ફલાહાર – બકુલ ત્રિપાઠી

[ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ હાસ્યલેખક સ્વ.શ્રી બકુલભાઈ ત્રિપાઠીની પ્રથમ પુણ્યતિથિ હમણાં થોડા દિવસો અગાઉ હતી, તેથી આ શ્રાદ્ધના દિવસોમાં તેમને શ્રદ્ધાંજલિ આપતો તેમનો આ એક હાસ્યલેખ ‘સચરાચર’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. – તંત્રી.]

આપણી ઋતુઓને શરદ, હેમંત, વર્ષા અને વસંત જેવાં નામ ન આપ્યાં હોત તો આ ઋતુને – ચોમાસાને – આપણે ચોક્કસ ઉપવાસની ઋતુ કહેત. ચાતુર્માસના ઉપવાસ, અગિયારશો, શ્રાવણી સોમવારો, જન્માષ્ટમી, પર્યુષણ ને નવરાત્રિ; – ઉપવાસોનું માહાત્મ્ય આ ઋતુમાં છે એવું બીજા આઠે મહિનામાં નથી. ડૉક્ટરો પોતાની કમાણી ઘટવાના જોખમે પણ અત્યારે આપણને ઉપવાસો કરવાનો આગ્રહ કરી રહ્યા છે ! એવે વખતે મને ઉપવાસના જ વિચારો આવે એમાં નવાઈ ખરી ? અને ઉપવાસ એટલે ‘ફરાળી ઉપવાસ’ જ, એવું મારા ને તમારા જેવા પવિત્ર પુરુષોએ સ્પષ્ટ કરવાની પણ જરૂર ખરી ?

મારા એક મિત્ર આ ફરાળી ઉપવાસોનું કારણ સમજાવતાં મશ્કરીમાં કહેતા હતા કે આ ઉપવાસો તો આપણા પૂર્વજોની મીઠી યાદ છે ! એ પૂર્વજો, તે પાંચસાત હજાર વર્ષ પહેલાંના નહિ, પણ તેથીયે પુરાણા, ડાર્વિને જેને વિષે ચિંતન કર્યું છે તે. એ વાનર પૂર્વજોમાંના કોઈ વૃદ્ધોને એકાદ સાંજે, વૃક્ષની ડાળીએ પુચ્છ વીંટળી ઝૂલતાં ઝૂલતાં વિચાર આવ્યો હશે કે આ સંસ્કૃતિ તો વિકસતી ચાલી છે. આપણાં બાળકો સુધારાની લતે ચડ્યાં છે, તે કોણ જાણે ક્યાં જઈને પહોંચશે ? સંસ્કૃતિની ટોચે પહોંચીને એ લોકો આપણને ભૂલી પણ જાય ! તે વખતે એમને આપણું સ્મરણ થાય એવી કોઈ યોજના કરતા જઈએ તો સારું. એમ વિચારીને એમણે આ ઉપવાસ કરવાની રૂઢિઓ યોજી હશે. અને એથી જ ઉપવાસદિનોએ આપણે અન્નાહારી માનવીઓ એકલો ફલાહાર જ – બને એટલો વધુ – કરીને આપણા એ ફલાહારી પૂર્વજોની યાદ ઊજવીએ છીએ.

પણ એ અધર્મી મિત્રની આ કલ્પના તો માનવા જેવી નથી. તો પછી ઉપવાસો પાછળની ખરી દષ્ટિ કઈ હશે ? આરોગ્યની હશે ? ઘણા લોકો આરોગ્ય મેળવવા અગિયારશો કરે છે, અને એ યોગ્ય પણ છે. ફરાળ વિનાના, ‘અશુભ ઉપવાસ’, એટલે કે નકોરડા ઉપવાસથી તબિયત સુધરે જ છે એ વાત કદાચ ખોટી હશે, પણ ‘શુદ્ધ ઉપવાસ’ એટલે કે મેં અગાઉ કહ્યા તેવા ફરાળવાળા ઉપવાસથી તો તબિયત સુધરે છે એ ચોક્કસ જ છે.

