અથ – મીતા અર્જુન દવે

[‘અથ’ કાવ્યસંગ્રહમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ શ્રીમતી મીતાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર.]

[1] હકીકત

આમ પણ સ્વપ્નને હું ટાળું છું
જ્યાં ને ત્યાં બધે તને નિહાળું છું.

એક કીડી પહેરતી સોનાનાં ઝાંઝર,
કેટલી ઘુઘરી હિસાબો માંડું છું.

આ સરોવર કાલ તો સુક્કું હતું
આજે આ શેમાં ચરણ ડુબાડું છું.

મૃત્યુનું ઓઢી લીધું કાં ઓઢણું
જિંદગી સિંદુર છે હું ભાળું છું.

તું હકીકત છે ભલે તારો ભરમ
હું તને તો એ રીતે પ્રમાણું છું.

[2] સંવાદ

મારા એકાંતના ટાપુ ઉપર
ઝળૂંબતા નભમાં
તર્યા કરે નાજુકડી વાદળીઓ
નિ:શબ્દ
એમાંથી ચળાઈને આવતો સૌમ્ય
સૂરજ
સવાર છે મારી
કોમળ ઘેરું લીલું ઘાસ
ઝૂમવા લાગે
અવશ
ને મીંચાતી આંખોની શ્યામલ પાંપણે
મંદ સમીર
ઢોળે હળવેથી ચાંદની
…મારી રાત !
અરવ આ દ્વીપની ચોફેર
ઘૂઘવતો સાગર
મારા ઓસભીનાં કિનારેથી
વિવશ
વીણી જાય
મૌનની છીપલીઓ.
નીલ ગગનને
વીંધી જતા
ઓ અજાણ્યા પંખી !
યુગો પહેલાની
ઓળખાણ જેવા
ખરેલા તારા આ ટહુકાને
સાંભળુ છું
મારા અવકાશી વિસ્તારમાં
પડઘાતા
એને કહું સંવાદ ?

[3] સોરી ! ફોર ઈન્ટરપ્શન

હવે લખવું કેમ ?!
કેવા કમબખ્ત આંસુઓ કે
ફેલાઈ ગયા પાંપણેથી
રેલાયા ગાલથી ઠેઠ
ગુલાબી હોઠ લગણ
બંધ તોડતી નદીની જેમ….
હવે લખવું કેમ ?!

ઢબુરેલા શબ્દો હૈયાએ
દોડ્યાં રમવા જીભ ટેરવે
ખખડાવે ડોકાબારી
ધ્રૂજાવે ભીડ્યા હોઠ
કળ ખોલે તાળું એમ….
હવે લખવું કેમ ?!

સંતાડી પાછળ બાંધેલા
સ્પર્શ સળવળે કોક બુમાટે
પથ્થર થયેલી પાનીએ
પહેર્યા પાયલ હેમ
કશું રહ્યું ના જેમનું તેમ
હવે લખવું કેમ ?!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અક્ષર હતો… – હેમાંગ જોશી
કૃપાની હેલી – દેવદાસ શાહ ‘અમીર’ Next »   

14 પ્રતિભાવો : અથ – મીતા અર્જુન દવે

 1. Ramesh Shah says:

  બધી જ રચનાઓ ખૂબ જ ગમી.કાવ્યસંગ્રહ નું નામ ‘અથ’ છે.એનો અર્થ શું?

 2. સુંદર કાવ્યરચનાઓ… અભિનંદન…

  પણ ગઝલનો છંદ આટલો શિથિલ હોય એમ કેમ ચાલે? મત્લાની બંને પંક્તિમાં અલગ છંદ, એ પછીના શેરમાં ય બંને પંક્તિમાં અલગ-અલગ છંદ અને પછી આખી ગઝલમાં વળી નવો જ છંદ?

  કવિનું સમાજ પરત્વેનું ખરું દાયિત્વ શું?

  -વિવેક

 3. pragnaju says:

  બ્રહ્મ જીજ્ઞાસા જેવા ભારેખમ વિષય પહેલા લખાતું ‘અથ’થી સંગ્રાયલા કાવ્યો ગમ્યાં પણ કાવ્યનાં કુછંદેથી છંદમાં આવી ફરી કાવ્યો લાવશો તો વધુ આનંદ થશે

 4. manvant@aol.com says:

  એક કીડી પહેરતી સોનાનાં ઝાંઝર :
  કેટલી ઘૂઘરી,હિસાબો માંડું છું.
  સરવાળો કેટલો આવ્યો ?
  સુંદર રચનાઓ.આભાર !

 5. neetakotecha says:

  ખુબ જ સુન્દર ખુબ જ ગમી

 6. Bhavna Shukla says:

  અરે ઓ કાવ્યો!!!!!

  તું હકીકત છે ભલે તારો ભરમ
  હું તને તો એ રીતે પ્રમાણું છું.
  ………………………………….

 7. Atul Jani says:

  અથ એ સંસ્કૃત શબ્દ છે. કોઈ પણ ગ્રંથ કે અધ્યાય વગેરેની શરુઆત અથથી કરવામાં આવે છે. જેમ કે અથાતો બ્રહ્મ જીગ્નાસા, અથ યોગ અનુશાસનમ, અથ પ્રથમો અધ્યાય .

  ટુંકમાં કોઇ પણ સદ ગ્રંથ ની શરુઆત માં અથ શબ્દ નો પ્રયોગ મંગલાચરણ ના ભાગ રુપે કરવામાં આવે છે.

  મીતાબહેન ના આ કાવ્ય સંગ્રહ ને અથ થી ઈતી સુધી વાચકો નો સુંદર પ્રતિસાદ મળતો રહે તેવી શુભકામના.

  હવે ઇતી નો અર્થ ન પુછશો બાપલા !

 8. Nice,

  Samvad,….

  Always it is not necessary to say something for say something…… nice.

 9. Hiral Thaker "Vasantiful" says:

  સુન્દર કાવ્યો….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.