અવિસ્મરણીય ‘ડાકુબાબા’ – જયશ્રી

આજકાલ ટપાલીઓ ટપાલ આપવા ઉપર આવતા નથી પણ આજે અમારો ટપાલી જયરામ ટપાલ લઈને ઉપર આવ્યો. મને નવાઈ લાગી, એ ફકત દિવાળીની બક્ષિસ લેવા જ અમારો દાદરો ચઢતો. જેવું મેં બારણું ખોલ્યું કે લાગલો જ બોલ્યો : ‘અમ્મા, આજે તો તમારે માટે એક મોટુંમસ સુંદર કવર આવ્યું છે પણ એના પર પૂરતી ટિકિટ નથી ચોડી એટલે મારે ઉપર આવવું પડ્યું. અમારા ઉપરીએ કહ્યું છે કે રૂ. 20 નો દંડ ભરવો પડશે. તો જ આ સ્પેશિયલ સુંદર કવર તમને સોંપી શકીશ.’ મેં કવર હાથમાં લીધું. અરે ! આ તો દિલ્હીથી મારી પ્રિય સખી ઈશાનું કાર્ડ છે. કેટલે વર્ષે એને મારી યાદ આવી ! મેં તરત જ જયરામને રૂ. 20 આપ્યા અને કવર લઈ લીધું, અત્યંત સાચવીને કાતરથી એક બાજુએ કાપીને અંદરનું કાર્ડ ખૂબ કાળજીપૂર્વક બહાર કાઢ્યું. જન્મદિવસની મુબારકબાદી આપતું એ કાર્ડ અત્યંત સુંદર તો હતું જ, ઉપરાંત એની અંદરનું લખાણ ‘what is a friend’ વાળું એટલું હૃદયસ્પર્શી હતું કે મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

એ ઝળઝળિયાંની પેલે પાર સ્મૃતિપટ પર ત્રીસ વર્ષ પહેલાંનો શૈશવકાળનો એક પ્રસંગ યાદ આવી ગયો. ત્યારે અમારી ઉંમર આઠેક વર્ષની હતી. ઈશા અને હું અભિન્ન સખીઓ. અમે એકડો સાથે ઘૂંટ્યો હતો અને કલાસમાં પણ એક જ બેન્ચ પર બેસતાં. વળી અમારાં ઘર પણ પાસેપાસે અડીને હતાં. એટલે અમારી બેલડી જ્યાં જાય ત્યાં સાથે જ જાય. વળી, એક બીજું પણ કારણ હતું. મારા પપ્પા ગામના એકના એક ડૉક્ટર અને ઈશાના ડેડી ગામના એકની એક પોસ્ટ ઑફિસના પોસ્ટમાસ્ટર. એટલે બન્ને મહાનુભાવોને રજા ભાગ્યે જ મળતી. ઉનાળાની રજાઓમાં અમારા કલાસના વિદ્યાર્થીઓ મોટે ભાગે એમનાં માબાપ સાથે જુદાં જુદાં સ્થળે ફરવા જાય અને આવીને પોતે શું શું જોયું, ક્યાં ક્યાં ફરી આવ્યાં એની વાતો બઢાવી ચઢાવીને અમને કહે. અમારા પપ્પા, ડેડી કશે જાય નહીં એટલે અમારી મમ્મીઓ પણ અમને એકલા મૂકીને જાય નહિ કારણકે એ દૂરના ગામાં પછી એમનું કોણ સાચવે ?