જેને નિયમિત ભૂખ લગાડવા માટે ઉપવાસનો પ્રયોગ કરવો જોઈએ એમ આરોગ્યશાસ્ત્રીઓ માને છે. મારા એક સાથીને પણ એકવાર એક નિયમિત ભૂખ લાગતી બંધ થઈ ગઈ હતી. પહેલાં તો મેં એને સમજાવવા પ્રયત્ન કર્યો કે ‘તું પરમ બ્રહ્મની કક્ષાએ પહોંચી ગયો છે અને એટલે જ આ ભૂખ લાગવાના બંધનથી મુક્ત થઈ ગયો છે, હવે સહેજે મોક્ષ પ્રાપ્ત કરવાની તૈયારી કર.’ પણ આવી રૂડી વાત એ સમજ્યો નહિ, ત્યારે એક ડૉક્ટરની સલાહથી નક્કી થયું કે એને અપચો થયો છે અને એ મટાડવા એણે ઉપવાસ કરવા.

એને બુધવારથી એકટાણું – એટલે કે માત્ર સાંજે જમવાનું – શરૂ કરવાનું હતું. એટલે મંગળવારે રાતે મોડો જમીને એ ભારે હૃદયે સૂતો. અને આશ્ચર્ય ! બુધવારે પ્રભાતે પાંચ વાગે એની ઊંઘ ઊડી ગઈ. એને યાદ આવ્યું કે તે દિવસે એને ઉપવાસ કરવાનો હતો, અને સાથે સાથે જ જ્ઞાન થયું કે એને ભૂખ લાગી છે ! એટલે વહેલા ઊઠીને એણે બે પ્યાલા ચા પીધી, અને કલાક પછી નાહીને ફલાહાર કર્યો. દોઢેક કલાક વાંચ્યા પછી એને ફરી યાદ આવ્યું કે તે દિવસે ઉપવાસ કરવાનો હતો; એટલે ફરી ભૂખ લાગી અને એણે ચા પીધી ત્યાર પછી આખો ય દિવસ અને ઉપવાસ છે એ વિચારે ભૂખ લાગ્યા કરી અને સાડા નવ વાગે, એક વાગે, ત્રણ વાગે તથા સાંજે સાડાસાત વાગે, એમ ચાર વાર એ ચા જોડે ફલાહાર કરી શક્યો ! અને આખો દિવસ ઉપવાસ હોવાથી સાંજે વધુ જમી શકાયું એ તો નફામાં ! જેને ભૂખ નહોતી લાગતી એને પણ ભૂખ લગાડવાનો ઉપવાસનો આ અદ્દ્ભુત ચમત્કાર અનુભવ્યા પછી એ અને હું બંને, ઉપવાસ (અલબત્ત ફરાળી ઉપવાસ) દ્વારા આરોગ્યના દઢ અનુયાયી બની ગયા છીએ !

આરોગ્યપ્રાપ્તિ ઉપરાંત ઉપવાસ કરવાના બીજાં કારણો પણ હોઈ શકે. ઉપવાસીને આ જગતમાં બીજા પણ અનેક લાભ થાય છે. પહેલું તો એ કે ઉપવાસ કરીને જાણે તમે જગત પર મહાન ઉપકાર કરી રહ્યા છો એવું મોં કરીને ફરવાનો તમને હક્ક મળી જાય છે. ઘરમાં બીજા જમનારા સામે તમે એવી રીતે જોઈ શકો કે જેથી ખાવામાં એ લોકો જાણે કોઈ ભયંકર પાપ આચરી રહ્યા હોય એવી ગુનાની લાગણી એમને થાય ! ઘણા બિચારાઓનાં નસીબમાં માંદગીનો અણમૂલો લહાવો એમને થાય ! ઘણા બિચારાઓનાં નસીબમાં માંદગીનો અણમૂલો લહાવો લખ્યો જ નથી હોતો. પણ જે વસ્તુ પ્રારબ્ધમાં ન હોય તે વીર પુરુષો પુરુષાર્થથી જીતી શકે છે એ ન્યાયે માંદાં ન પડનારાઓ ઉપવાસ કરીને માંદગીનો લહાવો લઈ શકે છે. ‘ભાઈને કામ ન બતાવશો, એમને આજે મંગળવાર છે.’ , ‘ભાઈ, કૉફી બનાવી આપું ? આજે તો પાછો તારે સોમવાર છે ને ?’ વગેરે વાક્યો દ્વારા ઉપવાસ, વગર માંદગીએ માંદગીનું માન અપાવી શકે છે.

