સિંહાવલોકન – અશોક મશરૂ

2005-સિંહ ગણતરીમાં જવાના સમાચાર જાણી હું ઝૂમી ઊઠ્યો. ચૈત્રના ચઢેલા આકરા તાપમાં જાણે શીતળ લહેર સમું અનુભવ્યું. નફિકરા, આળસુ દેખાતા, એકલ-દોકલ સિંહો તો અગાઉ જોયેલા, પરંતુ આ વેળા મંજિલ હતી સતાધાર-તુલસીશ્યામ રેન્જ – સિંહ ઝૂંડોનું માનીતું થાનક. હોય જ ને ! આ તો સાવજની પસંદગીનો પાણિયાળો, ખુલ્લો વિસ્તાર. વનમાં રઝળપાટ કરીને વનરાજોને રૂબરૂ થવાનો રોમાંચ મારા રૂંવે રૂંવે પ્રસરી ગયો. પછી એ ઘડી પણ આવી, ગીર ભૂમિભ્રમણ ને વનરાજાનો નૈસર્ગિક વિહારમાં સાક્ષાત્કાર….

દશ્ય પહેલું : સમી-સાંજ

સતાધાર-ગીરનું જંગલ થોડું અનોખું છે. અહીં ઊંચા, ટટ્ટાર, પહોળા પાનનાં સાગ બિલકુલ નથી. અન્ય ગીર જંગલમાં સાગ મુખ્ય વૃક્ષ છે. અહીં તો છે ઝાડી-ઝાંખરાં, કાંટ ને કરમદીના લીલાછમ્મ મંડપોનું જંગલ. ધગધગતા ઉનાળાની કાળઝાળ ગરમીથી રક્ષતા આ ઠંડા મંડપો એટલે સિંહોનો મનગમતો અડ્ડો. ગીરને હજુ વસંતની કોઈ અસર ન હતી. ઢળતા કુમળા સૂર્યપ્રકાશથી પલ્લવિત પાનખરનાં ઠૂંઠાઓનું જંગલ, નીચે પથરાયેલ સૂકાં ખડ ખડ પાંદડાંઓ, બટકેલી ડાખળીઓ આંખને ગમી ગયાં. બે ડગલાં ચાલ્યા કે પાંદડાઓ વચ્ચે ગોપિત પીઠે સુંદર નકશીકામધારી રંગીન ભાત-તેતર ભડકીને ઊડ્યો. દૂર વળાંક લેતી કેડી પછીનાં વન-દશ્યો/વન્ય-જીવોનું રહસ્યમય કુતૂહલ મને ચુંબકની જેમ હર-હંમેશ આકર્ષે છે. આગળ થોડું ચાલ્યા કે કચડાતાં પાંદડાંના ભચર-ભચર અવાજથી ચીતળનું ટોળું ભડકીને ભાગ્યું. પ્રથમ ફોરેસ્ટ ગાર્ડે તેની પરિચિત જગ્યા જાંબુડી તપાસી, પછી અમને ત્યાં દોરી ગયો.

