પાંદડે પાંદડે જ્યોતિ – સં. મહેશ દવે

[‘પાંદડે પાંદડે જ્યોતિ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] સાચી ભક્તિ


નારદ કૃષ્ણના ભારે મોટા ભક્ત હતા. હરિ પ્રત્યે તેમની ભક્તિ એટલી તીવ્ર હતી કે એ માનતા કે એમના જેવો પ્રગાઢ હરિભક્ત બીજો કોઈ નથી. ભગવાન કૃષ્ણે નારદના મનનો ભાવ વાંચી લીધો. મહર્ષિનું અભિમાન ઉતારવાનું એમણે નક્કી કર્યું. નારદને એમણે સૂચવ્યું, ‘મહર્ષિ, ગંગા નદીને કિનારે સુવર્ણપુર નામે એક ગામ છે. ત્યાં કાળુ નામનો મારો એક ભક્ત રહે છે. તમે થોડો સમય એમની સાથે રહો તો તમને કંઈક નવું જાણવા મળશે.’

નારદ તો ઊપડ્યા સુવર્ણપુર ને પહોંચ્યા કાળુ પાસે. તેમણે કાળુની દિનચર્યા જોવા માંડી. કાળુ સવારે વહેલો ઊઠતો. ઊઠીને એક જ વાર હરિનું નામ બોલતો. પછી હળ લઈ ખેતરે જતો. આખો દિવસ ખેતરમાં કામ કરતો. રાતે સૂતી વખતે ફરી એક વાર એ હરિનું નામ લેતો. નારદને થયું, ‘હરિભક્તિ એટલે શું એ આ ગામડિયો શું જાણે ? આખા દિવસમાં બે જ વાર હરિનું સ્મરણ કરે છે અને આખો દિવસ તેનાં દુનિયાદારીનાં કામોમાં રચ્યોપચ્યો રહે છે.’ કાળુ સાથે એક દિવસ કાઢી નારદ તો પહોંચ્યા પાછા હરિ પાસે.

હવે હરિએ નારદને કહ્યું : ‘મહર્ષિ, એક પવાલું લઈ છલોછલ દૂધથી ભરો. દૂધથી ભરેલું એ પવાલું લઈ આખા ગામની પ્રદક્ષિણા કરી પાછા આવો. દૂધનું એક પણ ટીપું નીચે ઢોળાવું ન જોઈએ.’ નારદે તે પ્રમાણે કર્યું અને પાછા આવ્યા. હરિએ નારદને પૂછ્યું : ‘મહર્ષિ, ગામની પ્રદક્ષિણા કરતાં કરતાં તમે કેટલી વાર મારું સ્મરણ કર્યું ?’
થાકી ગયેલા નારદે જવાબ આપ્યો, ‘એક વાર પણ નહીં. કેવી રીતે તમારું સ્મરણ કરું ? દૂધનું પવાલું છલકાય નહીં ને દૂધનું ટીપું ઢોળાય નહીં એ માટે આખો વખત મારું ધ્યાન દૂધના પવાલા પર જ હતું.

હરિએ કહ્યું : ‘નારદ, તમારું સઘળું ધ્યાન પવાલા પર જ કેન્દ્રિત રહ્યું અને તેથી તમે મને તો સાવ ભૂલી જ ગયા. હવે પેલા ખેડૂત કાળુને જુઓ. પોતાના કુટુંબ અને સંસારની જવાબદારી નિભાવવા આખોય દિવસ એ કામમાં મચ્યો રહે છે, મહેનત કરે છે. રોજ એ ચક્ર ચાલ્યા કરે છે, છતાં દિવસમાં બે વાર મારું સ્મરણ કરવાનું એ ચૂકતો નથી. એનું નામ ભક્તિ.’

નારદને સમજાઈ ગયું. તેમનું ભક્ત તરીકેનું અભિમાન ઉતારવા હરિએ પદાર્થપાઠ આપ્યો હતો. ભક્તિનુંય અભિમાન સારું નહીં. કેટલી વાર નામ-સ્મરણ કર્યું કે કેવાં પૂજન-અર્ચન, વિધિ-વિધાન કે પ્રસાદ વગેરે કર્યાં એનું મહત્વ નથી. દુનિયાદારી નિભાવતાં નિભાવતાંય હરિ-સ્મરણ માટે થોડો સમય કાઢી લેવો તેમાં સાચી ભક્તિ છે.

[2] ભ્રમ અને સત્ય

ગામમાં એક ગોવાળિયો હતો. રઘુ એનું નામ. રઘુનું ઝૂંપડું અને વાડો ગામને છેવાડે હતાં. વગડો નજીક હતો. રઘુ પાસે દસ ગાય હતી. ગાયોને એ વાડામાં ખીલે બાંધતો. રઘુ સવારે ઊઠે, ગાયો દોહે, ગામમાં દૂધ વેચી આવે અને પછી જમી-કરીને ગાયોને વગડામાં ચરાવવા લઈ જાય. સાંજે આવી ફરી ગાયો દોહે, દૂધ વેચી આવે અને મંદિરમાં દર્શન કરી, મંદિરના મહારાજ પાસે બે શબ્દ સાંભળી ઘરે પાછો આવી જાય. રાતે બધી ગાયોને એ વાડામાં ખીલે બાંધી દેતો જેથી કોઈ ગાય બહાર જતી ન રહે. બહાર વગડામાં હિંસક પ્રાણીઓ ગાયને મારી નાખે એવો ભય રહેતો.

