પ્રેમનો જાદૂ – શ્યામા

[‘ગૃહશોભા’ વાર્તા-વિશેષાંકમાંથી સાભાર.]

ગરમીની રજા પડતાં બાળકો સાથે પ્રેમિલા પોતના પિયર જવાનો કાર્યક્રમ ઘડતી હતી, ત્યારે નાની નણંદ શારદાનો ફોન આવ્યો. બે દિવસ પછી એક મહિના માટે તે પોતાના ભાઈને ત્યાં રહેવા આવી રહી હતી. શારદા સાથે તેના બે પુત્રો પણ આવવાના હતા. શારદાના આગમનના સમાચારે પ્રેમિલાનો મૂડ બગડી ગયો. તે તેના પતિ રોહિત પર નારાજ થતાં બોલી : ‘લ્યો, આવ્યો પાંચ-છ હજારનો ખર્ચો. આજની મોંઘવારીમાં લોકો પોતાનું પેટ મુશ્કેલીથી ભરે છે અને આ તમારી બહેન જ્યારે જુઓ ત્યારે આવતી જ રહે છે. તે જરા સરખો વિચાર કરતી નથી કે તેના આવવાથી કેટલી મુશ્કેલી પડશે, કેટલો વધારાનો આર્થિક બોજો પડશે, જાણે ભાઈનું ઘર ન હોય અને કોઈ ધર્મશાળા હોય ! જ્યારે ઈચ્છા થાય ત્યારે આવો અને જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ રહો. જાણે સદાવ્રત શરૂ કર્યું ન હોય ! આવા સગાં સાથે સંબંધ ન હોય તો સારું.’

‘માતાપિતાના મૃત્યુ પછી પરિણીત બહેનો પોતાના ભાઈઓને ત્યાં ન જાય તો પછી ક્યાં જાય ?’ પત્નીના શબ્દો સાંભળી રોહિતે પોતાની નારાજગી બતાવતાં કહ્યું : ‘તું પણ તો જવાની જ હતી ને તારા ભાઈને ત્યાં, ત્યારે તો તને આવી કોઈ વાત યાદ નહોતી આવી. મોંઘવારી વગેરે જો આપણા માટે છે તો તેમના માટે પણ છે. તારા ભાઈની આર્થિક સ્થિતિ મારાં કરતા તો સારી નથી. મારી જેમ એ પણ મધ્યમ વર્ગનો છે. સરકારી નોકરીમાં રહીને મને જેટલો પગાર મળે છે એટલો જ લગભગ તેને મળતો હશે. તો પછી મારી બહેન આવે છે તેના સમાચાર સાંભળીને તું શા માટે છાજિયાં લઈ રહી છે ?’

થોડીવાર મૂંગા રહ્યા પછી રોહિતે પ્રેમિલાને સલાહ આપતાં કહ્યું : ‘શારદા આવે એ પછી તારે કોઈપણ પ્રકારના બખેડા ઊભા કરવાના નથી. એ વાતનો તેને અણસાર આવવો જોઈએ નહીં કે તેના આવવાથી તું ખુશ નથી. તારો પ્રયત્ન એવો હોવો જોઈએ કે જે આનંદ અને આશા સાથે તે અહીં આવવાની છે તેની ઈચ્છા જરૂર પૂરી થવી રહી. કોઈ કોઈને ત્યાં ત્યારે જ જાય છે, જ્યારે તે તેને પોતાનું માને છે. પૈસા તો હાથનો મેલ છે. પૈસાની આવનજાવન તો થતી જ રહેશે.’ પ્રેમિલાને પતિની વાત ગમી તો નહીં, પરંતુ તેનું પાલન કરવું તે તેની મજબૂરી પણ હતી. જે દિવસે શારદા આવવાની હતી તે દિવસે પ્રેમિલા સવારથી જ ખૂબ કામમાં પરોવાયેલી હતી. ટ્રેન દિવસે બપોરે 12 વાગ્યે આવતી હતી. બપોરના ખાણામાં પ્રેમિલાએ એ બધી વસ્તુ બનાવી હતી જે બાળકોને પ્રિય હોય છે. તે પ્રેમથી ખાઈને પેટ ભરે છે. પ્રેમિલા ઈચ્છતી હતી કે શારદાના બંને પુત્રો ભરપેટ ભોજન કરી મુસાફરીનો થાક ઉતારે અને કંટાળો ઝડપથી દૂર થાય અને મામાનાં બાળકો સાથે હળીમળી જાય.

