વિપત્તિ આવે ત્યારે…. – સ્વામી નિખલેશ્વરાનંદ
દુ:ખ અને વિપત્તિ આવે છે, ત્યારે ખરેખર મનુષ્યને એમ જ લાગે છે કે તેના ઉપર જાણે દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે. અને તે એના ભાર નીચે ચગદાઈ રહ્યો છે. ગૂંગળાઈ રહ્યો છે. આ સ્થિતિમાં માણસ વ્યગ્ર બની જાય છે. આમતેમ દોડાદોડી કરવા લાગે છે. પણ શાંત અને સ્થિર રહી વિપત્તિ અને મુશ્કેલીઓની સામે અડગ ઊભા રહીને સામનો કરતાં મુશ્કેલીઓ ચાલી જાય છે. સ્વામી વિવેકાનંદના જીવનમાં બનેલો એક પ્રસંગ છે. સ્વામી વિવેકાનંદ યમુનાને કિનારે ફરતા હતા. અને તેમની પાછળ વાંદરા પડ્યા. એટલે તેઓ ખૂબ ઝડપથી દોડવા લાગ્યા. જેમ જેમ તેઓ ઝડપથી દોડવા લાગ્યા, તેમ તેમ તેમની પાછળ વાંદરા પણ ઝડપથી દોડવા લાગ્યા. દૂર ઊભેલા એક વૃદ્ધ સંન્યાસીએ આ દશ્ય જોયું અને બૂમ પાડી કહ્યું : ‘સાધુ, ભાગો મત. ડટે રહો.’ સ્વામી વિવેકાનંદે આ સાંભળ્યું અને તેઓ વાંદરાઓની સામે મુખ કરીને સ્થિરપણે ઊભા રહ્યા. એમના આશ્ચર્ય વચ્ચે વાંદરાઓનું ટોળું પણ તેમની સામે ઊભું રહી ગયું. પછી વાંદરાઓ એક એક કરીને ભાગી ગયા. સ્વામી વિવેકાનંદ લખે છે કે ‘આ અનુભવે મને જીવનનો મહત્વનો પાઠ શીખવ્યો કે કોઈપણ મુશ્કેલી આવે તો તેનાથી ડરીને ભાગવું નહીં, પણ હિંમતપૂર્વક તેની સામે થવું.’ ખરેખર મુશ્કેલીઓની સામે જેઓ અડગ રહી શકે છે, તેમની સામે મુશ્કેલીઓનું જોર ઓછું થઈ જાય છે.
જ્યારે જ્યારે જીવનમાં વિષમમાં વિષમ પરિસ્થિતિ આવે, ત્યારે ભાંગી પડવા કરતાં એ યાદ રાખવું જોઈએ કે ‘આ પણ જશે.’ આ સંદર્ભમાં એક વાર્તા છે. એક રાજાએ તેને ત્યાં આવેલા સાધુ મહાત્માની ખૂબ સેવા કરી. તેથી પ્રસન્ન થઈને મહાત્માએ તેને કહ્યું : ‘લે આ તાવીજ. તારી ડોકમાં પહેરી રાખજે. અને જ્યારે તું ખૂબ મુશ્કેલીમાં હો ત્યારે અને જ્યારે તું ખૂબ આનંદમાં હો ત્યારે આ તાવીજ ખોલીને વાંચજે. તેમાં મારો સંદેશ છે. એ તને જીવનમાં ખૂબ કામ લાગશે.’
