સંબંધોની વિદ્યા – સુરેશ દલાલ

[‘ઝલક નવરંગ’ પુસ્તકમાંથી સાભાર.]

સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા ભાગના આપણા સંબંધો કાચના હોય છે, એને નંદવાઈ જતાં વાર લાગતી નથી. આપણે નથી ઊંડે જોતા કે નથી ઊંચે જોતા. આપણે આપણી જાત સાથેનો સંબંધ પણ કેટલો બટકણો છે. કોઈ દિવસ નિરાંત જીવે મનગમતું એકાંત મેળવીને આપણે કદીય આપણી જાત સાથે વાત કરવાનો મોકો મેળવ્યો છે ખરો ?

માણસ જન્મે છે ત્યારથી એની ઈચ્છા હોય કે ન હોય એ સંબંધોની માયાજાળમાં ફસાયો છે. પ્રત્યેક સંબંધ સુવર્ણમૃગ છે. જો જાત સાથે સંબંધ કેળવીએ તો એ સંબંધ કસ્તૂરીમૃગ થાય. કસ્તૂરીમૃગની પાસે પોતાની સુવાસ હોય છે. જે માણસ પાસે પોતાનું કશુંક હોય એને બહારના કશાય પર ઝાઝો મદાર બાંધવો નથી પડતો. સંબંધની પારની પણ એક સૃષ્ટિ હોઈ શકે. જ્યારે બધા જ સંબંધો પોકળ અને પામર પુરવાર થાય અથવા ન થાય તો પણ માણસે ક્યારેક તો સંબંધની પાર જવું જોઈએ. શા માટે માણસોના સંબંધો વણસે છે ? આગ્રહ બરાબર છે. દુરાગ્રહ ખોટો છે. અભિવ્યક્તિ બરાબર છે, પણ એમાં કટુતા હોય તો પડવા જેવું નથી. સત્ય પણ સારી રીતે કહી શકાય છે. તમે ગમે એટલા આખાબોલા કે સાચાબોલા હો પણ કોઈને વાગે એ રીતે વાત ન કરાય. શરીરનું ખૂન કરીએ તો ખૂની, પણ શબ્દ દ્વારા કોઈ જીવને દૂભવીએ તો એની શિક્ષા અંતે તો આપણને ક્યારેક ને ક્યારેક થતી હોય છે. એનો અર્થ એવો નથી કે માણસે શબ્દોથી લોકોને પંપાળવા. જ્યાં આપણા સત્યની જરૂર હોય ત્યાં જ વાત કરી શકાય. સત્ય કે આંસુઓ સસ્તાં ન કરી શકાય. કોઈના અહમને હાથે કરીને શું કામ હડફેટમાં લેવો ? ઘવાયેલા અહમવાળો માણસ પશુ થઈને વીફરે અને વકરે.

આપણે મોટે ભાગે અભિપ્રાયો ઓકતા હોઈએ છીએ. આપણે જ્યારે અભિપ્રાય વ્યકત કરીએ છીએ ત્યારે આડકતરી રીતે એવું પુરવાર કરવા માગીએ છીએ કે આના કરતાં મને વધુ આવડે છે. કોઈનું પ્રવચન સાંભળીને તરત એમ કહી દેવું કે તારી વાતમાં કશો દમ ન’તો, એમાં સત્ય હોય તોપણ એને જુદી રીતે કહી શકાય. જ્યારે સામા માણસનું રિસીવિંગ સેન્ટર સાઉન્ડ હોય, એની ગ્રહણશક્તિ સતેજ હોય ત્યારે શાંતિથી એને કહી શકીએ કે એ દિવસે તારું જે પ્રવચન હતું એ જોઈએ એટલું જામ્યું નહીં. તો પેલી વ્યક્તિ પણ પોતે તે દિવસે પ્રવચનમાં કેમ ન જામી શકી એના વિશે વિચાર કરશે અને કદાચ પોતા પાસેથી સાચો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરશે. સાચું બોલવું ને સારું બોલવું એ એક કળા છે, પણ માણસજાત એકમેકને સુખી કરવા સર્જાઈ નથી. જ્યાં સુધી એકમેકને દુ:ખ ન આપે ત્યાં સુધી માણસને ચેન પડતું નથી. જેમ સંબંધ ગાઢ તેમ દુ:ખી કરવાની ગૂઢ વિદ્યા પ્રબળ. જે ક્ષણે આપણા સુખનો આધાર બીજાના દુ:ખ પર આધાર રાખતો થયો તે ક્ષણથી આપણું મનુષ્ય તરીકેનું પતન શરૂ થયું અને ઉડ્ડયન પૂરું થયું. મહેણાં-ટોણાં, વાતવાતમાં મોઢું ચઢાવવું, ત્રાગાં કરવાં, હવે તો તારી બાબતમાં નહીં જ બોલું એમ કહીને તોબરો ચઢાવવો – આ બધી સામી વ્યક્તિને યાતના આપવાની અનેક પદ્ધતિઓ છે.

