બે છાતિમ વૃક્ષ – અમૃતલાલ વેગડ

સાંજનો પહોર હતો. સૂકા, વેરાન વગડામાં થઈને પાલખી જઈ રહી હતી. અંદર ઋષિ જેવા એક ભવ્ય પુરુષ બેઠા હતા. વૃક્ષવિહીન પ્રદેશમાં એમને એકાએક બે વૃક્ષ દેખાયાં. એમને કુતૂહલ થયું. પાલખી થોભાવીને નીચે ઊતર્યા. આ સ્થળ એમને જોતાવેંત ગમી ગયું. બહુ શાંતિનો અનુભવ થયો. વળી આ જગ્યા તો કોલકતાથી માત્ર સો માઈલ જ દૂર હતી. ધર્મચિંતન કરવા માટે અહીંનું એકાંત સારું રહેશે. આવું વિચારીને બીરભૂમ જિલ્લાના બોલપુર ગામ પાસે આવેલી આ જમીન એમણે ખરીદી લીધી.

એ ભવ્ય પુરુષ હતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર – રવીન્દ્રનાથના પિતા. મહર્ષિ અહીં અવારનવાર આવતા અને તંબૂ તાણીને રહેતા. જમીન 1863માં ખરીદાઈ. 1864માં પેલાં વૃક્ષો નજીક મહર્ષિએ એક પાકું મકાન બંધાવ્યું. નામ રાખ્યું ‘શાન્તિનિકેતન’. રવીન્દ્રનાથની ઉંમર ત્યારે 3 વર્ષ, રવીન્દ્રનાથ પિતા જોડે અહીં આવતા. તેર વર્ષની ઉંમરે પિતા સાથે હિમાલય જતી વેળા આ મકાનમાં રહેલા. પછી પત્ની અને પરિવાર સાથે પણ રહેલા.

વિસ્મયની વાત એ હતી કે આ સૂકા પ્રદેશમાં, જ્યાં એક્કે વૃક્ષ નહોતું, ત્યાં આ બે વૃક્ષો કેમ કરીને ઊગ્યાં. વિસ્મય એ વાતનું પણ ખરું કે મહર્ષિને એ વૃક્ષોની નીચે બેસવાની ઈચ્છા કેમ થઈ. પરંતુ આ પ્રશ્નો સદા અનુત્તરિત જ રહેવાના. એટલું ચોક્કસ કે આ બે વૃક્ષો જો ન હોત તો અહીં શાન્તિનિકેતન પણ ન હોત. આમ આજના વિશાળ શાન્તિનિકેતનના પૂર્વસૂરિઓ તો આ બે છાતિમ (સપ્તપર્ણ) વૃક્ષો જ. શાન્તિનિકેતનમાં આ બે વૃક્ષોનો મહિમા આજે પણ અક્ષુણ્ણ છે.

મહર્ષિ બ્રહ્મસમાજના અનુયાયી હતા. ‘શાન્તિનિકેતન’ ભવનનું નિર્માણ બ્રહ્મસમાજના ઉપાસકો માટે થયું હતું. અહીંની વેરાન ભૂમિને ફળદ્રૂપ બનાવવા માટે એમણે બહુ શ્રમ લીધો. અહીંની કાંકરાવાળી માટીમાં ઘાસ પણ નહોતું ઊગતું. એ ઢાવીને દૂરથી ઉત્તમ માટી લાવવામાં આવી. પછી તરેહ તરેહનાં વૃક્ષો લગાવવામાં આવ્યાં. સૂકું ભાઠું હરિયાળું થવા લાગ્યું. ‘શાન્તિનિકેતન’ પાસે ઉપાસનામંદિરનું કાર્ય શરૂ થયું. જો કે ખરાબ સ્વાસ્થ્યના લીધે મહર્ષિ એ મંદિરને જોઈ ન શક્યા.

