મારા વહેલી સવારના મુલાકાતીઓ… – નીલમ દોશી

[‘શબ્દસૃષ્ટિ’ માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રીમતી નીલમબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર.]

“આસમાને સંકેલ્યા રૂપેરી શણગાર,
ચાંદની ગઠરી બાંધી,
છાને પગલે રજની લે વિદાય.”

આસમાને પોતાના શણગાર સંકેલવા માંડયા. સૂરજ ની હાજરી માં આમે ય એના શણગાર કેવા ફિક્કા પડી જાય છે. એના કરતાં સમજી ને સામે થી જ ગૌરવભેર વિદાય કેમ ન લઇ લેવી ?

“આ ભોળુભટાક નીલગગન પણ નીકળ્યું કેવું શાણુ,
રાત તિજોરી ખૂલતા ઝળહળ ઝળક્યું કાળુ નાણુ.”
(આ કોની પંક્તિ મારા કાનમાં ગૂંજી રહી..એ આટલી વહેલી સવારે તો કેમ યાદ આવે ?)

એ કાળુ નાણું સૂરજદાદાની કરડી નજરે ચડી જાય તે પહેલાં જલ્દી અદ્રશ્ય થઇ જવું સારું. એમ વિચારી ધીરગંભીર, તિમિરઘેરી રજની પણ પોતે રાતભર પાથરેલ પથારો પોતાના પાલવમાં સંકેલી…એક એક તારલિયાને વીણી લઇ..ગૂપચૂપ..છાને પગલે..ફરી મળવાનો વાયદો કરી..ભાવભીની વિદાય લેવાની તૈયારી કરી રહી છે. ચન્દ્રને પોતાની સાથે ખેંચી જવા થોડીવાર શોધખોળ આદરે છે. પણ ચન્દ્ર કંઇ તારલા જેવો ડાહ્યો થોડો છે ? તે તો હજુ આસમાનમાં સંતાકૂકડી રમ્યા કરે છે. જવાની શી ઉતાવળ છે ? જરા ઉષારાણી ને બાય તો કહી દઉં. અને ઉષારાણી ને મળવાના અરમાન સાથે તે આસમાનની ગઠરીમાંથી છટકી, ‘ તમે સૌ પહોંચતા થાઓ..ત્યાં હું આવું છું..’ એના જેવું કંઇક કહી પોતાની ગતિ મંદ કરી નાખે છે. એમ કંઇ ઉષારાણીના દર્શન કર્યા સિવાય કેમ જવાય ? એને માઠું ન લાગે ?

અને અનુભવી રજનીરાણી એ જોઇ લીધું કે આ કંઇ પોતાની સાથે આવે તેમ લાગતું નથી. એટલે અંતે તેનો સંગાથ છોડી….પોતાના દામનમાં તારલિયા ભરી ધીમે ધીમે અદ્રશ્ય થતી જાય છે.

એકલો પડેલ ચન્દ્ર હવે ઉતાવળ અને આતુરતાથી ઉષાની રાહ જોતો ઘૂમી રહ્યો છે. જલ્દી આવી જાય તો સારું.. પાછી મુશ્કેલી એ કે ઉષારાણી સૂર્યદાદા વિના આવે જ નહીં ને ? એટલે સૂરજદાદા દૂર..સુદૂર હોય ત્યારે જ પોતે એને મળી ને હાય..હેલ્લો કરી શકે. સૂરજદાદા ની સવારી પૂરી આવી પહોંચે એટલે ઉષારાણી પણ કયાં રોકાય છે ? અને મારે પણ એમની આમન્યા તો જાળવવી જ રહી ને ? એમની આગળ પોતાની કોઇ વિસાત નથી..એ પોતે કયાં નથી જાણતો ? એ દાદા ના તેજે તો પોતે આટલો શોભાયમાન લાગે છે..અને બધાને વહાલો થઇ શકે છે. બાકી અમેરિકા પરથી પેલા કોણ આવેલ …..એપોલોમાં બેસીને..તેમણે તો આરામથી કહી દીધેલું… ‘ ચન્દ્ર પર તો કંઇ નથી..ધૂળ અને ઢેફા છે.’
પોતાની આબરૂ નો યે વિચાર ન કર્યો ? આટલા વરસોથી બાળકો બિચારા તેને જોઇને મામા ..મામા ..કરતાં કેવા ખુશ થાય છે. ! ઉછીની તો ઉછીની શોભાથી પણ પોતે કેવો રૂપાળો લાગે છે. દાદાની સામે કોઇ આંખ મિલાવી શકે છે ?
આમ વિચારતો વિચારતો ચન્દ્ર ઝડપથી દૂર નીકળી ગયો..કોઇની શોધમાં….

