સુખની આરપાર – રમેશ શાહ

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર]

આજે સવારે અમથાલાલ વહેલા ઊઠ્યા. ઝટ તૈયાર થઈ તલાટી પાસે ચોરે જવાનું હતું. પ્લૉટની જમીનના 7/12 ના ઉતારા માટે તલાટીએ અનેક ધક્કા ખવડાવ્યા હતા. આજે ઉતારો આપવાની તલાટીએ ખાતરી આપી હતી તેથી એ મોડા પડવા માગતા ન હતા !

આજે બારણું ખોલતાં જ દૂધવાળાએ મીઠું સ્મિત કર્યું હતું. બે લિટર દૂધ ઉપરાંત થોડું વધારે દૂધ આપ્યું હતું. વળી રોજ કરતાં દૂધ જાડું પણ હતું તેથી અમથાલાલે પૂછ્યું ત્યારે દૂધવાળો બોલ્યો, ‘અવેથી ઈંવું જ આવહે.’ આજે નળમાંથી ધસારાબંધ પાણી આવવા લાગ્યું ! રોજ અડધા કલાકે માંડ ભરાતી ડોલ, આજે બે મિનિટમાં જ ભરાઈ ગઈ ! અમથાલાલને નવાઈ લાગી !

અમથાલાલ તૈયાર થયા ત્યાં સુધીમાં પત્નીએ ચા અને મકાઈના ગરમ ગોટા તૈયાર કરી દીધાં. મકાઈનાં ભજિયાં અમથાલાલનો પ્રિય નાસ્તો, એટલે એ ખુશ ખુશ થઈ ગયા ! હેન્ડબૅગમાં રેશનકાર્ડ તથા બીજા કાગળો મૂકી અમથાલાલ બહાર નીકળ્યા. ચોરાની બહાર મૂકેલા તેમના સ્કૂટરને મ્યુનિસિપાલિટીવાળા ટો કરી ગયા હતા, ત્યારે સો રૂપિયા દંડ ભરવો પડ્યો હતો, તેથી આજે સ્કૂટર વિના બસમાં જ જવાનું નક્કી કર્યું….

અમથાલાલ ચાલતાં જ બસ-સ્ટૅન્ડે જવા લાગ્યા… સવારે આછો વરસાદ પડ્યો હતો. રસ્તા ચોખ્ખા હતા. કોઈ કૂતરું આમતેમ રખડતું ન હતું. હવા શીતળ અને ખુશનુમા હતી. મોગરાની મહેક પ્રસરી રહી હતી. સૂર્ય વાદળોમાંથી બહાર નીકળી, આછાં કિરણો પ્રસરાવતો હતો. અમથાલાલનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું ! બસ-સ્ટૅન્ડે લોકો લાઈનમાં ઊભા હતા. અહીં આ સ્ટેન્ડે રોજ લોકો ધક્કામુક્કી કરી બસમાં ચડતા તેથી ઘણાનાં ખિસ્સાં કપાયાના બનાવો બનતા. અમથાલાલને પણ એવો અનુભવ થઈ ચૂક્યો હતો. પણ આજે બધું સરખું શિસ્તબદ્ધ થઈ ગયું ન હોય ! 9.20ની બસ પણ બરાબર સમયે આવીને ઊભી, ને સૌ લાઈનબંધ ચડીને અંદર દાખલ થયા…..

બજારના રસ્તે દોડતી બસ સાવધાનીથી આગળ વધી રહી હતી. લોકો ફૂટપાથ પર ચાલતા હતા. ગઈ કાલે ફેરિયાઓ અને દુકાનદારોએ દબાણ કરેલો ફૂટપાથ આજે સાવ ખાલી અને ચોખ્ખો દેખાતો હતો. કંડકટરે નજીક આવી ટિકિટ માટે પૂછ્યું. અમથાલાલે દસની નોટ આપી, ચોરાના સ્થળની ટિકિટ માગી. કંડકટરે ટિકિટ તથા બાકીના પૂરેપૂરા પૈસા આપ્યાં ! ઘણી વાર કંડકટર ‘છૂટા નથી….’ કહી બાકીના પૈસા ગોબડાવતો. અથવા ફરી વાર બાકીના પૈસા માગતાં ચિડાતો… ! પણ આજે જાણે એનામાં રાતોરાત પરિવર્તન આવી ગયું ન હોય ! અહો, જગતનો પ્રેમાળ કંડકટર ન હોય !

