વેપાર દ્વારા ઉદ્ધાર – ફાધર વાલેસ

એક છોકરાએ પોતાના વેપારી પિતાને પૂછ્યું : ‘બાપુજી, પ્રમાણિકતા એટલે શું ?’ એના બાપુજીએ માથું ખંજવાળ્યું, ઊંડો વિચાર કર્યો અને છેલ્લે કહ્યું : ‘જો બેટા, હું તને સમજાવું. આ દુકાન હું ને તારા કાકા ભાગીદાર તરીકે ચલાવીએ છીએ, એટલે કે જે કાંઈ નફો થાય તેના સરખા ભાગ કરીને અમે તે વહેંચી લઈએ છીએ. હવે ધારો કે એક ઘરાક આવે, વીસ રૂપિયાનો માલ લે, પણ ભૂલથી મને ત્રીસ રૂપિયા રોકડા આપે અને બહાર જવા માંડે, ત્યારે તરત એ વધારાના દસ રૂપિયા લઈને હું…. તારા કાકાની પાસે જાઉં અને પાંચ પાંચ કરીને બંને વચ્ચે વહેંચી લઈએ તો એ પ્રમાણિકતા કહેવાય’

આમાં મીઠો કટાક્ષ છે, પણ વેપારી આલમમાં પ્રવર્તતા એક અવળા સિદ્ધાંતનું પ્રતિબિંબ પણ છે. ભાગીદારનો ધર્મ સાચવ્યો એટલે પ્રમાણિક ઠર્યો. કાકાને ન્યાય આપ્યો, પછી ભૂલકણો ઘરાક તો એ જ લાગનો હતો ને ! જાણે વેપાર એ ખરીદનાર અને વેચનાર વચ્ચે હરીફાઈ હોય, અને એકની ભૂલનો લાભ બીજો હર્ષથી ઉઠાવી શકતો હોય ! દસ રૂપિયા જેના પૂરેપૂરા હતા અને જેને પાછા ન આપીએ તો લૂંટ કહેવાય અને ત્યાં એને તરત પાછા આપવાને બદલે પાંચ પાંચ કરીને વહેંચી લઈને મનનું સમાધાન કરે, અને ખૂબી એ છે કે એમ કરતાં એનો અંતરાત્મા પૂરો સંતોષ પણ અનુભવે. શું વેપારીઓનો અંતરાત્મા એ ભોળા આદમીઓના અંતરાત્માથી જુદો હશે ?

પ્રમાણિકતાનો પ્રશ્ન ફકત વેપારમાં છે એમ પણ નથી. સવોચ્ચ અદાલતના ન્યાયાધીશથી માંડીને તે સૌથી રાંક પટાવાળા સુધી બધાને નીતિ-અનીતિની અગ્નિપરીક્ષામાં ઊતરવાનું છે. પણ વેપારમાં એના ગૂંચવાડા રોજ ઊભા થતા હોવાથી અને એમાં અપ્રમાણિકતાનું માપ રોકડા પૈસામાં લેવાતું હોવાથી તે વધારે ધ્યાન ખેંચે છે. પણ પ્રશ્ન તો સર્વસામાન્ય છે.

ઉદ્યોગક્ષેત્રમાં નામના કાઢનાર એક કુશળ વ્યવસ્થાપકે પોતાની મૂંઝવણ રજૂ કરી : ‘ઘણી વાર સાચું-ખોટું શું એ નક્કી કરવું એ સાચું આચરવા કરતાં વિશેષ અઘરું હોય છે. મિલમાં કામની આધુનિક પદ્ધતિઓ આવતાં કેટલાક જૂના કામદારો એ નવી રીતો બરાબર શીખી શક્યા નહિ. જોકે એ તેમની ભૂલ નથી અને તેઓ ઘણાં વર્ષથી સારી રીતે અમારે ત્યાં કામ કરે છે. હવે હું એમને રૂખસદ આપું તો એમને અન્યાય થાય એટલે મારું દિલ ના પાડે છે, અને એમને રાખું તો ધંધાને એટલે કે માલિકને, ભાગીદારોને છેલ્લે તો ઘરાકોને પણ અન્યાય થાય એટલે એમ કરવા પણ મારું દિલ ના પાડે છે. તો કરું શું ?’

