કાવ્યવૈભવ – નાથાલાલ દવે

[ ગુજરાતી સાહિત્યના ઉમાશંકર જોષીના કાળના સુપ્રસિદ્ધ કવિઓ પૈકીના એક કવિ હતા શ્રી નાથાલાલભાઈ દવે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન વિપુલ સાહિત્યનું સર્જન કરીને ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સાહિત્યસેવા માટે તેમને અનેક સુવર્ણચંદ્રકો અને પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. તેમની અનેક કૃતિઓને ‘શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ’, ‘શ્રેષ્ઠ નવલિકાસંગ્રહ’, ‘શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ’ તરીકે ગુજરાત સરકાર દ્વારા નવાજવામાં આવી છે. માત્ર આટલું જ નહિ, તેમની અનેક કૃતિઓનો પાઠ્યપુસ્તકોમાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે. હાલમાં તેમના ઘણા પુસ્તકો અપ્રાપ્ય છે, પરંતુ તેમના પૌત્રી શ્રીમતી કવિતાબેને (ભાવનગર) આ દુર્લભ પ્રતો રીડગુજરાતીને લોકવાંચન માટે મોકલી આપી છે જે માટે તેમનો ખૂબ ખૂબ આભાર.]

[1] ખોલો દ્વાર (ભક્તિગીત)

શાંત એકાંતે મારાં વરસોનાં વરસો વીત્યાં,
ખોલી નાખો આ ઘરનાં દ્વાર જી.

સામે આ જીવન કેરા રાજમારગ રૂપાળા,
મન મારા, નીકળો હવે બહાર જી.

કૈંક રે અજાણ્યાં સંગે હળવા મળવાનું થાશે,
નવલા પામીશું હવે સંગ જી.

આખી અવનીની સાથે ઓતપ્રોત થાશું ને
અંતરમાં ધારીશું ઉમંગ જી.

ભવ કેરી ભીડ વચ્ચે મનના માલિકને મળશું,
ભાવેથી ભર બજાર જી.

આશા ને તૃષ્ણા કેરા કેવા રે તાણાવાણા ?
સુખદુ:ખથી છલકાતો સંસાર જી.

માનવીની આકાંક્ષાઓ એની ઝંખનાઓ જાણી,
અંતરથી થાશું એકાકાર જી.

મારો આ પ્રાણ હવે સાંભળશે હૈયે હૈયે,
પ્રિયતમની પ્રીતના ધબકાર જી.

ને લાખો કંઠ કેરા કલ્લોલે ગુંજી રહેશે,
એની વીણાના ઝંકાર જી.

[2] લોક ઉમેદવાર (ચુંટણીલક્ષી) (વૈષ્ણવજન તો…. એ ઢાળ)

લોક નેતા તો તેને રે કહીએ, જે પીડ જનતાની જાણે રે,
જીત મળે કે ગાદી મળે તો યે મન અભિમાન ન આણે રે.

સકલ લોકથી સંપર્ક રાખે, કરે ન ઉપેક્ષા કેની રે,
પ્રપંચ પક્ષ તણા પલટા પર નજર ન હોયે જેની રે.

બહુજનહિત કાજે ઝૂઝવાની તનમનમાં તાકાત રે,
લોભરહિત વ્યવહારે નિર્મલ, પરધન નવ ઝાલે હાથ રે.

રાષ્ટ્રતણા કલ્યાણને કાજે દઢ વિચાર જેના મનમાં રે,
શુદ્ધ વિચારે, શુદ્ધ આચારે, નિષ્ઠા નવસર્જનમાં રે.

સદા પ્રમાણિક પંથે ચાલે, સાચા જેનાં અરમાન રે,
આદેશ લોકતણા ન ઉથાપે, સાચવી જાણે ઈમાન રે.

ઉમેદવાર ન આવે ઉપરથી, જનવચ્ચેથી જાગે રે,
લોકશાહીમાં એવો નાયક જાગૃત જનતા માગે રે.

[3] મુખવાસ

(1) શું વળે ?

નાદાનની મિજલસ મળે ત્યાં સુરાવટથી શું વળે ?
સાહિત્યક્ષેત્રે જૂથ કેરી જમાવટથી શું વળે ?
ભાવ ભીતરમાં નહીં તો બનાવટથી શું વળે ?
કસ નહિ જો કવિતામાં, સજાવટથી શું વળે ?

