જીવનભર હું મજૂર રહ્યો છું – વિનોબા ભાવે

[‘અખંડ આનંદ’ સપ્ટેમ્બર-07 માંથી સાભાર.]

મને લોકો એક વિદ્વાન તરીકે ઓળખે છે, હું મારી જાતને મજૂર માનું છું. એટલા વાસ્તે મેં મારી જુવાનીનાં 32 વરસ જે ‘બેસ્ટ ઈયર્સ’ (સર્વોત્તમ કાળ) કહેવાય છે તે મજૂરીમાં વિતાવ્યાં. મજૂરીનાં જાતજાતનાં કામો કર્યાં. ખાસ કરીને જે કામોને સમાજ હીન માને છે, જેની સમાજમાં કોઈ પ્રતિષ્ઠા નથી – જો કે આવશ્યકતા તો પુષ્કળ છે – એવાં કામો કર્યાં. જેમ કે ભંગીકામ, વણાટકામ, સુથારીકામ, ખેતીકામ વગેરે. જન્મથી હું ભલે બ્રાહ્મણ હોઉં, કર્મથી હું મજૂર જ છું.

પુરાણોમાં આવે છે કે આખી પૃથ્વીનો ભાર શેષનાગ પર છે, શેષનાગના માથે આ પૃથ્વી ટકી છે. તો આપણા સમાજનો શેષનાગ શ્રમિક છે. તેના આધારે માનવજીવન ચાલી રહ્યું છે. છતાં શ્રમ કરનારાઓની નરી ઘૃણા જ કરવામાં આવે છે ! જે કામ અત્યંત જરૂરી છે, તે બધાં જ કામો આજે સમાજમાં નીચામાં નીચાં ગણાય છે. ભંગી, ચમાર, કુંભાર, વણકર, ખેડૂત, બધા આજે શ્રમ કરે છે, તેના વિના સમાજ નભી જ નહીં શકે. પરંતુ તે સહુની હલકી વરણમાં ગણતરી થાય છે. આજના શિક્ષણને લઈને શ્રમ માટે એક પ્રકારની નફરત પેદા થઈ છે, અને શ્રમ કરનારો નીચો મનાયો છે. બીજા ઉપલા વર્ગના મનાય છે. મારો આત્મા આની સામે કકળી ઊઠે છે અને બંડ પોકારે છે.

અને શારીરિક શ્રમની અને માનસિક શ્રમની કિંમતમાં કેટલી બધી અસમાનતા ! શરીરશ્રમના એક કલાકના આઠ-બાર આના મજૂરી ચૂકવાય, જ્યારે માનસિક શ્રમના દર કલાકે પાંચ, દસ, પંદર, વીસ રૂપિયા, અરે દાકતર-વકીલ વગેરેને તો કલાકના સેંકડો રૂપિયાના હિસાબો ચૂકવાય ! શું મજૂરની સેવા ઓછી અગત્યની છે ? શું તેના વિનાયે સમાજને ચાલશે ? દરેકેદરેકની સેવાની સમાજને જરૂર છે. તો પછી અમુક સેવાનું વળતર એ માણસ બે ટંક સારું ખાઈ પણ ન શકે એટલું બધું ઓછું, અને બીજી બાજુ અમુક સેવાનું વળતર એટલું બધું કે એ માણસને એ પૈસો ક્યાં વાપરવો, ક્યાં રાખવો એનીયે મૂંઝવણ થઈ પડે – આવું શું કામ ?

આ બધું જોઈને મારું દિલ રડે છે. દુનિયામાં જે કાંઈ અન્યાયો ચાલે છે તેમાં સૌથી મોટો અન્યાય હું આને ગણું છું. અને એટલે જ તેને નેસ્તનાબૂદ કરવા મેં જીવનભર કોશિશ કરી છે. શ્રમ કરનારાઓના જીવન સાથે એકરૂપ થવાની કોશિશ મેં નિષ્ઠાપૂર્વક કરી છે, કે જેથી એમને થઈ રહેલ અન્યાયની ચોક્કસ પ્રતીતિ જાત-અનુભવથી મને થાય. ખોદવાનું કામ મેં વરસો સુધી એકધાર્યું કર્યું છે. ભંગીકામ ઉપાસનાની વૃત્તિથી સતત મેં કર્યું છે. કાંતવાનું, વણવાનું આઠ-આઠ, દસ-દસ કલાક સુધી મેં કરી જોયું છે. શ્રમ ઉપર આધારિત રહીને કઈ રીતે જીવન-નિર્વાહ ચલાવી શકાય, તેના પ્રયોગો મેં કર્યા છે.