રજાઓ શરૂ થાય ત્યારે તો અમે અત્યંત ખુશ થઈએ અને આનંદથી નાચી ઊઠીએ. પણ બેચાર દિવસ પછી ખૂબ જ કંટાળો આવે. કારણ કે અમારે મમ્મી, પપ્પાના કડક કાયદા-કાનૂન પાળવા પડે ત્યારે એમ થાય કે એના કરતાં સ્કૂલ સારી. રજાના બે મહિના બે વર્ષ જેવડા લાંબા લાગે. આમ તો અમે ખાસ્સી મજા પણ કરતાં. સવારના બ્રેકફાસ્ટ કરીને અમે અમારા નાનકડા ગામમાં ફરવા નીકળી પડતાં. આસપાસના ઘરોમાં રાયણ, શેતૂર, જામફળ, જાંબુની વાડીઓ હતી. અમે ઘરેથી થેલીઓ લઈને નીકળતાં અને જે મળે તે ભેગું કરતાં. આંબાવાડીઓમાં ઘૂસીને કાચી, પાકી કેરીઓ તોડતાં અને માળી આવી ચડે તો ચકલીઓની જેમ રફુચક્કર થઈ જતાં, પછી ઘરે આવી બધું ધોઈને સાફ કરીને ખાતાં. કારણ કે હું ડૉક્ટરની દીકરી ખરી ને ! બપોરના બાર વાગ્યા પછી ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ. કારણ કે સખત લૂ વાતી હોય. એ જમાનામાં હજુ ઘરોમાં એ.સી. નહોતાં આવ્યાં. એટલે અમારા બેઠકખંડમાં બારીઓ પર ખસની ટટ્ટી લગાવેલી હતી. બપોર પડે એટલે એક નોકર બધી ટટ્ટીઓ પર પાણીનો છંટકાવ કરી જાય એટલે રૂમમાં સુગંધ અને ઠંડક વ્યાપી જાય. ઈશા અને હું એ ખંડમાં બેસીને ઢીંગલાઢીંગલીઓ પરણાવીએ, અમારા નાના નાના રસોઈનાં રમકડાંથી રસોઈ કરીએ (ખોટી ખોટી સ્તો). પપ્પાએ ડૉક્ટરની રમકડાની કીટ આપી હતી એટલે ડોક્ટર ડોક્ટર રમીએ. કોઈ વાર લૂડો, સાપની સરકણી અને પત્તાં રમીએ. થાકીએ ત્યારે ત્યાં જ જમીન પર સૂઈ જઈએ. કેવા આનંદના હતા એ દિવસો ! ન કોઈ ચિંતા ન કોઈ જવાબદારી !

ઈશાના ડેડી પોસ્ટમાસ્તર હતા એટલે ઘણી વખત અમે આખી સવાર પોસ્ટ ઑફિસમાં વીતાવીએ. ટપાલીઓ સરનામાં પ્રમાણે ટપાલની વહેંચણી કરતા અને પછી બધા પર સિક્કો મારતા એ જોવાની અમને બહુ ગમ્મત પડતી. ઘણી વાર અમે બેઠાં બેઠાં કેટલા પત્ર પર સિક્કા માર્યા તેની ગણતરી કરતા અને ધારી લેતા કે અમારું ટપાલઘર ભારતમાં સૌથી મોટું ટપાલઘર છે. પણ ખરી વાત તો એ હતી કે અમને ફકત સો સુધીની ગણતરી જ આવડતી હતી જે અમારે મન હાઈયેસ્ટ હતી.

એ અરસામાં અમારો પરિચય ‘ડાકુબાબા’ સાથે થયો. એમનું ખરું નામ તો અમને ખબર જ ન હતી. વળી એ જાણવાની અમને ઉત્સુકતા પણ ન હતી. અમે જે ગામમાં રહેતાં ત્યાં હિંદી ભાષાનું ચલણ હતું એટલે ટપાલીને બધા ‘ડાકિયા’ કહેતા. અમારે માટે ડાકિયા શબ્દ નામ જ હતું, કહો કે નામની બરાબર જ હતું એટલે અમે લાડમાં એમનું ટૂંકું નામ ‘ડાકુ’ કરી નાખ્યું. બાલ્યકાળની વિચિત્રતા ! ‘ડાકુબાબા’ કોઈ ખતરનાક લોહી તરસ્યા ડાકુ નહીં પણ ઠીક એનાથી વિપરિત એ જ ભલા, ભોળા, નેકદિલ, ઉદાર ઈન્સાન હતા. તમને સવાલ થશે કે આવા નિષ્પાપ, નિષ્કલંક વ્યક્તિનું આવું ભયંકર નામ કેમ પડ્યું ? ઘણી વાર માતાઓ પોતાનાં સંતાનોને આસુરિક શક્તિઓથી બચાવવા એમનાં સાચાં નામોને બદલે, ‘ભીખો’, ‘પૂંજો’, ‘તીનકોડી’ જેવાં તુચ્છ નામોથી બોલાવતી હોય છે. પણ ‘ડાકુબાબા’ પાછળ આવી કોઈ વાત ન હતી. વાત હતી અમારા શૈશવકાળની, અમારી નિર્દોષતાની. સમાજસેવીઓ ડાકુઓને સારા અને ભલા માણસ બનાવવાની કોશિશ કરી રહ્યા હતા જ્યારે અમે એક ભલા માણસને ‘ડાકુ’ બનાવી દીધો !

