આનંદની ગંગોત્રી – વર્ષા અડાલજા

એક વાર ગુણવંતભાઈ શાહે સરસ વાત કહી હતી. તેઓ આફ્રિકા જતા હતા ત્યારે થોડા મિત્રો અમે મળેલાં. પ્રવચનોની તડાફડી ન હતી, માત્ર મન ભરીને વાતો કરી હતી, એ વખતે એમણે કહ્યું હતું, માણસ વનમાં ત્રણ કારણે જતો હોય છે : વિહાર કરવા, શિકાર કરવા અને વનશ્રી જોવા. હું છેલ્લા કારણે જાઉં છું. વૃક્ષો મને ગમે છે. હજી આફ્રિકાનાં જંગલો પ્રદુષણોથી બાકાત રહ્યાં છે. અહીં તો માણસ માણસ વચ્ચેના સંબંધો પણ પ્રદુષિત છે. મને હું અજાણી ભોમકામાં જઈ રહ્યો છું એવું લાગતું નથી.

ટાગોરે કહ્યું છે : ‘There are never strangers, only the persons who have not met before.’ એ અર્થમાં હું મિત્રોને મળવા જઈ રહ્યો છું. આફ્રિકાનાં જંગલમાં આદિવાસીને કોઈ પૂછે, ‘પેલો માણસ ક્યાં રહે છે ?’ ત્યારે એ માણસ, જો એનો સગો કે સ્નેહી હોય તો હાથ લંબાવી કહેશે, ‘અહીં જ, આ સામે જ એનું ઘર’ પછી વાસ્તવમાં એ માણસ ભલે ખૂબ દૂર રહેતો હોય ! અને જેને વિષે પૂછ્યું છે એ વ્યક્તિ જો એનું સ્વજન ન હોય અને પાસે રહેતી હોય, છતાં તમને કહે એ તો ખૂબ દૂર રહે છે. આમ તો આફ્રિકા અંધારો ખંડ તરીકે વગોવાયો છે પણ આજની સંસ્કૃતિના સંસ્પર્શ વિનાના આ આદિવાસીઓ સ્નેહને જે રીતે પામી શક્યા છે એવું સિમેન્ટ ક્રોક્રીટનાં જંગલોમાં રહેનારા આપણે છાતી ઠોકીને કહી શકીશું ખરા ?

બાલ્કનીમાં સજાવીને મૂકેલા હાઉસ પ્લાન્ટ કે કૂંડામાં પૂરેલો ગુલાબનો છોડ અથવા કાપીકૂપીને વિશાળમાંથી બનાવેલાં વામનજી વૃક્ષો. આ આપણી વનશ્રીનો વૈભવ. નગરવાસી બાળકો માટે નકશાની નાની લીટી તે ખળખળ વહેતી નદી, વિષુવવૃતનાં જંગલો ડ્રોઈંગબુકના એક જ પાનાની જગ્યા રોકે. મોંઘીદાટ જમીન પર બાંધેલા તોતિંગ સ્કાયસ્ક્રેપરના બાવીસમે માળે ખોબા જેવડા મોંઘાદાટ ઘરમાં રહેતા માણસને આદિવાસીઓની જેમ સ્નેહના ‘અંતરથી’ માપી શકાશે ? પહેલાં મળ્યા હશે તોય ટાગોરની ભાષામાં મિત્રો નહીં ગણાય પણ અપરિચિત જ રહેવાના. આપણે આપણા લોકો પ્રત્યે પણ સ્વજનતા અનુભવી નથી શકતાં ત્યાં અપરિચિતો પ્રત્યે આંખ માંડવાની વેળ પણ નથી ને વલણ પણ નથી.

શહેરની ગીચતા અને ભીડમાં નમ્રતા અને અપરાધભાવથી પીડાતાં થોડાં વૃક્ષો રસ્તાની ધારે ખસી જઈ, ડાળીઓ જોડી ક્ષમા માગતાં હોય એમ જરા ઝૂકીને ઊભાં રહે છે. તેમની તરફ જરા સ્મિત કરવાનુંય આપણાથી ક્યાં બને છે ? ગરમાળાનાં પીળાં ચટ્ટક સોનેરી ઝુમ્મરો લટકતાં હોય કે ગુલમહોર કેસરિયાં કરતા રજપૂતની જેમ ઠાઠથી ઊભું હોય ત્યારે ઘડીક થંભી એમને જોવાનો જે સાહજિક આનંદ થાય એથી વિશેષની પ્રાપ્તિનો લોભ શા સારુ રાખવો જોઈએ ? કેવળ જોવું, માણવું, પ્રસન્ન થવું એ બધી વાત આપણા જીવનમાં ખૂબ વિરલ બનતી જાય છે.

