જીવનસુવાસ – સંત ‘પુનિત’

[1] આમજનતાનો પ્રતિનિધિ

‘ડૉક્ટર કહેતા હતા કે, આ વખતની તમારી બીમારી કષ્ટસાધ્ય છે. બરાબર ઔષધોપચાર થશે તો જ આ માંદગીમાંથી ઊભા થઈ શકશો.’ એ મહાન પતિનાં પત્ની ચિંતિત સ્વરે બોલ્યાં.
‘પણ ડૉક્ટરે જે દવઓનો ઉપચાર કરવાનું કહ્યું છે એ કેટલી બધી મોંઘી એની તને ખબર છે ?’ પત્ની સામે વેધક દષ્ટિ કરતાં એ બોલ્યા.
‘તમારા જીવન કરતાં તો એ દવાઓ કિંમતી નથી ?’
‘આપણા ગરીબ દેશવાસીઓ જીવે છે એવું સાદાઈભર્યું જીવન આપણે અપનાવ્યું છે, એ તો તું જાણે છે ને ? આપણા ગરીબ લોકો આવી મોંઘીદાટ દવાઓ પોતાની માંદગી વેળાએ ખરીદી શકે છે ખરા !’
‘પણ તમારું જીવન શું મોંઘેરું નથી ? દેશને તમારા જીવનની કેટલી બધી જરૂર છે ? દેશના અન્ય ગરીબ બાંધવો સાથે તમારી સરખામણી ન થઈ શકે. તમે તો આ દેશની દુર્લભ દોલત છો. તમારી આ માંદગીમાં મોંઘેરી દવાઓનો ઉપયોગ કરવામાં તમારે જરાય ખચકાટ ન અનુભવવો જોઈએ. તમે તો રાષ્ટ્રની રળિયામણી રોનક છો રોનક !’

‘ના, હું મારી જાતને મારા દેશના ગરીબ બાંધવોથી જરાય જુદી પાડવા નથી ઈચ્છતો. તો તો એ ભેદભાવભર્યું વર્તન કર્યું કહેવાય. મારા ગરીબ દેશબાંધવોના વિકાસ સાથે જ મારો વિકાસ શક્ય બની શકશે. એમનાથી વધુ કોઈ જ વિશેષ લાભ લેવા માંડું તો દેશની ગરીબી હટાવવામાં આડખીલીરૂપ બન્યો ગણાઉં.’ પતિનો સ્વભાવ પત્ની બહુ જ સારી રીતે જાણતી હતી; એટલે આગળ દલીલ કરવી બિલકુલ બંધ કરી દીધી. થોડા વખત પછી એ સાજા થઈ ગયા. પહેલા જેવા જ સ્વસ્થ બની ગયા. પૂર્ણ ઉત્સાહથી ફરી પાછા દેશસેવાના કામમાં લાગી ગયા.

એકવાર પતિ-પત્ની નિરાંતે બેઠાં હતાં. પતિને પોતાની અસાધ્ય માંદગીની યાદ ઓચિંતા આવી ગઈ. એ પ્રસંગને યાદ કરતાં એ બોલ્યાં : ‘જોયું ને ? મોંઘીદાટ દવાના ઉપચાર વિના પણ અસાધ્ય માંદગીમાંથી બેઠો થઈ ગયોને ?’ જવાબ આપવાને બદલે પત્ની પોતાના જમણા ખભાને સાધારણ ઊંચકીને હસી. એટલે વિચક્ષણ નેતાને એમાં કંઈક રહસ્ય હોવાની શંકા ઊપજી.
‘મારી વાતને ટેકો આપવાને બદલે તું હસે કેમ ? મારી જાણ બહાર તો તેં મારો ઔષધોપચાર નથી કર્યો ને !’
‘એમ જ સમજો ને !’
‘ના, એવી અધૂરી વાત સમજવા હું ટેવાયેલો નથી. મારે તો સાવ સ્પષ્ટ જવાબ જોઈએ.’ પત્ની સામે વેધક દષ્ટિ કરતાં એ નેતા બોલ્યા.