ઋષિ મુનિઓનો પ્રિય સમય એટલે બ્રાહ્મ મૂહર્ત. સંસારીઓ માટે મીઠી નિદ્રાનો સમય. મને જોકે સૂર્યદેવને વધાવવાની..તેમના સ્વાગત, સત્કાર કરવાની કોઇ ઉતાવળ..કોઇ ખાસ તમન્ના નથી હોતી.. દુનિયામાં ઘણાં તેનું સ્વાગત કરવાવાળા ..નમસ્કાર કરવાવાળા છે. એ કંઇ થોડા મારા માનના ભૂખ્યા છે ? એક હું નમસ્કાર નહીં કરું એથી એમને કોઇ ફરક કયાં પડે છે ? આમ વિચારી હું તો આરામથી વહેલી સવારની મીઠી નિદ્રાના આગોશમાં પડી રહેવાનું પસંદ કરું છું.

પણ…આ મારા રોજિંદા પણ મોંઘેરા મુલાકાતીઓને મારા મિલનની ઉતાવળ આવી ગઇ છે..આખી રાત જાણે શબરીની જેમ પ્રતીક્ષા ન કરી હોય…! શબરી એટલે પ્રતીક્ષાનો પર્યાય.., રાધા એટલે પ્રેમનો પર્યાય..મીરા એટલે ભક્તિનો પર્યાય..પણ હું તો કોઇ નો પર્યાય નથી..પણ છતાં મારો વિરહ જાણે સહન ન થયો હોય તેમ આખી રાત મારી પાસે ન ફરકનાર ..પેલી શીતળ હવાની ઠંડી..મીઠી લહેરખી સવારના પહોરમાં આવી ને મારા સમગ્ર અસ્તિત્વને કોમળતાથી સ્પર્શી ને પીંછા ની હળવાશથી મારા અણુ એ અણુ માં શીતળતાનો એક નશો ભરી ગઇ. અને પછી તો ઉઠવાને બદલે મીઠી ઉંઘનો કેફ ન ચડે તો જ નવાઇ ને ? મને તો થાય છે..આ ઋષિ મુનિઓએ વહેલી સવારનો મહિમા ગાવાને બદલે ખાલી સૂર્યોદયનો જ મહિમા ગાયો હોત તો કેવું સારું થાત. આ તો ન પોતે સૂએ…ન કોઇને સૂવા દે..ને આરામથી ગાઇ દીધું..
“રાત રહે જયારે પાછલી ખટઘડી…
સાધુ પુરુષે સૂઇ ન રહેવું…”

જો કે આમ તો મારે માટે કોઇ વાંધો નથી કેમકે ..હું નથી સાધુ કે નથી પુરુષ..એટલે હું તો આરામથી જરૂર સૂઇ શકું. છતાં કોઇ ડાહ્યા વિવેચકો એ તેને વિશાળ અર્થમાં લઇ લીધું..તેથી….અને પાછું મને તો દુ:ખ એ વાતનું છે..બ્રાહ્મમૂહર્તમાં ઉઠવું એ બધી રીતે સારું છે..એમ મેં હજારવાર વાંચ્યું છે. અને દોઢડહાપણ કરીને લાખ વાર લોકો ને કહ્યું છે. પોતાના પગ પર કૂહાડો મારવો તે આનું નામ જ ને ? ન જાણતી હોત તો ગમે ત્યારે ઉઠત પણ મનમાં કોઇ અપરાધભાવ તો ન જાગત. ન જાણ્યા જેવું સુખ આ દુનિયામાં બીજું એકે નથી જ. અને મારી જેમ જ સાંઇ કવિ શ્રી મકરંદ દવે પણ આ વાત સારી પેઠે જાણતા …સમજતા જ હશે..જેથી તેમણે તો એના પર સરસ મજાનું કાવ્ય પણ લખી નાખ્યું.