સણોસરાની લોકભારતી શિક્ષણસંસ્થા વિદ્યાર્થીઓના સમગ્ર વ્યક્તિત્વના ઘડતરનું ખૂબ ઉમદા કામ કરે છે. અત્યંત વિશાળ જગ્યામાં ફેલાયેલી સંસ્થામાં સાફસૂફીથી માંડીને અત્યંત મહત્વનાં સંશોધનોમાં પણ વિદ્યાર્થીઓએ એટલો જ રસ લેવાનો હોય છે. લોકભારતીની નર્સરી અદ્દભુત છે. ત્યાં એટલી બધી જાતનાં છોડ, વેલ, વૃક્ષો, ફળો, ફૂલો છે અને એટલી બધી વિવિધતા પ્રયોગો વડે આણી છે કે ચાલતાં ચાલતાં પગ થાકે પણ મનની પ્રસન્નતાનું પૂછવું જ શું ? ત્યાં એક થોરનું વૃક્ષ થાય છે. આ થોર એવડો તોતિંગ ને મોટો છે કે એને વૃક્ષ જ કહેવો પડે. વર્ષમાં અમુક જ દિવસે, એક જ વાર મોડી રાત્રે આ થોર અત્યંત સુંદર શ્વેત ફૂલોથી આચ્છાદિત થઈ જાય છે. મોડી રાત્રે ચારે તરફ થાળી પીટવામાં આવે છે અને આ ધન્ય દશ્ય જોવા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઊંઘમાંથી ઊઠી દોડતાં નર્સરીની જગ્યાએ પહોંચી જાય છે. અનેક ક્ષેત્રોમાં ખૂબ સિદ્ધિ અને એવોર્ડસ મેળવેલી એક મહિલાને મેં પ્રશ્ન પૂછ્યો હતો, ‘તમારા જીવનની સૌથી ધન્ય ક્ષણ કઈ ?’ એમણે કહ્યું હતું કે ‘કોઈને ઈર્ષ્યા થાય એટલું બધું મને ખોબલે ખોબલે મળ્યું છે પણ તમે સૌથી ધન્ય ક્ષણનું પૂછો તો મારા આખા ખજાનામાં ઝળહળતા રત્ન જેવી એક જ ક્ષણ છે. જ્યારે હું શાંતિનિકેતન ભણતી હતી ત્યારે અમે વસંતોત્સવ ઉજવતા. ગુરુદેવના સાનિદ્ધયમાં મોડી રાત્રે અમે સૌ પીળાં વસ્ત્રો પહેરી, ફૂલોની વેણી ગૂંથી આનંદમગ્ન બની નૃત્ય કરતાં, એ ધન્ય ક્ષણની તોલે મારા જીવનની કોઈ સિદ્ધિ કે સંપત્તિ ન આવે.’

આપણા સમયમાં જે સહજ છે તે દુર્લભ કેમ થતું જાય છે ? આપણા આનંદના સ્ત્રોતની ગંગોત્રી આપણને કેમ સાંપડતી નથી ? મનોવૈજ્ઞાનિકોની પ્રેક્ટિસ ધરખમ ચાલે છે, અને જાતજાતની માનસિક બીમારીઓ, ભ્રમણાઓ, કાલ્પનિક ભયો અને મૂંઝવણોનો બોજ લઈ દર્દીઓની લાંબી કતાર લાગે છે. કારણ કે આપણા પ્રેમનો વ્યાપ એટલે સ્વનું માત્ર ટપકું અને ઊંડાણને બદલે છીછરાપણું આવ્યું છે, તેથી હશે ? આપણી ચેતના ટાઢીબોળ થઈ ગઈ છે, તેથી હશે ? ધોમધખતા બપોરે, વજનદાર હાથની લારી ખેંચતા મજૂરના પગના ફોલ્લા આપણા પગને નથી બાળતા, મારા ઘરના નળમાંથી એટલા જોરથી પાણી આવે છે કે એના અવાજમાં દૂર દૂર સુધી ખાલી બેડાં લઈ પાણી માટે વલવલતી ગ્રામ્ય નારીઓના નિસાસા મને સંભળાતા નથી.