આ ટપાલી આમ તો અન્ય ટપાલીઓની જેમ સાધારણ માણસ જ હતો. દિલનો અસાધારણ. બીજા બધા ટપાલીઓ અમને ત્યાંથી ભગાડવાની પેરવીમાં રહેતા અથવા અમારા સવાલોના જવાબ ટૂંકમાં આપીને પતાવી દેતા અને પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા. પણ આ ‘ડાકુબાબા’ જુદી જ માટીના બનેલા હતા. અમારા દરેક પ્રશ્નનો અમને સંતોષકારક જવાબ મળતો. એક દિવસ મેં એમને પૂછ્યું : ‘ડાકુબાબા, આ દુનિયામાં કેટલા દેશો છે ?’ તો બોલ્યા, ‘દેશ તો ઘણા બધા છે દીકરી, પણ ભગવાન એક જ છે તે કદી ભૂલીશ નહીં, સતત યાદ રાખજે.’ આમ એમના સાધારણ જવાબમાં પણ પ્રગલ્ભતા હતી અને સાથે સત્યની ઝલક પણ ! કોઈ વાર ઠીક જમવાના સમયે અમે એમની રૂમ પર પહોંચી જતાં, અને દરેક વખત ભરપેટ ખાઈને નીકળતાં. જોકે અમારે ખાવાની કંઈ ખોટ ન હતી, જાત જાતનું અત્યંત સ્વાદિષ્ટ ખાવાનું અમારે બન્નેને ત્યાં બનતું પણ કોણ જાણે કેમ અમને ‘ડાકુબાબા’ નો સૂકો રોટલો, લસણની ચટણી, કાંદો અને કશેકથી આણેલી છાશ ખૂબ જ ભાવતાં. બહુ વખત પછી ખબર પડી કે તેઓ પોતે ભૂખ્યા રહીને અમ ‘બાળદેવી’ઓને પ્રેમથી જમાડતા.

એક વાત તો હું કદી વીસરી નહીં શકું. નવા વર્ષનું આગમન હતું. અમારા વર્ગશિક્ષિકાએ બધાયને કહ્યું કે નૂતન વર્ષે કોઈ ને કોઈ શુભ કાર્ય કરવું જોઈએ અને બીજાઓને આનંદ આપવો જોઈએ. બહુ વિચાર કર્યા બાદ ઈશા અને મેં નક્કી કર્યું કે અમે જાતે જ ચિત્રો દોરીને કાર્ડ બનાવીશું અને બધા સહાધ્યાયિઓને શુભેચ્છાઓ પાઠવીશું. બધાયનાં ઍડ્રેસ સ્કૂલ બંધ થતાં પહેલાં લઈ લીધાં હતાં. જ્યારે બધાં કાર્ડ તૈયાર થઈ ગયાં ત્યારે અમે કવરમાં નાખીને, સરનામાં લખીને ટપાલપેટીમાં નાખી આવ્યાં અને ‘ડાકુબાબા’ ને મોટે ઉપાડે અમારા આ શુભ કર્મની વાત કરી. અમને તો ટપાલ પર ટિકિટ ચોડવાની હોય છે એ પણ ખબર ન હતી ! તોય બધાં કાર્ડ યથાસ્થાને પહોંચી ગયાં હતાં. સ્કૂલ ખૂલી ત્યારે બધાએ આનંદ અને આશ્ચર્ય વ્યકત કર્યાં અને અમને શિક્ષિકા તરફથી તથા સ્વાધ્યાયીઓ તરફથી અનેક ધન્યવાદ તથા શાબાશી મળ્યાં ! કહેવાની જરૂર છે કે અમે બન્ને ફૂલ્યાં ન સમાયાં ! બહુ પાછળથી ખબર પડી કે એના પર ટિકિટો ક્યા હાથે ચોડી હતી !