… “ને ઓલ્યો આ કાનિયો માળો,
કાંઇ ન જાણે છંદ
તો યે તે રાતી રાણ જેવો શું
રોજ કરે આનંદ ?
જાણવામાં મેં જિંદગી કરી શું ધૂળ ?
અણજાણ્યા શું એને લાધ્યું મૂળ ?”

અર્થાત્ ન જાણવામાં નવ ગુણ હશે. ખેર ! હવે અફસોસ કર્યે શું વળે ? જોકે એમ કંઇ હું એવા નાના નાના અફસોસને ગાંઠી ને વહેલી ઉઠી જાઉં એમ નથી. આ તો મારે કરવી છે..મારા વહેલી પરોઢના મુલાકાતીઓની વાત..મને ઉઠાડવાના તેમના પ્રામાણિક પ્રયત્નોની વાત.

વહેલી સવારનો મારો પ્રથમ મુલાકાતી તો પેલો શીતળ વાયરો…ઠંડી મજાની લહેરખી લઇ ને આવતો સુગંધી વાયરો મારો પહેલો મુલાકાતી. આમ તો મારો ખાસ માનીતો..હું એની પૂરેપૂરી ચાહક. પણ એથી કંઇ આમ વહેલી સવારના આવી ને કાનમાં વાતો કરવાની..? ચૂપચાપ આવી ને વહેતો રહે તો એનું શું જાય ? પણ એને તો સવારના પહોરમાં કેટલીયે વાતો કરવી હોય..દુનિયા આખી ફરીને..આખી રાત રખડીને આવ્યો હોય એટલે..જાણે સવારના પહોરમાં છાપાની જેમ સમાચાર આપવાની ઉતાવળ ન હોય..!

મને જગાડવાના બધા પ્રયત્નો એના નિષ્ફળ જાય…હું કંઇ હોંકારો યે ન આપું…એટલે પોતાની મંદ ગતિ વધારી , મધ્યમ ગતિને બદલે..સીધો દ્રુત ગતિ એ ભાગ્યો.. શીતળ લહેરખીમાંથી રૌદ્રરૂપે વંટોળ બની, ..રિસાઇને મારી વાતો કરવા વહેતો થયો…અને મને પાક્કી ખબર છે. હવે જઇ ને પેલા ખીલી રહેલ મોગરાના ફૂલ સાથે ગોષ્ઠિ માંડશે…ગોષ્ઠિ શેની ? રીતસરની મારી પંચાત જ માંડશે..વાયરો તો આમે ય પંચાતિયો તો ખરો જ ને ? મારી પ્રમાદની..મારી ઉંઘની..આળસની વાતો કરશે. આમે ય એ રમતા રામને બીજું કામ પણ શું છે ? જેમ પુષ્પની સુગંધ પોતાની સંગે પ્રસરાવતો રહે છે તેમ આપણી વાતો ફેલાવવામાં પણ કંઇ એ પાછો પડે તેમ નથી જ…અને જતાં જતાં..પોતાનું કાર્ય પેલા બહુમાળી વૃક્ષની ઇમારતમાં આવેલ નાનકડા ફલેટમાં વસતા પંખીઓને સોંપી ને જ ગયો હશે. એની મને કયાં જાણ નથી? હું તો એને પૂરેપૂરો ઓળખું ને ?

જવા દો… આ વહેલી પરોઢના પ્રથમ મુલાકાતી..વાયરાને તો વહેતો કર્યો. પણ તે પેલા નાનકડા પંખીને મને જગાડવાનું ભગીરથ કામ સોંપી ગયો છે..પણ એને કયાં ખબર છે ? ઉંઘતા હોય તેને જગાડી શકાય…પણ જે જાગેલ જ છે..પરંતુ ઉઠવું જ નથી..એને કોઇ જગાડી શકયું છે ખરું ? હું ઉંઘમાં છું એવો વાયરાને વહેમ હતો…પણ હું તો જાગૃત થઇ ને મીઠી નિદ્રાનો મધમીઠો લહાવો માણતી હતી !!
રાતભર નીંદરરાણી ના અબાધિત..એકાધિકાર શાસન નીચે રહી હતી..એ આધિપત્ય આસાનીથી છોડવાનુ કેમ ગમે ? સવારના પહોરમાં આવતા મુલાકાતીઓ સાથે ગપ્પા મારવા બેસી જવું ? અને આમેય નીંદરરાણીનું સાન્નિધ્ય તો મને પણ બધાની જેમ બહુ વહાલું..એ રિસાય એ તો પોષાય જ નહીં ને..! એટલે હું તો સાક્ષીભાવે…નિર્લેપ બની ને પૂરી તટસ્થતાથી જાગૃત ઉંઘને માણતી હતી.