પતિની આ વેધક દષ્ટિ પત્ની ન જીરવી શકી. એના મુખમાંથી સાચી વાત સ્વાભાવિકપણે વ્યકત થઈ ગઈ : ‘તે દિવસે મોંઘી દવા લેવાનો તમે સાફસાફ ઈન્કાર કરી દીધો. તમે તમારા સિદ્ધાંત સાથે બાંધછોડ કરવા બિલકુલ તૈયાર ન થયા, પણ હું તો તમારી પત્ની છું. તમારા પ્રત્યેના મારા પ્રબળ પ્રેમે મને તમારી સાથે નિર્દોષ છળ કરવાની પ્રેરણા આપી. એ રીતે એ મોંઘી દવાઓ હું તમારા રોજિંદા ખોરાકમાં ભેળવીને આપવા લાગી. એનું સુંદર પરિણામ તમે જાતે હવે અનુભવી રહ્યા છો !’ પત્નીનો આ જવાબ સાંભળીને પ્રસન્ન થવાને બદલે પતિનાં રોમેરોમે રોષની જવાળા વ્યાપી ગઈ.
પત્ની સામે કરડી નજરે જોતાં એ બોલ્યા : ‘અરે, આ તેં શું કર્યું ! મને તો તેં જિવાડ્યો પણ મારા ધ્યેયનું ખૂન કર્યું. એને બદલે ઝેર આપીને મારી હત્યા કરી નાખી હોત તો સારું હતું.’ આમ કહી, ધૂંવાંપૂંવાં થતા એ નેતા અંદરના ઓરડામાં ચાલ્યા ગયા.

પત્નીએ એમને સમજાવવા-મનાવવાના અનેક પ્રયત્નો કર્યા; પણ એમનો રોષ ઘટવાને બદલે વધુ ને વધુ વધવા લાગ્યો. એ નેતા આટલેથી અટક્યા નહિ. એમણે તો પોતાની વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કર્યો કે, દેશની ગરીબી હટાવવાના પુનિત કાર્યમાં આડખીલીરૂપ બનવાનો ભયંકર અપરાધ એણે આચર્યો છે. આ કેસે સમગ્ર દેશમાં જબરી ચકચાર જગાવી. કોર્ટના ચુકાદામાં પત્ની દોષિત ઠરી, પણ લોકજુવાળે એને બચાવી લીધી. પોતાની પત્ની અને પોતાની જાત કરતાંય દેશને અને દેશબાંધવોને મહત્વ આપનારા એ નેતા હતા – રશિયાના તારણહાર લોકલાડીલા લૅનિન.

દુનિયાભરના નેતાઓને, રાષ્ટ્રોના માંધાતાઓને લૅનિનના જીવનમાં બનેલો આ પ્રસંગ ખરેખર પ્રેરણા આપનારો છે. રાષ્ટ્ર કરતાંય પોતાને મહાન માનનારા રાજકર્તાઓની આંખો ખોલનારો છે. જેના પર લૅનિને દાવો કર્યો હતો એ હતાં પોતાનાં કર્તવ્યપરાયણ પત્ની ક્રુપ્સકામા.

[2] પાયાનો પથ્થર

‘આપને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા ઘણા વખતથી થઈ રહી છે.’ આવતાંવેંત બીજી કોઈ જ ઔપચારિક વિધિ કર્યા વિના આગંતુક મિત્રે પૂછી નાખ્યું. એ સન્નિષ્ઠ દેશસેવકે આગંતુક મિત્રને સ્નેહભર્યો આવકાર આપતાં કહ્યું : ‘આવો, આવો, આરામથી સામેના આસન પર બિરાજો. થોડીવાર આરામ કરો. ઘણે દૂરથી આવ્યા છો. એટલે થાકી ગયા હશો. જલપાન કરો એટલે તાજગી આવી જશે. પછી આપણે નિરાંતે વાતો કરીશું. મારે આજે બહાર જવાનું નથી એટલે ઘણા દિવસની ભેગી થયેલી વાતો તમારી પાસે પણ હશે અને મારી પાસે પણ હશે. બંનેનો હિસાબ સામસામો પતાવી નાખીશું.’

દિલ્હીની સખ્ત ગરમીમાં પરસેવે નહાઈ રહેલા એ આગંતુક મિત્ર તરત જ બાથરૂમમાં જઈ, તાજામાજા થઈને, દેશસેવક સામે ‘હાશ’ કરીને બેઠા. આ દરમ્યાન અંદરથી નાસ્તો અને ચ્હા આવી ગયાં. એને ન્યાય આપતાં આપતાં એ મિત્રે ફરીથી પોતાનો પ્રશ્ન દોહરાવ્યો.
‘હા, હા પૂછોને. મારા જીવનમાં કોઈ જ વસ્તુ ખાનગી નથી. મારી જીવનકિતાબનાં પાનાં સૌને માટે ખુલ્લાં છે. ત્યારે તમે તો મારા ખાસ મિત્ર છો.’
‘દેશસેવામાં તમે વર્ષોથી તમારી જાતને ખૂંપાવી દીધી છે. તમારી પાછળ આવેલા શોભાના ગાંઠિયા જેવા સેવકો પ્રસિદ્ધિને શિખરે જઈને બેઠા છે. મને સમજાતું નથી કે તમે શા માટે પ્રસિદ્ધિથી પીછો છોડાવી રહ્યા છો ?’