આ કોઠાડાહ્યા લોકોનો યુગ છે, અને જેને એવા વ્યવહારુ બનતાં આવડ્યું નથી તે માનવીજંતુઓ પ્રત્યે એ લોકોને માત્ર દયાભાવ છે. કીડિયારું પૂરતાં હોય એમ ખાંડના બે કણ વેરી દઈ એ લોકો કશુંક કર્યાનો સંતોષ મેળવી લે છે. એમની સમૃદ્ધિનો આંક ઊંચે ને ઊંચે ચડતો જાય છે પણ જીવન જીવવાની ક્રિયા પાસે જ એ લોકો અટકી ગયા છે. એમના ખજાનામાં નર્યા માધુર્યની, નિર્વ્યાજ પ્રસન્નતાની ક્ષણનું એકેય મોતી નથી. છલોછલ સૌંદર્યથી ભરેલી આથમતી સંધ્યાનું એકે ય મનોહારી ચિત્ર એમની સ્મૃતિઓના આલબમમાં નથી. એમના મિથ્યાભિમાનના પ્રલંબ પડછાયામાં એમનું આખું જીવન ઢંકાઈ ગયું હોય છે, અને એમને એની ગંધ સુદ્ધાં નથી આવતી.

હિન્દુ વિચારધારા પ્રમાણે આપણે જન્મતા રહીએ છીએ, પુનર્જન્મ થતો રહે છે. પણ મનુષ્યને પૂર્ણ વરદાન નથી મળ્યું, થોડો શાપિત છે. વૃક્ષની જેમ મનુષ્યને દર વર્ષે વસંતઋતુ આવતી નથી. જીવનમાં વસંત એક જ વાર આવે છે, પણ કોયલનો ટહુકોય સાંભળ્યા વિના આપણે અલભ્ય યુવાની ખોઈ દઈએ છીએ.

મુંબઈમાં જે. જે. સ્કૂલ ઑફ આર્ટસના કમ્પાઉન્ડમાં એક નમતી સંધ્યાએ વૃક્ષના ઓટલે બેસી પ્રવચનમાં કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું, ‘જીવનપ્રવાહમાં જ્ઞાન દખલરૂપ બને છે. વિજ્ઞાન અને અન્ય શાસ્ત્રોના વિકાસ પછી પશ્ચિમમાં પણ ફિલસૂફો ફરિયાદ કરવા લાગ્યા કે આપણે માણસને અમૂર્તિમાં ફેરવી નાખ્યો છે.’ ટી.એસ. ઈલિયટે કહેલું કે ‘આપણા જમાનામાં જ્ઞાન અને ડહાપણ જુદાં પડી ગયાં છે. આપણી પાસે જ્ઞાનીઓ ઘણા છે. ડાહ્યા માણસો કેટલા ? બધું જ પોતાની બંધ મુઠ્ઠીમાં કેદ કરી લીધું છે એમ ગર્વ કરનારા માણસની મુઠ્ઠીમાંથી સરળતા અને સહજતા જ છટકી ગઈ છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાગવાણી (ભાગ-1) – દુલા ભાયા કાગ
ગાંધીવાણી – સં. ઉર્વીશ વસાવડા Next »   

16 પ્રતિભાવો : આનંદની ગંગોત્રી – વર્ષા અડાલજા

 1. Janki says:

  This is a wonderful artical. I am a fan of Varshaji. I like to read this type of artical & feel somewhere pain that now a days we are becoming so materialistc that we don’t have time for to see nature. I love this artical.

 2. વિનોદ, સિડની says:

  વર્ષા અડાલજા નો “ચંદરવો” અહીંયાં જરા જુદી રીતે ફેલાયો…!!!! “ચંદરવો” માં માનવજીવન અને માનવ સ્વભાવ ને સહજ રીતે રજુ કરતાં આદરણીય વર્ષા અડાલજા અહીયાં પણ છવાઈ ગયાં…!!! મૃગેશભાઇ નો પણ ખુબ આભાર – આવો સરસ લેખ આપવા બદલ…!!!

