્દન એકલું રહેતું નથી, તો કોઇ એક્ધારું લોકો વચ્ચે રહેતું નથી. આપણને એકાંત ગમે છે અને નથી પણ ગમતું. આ ત્રીજા પ્રકારનાં લોકોમાં આપણામાંથી ઘણાંનો સમાવેશ થાય છે. જેઓ બધાંની સાથે જીવતા હોય છે, છતાં કેટલીક પળો છૂટક – છૂટક એકલા જીવી લેતા હોય છે. માછલી જેમ શ્વાસ લેવા પાણીની બહાર સપાટી પર આવતી હોય અને અંદર ચાલી જાય, એમ આપણે આવો એકાંતનો શ્વાસ ભરી લેતાં હોય છે. પણ, માછલીમાં અને આપણાંમાં ફરક એ છે કે માછલી જળસપાટી એ આવે છે, જ્યારે આપણે તળિયે ડૂબકી લગાવીએ છીએ. પણ, દર વખત આપણને આમાં સફળતા નથી પણ મળતી. કેટલીક વખત બહાર કરતાં અંદર વધુ ભીડ ને કોલાહલ હોય છે. ત્યારે એકાંત પરપોટાની જેમ ફૂટી જાય છે.

વૃક્ષોથી ભરચક જંગલમાં એકાંત કેવા લીલા ટહુકા કરતું હશે ? માઇલોના માઇલો વહી જતી નદી સાથે તેનું એકાંત પણ વહી જતું હશે. ચાંદનીથી તરબતર રાત્રિએ ઘુઘવતો દરિયો પણ એનું એકાંત અકબંધ જાળવી રાખતો હશે. કિલ્લો પોતાની અંદરના એકાંતને ચોકીપહેરો ભરતો હશે? કાબર એની પીળી ચાંચમાં કલબલ કરતી એકાંતનો દાણો લઇ ઉડી જાય છે ત્યારે મને પક્ષીઓ, પ્રાણીઓ, પતંગિયાઓ, વૃક્ષો, પર્ણો, નદી, હવા, ચંદ્ર સર્વનાં અંતનિર્હિત એકાંતની ઇર્ષ્યા આવે છે. એમનાં એકાંતના મૂળ એમનાં બીજમાં જ છુપાયેલાં છે. એમનું એકાંત એમણે બહારથી પહેરેલું નહી પણ અંદરથી ઉગેલું છે. ચંદ્ર એનું ધવલોજ્જ્વલ એકાંત ચાંદની દ્વારા સમગ્ર ધરા પર પ્રસરાવી દે છે. પતંગિયું ફૂલો પર બેસીને ઘડીક જંપી જાય છે ત્યારે પોતાના પીળા એકાંતને પીએ છે. હવા બધે પોતાના એકાંતની પાંખ હલાવતી ફરી વળે છે. આ બધાંના એકાંતમાં કોઇ ખલેલ પહોંચાડી શકતાં નથી. કેમકે એમનું એકાંત અંદર અને બહાર બંને તરફ સધાયેલું હોય છે.

સાવ નાનું બાળક હસે છે ત્યારે તેની અંદર થી પ્રગટ થતું અણસમજુ એકાંત પણ હસે છે. એકાંતનું આવું પ્રસન્ન હાસ્ય મને ગમે છે. પણ, એકાંત હંમેશા પ્રસન્નકર જ હોતું નથી. ઘેરા વિષાદમાં ડૂબેલી સાંજ જ્યારે મનની રગ-રગમાં પ્રસરી જાય છે ત્યારે એકાંત આંસુભીનું ગીત ગાય છે. મનની સપાટી પર ધીમે ધીમે એકાંતનાં ટપ-ટપ પડતાં ટીપા વડે ઉદાસીની નાની તળાવડી ભરાઇ જાય છે, ત્યારે એ નાની તળાવડીમાં ઝાકળભીના લાલ ગુલાબી કમળ ઊગે છે.કમળનાં મોટા પાંદડાઓ જળ-સપાટીને ઢાંકી દે છે અને કમળની બંધ પાંખડીમાં ઉદાસીથી સભર એકાંત, બિડાયેલું રહીને મંદ-મંદ હસે છે.

