- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સ્વપ્નનું ગણિત – ડૉ. ચંદ્રશેખર ઠક્કુર

[‘જિંદગી એક સંતાકૂકડી’ પુસ્તકમાંથી સાભાર.]

જગદ્દગુરુ શંકરાચાર્યને કોઈએ પ્રશ્ન પૂછ્યો હશે કે સંસારમાં જન્મ થયા પછી જેમ જેમ શરીર, મન, બુદ્ધિ વિકાસ પામે તેમ તેમ માણસની જાગૃત અવસ્થા વધુ ને વધુ સતેજ બને છે. જ્યારે ઊંઘમાં એને સ્વપ્ન બહુ આવે છે. કેટલીક વાર આ સ્વપ્ન શા માટે આવે છે એવો સવાલ પણ થાય છે. ત્યારે એમણે ઉત્તર આપ્યો – જાગૃત અવસ્થામાં આપણે જે જે જોઈએ છીએ જે જે સાંભળીએ છીએ એમાંથી એક પ્રકારની વાસનાનો જન્મ થાય છે. એને કારણે નિદ્રા અવસ્થામાં જે પ્રસંગ અનુભવમાં આવે છે તે તે એક જાતની સ્વપ્ન સ્થિતિ હોય છે. આ સ્વપ્ન અવસ્થા માત્ર જોયેલા કે સાંભળેલા પ્રસંગ નહીં પરંતુ સ્વપ્ન સ્વરૂપે આવે છે. એક વાચક મિત્રનો પત્ર છે કે એમને સ્વપ્નો ખૂબ જ આવે છે અને એમાં પણ દુ:ખનો અનુભવ થાય છે. જ્યારે ક્યારેક સુખનાં સ્વપ્ન આવે ત્યારે ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એ પંક્તિ પ્રમાણે માણસ અસમંજસમાં પડી જાય.

આ સ્વપ્નશાસ્ત્ર ઉપર આયુર્વેદ, જ્યોતિષ, ઈતિહાસ, પુરાણ વગેરેમાં અનેક વિવેચન જોવા મળે છે. કુરુવંશના ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જે આંખે પાટા બાંધતી તેમને પણ મહાભારતકારે – વેદવ્યાસે – સ્વપ્નના અનુભવનું વર્ણન કરાવ્યું છે. આપણી ઈન્દ્રિયો પોતાનાં કર્મોમાંથી શૂન્ય બને અને મન બધા વેપારમાંથી મુક્ત ન હોય તો એમાં બાહ્ય વિષયનું સેવન કરે. એને સ્વપ્નદર્શન કહે છે. અંધજનોને સ્વપ્ન આવતાં હશે ! આ પ્રશ્નનો ઉત્તર તો કોઈ સમર્થ પ્રજ્ઞાચક્ષુ જ આપી શકે. આધુનિક વિજ્ઞાનમાં મનોવૈજ્ઞાનિકોએ સ્વપ્નસૃષ્ટિનો બહુ ઊંડો વિચાર કર્યો છે. ટૂંકમાં જાગૃત અવસ્થામાં થયેલા સંસ્કાર કલ્પનાને લઈ નિદ્રા અવસ્થામાં સાકાર બને છે.