એક દિવસ ‘ડાકુબાબા’ એક ચિઠ્ઠી લાવ્યા અને મારા હાથમાં મૂકતાં કહ્યું, ‘જો દીકરી, પરદેશથી તારી ચિઠ્ઠી આવી છે.’ હું તે વખતે એક પુસ્તક વાંચતી હતી. એ ચિરપરિચિત અવાજ સાંભળીને મેં પુસ્તકમાંથી ઊંચું જોયું અને હાથ લંબાવીને ચિઠ્ઠી લેતાં કહ્યું : ‘અરે, ‘ડાકુબાબા’ તમને ખબર નથી મારી દીદી યુરોપ ફરવા ગઈ છે ? આ એનો પત્ર હશે. લાવો, જરા જોઉં તો ?’
‘નહીં, નહીં દીકરી, આ કંઈ યુરોપ, બુરોપની ચિઠ્ઠી નથી, કંઈક ઈસ્પેશ્યલ લાગે છે. પરદેશથી આવી લાગે છે. જો તો, એનું કવર કેટલું સુંદર છે ! વળી, કેટલી રંગબેરંગી ટિકિટો ચોડી છે. જરૂર કોઈ સારા ખબર હશે. મને કાલે સંભળાવજે. હું જરા વહેલો આવી જઈશ.’ ડાકુબાબાએ કહ્યું.
‘હા, હા, ડાકુબાબા, તમે જરૂર આવજો. હું તમારી રાહ જોઈશ.’ મેં હસતાં હસતાં ઉત્સાહપૂર્વક કહ્યું.

બીજે દિવસે હું આતુરતાપૂર્વક ડાકુબાબાની રાહ જોતી બેઠી હતી. એ પત્ર દીદીનો નહીં પણ ઈશાનો હતો. પંદર વર્ષ પહેલાં એ ગામ છોડીને ભણવા માટે લંડન ગઈ હતી. ત્યાર બાદ આ એનો પહેલો પત્ર હતો. એણે લખ્યું હતું કે એ જલદી ગામ આવશે અને અમને બધાયને મળશે. ‘ડાકુબાબા’ ને ખાસ યાદ કરીને નમસ્તે લખ્યા હતા. મારું હૃદય આનંદવિભોર થઈ ગયું. કેટલે વર્ષે અમે પાછાં મળીશું ? ‘ડાકુબાબા’ ઠીક જ કહેતા હતા કે આ ચિઠ્ઠી ઈસ્પેશ્યલ છે. ઈશા આવશે એ સાંભળીને ડાકુબાબા કેટલા રાજી થશે !

સમય વીતતો ગયો પણ ‘ડાકુબાબા’ આવ્યા જ નહીં. થોડી થોડી વારે ઘડિયાળ જોઉં અને મને ભણકારા વાગે, ‘હું આવી ગયો, દીકરી, બોલ કોની છે એ ચિઠ્ઠી ?’ બપોર ઢળી ગયા, સાંજ ઢળી ગઈ તોય ‘ડાકુબાબા’ નો પત્તો ન હતો. ક્યાંથી હોય ? મને ખબર મળ્યા કે એ અદ્દભુત આત્માનો દીવડો સૂર્યાસ્ત પહેલાં જ બુઝાઈ ગયો હતો.

હું ઈશાના પત્રનો જવાબ લખવા બેઠી. પણ શું લખું ? કેમ લખું ? આંસુઓનો પડદો આંખો પર ઢળી ગયો હતો. એક તરફ પંદર વર્ષ બાદ ઈશાને મળવાની ખુશી તો બીજી તરફ નાનપણના સાથી ‘ડાકુબાબા’ ને ખોયાનો શોક ! ભલે આપણને ખબર હોય કે જીવનમાં સુખદુ:ખની ઘટમાળ ચાલ્યા જ કરે છે પણ મને એ નહોતી ખબર કે જ્યારે બે વિરોધાભાસી ભાવનાઓનું, લાગણીઓનું સંમિશ્રણ થાય છે ત્યારે એક જ પળમાં તીરની જેમ હૃદયને વીંધી નાખે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખની આરપાર – રમેશ શાહ
કાવ્યવૈભવ – નાથાલાલ દવે Next »   