શારદાએ આવતાંની સાથે જ રસોડાની તમામ જવાબદારી ઉપાડી લીધી. સવારના નાસ્તાથી લઈને રાત્રીના ભોજન સુધીની રસોઈ તે જાતે જ બનાવતી અને ખૂબ પ્રેમથી સૌને જમાડતી. જ્યારે જુઓ ત્યારે કામમાં જ લાગેલી રહેવાના કારણે એક દિવસ પ્રેમિલાએ તેને કહ્યું : ‘અરે મારી વહાલી નણંદબા, તું અહીં આરામ કરવા આવી છે. જો આખો દિવસ આ રીતે કામ કરતી રહીશ તો આરામ ક્યારે કરીશ. પાછા જઈને તો તારે ત્યાં કામ કરવાનું જ છે. અહીં રહી થોડો આરામ તો કરી લે.’
‘કામ ન કરીને હું મારી રોજની ટેવ બગાડવા ઈચ્છતી નથી.’ શારદાએ હસીને કહ્યું, ‘આદત બગડી જશે તો એક દિવસ તમારા જમાઈ પણ મને ઘરમાં રહેવા નહીં દે. મારા કરતાં તો આરામની તમારે વધુ જરૂર છે. જેટલા દિવસ હું અહીં છું તમે આરામ કરો અને હું કામ કરીશ.’

પ્રેમિલાને ત્યાં લોકોની આવનજાવન વધુ રહેતી. જેના કારણે તેને આરામ મળતો નહોતો. શારદા ઈચ્છતી હતી કે તે આવી છે તો ભાભી થોડા દિવસ આરામ કરી લે. આવો વિચાર કરીને તે અહીં આવી હતી. ઓછાં ઘી, તેલ તથા ખાંડનો ઉપયોગ કરીને શારદા રસોઈ પણ સ્વાદિષ્ટ બનાવતી હતી. તેનાં બાળકોને તો આવી રસોઈ જમવાની ટેવ હતી. ભાઈનાં બાળકોને પણ ફોઈના હાથની બનાવેલી રસોઈ ગમતી હતી. એટલું જ નહીં, તેમની મમ્મી પણ એવી જ રસોઈ બનાવે તેવો આગ્રહ રાખ્યો. શારદાની રસોઈ બનાવવાની ઝડપ ઘણી હતી. તે ક્યારે રસોઈ બનાવવી શરૂ કરતી, ક્યારે રસોઈ બની જતી હતી. તેનો કોઈને ખ્યાલ રહેતો નહીં. જ્યારે એક-બેવાર ભાભીએ તેને તળેલી વસ્તુ બનાવવા માટે કહ્યું, ત્યારે તેણે પોતે આવી ચીજ ખાઈને ગોળમટોળ બનવા નથી ઈચ્છતી એવી દલીલ આગળ કરી ના પાડી. વળી તે આવી વસ્તુ પોતાનાં બાળકોને ખવડાવી ગોળમટોળ બનાવવા દેવા નથી ઈચ્છતી તેમ કહ્યું. જો તેમને ખાવી હોય તો તેઓના ગયા પછી ખૂબ બનાવીને ખાય તેમ કહ્યું. પ્રેમિલાને પેટમાં પથરીની ફરિયાદ હતી, જે ઘણીવાર હેરાન કરતી હતી. ડૉકટરે ઘણીવાર પ્રેમિલાને ઓપરેશન કરાવી લેવા માટે કહ્યું હતું, પરંતુ કોઈ ને કોઈ બહાનું આગળ ધરીને તેને ટાળતી રહેતી હતી. શારદાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે ઓપરેશન માટે ભાભીને તૈયાર કરી.

ઓપરેશન દરમિયાન શારદાએ ભાભીની જેટલી સેવા કરી એટલી સેવા તો કોઈ કરી શકે નહીં. ઘરને પણ ખૂબીપૂર્વક સંભાળી લીધું. તે જોઈને પ્રેમિલાના મનમાં નણંદ તરફ પ્રેમનો ભાવ ઊભરાઈ આવ્યો. શારદા આવવાની છે તે સમાચાર સાંભળી તેમણે પતિને જે કંઈ કહ્યું હતું તેનો વિચાર કરતાં તેને શરમ આવવા લાગી. તેણે પહેલીવાર અનુભવ્યું કે પોતાનાં પોતાનાં હોય છે. તેની જગ્યા કોઈ લઈ શકતું નથી.

