કાગવાણી (ભાગ-1) – દુલા ભાયા કાગ

[‘કાગવાણી’ પુસ્તકમાંથી સાભાર.]

[1]
શીળો સારો હોય તો, બાવળનેય બેસાય;
(પણ) શૂળું નો સંઘરાય, કોઠી ભરીને કાગડા !

પોતાને ઉપયોગી થાય એવું કોઈ ઝાડ પાસે ન હોય અને ફક્ત બાવળ જ હોય, વળી તેનો છાંયો ઘાટો હોય તો તે બાવળને છાંયે સુખેથી બેસાય છે, પણ તેથી તેના કાંટાનો કોઠી ભરીને ઘરમાં સંગ્રહ ન થાય. અર્થાત્ કોઈ વસ્તુનો ગુણ હોય તેનો ઉપયોગ કરવો, પણ તેની જ સાથે રહેલી અવગુણકારક અથવા નકામી વસ્તુ પર મોહ ન રાખવો.

[2]
સ્વારથ જગ સારો, પધારો ભણશે પ્રથી;
(પણ) તારો તુંકારો, ક્યાંયે ન મળે કાગડા !

હે મા ! આખું જગત એ તો અમારાં સ્વાર્થનાં સગાં છે. ભાઈ, બહેન, દીકરા, સ્ત્રી, કુટુંબ એ તો બધાં કંઈ ને કંઈ સ્વાર્થથી અમારી આરતી ભલે ઉતારે. એમાં હૈયાનાં હીર નથી, એમાં આત્માની ઓળખ નથી. એ બધાંની સેવાચાકરીમાં અમુક સ્વાર્થ કારણભૂત હોય છે. આખા જગતમાં, હે જનની ! તારો તુંકારો એ તો જીવન આપનાર છે અને એ તુંકારાના શબ્દો, હે મા ! તારા મોઢા સિવાય ક્યાંય મળે તેમ નથી.

[3]
કાઢી મેલ્યા કોઈ, રામ ભજનને રૂસણે;
(તેથી) જાતા દનડા જોઈ, કાળ નોતરવા, કાગડા !

હે કાગ ! આયુષ્યના જેટલા દિવસ ગયા – એટલે ઈશ્વરભજન વિનાના જેટલા દિવસને કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, દંભ, આળસમાં વિતાવીને કોરાધાકોર કાઢી મેલ્યા – એ બધા દિવસો તારા પર વૈરવૃત્તિથી કાળ મહારાજને નોતરવા ગયા છે અને બાકી રહેલા પણ ત્યાં જ જશે; માટે હજુ બાકી રહેલ દિવસોને મનાવી લે, ઈશ્વરસ્મરણ કરી લે !

[4]
સૂરજ ઘર સંઘરેલ, ચોરી જળ સાયર તણાં;
અષાઢે ઓકેલ, કોઠે ન રયાં, કાગડા !

ચોરી એવી વસ્તુ છે કે કોઈના ઘરમાં જરતી નથી, હજમ થતી નથી, તેનો દાખલો કે સૂર્ય પોતાનાં કિરણો વડે સમુદ્રનુ જળ, આઠ મહિના ચોર્યા કરે છે. પણ ચોમાસામાં અષાઢ મહિનામાં તે પાણી સૂર્યને ઓકી કાઢવું પડે છે. બીજાનું હરીને લઈ લીધેલું કાયમ કોઈ ભોગવી શકતું નથી.

[5]
કાઠ ખીલાને કોય, જળમાં જતનાયું કરે;
(નહીં તો) તારણ બ્રદને તોય, કળંક બેસે, કાગડા !

લાકડાનો ગુણ પાણીમાં તરવાનો અને બીજાને તારવાનો છે. લાકડું બળી જતી વખતે ખીલા ભાગી ગયા. પોતાની સાથે ન બળ્યા, વિશ્વાસઘાત કર્યો, એ બધું યાદ રાખીને વેરવૃત્તિથી લોઢાના ખીલાને લાકડું પાણીમાં બોળી દે, તો બીજાને તારવાનું એનું જે બિરુદ છે તેને કલંક લાગે. માટે લાકડું અપકારી ખીલાને પાણીમાં જતન કરીને જાળવે છે.

[6]
જોયાં મુખ જળે, મીઠાંને જૂઠાં માનવી;
મીતર કોક મળે, કાચ સરીખા, કાગડા !

પાણીમાં મોઢું જોવાથી જેવું છે એવું કદી દેખાતું નથી, કારણ કે કૂવામાં, નદીમાં કે તળાવમાં મોઢું જોઈએ ત્યારે પવનથી પાણી હાલ્યા કરતું હોવાથી લાંબું, પહોળું, બેરંગું દેખાય છે. એમ જ સ્વાર્થી સ્નેહીઓ આપણે જેવા હોઈએ એવા કહેતા જ નથી. પણ કાચ જેવા સાચા મિત્રો કોઈક જવલ્લે જ મળે છે કે જે આપણા પરમ હિતેચ્છુ હોય છે અને જેનાથી આપણે જેવા હોઈએ તેવા જ દેખાઈએ છીએ, મતલબ કે આપણને આપણા ગુણ-અવગુણની ખરી ખાતરી કાચ જેવા મિત્રોથી જ થાય છે.