અમથાલાલ ચોરે પહોંચ્યા. આજે સ્કૂટર મૂકવાની જગ્યાએ ‘પાર્કિંગ’ સાઈન મૂકેલી હતી. ઘણી ખાલી જગા પણ હતી. અમથાલાલ તલાટીની ઑફિસ પાસે જઈ ઊભા. તલાટી કોઈ પત્રકમાં કશુંક લખતા હતા. એમની નજર અમથાલાલ પર પડતાં જ એ બોલ્યા, ‘અંદર આવોને…’
‘સાહેબ મારે…. 7/12 નો ઉતારો….’ અંદર દાખલ થતાં અમથાલાલ ખચકાતાં ખચકાતાં બોલ્યા.
‘તમે ખુરશીમાં બેસો. તમારું નામ અમથાલાલને ? તમારી જમીનનો 7/12નો ઉતારો તૈયાર જ છે.’
તલાટીએ ફાઈલમાંથી ઉતારો બહાર કાઢી, અમથાલાલને આપ્યો.
‘સાહેબ, એની કેટલી ફી થઈ ?’
‘બાર રૂપિયા બાવન પૈસા…’ તલાટીએ ગણીને કહ્યું. અમથાલાલે સોની નોટ આપતાં પૂછ્યું : ‘મારે બીજા કેટલા આપવાના છે ?’
‘સરકારી ફીના પૈસા મેં લીધા છે.’ ડ્રોઅરમાંથી રૂ. 87.48 પૈસા પાછા આપતાં તલાટીએ કહ્યું : ‘મને કોન્ટ્રાકટરે કહ્યું હતું કે બસો-ત્રણસો રૂપિયાની પ્રસાદી આપ્યા વિના તમને ઉતારો મળશે નહિ !’ અમથાલાલ હજીય અસમંજસ સ્થિતિમાં અટવાતા હતા.

‘અરે અમથાલાલ, એ દિવસો ગયા ! હું સરકારી નોકર છું. વધારાના પૈસા લઉં તો સરકારનો અને પ્રભુનો બંનેનો ગુનેગાર થાઉં !’ અમથાલાલ તલાટીની અલૌકિક વાણી સાંભળતા ન હોય !
‘પ્રણામ…’ સહજતાથી અમથાલાલથી બોલાઈ ગયું ! એ બહાર આવ્યા. રસ્તામાં રેશનકાર્ડની ઝેરોક્સ નકલ કરાવી. ત્યાંથી એ પોતાના એન્જિનિયરને ત્યાં પહોંચ્યા. એન્જિનિયરે લે-આઉટ પ્લાન તથા બાંધકામનો પ્લાન તૈયાર જ રાખ્યો હતો. એ ફાઈલમાં રેશનકાર્ડની ઝેરોક્સ નકલ તથા 7/12નો ઉતારો મૂકી, એ ઘેર આવ્યા. મ્યુનિસિપાલિટીની ઑફિસે બપોરે જમ્યા પછી જવાનું વિચાર્યું…

પત્ની રોટલી બનાવતી હતી. અમથાલાલને વહેલા આવેલા જોઈ પત્નીએ પૂછ્યું, ‘કેમ વહેલા આવ્યા ? મૂઆ તલાટીએ પાછો ધક્કો ખવડાવ્યો કે શું ?’
‘તું તલાટીને ગાળ ન દે…. આજે વધારાનો એકપણ પૈસો આપ્યા વિના કામ પતી ગયું ! તું ઝટ કંસાર બનાવી દે !’ ખુશીમાં અમથાલાલ જર્કિંગ સ્ટાઈલમાં હાથ-મોં ધોવા બાથરૂમમાં ગયા. જમીને અમથાલાલ પાન ખાવા હીંચકે બેઠા. બે ટપાલ આવી હતી. સ્કૂટરના એક્સિડંટના કલેઈમનો ચેક તથા બૅન્કમાંથી લૉન મંજૂરીનો પત્ર હતો….