આપણે જે શ્રમ કરીએ, તેની જે મજૂરી મળે, તેમાંથી જ ગુજરાન ચલાવી જોવાનું વલણ મારું પહેલેથી રહ્યું છે. 1922-23ના અરસામાં અમે આશ્રમમાં બપોરે ચાર વાગ્યા સુધી કામ કરીને હિસાબ લગાવતા કે ત્યાં સુધીમાં કેટલું કામ થયું અને તેની કેટલી મજૂરી મળી. તેમાં જો એમ જણાય કે સાંજે છ વાગ્યા સુધીમાં, એટલે કે આઠ કલાકમાં પૂરતી મજૂરી મળી જશે, તો જ સાંજની રસોઈ બનાવવામાં આવતી, નહીં તો વિચારાતું કે શું કરવું છે ? સાંજનું ભોજન છોડી દેવું છે કે પછી આઠ કલાક પછીયે વધુ કામ કરીને જરૂરી મજૂરી મેળવવી છે ? જુવાનિયા મોટે ભાગે પૂરું ભોજન ઈચ્છતા, એટલે વધારે કામ કરવામાં આવતું. અથવા ક્યારેક જેટલી મજૂરી ઓછી પડતી હોય, તેટલી ચીજો તે દિવસની રસોઈમાંથી કાઢી નાખવામાં આવતી.

સને 1924ની વાત છે. મેં અર્થશાસ્ત્રનું અધ્યયન શરૂ કર્યું, અને તેની સાથે મેં તે દિવસોમાં મારું રોજનું ગુજરાન બે આનામાં કરવાનું નક્કી કર્યું; કેમ કે તે વખતે હિંદુસ્તાનમાં માથાદીઠ ઓછામાં ઓછી આવક દોઢ-બે આના હતી. ત્યારે સાત પૈસાનું ભોજન અને એક પૈસો બળતણ માટે (ત્યારના આઠ = બે આના, અને સોળ આના = 1 રૂપિયો), એવો મારો હિસાબ હતો. સાત પૈસામાં જવારના રોટલા, મગફળી, ગોળ, દાળ, થોડુંક શાક, મીઠું, આંબલી એટલી ચીજો આવતી. એક વાર ગાંધીજીના ઉપવાસને કારણે મારે એમની પાસે દિલ્હી જવું પડ્યું. ત્યાં જુવાર નહોતી મળતી, ઘઉં જ મળતા હતા અને તે મોંઘા હતા. એટલે ત્યાં મારે મગફળી છોડવી પડી. મારો આ ‘બે આના આહાર’ નો પ્રયોગ વરસેક ચાલ્યો.

કોઈકને થશે કે અર્થશાસ્ત્રના અધ્યયનને વળી આવી તપસ્યા સાથે શો સંબંધ છે ? તો એ વિશે મારે કહેવું છે કે અધ્યયન ત્યારે જ હજમ થાય છે, જ્યારે આપણે તેમાં ઓતપ્રોત થઈ જઈએ છીએ, આપણી ઈન્દ્રિયોને, પ્રાણોને કસીને તેમાં એકાગ્રતા સાધીએ છીએ. એક વાર મેં બે વરસ અત્યંત એકાગ્રતાથી વેદોનું અધ્યયન કરેલું. ત્યારે પણ હું માત્ર દૂધ-ભાત ઉપર રહ્યો હતો. આવી રીતે વિચારોની સાથે જીવનને જોડવાની મને આદત છે. 1935માં ફરી એક વરસ સુધી પ્રયોગ કર્યો. તેમાં એક દિવસ પણ પડવા ન દીધો. ચરખા ઉપર સૂતર કાંતનારાઓને પૂરતી કમાણી નથી થતી, તેની ચર્ચા ચાલતી હતી. એક બાજુ એમ કહેવાતું કે મજૂરી વધારીશું તો ખાદીના ભાવ વધશે અને તે વેચાશે નહીં. બીજી બાજુ, શ્રમ કરનારાને જીવનનિર્વાહ પૂરતુંયે ન મળે, તે કેમ ચાલે ? આનો શો ઉપાય ? આનો ઉપાય એ જ કે મારા જેવાએ પોતાના જીવનમાં પ્રયોગ કરીને જોવું કે ત્યારે કાંતનારાને જેટલી મજૂરી મળતી હતી, તેટલી જ મજૂરીમાં ગુજરાન શી રીતે થઈ શકે છે.