એક ટ્રસ્ટ-ડીડ દ્વારા મહર્ષિએ આ ભવન, મંદિર અને અહીંની વીસ વીઘાં જમીન સર્વસાધારણના ઉપયોગ માટે આપી દીધી. ડીડમાં લખ્યું હતું કે લોકો અહીં નિરાકાર બ્રહ્મની ઉપાસના કરી શકશે. કોઈ દેવી-દેવતા કે મનુષ્યની મૂર્તિની સ્થાપના નહીં થઈ શકે. જીવહિંસા, આમિષ ભોજન અથવા મદ્યપાન નહીં થઈ શકે. કોઈ પણ ધર્મની નિંદા કરવામાં નહીં આવે. વર્ષે એક વાર અહીં મેળો ભરવામાં આવશે જેમાં બધા સંપ્રદાયના લોકો ધર્મવિચાર કરશે. મહર્ષિએ 1843માં 22 ડિસેમ્બરના દિવસે બ્રહ્મસમાજની દીક્ષા લીધેલી. તે દિવસે ‘સાતી પૌષ’ (મહર્ષિનો દીક્ષાદિવસ) મહિમાવંત બની ગયો. મેળો આ જ દિવસે ભરાય છે. શાન્તિનિકેતનનો સાતી પૌષનો મેળો હવે તો ખૂબ પ્રખ્યાત થઈ ચૂક્યો છે.

‘સ્થાન ખૂબ રમણીય છે. આલોકથી, આકાશથી, આનંદથી, શાંતિથી પરિપૂર્ણ છે. અહીંના એકાંતમાં જીવનને વિકસિત કરવાની પ્રબળ ઈચ્છા છે. અહીં એક બોર્ડિંગ સ્કૂલ શરૂ કરવાનું નક્કી કર્યું છે. અહીં બાળકોને ભારતવર્ષના નિર્મલ, શુચિ આદર્શ મુજબ માણસ બનાવવાનો પ્રયત્ન કરીશ. જો વૈદિક કાળમાં તપોવન હતાં, બૌદ્ધ યુગમાં નાલંદા હતું, તો આ યુગમાં આવું વિદ્યાલય કેમ ન થઈ શકે ?

આ પત્રના લેખક હતા રવીન્દ્રનાથ ઠાકુર. રવીન્દ્રનાથનો શાળાનો અનુભવ સુખદ નહોતો. ત્યાંની યાંત્રિક શિક્ષણ પદ્ધતિના લીધે શાળા એમને જેલ જેવી લાગી હતી. આથી મોટા થઈને એમને પોતાની શાળા શરૂ કરવાની ઈચ્છા થઈ. એવી શાળા કે જ્યાં પ્રાચીન કાળના આશ્રમની જેમ શિક્ષણ આપવામાં આવે. હવે આવી શાળા કોલકતામાં તો ન જ થઈ શકે. ત્યારે એમને બોલપુર પાસેની પેલી જગ્યા સાંભરી. તેઓ ત્યાં ગયા અને ત્યાંથી જ આ પત્ર લખેલો. પિતાની સાધનાથી સંસ્કારાયેલી ભૂમિ ઉપર પુત્ર રવીન્દ્રનાથે ‘શાન્તિનિકેતન બ્રહ્મચર્યાશ્રમ વિદ્યાલય’ શરૂ કર્યું. દિવસ હતો 22 ડિસેમ્બર 1901, સાતી પૌષ મહર્ષિનો દીક્ષા-દિવસ અને રવીન્દ્રનાથની ઉંમર હતી 40 વરસ.

