અમારી ભોજનચર્યા – નટવર પંડ્યા

[હાસ્યલેખ]

અમે બોર્ડિંગમાં રહીને ભણતા (?) એ વખતની આ ભોજનકથા છે. પણ એ જમાનાની બોર્ડિંગ એટલે શું એ જાણવું જરૂરી છે. તો જ ભોજનચર્યાનો સાચો આસ્વાદ માણી શકાય. તે વખતે અમારી બોર્ડિંગમાં છ માસ રહેવા જમવા માટે ફકત અઢીસો રૂપિયા જ લેવામાં આવતા. વિદ્યાર્થીઓમાંથી કોઈના પિતાજીને ઘેર કાર નહોતી. અમારામાંથી મોટા ભાગના પ્રાથમિક શાળાના માસ્તરના કે એવી પાતળી આવક ધરાવનારા પિતાનાં સંતાનો હતાં. ઘરેથી દરેકને હાથખર્ચ માટે પચાસ સાઠ, કોઈકને વળી સો રૂપિયા જેવી બાંધી રકમ વાપરવા માટે મળતી, જે બાપાઓને ખૂબ મોટી અને અમને ખૂબ ઓછી લાગતી. તેમાં વધારો મંજૂર કરાવવો તે લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. તેથી જ કડકાઈ સાથે અમારે કાયમી નાતો હતો. અડધી ચા પીવા માટે પણ ઉછી-ઉધારા કરવા પડતા. એ બોર્ડિંગ કે હૉસ્ટેલ એટલે આજના જેવી સંપૂર્ણ સગવડોવાળી નહિ પણ લગભગ સંપૂર્ણ અગવડોવાળી બોર્ડિંગ.

આ બોર્ડિંગમાં દિનચર્યામાં કેન્દ્રસ્થાને ભોજન રહેતું. વચ્ચે એક આડવાત – એક વખત એક વિદ્યાર્થીના પિતાજી આવ્યા. તે આયુર્વેદના જાણકાર. તેથી અમો બધા બેઠા ને તેમણે અમને ‘ભૂખ કઈ રીતે જગાડવી’, ‘હોજરી કઈ રીતે પ્રદીપ્ત કરવી’ એવી વાતો વિગતે સમજાવી. પણ અમારી સમસ્યા સાવ જુદી જ હતી. તેથી વાતને અંતે હું જ બોલ્યો કે હોજરી તો પ્રદીપ્ત થાય, પણ પછી ખાવું શું ? અમારે તો જઠરાગ્નિ પ્રદીપ્ત કરવાની નહિ, બુઝાવવાના ઉપાયની જરૂર હતી. જો કોઈ સારું ખાવાનું (ખાધેબલ) આપે તો હોજરીની તો ગમે ત્યારે ‘હા’ જ હતી. હોજરી તો ચોવીસ કલાક પ્રદીપ્ત રહેતી ને જઠરાગ્નિ તો કોઈ અવધૂત જોગીના ધૂણાની જેમ દિવસ-રાત ભડકે બળતો. મહંમદ બેગડાની જેમ દિવસ-રાતના કોઈ પણ સમયે ખાઈ લેવા માટે અમે તૈયાર અને શક્તિમાન હતા. ‘ખાધું પ્રભુ પચાવે છે.’ એ ભક્તિસૂત્રમાં મને એકસોને દશ ટકા દઢ વિશ્વાસ હતો. ‘અપચો’ શબ્દ અમારા શબ્દકોશમાં જ નહોતો.

