ભગવાન પ્રત્યેની આપણી કૃતજ્ઞતા – ચંદ્રકાન્ત શેઠ

[‘અખંડ આનંદ’ – સપ્ટેમ્બર’07 માંથી સાભાર.]

ભગવાને આપણને જે કંઈ આપ્યું છે તેનો આપણે સદુપયોગ કરીએ તો જ ભગવાન પ્રત્યેની આપણી કૃતજ્ઞતા લેખાય. આપણને જો ભગવાન તરફથી આંખોનું વરદાન મળ્યું છે તો તેનો ઉત્તમમાં ઉત્તમ લાભ લેવો જોઈએ. આપણી આંખોને ઉકરડા ને ગંદકી જોવામાં શા માટે વાળીએ ? શા માટે આપણે આપણી આંખોને બાગબગીચા તરફ – જે સુન્દર અને રમણીય છે તે તરફ ન વાળીએ ? આપણે ઉકરડા જોવાના થાય તો તે તેની સફાઈ કરવા માટે, ફૂલ છોડ માટેનું ખાતર કરવા માટે જોવાના થાય. ઉકરડા તો આપણી મર્યાદા છે, મજબૂરી છે, નબળાઈ છે. ખરેખર તો બાગબગીચા – એ જ આપણી પસંદગી હોય, આપણું સર્જન હોય, આપણાં સામર્થ્ય ને સિદ્ધિ હોય. આપણું કર્મ – આપણો ધર્મ તો હોય ઉકરડા નિવારવાનો અને તે સાથે બાગબગીચા વધારવાનો.

ધારો કે, કોઈ આપણને ખોબો ભરીને રૂપિયા આપે અને આપણે જો એ રૂપિયા બીડીઓ ફૂંકવામાં કે દારૂજુગારમાં વેડફી દઈએ તો તે દુર્વ્યય જ છે. એ રૂપિયા કોઈની ભૂખ ભાંગવામાં વપરાય, કોઈ ગરીબનાં લૂગડાંલત્તા માટે વપરાય, કોઈની માંદગી મટાડવા કે ભીડ ભાંગવા માટે વપરાય તો તેમાં એ રૂપિયાનો સદવ્યય છે. આ શરીર પણ આપણને ભગવાન તરફથી મળેલી મહામૂલી બક્ષિસ છે; એ વરદાનરૂપ છે. તેનોયે આપણે યોગ્ય રીતે – પૂરેપૂરો સદુપયોગ કરીએ તેમાં જ આપણી સાર્થકતા છે; તેમાં જ આપણાં સમજણ અને શાણપણ છે. જીભનો ઉપયોગ કોઈને ગાળ દેવામાં, કોઈની નિંદાકૂથલી કરવામાં શા માટે કરવો ? જીભથી કોઈને મર્માઘાત આપવાથી ફાયદો શો ? ચપ્પુથી શાક પણ સુધારાય અને કોઈને ઘા પણ કરાય; પરંતુ શા માટે ચપ્પુનો દુરપયોગ કરી આપણે ઘાતકી બનવું ? ઘાતકી બનવામાં શું મજા છે ? આપણે આપણા હાથનો ઉપયોગ કોઈને તમાચો મારવામાં નહીં પણ પ્રેમથી પંપાળવામાં કરવો જોઈએ. આપણને ભગવાને જે કંઈ સત્વબળ આપ્યું છે તે અસતને ઉત્તેજવા માટે નહીં પણ સતની તહેનાત માટે આપ્યું છે. આપણો સાચો સ્વાર્થ, આપણી સાચી સલામતી… અને આપણું સાચું સુખ સતના પક્ષે રહેવામાં જ છે તે જેટલું વહેલું અનુભવાય ને સમજાય તેટલું સારું. અસતની ઓથ તો આત્મહ્રાસ ને આત્મહત્યાને જ નોતરનારી નીવડે.

આપણે મન, વચન અને કર્મથી આપણા ઈષ્ટદેવને જે પસંદ હોય તે જ કરવાનું હોય. ગાંધીજી કહેતા : ‘હું કોઈ પણ કામ કરું છું ત્યારે સમાજના છેવાડાના – છેલ્લામાં છેલ્લા આદમીનો વિચાર કરું છું.’ આપણને પણ એ રીતે કોઈ પણ કામ કરતાં એ આપણા ઈષ્ટદેવને ગમશે કે નહીં તેનો વિચાર કરવો જોઈએ. જે આપણા ઈષ્ટદેવને નાપસંદ તે આપણા માટેય સદંતર અગ્રાહ્ય. આપણા થકી સર્વથા ભગવાનનું કામ થાય એમાં જ આપણો તો ભગવદભાવ હોય. બાળક જેમ માતાપિતાની આંગળીએ વળગીને ચાલે એમ આપણે ભગવાનને વળગીને ચાલવું જોઈએ ને તો જ ભવની ભુલભુલામણીમાં અટવાવાનું ન બને.