ભાઈના ઘરના પડદા ઘણા જૂના થઈ ગંદા થઈ ગયા હતા. ભાઈ સાથે જઈને એક દિવસ શારદા નવું કાપડ લઈ આવી. નવા પડદા સિવડાવી જ્યારે તેણે ઘરમાં લગાવ્યા ત્યારે ઘરનાં રૂપરંગ જ બદલાઈ ગયા. પડદાનો રંગ દીવાલોના રંગ સાથે એટલો સુંદર લાગતો હતો કે ભાઈભાભી અને તેનાં બાળકો શારદાની પસંદગીની પ્રશંસા કરતાં થાકતાં નહોતાં. ભાભીના કહેવાથી શારદા એક દિવસ બજાર ગઈ અને તૂટેલાફૂટેલાં વાસણોને બદલે એવા વાસણ લઈ આવી, જેની ઘણા સમયથી ઘરમાં જરૂર હતી.

ઘરેથી નીકળી ત્યારે શારદાએ બાળકોને સારી રીતે સમજાવી દીધું હતું કે મામાને ઘેર રહેતાં તેઓ એવું કશું કામ નહીં કરે, જેનાથી મામાને તેમનું આવવું ન ગમે. મામાને ઘેર તેઓ એ જ ખાશે જે સૌનાં માટે બનશે. પોતાના તરફથી કોઈ ખાસ વસ્તુની માંગ નહીં કરે કે ન તો મામા પર કોઈ પ્રકારનો આર્થિક બોજો નાખશે. મમ્મીની વાત સમજીને બાળકોએ મનમાં ગાંઠ વાળી લીધી હતી. રોહિતે ઘણીવાર પોતાનાં બાળકો સાથે બહેનનાં બાળકોને બહાર હરવાફરવા તથા ખવડાવવાપિવડાવવા માટે લઈ જવાનું કહ્યું પરંતુ શારદાનાં બાળકોએ કોઈ ને કોઈ બહાનું આગળ ધરી ના પાડી દીધી. કોઈએ મનગમતા ટી.વી. પ્રોગ્રામ જોવાનું બહાનું કાઢ્યું તો કોઈએ તબિયતનું બહાનું કાઢી વાતને રોળીટોળી દીધી.

એક દિવસ રોહિત જબરજસ્તીથી તેમને બજારમાં લઈને ગયા. બાળકોને ગમતાં કપડાંની એક એક જોડ ખરીદી આપવાની તેની ઈચ્છા હતી. જ્યારે બાળકોને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે બહાનું બતાવી મામાની વાતને ટાળી દીધી અને પોતાને કશું પસંદ નથી એમ કહ્યું. તેઓ માત્ર મમ્મીની પસંદગીનાં કપડાં પહેરે છે એમ કહ્યું. બાળકોની વાત સાંભળી રોહિત સમજી ગયો કે તેમને શારદાએ આ વાત શીખવી છે, પરંતુ હસવા સિવાય બીજો ક્યો રસ્તો હતો ?

જતાં જતાં શારદા તેના ભાઈના બગીચાને વ્યવસ્થિત કરવાનું પણ ન ભૂલી. એક દિવસ મજૂરને બોલાવી બગીચાની સાફસૂફી કરાવી. આમ તેમ પડેલાં કૂંડાને વ્યવસ્થિત ગોઠવ્યાં. જે કૂંડામાં છોડ સુકાઈ ગયા હતા તેમાં નર્સરીમાંથી નવા છોડ મંગાવી રોપ્યા. ભાઈની મંજૂરી લઈ એક માળી પણ રાખી લીધો. માળી રોજ સવાર સાંજ આવી પાણી પાતો હતો અને સમયે સમયે છોડની માવજત કરતો હતો. ખાતર નાખતો હતો. શારદા ગઈ ત્યાં સુધીમાં તો બગીચામાં હરિયાળી છવાઈ ગઈ. રંગબેરંગી ફૂલો ઊગવાં લાગ્યાં.