[7]
પાણી પણ એક જ પીએ, આંબામાં ઊભો હોય;
(પણ) નેસળ મીઠો નોય, કડવો લીંબડ, કાગડા !

આંબાના વનમાં લીંબડો ઊગ્યો હોય, તે આંબાની સાથોસાથ એક જ જાતનું પાણી પીએ છે. આંબાની ડાળ સાથે પોતાની ડાળ ઘસીને હિલોળા મારતો હોય છે, કાયમ આંબાનો જ એને સંગ છે, પણ એના બીજમાં જે કડવાશ કુદરતે નાખી છે, તે ગમે તેવા મીઠા સંજોગોમાં પણ બદલાતી નથી. એટલે એ લીંબડો આંબાની વચ્ચે જ મોટો થયા છતાં કોઈ દિવસ એની કડવાશ તજી મીઠો નથી થાતો.

[8]
પરનાળેં ઘી પાવ, કઠ ચંદન હોમ્યા કરો;
(પણ) એને જે દી અડવા જાવ, (તે દી) કાળી બળતરા, કાગડા !

હે કાગ ! અગ્નિની સાથે મિત્રતા બાંધી એને ખુશ રાખવા માટે મોટી પરનાળે એમાં ઘણા દિવસ ઘી હોમો અગર ચંદન જેવાં કાષ્ઠ અંદર નાખો, એમ વરસોનાં વરસો એની બરદાસ કર્યા પછી પણ એ અગ્નિને પોતાનો ભાઈબંધ માની સ્પર્શ કરવા – અડવા ન જશો; કારણ કે એવી બધી વસ્તુઓ આપવા છતાં બીજાને બાળવાનો ગુણ અગ્નિ કદી છોડતો નથી : એ તો અડતાં જ કાળી બળતરા કરે છે.

[9]
(એક) લિયે ભરખી લોઈ, દલ બીજું ટાઢક દિયે;
જળો ને કમળ જોઈ; (એમાં) કુળનું ક્યાં રયું કાગડા ?

હે કાગ ! જળો અને કમળ, બંનેનાં માતાપિતા એક છે, એક જ સરોવરમાં અથવા નદીમાં તેઓ ઉત્પન્ન થાય છે, સાથે જ રહે છે, પણ જળો લોહી ચૂસી લે છે અને કમળ આનંદ આપે છે. માટે સારા કુળમાં ખરાબ પણ જન્મે છે અને ખરાબ કુળમાં સજ્જન પણ જન્મે છે. માટે કુળનું કંઈ જ ન કહેવાય.

[10]
ઈંદ્ર આરતીઉં કરે, રમે ઘર પૂતર રામ;
(પણ) ટાણે મરણ તમામ, (એને) કીધેલ આંબ્યાં, કાગડા !

હે કાગ ! મહારાજા દશરથ જેવો કોણ મોટો માણસ કે જેને સ્વદેહે સ્વર્ગમાં ઈંદ્રરાજા અરધી ગાદી આપે અને એની આરતી ઉતારે ! એ તો ઠીક પણ રામચંદ્રજી ભગવાન જેવા એને ઘેર પુત્ર હતા, ઈશ્વર જેને ત્યાં બાળકરૂપે અવતર્યા હતા, છતાં પોતાને હાથે કરેલાં પાપ (અંધ માતાપિતાને તીર્થ કરાવતા શ્રવણને બાણ વતી મારેલો એ અપરાધ) અંતકાળે આવી પહોંચ્યાં, તેને કોઈ વારી ન શક્યું.

[11]
શરણે આવ્યા સોય, એને ભાંગીને ભૂકો કર્યો;
(તેથી) કાળજ ત્રોફે કોય, કાયમ છીણી, કાગડા !

હે કાગ ! પોતાને શરણે આવેલ દાણાનો ઘંટીએ વિશ્વાસઘાત કરી, દળીને લોટ બનાવી દીધો. દાણા તો એનો બદલો કાંઈ લઈ શકે તેમ ન હતા. પણ કુદરતે તેનો બદલો કાયમ આપ્યો કે જ્યાં અઠવાડિયું થાય ત્યાં લુહાર છીણી વતી ઘંટીને ટાંકે છે; આખીયે ઘંટીને છીણીના ઘાથી ત્રોફી નાખે છે.

[12]
તૂનેલ દિલને તોડતલ, ધાડેં ધાડ ધરાર;
(પણ) ભાંગ્યાં ભેળણહાર, કો કો માનવ, કાગડા !

હે કાગ ! એકબીજા માણસોને મોટા વાંધા પડ્યા હોય, જેમાંથી ખૂનખાર તકરાર થવા સંભવ હોય, એવા કજિયા પતાવીને એ દુશ્મન બની બેઠેલાંનાં દિલને સાંધી, સીવી અને તૂની લેનાર માનવીઓ જગતમાં બહુ ઓછા હોય છે. ભાંગેલાંને સાંધ્યા પછી પણ એનાં વેરઝેર તાજાં કરી, લડાવી મારનારનાં તો ટોળેટોળાં નજરે પડે છે.