બપોરે ત્રણ વાગે મકાનના પ્લાન વગેરેની ફાઈલ લઈ અમથાલાલ મ્યુનિસિપાલિટીના કોઠા (ઑફિસ)માં જવા ઊપડ્યા. આકાશમાં આછાં વાદળો હતાં. લોકોની અવરજવર સામાન્ય હતી. વાહનોની ભીડ ન હતી. કોઈ ગીત ગણગણતા અમથાલાલ સ્કૂટર ચલાવતા હતા…. મ્યુનિસિપલ કોઠામાં પાર્કિંગની પૂરી વ્યવસ્થા હતી. ત્યાં સ્કૂટર પાર્ક કરી, અમથાલાલ ‘પૂછપરછ’ – કલાર્ક પાસે ગયા. બાંધકામ ખાતાની ઑફિસ ત્રીજા માળે હતી. લિફટ દ્વારા એ ત્રીજા માળે પહોંચ્યા. બાંધકામ વિભાગ છેવાડે હતો. વિશાળ ગેલેરીની દીવાલો પાનની પિચકારી વિનાની સ્વચ્છ હતી. ફલોર ચોખ્ખો હતો. પગરખાં વ્યવસ્થિત ગોઠવેલાં હતાં. દરેક ઑફિસની બહાર આગંતુકો માટે બેત્રણ ખુરશીઓ મૂકેલી હતી. એક પ્યુને અમથાલાલને ખુરશીમાં બેસવા કહ્યું. દસેક મિનિટ પછી સાહેબ ફ્રી થયા, એટલે અમથાલાલનો વારો આવ્યો. પ્યુન અમથાલાલને સાહેબ પાસે લઈ ગયો. સાહેબે હસીને પૂછ્યું : ‘બોલો, હું આપને શી મદદ કરું ?’

અમથાલાલે પોતાને મકાન બાંધવું છે તે વિશે મૌખિક રજૂઆત કરી અને પ્લાન વગેરેની ફાઈલ આપી. બાંધકામ અધિકારીએ ફાઈલની બારીકાઈથી ચકાસણી કરી, પછી સહીસિક્કા કર્યા અને બોલ્યા : ‘બધું બરાબર છે, તમે અત્યારે જ કાઉન્ટર પર જઈ અમુક રકમ ભરી દો. એની રિસીટ લઈ કાલે આવજો, ત્યારે તમારી ફાઈલ તમને મળી જશે.’
‘કાલે જ ફાઈલ મળી જશે ?’ અમથાલાલ માની શકતા જ ન હતા ! જે કામ ચાર મહિને પાર ન પડે, એ આવતી કાલે પતી જશે !!
‘હા….હા… આવતી કાલે બાર વાગે તમારી ફાઈલ મળી જશે….’ એમ બોલી ઘંટડી દબાવી. પ્યુન અંદર આવ્યો. એને બીજા ભાઈને અંદર લાવવા કહ્યું.
‘સાહેબ, મારે બીજા કેટલા રૂપિયા આપવાના થશે ?’ અમથાલાલે સંકોચ સાથે પૂછ્યું.
‘તમારે નિયત ફી નિયમ મુજબ આપવાની હોય. એ સિવાય કશું જ નહિ. ઘર બનાવી આનંદથી રહો, એવી અમારી શુભેચ્છાઓ…. આવજો…’ ઊભા થઈ અધિકારીએ હાથ મિલાવ્યો. અમથાલાલ આંખો બંધ કરી ઊભા રહી ગયા. બધું જ જાણે સ્વપ્નવત્ લાગતું હતું ! અધિકારીએ ફરીથી ‘આવજો’ કહ્યું, ત્યારે એ બહાર નીકળ્યા.