પણ, આ બપોરે મારું એકાંત વાડામાંથી અંદર આવતાં – પ્રતિબિંબાતા નમતા પહોરનાં અજવાળાં જેવું સ્થિર હોય છે, સ્વસ્થ છે. એને ન સવારની પ્રસન્નતા છે, ન સાંજની ઉદાસી. આખી આ બપોર એકાંતના ઝૂલે ઘડીક અમથી ઝૂલે છે. એ મને નાની ચકલીની જેમ ઝૂલાવે છે. ચારે તરફ અંદર – બહાર બધે જ શાંતિ જ શાંતિ છે. વૃક્ષો, વેલીઓ અને પાંદડાઓ અત્યંત ધીમી હવામાં ધીરું ધીરું, નહીં જેવું હાલીને જંપી જાય છે. પક્ષીઓ પણ કલબલાટ ભૂલી ગયાં છે. પવનની આછી લહરમાં વૃક્ષો, પાંદડાઓ, પક્ષીઓને જાણે ઝોકું આવી ગયું છે. એવું જ એકલતાનું ઝોકું, એકાંતનું ઝોકું, એકલાં હોવાનું નાનું અમથું ઝોકું મારા મનને, માર હ્રદયને, મારા સમગ્ર અસ્તિત્વને આવી રહ્યું છે.

બાળપણમાં સવારની શાળા હોય અથવા રજા હોય ત્યારે બા બપોરે સૂઇ જવાનું કહેતી. બા ઊંઘી જાય એટ્લે એનાં પડખેથી હળવેથી બિલ્લીપગે ઊઠીને હું પાછલી લીંપણવાલી ઓરડીઓમાં ચાલી જતી. મૂંગીમૂંગી કંઇક ખાંખાંખોળા કરતી, ત્યારે આખું ઘર શાંત રહેતું. મારી અંદર એ શાંતિ, એ જંપ, એ એકાંત ધીમે ધીમે ઊતરી જતાં. ઓરડીમાંથી હું રસોડામાં આવતી, ત્યાં પણ વાસણોનો ખખડાટ, સગડીનો દેવતા બધું શમી ગયું હોય. ભગવાનના ગોખલાંમાંથી ચંદન અને ફૂલોની ઠંડકભરી સુગંધ એ જ એકાંતમાં લસોટાઇ-લસોટાઇને મને લેપ કર્યા કરતી. હું હિંચકા પર બેઠી કંઇક ગડમથલ કરતી. સળિયાવાળી બારી પર બેસીને ફડફડ કરતી ઉડી ગયેલી ચકલી જોતી. પછી કંઇ ન સમજાતાં વચ્ચેની કઠેરાવાળી નાની અગાશીએથી નીચે વાડામાં ઝૂકીને જોતી, એ સાથે જ જાણે અસીમ શાંતિ કે એકાંતમાં ઝળૂંબતી. નીચેના આખા ઘરમાં એવું જ ભેજિલ અંધારું-અજવાળું ને શાંતિ વ્યાપી ગયા હોય. ઉપર-નીચે આગળ-પાછળ અંદર-બહાર બધી જ દિશાઓમાથી મારામાં એટલી બધી શાંતિ અને એટલું બધું એકાંત પ્રવેશી ગયાં હોય કે રમવા માટે બહેનપણીને બૂમ પાડવા જતો મારો અવાજ એકાએક અટકી જતો. મને મળવા આવેલા એકાંતને હું ભેટી પડતી. જાણે બાની સોડમાં ભરાઇ ઊંઘી જતી.

વર્ષો પહેલાંની એ બપોરનું એકાંતનું અનુસંધાન મને છેક આટલાં વર્ષે આ બપોરે મળે છે. હું એ બપોરની સોડમાં ભરાઇ ટૂંટીયું વાળી જંપી જાંઉ છું.

