- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

શેર કી ઔલાદ – ડૉ. શરદ ઠાકર

મારા કન્સલ્ટિંગ રૂમનો દરવાજો ખૂલ્યો અને કોઈ અંદર પ્રવેશ્યું. એના ભારેખમ બૂટનો અવાજ મને સંભળાયો. હું મેડિકલ જર્નલમાં આંખ રોપીને બેઠો હતો. પછી એક જોરદાર અવાજ આવ્યો, બૂટ પછાડવાનો. જાણે કોઈ સૈનિક ફર્શ પર પગ પછાડતો હોય એવો ! મેં ઉપર જોયું. ખરેખર, એ એક સૈનિક જ હતો. શીખ સૈનિક, સાડા છ ફીટની ઉંચાઈ, કદાવર દેહ, શરીરને શોભી ઊઠે એવો લશ્કરી ગણવેશ અને માથાના તેમજ દાઢીના વાળને વ્યવસ્થિત ઢાંકે તેવો પટકો અને ક્રિમ રંગની પટ્ટી ! જિંદગીમાં હું બહુ ઓછા પુરુષોના માર્દવથી અંજાયો છું પણ એ નાનકડી પંગતમાં આને સૌથી મોખરે બેસાડવો પડે !

શું જામતો હતો આ જુવાન એના લશ્કરી ગણવેશમાં ! સોહામણા પણ કરડા ચહેરા ઉપર મોટી મોટી આંખો, દુશ્મનને ડારી નાખે, પણ દુશ્મન ન હોય એને વશ કરી લે એવી લાગતી હતી. ચહેરા ઉપર સૌજન્ય ભારોભાર છલકાયા કરે, પણ સાવ કવિ જેવો સ્ત્રૈણ ભાવ નહિ ! જંગલનો વનરાજ મિલિટરીનો યુનિફોર્મ ધારણ કરીને ઊભો હોય એવું લાગે.

મેં ઉપર જોયું, ત્યારે એ મને ‘સેલ્યુટ’ કરતો ઊભો હતો. આ મિલિટરીવાળાની સલામ કરવાની વાત મને ગમી, પણ પેલી બૂટ પછાડવાની વાત ન ગમી. શા માટે આ લોકો આટલા જોરથી બૂટ પછાડતા હશે એ મને ક્યારેય સમજાયું નથી. પહેલાં તો હું માનતો હતો કે આમાં માત્ર સામાવાળાનું ધ્યાન દોરવાનો જ હેતુ હોય છે, પણ એવું હોય તો બોલીને ક્યાં ધ્યાન નથી દોરાતું ? આમાં બીજું શું કે ફર્શને નુકશાન થવાનો ડર અને આવો અવાજ સાંભળીને મારા જેવા પોચટ માણસના હૃદયને જરા થડકા જેવું લાગી જાય. જો એ હટ્ટોકટ્ટો માણસ લશ્કરી આદમી ન હોત તો હું ચોક્કસ એને કહેત કે ભાઈ, સલામ મારતાં રહેવું, એમાં પાપ નથી, પણ આ બૂટવાળો ભાગ જરા…..!

‘ગુડ મોર્નિંગ સર, આઈ એમ રાજિન્દરસિંહ કાલરા, આઈ એમ એ મિલિટરી મેન !’
‘ગુડ મોર્નિંગ, બૈઠિયે’ મેં કહ્યું, પણ એ બેઠો નહિ.
‘માફ કરના મેં અપની વાઈફ કો લેકે આયા હૂં.’ કહીને એ દરવાજામાં ઊભેલી એની પત્નીને માનભેર લઈને અંદર આવ્યો. પેલી પણ જંગલના રાજા સાથે શોભે એવી જ પંજાબી કુડી હતી. મેં એની સામે જોયું. ચોમાસાના તળાવની જેમ ભરેલી લાગતી હતી. એ બેઠી, ત્યાર પછી જ સરદારજી ખુરશીમાં બેઠા. હું પતિ-પત્નીને જોઈ જ રહ્યો. પૌરુષત્વથી છલકાતો જુવાન જ્યારે સ્ત્રીને, બીજી કોઈ સ્ત્રીને તો ઠીક છે, પણ ખુદ પોતાની પત્નીને આટલા માનથી અને આટલા સ્ત્રીદાક્ષિણ્યથી બોલાવે એ મારા માટે આનંદનો વિષય રહ્યો છે. આ માણસ દુશ્મનનો કચ્ચરઘાણ કાઢતો હશે ત્યારે કેટલો પથ્થરદિલ બની જતો હશે, પણ અત્યારે એક સ્ત્રી સાથેના વર્તનમાં એ કેટલી નજાકતથી પેશ આવતો હતો ! મારે એને કહેવું હતું કે, ‘યાર, કાં તો આ છોલી નાંખે એવા કપડાં બદલાવી નાંખ અને કાં તો પછી સ્વભાવની આ મુલાયમતા છોડી દે ! બંનેનો મેળ નથી બેસતો.’ પણ પછી લાગ્યું કે એનું નજાકતભર્યું વર્તન એના પડછંદ વ્યક્તિત્વને ઓપ આપતું હતું, એને સંપૂર્ણ બનાવતું હતું.