ન સમજાતી વાત સમજવા અથવા ગોઠવવા- વિચારવાની જરૂર હતી. રસ્તામાં બાગ આવતો હતો. તે તરફ એમનું સ્કૂટર વળ્યું. ત્યાં સ્કૂટર પાર્ક કરી, એ બાગમાં દાખલ થયા. ગુલાબનાં પુષ્પોની સુગંધ પ્રસરી રહી હતી. વરસાદી ઝરમર શરીરને આહલાદ અર્પતી હતી. અમથાલાલ હેંડબેગને બાંકડા પર મૂકી બાજુમાં બેઠા. ચણા જોરગરમવાળા પાસેથી પાંચ રૂપિયાના ચણા લીધા. વરસાદી સીઝનમાં ચણાની તીખાશ માણતા અમથાલાલ ડોલવા લાગ્યા. અંદર એમનું મન થનથન નાચતું હતું…. ‘ક્યા બાત હૈ !’ એમ ચણા ચાવતાં બેચાર વાર બોલ્યા પણ ખરા !

મસ્તીમાં ઊભા થઈ ચાલવા લાગ્યા, ત્યારે ચણાવાળાએ એમની હેન્ડબૅગ હાથમાં આપી. અમથાલાલે એને પાંચ રૂપિયાનો સિક્કો આપવા પ્રયત્ન કર્યો, પણ ચણાવાળાએ ન જ લીધો. અમથાલાલ બાગમાં ટહેલતાં વિચારવા લાગ્યા. એમની મુસીબતોનો અંત આવ્યો હતો ? ભ્રષ્ટાચારથી ખદબદતી દુનિયા વિલીન થઈ ગઈ ? પ્રત્યેક પળે ભીંસ-ટેન્શનયુક્ત પરિસ્થિતિ પીગળી ગઈ ? વિનય અને વિવેકનાં પ્રમાણિક પુષ્પો ખીલ્યાં ? શિસ્ત અને કાનૂનની સરિતાઓ સ્વર્ગથી ઊતરી આવી ? રાતોરાત દુ:ખ પરિવર્તન કેવી રીતે થયું ? કે પછી પૃથ્વીનો અંત નજીક છે તેથી આ સુખઝબકારો થઈ રહ્યો છે !

એ ઘેર પહોંચ્યા, ત્યારે રાત પડી ગઈ હતી. આખા દિવસની બધી જ ઘટનાઓ પત્નીને બબ્બે વાર કહી સંભળાવી. આનંદને કારણે થોડું ઓછું ખવાયું. નવા મકાનનાં ખ્વાબ જોતાં આ મધ્યમ વર્ગનાં દંપતી મોડી રાતે ઊંઘી ગયાં !

બીજે દિવસે સવારમાં અમથાલાલ ચા પીતાં છાપું જોવા લાગ્યા. છાપામાં એકપણ નેગેટિવ સમાચાર ન હતા. ક્યાંય ચોરી, લૂંટફાટ કે અકસ્માત ન હતાં. અપહરણ, આત્મહત્યા કે આતંકી જુલમ ન હતાં. બૉમ્બબ્લાસ્ટ કે બળાત્કાર એકપણ નહિ ! ફાંસી, ફરારી કે ફંદા અદશ્ય ! મોંઘવારીને બદલે વિકાસગાથા, અભિનંદન અને આશીર્વાદના ફોટા, રસોઈની રેસિપી, સાહિત્યિક લેખો, વિજ્ઞાનની શોધો અને જ્ઞાનવર્ધક કસોટીઓ છપાયાં હતાં ! ‘વાહ’ એમ બોલી અમથાલાલે છાપું ટિપાઈ પર મૂક્યું. ને એમ અમથાલાલની દિનચર્યા શરૂ થઈ….. ને એમ રોજરોજ સુખસફર ધપતી રહી ! માણસનાં સ્વપ્નાં પૂરાં થયાં ! બધે મંગલ મંગલ થતું રહ્યું. દુ:ખોનો જાણે દરિયો પી ગયો ! હવે માણસને આથી વિશેષ શું જોઈએ ?