એ દેશસેવક વિચારમાં પડી ગયા હોય એમ, ઘડીભર છત સામે જોઈ રહ્યા. પછી મિત્ર તરફ પ્રેમભરી દષ્ટિ કરીને બોલ્યા : ‘ભાઈ, કૉંગ્રેસમાં હું પહેલવહેલો જોડાયો ત્યારે લાલા લજપતરાયના સંપર્કમાં આવ્યો હતો. દેશના એ મહાન નેતા પાસેથી મને ઘણું ઘણું શીખવાનું મળ્યું. મારા જીવનઘડતરમાં એમણે પાયાનું ચણતર કર્યું છે. મને પણ દરેક કામ પાયામાંથી સંગીન કરવાની કાળજી રાખવા વારંવાર સૂચવ્યું છે.’ એ દેશસેવક થોડી વાર થોભ્યા. પછી મિત્ર સામે સ્નેહભરી દષ્ટિ કરી બોલ્યા :
‘ત્યારે લાલાજીની સેવામાં મને મૂકવામાં આવ્યો હતો. એમણે તૈયાર કરેલા પત્રો કવરમાં પૅક કરી, એના પર સરનામાં કરી, હું ટિકિટ લગાડી રહ્યો હતો. મારું કામ પૂરું કરી, બધી તૈયાર થયેલી ટપાલ મેં એમના મેજ પર મૂકી દીધી ત્યારે પ્રેમપૂર્વક મારી પીઠ પંપાળતાં એ બોલ્યા :
‘જો ભાઈ, દેશસેવાનો જે પંથ આપણે સ્વીકાર્યો છે એ ખૂબ જ લાંબો અને કઠિન છે. આપણા કે આપણા પરિવારના અંગત સ્વાર્થનો આપણે વિચાર કર્યો હોત તો આ દુર્ગમ પંથ સામે નજર પણ ન નાખી હોત. પણ આપણા અંતરમાં દેશદાઝ પ્રજ્જવળી ઊઠી. મા-ભોમની ગુલામ દશા નિહાળી, આપણાં અંતરનાં કોડિયાંમાં ક્રાન્તિની જ્યોત ઝળહળી ઊઠી. એટલે તો આપણા તેમજ આપણા જીવનના પ્રશ્નો ગૌણ કરી આઝાદીના આતશ પર કૂદી પડનારા પરવાના બની ગયા છીએ.’

આટલું કહીને લાલજી થોડી વાર થોભ્યા. મારા મુખ પર રમતા ભાવોનું ઘડીભર નિરીક્ષણ કરી રહ્યા. એમને પ્રતીતિ થઈ ગઈ કે એમની વાત હું ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો છું. એમનો એકેએક શબ્દ અંતરમાં ઉતારી રહ્યો છું. એટલે મારી આંખોમાં આંખો પરોવતાં લાલાજી બોલ્યા :
‘ભાઈ, ભક્તિમાર્ગની માફક દેશસેવાના માર્ગમાં પણ લપસણા ઢોળાવો આવે છે. એ ઢોળાવો વખતે તું સમતોલપણું બરાબર જાળવી શકીશ તો આ કપરી કેડીએ છેવટે સુધી ટકી શકીશ. એ લપસણો ઢોળાવ છે પ્રસિદ્ધિનો. ભાઈ, તપસ્વીને ચળાવનારી ઈન્દ્રની અપ્સરા જેવી પ્રસિદ્ધિ દેશસેવકને પતનને પગથિયે ગબડાવવા અનેરાં કામણ કરતી બેઠી જ હોય છે. એટલે એના માયાવી પાશામાંથી બચવું હોય તો, તારી નજર સમક્ષ હંમેશાં તાજમહાલને રાખજે. તાજમહાલના ચણતરમાં બે જાતના પથ્થરો વપરાયા છે. ઊંચી જાતના સંગેમરમરમાંથી ઘુમ્મટ બંધાયો છે. મિનારા ચણાયા છે. મીનાકામની કારીગીરી પણ સંગેમરમરના પથ્થરોમાં ખૂબ જ છટા સાથે ખીલી ઊઠી છે. ભાઈ, તાજમહાલ દુનિયાની આઠમી અજાયબી તરીકે વિખ્યાત છે આ સંગેમરમરમાંથી જીવંત બનેલી કલાકારીગીરીથી. એટલે તો દુનિયાને ખૂણે ખૂણેથી પ્રવાસીઓ આગ્રાની મુલાકાત લેવા રોજ ઊમટી રહ્યા છે. તાજમહાલને જોતાં એમને તૃપ્તિ જ થતી નથી. એનાં વખાણ કરતાં એમની જીભ થાકતી જ નથી.’

