- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

રોગિણીની અંતિમ ઈચ્છા – ઘનશ્યામદાસ બિરલા

[અનુવાદ : મોહન દાંડીકર]

ગાંધીજીની દિનચર્યા એકદમ વ્યવસ્થિત મિનિટે મિનિટનો ઉપયોગ થાય છે. બહારગામથી ઢગલાબંધ પત્રો આવે છે. તેના જવાબો આપવા પડે છે. ઘણી વાર તો તેઓ જમતાં જમતાં પણ વાંચે છે, ક્યારેક ક્યારેક જમતી વખતે કોઈને વાર્તાલાપ માટે પણ બોલાવ્યા હોય છે. ફરવાના સમયે પણ મુલાકાત ચાલુ હોય છે.

ગાંધીજી સવારે ચાર વાગે ઊઠી જાય છે. ઊઠતાંની સાથે જ હાથમોં ધોઈને પ્રાર્થના કરવા બેસે છે. પ્રાર્થના પછી પ્રાત:કર્મ પતાવી સવારે સાત વાગે નાસ્તો કરે છે. નાસ્તા પછી ફરવા નીકળે છે. પછી કામમાં લાગી જાય છે. નવેક વાગે તેલમાલિશ કરાવે છે. માલિશ કરાવતી વખતે પણ કામ તો ચાલુ જ હોય છે. પછી સ્નાન કરે છે. સ્નાન પછી અગિયાર વાગે ભોજન કરે છે. પછી એક વાગ્યા સુધી કામ કરે છે. એકથી બે વચ્ચે સૂઈ જાય છે. બે વાગે ઊઠે છે. પછી શૌચ જાય છે. તે વખતે પણ કામ તો ચાલુ જ હોય છે. શૌચ પછી પેટ પર માટીની પટ્ટી બાંધીને આરામ કરે છે. સૂતાં સૂતાં પણ કામ તો ચાલુ જ હોય છે. ચાર વાગે કાંતવા બેસે છે. પછી લખવા-વાંચવાનું થાય છે. પાંચ પછી સાંજનું વાળુ થાય છે. પછી ફરવાનું થાય છે. સાત વાગે પ્રાર્થના. તે પછી થોડું કામ સાડા નવની આસપાસ સૂઈ જાય છે. જરૂરી હોય તો રાત્રે બે વાગે જાગી જાય છે અને કામ શરૂ કરી દે છે.

ગાંધીજીનું ભોજન એકદમ સાદું હોય છે. પણ વરસ બે વરસથી થોડો ફેરફાર કર્યો છે. એક જમાનો એવો હતો કે જ્યારે માત્ર મગફળી અને ગોળ ખાતા હતા. ઘણાં વરસ પહેલાં મેં જોયું હતું, તેઓ દૂધ બિલકુલ ન લેતા. તેને બદલે દરરોજ સૌથી વધુ બદામ ખાતા હતા. વરસોપહેલાં એક વાર એમ પણ જોયું હતું, તેઓ રોટલી ન ખાતા. તેને બદલે લગભગ એક સો ખજૂર ખાતા હતા. એવી જ રીતે એક જમાનામાં રોટલી વધુ ખાતા અને ફળો ઓછાં ખાતા. ભોજનમાં આવા પ્રયોગો ચાલ્યા જ કરતા. થોડાં વરસ પહેલાં લીમડાનાં કાચાં પાંદડાં અને આમલીનો પ્રયોગ પણ ચાલતો હતો. પછી બંધ કર્યો. કાચું અન્ન ખાવાનો પ્રયોગ પણ બંધ કર્યો. આ બધા પ્રયોગો દરેક માટે જરૂરી નથી. આજકાલ એમના ભોજનમાં ખાખરા જેવી પાતળી રોટલી, બાફેલું શાક, ગોળ, લસણ અને ફળો હોય છે. દરેક વસ્તુમાં થોડો સોડાખાર નાખે છે. સ્વાસ્થ્ય માટે એ સારી વસ્તુ છે એમ તેઓ માને છે. દિવસમાં પાંચથી વધુ વસ્તુ નથી ખાતા, તેમાં મીઠું પણ આવી જાય.

ગાંધીજી પોતાની યુવાનીમાં દરરોજ 50-50 માઈલ ચાલતા હતા. વૃદ્ધાવસ્થામાં પણ ચાલવાની ટેવ રાખી છે. ક્યારેક ક્યારેક કહે છે, જમવાનું એક દિવસ ન મળે તો ચાલે, ઊંઘ ઓછી હોય તો પણ ચિંતા નહિ, પણ ફરવાનું ન મળે તો માંદગી આવી જ સમજો. પેટ પર દરરોજ એક કલાક માટીની પટ્ટી બાંધી રાખે છે. એનું પણ ખૂબ મહત્વ છે એમ કહે છે.