લૂલા અને આંધળાની વાત તો જાણીતી છે, પણ રજનીશજીએ આ વાતને એક નવો વળાંક આપ્યો છે. આપણા તમામ સંબંધો લૂલા અને આંધળા જેવા છે. બંનેને એકમેકની જરૂરિયાત છે. બંને અંદરથી તો ભિખારી છે. લંગડા પાસે પગ નથી, આંધળા પાસે આંખ નથી. કમાઈ શકવાની તાકાત નથી અને એક જાપાની કહેવત કહે છે એ પ્રમાણે ભિખારીના ધંધામાં હંમેશાં નફો હોય છે. આ બંને ભિખારીએ ધંધામાં ભાગીદારી રાખી. આમ તો બંને વચ્ચે સમજણ હતી છતાં એક દિવસ ભીખના પૈસાને કારણે બંને વચ્ચે ઝઘડો થયો. ભિખારી હોય કે ઉદ્યોગપતિ હોય છેવટે તો બધા સાથે રહે છે કે છૂટા પડે છે તે કેવળ પૈસાને કારણે. બંને એટલું ઝઘડ્યા કે મારપીટ પર પહોંચ્યા. બંનેને એકમેકની જરૂર તો હતી જ તોપણ બંને ખૂબ ઝઘડ્યા.

આ ઝઘડો જોઈને, (કોઈકે હમણાં કહ્યું’તું કે ઈશ્વરનો વિડિયો તો કાયમ ચાલે જ છે) સાંભળીને ઈશ્વરને દયા આવી. એ પોતે પ્રગટ થયા. એમને એમ કે આ બંનેનો આશીર્વાદ આપું અને એમને કહું કે તમને જે જોઈએ તે માગો, પણ આ ગઘડો ખતમ કરો. ભગવાનને એમ કે આંધળો આંખ માગશે, લંગડો પગ માગશે પણ એ લોકોએ જે માગ્યું એનાથી પરમાત્માને ભોંઠપ લાગી. એટલું જ નહીં, એમની આંખમાં પણ આંસુ આવી ગયાં. આંધળાએ કહ્યું કે મારે કશું જ જોઈતું નથી, પણ આ લંગડાને આંધળો કરી દો અને લંગડાએ ઈશ્વરને કહ્યું કે આ આંધળાને લંગડો કરી દો.

વેર લેવું એ માણસજાતનું વ્યસન છે. પ્રેમ પર છેકો મૂકે છે અને વેરના સરવાળા ગણે છે. માણસે પોતાના કાદવમાંથી બહાર નીકળીને વેણીભાઈ પુરોહિતની બે પંક્તિ યાદ કરવી જોઈએ :

ઊંચે નજર કરો, જરા ઊંચે, હજી ઊંચે,
આકાશ છાબ છે અને તારા ગુલાબ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્વપ્નનું ગણિત – ડૉ. ચંદ્રશેખર ઠક્કુર
સંગ – રામજીભાઈ કડિયા Next »   