‘સા’બ મૈં એન્ટિટેરેરિસ્ટ સ્ક્વોર્ડમેં હૂં. મેરી ડ્યૂટી કા કોઈ ઠિકાના નહીં હોતા, જહાં ભી કોઈ ગરબડી ફૈલે, હમેં વહાં જાના પડતા હૈ. ઓર આપ તો જાનતે હૈં કી આજકલ….’ એનું અધૂરું વાક્ય મેં મનમાં જ પૂરું કરી લીધું. આખો દેશ આજકાલ ભડકે બળી રહ્યો છે, હર શાખપે ઉલ્લુ બેઠા હૈ, ધીમે ધીમે આખા દેશમાં બે જ જાતિ રહેશે, એક આતંકવાદીની અને બીજી દેશભક્તોની ! પણ આ સરદારજીની અહીં અમદાવાદમાં શી જરૂર પડી હશે ?
‘મેરી ડ્યુટી તો આજકલ પંજાબમેં હૈ, સર ! લેકીન મેરી શાદીકો અભી સાત આઠ મહિને હી હુએ હૈ. આપ દેખ સકતે હૈ કિ મેરી વાઈફ….’ એણે અટકીને પત્ની સામે જોયું. ભરેલું તળાવ શરમાઈ ગયું. સરદારજીએ વાતનો છેડો ફરીથી પકડી લીધો, ‘મેરે સસુરજી યહાં અહમદાબાદમેં હૈં, ઈસલિયે મેં ઉસકો યહાં ડિલિવરી કે લિયે છોડને આયા હૂં.’

હું સમજી ગયો : ‘સરદારજી, આપ ઉનકી ફિક્ર મત કરના. મેં પૂરા ખયાલ રખૂંગા.’ એની આંખોમાં મેં જાણે અત્યારે જ બાળકના જન્મના સમાચાર આપ્યા હોય તેવો ભાવ ઊમટતો હતો. મેં એની પત્નીની શારીરિક તપાસ કરી, દવાઓ લખી આપી, પ્રસૂતિની તારીખ કાઢી આપી અને ફરીથી બતાવવા આવવાની સલાહ પણ આપી. સરદારજીને ચિંતા એક જ વાતની હતી. એના બાળકના જન્મ સમયે એને રજા મળશે કે કેમ ? કારણ કે એની છુટ્ટીનો આધાર એની પરિસ્થિતિ પર નહિ, પણ દેશના સંજોગો પર હતો. એણે મને વિનંતી કરી : ‘લિજીયે સા’બ ? યે મેરા હેડકવાર્ટસ કા પતા…. જૈસે હી ખુશખબરી આયે, મેરે નામ એક ટેલિગ્રામ ભેજ દેના. આપકા ટેલિગ્રામ મેરે લિયે મેડિકલ સર્ટિફિકેટ કા કામ કરેગા. મુઝે ઉસી દિન છુટ્ટી મિલ જાયેગી…..’