પણ આ બધાંથી ય અનોખો એવો ઉપવાસ પાછળનો એક ઉદ્દેશ તો ગ્રહ-મન-રંજનનો હોય છે. આકાશમાં નવરા ફર્યા કરતા ગ્રહો નોકરીમાંથી રીટાયર થયેલા પડોશીની માફક, નિરંતર આપણા કામકાજમાં માથું માર્યા કરતા હોય છે એમ ઘણાનું માનવું છે. આવા પડોશીઓ જ્યારે ઘરની વાતોમાં માથું મારવા આવે ત્યારે, ગાયને પૂળો નાખીએ છીએ તેમ, એમની આગળ છાપું ધરી દેવાથી એમને શાંત રાખી શકાય છે. એવી જ રીતે આકાશના મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ વગેરે ગ્રહોને પણ ઉપવાસ કરીને શાંત રાખી શકાય છે એમ માનીને ઘણા મંગળવાર, ગુરુવાર, શનિવાર વગેરે કરે છે.

અજ્ઞાનને કારણે મારા જેવા ઘણા આ સમજી શકતા નથી. કોઈને નાસ્તો આપતો હોઉં ત્યારે એ મને જ્યારે કહે છે કે ‘માફ કરજો, મારે આજે શનિવાર છે.’ ત્યારે મને ગર્જના કરીને એને સંભળાવી દેવાનું મન થાય છે કે, ‘હે મૂર્ખ, કાલે શુક્રવાર હતો અને આવતી કાલે રવિવાર છે એથી આજે તારે જ નહીં પણ મારે, આખા ગુજરાતને, આખા ભારતને, ચાંગ કાઈ શેકને, સમરસેટ મોમને, રીટા હૅવર્થને અને આખા જગતને આજે શનિવાર છે. કોઈનેય આજે શુક્રવાર કે રવિવાર નથી. આખી દુનિયાને આજે જ્યાં શનિવાર છે ત્યાં ‘મારે શનિવાર છે’ એમ કહીને, હે મૂર્ખ, તું કહેવા શું માગે છે ?’ પણ તરત જ મારામાં રહેલું શાણપણ મને શાંત પાડી સમજાવે છે કે એમને શનિવાર છે એટલે કે શનિવારનો ઉપવાસ છે અને હું અસ્વાભાવિક રીતે શાંત થઈ જાઉં છું.

આમ છતાં હું વાર કરવાની વિરુદ્ધ નથી. આપણે ત્યાં કેટલાક સોમવાર કરે છે તો કેટલાક મંગળવાર કરે છે. કોઈ વળી ગુરુવાર કરે છે તો કોઈ ભાવિક જનો તો અઠવાડિયાના બબ્બે વાર પણ કરે છે. પરંતુ હું તો સાત સાત વાર કરું છું. પહેલાં તો સવારે ઊઠતાં જ વાર કરું છું. પછી દાતણ કરતાં વાર કરું છું. નાહતાં વાર કરું છું. ઘરેથી નીકળતાં વાર અને પાછા ફરતાં પણ વાર કરું છું, ને સવારે ને સાંજે જમતાં પણ વાર કરું છું; અને રાતે સૂતાં વાતર કરું છું એ તો વધારામાં.

અને આ સાત વાર કર્યાનું પુણ્ય મને ઘણું મળ્યું છે. ગુરુવાર કર્યાથી વિદ્યા વધે છે. પરીક્ષકને સદ્દબુદ્ધિ સૂઝે છે અને એનાથી વધારે માર્ક મુકાઈ જાય છે એમ ઘણા વિદ્યાર્થીઓ માને છે. મંગળવાર કર્યાથી પેલા દેવ મંગળની કૃપા પ્રાપ્ત થાય છે એમ પણ ઘણા માને છે. મારા પર એ રીતે ઊઠતાં વાર કરવાને લીધે સૂર્યભગવાનની કૃપા ઊતરી છે, અને એ પોતે બારીમાંથી આવીને જગાડી જાય છે. નાહતાં વાર કરવાને લીધે વરુણદેવની કૃપા ઊતરી છે અને ઠંડે પાણીએ નાહવાની શક્તિ કેળવાઈ છે. અને જીવનમાં જ્યારે ખરેખર ટાઢે પાણીએ નાહી નાખવાનો વખત આવ્યો છે ત્યારે હિંમતપૂર્વક એ અવસરને હું વધાવી શક્યો છું.