રાજાએ મહાત્માની પ્રસાદી માનીને એ તાવીજનો સ્વીકાર કર્યો. પોતાના ગળામાં એ પહેરી લીધું. એ વાતને ઘણો સમય વીતી ગયો. હવે બીજા રાજ્યના રાજાએ તેના રાજ્ય ઉપર હુમલો કર્યો અને તેને હરાવીને તેનું રાજ્ય લઈ લીધું. તેને પકડીને કેદ કરી લેવાની તૈયારી કરતા હતા, પણ તે રાજમહેલના ગુપ્ત દ્વારેથી જીવ બચાવીને ભાગ્યો. રાત્રિના અંધકારમાં લપાતો-છુપાતો એક ગાઢ જંગલમાં આવી પહોંચ્યો. પણ તેણે હવે બધું જ ગુમાવી દીધું હતું. તે નિરાશ થઈને આત્મહત્યા કરવા જતો હતો, ત્યાં તેને મહાત્માના શબ્દો યાદ આવ્યા, ‘ખૂબ દુ:ખમાં હો ત્યારે મારો સંદેશો વાંચજે.’ તેણે તાવીજ ખોલ્યું. તેમાં બે માદળિયાં હતાં. એકમાં લખ્યું હતું : ‘અતિશય દુ:ખની વેળાએ.’ બીજામાં લખ્યું હતું : ‘અતિશય સુખની વેળાએ.’ રાજાએ દુ:ખના સંદેશ માટે તાવીજ ખોલ્યું. તેમાં એક ચબરખીમાં લખ્યું હતું : ‘આ સમય પણ જશે.’ મહાત્માના આ સંદેશ ઉપર રાજાએ વિચાર કર્યો અને તે આત્મહત્યાના માર્ગેથી પાછો ફરી ગયો. પછી જંગલમાં ગુપ્ત રીતે રહીને તેણે પોતાના વિશ્વાસુ માણસોને ભેગા કર્યા. આક્રમણ કરી પોતાનું જ નહીં, પણ એ રાજાનું રાજ્ય પણ મેળવી લીધું. ફરી સુખના દિવસો આવી ગયા. જ્યારે તે અતિશય આનંદમાં હતો, ત્યાં એને સાધુ મહાત્મા યાદ આવી ગયા. તેણે આનંદના સમયનો સંદેશ વાંચવા ફરી તાવીજ ખોલી માદળિયું કાઢ્યું તો તેમાં પણ એ જ સંદેશ હતો, ‘આ સમય પણ જશે.’ રાજાને પહેલાં તો આશ્ચર્ય થયું. પણ પછી ઊડું ચિંતન કરતાં એને સમજાયું કે સુખ અને દુ:ખ બંનેમાં મનુષ્યે સમતા રાખતી જોઈએ.
અમેરિકાના પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનના ઓરડામાં પણ આ જ અર્થનું વાક્ય મઢાવીને રાખેલું હતું. ‘This too shall pass’ ‘આ પણ પસાર થઈ જશે.’ આ વિશે લિંકનને પૂછતાં તેમણે કહ્યું હતું – મુશ્કેલીઓ જ્યારે આવે છે, ત્યારે હું વિચાર કરું છું કે ‘આ પણ પસાર થઈ જશે.’ આથી મુશ્કેલીઓ મને ખળભળાવી મૂકતી નથી. અને જ્યારે સિદ્ધિ અને સફળતા મળે છે, ત્યારે આ વાક્ય મને ગર્વથી દૂર રાખે છે. ‘આ સમય પણ પસાર થઈ જશે.’ આ એક જ વાક્ય લિંકનની જેમ આપણે પણ યાદ રાખીએ તો જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટકી રહેવાનું બળ મળે છે.
