- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ઘરની રસમ – ગિરીશ ગણાત્રા

‘….બાપ રે ! હાડ ગાળી નાખે એવી ઠંડી છે. અચાનક કોણ જાણે ક્યાંથી આવો ઠંડો વાયરો નીકળી પડ્યો ! સવાર સુધી તો હૂંફાળો તડકો હતો…. આ ઠંડી તો શરીરમાં ટાઢ ડામ દઈ જાય છે…. કહું છું કે આ બસ કેટલા વાગે આવશે ?’
‘આવા નાનકડા ગામમાં બસના ટાઈમનાં તે વળી શા ઠેકાણાં હોય ? કોઈ કહેતું હતું કે બસમાં વારંવાર ખોટકા થાય છે એટલે ડ્રાઈવર-કંડકટર સમું-સાજું કરતા હશે…. આવતી જ હશે. તું જરા શાંતિ રાખ.’
‘શું શાંતિ રાખું ? જોતા નથી કે કેવી ઠંડી વાય છે. આખા શરીરે લખલખું આવી જાય છે.’
‘બહારગામ જતી વેળા શાલ-સ્વેટર લઈ લીધાં હોત તો ?’
‘મને શું ખબર કે અહીં ગામડાંઓમાં આવી ઠંડી પડતી હશે ને મનેય થયું કે મોંઘા ભાવના શાલ-સ્વેટરને વળી ક્યાં ગામડાની ધૂળ ખવડાવવી ? ઘરેથી નીકળ્યાં તો ખાસ ઠંડી વરતાતી નહોતી એટલે વળી લબાચા ઊંચકવાની લાયમાં ન લીધાં…. તમે જરા કો’કને પૂછો તો ખરા.’
‘કોને પૂછું ? અહીં ગામડામાં કોઈ વખતની ચોકસાઈ ન રાખે. બે-ચાર જણાને પૂછ્યું તો કહે છે કે બસ આવશે, આવતી જ હશે. આવે વખતે આવે છે…’
‘તે તમે સ્ટેશન માસ્તરને જઈને પૂછો ને. એ બધા તો વખતની ચોકસાઈ પાળતા જ હોય છે. કહું છું કે જરા સ્ટેશનની અંદર આંટો તો મારી આવો.’
‘સારું’ કહી દિનેશભાઈ સ્ટેશનની અંદર ગયા.

સ્ટેશનની બહાર નીકળતાં જ બસ-સ્ટેન્ડ હતું. અહીંથી જ આજુબાજુનાં ગામોમાં જવા બસ મળતી હતી. દિનેશભાઈ અને રમાબહેન સમથળી ગામે ખરખરે જવા નીકળ્યાં હતાં. ગણતરી એવી રાખી હતી કે સવારની નવની ટ્રેન પકડી બપોરે બાર વાગે લીલિયા પહોંચી જવું. લીલિયાથી સમથળી જવાની કનેક્ટિંગ બસ મળે છે એની દિનેશભાઈને ખબર હતી. અડધા-પોણા કલાકમાં તો સમથળી પહોંચી જવાય. કનીફોઈને ત્યાં ખરખરો કરી, એને મોઢે થઈ, પાંચ વાગે નીકળી જવું. છ વાગ્યાની ટ્રેન પકડી રાતના દસ સુધીમાં તો ઘેર પહોંચી જવાય, પણ અહીં તો બસનાં ઠેકાણાં નથી !