ઊંઘનું એવું છે જ્યારે ઈચ્છે ત્યારે ઊંઘી શકે છે. ગાંધી-ઈરવીન કરાર વખતની વાત મને યાદ છે. કેટલાક અંગ્રેજોએ ગાંધીજીની સાથે મારે ત્યાં મળવાનું નક્કી કર્યું હતું. નક્કી કરેલા સમય કરતાં પંદર મિનિટ વહેલા ગાંધીજી આવ્યા. કહેવા લાગ્યા : ‘મને થોડી ઊંઘની જરૂર છે. થોડીવાર સૂઈ જાઉં.’ મેં કહ્યું : ‘સૂવાનો ટાઈમ ક્યાં છે ? પંદર મિનિટ જ બાકી છે.’ એમણે કહ્યું : ‘પંદર મિનિટ તો પૂરતી છે.’ કહી તરત જ ખાટલા પર લંબાવી લીધું. એકાદ મિનિટમાં તો ઘસઘાસટ ઊંઘવા લાગ્યા. નવાઈની વાત તો એ બની કે પંદર મિનિટ પછી જાતે જ જાગી ગયા. એક વાર મેં કહ્યું : ‘આપમાં સૂવાની શક્તિ અદ્દભુત છે.’ ગાંધીજીએ કહ્યું : ‘જે દિવસે ઊંઘ પરનો મારો કાબૂ જશે તો સમજો કે મારો શરીરપાત થશે.’

ગાંધીજીને માંદાંઓની સેવા કરવાનો ખૂબ જ શોખ છે. આ શોખ બાળપણથી જ છે. આફ્રિકામાં સેવા માટે માત્ર નર્સનું કામ કર્યું એમ નહિ, એક નાનકડી હૉસ્પિટલ પણ ચલાવી. જો કે ‘હિંદ સ્વરાજ્ય’ માં એમણે હૉસ્પિટલોની નિંદા પણ કરી છે. માંદાંઓની સેવાનો એ શોખ આજે પણ એવોને એવો છે. તેઓ માત્ર સેવા કરવામાં જ રસ લે છે એમ નહિ. ચિકિત્સામાં પણ રસ લે છે. સીધીસાદી વસ્તુઓના પ્રયોગોથી શું લાભ થાય છે તેની શોધ પણ ચાલ્યા કરે છે.

કોઈ અતિ બીમાર હોય, મૃત્યુશય્યા પર હોય અને ગાંધીજીને મળવાની ઈચ્છા હોય તો અસુવિધા અને કષ્ટ સહન કરીને પણ ગાંધીજી બીમાર માણસને મળવા જાય છે. મેં એમને ઘણીવાર એ રીતે જતા જોયા છે. એક-બે પ્રસંગો મેં એવા પણ જોયા છે જેમાં બીમારોને ખૂબ રાહત મળી હોય.

વરસો પહેલાંની આ વાત છે. મરણપથારીએ પડેલી એક રોગિણી હતી. રોગની સામે ઝઝૂમતાં ઝઝૂમતાં બિચારીનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું. માત્ર શ્વાસ ચાલતો હતો. જીવનમાંથી એણે વિદાય લઈ લીધી હતી. હવે તો લાંબી યાત્રાએ જવાનું છે એમ માનીને રામસ્મરણ કરતાં કરતાં એ અંતિમ દિવસો પસાર કરી રહી હતી પણ ગાંધીજીના આશીર્વાદ લેવાના હજુ બાકી હતા. એણે કહ્યું : ‘એમ થાય છે કે જતાં જતાં ગાંધીજીનાં અંતિમ દર્શન કરી લઉં, એમને મળી લઉં.’

તે દિવસોમાં ગાંધીજી દિલ્હીમાં કે દિલ્હીની આસપાસ પણ ક્યાંય હતા નહિ. એટલે એમનાં દર્શન થવાનો સવાલ જ નહોતો. પણ મરણપથારીએ પડેલા માણસની ઈચ્છા પર પાણી ફેરવી દેવું તે મને ઠીક ન લાગ્યું. એટલે મેં કહ્યું : ‘જોશું. તમારી અંતરની ઈચ્છા છે તો કદાચ ઈશ્વર પૂરી કરશે.’ બે દિવસ પછી મને સમાચાર મળ્યા કે ગાંધીજી કાનપુરથી દિલ્હી થઈને અમદાવાદ જઈ રહ્યા છે. એમની ગાડી સવારે ચાર વાગે દિલ્હી પહોંચતી હતી. અમદાવાદની ગાડી સવારે પાંચ વાગે ઉપડી જતી હતી. એક કલાક એમને મળતો હતો. રોગિણી બિચારી દિલ્હીથી દસ માઈલ દૂર હતી. એક કલાકમાં એને જઈને મળવું અને પાછું સ્ટેશને આવવું તે કામ ઘણું કપરું હતું.