તેણે દૂરથી સિંહ-કબીલો દેખાડ્યો. ડાંખળી-ઝાડીના આવરણની આરપાર દૂરબીનથી ઝાંકી જોયું તો સિંહ-માતા લાક્ષણિક અદાથી પગ લંબાવી અમને નીરખતી બેઠી હતી. આજુબાજુ, આગળ-પાછળ ગલૂડિયાં જેવડાં હૃષ્ટપુષ્ટ સિંહ-બાળોને સૂતેલાં-બેઠેલાં જોઈ પુલકિત થઈ ગયો. જમણે નજર ફેરવી તો થોડી વાર હક્કો-બક્કો રહી ગયો. અર્ધ-ખોવાયેલ શિકાર પાછળ ડાલમથ્થો સોનેરી કેશવાળીથી સજ્જ વનરાજ, વિકરાળ દાંત બતાવતો ગરમીથી હાંફતો હતો. દાંત ગણવાની વાત તો વાર્તા-પુરાણોમાં જ શોભે ! ખલેલના કારણે બચ્ચાવાળી સિંહણ ધીરેથી ઊભી થઈ, ધીમો છીંકોટો નાખી ચાલવા લાગી. ચારેય બચ્ચાં વારાફરતી થોડા અંતરે ઊભાં થઈ ચાલ્યાં ત્યારે સમજ પડી કે છીંકોટો એ બચ્ચાંને પાછળ આવવાનો સંકેત હતો. સિંહણ સામેથી નજીક પસાર થઈ ડાબે અલગ ચોકો જમાવી બેઠેલ સાથી સિંહણ પાસે જઈ ઊભી. હું તો વધેલી ધડકન, વિસ્ફારિત આંખો સહિત જોતો જ રહી ગયો. સિંહ-બાળો ઊભેલી માતાને વીંટળાઈ ગેલ કરવા લાગ્યાં. નીચેથી ગરક્યાં, ઘસાઈને ચાલી માતા પ્રત્યે પ્રીતિ-બંધન વ્યક્ત કર્યું. પછી સિંહણ બચ્ચાં સમેત કબીલો છોડી નાળામાં ઊતરી. થોડી વારે અટકી, પાછળ ફરી જોતી જોતી ઝાડીમાં ઘૂસી અદશ્ય થઈ. અમે પણ ત્યાંથી સરકડિયા વોટર-હોલ તરફ ગયા. રક્તરંગી ડોક ધરાવતું રુઆબદાર રાજગીધ ત્યાં પાણી પીવા ઊતરેલું. અમને આવતા જોઈ તેણે વિશાળ પાંખો પ્રયત્નપૂર્વક ફફડાવી ટૅક-ઑફ કરી મોહક ઉડાન ભરી. ફરી જાંબુડીએ આવી જોયું તો પેલી સિંહણ બાળ-બચ્ચાં સાથે તેના મૂળ સ્થાને બિરાજી હતી. નજીક જઈ નિરીક્ષણ કર્યું તો એક બચ્ચું શિકારમાંથી લીરો ખેંચી રમતું રમતું દૂર લઈ જઈ, ખાવાની કોશિશ કરતું હતું. આમ રમત રમતમાં જ, આ નિર્દય જંગલ વચ્ચે અસ્તિત્વ ટકાવવાનું તેણે શીખવાનું હોય છે. પછી તો જંગલ-ઝાડી ઝાંખાં થયાં. દશરથિયાઓએ ચક-ચૂર, ચક-ચૂરનું સમૂહગાન શરૂ કર્યું ને અમે પાછા ફર્યા.

દશ્ય બીજું : મોડી રાત્રિ

ફોરેસ્ટ બંગલે જમી બહાર ઠંડકમાં વાતોના તડાકા મારતા બેઠેલા. સ્વચ્છ, ખુલ્લા આકાશમાં નક્ષત્ર-તારલિયાનો તેજસ્વી ઝગમગાટ હતો, પાશ્ચાદભૂમાં તમરાનાં બેન્ડવાજાં સંભળાતાં હતાં. ત્યાં જ વાયરલેસ રણક્યો. ‘જિરાફ, જિરાફ : ઝીબ્રા કોલિંગ !’ એ હતા સિંહજૂથે કરેલા શિકારના સમાચાર. અમે ઊપડ્યા. જીપની લાઈટમાં જોયું તો પાંચ પાઠડા (કિશોર) સિંહો તાજા શિકાર પર તૂટી પડી જિયાફત ઉડાવતા હતા. તેમનું રક્તરંજિત મુખવાળું રૂપ જોઈ ડઘાઈ ગયો. અંધારામાં ઝબકતી આંખોવાળી બે સિંહણો, ઊંચે તેમનું ધ્યાન રાખતી બેઠી હતી. શું તે ધરાઈને બેઠી હતી કે નાની વયના પ્રથમ જમે તે શિરસ્તો સિંહમાં પણ હશે !