….. ને એક દિવસ અમથાલાલ નિત્યક્રમ મુજબ ઑફિસેથી જમવા ઘેર આવ્યા. જમીને પાન ખાવા હીંચકે બેઠા. શ્રીમતીજીએ છાપાની એક જાહેરાત બતાવતાં કહ્યું, ‘ઓછી આવકવાળા દરેકને સરકાર અર્ધી કિંમતે ઘર આપશે. શરત માસિક આવક બે હજારથી ઓછી અને માલિકીનું એકપણ ઘર ન હોવું જોઈએ.’ ‘વાહ, આનંદના સમાચાર છે. બિચારા ઘર વિનાના લોકો સુખી થશે ! સરકારનું આ પગલું અભિનંદનને પાત્ર છે.’ એમ બોલી અમથાલાલે પાનનું બીડું મોંમા ખોસ્યું.
‘સાંજે ઘેર આવો ત્યારે હાઉસિંગ બોર્ડમાંથી અરજી ફોર્મ લેતા આવજો.’ શ્રીમતીજી બોલ્યાં.
‘કોને માટે ?’ અમથાલાલે આશ્ચર્યથી પૂછ્યું.
‘આપણા માટે…..’ પત્નીએ હીંચકાની લાકડી પકડતાં કહ્યું.
‘આપણું નવું ઘર લગભગ બની ગયું છે. અને આપણી માસિક આવક ચાર હજાર ત્રણસો રૂપિયા છે. આપણાથી ઓછી આવકવાળું ફોર્મ ન ભરાય.’ અમથાલાલે પત્નીને સમજાવ્યું.
‘આપણે ઓછી આવકનું સર્ટિફિકેટ અરજી સાથે જોડીશું. તમે મારા ભાઈની ઑફિસમાં કામ કરો છો. સાંજ સુધીમાં હું ભાઈ પાસેથી એવું સર્ટિફિકેટ મેળવી લઈશ.’ પત્ની દઢતાથી બોલી.
‘એવું આવકનું ખોટું સર્ટિફિકેટ આપણાથી ન લેવાય…. વળી આપણે થોડા દિવસ પછી નવા ઘરમાં જવાનાં છીએ.’ અમથાલાલના અવાજમાં વ્યગ્રતા હતી.
‘પણ અત્યારે આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ. નવું ઘર આપણે વેચી દઈશું. પૈસાની ખૂબ જરૂર પડવાની છે. હરીશને હોસ્ટેલમાં રાખી મેડિકલમાં ભણાવવાનો છે. આ બધા ખર્ચ માટે ખૂબ પૈસા જોઈશે. આપણે ઘણું દુ:ખ વેઠ્યું છે !’ પત્નીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં !
‘તારી વાત સાચી છે, પણ તે માટે આપણે ખોટું કાર્ય કરવું ? એક ખોટું કાર્ય અનેક ખોટાં કાર્ય કરાવશે. જરા સમજ….’ અમથાલાલ હૃદયપૂર્વક સમજાવી રહ્યા.

‘હું જાણું છું કે તમને ખોટું કાર્ય ગમતું નથી જ અને હું મારા અંગત સ્વાર્થ માટે ખોટું કાર્ય ન કરાવું. પણ હરીશના ભવિષ્ય માટે બચત કરવી પડશે. આપણે એવા પૈસાદાર પણ નથી. પછી જેવી તમારી મરજી…’ બોલી પત્નીએ આંખ લૂછી. અમથાલાલ થોડી ક્ષણો કશું બોલ્યા નહિ. પત્નીની વાતમાં સચ્ચાઈ હતી. એ વાસ્તવિક સચ્ચાઈ હતી. પણ એમનું મન માનતું ન હતું.
‘સાંજે તમે અરજી ફોર્મ લેતા આવજો. હું ભાઈ પાસેથી તમારી ઓછી આવકનું સર્ટિફિકેટ મેળવી લઈશ. નિર્ણય જે તે રાતે લઈશું…..’ બોલી પત્ની રસોડામાં ચાલી ગઈ.