મેં રોજની ચાર-ચાર આંટી કાંતવાનો મહાયજ્ઞ શરૂ કર્યો. તેમાં સાડા આઠથી નવ કલાક થઈ જતા. ઊભો-ઊભો કાંતતો, બેસીને કાંતતો, બેન્ચ પર બેસીને કાંતતો, જમણે હાથે કાંતતો, એ હાથ થાકે એટલે ડાબે હાથે કાંતતો. રોજ ચાર આંટી પૂરી થવી જોઈએ. અને છતાં ચરખા સંઘના તે વખતના દર મુજબ મને મહિને દહાડે આની પાંચ રૂપિયા મજૂરી મળતી. એટલામાં જ મેં મારો નિર્વાહ ચલાવવાનો પ્રયત્ન કર્યો. પણ મેં પ્રયોગ કરીને જોયું કે મહિને સાત-સાડા સાત રૂપિયા તો મળવા જ જોઈએ. દરેક કાંતનારને આઠ કલાકના કામથી મહિને આટલું તો મળવું જ જોઈએ. મારા આ પ્રયોગથી ઘણાની આંખ ઊઘડી ગઈ. ગાંધીજીને પણ ખબર પડી. ઘણાએ મજૂરી વધારવાનો વિરોધ કર્યો. પણ ગાંધીજીએ દઢતાપૂર્વક ચરખા સંઘ પાસે કાંતનારને જીવન-વેતન આપવાનો સિદ્ધાંત કબૂલ કરાવ્યો. મેં કહ્યું, ‘આનાથી મને અપાર આનંદ થયો, કારણ કે હું પણ એક મજૂર છું. ઘાયલ કી ગત ઘાયલ જાને !’

એક વાર હું પવનાર ગામમાં ધાબળો ખરીદવા ગયો. એક બહેન ધાબળા લઈને વેચવા બેઠી હતી. તેણે ભાવ કહ્યો, એક ધાબળાનો દોઢ રૂપિયો. મેં એની પાસેથી બધી માહિતી મેળવી. ઊન શું ભાવે પડ્યું ? એ મને ઓળખતી હતી કે આ માણસ પવનાર આશ્રમમાં રહે છે, એટલે તેણે મને બધું વિગતે કહ્યું. મેં હિસાબ કરી જોયો તો જણાયું કે એ ધાબળો એને પાંચ રૂપિયાથી ઓછામાં નહીં પડતો હોય. ‘ત્યારે તું આને દોઢ રૂપિયામાં કેમ આપી રહી છે ?’ તો બોલી, ‘પાંચ રૂપિયા કોણ આપે ? દોઢ કહું છું, તો સવા રૂપિયામાં માગે છે !’ મેં ધાબળો લીધો અને તેને પાંચ રૂપિયા દઈ દીધા.