અહીં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે બરાબર આ જ દિવસોમાં ગાંધીજી કોલકતામાં હતા. ડિસેમ્બર 1901માં કોલકતામાં કોંગ્રેસ મહાસભાનું વાર્ષિક અધિવેશન હતું. એમાં દક્ષિણ આફ્રિકા અંગેનો ઠરાવ પાસ કરાવવા ગાંધીજી ત્યાં ગયેલા. એમની આત્મકથામાં એમણે લખ્યું છે, ‘મહાસભા વીતી, પણ દક્ષિણ આફ્રિકાના કામને અંગે કોલકતામાં એક માસ રહ્યો. બ્રહ્મસમાજ વિશે ઠીક ઠીક વાંચ્યું-સાંભળ્યું હતું. મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરનાં દર્શન કરવા ગયો. પરંતુ તેઓ તે વેળા કોઈને મળતા નહોતા, તેથી તેમનાં દર્શન ન થઈ શક્યાં. પણ તેમને ત્યાં બ્રહ્મસમાજનો ઉત્સવ હતો એમાં ગયેલો. ત્યાં ઊંચા પ્રકારનું બંગાળી સંગીત સાંભળવા મળ્યું. ત્યારથી જ બંગાળી સંગીત ઉપરનો મારો મોહ જામ્યો. સ્વામી વિવેકાનંદનાં દર્શન ન કરું, એમ તો બને જ કેમ ? અતિ ઉત્સાહપૂર્વક હું બેલૂર મઠ ગયો. મઠનું એકાંત સ્થળ મને ગમ્યું. સ્વામીજી બીમાર છે, તેમને મળાય એમ નથી, એ સાંભળી નિરાશ થયો. આ એક માસમાં બંગાળનાં અગ્રગણ્ય કુટુંબોની માહિતી હું સહેજે પામ્યો ને બંગાળ સાથે મારો નિકટ સંબંધ થયો.’ આમ ગાંધીજી અને રવીન્દ્રનાથ ડિસેમ્બર 1901માં સાવ નજીક આવી ગયા હતા, પરંતુ પ્રત્યક્ષ મિલન થયું 1915માં, શાન્તિનિકેતનમાં.

રવીન્દ્રનાથે નક્કી કર્યું હતું કે એમના વિદ્યાલયમાં 10 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને જ લેવામાં આવશે અને એમની પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહીં આવે. આશ્રમની છાપેલી નિયમાવલિમાં લખ્યું હતું – નિરામિષ ભોજન, ઉઘાડે પગે ચાલવાનું, જરૂરી કપડાં અને વાસણ સાથે લાવવાં અને એ સાથે સુથારી કામનાં ઓજાર (કરવત, હથોડી, શારડી, રંદો વગેરે) લઈ આવવાં. જમ્યા બાદ બાળકો પોતાનાં વાસણ જાતે માંજશે. (આ તો જાણે ગાંધીજીના આશ્રમની નિયમાવલિ ન હોય !)

આરંભમાં એમને માત્ર પાંચ બાળકો મળ્યાં. એ પાંચમાં એક એમનો પોતાનો પુત્ર રથીન્દ્રનાથ. ત્યારે બોલપુર સ્ટેશન ખૂબ નાનું હતું. ત્યાંથી શાન્તિનિકેતન 3 કિ.મી. દૂર છે. એ જમાનામાં નહોતી રિક્ષા કે નહોતી બસ. એકમાત્ર વાહન હતું બળદગાડું. એમાં બેસીને જવું પડતું. રવીન્દ્રનાથના દાદા પ્રિન્સ દ્વારકાનાથ બહુ મોટા જમીનદાર હતા અને એમની પાસે અઢળક ધન હતું. એથી જ એ પ્રિન્સ કહેવાયા. પરંતુ વેપારધંધામાં એમને ખૂબ નુકશાન થયું અને આર્થિક દષ્ટિએ કુટુંબ ઘસાતું ચાલ્યું. રવીન્દ્રનાથ પાસે આવી સંસ્થા ચલાવવા માટે સુદ્રઢ આર્થિક આધાર નહોતો. અંગ્રેજ શાસકો પાસેથી અનુદાન મળવાનો સવાલ જ નહોતો. બલકે સરકારના ભયથી સરકારી નોકરો અથવા સરકારી લાભની આશા રાખનારાઓ પોતાનાં બાળકોને મોકલતાં પણ નહીં.