અલબત્ત સાંજે અમથાલાલને ફોર્મ લઈને આવવું પડ્યું ! શ્રીમતીજીએ ભાઈ પાસેથી ઓછી આવકનું સર્ટિફિકેટ મેળવી લીધું હતું….. રાત્રે શ્રીમતીજીએ ફોર્મ જાતે જ ભરી દીધું ! આ અંગે રાત્રે કશી જ ચર્ચા ન થઈ ! પણ અમથાલાલ નિરાંતે ઊંઘી ન શક્યા. મગજ માનસિક તાણ અનુભવતું હતું. પોતાના સિદ્ધાંતનો સવાલ હતો. તો બીજી બાજુ હરીશને ડૉક્ટર બનાવવો હતો. વ્હોટ ટુ ડુ ? એમનો સુખસાગર સુકાતો હતો. નદીઓ જળહીન. વૃક્ષો પર્ણહીન ! સૂર્ય ગ્રહણદશામાં ને દિશાઓ ધૂંધળી ! કોઈ ભેદી નાગ સમગ્રને ભીંસમાં લેવા ફુત્કારતો હતો ! માનવ હાડપિંજરો ચીસો પાડતાં, લથડતાં, અથડાતાં, ગબડતાં હતાં…! આ દુ:સ્વપ્નમાંથી બહાર નીકળાતું ન હતું…. !

સવારમાં પત્નીએ ઢંઢોળ્યા ત્યારે એ જાગ્યા. હજીય આંખો ઘેરાતી હતી. શરીરમાં કળતર થતું હતું…. ચાની લિજ્જત ન લેવાઈ. છાપું વાંચવાની મજા મરી ગઈ ! શું કરવું એ નિર્ણય હજીય લેવાતો ન હતો….! અરજીનું ફોર્મ અને ઓછી આવકનું સર્ટિફિકેટ ટેબલ પર હવામાં ફરફરી રહ્યાં હતાં…. અમથાલાલે ધ્રૂજતા હાથે એ બન્ને કાગળો હેન્ડબૅગમાં મૂક્યા. શ્રીમતીજી એક શબ્દ પણ ન બોલ્યાં ! અમથાલાલ ચૂપચાપ બહાર નીકળ્યા. ઑફિસે જવાને બદલે એ સીધા હાઉસિંગ બોર્ડની ઑફિસે પહોંચ્યા. ઑફિસ પાસે ઘર વિનાના અને ઘરવાળા લોકોનું મોટું ટોળું ધક્કામુક્કી કરતું હતું…. પોલીસ હાથમાં દંડો લઈ આમતેમ ઘૂમતી હતી ! ઊંચે આભ કાળાં ડિબાંગ વાદળોથી છવાયેલું હતું…. ચારે તરફ ઘોંઘાટ અને અવ્યવસ્થા હતાં….

બે કલાક પછી અમથાલાલનું અર્ધું શરીર અને એક હાથ ઑફિસ વિન્ડો પાસે પહોંચ્યાં…. એમણે ધ્રૂજતા અને ખેંચાતા હાથે ફોર્મ સાથે ઓછી આવકનું સર્ટિફિકેટ અંદર બેઠેલા કલાર્કને આપ્યું…. તે ક્ષણે આકાશમાં વીજળીનો ભયાનક કડાકો થયો. જાણે શયતાનનું અટ્ટહાસ્ય કોઈ સુખની આરપાર નીકળી ગયું ! – ત્યારે ઝંઝાવાત સમેત વરસાદ ચોતરફ તૂટી પડ્યો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વેપાર દ્વારા ઉદ્ધાર – ફાધર વાલેસ
અવિસ્મરણીય ‘ડાકુબાબા’ – જયશ્રી Next »   