ત્યાં મારી બીજી મુલાકાતી આવી નાનકડી દેવચકલી..કે પછી ફૂલચકલી…કે નાનકડી બુલબુલ..? જે હોય તે.. “ નામમાં શું રાખ્યું છે ?” શેકસપિયર જેવા મહાન લેખકે આમ કહી ને મારા જેવા અનેકને બહુ મોટી શંતિ કરી દીધી છે. નામનું કોઇ મહત્વ જ નહીં ને..! જે કહો તે ચાલે..દેવચકલી..ફૂલચકલી..કાગડો કે કબૂતર..કહો તો યે શું ? ગમે તે નામે એને બોલાવો…એથી કંઇ એની જાત..કે એનું અસ્તિત્વ થોડું બદલાઇ જવાનું છે ? કે એનો કલરવ કાગડા કે કબૂતર જેવો થોડો થઇ જવાનૉ છે ? લોકો નકામા નામ પાછળ આખી જિંદગી હેરાન થાય છે.! નામનું મહત્વ જ ન હોય તો પછી…..! કોઇ હેરાન ન થાય એટલે તો શેકસપિયર બિચારો મોઢે કહી જવાને બદલે લેખિતમાં આપી ને ગયો. પણ લોકો સમજે નહીં તો એ શું કરે ? એણે તો એનાથી થઇ શકે તે કર્યું..છતાં બધા નામ માટે દોડે છે. ખેર..! જેવા જેના નસીબ…

તો..આ નાનકડા બુલબુલે….( હવે તો બિન્દાસથી ગમે તે કહી શકું ને ? ) મારા પલંગની સાવ પાસેની બારી પર પોતાનો અડ્ડો જમાવી દીધો. ને ચાલુ કર્યો પોતાનો કલરવ. આમ તો જો કે મને એનો મધુર સ્વર ગમે છે. પણ આજે..આ ક્ષણે તો મને એના ઇરાદાની જાણ છે. પેલા લુચ્ચા વાયરાએ એને બરાબર પઢાવીને મોકલ્યું છે.મારી સામે કાવતરું રચ્યું છે. આજે ગમે તેમ કરીને ઉષારાણીના આગમન પહેલાં મને ઉઠાડવાનું ભયંકર કાવતરું. મારા જ ઘરના બગીચામાં રહીને મારી સામે જ દ્રોહ કરવાનું તે આપણા રાજકારણીઓ પાસેથી શીખ્યું કે શું ?
તેણે તો પોતાનું એકધારું સંગીત ચાલુ રાખ્યું.

ધીમેથી એને ખબર ન પડે તેમ મેં મારા ઉંઘભરેલ નેત્રો ખોલી તેને નીરખી લીધું. ને મારા ચહેરા પર મંદ સ્મિતની લહેર પથરાયેલ જોઇ તેને તાન ચડયું હોય તેમ બમણાં જોશથી કલરવ કરી મને ગુડમોર્નીંગ કરી રહ્યું. મને થયું…મારી ચોરી પકડાઇ ગઇ. (બજાજની રોશની વિના યે ચોરી પકડાઇ શકે છે ખરી..! ) મેં તો જલ્દી જલ્દી મારી પાંપણોને સીલ કરી દીધી. હવે તેને નીરખવાનો મોહ જતો કરવો જ રહ્યો. આમે ય માયા, મમતા (આ બંને ને જતા કરવા જેવા જ નથી ? )મોહ..આ બધું તો ક્ષણિક છે..ભ્રામક છે.. એમાં ફસાવું મારા જેવી નિર્લેપ વ્યક્તિ માટે સારું નહીં જ.