[2] લીલોછમ નિ:શ્વાસ 

મનમાંથી એક્દમ લીલોછમ નિ:શ્વાસ નીકળી જાય છે. નિ:શ્વાસ અને તેય લીલોછમ ? હાસ્તો! ચારે તરફ- માત્ર ઉપર આકાશ સિવાય બધે જ લીલાશનો દરિયો-ના, નદી વહેતી હોય ત્યારે એનાથી વિખુટા પડવાની વાતે નિ:શ્વાસ નીકળે તે લીલોછમ જ હોયને !

લીલાંછમ ખેતરો, વૃક્ષો ,કોતરો, પથ્થરો, નદી, રેતાળ પટ ,હોડી-બધે જ રહી રહીને મને એક જ પ્રશ્ન થતો રહ્યો – માણસ પ્રકૃતિથી આટલો દૂર શી રીતે જઈ શકયો? મને તો આ બધે મારી હયાતીનાં મૂળ દેખાતા હતાં. ઊંચી ભેખડ ઉપર વાંસ –લાકડાના કે ગાર-માટીના નાના-નાના ઘર કે ઝૂંપડાં જોઇ થતું કે અહીં એક રાત કે આખું જીવન ન રહી શકાય? શામાટે ? શું ખુટે છે એમાં?

બહુ વખતે ઘરથી દુર નર્મદાના વિધવિધ તટે ફરવા નીકળી પડયાં છીએ.ચાલતાં- ચાલતાં કે ગાડીમાં કોઇ ઝૂંપડા આગળથી પસાર થઈ જાઉં છું. પણ મન તો ત્યાં જ હાશ કરતું પલાંઠી વાળી બેસી જાય છે.એ કોઇ ઘરડાં ડોશીના માથેથી લાકડાનો ભારો નીચે ઉતારે છે, ચૂલો ચેતવે છે, જાડા ચોખાનું આંધણ મૂકે છે, રોટલાનાં લોટનો પીંસો બાંધે છે, હાથ ઉપર ટપ ટપ ટપ મોટો રોટલો ઘડાતો જાય છે અને રોટલો તડ દઇને અધવચ્ચે જ તૂટી જાય છે. મારાં શહીરી હાથ રોટલાને જાળવી શકતાં નથી. મોટર બધાં દશ્યો પાર કરતી આગળ દોડ્યે જાય છે. કેટલાં બધાં ચિત્રો મનમાં આલેખાઇ જાય છે. નદીકાંઠે અથવા કૂવેથી પાણી ભરીને જતી સ્ત્રીઓના બેડાંના પીળાં ચમકારથી મારી આંખો અંજાઇ જાય છે. ગાયો-ભેંસોને લઇ જતાં ભરવાડ કે તેમનાં બાળકો અનેકવાર રસ્તામાં મળે છે. મારી જિહવા ફીણ-ફીણવાલા તાજા દૂધ માટે વલવલી ઊઠે છે. ગાયોની ગમાણની છાણ-માટીની ગંઘ વારંવાર મારા રોમરોમમાં પ્રસરી જાય છે. કોઇ મને ગાય દોહતાં શીખવાડો !