22 પ્રતિભાવો : સુખની આરપાર – રમેશ શાહ

 1. વાસ્તવિકતાવાદી લેખ…માત્ર રમુજ જ નહી, આ લેખ જીવનનુ એક કડવુ સત્ય કહી જાય છે…

 2. Maitri Jhaveri says:

  નરી વાસ્તવિક્તા, સાચેજ માણસ આજે ઇચ્ચે તો પણ પ્રામાણીક રહી શક્તો નથી…

 3. Dhaval B. Shah says:

  Nice one.

 4. Riddhi says:

  ખૂબ ઉમદા સન્દેશ આપ્યો ચ્હે…
  very nice one…
  Thanks for this article!

 5. pragnaju says:

  રમેશ શાહ વલસાડ ખાતે નાટ્યક્ષેત્રે સક્રીય છે.અને ગુજરાતી નાટ્ય ક્ષેત્રનાં મોટા નામો જેવાકે સંજીવકુમાર્ પ્રવિણ જોશી, ઉપેન્દ્ર ત્રિવેદી અને કાંતી મડીયા સાથે જુદા જુદા નાટકોમાં કાર્ય કરેલુ છે. તેમણે ૨૮ એકાંકી અને ૩ ત્રીઅંકી નાટકો તેમણે ગુજરાતી નાટ્ય જગતને આપ્યા છે.
  કવિતા અને ટુંકી વાર્તા એ ભુલાયેલ શોખો હવે ફરી જાગી રહ્યાનું પ્રમાણ છે આ ટુંકી વાર્તા.. સંવેદનશીલ,વાસ્તવિક આપણા દરેકની વેદના

 6. bhumi kevadiya says:

  Really,This story is very good.I like vary much
  this story.

 7. Viren says:

  aa vat vanchine mane nicheni ek nanakadi story yaad aave chhe:

  Ek var ek vykati ne jamnidar nu khoob devu thai gayu. Jamindar ene ena khetar ma malyo tyare ene evu kahu ke hu mara hath ma be patthar lau chhu. Ek kalo ane ek safed. Em kahi ne jamindar-e niche ghana badha kala ane safed paththaro padya hata ema thi jani joi ne be kala pathhar upadya ane ek theli ma mukya.

  Pela garib vyakti ni dikari pan eni sathe j hati. Jamindare e chhokari ne kahyu ke tare aa theli ma thi ek paththar levano chhe. Jamindare tran sharat muki:

  1. Jo kalo paththar upade to e dikari na lagn jamindar jode karva

  2. Jo safed patththar ave to garib vyakti ane dikari chhutta ane devu pan maaf.

  3. Jo paththar nahi upado to tatkalik jail.

  Garib vyaktri ane eni dikari munzai gaya. Emne joyu hatu ke Jamindare banne paththaro kala lidha hata etle koi pan rite jamindar ni favor ma j vat banavanai hati.

  Peli chhokari e theli ma hath nakhi ne paththhar lidho ane tarat j niche padi nakhyo. Etle e kalo paththar niche na kala ane safed paththaro na dhagala ma khovai gayo.

  Have e chhokari e kaya rang no paththar upadyo chhe e janva mate ene kahyu ke theli ma juo. Theli jo kalo paththar hoy to eno arth e thay ke pelo bhul thi padi gayelo paththar safed hato. ane chhevate gariv vyakti ane eni dikari aama thi chhuti gaya.

  Vat em chhe ke darek prashna nu saru solution possible chhe. If you are ready to think and put more efforts. Pan ghana loko vicharva mangata nathi athva ena mate na vadhoo efforts mukva mangata nathi. Ene karane e loko jat jat na short cuts shodhe chhe. Safal manaso (jemne tame safla gano tamari drashtie eva loko) tame je kam karvathi bhagata hov athva tame tamara comfort zone ma thi bahar nikali ne na karva mangata hov eva kamo kare chhe ethi safalata ne pam chhe.