એવા અનેક મૂંઝવનાર પ્રશ્નો છે. જેનો જવાબ મનુસ્મૃતિમાં નથી. ફક્ત ‘ખોટું છે પણ કરવું પડે છે.’ એમ કહીને તે કરી નાખવું એ વ્યવહારુ તોડ હશે, પણ સાચો સિદ્ધાંત નથી. એમ તો, જો ખરેખર ‘કરવું પડે’ એમ હોય તો એ ‘ખોટું’ ન હોઈ શકે, કારણ કે જેમાં સ્વતંત્રતા ન હોય એમાં નીતિ-અનીતિનો સવાલ ઉપસ્થિત થતો નથી. જો તે વિના ધંધો ન ચાલે, અને તે ધંધા વિના સમાજ ન ચાલે, તો એ ધંધો જેમ તેમ આગળ ચલાવવામાં જ ધર્મ છે. મુસીબત એ છે કે ‘કરવું પડે છે’, ‘છૂટકો નથી’, ‘કરવું નથી પણ કરાવે છે’ જેવા નિરાશાના ઉદ્દગારો એ વેપાર-ધંધાવાળાના મોંમાંથી સહેજ સહેજમાં સરી પડે છે. પરિસ્થિતિની બરાબર તપાસ કર્યા વિના, કેટલું ને ક્યાં સુધી ખરેખર અનિવાર્ય છે ને કેટલું નથી એનો પૂરો વિચાર કર્યા વિના, ‘કરવું પડે છે’ એ બ્રહ્માસ્ત્ર ફેંકે છે અને ધર્મને નામે અધર્મ ચલાવે છે. અને જો કોઈ સામેથી વાંધો ઊઠાવે તો એમનો જવાબ પણ તૈયાર છે : ‘બધા એમ કહે છે પછી હું શું કહું ?’ અથવા એક વેપારીએ કંઈક વધારે સચોટ રીતે એક વાર કહ્યું તેમ : ‘આ રસ્તા ઉપર વેગની મર્યાદા ત્રીસ માઈલની છે એ હું જાણું છું પણ બીજા બધા ડ્રાઈવરો પચાસ માઈલથી ચલાવે છે અને હું ચાળીસ રાખું તો શું એ પાપ કે પુણ્ય ?’ વેપારીની આચારસંહિતા હંમેશ સ્પષ્ટ નથી હોતી એ વાત સાચી પણ એથી કાયમ માટે તિલાંજલિ આપવી ન ઘટે.

નફા-નુકશાનની દુનિયામાં નેકદિલના ઉજ્જવળ નમૂના પણ જોવા મળે છે. મારા જાણવામાં આવેલો એવો એક સાચો કિસ્સો અહીં ટાંકુ છું. બાંધકામની એક યોજનામાં અમુક કંપનીને ટેન્ડર ભરવાનો ઈરાદો ન હતો. પણ ઈરાદો હશે જ એમ માનીને એક હરીફે ટેન્ડર ન ભરવા માટે સારી એવી રકમ લાંચ તરીકે એ કંપની આગળ ધરી. કંપનીના પ્રમુખે વિચાર કર્યો કે જે કામ પોતે કરવાનો જ ન હતો એ ન કરવા બદલ અમસ્તા પૈસા સ્વીકારે તો ખોટું થાય અને વળી જે રકમ એ હરીફ પોતાને આપે તે છેલ્લે ઘરાકના બિલમાં એક યા બીજે સ્વરૂપે આવવાની (એટલે કે લાંચમાં હંમેશ થાય છે તેમ પૈસા મફતના નથી પણ જનતાના ખિસ્સામાંથી જ આવેલા હોય છે.) માટે એણે લાંચનો અસ્વીકાર કર્યો એટલું જ નહિ, પણ પોતાને એ બાંધકામમાં રસ નથી એ જો પેલો હરીફ જાણે તો ભાવ ઊંચા મૂકશે અને ઘરાકને પાછું નુકશાન જશે એમ સમજીને પોતે આ બાબતમાં વિચાર કરી રહ્યો છે એમ પણ જણાવ્યું. ઘરાકનું હિત સાચવવું તે આનું નામ.