નીકળ્યાં છીએ નદીતટે જવાં અને વચ્ચે જાણે લીલાછમ રસ્તાઓ પર હોડી હંકારવા જેવું લાગે છે. વળી, ગલગોટાનાં કેસરિયાળાં ખેતરો આંખોમાં એવો તો પીળો – કેસરી રંગ આંજી દે છે કે બધું જ સોનાના સૂરજસરીખું ! રસ્તા પરના વૃક્ષો શહેરી વૃક્ષો જેવાં નથી લાગતાં. એ સીધાં-સટ, ડાહ્યાંડમરાં નથી ઉગ્યાં. તેનાં થડના વળાંકમાં અદભુત વનસૌંદર્ય પ્રગટે છે. કેવડિયામાં નર્મદા ડેમ જોઇ આંખો વિસ્ફારિત થઇ જાય છે. તો વળી ગરુડેશ્વરમાં સાંજ પછીના ખાલીખમ આકાશની પાર્શ્વભૂમાં એ જ નર્મદા વિષાદમય અને ધીરગંભીર લાગે છે. નર્મદાનાં નીર મ્લાન થતાં જાય છે. એક લાંબો ઢાળ ઊતરી જયાં અવધૂત મહારાજે તપશ્ચર્યા કરી હતી ત્યાં જઇએ છીએ. આ જ્ગ્યાએ પહેલાં કેવું તો ગાઢ જંગલ હશે? ઢાળ ચડીને પાછા ઉપર જઇએ છીએ ત્યારે જોઉં છું ખાલી આકાશમાં નદીની ઉપર ચંદ્ર ઊગી નીકળ્યો છે. ક્યાંક કશું સહેજે ખાલી નથી રહેતું. વૃક્ષની પછીતે અંધકાર વીંધીને જોઉ છું તો નદીનો શ્યામ રંગ, ચંદ્રનો ઊજળો ચહેરો અને પાણીમાં કોઇકે તરતાં મૂકેલાં દીપ બહુ સુંદર દશ્ય રચે છે. દીપનું અજવાળું ધીમેધીમે મારી સમીપ આવતું જાય છે. પણ, એ ઠેઠ નિકટ આવે એ પહેલા તો મારાં પગલાં આગળ નીકળી જાય છે.

એ પહેલાં સૂળપાણીશ્વરના મંદિરમાં નમતી બપોરે એકસાથે વિશાળતા અને સામીપ્યનો અનુભવ થયો હતો. મંદિરના એક ખૂણે મૂકેલું માટલું જાણે મારી જનમોજનમની તરસ છીપાવવા બેઠું છે. નાનાં માટલામાં નર્મદાના સઘળાં નીર સમાયાં છે !

બહુ વર્ષો પહેલા એક વાર ચાણોદ – કરનાળી ગઇ હતી ત્યારની શાંત છબી મનમાં કંડારાઇ ગઇ હતી. ત્યારે કદાચ પહેલી જ વાર હલેસાંવાળી હોડીમાં બેઠી હતી. પારદર્શક પાણીમાં સરતી હોડી જાણે મારી અંદર સરકતી જતી હતી. પણ હવે આ જ સ્થળ વિધિવિધાનની લોકપ્રિયતાને કારણે થોડું ભીડભર્યું બન્યું છે. નિતાંત ગ્રામીણ વાતાવરણમાં શહેરીકરણનાં થીંગડાં ઠેર – ઠેર લાગી ગયાં છે. આશ્રમનાં એક સાધુ અમને વારંવાર સંસારી હોવાનું મ્હેંણું માર્યા કરે છે. સાધુ હોવાની અતિસભાનતા તેમને સંસારીના સંસાર-મોહ જેવી જ વળગેલી લાગે છે. એમની કટાક્ષભરી બોલી રમણીય આશ્રમના સૌંદર્યને સ્પશર્વા દેતી નથી. બાકી તો વિશાળ વાડીમાં કેળ ઉપર લુમ્બે ને ઝુમ્બે કેળાં લટકે છે! ગુલાબનાં છોડ ઉપર કેટલાંયે મોટાં – મોટાં લાલચટક ગુલાબ ખીલ્યાં છે. અહીં માનવે જતનપૂર્વક રચેલું પ્રકૃતિસૌંદર્ય છે.