આ ઉપરાંત જે કંઈ થાય છે, તે બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાન મંગલમય છે. બધાંનું મંગલ કરી રહ્યા છે. એમની ઈચ્છા માનીને આવેલી દુ:ખદાયી પરિસ્થિતિને પણ જો સ્વીકારી લેવામાં આવે તો પછી એ પરિસ્થિતિ દુ:ખદાયી રહેતી નથી. આ સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવની વાર્તા છે. એક વણકર હતો. તે રામનો ભક્ત હતો. બધું જ રામની ઈચ્છાથી થાય છે તેમ માનીને ચાલતો હતો. એક વખત રાત્રે તે રામનું ભજન કરતો પોતાના આંગણામાં બેઠો હતો, ત્યાં ચોરીનો માલ લઈને ચાર ચોર આવ્યા. તેમના માલનું પોટલું ખૂબ ભારે હતું, તેથી તેઓ કોઈ મજૂરની શોધમાં હતા. એમણે આ વણકરને જોયો અને કહ્યું : ‘ચાલ ઊભો થા. પોટલું ઊંચકી લે અને અમે કહીએ, ત્યાં મૂકી જા.’ જેવી રામની ઈચ્છા કહીને તે ઊભો થયો. પોટલું લઈને ચોરની સાથે ચાલવા મંડ્યો. એટલામાં ચોરોને શોધી રહેલા પોલીસો આવ્યા. ચોરો તો નાસી ગયા પણ પોટલા સહિત વણકર પકડાઈ ગયો. એની પાસે ચોરીનો બધો જ માલ હતો. એટલે તેને પકડીને જેલમાં પૂરી દીધો. લોકોને ખબર પડી, તો લોકો અરેરાટી કરવા લાગ્યા કે બિચારો, આવો ભોળો ભટાક રામનો ભગત. કોઈ દિવસ ચોરી કરે જ નહીં, એને કેમ જેલમાં નાખ્યો ? પછી કોર્ટમાં કેસ ચાલ્યો. ન્યાયાધીશે તેને પૂછ્યું, ‘ખરેખર શું થયું હતું તે તું કહે.’ ત્યારે તેણે કહ્યું : ‘નામદાર, રામની ઈચ્છાથી હું મારા ઘરમાં બેસીને રામનું નામ લેતો હતો. ત્યાં રામની ઈચ્છાથી ચાર માણસો પોટલું ઊંચકીને આવ્યા. રામની ઈચ્છાથી એમણે મને આ પોટલું ઊંચકવા કહ્યું. રામની ઈચ્છાથી એ પોટલું ઊંચકીને હું તેમની સાથે ચાલવા લાગ્યો. રામની ઈચ્છાથી પોલીસો આવ્યા અને પેલા ચારેય ભાગી ગયા અને હું રામની ઈચ્છાથી પકડાઈ ગયો. રામની ઈચ્છાથી મને જેલમાં પૂરી દેવામાં આવ્યો અને હવે રામની ઈચ્છાથી હું તમારી સામે ઊભો છું.’ ન્યાયાધીશે જોયું, કે આ તો ખરેખર રામનો ભગત છે. આ કદી ચોરી કરે નહીં. એટલે તેને છોડી મૂક્યો, ત્યારે તે ભગતે કહ્યું ‘હજૂર રામની ઈચ્છાથી હવે હું છૂટી ગયો.’ આ રીતે સુખમાં અને દુ:ખમાં કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનની ઈચ્છાને જ જોવામાં આવે તો મન ક્યારેય વિચલિત થતું નથી. દરેક સ્થિતિમાં એ સ્વસ્થ અને શાંત રહી શકે છે.
વળી ભગવાન જે કંઈ કરે છે, તે મંગલમય જ કરે છે. આપણા ભલા માટે જ કરે છે, એ વિશ્વાસ જો દઢપણે મનમાં સ્થાપી દેવામાં આવે તો દુ:ખ, વિપત્તિ પણ કૃપા અને આશીર્વાદમાં ફેરવાઈ જાય છે. આ સંદર્ભમાં એક રાજા અને પ્રધાનની વાર્તા છે. એક દિવસ તલવારની ધારની ચકાસણી કરતાં રાજાની એક આંગળી કપાઈ ગઈ, ત્યારે પ્રધાનથી બોલાઈ ગયું, ભગવાન જે કંઈ કરે છે, તે સારા માટે જ કરે છે. ‘મારી આંગળી કપાઈ ગઈ, એ શું સારું કર્યું ?’ ગુસ્સે થઈને રાજાએ કહ્યું. પ્રધાનના આવા વિધાનથી તેને એટલો બધો ગુસ્સો ચઢ્યો કે તેણે પ્રધાનને જેલમાં પૂરી દીધો. આંગળીની સારવાર કરાવીને પછી રાજા જંગલમાં શિકાર કરવા ગયો. શિકારની શોધમાં તે તેના રસાલાથી આગળ નીકળી ગયો. ત્યાં કેટલાક તાંત્રિકોએ તેને પકડી લીધો અને તેમના અડ્ડામાં લઈ આવ્યા. ત્યાં યજ્ઞ ચાલતો હતો. અને યજ્ઞમાં નરબલિ હોમવાનો હતો. એ માટે રાજાને પકડવામાં આવ્યો હતો. રાજા બધી રીતે યોગ્ય હતો, પણ આંગળી કપાયેલી હોવાથી તે ખંડિત અંગવાળો હોવાથી તેને છોડી મૂકવામાં આવ્યો, ત્યારે રાજાને પ્રધાનના શબ્દો યાદ આવ્યા કે ‘ભગવાન જે કરે છે, તે સારા માટે જ કરે છે.’ તેને થયું કે ભગવાને અગાઉથી મારી આંગળી કપાવીને મારા બચાવની વ્યવસ્થા કરી હતી ! તે રાજમહેલમાં પાછો ફર્યો. તુરત જ પ્રધાન પાસે ગયો અને બધી હકીકત જણાવી પૂછ્યું : ‘મારી આંગળી કપાઈ એ તો જાણે મારા ભલા માટે જ થયું, પણ તમને જેલમાં નાંખીને ભગવાને તમારું શું ભલું કર્યું ?’ ‘અરે મહારાજ, ભગવાન બહુ દયાળુ છે. મને જેલમાં નાંખીને એમણે મને પણ બચાવી લીધો. જો હું જેલમાં ન હોત તો તમારી સાથે હોત. તમે તો છૂટી ગયા હોત, પણ મને હોમી દીધો હોત ! હવે સમજાયું કે ભગવાન જે કંઈ કરે છે, તે સારા માટે જ કરે છે !’ રાજાને અનુભવથી આ વાત બરાબર સમજાઈ ગઈ હતી. આથી ભગવાને જે પરિસ્થિતિમાં આપણને મૂક્યા છે, એ આપણા ભલા માટે હેતુપૂર્વક જ મૂક્યા છે, એ રીતે પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી દુ:ખના ડુંગરો અદશ્ય થઈ ત્યાં કૃપાના મહાસાગરો વહેવા લાગે છે.
Print This Article
·
Save this article As PDF
વિપત્તિ આવે ત્યારે…તેમાં ઘણાં જાણકારો પણ મૂઝાઈ સાંપ્રત મહારોગ ડીપ્રેશનનાં ભોગ થઈ પડે છે.તે અંગૅ ઘણા સંતોએ પોતાની આગવી રીતે સમાજને બચાવ્યો છે આવી રીતે– સ્વામી નિખલેશ્વરાનંજીએ બધાને સરળતાથી સમજાય તે રીતે સમજાવ્યું છે
“આથી ભગવાને જે પરિસ્થિતિમાં આપણને મૂક્યા છે, એ આપણા ભલા માટે હેતુપૂર્વક જ મૂક્યા છે, એ રીતે પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી દુ:ખના ડુંગરો અદશ્ય થઈ ત્યાં કૃપાના મહાસાગરો વહેવા લાગે છે.”
તેમને સત પ્રણામ
બહુ જ સરસ…આભાર…!
બહુ જ સરસ ….ખુબ ખુબ આભાર..
Excellent advice to face the adversities with confidence.
ખુબ જ સરસ વારતાઓ દ્વારા માર્ગદશન આપવામા આવ્યુે જે પ્રશસા ને પાત્ર ે .
વિપદ પડે નવ વલખીયે, વલખે વિપદ ન જાય ; વિપદે ઉદ્યમ કિજિયે, ઉદ્યમ વિપદ ને ખાય.
ઉપરોક્ત દોહરા ને ચરિતાર્થ કરતો, સિદ્ધહસ્ત લેખક અને મહાન સન્ત એવા શ્રી સ્વામીજી નો લેખ ખુબ જ પ્રેરક અને જીવનોપયોગી છે.
સ્વામી નિખલેશ્વરાનંદજી,
“વિપત્તિ આવે ત્યારે…. – વાંચીને જાણ્યે અજાણ્યે મારા દિલમાં જાણે કે કોઇ શક્તિનો સંચાર થયો હોય એવો અનુભવ થયો એવું લાગ્યું. ખરેખર માણસને વિપત્તિ આવી પડે છે ત્યારે માણસ બાગો થઇ જાય છે.પણ જો આવું કંઇક વાંચન હાથ વેગું થઇ જાય તો વળી કયાંક પ્રકાશ દેખાય છે.
લી.પ્રફુલ ઠાર