તેમ છતાં, ક્યા વિશ્વાસે રવીન્દ્રનાથે આ વિકટ સાહસ ખેડ્યું ? એમના મનમાં હશે કે ‘આશ્રમ’ શબ્દ સાંભળતાં જ ધનિકો પોતાના ધનનો પ્રવાહ વહેવડાવશે. પરંતુ એવું કંઈ થયું નહીં. બહારથી અપેક્ષિત સહાય ન મળી. પિતા તરફથી એમને દર મહિને ત્રણ સો રૂપિયા મળતા. પત્ની મૃણાલિની દેવીના દાગીનાં વેચવા પડ્યા, ન છૂટકે વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવી શરૂ કરવી પડી. વ્યાજે પૈસા મળી રહેતા. એક વાર એમણે ત્રીસ હજાર રૂપિયા વ્યાજે ઉપાડેલા. કેટલાંય વર્ષો સુધી આના ઉપર છ ટકા લેખે વ્યાજ ચૂકવ્યું. પછી 1916માં અમેરિકામાં આપેલાં ભાષણોની રૉયલ્ટીમાંથી એ કરજ ચૂકવ્યું. પુસ્તકો અને ભાષણોમાંથી મળતી રૉયલ્ટી, પિતાના ટ્રસ્ટ તથા મિત્રો પાસેથી મળતી સહાય અને રાજા-મહારાજાઓ તરફથી મળતાં દાન ઉપર આશ્રમ નભતો. તેમ છતાં આશ્રમની આર્થિક સ્થિતિ સદા ડામાડોળ જ રહી.

આશ્રમની સ્થાપનાને હજી તો એક વર્ષ પૂરું નહોતું થયું, ત્યાં રવીન્દ્રપત્નીનું અવસાન થયું. એ પછી મહર્ષિએ દેહ છોડ્યો. બે વિવાહિત પુત્રીઓ દિવંગત થઈ. વચેટ જમાઈનું મૃત્યુ થયું. નાનો પુત્ર મુંગેરમાં મૃત્યુ પામ્યો. આ કુટુંબનો કોઠો જાણે મૃત્યુનો ન હોય, પરંતુ આવાં દારુણ દુ:ખ પણ એમને કર્તવ્યપથથી વિચલિત ન કરી શક્યાં. તેઓ સંપૂર્ણપણે આત્મસ્થ રહી શક્યા એમની અવિચળ ઈશ્વરનિષ્ઠાના કારણે. માવિહોણા લાડકા નાના પુત્રના અકાળ મૃત્યુનો આઘાત પણ એમણે શાંતભાવે સ્વીકારી લીધો. આશ્રમના સંચાલન સાથે લેખન પણ અબાધ ગતિથી ચાલતું રહ્યું. એમની પ્રતિભાના ખજાનામાંથી ‘ચોખેર બાલી’ અને ‘નૌકાડૂબી’ જેવાં રત્નો આ ગાળામાં જ બહાર આવ્યાં.

ગરીબી તો જાણે શાન્તિનિકેતનને ગળથૂથીમાં જ મળી હતી. એક વારની વાત છે. આશ્રમ ઉપર કરજ વધતું જતું હતું. બોલપુરની જે દુકાનેથી આશ્રમ માટે અનાજ આવતું, એ દુકાનના નોકરોએ વધુ અનાજ આપવાની ના પાડી અને આશ્રમનું ગાડું ઠાલું પાછું આવ્યું. દુકાનના માલિકને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એણે તરત અનાજ મોકલી આપ્યું. જો ન મોકલ્યું હોત તો તે દિવસે સૌને ભૂખ્યા સૂવું પડત. વિલાયતથી રવીન્દ્રનાથે નેવું પાઉન્ડ મોકલ્યા, એમાંથી આ દેવું ચુકવાયું. 1913માં રવીન્દ્રનાથને નોબેલ પારિતોષિક મળ્યું. તેઓ બંગાળના કવિ મટી વિશ્વના કવિ બન્યા. આશ્રમ પગભર થવા લાગ્યું, હવે એ પહેલાં જેવું દરિદ્ર ન રહ્યું. દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. વિદેશોથી પણ વિદ્યાર્થીઓ તેમ જ અધ્યાપકો આવવા લાગ્યા. અંગ્રેજ શાસકો પહેલાં આ સંસ્થાને શંકાની નજરે જોતા. એ બંધ થયું. નવાં ભવનો બન્યાં, નવા શિક્ષકો આવ્યા અને આશ્રમ ભર્યો ભર્યો થયો.