14 પ્રતિભાવો : સંબંધોની વિદ્યા – સુરેશ દલાલ

 1. BEENA says:

  Amazing article. I always like your article.
  Gujrati sahitya ne rasdar banava mate tamaro ghano aabhar…..Thank you…

 2. Bhavna Shukla says:

  સત્ય પણ સારી રીતે કહી શકાય છે. તમે ગમે એટલા આખાબોલા કે સાચાબોલા હો પણ કોઈને વાગે એ રીતે વાત ન કરાય. શરીરનું ખૂન કરીએ તો ખૂની, પણ શબ્દ દ્વારા કોઈ જીવને દૂભવીએ તો એની શિક્ષા અંતે તો આપણને ક્યારેક ને ક્યારેક થતી હોય છે.
  માણસજાત એકમેકને સુખી કરવા સર્જાઈ નથી. જ્યાં સુધી એકમેકને દુ:ખ ન આપે ત્યાં સુધી માણસને ચેન પડતું નથી. જેમ સંબંધ ગાઢ તેમ દુ:ખી કરવાની ગૂઢ વિદ્યા પ્રબળ.
  ……………………………………………………………….
  જે સંબંધોને પોતાના ગણી વળગાડી રાખ્યા એતો વાસી જળ પરની શેવાળ જેવા થઇ પડ્યા. જે બંધાય જ શકતા નથી તેને છોડવાના વ્યર્થ ઉધામા કરવા રહેવા દઇ, કૈક નવુ જ ના વિચારીએ.

 3. pragnaju says:

  “શા માટે માણસોના સંબંધો વણસે છે ? આગ્રહ બરાબર છે. દુરાગ્રહ ખોટો છે. અભિવ્યક્તિ બરાબર છે, પણ એમાં કટુતા હોય તો પડવા જેવું નથી.”
  આ સીધીવાત સંતોએ પણ ગાઈ છે-
  “નથી દૂભવો સામા જીવને સુખસામાનું તાકો.”

  શબ્દ બ્રહ્મ છે.તે મારે છે અને તારે પણ છે .
  શબ્દ દ્વારા કોઈ જીવને દૂભવીએ,કોઈના અહમને હાથે કરીને હડફેટમાં લઈએ તો ઘવાયેલા અહમવાળો માણસ પશુ થઈને વીફરે અને વકરે.

  “વેર પ્રેમ પર છેકો મૂકે છે અને વેરના સરવાળા ગણે છે.”
  સિધ્ધહસ્ત શ્રી સુરેશ દલાલનો મનન કરવા યોગ્ય લેખ સંબંધોની વિદ્યા બદલ ધન્યવાદ

 4. bharat dalal says:

  It is so true that we are too miser to appreciate any good in anybody’ but we are generous in critising andfinding faults in others; but not in us.

 5. Arpita-Shyamal says:

  very very nice article…….
  the way he has explained us, that is Amazing…..
  Thanks for such a good article……

 6. ચૈતન્ય શાહ અમદાવાદ says:

  વાહ…..!! બહુ સરસ…..!!
  જેમ સંબંધ ગાઢ તેમ દુ:ખી કરવાની ગૂઢ વિદ્યા પ્રબળ. જે ક્ષણે આપણા સુખનો આધાર બીજાના દુ:ખ પર આધાર રાખતો થયો તે ક્ષણથી આપણું મનુષ્ય તરીકેનું પતન શરૂ થયું અને ઉડ્ડયન પૂરું થયું.

 7. jignasa says:

  સમજવા જેવુ ….ખરુ. સરસ…….

 8. sant swami says:

  સમ્બન્ધોને સમજતા શીખવાડે એવો આ લેખ ચે.

 9. Girija Joshi Desai says:

  આ લેખ વાંનચીને શ્રી સુરેશ દલાલ ના જન્મભુમિ પ્રવાસી માં આવતા ‘મારી બારીઍ થી’ – આ column ના લેખો ની યાદ આવી ગઈ.

  ‘મારી બારીઍ થી’ નું સંનકલન આપણી website પર છે?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.