ભિન્ન ષડ્જ – હરિશ્ચન્દ્ર જોશી

[શ્રી હરિશ્રન્દ્ર ભાઈને સાંભળવાનો લ્હાવો આપણે સૌ કોઈએ પૂ. મોરારિબાપુની કથામાં ક્યારેક તો લીધો જ હશે ! પૂ.બાપુની કથામાં વર્ષોથી તેઓ સ્વરની સેવા આપે છે. તેઓ પોતે કવિ તેમજ સંગીતકાર છે. તેમણે અનેક કૃતિઓને પોતાનો કંઠ આપ્યો છે. પ્રસ્તુત ગઝલો તેમના તાજેતરના પુસ્તક ‘ભિન્ન ષડ્જ’ માંથી લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી હરિશ્ચન્દ્રભાઈનો (બોટાદ, ગુજરાત) ખૂબ ખૂબ આભાર.]

[1] પ્રથમ એને ચહવો

અહીં ફકત માણસને માણસ સમજવો.
પરખવું ત્યજીને પ્રથમ એને ચહવો.

અનાગત પ્રવાસે ભરી તેજ ઝોળી,
જરૂરત પ્રમાણે જ સૂરજ ખરચવો;

સમયપત્રકે બદ્ધ છે સર્વ ફૂલો,
અડાબીડ મહેકે અહર્નિશ મરવો;

નથી બાદબાકી, નથી ખોટ કાયમ,
સંબંધોનો ક્યારેક સરવાળો કરવો;

બધાં સત્ય મૂઠીક લઈ નીકળે ને,
જડે સ્હેજ કેડી ત્યાં હેમાળો ગળવો;

તરત તીવ્ર હો તો નદી દ્વાર આવે,
અમસ્તો અમસ્તો શું દરિયો ચગળવો;

પકડવી જ પડતી કલમ રિક્ત હાથે,
કરે ભીતરે શબ્દ સાચે જ બળવો.

[2] ગણી બતાવ

ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ,
તેં ફેરવેલ શ્વાસના મણકા ગણી બતાવ.

દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ.

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય, લાચાર તું, હવે ?
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે ?
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
રાખ્યા છે કિંતુ કેટલા પડદા ? ગણી બતાવ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમનો જાદૂ – શ્યામા
ગ્રીન લીફ – પ્રણવ ત્રિવેદી Next »   

13 પ્રતિભાવો : ભિન્ન ષડ્જ – હરિશ્ચન્દ્ર જોશી

 1. સમયપત્રકે બદ્ધ છે સર્વ ફૂલો,
  અડાબીડ મહેકે અહર્નિશ મરવો;

  ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ,
  તેં ફેરવેલ શ્વાસના મણકા ગણી બતાવ.

  એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે ?
  તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

  આ શેર ખાસ ગમ્યા …

  સુંદર રચનાઓ ….

 2. bijal bhatt says:

  ખુબ સુંદર રચના…
  આજ ની બન્ને કૃતિઓ જિવન ની ફિલોસોફી શું? એ તરફ અંગુલી નિર્દેશ કરે છે!!

 3. Paresh says:

  સુંદર ગઝલ

  “તરત તીવ્ર હો તો નદી દ્વાર આવે,
  અમસ્તો અમસ્તો શું દરિયો ચગળવો;”

  ઉપરના મક્તામાં “તરત” ની જગ્યાએ “તરસ” હશે.

 4. pragnaju says:

  હરિશ્ચન્દ્ર જોશીના વેદની ઋચા જેવા, ભિન્ન ષડ્જના શેરો, ભીતરે શબ્દ બળવો કરે ત્યારે ફ્ક્ત કલમ રિક્ત
  હાથે પકડતાં જ લખાઈ જાય, તેવું પરમનો અણસાર થાય ત્યારે બને છે. મીરાં, કબીર, તુલસી, નરસીંહ, તુકારામ જેવા અનેક સંતોને અને વર્તમાન સમયમાં માનનીય ભગવતીભાઈને “બે મંજીરા” લખતા આવો અનુભવ થયો છે.
  બધાં સત્ય મૂઠીક લઈ નીકળે ને,
  જડે સ્હેજ કેડી ત્યાં હેમાળો ગળવો;

  તરસ તીવ્ર હો તો નદી દ્વાર આવે,
  અમસ્તો અમસ્તો શું દરિયો ચગળવો;

  પકડવી જ પડતી કલમ રિક્ત હાથે,
  કરે ભીતરે શબ્દ સાચે જ બળવો.
  ——————————————–
  ‘ગણી બતાવ’-
  વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
  રાખ્યા છે કિંતુ કેટલા પડદા ? ગણી બતાવ.
  …એ પડદા પરખાય, હટાવાય પછી તો
  મુઝકો કહાં ઢૂંઢેરે બંદે? …
  તલાશ જ પૂરી થઈ જાય

 5. Gaurav says:

  જક્કાસ્

 6. Bhavna Shukla says:

  તરત તીવ્ર હો તો નદી દ્વાર આવે,
  અમસ્તો અમસ્તો શું દરિયો ચગળવો;
  ………………………………………………….
  માનુ છુ ત્યા સુધી પ્રથમ શબ્દ ‘તરસ’ હોઇ શકે.
  અમસ્તા દરિયાને ચગળવાની કલ્પનાજ કેટલી અફલાતુન છે ને છતા કેટલી સહજ છે.

 7. અનાગત પ્રવાસે ભરી તેજ ઝોળી,
  જરૂરત પ્રમાણે જ સૂરજ ખરચવો.

  તરત તીવ્ર હો તો નદી દ્વાર આવે,
  અમસ્તો અમસ્તો શું દરિયો ચગળવો.
  -સુંદર રચના…

  વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
  રાખ્યા છે કિંતુ કેટલા પડદા ? ગણી બતાવ.
  -આ શેર પણ સ્પર્શી જાય એવો થયો છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.