રમાબહેને સુતરાઉ સફેદ સાડીને શરીર સાથે જોરથી ખેંચીને લપેટી, પણ ઠંડી સામે મચક આપવા એ અસમર્થ હતી. અધૂરામાં પૂરું, આ બસ-સ્ટેન્ડને છાપરુંય નહોતું. સ્ટેશનની રેલિંગની બહારની બાજુના એક લોખંડના થાંભલા સાથે બસ-સ્ટેન્ડની સૂચકતા દર્શાવતું પતરાનું લાલ પાટિયું લગાવી, સફેદ રંગમાં ગામોનાં નામ લખ્યાં હતાં, જ્યાં જવા દિવસમાં બે વખત બસ મળતી હતી.
દિનેશભાઈ સ્ટેશન માસ્તરની ઑફિસમાં તપાસ કરીને આવ્યા અને કહ્યું : ‘બસ તો જરૂર આવશે. આવવી જોઈએ. બધાં ગામોની ટ્રીપ મારી વળતાં ટ્રેનનું કનેક્શન લેવા માટેય આવશે.’
‘પણ આવશે ક્યારે ?’
‘એ રેલવે સ્ટેશનનો માસ્તર છે, સ્ટેટ ટ્રાન્સ્પોર્ટનો થોડો છે ?’
‘નસીબ. બીજું શું ?’ રમાબહેન બબડ્યાં, ‘મારાથી તો આ ઠંડી જરાય સહન નથી થતી.’ રમાબહેનના દાંત હવે કડકડાટી બોલાવતા હતા.
પત્નીને ઠંડીમાં ઠરતી જોઈને એ બોલ્યા : ‘સવારના છાપામાં જ હતું કે સિમલામાં બરફ પડ્યો છે એટલે ચોવીસ-ત્રીસ કલાકમાં આપણી બાજુ પણ ઠંડીનું મોજું ફરી વળશે.’
‘તે બરફ સિમલામાં પડે અને આપણે ત્યાં ઠંડી વાય, એ તે વળી કેવું ?’

બે-પાંચ મિનિટમાં રમાબહેને પંદર વખત ઘડિયાળ જોઈ હશે. સ્ટેશનની આજુબાજુ રડ્યાખડ્યા માણસોની અવરજવર હતી. સૌએ ધાબળા, શાલ કે છેવટની બાકી સુતરાઉ શાલ ઓઢ્યાં હતાં. એમને જોઈને રમાબહેન બોલ્યાં : ‘અરે, આમાંથી કોઈને મારી દયા આવે અને એક ધાબળો આપે તો એને સો રૂપિયાની નોટ ધરી દઉં.’

દિનેશભાઈ હસ્યા. એમણે પત્નીને મજાક કરતાં કહ્યું : ‘એક ફાટેલી સાડી કે મારા જૂના લેંઘા-ઝભ્ભા કોઈને આપતાં તો તારો જીવ નથી ચાલતો ને એક જૂના ધાબળા માટે તું સો રૂપિયાની નોટ આપવા તૈયાર થઈ ગઈ ?’

રમાબહેને પતિ સામે જોયું. ઠંડીથી એ પણ થરથરતા હતા. વરસાદ પડે એવા વાદળછાયા વાતાવરણમાં એ અદબ વાળીને ઊભા હતા. એમના મોં પર નિર્લેપતા હતી પણ બોલાયેલાં વાક્યોમાં નર્યો ઉપાલંભ હતો, કડવું સત્ય હતું. રમાબહેનના ટૂંકા જીવથી એ પરિચિત હતા.
બે વરસ પહેલાંની જ વાત હતી.
બે વરસ પહેલાં નવો બંગલો બંધાવી ત્યાં રહેવા ગયા પછી રમાબહેનને એક આદત પડી ગઈ હતી. જમ્યા પછી હીંચકે બેસી સોપારી કાતરી, મોંમા ઓરવી. એટલું ન કરે ત્યાં સુધી તો એમને ચેન ન પડે. એક રાત્રે જમીને પોર્ચના હીંચકા પર એ પતિ સાથે સોપારી કાતરતાં બેઠાં હતાં ત્યાં કોઈ ભિખારણે દરવાજા પાસે આવી બૂમ પાડી.
‘એ બા, કંઈક જૂનું ફાટેલું ઓઢવાનું આલો. ભગવાન તમારું ભલું કરશે.’