અમારી ભોજનચર્યા કંઈક આવી હતી. સવારે ઊઠીને નાહીધોઈ લીધા પછી સાત વાગ્યે અમને ચા આપવામાં આવતી. અમારી એ ચા ખરેખર ‘ચા-પાણી’ હતી જેમ પૃથ્વી પર લગભગ એકોતર ટકા વિસ્તારમાં પાણી છે એવું જ અમારી ચામાં હતું. ચામાં ‘ચા’ (ચાની ભૂકી) જ ઓછી પડતી. તેથી ચાનો રંગ લોહીના ટકા ઘટી ગયેલા મનુષ્ય જેવો ફિક્કો રહેતો. આ ચાને ‘ચા’નું સ્વરૂપ આપવા માટે ત્રણ-ચાર મિત્રો સાથે મળી જૂથ બનાવી, ભાગીદારીમાં ચા-ખાંડ ખરીદી લાવતા. પછી પોતાના હિસ્સે આવેલી ચામાં ઘરની ચા અને ખાંડ ઉમેરી સગડી પર ફરીથી ગરમ કરી કડક ચા બનાવતા. જેને અમે ‘અમીરી ચા’ કહેતા. આ ચાની સાથે ખાવા માટે ભાખરી મળતી, પણ સાંજની. જે ભાખરી સાંજે ગરમાગરમ બની હોય ત્યારે પણ ખાઈ ન શકાય એવા મજબૂત બંધારણ વાળી ભાખરીને અમે છેક બીજે દિવસે સવારે પણ શેકીને ચા સાથે ખાઈ જતા. તે વખતે અમારી બોર્ડિંગમાં રસોડું નીચે જ હતું. ઘણી વાર બોર્ડિંગનો મુખ્ય દરવાજો ખુલ્લો હોય ત્યારે બકરાં કે કૂતરાં ઘૂસી જતાં. ઘણી વાર રસોડું પણ ખુલ્લું હોય પણ ક્યારેય કોઈ બકરું કે કૂતરું અમારી ભાખરી ઉપાડી ગયાનો દાખલો નથી, જો કોઈ નવું કે અજાણ્યું કૂતરું-બકરું હોય તો સાહસ કરે ખરું. આવું કોઈ કૂતરું-બકરું ભાખરી લઈને ભાગી જતું હોય તો અમે તેના મુખમાંથી ભાખરી છોડાવવાનો પ્રયત્ન ન કરતા. સૌ કહેતા કે ‘નવું લાગે છે. અજાણ્યું લાગે છે.’ જો ભૂલેચૂકે તે પ્રાણી અમારી ભાખરી ખાઈ ગયું તો ફરી દેખાતું નહિ. માત્ર અમે જ એવા હતા કે એ જ કઠોર ભાખરીઓ ખાઈને પણ સાજા-તાજા રહેતા.

હવે સીધા જ બપોરના ભોજન પર આવીએ તો અમારું બપોરનું મેનું હતું. ‘દાળ, ભાત, શાક, રોટલી, છાશ.’ એમ તો અમારી ભોજનશાળાની બહારની દીવાલ પર દૈનિક ભોજનની સવાર-સાંજની વાનગી દર્શાવતું મોટું ઝળહળતું બોર્ડ મારેલું હતું. જો કોઈ અજાણ્યો માનવી આ વાનગીઓ વાંચે તો ભોજન બાબતે તો અમને ભાગ્યશાળી જ સમજે એવું સાડીના સેલના બોર્ડ જેવું લોભામણું બોર્ડ હતું. બપોરે અમે જમવા બેસીએ ને તવા પરથી જે ગરમાગરમ રોટલી ઊતરે તે ઊતર્યા પછીની વધુમાં વધુ પાંચ મિનિટમાં ખાઈ જવી પડતી. જો રોટલી ઠંડી થઈ જાય, ઠરી જાય તો અનબ્રેકેબલ બની જતી. તેથી જ ગરમાગરમ રોટલી માટે બૂમાબૂમ થતી. અમારી રોટલી, ભાખરી કે પૂરીના મજબૂત બંધારણનો એક કિસ્સો – એક વાર સાંજે ભોજનમાં પૂરી બનાવવામાં આવી. તે પૂરી મોડી રાત્રે નાસ્તો કરવામાં ખપ લાગે તે માટે અમે ચોરી લીધેલી. રાત્રે બે વાગ્યે તે ચોરેલી પૂરીઓનો ચા અને નાસ્તો પણ કરેલો. પણ કોઈક અવળચંડાએ વધેલી એકાદ પૂરી બારીએથી બહાર ગલીમાં ફેંકી દીધી. બરાબર બીજે દિવસે સવારે આઠ વાગ્યે અમારી બોર્ડિંગના સંચાલક મંડળના પ્રમુખ જે પોતે પણ આ બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા, તે નીકળ્યા. તેમની નજરે પૂરી ચડી. તરત જ તેમણે સ્કૂટર થોભાવી તે પૂરી લીધી. પૂરી બે હાથે ખેંચી, તાણી પણ તૂટી નહિ તેથી તેને ખાતરી થઈ ગઈ કે આ પૂરી બોર્ડિંગની જ છે અને ઉપરની આઠ નંબરની રૂમની બારીએથી જ ફેંકાણી છે. આ મુદ્દે તેમણે ‘રો’ ના જાસૂસની જેમ ઈન્વેસ્ટિગેશન કરી, પૂરી ચોરીનો આખો કેસ પ્રકાશમાં લાવ્યા. પૂરી ચોરવાના મુદ્દે અમને કડક નોટિસો મળી. નોટિસોમાં એવું લખાણ હતું કે, ‘આ રીતે પડેલી પૂરી કોઈ જુએ તો (કદાચ તોડે તો) બોર્ડિંગની પ્રતિષ્ઠા શું ? જેના જવાબમાં અમે ફુલસ્કેપનાં બબ્બે પાનાં ભરાય એવાં માફીપત્રો લખી આપેલ.