ક્યાંકથી પૈસા મળવાની સહેજ પણ આશા દેખાય કે રવીન્દ્રનાથ તરત વ્યાજે પૈસા ઉપાડતા ! ક્યારેક છાત્રાવાસનું નવું મકાન બાંધવું છે, ક્યારેક હોસ્પિટલ માટે નવાં ઉપકરણ ખરીદવાં છે, તો ક્યારેક નવા અધ્યાપકોની નિયુક્તિ કરવી છે. પરંતુ ધાર્યા મુજબ પૈસા આવતા નહીં. શાહુકાર ઉઘરાણી પર ઉઘરાણી કરવા લાગતા ત્યારે રવીન્દ્રનાથ આશ્રમ માટે ધનસંગ્રહ કરવા પોતાના ગાયક અને નર્તક દળને લઈને કાર્યક્રમ આપવા નીકળી પડતા. પોતે પણ અભિનય કરતા. 1936ની વાત છે. એમના કલાકાર વૃંદ સાથે કવિ પટના, અલાહાબાદ વગેરેમાં કાર્યક્રમ આપતા દિલ્હી પહોંચ્યા. જોગાનુજોગ ગાંધીજી પણ ત્યાં હતા. એમને ખબર પડી કે આશ્રમ ઉપર 60 હજાર રૂપિયાનું દેવું થઈ ગયું છે અને એ ચૂકવવા સારુ ગુરુદેવને પોણો સો વર્ષની જૈફ ઉંમરે આવડો શ્રમ કરવો પડે છે, ત્યારે ગાંધીજીએ બીજે જ દિવસે કવિના હાથમાં સાઠ હજાર રૂપિયાનો ચેક મૂક્યો અને કહ્યું કે હવે કોઈ દેવું બાકી નથી !

પરંતુ બે’ક વરસ પછી પાછું એ જ સંકટ ! જેમ જેમ પૈસા આવે, તેમ તેમ શિક્ષકોને પગાર ચૂકવાય. કેવા તો ટૂંકા પગાર ! કેટલાય શિક્ષકો સારા પગારવાળી સરકારી નોકરીઓને છોડીને ગુરુદેવના વ્યક્તિત્વથી આકર્ષાઈને, તેમ જ એમના આદર્શોથી પ્રેરાઈને આવેલા. પગાર મહિનાની પહેલી તારીખે મળી જશે, એવી ભોળી શ્રદ્ધા તેઓ રાખતા નહીં. પગાર કટકે કટકે મળતો; ક્યારેક જ એકસાથે મળતો. સાચી વાત તો એ છે કે આવડી મોટી સંસ્થા ચલાવવી એ રવીન્દ્રનાથનું એક જાતનું ગાંડપણ જ હતું – a streak of divine frenzy. અહીં જે શિક્ષકો હતા, એમનામાં પણ આવું જ દિવ્ય ગાંડપણ હતું. ડહાપણવાળા શિક્ષકો અહીં આવતા નહીં ને આવતા તો ટકતા નહીં. આ શિક્ષકો માટે શિક્ષણ એ વ્યવસાય નહીં પણ વ્રત હતું. એમણે વિદ્યા વેચી નહીં પણ વિદ્યાનું દાન કર્યું. એમણે જેટલું લીધું એનાથી અનેકગણું વધુ આપ્યું. આથી જ એમના વિદ્યાર્થીઓ એમનું જીવનભર શ્રદ્ધા અને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરતા.