એક રાતે રઘુએ નવ ગાયોને ખીલે બાંધી, પણ દસમી ગાયને બાંધવા ગયો તો ત્યાં દોરડું જ ન મળે. કૂતરું દોરડું તાણી ગયું કે પછી વાંદરું દોરડું ઉપાડી ગયું હોય. જે હોય તે, પણ દોરડા વગર ગાયને બાંધવી કેવી રીતે ? રાત પડી ગઈ હતી. દુકાનો બધી બંધ હોય. ગામમાંય સૌ જંપી ગયા હોય. રઘુ તો મૂંઝાયો. મંદિરના મહારાજ મોડી રાત સુધી ભજનો ગાતા. તેથી રઘુએ મંદિરમાં મહારાજ પાસે જવાનું નક્કી કર્યું. એને ખાતરી હતી કે મહારાજ જરૂર સાચી સલાહ આપશે ને કંઈક માર્ગ કાઢશે.

રઘુ મહારાજ પાસે પહોંચ્યો. બધી વાત કરી અને સલાહ માગી. મહારાજે થોડી વાર વિચાર કર્યો, પછી કહ્યું : ‘રઘુ, એક રસ્તો છે – જાણે તું ગાયને રોજની જેમ દોરડાથી બાંધતો હોય એવી રીતે હાથની ચેષ્ટાઓ કરજે. એટલે કે ગાયને બાંધતો હોય તેવો દેખાવ કરવાનો. પછી ગાય એની જગાએથી નહીં હલે.’

ઘરે જઈ રઘુએ પહેલાં તો ગાયને ગળે દોરડું નાખતો હોય, પછી બેસીને ખીલે દોરડું બાંધતો હોય એવો અભિનય કર્યો. સવારે ઊઠીને જોયું તો પૂંછડી ઉછાળી માખો ઉડાડતી ગાય તેના સ્થાને જ ઊભી હતી ! રોજની જેમ ગાયોને દોહી, દૂધ વેચી, જમી કરી રઘુએ નવ ગાયોને છોડી અને ગાયો ચરાવવા જવા માંડ્યું. દસમી ગાયને છોડવાપણું હતું નહીં કારણકે એને તો દોરડાથી બાંધી જ નહોતી. બધી ગાયો ચાલવા માંડી, પણ દસમી ગાય એના ખીલે જ ઊભી રહી, ટસ કે મસ થઈ જ નહીં. હવે રઘુને સમજાયું. એણે દસમી ગાય પાસે જઈ જાણે એને ખીલેથી છોડતો હોય એવો દેખાવ કર્યો. તે પછી જ એ દસમી ગાય બીજી ગાયો પાછળ ચાલવા માંડી.

અબુધ પ્રાણી જ નહીં મનુષ્ય પણ ટેવવશ ભરમાય છે. ભ્રમને સત્ય માની વર્તે છે. માણસનું શરીર અને આત્મા જુદા છે, જીવ અને આત્મા એકબીજાથી મુક્ત છે, પણ જીવ અને શરીર સાથે આત્મા બંધાયેલો છે એવો ભ્રમ સેવી તેમને વળગેલી માયા સત્ય છે એમ માની માણસ આત્માને બંધાયેલો માને છે. યોગ્ય ગુરુની સાચી સલાહ અને આચાર થકી આત્માને મુક્ત ગણવાનો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રોગિણીની અંતિમ ઈચ્છા – ઘનશ્યામદાસ બિરલા
વેપાર દ્વારા ઉદ્ધાર – ફાધર વાલેસ Next »   

12 પ્રતિભાવો : પાંદડે પાંદડે જ્યોતિ – સં. મહેશ દવે

 1. pragnaju says:

  ‘દુનિયાદારી નિભાવતાં નિભાવતાંય હરિ-સ્મરણ માટે થોડો સમય કાઢી લેવો તેમાં સાચી ભક્તિ છે.’

  ‘મનુષ્ય પણ ટેવવશ ભરમાય છે. ભ્રમને સત્ય માની વર્તે છે. માણસનું શરીર અને આત્મા જુદા છે, જીવ અને આત્મા એકબીજાથી મુક્ત છે, પણ જીવ અને શરીર સાથે આત્મા બંધાયેલો છે એવો ભ્રમ સેવી તેમને વળગેલી માયા સત્ય છે એમ માની માણસ આત્માને બંધાયેલો માને છે. ‘

  વારં વાર કહેવાતા આ સત્યો આવી વાર્તાઓથી ટકી રહ્યા છે. સામાન્યમાં સામાન્ય પણ ભક્તિ અને સત્ય
  અંગે જાણી વધુ જાણવાનો પ્રયાસ કરે છે. પછી ‘યોગ્ય ગુરુની સાચી સલાહ અને આચાર થકી આત્માને મુક્ત ગણવાનો છે’
  તે સમજવાની સરળતા રહે છે
  મહેશ દવે ને ધન્યવાદ

 2. Bhavna Shukla says:

  સંસ્કૃતિ સાથે સેતુ પુનઃ બંધાતો જોઇ આનંદ સાથે જાણે શાતા વળી છે. આભાર મહેશભાઇ

 3. piyush upadhyay says:

  good

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.