દશ્ય ત્રીજું : સવાર-બપોર

સિંહ માટે જવાની રાહ જોતો વહેલો બહાર હું દૂરબીન ફેરવતો બેઠો હતો. કેમ્પસની કમ્પાઉન્ડ વોલ અંદર ઊંચી-વિશાળ પીપરની હાર ઊભી હતી. પીપરોમાં ટેટાનું સામ્રાજ્ય છવાયેલ. ડાળખીઓના છેડે પાંગરેલ. નવી તાજી-માજી કૂંપળોથી પીપરો સદ્યસ્નાતા લાગતી હતી. બધા વચ્ચે એક પીપર સાવ અલગ દેખાઈ. તેની પર્ણવિહીન સઘળી ડાળી-ડાળખીઓ ચળકતા બદામી ટેટાઓથી જડેલ-મઢાયેલ હતી, જાણે આભૂષણોમાં મીનાકારી ન હોય ! વૃક્ષોની ટોચો પહેલ-વહેલાં રવિ-કિરણો પડતાં જ દીપી ઊઠી. બુલબુલ, કોયલ, પીળક ને કંસારા પીપરોમાં આવ્યાં, ટેટાં આરોગતાં આનંદિત સૂરો રેલાવવા લાગ્યાં. લીલાશ પડતા પીળા રંગનાં ઝીણકાં પક્ષીઓની એક ટોળકી ઊતરી. સતત ફરતી જાય ને મીઠો સિસકાર કરતી જાય. આ હતી બબૂનાની ટોળકી, જેની આંખ ફરતે શ્વેત વીંટી શોભાયમાન હતી. શું તે ટેટા આરોગવા આવી ? એની ટચૂકડી ચાંચમાં તો ટેટા સમાય નહીં. ઝીણવટથી મેં નિરીક્ષણ કર્યું તો ભાલા જેવી તીક્ષ્ણ ચાંચ ટેટામાં ખોસી, ગર્ભ બહાર કાઢી બબૂના જમતી હતી. આ રહસ્ય-સ્ફોટે આનંદિત થઈ ગયો. અમે ઉપડ્યા જાનુ તરફ. રસ્તાથી અંદરગાળે વન-રક્ષકો અમને લઈ ગયા. ફરી પેલી ટોળકી દેખાઈ ! ચાર બચ્ચાં, બે સિંહણ ને એક સિંહ કરમદીના ઘટાટોપ મંડપમાં ચડતા બપોરની લૂથી બચવા ફુરસદે પડ્યાં હતાં. બે બચ્ચાં જ નજરે ચડ્યાં. નજર આકાશે પડી તો ત્યાં ચાર મઘિયા ચકરાળી ઉડાન ભરતા હતા.

એક અન્ય વાવડથી તુલસીશ્યામ તરફના ડુંગરાળ વિસ્તારમાં નીકળ્યા. અગિયારનો તડકો ચડ્યો હતો. કાંટાળાં ઝાડી-ઝાંખરાં વીંધતાં, ખાબડ-ખૂબડ ઠેકતાં ઠેકતાં વીસ મિનિટ ચાલ્યા. કોઈએ લીલુંછમ્મ ઝાડ દૂરથી બતાવી કહ્યું ત્યાં સુધી જવાનું છે. પહોંચ્યા, ચીંધ્યા છતાં થોડી વાર તો તડકાથી અંજાયેલ આંખો છાંયડામાં ગોપિત સિંહો જોઈ ન શકી. પછી જોયું તો બે સિંહણો આરામથી છાંયડે પડી હતી. જોવા જેવી તો, થોડે દૂર ઝાડીના આવરણમાં સંતાડેલા તાજા શિકાર પર તૂટી પડેલા અન્ય બે સિંહણો હતી. સાવજ આ બધું નીરખતો થોડે અંતરે બેઠો છે. છાંયડે બેઠેલ સિંહણોમાંની એક આળસ મરડી ઊભી થઈ શિકાર તરફ ધીમા ડગ ભરવા લાગી, કોઈ જ ઉતાવળ નથી. કેટલી બધી ધીરજ, પ્રભાવ નીતરે છે, તેની દરેક હરકતો-ચાલ, ઊઠક-બેઠક ને ભોજનમાં. અમસ્તા જ સિંહોને રોયલ એનિમલ – રાજવંશી કહેતા હશે ! અચાનક વિહંગી રાજવીઓ પણ આકાશે સરકતા દશ્યમાન થયા. એ હતાં લાલમલાલ ડોકવાળા રાજગીધો. તેમને તો હજુ ધીરજથી રાહ જોવાની હતી, સિંહો જગ્યા છોડે તેની. દિન-રાત ભૂખ-તરસ વેઠી, સિંહ-ગણતરી ને ફરજ નહીં, પરંતુ પાંચ વર્ષે આવતો ઉત્સવ સમજી, આવી અંતરિયાળ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓને બિરદાવી અમે નીકળ્યા.