આશ્રમમાં સૌથી વધુ પરિશ્રમી વ્યક્તિ રવીન્દ્રનાથ જ હતા. લેખન અને આશ્રમના સંચાલન ઉપરાંત તેઓ સિનિયર વિદ્યાર્થીઓને અંગ્રેજી સાહિત્ય ભણાવતા. શેલી અને કીટ્સ એમના પ્રિય કવિઓ. જે વિદ્યાર્થી સારું ગાઈ શકતો, એના ઉપર એમનો વિશેષ સ્નેહ રહેતો. આશ્રમના વિદ્યાર્થીઓની સંખ્યા 150 સુધી પહોંચી ત્યાં સુધી એમને દરેક વિદ્યાર્થીનું નામ યાદ રહેતું ને દરેકને એમનો સ્નેહ મળતો. એમનો કોઈ જૂનો વિદ્યાર્થી જો પોતાના નાના ભાઈ અથવા પુત્રને આશ્રમમાં દાખલ કરાવવા લઈ આવતો તો ખૂબ રાજી થતા.

1919માં વિશ્વભારતી અસ્તિત્વમાં આવી. ‘સારુંય વિશ્વ એક નીડ’ માનનારી આ સંસ્થામાં ભારતભાવના સાથે વિશ્વભાવના મળી. શાન્તિનિકેતને વિશ્વ-દરબારમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવી. વિશ્વભારતીએ ભારતને વિશ્વની નિકટ અને વિશ્વને ભારતની નિક્ટ લાવવાનું કાર્ય કર્યું. કવિકંઠેથી ‘એઈ ભારતેર મહામાનવેર સાગરતીરે’ ના જે સ્વર નીકળ્યા હતા, એણે વાસ્તવિક રૂપ લીધું. દેશ-વિદેશથી અધ્યાપકો, અભ્યાગતો, અતિથિઓ આવવા લાગ્યા. આની સાથે શાન્તિનિકેતનમાં સહશિક્ષણ શરૂ થયું. ત્યાં સુધી નાટકોમાં નારીની ભૂમિકા છોકરાઓ જ ભજવતા.

રવીન્દ્રનાથ ભારતનાં ગામડાંઓની અસહાય અવસ્થાથી પરિચિત હતા. આથી 1923માં ગ્રામોદ્વારના ઉદ્દેશથી એમણે શાન્તિનિકેતનથી 3 કિ.મી. દૂર શ્રીનિકેતનની સ્થાપના કરી. અહીં મુખ્યત્વે કૃષિ, કલાત્મક હસ્તઉદ્યોગ, હાથવણાટ, ગોપાલન, સ્વાસ્થ્ય વગેરે વિષયોનું શિક્ષણ આપવાનું કાર્ય શરૂ થયું. ક્યારેક રવીન્દ્રનાથ ત્યાં જઈને રહેતા પણ ખરા. સમય સરિતા વહેતી રહી, આશ્રમનો વિસ્તાર થતો રહ્યો. મહર્ષિએ અહીં માત્ર 20 વીઘાં જમીન ખરીદેલી, એ રવીન્દ્રનાથની હયાતીમાં જ વધીને 2500 વીઘાં સુધી પહોંચી.