પછી તો મેં અમારા આશ્રમમાં આવનારા છોકરાઓને આ ધાબળાની વાત જણાવીને કહ્યું કે, તમે લોકો ચીજવસ્તુની પડતર બરાબર જોઈને તેનો બજારભાવ વધારતાં શીખો, કારણ કે પૂરતો ભાવ ન આપવો એ ગરીબોને લૂંટવા બરાબર છે. તમને લોકોને અહીં પૂરતી મજૂરી અપાય છે, તો તમે પણ બીજાઓને પૂરતી મજૂરી મળે તેવું કરો. ચોમાસામાં ઘાસનો ભારો બાંધીને બહેન વેચવા આવે છે. તમે તે ભારો બે આનમાં ખરીદો. છોકરાઓ માની ગયા. બજારમાં ઘાસ વેચનારી કહેતી કે ભારાના ત્રણ પૈસા, તો લોકો કહેતા, બે પૈસામાં આપવો છે ? જ્યારે આશ્રમના છોકરાઓએ જઈને કહેવા માંડ્યું કે આની કિંમત તો બે આના છે. લોકો કહેતા, ‘તમે લોકો આમને ચઢાવી મારો છો ! બે આના કોણ આપશે ?’ છોકરાઓએ કહ્યું, અમે આપીશું. અને ખરેખર એમણે બે આના આપીને ભારો ખરીદી લીધો. બજારમાં દરેક જણ એ જ બેતમાં હોય છે કે બીજાને કેવી રીતે લૂંટવો. આમાં ધરમૂળથી પરિવર્તન કરવું પડશે. હું જે પૈસો કમાઉં છું, હું જે અન્ન ખાઉં છું, તેમાં કોઈનું શોષણ તો નથી થયું ને – એવું વિચારવું પડશે. માત્ર ધન-આધારિત આજની વ્યવસ્થામાં આવું કાંઈ ઝટ સૂઝતું નથી. આપણે એમ માની લીધું છે કે દુનિયામાં આવું જ ચાલે. પરંતુ ઊંડાણથી આ બધો વિચાર કરવો પડશે. આજે શરીરશ્રમ કરનારને ઓછી મજૂરી મળે છે, અને બીજાં કામો કરનારાઓને તેનાથી અનેકગણું મળે છે. એટલે સમાજમાં શ્રમનું મૂલ્ય સ્થપાય તે જરૂરી છે. પ્રચલિત અર્થવ્યવસ્થા અને સમાજ ઉપર આપણે કુઠારાઘાત કરવો છે. આખીયે વ્યવસ્થા આજે ધન-આધારિત છે, તેને બદલે તેને શ્રમ-અધારિત બનાવવી છે.

આવી દષ્ટિથી મજૂરીને, એટલે કે શરીરશ્રમને ઉપાસના રૂપ સમજીને હું જીવ્યો છું. તે અંગે સાથીઓ સાથે મળીને વરસો સુધી મેં જાતજાતના પ્રયોગો કર્યા છે. તેને માટે રાત ને દિવસ કલાકો સુધી કામ કરવું પડ્યું, તે મેં કર્યું છે. ત્રીસેક વરસ સુધી તો સામાન્ય રીતે આઠ કલાકનો શ્રમ મારો થતો જ. ક્યારેક વધુ પણ થતો. ખેતી, પાણી પાવું, દળવું, ભંગીકામ, કાંતણ, વણાટ, ધોલાઈ, સુથારી કામ, એમ જાતજાતનાં કામો કલાકો સુધી હું સતત ત્રીસ વરસ સુધી કરતો રહ્યો છું. છપ્પન વરસની ઉંમરે પછી દેશભરની પગપાળા યાત્રા ચાલી, ત્યારે મેં માન્યું કે ચાલવું એ આ અવસ્થામાં મારો શરીરશ્રમ જ છે.

હું શરીરશ્રમ કરતો રહ્યો, તો તેનાથી મારી બુદ્ધિની શક્તિ ઘણી વધી, ઓછી નથી થઈ. હું એમ કહેવા નથી માગતો કે જેઓ રાતદિવસ કેવળ શરીરશ્રમ કરશે, એમની બુદ્ધિ તીવ્ર થશે. કોઈ પણ ચીજ ‘અતિ’ થઈ જાય છે, તો માણસનો વિકાસ અટકી જાય છે. પણ હું એમ તો જરૂર કહેવા માગું છું કે જેના જીવનમાં શરીરશ્રમનો સારો એવો અંશ અને તેની સાથે ચિંતન પણ હશે, એમની બુદ્ધિની તેજસ્વિતા વધશે.