(2) જરૂરિયાત

મજાક નથી, આ ઘણી ગંભીર વાત છે,
ચાહવું એ જિંદગીની જરૂરિયાત છે.
પ્રીતિ મળે તો જીવન લીલુંછમ બની રહે,
ના મળે તો રેતી કેરું રણ બની રહે.

(3) કવિની વાત

કવિ લખે, ‘હે પ્રિયતમે ! કરું હૃદયની વાત,
તારે ખાતર સુંદરી ! સિંધુ તરું હું સાત.
ઓળંગું અદ્રિ અને વીંધું હું આસમાન,
પણ સ્કૂટરમાં પેટ્રોલ વિના અટકી રહ્યું પ્રસથાન’

(4) તમામ કવિતા

તમામ કવિતાનો કવિશ્રી ! ગ્રંથ તો દળદાર છે,
હજારો છે પૃષ્ઠ, સહેજે ત્રણ કીલોનો ભાર છે.
છપાવી નાખી ભલે રચના કરી છે જેટલી,
જુઓ તો જરા, એમાં ખરેખર કવિતા છે કેટલી ?

(5) ગઝલ

સમજો જરા આ વાત રે મિયાં અબુલફઝલ !
બાકી તમારે કાપવાની લાંબી છે મજલ.
દિલમાં જોઈએ દર્દ, જોઈએ આંખડી સજલ,
કાફિયા મળી ગયાથી થાય ના ગઝલ.

(6) શિક્ષણની સ્થિતિ

વિદ્યાર્થીઓ પત્થર ઉછાળી કાચ ફોડે છે,
અધ્યાપકો જોયા કરે છે, હાથ જોડે છે.
સડક પર વિદ્યા તણી વીણા પડી છે,
ઠેબે ચડાવી લોકો એના તાર તોડે છે.

(7) બજેટ

સમાજવાદી સોણલું ખરું વિત્તમંત્રીને ફાવ્યું,
ગર્દભની આંખો આગળ લીલું ગાજર લટકાવ્યું.
માનીને નજદિક મુરખ મોમાં લાવે પાણી,
મારગ કાપે કરવેરાનો કપરો બોજો તાણી.

[4] અંગ્રેજી (કિતના બદલ ગયા ઈન્સાન… એ ઢાળ)

પંડિતજીના રાજ્યમાં આ મલક બધો બદલાય,
એક આ અંગ્રેજી નો જાય…

પ્રજા તણી જ્યાં સમજણ ખૂટે, મનની જંજીરો કેમ તૂટે ?
બાળકને જ્યાં વાચા ફૂટે, એકડો અંગ્રેજીમાં ઘૂંટે,
અવિચારી વાલીનાં ભોળાં ભૂલકાંઓ રહેંસાય…. એક આ….
સંસ્કૃત જાતાં સંસ્કૃતિ કેરી સરવાણી સૂકાય…. એક આ….

અંગ્રેજી ભણતરની માયા, ડાહ્યા પણ એમાં ભરમાયા,
દેશ વિસારે, વેશ વિસારે, ભણીભણીતે થાય પરાયા.
માધ્યમ કેરી વાત કરો તો તરત ચડાવે બાંય… એક આ….
ડિગ્રી સાથે વણી નોકરી કેમ એ ગાંઠ કપાય… એક આ…

લડે સદસ્યો સીના તાણી, ગાજે અંગરેજીમાં વાણી,
સરજી રહે વસ્તીની ઘાણી વહીવટ કેરી રસમ પુરાણી.
મંત્રીઓની હજાર હાકલ અંગ્રેજીમાં થાય… એક આ….
અંગરેજીમાં કાયદો ને અંગરેજીમાં ન્યાય…. એક આ…

પ્રચારનાં માધ્યમ સરકારી, અંગરેજીની ત્યાં બલિહારી,
નેતા કેરાં વખાણ ભારી અંગરેજીમાં રહે લલકારી.
રાત પડે ત્યાં રેડિયો અંગરેજી ગાણાં ગાય… એક આ….
જનતાની કલ્યાણકથા ના જનતાને સમજાય…. એક આ…

ઉતરે સરસ્વતીનાં શિરથી પરદેશી ભાષાના ભાર,
અંતરમાં જાગે અજવાળાં, વિદ્યાના પ્રગટે અંબાર.
સ્વરાજની ગંગા અંગરેજી જટામહીં અટવાય… એક આ….
આવો કોઈ ભગીરથ ! આનો કરવા કાં’ક ઉપાય…. એક આ…

[5] ચાવી

હવે પાછી સંભાળી લિયો ચાવી,
મારે આ ઘર ખાલી કરવાની વેળ આવી.
રૂડાં વસાવ્યાં કાંઈ રાચરચીલાં ને,
દીધું સામાનથી સજાવી,
ચીજો અકબંધ બધી એમનેમ સોંપું,
સાથે ના એક લઈ જાવી…. મારે….