સાધારણ રીતે રાતના વખતે સૌ કોઈ વધ્યુંઘટ્યું માગવા નીકળે. પણ આ બાઈએ ઓઢવાનું માગ્યું. એ અને છ-સાત વરસનો છોકરો લગભગ ચીંથરેહાલ હતાં. આ કડકડતી ઠંડીમાં જીવી જવાય તોય ઘણું. એવા આશયથી એની વિનવણીના સ્વરમાં કાકલૂદી હતી.
દિનેશભાઈને દયા આવી. એ બોલ્યા : ‘આપને બિચારીને કંઈ. ઘણી ફાટેલી સાડીઓ, જૂની ચાદરો, લેંઘા-ઝભ્ભાનું પોટલું પડ્યું છે. હવે શું કામ લાગવાના ?’
‘તમને કંઈ સમજણ ન પડે તો બોલબોલ કરો નહિ.’ રમાબહેને પતિને તતડાવ્યા, ‘એ બધું વાસણવાળી માટે છે. મારે સ્ટેનલેસ સ્ટીલના ચા-ખાંડના ડબ્બા લેવા છે.’
‘એ ડબ્બાઓની કિંમત કેટલી ? એટલાની તો હું બે-ચાર દિવસમાં સિગારેટ ફૂંકી મારું છું.’
‘ભલે ને ફૂંકી મારો. એ તમારી વાત છે. મારી વાતમાં તમારે માથું ન મારવું…… અરે ! તું જાય છે કે નહિ ? અહીં થોડી કપડાંની દુકાન છે ?…. અરે ભગુ, જરા આ બાઈને અહીંથી તગેડ તો….’

રમાબહેન અત્યારે પોતાની જાતને પેલી ભિખારણ સાથે સરખાવી રહ્યાં. કોઈ પોતાનો જૂનો ધાબળો… ભલે ફાટલો, તૂટેલો, ગંધાતો હોય, આપી દે તો ?
બસ આવી.
બસમાં બેઠાં પછી રમાબહેનને વધુ ઠંડી લાગવા માંડી. બસને નહોતી કાચની બારીઓ કે પડદા. ખખડધજ બસ, કાચા રસ્તે ઊછળતી હતી. બસ મોડી પડી હોવાથી ડ્રાઈવર એને ભગાવતો હતો. કનીફોઈને ત્યાં ખરખરો કરીને પાછાં આવ્યાં પછી રમાબહેનને બરાબરની ઠંડી ચડી ગઈ. ચાર દિવસ સુધી એમનું નાક ગળતું રહ્યું, શરીરમાં થોડો તાવ પણ ભરાયેલો.

સાજા થયાં પછી એક દિવસ જમીને, હરહંમેશની જેમ, એ રાત્રે હીંચકા પર સોપારી ખાતાં બેઠાં હતાં ત્યાં બંગલાના દરવાજે બૂમ પડી : ‘એ બેન, કંઈક ખાવાનું આપો…. આ ડોસાને કંઈ ઓઢવાનું આપો. ભગવાન તમારું ભલું કરશે….’ ભિખારીનો અવાજ સાંભળી, રસોડામાં ઢાંકો-ઢૂંબો કરતી એમના મોટા પુત્રની વહુ બહાર પોર્ચમાં આવી અને ઊંચા સ્વરે બોલી :
‘કંઈ વધ્યું નથી. આગળ જાઓ….’
તુરત જ રમાબહેને એને અટકાવી અને દરવાજા તરફ જોઈ બૂમ મારી : ‘ભાઈ, ઊભા રહેજો. જોઉં, જો કંઈક ઓઢવાનું નીકળે તો…’
એ હીંચકા પરથી ઊભાં થઈ ઘરની અંદર ગયાં. થોડીવારમાં એક મોટો જૂનો ચોરસો અને તપેલીમાં કંઈક ખાવાનું લઈ આવ્યાં અને ભિખારીને આપ્યું. ડોસો પ્રસન્ન થયો. એણે રમાબહેનને, એના ખાનદાનને આશીર્વાદ આપ્યા. હીંચકા પર બેઠેલા દિનેશભાઈ પત્નીની આ ક્રિયા નિહાળી રહ્યા હતાં. ડોસાના ગયા પછી રમાબહેન ફરી હીંચકા પર બેઠાં. દિનેશભાઈએ પ્રસન્નવદને એમની સામે જોયું અને બોલ્યા :
‘રમા, તેં આજે માત્ર એ ડોસાને જ નથી આપ્યું, વહુને પણ આપ્યું છે.’
‘વહુને ? વહુને વળી મેં શું આપ્યું ?’
‘એક ખાનદાની સંસ્કાર.’
રમાબહેન હસ્યાં. એમણે પતિના હાથમાં સોપારીનો ચૂરો ધર્યો.