આશ્રમમાં રહ્યાં છતાં નદી ક્યારની સાદ પાડતી હતી. દૂરથી હાથ ફેલાવતી હતી. પગથિયાં ઊતરી ઘાટ પર જવાનું અને પછી સામે પાર જવાનું હતું. આટલા વર્ષોમાં તો બધું છેક જ બદલાઇ ગયું હતું. હલેસાંવાળી હોડીને બદલે ધુમાડો છોડતી યાંત્રિક હોડી નદી પાર ચાલી જાય છે. હોડીમાં બેસતાં જ બધાં રોમાંચિત થઇ જાય છે. બધું બદલાયું છે, છતાં નદી તો એની એ જ છે. સામે રેતાળ પટ પર પહોંચતાં જ બધાં ગાંડાતૂર બની નદી તરફ દોટ મૂકે છે. નદીના ખોળામાં બેસતાં જ નદી રગરગમાં વ્યાપી જાય છે. બધાં પોતીકી જલક્રીડામાં રમમાણ છે. સૌ સાથે છે છતાં અલગ છે. કેટલાંક કુશળતાથી તરીને બાકીનાને આશ્ચર્યચકિત કરી દે છે. કેટલાકને તરતાં ન આવડવાનો વસવસો થાય છે. કોઇ બે-ત્રણ કલાક તરવાનું શીખ્યાં કરે છે. કોઈ નદીના પેટાળમાંથી ઘસાઇ-ઘસાઇને લીસ્સા બનેલા જાતજાતના પત્થર શોધી લાવે છે.કોઇ નદીમાં ડૂબકી મારી નદીમય બનીજાય છે. કોઇ ઘડી-ઘડી કિનારે ચાલ્યું જાયછે.ને બાળકો? તેઓ તો જાણે જ્ળને બદલે અગાધ વિસ્મયના વારિમાં તરે છે. મારી સ્થિતિ પણ બાળકોથી સાવ જુદી નથી. જળ ઝાઝાં ઊંડાંનથી. જરાક તરવા જતાં ઘૂંટણે પથ્થર અથડાય છે.તેથી જળની સપાટી ઉપર હું ચત્તીપાટ તરું છું. સુર્યનાં કિરણોથી આંખો મીંચાઇ જાય છે.ત્યારે જળ અને આકાશ સીવાય કશાનું અસ્તિત્વ જ ન હોવાની અનુભૂતિ થાય છે.આ જ્ળ મને ક્યાંનું ક્યાં તાણી જશે? એવા ભય સાથે હું વારંવાર નદીમાં ઊભી રહી એની સપાટી ચકાસી લઉં છુ. હોડીવાળા કેટલીયે વાર અમને બહાર આવવા કહે છે. છેવટે છેલ્લી ખેપ હોવાનું કહે છે ત્યારે જ બધાં બહાર નીકળે છે બહાર નીકળ્યાં પછીય શરીર જાણે પાણીમાં તરતું હોય એમ લાગે છે ! નહાવાની આવી જ મજા કબીરવડમાં છે. નદી એક જ, પણ એનો મિજાજ અલગ છે. પટ અહીં પહોળો અને વહેણ ઝડપી લાગે છે. હોડીમાં સામે તીર ગયાં પછી થોડું ચાલ્યાં બાદ કબીર વડનો વિશાળ, ઘેઘૂર લીલોછમ વ્યાપ ઘેરી વળે છે. વડ અને વડવાઇઓ અહીં એકમેક થઇ જાય છે. આ વિશાળ વટવૃક્ષ વિસ્મયની વડવાઇએ હીંચોળે છે. અહીં અગાધ શાંતિ અને ઠંડક છે. વડ નીચે માથુ મુકીને ગાઢ નિંદરમાં સૂઇ જવાનું મન થાય છે. કબીરવડ પાસે સદીઓની નિરાંત છે. જ્યારે અમારી પાસે તેની નીચે બેસવાનો અડધો કલાક પણ રહ્યો નથી. એક તરફ વડના છાંયામાં બેસવાની, તો બીજી તરફ નદીમાં ફરી નહાવાની લાલચ છે. સાહજિક રીતે જ, નહાવાની લાલચ જીતી જાય છે.

બીજીવાર નદીમાં નહાવું નથી- નો નિશ્ચય નદીતટે થોડીવાર ઊભા રહ્યા પછી તરત જ પીગળી જાય છે. હું નદીમાં ચાલતી-ચાલતી આગળ જઇ બેસી જઉ છું. બધાં ફરી નહાવાની મસ્તીએ ચઢ્યાં છે. નદી વારેવારે મને એની પાસે એકલી લઇ જાય છે. પાણીનો વિશાળ પ્રવાહ જરા ડરાવી દે છે. એક કલાક નહાયા પછીયે મન ધરાતું નથી. સાંજના ડૂબતા સૂર્યનાં કેસરી કિરણો, આસપાસની હરિયાળી, સફેદ ચમકતી રેતી, દૂર સળગતી ચિતા બધું જ મનમાં ભરાઇ જાય છે.