જે દિવસે શારદાને જવાનું હતું તે દિવસે સવારથી પ્રેમિલા ઉદાસ બની ગઈ હતી. કેટકેટલાં કામ કર્યાં હતાં આ છોકરીએ. એક મહિનામાં જો તે ન આવી હોત તો પ્રેમિલાનાં બધાં કામ જેમનાં તેમ જ રહી જાત. પ્રેમિલાના હૈયામાં શારદા તરફ લાગણી થઈ આવી. તે મનમાં આશીર્વાદ આપવા લાગી. પ્રેમિલાની ઈચ્છા શારદાના પુત્રોને કશી ભેટ આપવાની હતી, પરંતુ શારદાએ ના કહી. ભાભીના ઘણા આગ્રહ પછી તે કહેવા લાગી, ‘એક મહિનામાં તમે મને અને મારાં બાળકોને એટલા લાડપ્યારથી રાખ્યાં છે કે તેનાથી વધુ કિમતી ભેટ બીજી કઈ હોઈ શકે ? મારાં ભાઈભાભી હંમેશાં સ્વસ્થ રહે, સુખી રહે અને આપણી વચ્ચે આવો જ પ્રેમ રહે. બસ, હું તો આ જ ઈચ્છું છું.’

શારદાના ગયા પછી પ્રેમિલાને તેની યાદ ઘણી સતાવતી રહી. મળવા આવતા દરેક માણસ પાસે તે શારદાની પ્રશંસા કરતી રહેતી. પોતાનાં સગાંવહાલાં માટે તે મનમાં ગર્વ અનુભવતી હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખોરાક પર સંયમ – સ્વામી સચ્ચિદાનંદ
ભિન્ન ષડ્જ – હરિશ્ચન્દ્ર જોશી Next »   

27 પ્રતિભાવો : પ્રેમનો જાદૂ – શ્યામા

 1. Jinendra Shah says:

  આને કેહ્વવાય અતિથિ દેવો ભવ …!!

 2. JITENDRA TANNA says:

  ખુબ સરસ.

 3. saurabh desai says:

  nice story but ideal story

 4. Dhaval B. Shah says:

  Nice one!!

 5. Dhaval B. Shah says:

  Nice one

 6. Piyush Patel says:

  good article.

 7. Keyur Patel says:

  બીજાને પોતાના કેમ કરવા તેની કળા ખરેખર મણસની પોતાની પાસે હોય છે.

 8. pragnaju says:

  “આપણી વચ્ચે આવો જ પ્રેમ રહે.
  બસ, હું તો આ જ ઈચ્છું છું.”

  આ સહજ સાંસારિક પ્રેમની સુંદર વાર્તા.
  હવે તો ગુરુ પણ પૂછે છે કે-“તેં પ્રેમ કર્યો છે?” …તો પછી તેને દિવ્ય પ્રેમ તરફ વાળવાન સરળ રહે છે.

 9. bharat dalal says:

  How to win love and affection. One should learn from Sharada.

 10. meera says:

  very nice story aa story apda bharat desh ma badhi bhabhi ane nanand ne vachavi joie ane samajvi pan joie k gharna hamesha gharna j rahe 6 ava nanand bhabhi na relation na karane ek ben ane bhai pan pela jevi lagni thi rai sake 6 j ek ben mate bau jaruri 6.

 11. krupali bakshi says:

  nice example who differentiate between thouself & other people. khud ne bija ni jagya per muki ne juo.

 12. Harikrishna Patel (London) says:

  This is a pure Give & Take situation. Sharda showered her true Love and Pramila had no choice but to accept it. That brought the ‘parivartan’ in Pramila’s thinking.
  Wonderful story.

 13. Dhirubhai Chauhan (USA) says:

  Wonderful story

 14. Bhavna Shukla says:

  Sharada nu patra kharekhar j vakhanavalayak chhe. Jeno potana santano na vicharo par pan puro control hoy prabhav hoy tene mate anyo na man jitava ni kala kelvayeli j hoy chhe. Sharada ni sadgi purn amiri gami gai.
  Shyamaji ne aabhinandan…

 15. નણઁદ અને ભાભી બધે આવાઁ જ હજો !

 16. નણઁદ-ભાભી બધે જ આવાઁ હજો !

 17. it is a really excellent story. my heartly congratulations to all of u. love is super divine look of sri sri syampriyaradhaji & lord krishnaji !let us love to all because our great sant-mahatma says god is in every human being ! thnks for good literature

 18. this is very fine story .
  I like this type of family & love story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.