હળીમળીને અમે રહ્યાં અહીં હેતે,
મિત્રોએ મહેફિલ જમાવી,
કોઈનો દોષ મને દિલમાં વસ્યો ના,
હેલી આનંદની મચાવી… મારે….

હસતે મુખે સહુને હાથ જોડું,
ભેટી લઉં છાતીએ લગાવી,
તમારી આંખોમાં છલકે જે પ્રીતિ,
અમૃત શી અંતરને ભાવી…. મારે….

વેગીલાં નીર પરે નાવ મારી ડોલે,
વાયુ રહ્યો સઢને ફુલાવી,
સામા કિનારાના સાદ સંભળાયે,
કોણ રહ્યું બંસરી બજાવી ?…..મારે…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અવિસ્મરણીય ‘ડાકુબાબા’ – જયશ્રી
સિંહાવલોકન – અશોક મશરૂ Next »   

14 પ્રતિભાવો : કાવ્યવૈભવ – નાથાલાલ દવે

 1. purna says:

  ખુબ ખુબ સરસ રચનાઓ .. મને ગમેલી અને વીચારવા પ્રેરે તેવી પંક્તીઓ …
  માનવીની આકાંક્ષાઓ એની ઝંખનાઓ જાણી,
  અંતરથી થાશું એકાકાર જી.

  ભાવ ભીતરમાં નહીં તો બનાવટથી શું વળે ?
  કસ નહિ જો કવિતામાં, સજાવટથી શું વળે ?

  અવિચારી વાલીનાં ભોળાં ભૂલકાંઓ રહેંસાય…. એક આ….
  સંસ્કૃત જાતાં સંસ્કૃતિ કેરી સરવાણી સૂકાય…. એક આ….

  અહી કવિએ આપણા સહુ ના જીવન અંગે કેટલી સુંદર વાત કરી છે!! એમા આપણા વ્યક્તિગત ભાવો થી લઈ સમાજ જે આંધળુ અનુકરણ કરે છે અને એને કારણે આપણે બાળકો નુ બાળપણ કઈ રીતે છિનવી લઈએ છીએ એ તમામ બાબતો જિવન તરફના આપણા અભીગમ તરફ ફરી એક વખત વિચાર કરવા પ્રેરે છે.

  ગુજરાતી સાહિત્ય એ એક વિશાળ સમુદ્ર જેવુ છે.. એમાં સાત પાતાળ નીચે આવા અનેક સાચા મોતીઓ પડેલા છે. .. એ મોતી સમ કવિ , લેખકો સાથે અમારો પરિચય કરાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

 2. sujata says:

  bhavya lakhaan ……….chavi to haiya na badha dwar kholi gayi…….hats off to author and Mrugeshbhai..

 3. pragnaju says:

  કામ કરે ઇ જીતે રે માલમ !કામ કરે ઇ જીતે અને સોના વરણી સીમ બની ,મેહુલિયે કીધી મ્હેર રે
  ભાઇ !રચનાઓથી આપણને જીતી લેનાર કવિ
  નાથાલાલ દવેની કવિતાઓ -કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયા બિન, ઉપદ્રવ, મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોના વરણી સીમ, હાલો ભેરૂ ગામડે, મુખવાસ અને વાર્તાઓ – ઊડતો માનવી, મીઠી છે જિંદગી તેમજ સંવાદ પ્રધાન રચનાઓ અને અનુવાદો ઘણા જાણીતા છે.
  ત્યાં કવિતાબેને તેમની અપ્રાપ્ય રચનાઓનો મોકલી સૌને પસન્ન કર્યાં.તેમના જ શબ્દોમાં કહીએ તો…
  કસ નહિ જો કવિતામાં, સજાવટથી શું વળે ?
  તેમની કસદાર કવિતાઓની પ્રીન્ટ કાઢી નીરાંતે ફરી ફરી માણશુ.
  આભાર

 4. Jayesh Thakkar says:

  અનેરો મનભાવન કાવ્યવૈભવ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.