(‘ભૂમિપુત્ર’ માંથી સંકલિત)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભારતીયતાનો પરિચય – અવંતિકા ગુણવંત
હૈયાવલોણું – ભદ્રા વડગામા Next »   

14 પ્રતિભાવો : જીવનભર હું મજૂર રહ્યો છું – વિનોબા ભાવે

 1. urmila says:

  very thoughtful and practical article – now we know how the other half of the world community maintains their daily life

 2. Jayesh says:

  Did such people walk this planet? People like Gandhiji,Vinoba Bhave, Jayprakash lived during our times but it seems as if they were mythological figures.
  Where are such roll models who could lead with example?

 3. pragnaju says:

  સર્વોદયની પ્રાર્થનામાં પણ “જાત મહેનત”ને વ્રત ગણ્યું છે.
  સત્ય, અહીંસા, ચોરી ન કરવી, વણજોતુ નવ સંઘરવુ.
  બ્રહ્મચર્યને, જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું…
  “મજૂરીને, એટલે કે શરીરશ્રમને ઉપાસના રૂપ સમજીને હું જીવ્યો છું”
  તેથી તેઓ જ્યારે તેઓ કહે કે-
  “જેના જીવનમાં શરીરશ્રમનો સારો એવો અંશ અને તેની સાથે ચિંતન પણ હશે, એમની બુદ્ધિની તેજસ્વિતા વધશે.” ત્યારે

  કાલ જારણમ્
  સ્નેહ સાધનમ્
  કટુક વર્જનમ્
  ગુણ નીવેદનમ્

  સત્યની અનુભુતી થશે.
  અહીં તો દરેક ક્ષેત્રના ખૂબ મહેનત કરે છે પણ તેમાં ઉપાસના અને ચિંતન ઓછા હોવાથી તેનાંથી બુદ્ધિની તેજસ્વિતા વધે તેવુ ઓછું જોવા મળે છે અને ‘વેઠ’નો અનુભવ વધુ થાય છે.

 4. neetakotecha says:

  vat 1923 ni che pan aaje pan etli j lagu pade che. jemnama budhdhi vadhare che pan bhantar nu pramanpatra nathi ene pagar vadhare aapva ma nathi aavto.
  ane jemni pase bhantar na praman patra che e loko budhdhi thi loko ne ganda banave k ullu banave to ene prem thi loko aapi pan aave.
  aaje chpda gnan nu mahatva etlu vadhi gau che k badako k che k ame marks lai aavsu bhale gokhine
  karan marks hase to j sari coll. ma add. malse
  to ame lai aavsu. daya aave che aajna badko mate ane emna bhanela bhantar mate emne sharirik shram na bara ma to khabar j nathi

 5. Bhooman says:

  I have read other articles and books written by Vinoba Bhave which included his “Shram Yagna” to experience life style of poor and how they manage from their income. I always ended up with more questions then answers. One of which I am trying to explain below.

  I have always thought about a family of 4 (ideal family) where 2 parents (bread earner) and 2 kids are living with the income of 2 adults. Vinobaji had recommended purchase price for Sutar ni aanti so that a family could earn Rs. 7-7.50. It is amazing that he found it difficult to live with Rs. 5 by himself and yet was expecting family of 4 to live with Rs. 15 (if both parents work). There are other things that need to be considered as well, such as sickness in family would require some savings to be used on treatment as well as if the adult is sick that would not bring the income required. So the price increase was never enough and made poor families poorer and further increased financial imbalance in society.

  I know that there are good chances that I am missing something in the whole picture which I have never came across while reading these books and articles. Is there anybody out there who could explain me that in more detail? My grandfather used to work with Vinobaji very closely but unfortunately I was too young to understand any of this and it was too late when I understood all this as my grandfather died when I was 9 years old.

 6. pankaj shukla says:

  By this artical we have to lern , and ask to all,

  naver give under value or take mis advatage of any needy, or hard worker.

  currently we are paying too more to mind pwer but we forget hard worker is base of any country
  or society, so plese do not chiet them by mind power or emotions or needness.

  pankaj shukla

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.