દશ્ય ચોથું : મધ્યાહન અંતે

અમે જઈ રહ્યા હતા નાળાના કુંટિયા તરફ, જૂજ વપરાતા રસ્તે. બન્ને બાજુ વધી ગયેલ ઝાંખરાં, બાવળિયાની કાંટાળી ડાળો જીપને ભટકાતી જતી હતી. જગ્યાએ પહોંચી ઊતર્યા. તરસ્યા વન્યજીવોની તૃષા છિપાવવા, વન-વિભાગો સૂકા-ભટ નાળામાં બનાવેલ કૂંડી છલકતી હતી. આસપાસના કીચડમાં, ગરમીથી ત્રસ્ત સિંહ-ટોળું (હા ! સિંહનાં ટોળાં પણ હોય) ઠંડક માણતું આળોટતું પડ્યું હતું. મોજથી ગારામાં અનેકવિધ મુદ્રામાં પડેલા વનરાજો નિહાળી અચંબિત રહી ગયો. આસ્તે-આસ્તે અમે નજીક ગયા કે અંદરોઅંદરની હલચલ શરૂ થઈ. ઊભા થઈ, બે ડગલાં ચાલે; ફરી બેસે. તો કોઈ વળી પીઠભર લંબાવે. અંતે એક પ્રભાવશાળી સિંહણ ધીમે ડગલે નાળામાંથી અમને ક્રોસ કરી રસ્તા તરફ ચાલી. આ સિંહ-ઝુંડનો મિત્ર વનરક્ષક બોલ્યો, ‘આ બધાંની બોસ છે, તેની પાછળ બધા જશે.’ ખરેખર, તરત બીજી કાદવથી ખરડાયેલ સિંહણ ખોડંગાતી તેની પાછળ ગઈ. અન્ય એક ફરીને નાળે નાળે ચાલી અમારી પાછળ ઊભી રહી ગઈ. 17-18 ફૂટ દૂરથી મને શંકાથી નીરખવા લાગી. આસપાસનાં જમીન, ઝાડી-ઝાંખરાંના રંગો સાથે એકદમ ભળી જાય તેવા ભૂખરા રંગની સ્નાયુબદ્ધ યુવા સિંહણ તેની અંગારા જેવી આંખોથી ધારદાર વેધક દષ્ટિ ફેંકતી હતી !

અહીં જાણે સમગ્ર વાતાવરણ, સમય સહિત થીજી ગયું. અમે તો ચારેબાજુથી ઘેરાયા. તેનો ઈરાદો હુમલાનો તો ન લાગ્યો ! છતાં ધડકન વધી ગઈ, મન ખળભળી આવેશમય થઈ ગયું. તો પણ હું તેની તસવીર લેવા લાગ્યો. એમ એક પછી એક, 1 સિંહ અને 8 સિંહણોનું ટોળું ‘બોસ’ થી દોરવાયું અને સૌએ રસ્તા આસપાસ ગોઠવાઈ બરાબરનો અડ્ડો જમાવ્યો. બેઠેલા સાવજનાં બગાસાં તો એટલા વિશાળ કે જાણે આકાશ અંદર સમાવતો ન હોય ! એક સિંહણ ઊંધી પડી ચારે પગ વૃક્ષની ખડબચડી છાલમાં ઘસવા લાગી. નવરાશે નહોર સજાવતી હશે ! બહુ અનિચ્છાએ આ અદ્દભુત માહોલ છોડ્યો.

દશ્ય પાંચમું : સંધ્યા

સાંજ ઢળી. વાવડ મળવાથી ખાંભલાવ ડુંગરા તરફ ગયા. રસ્તો રોકી ઊભેલ માલધારીના નેસડે ખાટલે બેઠા. ધગધગતી અડાળીમાં પીરસાયેલ કઢિયેલ ચાની લિજ્જત લીધી. આગળ જઈ જીપ નીચે ઊતરી જોયું તો ડુંગર ટોચે વળાંકો પર દીસતા ઝાડી-કાંટ, બાવળિયાં ને કેસરિયો રંગ લીંપાઈ ગયો હતો. નવોદિત ચંદ્ર અચાનક જોઈ બોલી પડાયું : ‘ઓહ ! આજે પૂનમ !’ ત્યાં તો નજીક જ થયેલ સિંહ-ગર્જનાથી ધ્રાસકો પડ્યો. ઝડપથી અવાજની દિશા તરફ ડુંગર ચડવા લાગ્યા. ટેકરીની ટોચે જબરજસ્ત બાંધાનો, મોટી કેશવાળી ધરાવતો સિંહ ઊભેલો દેખાયો. આછા-અંધારિયા પ્રકાશમાં વિશાળ સાવજની છાયાકૃતિ અવિસ્મરણીય લાગતી હતી. એક તરફ ચંદ્રમા ઊંચે ચડતાં શીતળ પ્રકાશ રેલાયો ને ફરી પેલો વનરાજ ગર્જયો. હૂંકવાનું લાંબું ચાલ્યું. સિંહ જેટલો શક્તિશાળી અને મજબૂત તેમ લાંબું હૂંકે એવી અધિકારીએ જાણકારી આપી. એક તરફ ચંદ્રોદય, ટેકરીની ટોચે શાનથી ખડો વનરાજ, ને નીરવતા ચીરતી તેની ગર્જનાના સમન્વયે મને રોમાંચની પરાકાષ્ઠાએ પહોંચાડ્યો.