અમારા પ્રવાસનું આ અંતિમ સ્થાન છે. હોડીની છેલ્લી ખેપમાં સામે પાર જઇએ છીએ ત્યારે એક આખેઆખી નદી અહીં રહી જાય છે અને એક આખેઆખી નદી અમારામાં હોય છે. સામે પાર પહોંચીએ છીએ ત્યારે ચિતા બળી રહેવા આવી હોય છે. સભર મનમાં કેવળ ખાલીપાનો ધુમાડો છવાઇ જાય છે.

ચાણોદના પેલા સુંદર આશ્રમમાં વહેલી પરોઢે ઊઠતાવેંત એક મિત્રે પ્લાસ્ટીકની કોથળી ધરી હતી. હું કુતૂહલથી અંદર જોઉ તો કેસરી દાંડીવાળા કોમળ, સુગંધિત પારીજાત…સ્વયં પરોઢ જેવાં વર્ષો પછી મારી સામે મરક-મરક હસી રહ્યાં છે. પારીજાતનું વૃક્ષ તો સાંજેય ત્યાં ઊભું હતું. પણ રાતાં-ખીલેલાં ગુલાબ જોવામાં કોનું ધ્યાન જાય? એણે તો પરોઢે મૂંગામૂંગા ફૂલ ખેરવી દીધાં ! ફૂલોની નાનકડી ચાદર પથરાયેલી જોઇ હું ત્યાં જાંઉ છું. નીચો ઓટલો ઊતરી વૃક્ષ નીચે વાંકી વળું છું. આઠ-દસ ફૂલો વીણીને હથેળીમાં મૂકું છું. પછી અડધી ક્ષણ એને જોયાં કરું છું. બાળપણનાં, ફૂલો માટેના લાલચુ મુઠ્ઠી ક્યારની ખૂલી ગઇ છે. એને લઇ જઇને શું કરું? વૃક્ષ જે નિર્લેપભાવે ફૂલ ખેરવી દે છે, એમ જ હું હળવેકથી હથેળીમાંનાં ફૂલ ત્યાં જ ઠાલવી દઉં છું. છતાં મન કંઇ વૃક્ષ નથી. એ સહેજ ભારે તો થઇ જ જાય છે. ખાલી હથેળીમાંય એની સુગંધ તો ક્યાંય સુધી કદાચ પેલી ચિતા બળી રહે ત્યાં સુધી ચોંટેલી રહે છે. પછી અમે ઘરની નિકટ અને પ્રકૃતિથી દૂરનો વળતો પ્રવાસ આદરીએ છીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મિલીના ઘર તરફ… – યામિની વ્યાસ
ભગવાન પ્રત્યેની આપણી કૃતજ્ઞતા – ચંદ્રકાન્ત શેઠ Next »   

16 પ્રતિભાવો : બે લલિતનિબંધો – રીના મહેતા

 1. Amit says:

  Bharekham Starting karavyu chhe aa week nu…aa Lalit Nibandh sathe..

 2. Viral says:

  સરસ અન્તર ન એકાન્ત મા દુબ્કિ મારિ…નાનપન ને યાદ કરિ ને…

 3. Viral says:

  સરસ અન્તર ના એકાન્ત મા દુબ્કિ મારિ…નાનપન ને યાદ કરિ ને…

 4. રીનાબહેનનુ દરેક સર્જન હ્રદયને સ્પર્શી જાય છે… કેટકેટલીયે લાગણીઓના પૂરમાં તાણી ગયા તમે… પ્રકૃતિ સાથેની નિકટતા હવે ફક્ત યાદોમાં જ રહી ગઈ છે ત્યારે આવા સુંદર લેખ આશ્વાસન રૂપ બને છે.