અમારી વાતચીત હજુ ચાલી જ રહી હતી, ત્યાં બહારથી મારો ચારેક વર્ષનો પુત્ર દડબડ દોડતો અંદર ધસી આવ્યો. દિવસમાં એકાદ-બે વાર આવી રીતે મારી પાસે દોડી આવવાની એને ટેવ છે. આજે એ આવતાં તો આવી ગયો પણ આ કદી ન જોયેલા ડરામણા માનવીને જોઈને ત્યાં જ ઊભો રહી ગયો. એના મનમાં જાગી રહેલા ઘણા બધા પ્રશ્નો હું સમજી શકતો હતો. કદાચ સરદારજી પણ સમજી ગયા હશે. એ ઊભો થયો. બધી જ ઔપચારિકતા ત્યાગીને એક પુરુષ, અરે, એક પિતા જ બની ગયો : ‘અરે બાદશાહ આ જાઓ, આઓ મેરી બાંહોમેં….’ એણે હાથ લાંબા કરીને બાબાને ઊંચકી લીધો. બે-ત્રણ માસ પછી પધારી રહેલા પોતાના પુત્રની ઝાંખી કરી રહ્યો એ મારા દીકરામાં !

‘ક્યા ખાઓગે, બાદશાહ ? ચોકલેટ ખાની હૈ આપકો ? લો, જી અપને અંકલ સે માંગ લો. બાદશાહ હોકે ડરતે ક્યું હો ?’ બાબો જોઈ રહ્યો હતો. જે કાળમીંઢ ખડક જેવો લાગતો હતો, એનામાંથી ફૂટી રહેલાં વહાલના ઝરણાંમાં એ ભીંજાઈ રહ્યો હતો. ખિસ્સામાંથી પચાસની નોટ કાઢીને એણે દીકરાના હાથમાં મૂકી. એણે એ પકડી લીધી, સરદારજીની મૂછ પર હળવેથી હાથ ફેરવ્યો, એકાદ વાળ ખેંચી પણ જોયો અને પછી ધીમેથી, મથામણ કરીને એ નીચે ઊતરી ગયો. એ નાસી જતાં પહેલાં એક હસતી નજર એના ‘અંકલ’ તરફ ફેંકીને ઊભો રહ્યો. કદાચ એ કદાવર સૈનિકના દાઢી, મૂછ અને પાઘડી તરફ વિસ્મય ભાવથી જોઈ રહ્યો હતો !

પાકીટમાંથી બીજી એક સો રૂપિયાની નોટ કાઢીને એ મારી તરફ ફર્યો. ‘ડૉ. સા’બ, આપકી ફીસ ?’ મેં કહ્યું : ‘રહેને દો, સરદારજી. આપને મેરે બેટે કો પ્યાર દિયા હૈ, મૈં અબ….’
‘નહીં, સા’બ ફિર તો વો ફીસ હુઈ ના ? પ્યાર થોડા હુઆ ? હરગીઝ નહીં, આપકો યે પૈસે તો લેને હી પડેંગે.’

મારા મનમાં તીવ્ર ઈચ્છા થઈ આવી એને કહેવાની કે, ‘ભાઈ, પ્યાર તો તારી મૂછનો વાળ ખેંચીને મારા દીકરાએ મેળવી જ લીધો છે. બાકી દુનિયાના પટ પર કોઈની તાકાત નથી કે તારા જેવા મર્દની મૂછને સ્પર્શ પણ કરી શકે. તેં આટલું બધું આપ્યું છે, પછી પાકીટ કાઢવાની જરૂર જ ક્યાં હતી ?’ પણ ફરી મને થયું કે મિલિટરીમેનને વધુ કાંઈ કહેવું સારું નહીં. મેં નોટ લઈ લીધી, પણ મનમાં ગાંઠ વાળી કે એની પત્નીને જ્યારે બાળક જન્મશે, ત્યારે એની કોમળ હથેળીમાં આ નોટને સવાઈ કરીને મૂકી દઈશું. પ્યાર માત્ર પંજાબમાં જ પેદા નથી થતો, ગુજરાતમાં પણ પાકે છે, માત્ર હવામાન સારું હોવું જોઈએ !