થોડીવારમાં નાનકડું બુલબુલ બિચારું..બિચારી..કે બિચારો… જે હોય તે……થાકી ગયું.. એને થયું ..અહીં મારા એકલાની દાળ ગળે તેમ નથી જ. શ્રી ટાગોરના ‘ એકલો જાને રે..’ નો મોહ છોડી તેણે તો એક કરતાં બે ભલા. એમ માની ઇશારાથી પોતાના સાથીદારને બોલાવ્યું. અને એક ઇશારામાં દોડીને સાથીદાર આવી પહોંચ્યો..એના પરથી નક્કી થઇ ગયું કે આવનાર નર જાતિ હતો. ને બોલાવનાર…નારી .વધુ સ્પષ્ટતા કરવાની કોઇ જરૂર ખરી ?મારો આ ત્રીજો મુલાકાતી તો બિચારો ચીઠ્ઠી નો ચાકર…,,મીરાબાઇ ની જેમ..” મને ચાકર રાખો ઓધવજી…” એમ ગાયા સિવાય પણ પ્રિયતમા કે પછી…પત્નીના સૂરમાં સૂર પૂરાવવા મંડયો. “ મિલે સૂર હમારા..તુમ્હારા..” ની જુગલબંદી જમાવી બંને એ. મને થયું..બસ બહુ થયું હવે. આ મોંઘા મુલાકાતી ઓ આમ તો મારા અતિ પ્રિય..એને વધારે હેરાન ન કરાય..કાલે ન આવે તો મને જ એમના વિના નહીં ગમે. એટલો મારો લગાવ છે એમના માટે….મેં તો જ્લદી ઉઠી એને ગુડમોર્નીંગ કહ્યું…પોતાની મહેનત સફળ થયેલ જોઇ બંને ખુશ થઇ ગયા. પણ હવે એમને યે દાણા વીણવા જવાનું લેઇટ થતું હોવાથી સાંજે મળવાનો વાયદો કરી મારી ભાવભીની વિદાય લઇ બંને ઉપડી ગયા..કોઇ એ “ ચોકમાં દાણા નાખ્યા છે..” એવું ગાયું હોત તો હું એને રોકી પણ શકત. બાકી એની રોજીરોટીનો સવાલ હોય ત્યાં શું થઇ શકે ? અને આજે તો પાછું ઘર બનાવવાનું હોવાથી એનું મટીરીયલ…તણખલાં..સાઠીકડાં..વિગેરે પણ લાવવાનું હતું. બંને એ સાનમાં કરેલ વાતો હું સમજી ગઇ હતી હોં.!

એ બંને તો ઉડી ગયા….હવે ? હજુ વિચારું ત્યાં તો મારા ત્રીજા મુલાકાતી..હળવેથી આવી ચડયા. બારીમાંથી પારિજાતની ડાળીએ હાથ લંબાવ્યો…અને હું તો સુગંધ..સુગંધ….! કોઇ પણ લીલીછમ્મ ડાળીનું આમંત્રણ નકારવું આસાન થોડું છે ? તો આ તો મારા અતિપ્રિય…નિકટના સ્વજન જેવા પારિજાતનું ભાવભીનું ઇજન. એનો ઇન્કાર શકય હોય ખરો ? મારા આખાયે અસ્તિવમાં …મારા પ્રાણમાં જાણે એક ખુશ્બુ પ્રસરી ગઇ. મારું સમગ્ર ચેતન મહેકી ઉઠયું. એને સ્પર્શવાની અદમ્ય ઇચ્છાને અવગણવી તો અશકય જ ને ? એના એક ઇશારે…એના ભીના ભીના આમંત્રણે હું આખી યે સૌરભથી લથબથ . અને મારો બધો યે પ્રમાદ..કયાં ઉડી ગયો….નીંદરરાણી ને બાય કહી તેણે નીચે પાથરેલ સફેદ, કેસરી , નાજુક, સુરભિત પુષ્પપથારી ને નિહાળવા , તેની સુગંધને શ્વાસમાં સમાવી લેવા હું દોડી…

“આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભભરી રાત સારી…
આજ આ સાલની મંજરી
ઝરી ઝરી ..પમરતી
પાથરી દે પથારી..”