આપણે તો ભગવાનનું ગમતું કરીને જ આનંદ લેવાનો હોય. આપણે આપણા ‘હું’ ને એવો મોટો ને ભારે ન બનાવીએ કે જેથી એ જ આપણને રોકનારી – રૂંધનારી – ભગવાનથી અલગ પાડી દેનારી ‘ભેદની ભીંત’ બની જાય. આપણે આપણા ‘હું’ને વકરાવીને – બહેકાવીને ભગવાનના કૃતઘ્ન ન બનીએ. જે ભરોસો ભગવાને આપણામાં મૂક્યો તેને આપણે બેવફા ન નીવડીએ. બેવફાઈ કે વિશ્વાસઘાત જેવું બીજું મોટું પાપ નથી. આપણું આ ધરતી પર આવવું એને આપણે ભગવાનની ઈચ્છા જ માનીએ અને એની ઈચ્છાને વશ વર્તીને ચાલવામાં આપણા હોવાની ધન્યતા માનીએ. ભગવાન શું, ભગવાનની ઈચ્છા શું, આપણું હોવું એટલે શું – આ બધા પ્રશ્નોનીયે ઘણી ઘણી બારીકીથી વાદ-ચર્ચા થઈ શકે પણ એમાં આપણે જવાનું ટાળી, આપણી અસલિયતનું જ્યાં પગેરું પકડાય ત્યાં જ શ્રદ્ધાપૂર્વક ભગવાનનું થાનક માનીને – ત્યાં અઠે દ્વારકા કરીને, માણસાઈપૂર્વકની આપણી જીવનચર્યામાં ભગવદભાવનો અનુભવ ને આનંદ લેતાં થઈએ. આપણને હંમેશાં યાદ રહે કે આપણે ચિદાનંદસ્વરૂપ છીએ, શિવ સ્વરૂપ છીએ. ચિદાનંદરૂપ શિવોડહં શિવોડહં |

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે લલિતનિબંધો – રીના મહેતા
ઘરની રસમ – ગિરીશ ગણાત્રા Next »   

10 પ્રતિભાવો : ભગવાન પ્રત્યેની આપણી કૃતજ્ઞતા – ચંદ્રકાન્ત શેઠ

 1. બહુ સરસ લેખ. જો સમાજમાં આવા વિચારો સ્થિર થાય તો મોટા ભાગના વૈયક્તિક અને સામાજીક પ્રશ્નોનો ઉકેલ આપોઆપ થઈ જાય.

 2. pragnaju says:

  ભગવાન પ્રત્યેની આપણી કૃતજ્ઞતા – ચંદ્રકાન્ત શેઠ જેવાની જોરદાર કલમથી લખેલી વાત વારંવાર ચિંતન મનન કરવા જેવી છે.
  “ચપ્પુથી શાક પણ સુધારાય અને કોઈને ઘા પણ કરાય; પરંતુ શા માટે ચપ્પુનો દુરપયોગ કરી આપણે ઘાતકી બનવું ? ઘાતકી બનવામાં શું મજા છે ? આપણે આપણા હાથનો ઉપયોગ કોઈને તમાચો મારવામાં નહીં પણ પ્રેમથી પંપાળવામાં કરવો જોઈએ. આપણને ભગવાને જે કંઈ સત્વબળ આપ્યું છે તે અસતને ઉત્તેજવા માટે નહીં પણ સતની તહેનાત માટે આપ્યું છે. આપણો સાચો સ્વાર્થ, આપણી સાચી સલામતી… અને આપણું સાચું સુખ સતના પક્ષે રહેવામાં જ છે તે જેટલું વહેલું અનુભવાય ને સમજાય તેટલું સારું. અસતની ઓથ તો આત્મહ્રાસ ને આત્મહત્યાને જ નોતરનારી નીવડે.”
  તેને માટે વિનોબાજી એક સુત્ર આપ્યું છે.
  આધ્યાત્મ+સાયન્સ=સર્વોદય
  રાજકારણ+સાયન્સ=સર્વનાશ
  સહજ રીતે સમજી શકાય તેવો ઉપાય-“આપણી અસલિયતનું જ્યાં પગેરું પકડાય ત્યાં જ શ્રદ્ધાપૂર્વક ભગવાનનું થાનક માનીને – ત્યાં અઠે દ્વારકા કરીને, માણસાઈપૂર્વકની આપણી જીવનચર્યામાં ભગવદભાવનો અનુભવ ને આનંદ લેતાં થઈએ. આપણને હંમેશાં યાદ રહે કે આપણે ચિદાનંદસ્વરૂપ છીએ, શિવ સ્વરૂપ છીએ. ચિદાનંદરૂપ શિવોડહં શિવોડહં | ”
  નમન ચંદ્રકાન્ત શેઠને-તેમના વિચરોને.

 3. Jinendra Shah says:

  સત્ય ને પાળવુ તેમજ તેનિ રાહ પર ચાલવુ ધર્મના નામ માટે કાઈ ભુલ ના થાય તે જોવાનિ જવાબદારિ પણ આપડિજ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.