ફરીથી એક જોરદાર ‘સેલ્યુટ’ ફર્શ પર જોશભેર બૂટ પછાડવાનો અવાજ, અને કવીક માર્ચ…! એ દિવસે ક્યાંય સુધી આ શિસ્તબદ્ધ, છતાં પ્રેમથી છલોછલ સરદારજી મારા મન પર છવાયેલો રહ્યો. એની પત્ની નિયમિત મારી પાસે ‘ચેક-અપ’ માટે આવતી રહી. થોડા દિવસ પછી જ દિવાળી હતી. એક સવારે ટપાલીએ મને દિવાળી કાર્ડઝનો થોકડો આપ્યો. મોટાભાગનાં મિત્રોનાં હતાં, સગાંવહાલાંનાં હતા, ફાર્માસ્યુટિકલ કંપની તરફથી હતાં, પણ એક કાર્ડ વાંચીને હું ઝૂમી ઊઠ્યો. ‘ડૉક્ટર સા’બ ઔર આપકા પરિવાર, આપ સબકો શુભકામનાએ. નયી સાલ આપકો મુબારક હો. મૈં વતનકી હિફાઝતમેં લગા હૂં, આપ મેરે આનેવાલે કલકી હિફાઝત મેં હૈ ! વાહે ગુરુ આપ કો કામિયાબી બખ્શેં ! મેરા સલામ ! આપકે બેટે કો ઊસકે મૂંછોવાલે અંકલકી ઓરસે ઢેર સારા પ્યાર. ઊસકો બોલના કે ચોકલેટ કે લિયે પૈસે અપને પાપા સે નહીં લેના, ઊસકા અંકલ અભી જિન્દા હૈં.’ કાર્ડની નીચે લખ્યું હતું : રાજિન્દરસિંહ (મિલિટ્રી-મેન) ! મેં એ કાર્ડ સાચવીને મૂકી દીધું. ત્યારપછી બરાબર દોઢ મહિને એની પત્નીએ મારા નર્સિંગહોમમાં હૃષ્ટપુષ્ટ બાબાને જન્મ આપ્યો. હું હરખાયો. ‘સરદારજી, અબ મેરી બારી હૈ. હમ ભી કુછ કમ નહીં હૈં. તુમ એક બાર આઓ તો સહી, ફિર દેખના કિ મૈં ક્યા કરતા હૂં ? તુમ્હારી સેલ્યુટ ઔર તુમ્હારી મૂછે ઔર તુમ્હારી ચોકલેટ ફિક્કી ન પડ જાયેં તો કહના મુઝે….!’ હું મનોમન સરદારજીને પડકારી રહ્યો.

પણ એ ક્ષણ ન આવી શકી. મારો ટેલિગ્રામ ગયો. એ જ દિવસે હેડ કવાર્ટસમાંથી એક સરખા બે ટેલિગ્રામ્સ નીકળી ચૂક્યા હતા – એક રાજિન્દર સિંહના પિતાને ત્યાં અને બીજો એના સસરાના સરનામે – ‘કેપ્ટન રાજિન્દરસિંહ કાલા ઈઝ શોટ ડેડે, ડ્યુરીંગ એ ફાયર્સ કોમ્બેટ વીથ ટેરરિસ્ટ. ધ હૉલ આર્મી ફિલ્સ એકિસ્ટ્રીમલી સોરી. મે હીઝ સોલ રેસ્ટ ઈન પીસ. એ ડિટેઈલ્ડ લેટર ફોલોઝ…’

પછી શું થયું એ લખવાની વાત નથી, હૈયું આંખ વાટે વહી જાય ત્યારે કલમ થંભી જતી હોય છે. મારી ડાયરીનું એ પાનું આજે પણ અધૂરું જ છે. પેલું દિવાળીકાર્ડ એ પાનાંઓમાં હજુ પણ સચવાયેલું પડ્યું છે. હું મનોમન એ મૃત દેશભક્ત સૈનિકને ઉદ્દેશીને બબડી ઊઠું છું – ‘સરદારજી મર્દ હોને કે બાવજૂત ભી આપને આપના વાદા નહીં નિભાયા. અબ કિસીસે કોઈ વાદા નહીં કરના. અધૂરે વાદે બહોત પીડદાયી હોતે હૈ, આપકે લિયે નહીં, પછી રહ જાને વાલોં કે લિયે ! આપકો ક્યા ? બસ, જબ મરજી હૂઈ, ચલ પડે….! મેરે છોટે બાદશાહ કા ભી વિચાર નહીં કિયા, ન તુમ્હારે છોટે બાદશાહ કા….! કુછ સાલ તો રૂક જાતે, તો વો ભી દેખ શકતા કિ કિસ શેર કી ઔલાદ હે વોહ ?’