વર્ષો સુધી વેપારનો સાચોખોટો ધોળોકાળો ધંધો ચલાવ્યા પછી એક વાણિયાના દિલમાં ચિંતા જાગી કે આ ભવે સંપત્તિ સારી ભેગી કરી, પણ જો હવે એને લીધે આવતે ભવે કંઈક આંચકો લાગે તો મારી ખરી વાણિયાઈ લાજે. એટલે એક જ્ઞાની ગુરુની પાસે જઈને પોતાનો પ્રશ્ન એમની આગળ મૂક્યો : ‘વેપારી મુક્તિ પામી શકે ખરો ? ગુરુ કહે : ‘તમે પોતે વેપારી લાગો છો. તો ચાલો, હું તમને રસ્તો બતાવું. મારી સાથે આવો અને એક મહિના સુધી મારા આશ્રમમાં રહો.’
‘પણ ગુરુજી, ત્યાં સુધી મારી દુકાને કોણ બેસશે ?’
‘આ મહિના દરમિયાન તમારી દુકાનમાં રોજ હું પોતે બેસીશ’
‘ના, ના ગુરુજી, એ આપને નહિ ફાવે. ચોક્કસ લોચો વળશે અને હું નુકશાનમાં ઊતરી પડીશ.’
‘સાચી વાત છે. તમારો ધંધો (પૈસા કમાવાનો ધંધો) મને નહિ ફાવે, અને… એ જ રીતે મારો ધંધો (મુક્તિ મેળવવાનો ધંધો) તમને નહિ ફાવે. તમારા પ્રશ્નનો જવાબ તમને આપોઆપ મળી ગયો.’

વેપારી નિરાશ થઈને પાછો જવા ફરતો હતો ત્યાં તો ગુરુએ એને પાછો બોલાવ્યો અને એને આગળ સમજાવતાં કહ્યું : ‘મને પૈસાનો ધંધો ફાવતો નથી એ વાત સાચી, પરંતુ જો હું આ મારો ધર્મનો ધંધો બરાબર ચલાવું, જો હું સારો ઉપદેશ આપું ને પૂજા કરું ને ત્યાગ રાખું, તો મારા આશ્રમમાં કોઈ જરૂરી વસ્તુની ખોટ પડતી નથી. અહીં કોઈ ભૂખ્યું નથી. તો વળી એ જ રીતે તમે તમારો વેપારનો ધંધો સારી રીતે ચલાવો, ઉત્તમ રીતે ચલાવો, તમારા વેપાર દ્વારા સમાજની સેવા થાય, પ્રગતિ થાય, આબાદી થાય એવી રીતે ચલાવો, તમારો વેપારીધર્મ સાચવો, એટલે આવતે ભવે તમને આંચકો નહિ આવે. તમારા વેપાર દ્વારા જ તમારો ઉદ્ધાર થશે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાંદડે પાંદડે જ્યોતિ – સં. મહેશ દવે
સુખની આરપાર – રમેશ શાહ Next »   

14 પ્રતિભાવો : વેપાર દ્વારા ઉદ્ધાર – ફાધર વાલેસ

 1. NIRMAL says:

  ફાધ્ર્ર વાલેસ ના સાહઇત્ય મા પ્રેય અને શ્રેય બન્ને જોવા મલે ….સવાઈ ગુજરાતિ

 2. himsuta says:

  ગુજરાત અને ભારત ના સન્સ્કાર ને જે મહાપુરુશ એ નખ્શિખ પ્રેમ કર્યો તે ફાધર વાલેસ નુ લખાન આજે આનિવાર્ય …..પ્રાનવાયુ સમાન

 3. pragnaju says:

  સંત ફાધર વાલેસનો વેપાર દ્વારા ઉદ્ધાર -“આ મારો ધર્મનો ધંધો બરાબર ચલાવું, જો હું સારો ઉપદેશ આપું ને પૂજા કરું ને ત્યાગ રાખું, તો મારા આશ્રમમાં કોઈ જરૂરી વસ્તુની ખોટ પડતી નથી. અહીં કોઈ ભૂખ્યું નથી. તો વળી એ જ રીતે તમે તમારો વેપારનો ધંધો સારી રીતે ચલાવો, ઉત્તમ રીતે ચલાવો, તમારા વેપાર દ્વારા સમાજની સેવા થાય, પ્રગતિ થાય, આબાદી થાય એવી રીતે ચલાવો, તમારો વેપારીધર્મ સાચવો, એટલે આવતે ભવે તમને આંચકો નહિ આવે. તમારા વેપાર દ્વારા જ તમારો ઉદ્ધાર થશે”
  સરળ રીતે સમજાવે છે.
  આવા નીબંધો તેમના બીજા નીબંધો જેવા કે
  સદાચાર, જીવન જીવતાં, સાધકની આંતરકથા, શબ્દલોક, લગ્નસાગર, પરદેશ, મૃગચર્યાના લાભ, સમાજ ઘડતર, ફાધર વાલેસ લેખ સંચય – ભાગ 1 – 5 , રોમે રોમે, આત્મીય ક્ષણો, જીવનનું વળતર, ઘરના પ્રશ્નો વાંચવા તરફ લઈ જશે.
  સત સત વંદન