[13]
વસમા વાંસ ઘણા, એક જ કુળમાં ઊપજ્યા;
પણ કાપ્યે કુમત ના, કુળ ચંદનનાં કાગડા !

હે કાગ ! વાંસડા અને સુખડ એ એક જ નાતમાં ઉત્પન્ન થયેલાં વૃક્ષો છે. વાંસડા તો અંદરઅંદર ઘસાઈને પોતાનાં માતાપિતા જેવા જંગલને બાળી નાખે છે, જ્યારે ચંદન વૃક્ષ કાપી નાખનારને પણ સુગંધ આપે છે; કારણ કે ચંદન અને વાંસડાની નાત એક છે, પણ કુળ અને રીત બંનેનાં જુદાં છે.

[14]
વાયેલ ઝાઝા વા, તેથી પાન વ્રેમંડે પોગિયાં;
(પણ) હળવાંને હૈયે ના, ક્યાં જઈ પડશું, કાગડા !

હે કાગ ! મોટો વાવંટોળિયો આવવાથી અને ઝાઝા પવનને બળે કરીને પાંદડાં આકાશમાં પહોંચી જાય છે, પણ એનાથી એ મોટાં બની જતાં નથી. એ પોતાની યોગ્યતાથી ઊંચે ચડેલ નથી; એ તો પવનના બળથી ઊંચે ચડ્યાં હોય છે. પાછાં કઈ જગ્યાએ પડશું એની સમજણ પણ એનામાં હોતી નથી; કારણ કે જેમ પવનથી ઊંચે ચડે છે, તેમ જ્યાં પવન એમને લઈ જશે ત્યાં એ પડશે. એ તો એવાં હલકાં-હળવાં છે કે એમનામાં ચડવાની કે ઊતરવાની એકે શક્તિ નથી.

[15]
અંગ ગઢપણ અયાં, સઘળું પુત્રને સોંપિયું;
પિતાને પરહરિયા, કોઢ નીકળિયા, કાગડા !

હે કાગ ! પુત્રને માટે રળીરળી, પૈસોટકો, માલમિલકત જે મેળવ્યું હોય, તે પુત્રોને સોંપી દઈને પિતા વૃદ્ધપણાને લીધે વ્યવહારમુક્ત થયો હોય અને શરીર અશક્ત થઈ ગયું હોય, એવી વૃદ્ધાવસ્થામાં એ પિતાનો પુત્રો ત્યાગ કરે અથવા તેનું કહ્યું ન કરે અને તેની બરદાસ ન રાખે, એવા દીકરાઓ પણ કોઢ નીકળે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાનનો દાતા – ડૉ. આઈ. કે. વીજળીવાળા
આનંદની ગંગોત્રી – વર્ષા અડાલજા Next »   

14 પ્રતિભાવો : કાગવાણી (ભાગ-1) – દુલા ભાયા કાગ

 1. pragnaju says:

  એક એક કાગવાણીના દોહા આપણી રોજબરોજની વાતમાં કહેવતો જેમ વપરાય છે.
  તેની અસર પણ સચોટ થાય છે.
  અવાર નવાર તેમનૂં સાહિત્ય પીરસવા વિનંતિ

 2. Bhavna Shukla says:

  નર્યા મીઠાના પાણી મા બોળેલ એવા ચાબખા છે, જે ને વગ્યા મર્મ સ્થાને તેનો બેડો પાર…… વેદના પણ આટલી મધુર !!!!!!!!!!!

 3. Devang Shah- From Africa says:

  બહુ જ સરસ્.
  ગુજરાતિ સહિત્ય ને જિવન્ત રાખવા બદલ ખુબ ખુબ અભિનન્દન્.

 4. dharmesh Trivedi says:

  વાહ ભૈ વાહ કાગવાણિ એ તો જલ્સો કરાવિ દિધો હો…હજુ આવુ વધુ આપશો…

 5. ટીકાકાર says:

  આ ગુજરાતી ભાષાનો કયો પ્રકાર છે ? સમજવું ઘણું જ કઠિન છે.
  કાગે અત્યંત સુંદર ઉપમાઓ આપી છે. કાલિદાસની યાદ અપાવી દીધી. “મહાન” થી ઓછું કંઇ ના ખપે…

 6. Ishit says:

  વાહ ! કાગવાણી !

 7. kapil dave says:

  વાહ, ખુબજ સુંદર

  કાગવાણી ને નેટ પર જોઇને અઢળક આનંદ થયો,
  હુ કાગબાપુનો ચાહક છું, અને કાગ બાપુનુ દરેક સાહિત્ય અને એમની દરેક પુસ્તકો મારી પાસે છે.

  આ કાગવાણી ભાગ ૩ માથી તમે લીધુ છે

  હું મારા બ્લોગ પર પણ કાગબાપુ નુ સાહિત્ય મુકવાનો છું

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.