એકવાર એક દરદીએ ફરિયાદ કરી કે જાગૃત અવસ્થામાં જે કંઈ હોય છે એમાંથી મુક્ત થવાતું નથી. સ્વપ્નસૃષ્ટિમાં જે કંઈ હોય એ પણ સાથોસાથ ચાલે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે ઊંઘ જેવી કોઈ વસ્તુ છે ખરી કે નહીં ? અને હોય તો કૃપા કરી મને એવી દવા આપો કે જેથી ગાઢ ઘસઘસાટ ઊંઘ આવી જાય. એવી દવાનું વર્ણન તો વૈદકમાં નથી પણ માણસની જન્મની તાસીર બહુ ચપળ હોય તો સ્વપ્ન પુષ્કળ આવે. એનું શરીર બંધારણ જલતત્વનું હોય તો એને શાંત નિદ્રા આવે અને સ્વપ્નમાં સરોવર, કમળ, ઉદ્યાન જેવાં દશ્યો દેખાય. જો શરીર પ્રકૃતિ પિત્તની હોય તો ઉગ્ર અને વ્યગ્ર સ્વપ્નાં આવે. સ્વપ્નો આનંદજનક હોય અને ભયજનક પણ હોય છે. આ બધું મનોવ્યાપાર ઉપર આધાર રાખે છે. પેટ ભરી દાબીને જમે તેને તુરત જ ઊંઘ આવી જાય. પણ ઊંઘમાં સ્વપ્ન પુષ્કળ આવે. તબીબી વિજ્ઞાન હૃદય, ફેફસાં, પિત્તાશય, જઠર, બરોળ, લિવર જેવા અવયવો નબળા પડે ત્યારે પણ માણસને સ્વપ્ન આવે છે. આ ઉપરાંત માનસિક સ્વપ્ન પણ આવે છે. સ્વપ્ન રાત્રે ઊંઘમાં આવે તેવું જ નથી. પણ આપણે ત્યાં દિવાસ્વપ્ન જેવો શબ્દ પણ છે. બનતા સુધી સંત તુલસીએ કહ્યું છે : ‘પરાધીન સ્વપ્ને હુ સુખ નાહિ’ માણસ પરતંત્ર હોય તો એને સ્વપ્નમાં પણ સુખ મળે નહીં. એટલે સ્થૂલ અર્થમાં લઈએ તો માણસ સ્વાધીન હોય, સ્વતંત્ર હોય તો એ પોતાનું એક સામ્રાજ્ય અસ્તિત્વમાં છે એમ સમજે છે. બે ભાગીદારો છૂટા થાય પછી દરેક પોતપોતાને સ્વતંત્ર સમજે છે. આનું જ નામ માયાજાળ. સૂક્ષ્મ દષ્ટિએ જોઈએ તો માણસનું મન અનેક વિષયોમાં અને પદાર્થોમાં રાચે છે. પરિણામે એનો અભાવ હોય ત્યારે એ પોતાને દુ:ખી અને પરતંત્ર સમજે છે. પેલી જાણીતી અંગ્રેજી કવિતાની વાત પાઠકોને યાદ હશે, એમાં રાજા ફરવા નીકળે છે. રસ્તામાં એક સુંદર મજાનું ખેતર હોય છે ત્યાં પવનચક્કી હોય છે. અને એનો ચાલક મસ્તી અને આનંદવિભોર બની પ્રસન્ન હોય છે. રાજા વિનમ્ર ભાવે એની પાસે જઈ પોતાની ઓળખાણ આપે છે. અને ત્યારે આ મિલનો ચાલક કહે છે કે તમારી શું સેવા કરી શકું ? રાજા કહે કે મારો મુગટ તને પહેરાવું, રાજપાટ સોંપું, તું સમૃદ્ધ થઈ જઈશ અને બદલામાં તું મને તારી આ પવનચક્કી અને ખેતર આપી દે. આવું મોટું પ્રલોભન સાંભળી પેલાએ ઉત્તર આપ્યો. તમે તો ઘણા મોટા માણસ ગણાવ. તમારું મોટું રાજપાટ છે. છતાં તમે દુ:ખી છો અને હું તો ઊભો માણસ છું. તો મને મારી નાનકડી એવી આ જાગીર અને સુખચેન ભરી નિદ્રા એ મારું સામ્રાજ્ય છે. હું સમ્રાટ નથી, તમે તો તે પણ છે. તમે સ્વતંત્ર પણ છો. છતાં તમને મન ઉપર ભાર રહે છે. મને મારી આ મઢૂલી મુબારક.

આ કાવ્ય ઘણી નાની વયે વાંચેલું, પણ એવા અનેક પ્રસંગો છે. એક રાજા જંગલમાં શિકાર કરવા જાય છે અને એ સાથીઓથી અને અનુચરોથી વિખૂટા પડી જાય છે અને એક ખેડૂતને ત્યાં રાતવાસો કરે છે. અને એ રાજાને બાજરાના રોટલા, શાક અને કઢી, ખીચડી, દહીંમાં જે મીઠાશ સાંપડે છે તે એને જીવનમાં ક્યારેય અનુભવી ન હોય તેવી તૃપ્તિ અનુભવાય છે.

સંસારને કેટલાક સ્વપ્ન ગણે છે. કોઈ ધર્મશાળા કહે છે. તેમ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે જે નિશા સર્વ ભુતો માટે છે તેમાં સંયમી જાગૃત રહે છે. અહીં પણ ઊંડા અર્થમાં જોઈએ તો જિંદગીની સાધનામાં સાધકે સતત જાગૃત રહેવાનું છે. સ્વપ્નો વિશે સ્થૂળ સાહિત્ય તો ઘણું વેરણછેરણ મળે છે. જેમ કે પહેલા પ્રહરમાં આવેલું સ્વપ્ન એક વર્ષમાં, બીજા પ્રહરમાં આવેલું સ્વપ્ન આઠ મહિનામાં, ત્રીજા પ્રહરમાં આવેલું સ્વપ્ન એનું ફળ ત્રણ મહિનામાં, ચોથા પ્રહરમાં આવેલા સ્વપ્નનું ફળ એક માસમાં અને સૂર્યોદય પૂર્વે આવેલા સ્વપ્નનું ફળ દસ દિવસમાં અને સૂર્યોદય વખતનું તે જ વખતે ફળે છે. સ્તુતિઓમાં અને સ્તવનોમાં ‘દુ:સ્વપ્ને સ્મર ગોવિંદમ્’ ખરાબ સ્વપ્નું આવે ત્યારે જાગી જવાય તો હાથ, મોઢું પગ ધોઈ ગોવિંદનું સ્મરણ કરવું. અહીં પણ ભાવાર્થ એવો છે કે સ્વપ્ન હોય કે જાગૃત અવસ્થા હોય એનું સ્થૂલ સ્વરૂપ છૂટું પાડી જાગૃતિ અને ઊંઘને છૂટા પાડી શકાતાં નથી. કારણકે જ્યારે માણસ નિ:સ્વપ્ન એટલે પરમ ગાઢ નિદ્રામાં પોઢી જાય છે ત્યારે એ આ બંને બંધનથી મુક્ત બને છે.