 4. nilamhdoshi says:

  નવી પેઢી માટે ફાધ્રર વાલેસ વડલાની શીળી છાયા સમાન બની ગયેલ છે. સવાઇ ગુજરાતી બની હમેશા યુવાનોને હૂંફ અને માર્ગદર્શન આપ્યા છે.
  મ્રુગેશભાઇ, દરેક લેખોની સુન્દર પસન્દગી બદલ અભિનન્દન્

 5. neetakotecha says:

  ખુબ સુન્દર્ જીવન માં ઉતારવા જેવી વાત

 6. ફાધરવોલેસના સુંદર લેખ રુપી વાનગી પીરસવા બદલ અભિનંદન

 7. કલ્પેશ says:

  ફાધર વાલૅસ આજે પણ આપણને એમના લખાણ દ્વારા પ્રેરણા આપી રહ્યા છે.

  એમની વેબ-સાઈટ આ રહી.
  http://www.carlosvalles.com

 8. Atul Jani says:

  ફાધર વાલેસ એક ઉત્તમ સંત, ઉત્તમ પ્રોફેસર, ઉત્તમ લેખક, ઉત્તમ ગણિતજ્ઞ, ઉત્તમ મહેમાન અને ઘણુ બધું.

  કેટલાક લોકો એવા મહાન હોય છે કે તેઑ જે ક્ષેત્રમાં પ્રવેશે તે ક્ષેત્ર ઝળાંહળાં થઈ જાય. જેમ કે આપણાં A.P.J. Abdul kalam. ફાધર વાલેસ નું પણ એવુ જ – તેઓ જે કામ માં ચિત્ત પરોવે તે કામ દિપી ઉઠે.

  અહીં વેપાર દ્વારા ઉદ્ધાર – લેખ દ્વારા આપણને સુંદર સંદેશો આપ્યો છે કે શું કામ કરીએ છીઍ તેના ઉપર નહીં પરંતુ કેવી નિષ્ઠાથી કામ કરીએ છીઍ તેના ઉપર જ આપણી ઉન્નતી નો બધો આધાર છે.

  ભગવાને અર્જુનને દીધેલો ઉપદેશ અહીં યાદ આવે છે.

  યુદ્ધ ધર્મ તારો ખરે, ત્યાગ ભીક્ષુનો ધર્મ
  મૃત્યુ મળે તોયે ભલે, કર તું તારુ કર્મ

  વેપારી જો નિષ્ઠાપુર્વક વેપાર કરે તો જરુર જ તેની ઉન્નતિ થવાની.

  આપણને આપણાં સ્વધર્મ મુજબ નિષ્ઠા-પુર્વક કાર્ય કરવા માટે આ લેખ ઘણો જ પ્રેરણાદાઈ બનશે.

 9. NARESH HOKSHI says:

  ઘણા લાંબા સમય બાદ ખુબ સારો પ્રેરણા દાયક લેખ વાંચવા મલયો.દિલ બાગ બાગ થઈ ગયુ.

  માનનિય ફાધર ને નાની ઉંમર મા ખુબ વાચ્યા હતા. ઘણા વખતે મન ને
  પ્રાણવાયુ મલ્યો. ધન્ય થઇ ગયો.

  ફાધર ને પ્રણામ.

 10. nirlep bhatt says:

  આ લેખ કેટલા વર્ષ પહેલા લખાયો હશે? છ્તા આજે પણ કેટલો પ્રસ્તુત છ્હે………ફાધર ના લખાણની આ જ ખાસીયત છએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.