23 પ્રતિભાવો : અવિસ્મરણીય ‘ડાકુબાબા’ – જયશ્રી

 1. Jigar Shah says:

  ખુબ સુન્દર રચના

 2. લાગણી નીતરતી વાત… એક સામાન્ય માણસની અસામાન્ય વાત…

 3. હ્રદયદ્રાવક વાર્તા

 4. JAWAHARLAL NANDA says:

  ખુબ જ સરસ રચના ! ઘનો જ આનન્દ થયો આ વાર્તા વાન્ચિને ને

 5. amit says:

  જયશ્રેીનેી ટહુકો.કોમ તો જોઈયે જ છેીયે પણ એ લખે છે એ જાણેીને સારુ લાગ્યુ

 6. Janki says:

  Very touchy artical.

 7. pragnaju says:

  આપણી લાડલી ને લાખેણી માતૃભાષાના પ્રચાર અને પ્યાર માટેનાં ગીતો અંગે મીઠી દાદાગીરી કરી શકાય તેવા જયશ્રીબેનની લાગણી સભર હ્રુદયદ્રાવક વાર્તા વાંચી ભૂતકાળનાં ટપાલી, આપણા કુટુંબીજન,અંગેના સ્મરણો તાજા થયા.
  અભિનંદન

 8. Hetal Vyas says:

  ખુબ જ સરસ વારતા

 9. Aditi says:

  nice heart touching story….this story drive me to my childhood and cherished all my memories…good job…

 10. જયશ્રીબહેન ! અલીડોસા અને મરિયમની વાર્તા
  વાઁચી છે ને ? બરાબર આવી જ છે.

 11. જયશ્રીબહેન ! અલીબાબા અને મરિયમની
  વાર્તા વાઁચી છે ને ? બરાબર આના જેવીજ
  એ વાર્તા છે.

 12. Paresh says:

  સુંદર લાગણીભીની વાર્તા

 13. pragnaju says:

  manvanipatel132 …ના અનુસંધાનમાં
  …કહેવામાં આવ્યું છે કે દરેક સમજુ અને સંવેદનશીલ માણસ સરખું જ વિચારે પછી તે ધૂમકેતુ હોય કે જયશ્રી હોય!

 14. Atul Jani says:

  વાર્તાનું નામ વાંચીને પહેલા તો થયુ કે આ કોઈ ડાકુની વાર્તા હશે. પણ આ તો ભલા ડાકીયાની વાત છે.

  ભલે આપણને ખબર હોય કે જીવનમાં સુખદુ:ખની ઘટમાળ ચાલ્યા જ કરે છે પણ મને એ નહોતી ખબર કે જ્યારે બે વિરોધાભાસી ભાવનાઓનું, લાગણીઓનું સંમિશ્રણ થાય છે ત્યારે એક જ પળમાં તીરની જેમ હૃદયને વીંધી નાખે છે.

  બહુ સાચી વાત છે. સુખ અને દુઃખ , રાગ અને દ્વેષ , હર્ષ અને શોક , ઠંડી અને ગરમી આ બધા ઍવા દ્વન્દ્વો છે જે આપણા આંતર મનમાં અવનવી ભાતો પાડે છે.

  આપણા જીવનમાં આવતા અવનવા પાત્રો આપણા માનસપટ પર અનેરી છાપ છોડતા જાય છે.

  ડાકુ બાબા પણ આપણા માનસ પટ પર જયશ્રીબેન ના માધ્યમ થી એક અવિસ્મરણીય છાપ છોડી ગયા છે.

 15. Pravin V. Patel says:

  હૃદયસ્પર્શી રજુઆત……નયનો છલકાવતી ઘટના.
  ધન્યવાદ!!!!!!!!!!!!!!!!!!!
  કેડી કંડારતા રહો.————————————————

 16. pallavi says:

  Jayshriben,
  Nice and Touchy story.
  Pallavi

 17. pallavi says:

  Jayshriben,
  Dakubaba is very Nice and Touchy story
  Pallavi

 18. Rahul gadhiya says:

  very emotional jivan prasang

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.