  Etle bottomline e ke jivan ma ubhela prashano ne shanti thi vichari ne ena mate na jaruri efforts tame muko to chhevate kaink solution nikale j as compared to tame koik shortcut lai levano ane pachhi Amthalal jevi confused paristhiti ma pahocho.

 8. Bhavna Shukla says:

  રમેશભાઇ અને વિરેનભાઇ, બન્ને વાર્તા ખુબ જ જોરદાર રહી. આભાર અને અભિનંદન!!!

 9. Pravin V. Patel says:

  સંજોગોની આકરી ભીંસ માનવીને ન કરવા જેવું પણ કરવા પ્રેરે છે. સામાન્ય માનવીની આ લાચારી છે.
  જે અચ્યુત રહે તે અસામાન્ય, મુઠી ઊંચેરો ગણાય છે.
  વાસ્તવિક સ્પર્શ.
  રવિનો આભાર અને ખૂબ ખૂબ અભિનંદન.

 10. Amit Lambodar says:

  વાહ બાપુ, કોથળા માં મુકીને પાંચશેરી ફટકારી.

  પોતે અવળા ધંધા કરે અને “બધા લાંચિયા છે” ની બુમો પાડે.

 11. Dipika says:

  નરી વાસ્તવિક્તા, સાચેજ માણસ આજે ઇચ્ચે તો પણ પ્રામાણીક રહી શક્તો નથી..
  હું આ વાત સાથે સહમત નથી.
  જો માણસને ભગવાન માટે પ્રેમ અને શરધ્ધા હોય તો તેને માટે આખું જગત તેનો પરિવાર છે, તો તે કદીએ પ્રલોભનમાં આવે નહીં. નિતીવાનને પ્રભુ સાથ આપે છે. આપણે બધા જ પ્રભુના બાળ છીએ.

 12. Atul Jani says:

  ભગવત ગીતા ના ૩ જા અધ્યાય ના અંતે અર્જુન નો એક સુંદર પ્રશ્ન છે.

  કોનાથી પ્રેરાઈ ને પાપ કરે છે લોક ?
  ઇચ્છા ના હોયે છતા જાણે ખેંચે કોક.

  અને ભગવાન શ્રીકૃષ્ણ તેનો સુંદર ઉત્તર આપતા કહે છે, કે

  ઈચ્છા, તૃષ્ણા, વાસના – ક્રોધ કહ્યો છે જે
  તે જ કરાવે પાપ ને, દુશ્મન જનના તે.

  ત્યાર પછી આગળના શ્લોકો માં તેનો ઉપાય સુંદર રીતે નિરુપણ કરવામાં આવેલ છે.

  જેમને આ ગીતાજી સરળ રીતે ગુજરાતી માં વાંચવાની ઈચ્છા હોય તેમણે swargarohan.org ની મુલાકાત લેવી.

  રમેશભાઈ એ સુંદર રીતે નિરુપણ કરેલ ટુંકી વાર્તા માનવ મનની પામરતા વીશે ઘણુ કહી જાય છે. આવા આ અવળચંડા મન ઉપર કાબુ કેવી રીતે મેળવવો તેના ઉપાયો પણ વિશ્વ ના સર્વશ્રેષ્ઠ ગ્રંથ શ્રીમદ ભગવત ગીતા માં સારી રીતે સમજાવેલ છે.

 13. Cymbalta. says:

  Cymbalta….

  Cymbalta insomnia. Getting off cymbalta. Real stories with cymbalta. Cymbalta….

 14. rajesh says:

  દરિયો તરી ને પાર કરી દીધો ને કિનારે આવીને ડૂબી ગયા તે આનુ નામ.

 15. Norweco singulair aerator….

  Singulair. Coupons for singulair….

 16. mukund desai says:

  real story,but what is the way to come out?No hints.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.