કવિ શ્રી પ્રહલાદ પારેખની આ સરસ મજાની પંક્તિ મનને તરબતર કરી ગઇ. ઉપર આકાશમાં જોયું તો પેલો ચન્દ્ર અંતે ઉષારાણી ની ઝાંખી થતાં ખુશખુશાલ બની તેને ‘ કલ ફિર મિલેંગે ‘ નો વાયદો આપી ઝડપથી દોડી રહ્યો હતો. ઉગતા સૂરજદાદા..ની મર્યાદા તો એણે જાળવવી જ રહી ને ? અને હું પણ પૂરી શ્રધ્ધાથી પૂર્વાકાશે પ્રગટી રહેલ સૂર્યદેવતાને ભાવથી વંદી રહી. પ્રાચીમાં પ્રગટેલ ..કિરણ કટોરી માંથી મૃદુ કિરણો સૃષ્ટિને અજવાળવા વેરાઇ રહ્યા. ને ક્ષિતિજે ગુલાલના છાંટણા છંટાઇ ગયા….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કૃપાની હેલી – દેવદાસ શાહ ‘અમીર’
નાણાંનો બદલો – બાળવાર્તા Next »   

8 પ્રતિભાવો : મારા વહેલી સવારના મુલાકાતીઓ… – નીલમ દોશી

 1. neetakotecha says:

  રાત થી સવાર સુધી ની આવી સફર તો પહેલી વાર માણી. વાંચતા વાંચતા જાણે કાંઇક નવો અનુભવ કર્યો હોય એવુ લાગતુ હતુ.

 2. pragnaju says:

  ગમતાનો ગુલાલ -બાળનાટકોથી વધુ જાણીતા થયેલા નીલમે કલ્પના શક્તીને છુટો દોર આપી કુદરતનો અનોખી રીતે અનુભવ કરાવ્યો છે
  આવાં તરોતાજા સર્જનો આપતા રહેશો.

 3. ramesh shah says:

  તમને આવા મુલાકાતીઓ નો મેળાપ ક્યાં થયો અને ક્યારે? અમદાવાદ ના કયા એરીયા માં આવા અદભુત મુલાકાતીઓ ને મળી શકાય? ફક્ત ક્લ્પનાતીત વર્ણન હોય તો લાખો સલામ.તમારી મુલાકાત કરવીજ રહી-કદાચ તમારી દ્રષ્ટિએ મને પણ આવા મુલાકાતીઓ નો મેળાપ થઈ જાય?બાકી હું તો નાના ગામમાં રહુ છુ અને બ્રાહ્મમૂહર્તમાં ઉઠું પણ છુ.મોર્નીંગવોક માટે ૫=૩૦ ઉઠવાનો કર્મ છે પણ તમને મળેલાં કોઈ મુલાકાતી મળતા નથી કે કદાચ તમારા જેવી દ્રષ્ટિ નથી ! ખુબ સુંદર.અભિનંદન.

 4. સુંદર અનુભૂતિ…. આભાર અને અભિનંદન, નીલમબેન…

 5. સુરેશ જાની says:

  બહુ જ સરસ અભીવ્યક્તી. અમારો સાબરમતીવાસ યાદ કરાવી દીધો. અમારે ત્યાં નાળીયેરીના ઝાડ પર ઘણી બધી સુગરીઓએ માળા બનાવ્યા હતા. તેમની સતત પ્રવૃત્તી જોવાની પણ એક મજા હતી.

 6. Ephedra….

  Thermogenic with ephedra in it. Baltimore ephedra lawyers. Ephedra is it legal. Connecticut ephedra attorneys. Ephedra. Where can i purchase ephedra….

 7. nayan panchal says:

  અત્યંત સુંદર શબ્દો દ્વારા ઉપરથી સાદી દેખાતી ઘટનાનું અદભુત નિરૂપણ.

  આપણી ચોતરફ સુંદરતા પથરાયેલી છે, બસ એને જોવાની દ્રષ્ટિ કેળવવી પડે. Beauty lies in the eyes of the beholder.

  હું હવે મારી આસપાસ આવેલી ઉંચી ઈમારતોમાં, ઘોંઘાટ કરતા વાહનોમાં, જ્યા ધુમાડાનુ સામ્રાજ્ય છે તે આકાશમાં; વૃક્ષો, even જ્યા માટી પણ નથી, માત્ર ડામરના થર છે તે જમીન પર પણ આવુ જ કંઇક નીરખવાનો પ્રયત્ન કરીશ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.