દશ્ય છઠ્ઠું : રાત્રિ

પૂનમનો ચન્દ્ર-પ્રકાશ સમગ્ર જંગલમાં પ્રસરી આહલાદક વાતાવરણ રચતો હતો. કોઈ કલાકારની અનુપમ કૃતિ સમું દીસતું જંગલ પસાર થવા લાગ્યું. રસ્તે જમીન સરસાં ચીપકેલાં દશરથિયાં વાહન સાવ નજીક આવતાં ભડકી ઊડતાં હતાં. આગળ વચ્ચે ઊભેલા વનરક્ષકોએ સંકેતથી અમને રોક્યા. એમનું રોકવું સાવ એમ ને એમ તો ન જ હોય ને ! જોયું તો કેડી અડોઅડ સિંહણ તેના ચારેય પગ આકાશે તાકી સૂતી નજરે ચડી, જાણે પૂર્ણ-ચન્દ્રને આવકારી હસ્તધૂનન કરતી ન હોય ! આસપાસ પેલાં તેનાં ચારેય બચ્ચાં આડે પડખે પડ્યાં પડ્યાં અમને કૌતુકથી જોતાં હતાં. દૂરબીનથી નિહાળતાં ચાંદની ધોયેલું, અનોખી મુદ્રા-મય સિંહપરિવારનું આ દશ્ય અદ્દભુત લાગતું હતું. કોઈ બોલ્યું : ‘બચ્ચાં હમણાં જ ધાવ્યાં હશે !’ આ સુંદર છબિ મનમાં વાગોળતાં પરત ફર્યા.

સવારે સિંહ-ગણતરી પૂર્ણ થતાં મિત્ર સાથે યાદો તાજી કરતાં ઘર તરફ હંકારી ગયા. રાત્રે પથારીમાં પડતાં મનમાં ચિત્રપટ શરૂ થયું. આટલા અધધધ…. તંદુરસ્ત સિંહો વિવિધ નૈસર્ગિક મુદ્રામાં નિહાળ્યા બદલ વન વિભાગના અધિકારી/કર્મચારીઓને મનોમન ધન્યવાદ આપ્યા. આવતી પેઢી માટે સિંહો અને તેનું એશિયાઈ રહેઠાણ ગીર જરૂર સાચવશે તેવી આસ્થા સાથે ક્યારે ઊંચ આવી તે ખબર જ ન પડી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાવ્યવૈભવ – નાથાલાલ દવે
અક્ષર હતો… – હેમાંગ જોશી Next »   

8 પ્રતિભાવો : સિંહાવલોકન – અશોક મશરૂ

  1. pragnaju says:

    ભૂતકાળમાં બે વાર માણેલી વાત સરસ શૈલીમાં વાંચી
    આનંદ થયો…તેમાં “પૂનમનો ચન્દ્ર-પ્રકાશ સમગ્ર જંગલમાં પ્રસરી આહલાદક વાતાવરણ રચતો હતો. કોઈ કલાકારની અનુપમ કૃતિ સમું દીસતું જંગલ પસાર થવા લાગ્યું. રસ્તે જમીન સરસાં ચીપકેલાં દશરથિયાં વાહન સાવ નજીક આવતાં ભડકી ઊડતાં હતાં. આગળ વચ્ચે ઊભેલા વનરક્ષકોએ સંકેતથી અમને રોક્યા. એમનું રોકવું સાવ એમ ને એમ તો ન જ હોય ને ! જોયું તો કેડી અડોઅડ સિંહણ તેના ચારેય પગ આકાશે તાકી સૂતી નજરે ચડી, જાણે પૂર્ણ-ચન્દ્રને આવકારી હસ્તધૂનન કરતી ન હોય ! આસપાસ પેલાં તેનાં ચારેય બચ્ચાં આડે પડખે પડ્યાં પડ્યાં અમને કૌતુકથી જોતાં હતાં. દૂરબીનથી નિહાળતાં ચાંદની ધોયેલું, અનોખી મુદ્રા-મય સિંહપરિવારનું આ દશ્ય અદ્દભુત લાગતું હતું.” ચિતમાં હતું જ…સાદ્રુશ્ય થયું

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.