 3. pragnaju says:

  વર્ષા અડાલજાની આનંદની ગંગોત્રી …
  માણસ માણસ વચ્ચેના પ્રદુષિત સંબંધોનૅ જાણવાનું-
  સરળતા અને સહજતાથી જીવવાની વાત, અને આપણા જીવનમાં ખૂબ વિરલ બનતી પ્રકૃતિને માણવાની વાત-ફરી ફરી મનન કરવા જેવી છે.તેમના અન્ય પુસ્તકો – ગાંઠ છૂટ્યાની વેળા, શ્રાવણ તારાં સરવડાં, બંદીવાન, આતશ, – મારે પણ એક ઘર હોય, રેતપંખી, ખરી પડેલો ટહૂકો, તિમિરના પડછાયા, એક પળની પરબ રહસ્યકથા – પગલાં, પાંચ ને એક પાંચ, અવાજનો આકાર, છેવટનું છેવટ, પાછાં ફરતાં, નીલિમા મૃત્યુ પામી છે , સાંજને ઉંબર એ – વાંસનો સૂર વાંચવાની પ્રેરણા આપે.

 4. Ripal says:

  બહુ જ સરસ

 5. Amit Lambodar says:

  આપણે વાંચીએ છીએ અને ભૂલી જઈએ છીએ…..

 6. neetakotecha says:

  મારા પ્રિય લેખિકા વર્ષાબેન આપની વાતો હંમેશા ગમતી આવી છે અને ગમતી રહેશે. ખુબ ખુબ આભાર

 7. Atul Jani (Agantuk) says:

  આપણા આનંદના સ્ત્રોતની ગંગોત્રી આપણને કેમ સાંપડતી નથી ?

  અહીં એક વેધક સવાલ પુછવામાં આવ્યો છે. અને ત્યારબાદ આ આનંદની સુકાઈ ગયેલી ગંગોત્રીને લીધે શું પરીણામ આવે છે તેની વાત –

  મનોવૈજ્ઞાનિકોની પ્રેક્ટિસ ધરખમ ચાલે છે, અને જાતજાતની માનસિક બીમારીઓ, ભ્રમણાઓ, કાલ્પનિક ભયો અને મૂંઝવણોનો બોજ લઈ દર્દીઓની લાંબી કતાર લાગે છે.

  તેના કારણોની ખોજ કરતા નીચેના કારણો કદાચ હોઈ શકે –

  ૧. કારણ કે આપણા પ્રેમનો વ્યાપ એટલે સ્વનું માત્ર ટપકું અને ઊંડાણને બદલે છીછરાપણું આવ્યું છે, તેથી હશે ?

  ૨. આપણી ચેતના ટાઢીબોળ થઈ ગઈ છે, તેથી હશે ?

  આ બંને કારણો મહદ અંશે સાચા લાગે છે.

  હવે આના ઉકેલ તરીકે બરાબર ઉલટું થવું જોઈએ, ઍટલે કે

  ૧.આપણા પ્રેમનો વ્યાપ એટલે સ્વનું માત્ર ટપકું નહીં પરંતુ જ્યાં જ્યાં આપણી પહોંચ હોય ત્યાં ત્યાં એ દિવ્ય પ્રેમના ફુવારા પુરા દિલથી ઉડાડવા અને છીછરાપણાં ને બદલે વધારે ઊંડાણમાં ઉતરવુ.

  ૨.આપણી ચેતના કે જે ટાઢીબોળ થઈ ગઈ છે તેને રાતીચોળ કરવી અને અન્ય ચેતનવંતા પ્રાણીઓમાં તો આ ચેતના જાગ્રત કરવી જ પણ આપણી આસપાસની જડ સૃષ્ટિને પણ એવી રીતે શણગારવી કે તે પણ ચેતનમય લાગવા મંડે.

  આ સમગ્ર પ્રકૃતિ વાસ્તવમાં તો સર્જનહારની દિવ્ય ચેતનાથી જ આટલી પ્રફુલ્લિત લાગે છે ને, આપણે પણ સર્જનહારની દિવ્ય ચેતનાની ખેવના કરવી – ચેતનવંતા થવુ અને અન્યોને પણ કરવા અને ફરી પાછી આપણા આનંદના સ્ત્રોતની ગંગોત્રી પ્રાપ્ત કરવી. આપણે તે જરુર કરી શકશું

  વર્ષા બહેન – જગાડવા બદલ આભાર.

 8. BINDI,NIGERIA says:

  હંમેશ ની જેમ જ ખુબ જ સરસ,હદ્ ય સ્પશી અને જીવનોપયોગી……….
  ખુબ ખુબ આભાર!!!!!!!!!!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.