મંત્રમુગ્ધ બની લાલાજીની વાત હું સાંભળી રહ્યો હતો. મારો ખભો હલાવી લાલાજી બોલ્યા : ‘પણ કલાકારીગરીથી કંડારેલી આ ભવ્ય ઈમારત જે પાયા પર ઊભી છે એના પથ્થર શું કોઈની નજરે ચડે છે ખરા ? ભલે એ પથ્થરો બીજી જાતના હોય, પણ એ પથ્થરો પાયામાં પુરાયેલા છે. એ પથ્થરોની સંગીનતા પર એ પથ્થરોના પોલાદી પાયા પર તાજમહાલ વર્ષોથી ઊભો છે, ને વર્ષોનાં વર્ષો સુધી ભવિષ્યમાં પણ ખડો રહેશે. ભાઈ, તારે આ પાયાનો પથ્થર બનવાનું છે. પ્રસિદ્ધિ કે પ્રશંસાની પરવા કર્યા વિના સ્વતંત્ર ભારતની જે ઈમારત ચણાઈ રહી છે એના પાયામાં ધરબાઈ જવાનું છે. ભાઈ, લાલાજીની એ પ્રેરક વાણી મારી હૈયાશિલા પર કંડારાઈ ગઈ છે, એટલે તો જરૂર પડે ત્યાં ત્યાં પાયાના પથ્થર તરીકે મારી જાતને ધરબી દઉં છું.’ આ દેશસેવક હતા, ભારતના લાડીલા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous છત્રી – જ્યોતીન્દ્ર દવે
મારું રસોઈજ્ઞાન ! – બિજલ ભટ્ટ Next »   

16 પ્રતિભાવો : જીવનસુવાસ – સંત ‘પુનિત’

 1. neetakotecha says:

  gr8888888888
  pan jivva mate dava to levi j pade ne. loko etla sindhant ne vadgi rahevavada o hoy ne k su kahevu a j n samjay.
  ane lala ji ni vat bahu adbhut che. sache aaje pan jane a paththar banvani ichcha kari lidhi. to tyare jemne sambhdi hoy emna j mukhe thi emna par to kevo prabhav padiyo hase. gr8888888

 2. pragnaju says:

  સંત ‘પુનિત’એ જીવનસુવાસમાં-
  ” દુનિયાભરના નેતાઓને,રાષ્ટ્રોના માંધાતાઓને લૅનિનના જીવનમાં બનેલો આ પ્રસંગ ખરેખર પ્રેરણા આપનારો છે. રાષ્ટ્ર કરતાંય પોતાને મહાન માનનારા રાજકર્તાઓની આંખો ખોલનારો છે. જેના પર લૅનિને દાવો કર્યો ”
  લૅનિન વિષે લખી
  અને
  “મંત્રમુગ્ધ બની લાલાજીની વાત હું સાંભળી રહ્યો હતો. મારો ખભો હલાવી લાલાજી બોલ્યા : ‘પણ કલાકારીગરીથી કંડારેલી આ ભવ્ય ઈમારત જે પાયા પર ઊભી છે એના પથ્થર શું કોઈની નજરે ચડે છે ખરા ? ભલે એ પથ્થરો બીજી જાતના હોય, પણ એ પથ્થરો પાયામાં પુરાયેલા છે. એ પથ્થરોની સંગીનતા પર એ પથ્થરોના પોલાદી પાયા પર તાજમહાલ વર્ષોથી ઊભો છે, ને વર્ષોનાં વર્ષો સુધી ભવિષ્યમાં પણ ખડો રહેશે. ભાઈ, તારે આ પાયાનો પથ્થર બનવાનું છે. પ્રસિદ્ધિ કે પ્રશંસાની પરવા કર્યા વિના સ્વતંત્ર ભારતની જે ઈમારત ચણાઈ રહી છે એના પાયામાં ધરબાઈ જવાનું છે. ભાઈ, લાલાજીની એ પ્રેરક વાણી મારી હૈયાશિલા પર કંડારાઈ ગઈ છે, એટલે તો જરૂર પડે ત્યાં ત્યાં પાયાના પથ્થર તરીકે મારી જાતને ધરબી દઉં છું.’
  આ દેશસેવક ભારતના લાડીલા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી પર લખી તેમના જેવા સંતે
  આમ જનતાને સમૃધ્ધજીવનનો પરિચય કરાવી, તેવા થવા પ્રેરણા આપી છે.
  સત સત પ્રણામ

 3. Suhas says:

  ખુબ જ સરસ….આભર…!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.