પણ જવા દો એ વાત. સોમવાર-મંગળવાર કરીને ઉપવાસ કરવાની આપણી રીત કરતાં ય વડીલોની ઉપવાસની પદ્ધતિ અદ્દભુત હતી. હજી ગઈ કાલ સુધી એ રીતે ઉપવાસ થતા. આપણે તો ઉપવાસના દિવસને શાંતિ ને આરામનો દિવસ ગણીએ છીએ; પણ જીવનના ખરા કલાકાર એ વડીલો તો એમના એ દિનને ઉલ્લાસથી ભરપૂર ઉત્સવદિન બનાવતા. એ જમાનામાં કોઈને ત્યાં સવારના નવ દસ વાગ્યે સગડી-ચૂલાં ઠંડા હોય, અને તમે પૂછો કે ‘આમ કેમ ? આજે વળી શાનો ઉપવાસ છે ?’ તો તરત જવાબ મળે ; ‘આજે જમણવાર છે ને, એટલે !’

જ્ઞાતિના જમણવાર એ એમના ઉપવાસોનું એક મુખ્ય કારણ હતું. બીજે દિવસે જમણવાર હોય એટલે આગલી રાતે જ કેટલાક ઉપવાસ આરંભી દેતા. બીજા કેટલાક વળી મિતાહાર કરી ચલાવી લેતા. જમણવારને દિવસે સવારે બાળકો સિવાય મોટા ભાગનાને ઉપવાસ રહેતો. અને જમણવારની પછીના દિવસે પણ ભોજનના સાચા ભક્તોને ફરજિયાત ઉપવાસ કરવો પડતો. જ્ઞાતિભોજનોનો એ જમાનો ગયો, અને સાથે સાથે એ વડીલો પણ ગયા. પરંતુ જેણે એ પ્રસંગો જોયા હશે, રસોઈ તૈયાર હોવા છતાં રાતના બબ્બે વાગ્યા સુધી વગર કારણે જમવાનું લંબાવતો એ વડીલ વર્ગ, ભોજન પહેલાં મલ્લયુદ્ધ જેટલી તૈયારી કરતા એ મહાપુરુષો, પારણાં વધુ સારાં થાય એ ઉદ્દેશથી ઉપવાસ કરતા એ કલાકારોને જોનારાઓ એની મજા નહીં ભૂલે !

આપણા ધાર્મિક ઉપવાસોની ખૂબી એ છે કે એ આ ‘જમણવાર’ ઉપવાસો જેવા જ હોય છે. બંનેનું ધ્યેય ભોજન જ હોય છે ! ફેર એટલો કે જ્ઞાતિભોજનને દિવસે કરાતા ઉપવાસમાં ફલસિદ્ધિ અંતે થતી; જ્યારે અગિયારશી ઉપવાસમાં ‘ફલ’ – સિદ્ધિ ઉપવાસ દરમ્યાન જ થાય છે. મને જ્યારે જ્યારે હું આપણી આ ફલહારી સગવડનો વિચાર કરું છું ત્યારે મારું મન ડોલી ઊઠે છે – ભૂતકાળના ફલાહારનાં, મોરૈયો, ફરાળી ચેવડો, બટાકાની કાતરી અને બરફીનાં મીઠાં સ્મરણોએ તો ખરું જ, પણ આ ફલાહારની યોજના પાછળ છુપાયેલી આપણી સમાધાનની અદ્દભુત ફિલસૂફીથી પણ ખરું. ‘ખાવું છતાં ન ખાવું.’ ની વિકટ સમસ્યાનો આથી વધુ સારો ઉકેલ કોઈ શોધી શકત ખરું ? શામળની કોઈ અદ્દભુત કથાની રાજકન્યા પણ નહીં ને !

કવિએ બિચારા ભગવાનની દયા ખાતાં ઠીક જ કહ્યુ છે :
‘મને આ જોઈને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ ! તારા બનાવેલાં તને આજે બનાવે છે !’

પણ વધુ મજા તો ત્યારે આવે છે કે જ્યારે આપણે ભગવાનને તો ઠીક, આપણી જાતને જ બનાવવા મંડી પડીએ છીએ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણી રાત – ‘કાન્ત’
કાનનો દાતા – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

11 પ્રતિભાવો : ફલાહાર – બકુલ ત્રિપાઠી

 1. sujata says:

  Mrugeshbhai aavo paustik ahaar hamesha pirasta rahejo……..vaar na jota……….na karta…………….