આવું હતું આરંભ કાળનું શાન્તિનિકેતન – નાનું, સાદું અને ઉષ્માભર્યું. હું ત્યાં પહોંચ્યો જુલાઈ 1948માં. વીસ વર્ષની ઉંમરે, કલાભવનના પ્રથમ વર્ષના છાત્ર તરીકે. 1941માં ગુરુદેવનું અવસાન થઈ ગયું હતું એથી એમનાં દર્શન કરવાનું ભાગ્ય મને ન મળ્યું; પરંતુ કલાભવનમાં આચાર્ય નંદલાલ વસુ, રામકિંકર વૈજ અને વિનોદ બિહારી મુખર્જી જેવા મહાન કલાકારો હતા. તે ઉપરાંત ક્ષિતિમોહન સેન અને હજારીપ્રસાદ દ્વિવેદી જેવા મહાન આચાર્યો પણ હતા. એ કંઈ કમ સદભાગ્ય નહોતું. મારી જિંદગીનો ખરો આરંભ તો હવે થવાનો હતો.

મારા જીવનમાં શાન્તિનિકેતનનું એ જ સ્થાન છે, જે એક ખેતરમાં હળનું હોય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શેર કી ઔલાદ – ડૉ. શરદ ઠાકર
છત્રી – જ્યોતીન્દ્ર દવે Next »   

7 પ્રતિભાવો : બે છાતિમ વૃક્ષ – અમૃતલાલ વેગડ

 1. pragnaju says:

  “વૃક્ષવિહીન પ્રદેશમાં એમને એકાએક બે વૃક્ષ દેખાયાં. એમને કુતૂહલ થયું. પાલખી થોભાવીને નીચે ઊતર્યા. આ સ્થળ એમને જોતાવેંત ગમી ગયું. બહુ શાંતિનો અનુભવ થયો. વળી આ જગ્યા તો કોલકતાથી માત્ર સો માઈલ જ દૂર હતી. ધર્મચિંતન કરવા માટે અહીંનું એકાંત સારું રહેશે.”
  થી
  “આરંભ કાળનું શાન્તિનિકેતન – નાનું, સાદું અને ઉષ્માભર્યું. હું ત્યાં પહોંચ્યો જુલાઈ 1948માં. વીસ વર્ષની ઉંમરે, કલાભવનના પ્રથમ વર્ષના છાત્ર તરીકે. 1941માં ગુરુદેવનું અવસાન થઈ ગયું હતું એથી એમનાં દર્શન કરવાનું ભાગ્ય મને ન મળ્યું; પરંતુ કલાભવનમાં આચાર્ય નંદલાલ વસુ, રામકિંકર વૈજ અને વિનોદ બિહારી મુખર્જી જેવા મહાન કલાકારો હતા. તે ઉપરાંત ક્ષિતિમોહન સેન અને હજારીપ્રસાદ દ્વિવેદી જેવા મહાન આચાર્યો પણ હતા. એ કંઈ કમ સદભાગ્ય નહોતું. મારી જિંદગીનો ખરો આરંભ તો હવે થવાનો હતો.”

  અમૃતલાલ વેગડએ રસદર્શન કરાવ્યુ ન હોત તો ઘણી સુક્ષમ વાતો સમજાઈ પણ ન હોત!
  મનન કરવા જેવા લેખ બદલ આભાર

 2. Bhavna Shukla says:

  રવીન્દ્રનાથ, ગુરુદેવ ને કોટિ પ્રણામ…….
  ખરેખર અનેક વખત વાચ્યા પછી ઘણી માહિતી સ્પષ્ટ થઇ.
  મનન તો હવે શરુ થયુ.

 3. પૂજ્ય ગુરુદેવના શાન્તિનિકેતનની હૃદયસ્પર્શી
  માહિતી ઘણી અસરકારક રીતે વર્ણવાઇ છે.સાભાર અભિનંદન !
  ગાંધીજીનું’ જીવન દ્વારા જીવનશિક્ષણ’ ક્યાં ?

 4. છાતિમ વૃક્ષ…..’.છાતિમ’ એટલે શું ?

 5. Amit Lambodar says:

  That means we have been giving “unwarranted” respect to Rabindranath for a while. It was someone else who started Shanti-Niketa. No doubt it was “expanded” but I am just wondering at what cost? Was it worth?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.