  આભાર…

 5. Ramesh Shah says:

  વાહ વાહ..કોમ્પ્યુટર પર બેઠાંબેઠાં કુદરત નુ અને મનના અતલ ઊંડાણ નું કેવુ સુંદર નિરૂપણ.વાંચતા વાંચતા જ આંખો બંધ કરીને નર્મદા-દર્શન નો લાહવો લીધો.

 6. pragnaju says:

  “આખા ઘરમાં હું એકલી છું! તદ્દન એકલી!” આવું માનીએ તો ભગવાનાને ખોટું લાગે છે એમ કોઈ ચિંતકે કહ્યું છે પણ
  – રીના મહેતાએ “વર્ષો પહેલાંની એ બપોરનું એકાંતનું અનુસંધાન મને છેક આટલાં વર્ષે આ બપોરે મળે છે. હું એ બપોરની સોડમાં ભરાઇ ટૂંટીયું વાળી જંપી જાંઉ છું.”
  પણ અમે તો આટલી ભીડમાં પણ એકાન્તનો અનુભવ કરી અમારી એકાંતની પળોની યાદ કરી ખોવાઈ ગયા.
  ******************************************
  નર્મદા- સૂળપાણીશ્વર મંદિર,ચાણોદ– કરનાળી જમાનો થયો યાત્રા કર્યાને!
  ‘ કોઇ ઘરડાં ડોશીના માથેથી લાકડાનો ભારો નીચે ઉતારે છે, ચૂલો ચેતવે છે, જાડા ચોખાનું આંધણ મૂકે છે, રોટલાનાં લોટનો પીંસો બાંધે છે, હાથ ઉપર ટપ ટપ ટપ મોટો રોટલો ઘડાતો જાય છે અને રોટલો તડ દઇને અધવચ્ચે જ તૂટી જાય છે. ‘
  વાચી મને મારી જાત દેખાઈ..
  એ દિવસ ક્યારૅ આવે?
  ઘરડે ઘડપણ અમેરિકામાં ક્યાં અંટવાયા?
  તેના બોલાવ્યા વગર થોડું જવાય છે?

 7. Aditi says:

  ખરેખર સરસ!!!!!!!!! પારિજાત …આવા સરસ લેખ બદલ આભાર

 8. Bhavna Shukla says:

  વૃક્ષોથી ભરચક જંગલમાં એકાંત કેવા લીલા ટહુકા કરતું હશે ? માઇલોના માઇલો વહી જતી નદી સાથે તેનું એકાંત પણ વહી જતું હશે. ચાંદનીથી તરબતર રાત્રિએ ઘુઘવતો દરિયો પણ એનું એકાંત અકબંધ જાળવી રાખતો હશે. કિલ્લો પોતાની અંદરના એકાંતને ચોકીપહેરો ભરતો હશે?
  ………………………………………………………………….
  ઉદયભાઇ સાવ સાચુ કહો છો વીઝા કે ટીકીટ વગર ફર્યા આતો. રીનાબહેન ખૂબ સરસ……… અભિનંદનનુ મોહતાજ નથીજ તમારુ લખાણ…

 9. Paresh says:

  “એક આખેઆખી નદી અહીં રહી જાય છે અને એક આખેઆખી નદી અમારામાં હોય છે. ”
  પૂર્ણમદઃ પૂર્ણમિદં.. નો સાક્ષાત અનુભવ. સુંદર વર્ણન. આભાર રીનાબહેન

 10. રીનાબહેન પાસે લીલીછમ દૃષ્ટિ છે ,જે પ્રકૃતિને
  ખૂબ જ સૂક્ષ્મતાપૂર્વક જોઇ શકે છે.માનવસહજ
  જ્ઞાનનો ભંડાર છે.ખૂબ ખૂબ અભિનંદન !આભાર !

 11. Sangita says:

  રીનાબહેનનું લખાણ ફ્ક્ત શબ્દો કે કેવળ સારા અને સંસ્કારી વિચારો જ નહીં પણ એ વાતાવરણનું દ્ર્શ્ય, સંગીત અને ફોરમ પણ ઉપસાવે છે. ખૂબ સુંદર્!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.