શિયાળાની ઋતુ હતી. પવન સુસવાટા બોલાવતો હતો. તે દિવસોની મોટરગાડીઓ ખુલ્લી હતી. ગાંધીજીને એવી મોટરગાડીમાં વહેલી સવારે 20 માઈલની મુસાફરી કરાવવી તે જોખમ ભરેલું હતું. ગાંધીજી આવી રહ્યા છે એની તો એ બિચારીને ખબર પણ નહોતી. ગાંધીજીનાં દર્શન કરવાની એની તીવ્ર ઈચ્છા હતી. ગાંધીજી ગાડીમાંથી ઉતર્યા, ત્યારે મેં સંકોચાતાં સંકોચાતાં પૂછ્યું : ‘બાપુ, આપ આજે રોકાઈ નહિ શકો ?’
એમણે કહ્યું : ‘રોકાઈ શકાય તેવું નથી.’
હું એકદમ હતાશ થઈ ગયો. રોગિણીને બિચારીને કેટલું દુ:ખ થશે તે હું જાણતો હતો. થોડીવાર પછી ગાંધીજીએ સામેથી પૂછ્યું : ‘રોકાવાનું કેમ પૂછો છો ?’ મેં એમને કારણ કહ્યું. એ સાંભળીને ગાંધીજીએ કહ્યું : ‘ચાલો, ચાલો, અત્યારે જ ચાલો.’
મેં કહ્યું : ‘પણ બાપુ, આપને સવારે સવારે આટલી કડકડતી ઠંડીમાં ખુલ્લી મોટરમાં બેસાડીને કેવી રીતે લઈ જાઉં ?’
એમણે કહ્યું : ‘એની ચિંતા ન કરો. મને ઝટ મોટરગાડીમાં બેસાડો. ખોટો સમય ન બગાડો. ચાલો.’

ગાંધીજીને મોટરગાડીમાં બેસાડ્યા. સખત ઠંડી હતી. ઠંડો ઠંડો પવન હતો. હજુ તો સૂર્યોદય પણ નહોતો થયો. ચારેબાજુ બ્રહ્મમુહૂર્તની શાંતિ હતી. રોગિણી પોતાની પથારી પર પડી હતી. ‘રામનામ’ નો જાપ કરી રહી હતી. ગાંધીજી એના ખાટલા પાસે ગયા.
મેં એને કહ્યું : ‘ગાંધીજી આવ્યા છે.’
એને વિશ્વાસ ન બેઠો. એ તો ચકળવકળ આંખે એકદમ સ્તબ્ધ થઈ ગઈ. હાંફળીફાંફળી થઈને બેસવા પ્રયત્ન કર્યો. પણ શરીરમાં એટલી શક્તિ જ ક્યાં હતી ? એની આંખોમાંથી બે આંસુ ખરી પડ્યાં. મને થયું, મેં મારી ફરજ પૂરી કરી. એના આત્માને કેટલું બધું સુખ મળ્યું હશે તે તો એની આંખો કહી રહી હતી.

અમે પાછા સ્ટેશને આવ્યા ત્યારે ગાંધીજીની ગાડી તો ઊપડી ગયેલી હતી. એટલે મોટરમાં આગલે સ્ટેશને જઈને ગાડી પકડી. ગાંધીજીને તકલીફ તો પડી. પણ રોગિણીને જે શાંતિ મળી એ સંતોષથી ગાંધીજીને તકલીફનો કોઈ અનુભવ ન થયો. એ રોગિણીએ થોડા દિવસ પછી આ સંસારમાંથી વિદાય લીધી. પણ મરતાં પહેલાં ગાંધીજીનાં દર્શન થયાં તેનો પરમ સંતોષ હતો. તેનાથી એને ખૂબ શાંતિ મળી.

આપણે ભૂખ્યાંને અન્ન આપીએ છીએ. તરસ્યાંને પાણી પાઈએ છીએ. એનું મહાત્મ્ય છે. રંતિદેવ અને એનાં બાળકોએ જાતે ભૂખ્યા રહીને બીજાં ભૂખ્યાંઓને ભોજન આપ્યું હતું. એનું મહાત્મ્ય આપણાં પુરાણોમાં છે. પણ મરણપથારીએ પડેલો એક જીવ, જે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે, તેને એવી ઈચ્છા થયા કરે છે કે જતાં પહેલાં પોતાના પૂજ્ય વ્યક્તિનાં દર્શન કરી લઉં ! અને એની ઈચ્છા પૂરી થાય છે. એને પરમ સંતોષ મળે છે. શાંતિ મળે છે. આ દાનનું મહાત્મ્ય કેટલું હશે ?

મૃત્યુશય્યા પર પડેલાં એ રોગિણી મારાં ધર્મપત્ની હતાં.