 2. pragnaju says:

  સ્વ.શ્રી બકુલભાઈ ત્રિપાઠીની પ્રથમ પુણ્યતિથિ નીમિતે
  ફલાહાર -લેખ હસાવી ગયો…ગંભીર વાત પણ કહી ગયો.”પણ વધુ મજા તો ત્યારે આવે છે કે જ્યારે આપણે ભગવાનને તો ઠીક, આપણી જાતને જ બનાવવા મંડી પડીએ છીએ ! ”
  આ બધુ તેમને મોઢે સાંભળીએ ત્યારે વિશેષ મઝા આવે
  તેમની ઓડીઓ/વીડિયો હોય તો જણાવવા વિનંતિ

 3. mayuri_patel79 says:

  અ લે ખ સરસ વાચવા નિ મજા આવિ

 4. utpal says:

  Hi we r gujarati couple from ahmedabad in Bangkok n we miss our cultre here a lot wen we were in india we ignored it n never cared but abroad we really felt the value n it is quite nice to be in touch with thru eminent writers like you all here,

  Utpal n Torsal desai

 5. bharat says:

  Simply superb… 🙂
  Bakul Triphathi was a gem in Gujarati Litearture.I like the way he was writing.
  May god rest his soul in peace.

 6. અતુલ જાની (આગંતુક) says:

  ફલાહારનું અપભ્રંશ થતાં થતાં ફરાળ થઈ ગયું. ફરાળમાં હવે ફળૉ તો ભાગ્યે જ જોવા મળે છે. ફરાળી શીરો, બરફી-પેંડા, સુકી ભાજી વગેરે તો હવે જુના થઈ ગયા છે. હવે તો દુધીની ખીર, પુરીને બદલે રાજગરાની પુરી, ભાતને અભાવે સામો, દાળ કે કઢીની ખોટ ન સાલે એટલે ફરાળી કઢી અને એટલું જાણે ઓછુ હોય તેમ ફરાળી ખાખરા, અને તે પણ બાકી રહેતું હોય તેમ ફરાળી પીઝા પણ આવી પહોંચ્યા છે.

  અગીયારસ એટલે ઓછામાં અગીયાર રસ તો લેવાના જ તેવો જાણે નિયમ થઈ ગયો છે.

  પહેલાના ઉપવાસ લોકો પ્રભુ-ભજન અને આરોગ્યપ્રાપ્તિ માટે કરતા હવે તો “એકાદશી કરીએ તો વૈકુંઠ પામીઍ” વગેરે ભક્તિ-ગીતો સાંભળીને અહીંયા જ વૈકૂંઠના રસ પ્રાપ્ત કરી લેવાની અભિલાષાએ અનેક જાતના રસીલા (ફરાળી સ્તો) પકવાનની મિજબાની ઉડાવીને એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

  હવે તો ભાઈ સાપ ગયા ને લિસોટા રહ્યાં, ભક્તો ગયા ને ભગતડાં રહ્યા, ફલાહાર ગયા ને ફરાળ રહ્યાં.

  બકુલભાઈ ને હાસ્ય એટલે એક બીજાના પર્યાય. ભલે આજે બકુલભાઈ આપણી વચ્ચે નથી પણ તેમના હાસ્યલેખોથી આપણને તે હંમેશા હસાવતા રહેશે. હસતા રહેવું અને હસાવતા રહેવું તે જ શ્રી બકુલભાઈને આપણા તરફથી સાચી શ્રદ્ધાંજલી ગણાશે.

 7. મૌલિક says:

  મૌલિક

  This Two are tooo good…!

  ૧. ગાયને પૂળો નાખીએ છીએ તેમ, એમની (પડોશી ) આગળ છાપું ધરી દેવાથી એમને શાંત રાખી શકાય છે.

  ૨. હું તો સાત સાત વાર કરું છું. પહેલાં તો સવારે ઊઠતાં જ વાર કરું છું. પછી દાતણ કરતાં વાર કરું છું. નાહતાં વાર કરું છું. ઘરેથી નીકળતાં વાર અને પાછા ફરતાં પણ વાર કરું છું, ને સવારે ને સાંજે જમતાં પણ વાર કરું છું; અને રાતે સૂતાં વાતર કરું છું એ તો વધારામાં.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.