રસોઈયા પણ વારંવાર બદલાતા રહેતા. કારણ કે તેઓ જાતે ટિફિન ભરીને ટિફિનમાં જરૂર કરતાંય ઘણી વધારે રોટલી ઘરે લઈ જતા. પણ ઘરે જઈને તેઓ રોટલી ખાઈ શકતા નહિ. તેથી નોકરી છોડી દેતા. કારણ કે માત્ર લોટ અને પાણી જેવા નિર્દોષ પદાર્થોમાંથી જ અમારી રોટલીનો દેહ ઘડાતો. મોણને એમાં ક્યાંય સ્થાન નહોતું. મોણ વળી શું ? રોટલી કે ભાખરીમાં મોણ નાખવું પડે તેની ખબર તો અમને વરસો વીત્યાં પછી પડી. ભોજનમાં દાળ પણ દરરોજ બનતી પણ દાળમાં નાખેલા સ્વાદવર્ધક પદાર્થો વિરોધ પક્ષની જેમ નોખા તરી વળતા ને ધીમે-ધીમે છેક તળિયે બેસી જતા. પછી દાળ સ્વરૂપે માત્ર આછી પાતળી કલરવાળી મરચાની ભૂકીને કારણે સહેજ લાલાશ પડતી દેખાતી. પ્રવાહી જ તપેલામાં તરતું. તેથી દાળ પીરસનારાએ મહાસાગરના તળિયેથી મરજીવાઓ જેમ સાચાં મોતી કાઢવાનો પ્રયત્ન કરે તેમ ડોયો વારંવાર તળિયા સુધી લંબાવી દાળને ગોળ ગોળ ફેરવી, તળિયે પડેલા સ્વાદવર્ધક પદાર્થોને ડોયામાં પકડવાનો પ્રયત્ન કરવો પડતો. પણ ચાળીસ વિદ્યાર્થીઓ માટે બનેલી દાળના મહાસાગરમાંથી અતિ લઘુમતી સ્વરૂપે રહેલા આ ચંચળ પદાર્થો પકડી શકતા નહિ. આમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ ઠંડી થઈ ગયેલી આ દાળને પોતાની ખાનગી તપેલીમાં ભરી, રસોડામાં ભઠ્ઠા પર ગરમ કરી, બબ્બે તપેલી દાળ પી જતા. આજે પણ અમારા મિત્રોમાં કહેવાય છે કે જેટલા જેટલાએ આ દાળ પીધી તે તમામને રાજ્ય સરકારમાં ઉચ્ચ હોદા પર ઑફિસર તરીકે બિરાજે છે. શાક લગભગ બાફેલું જ રહેતું. તેમાં પણ તેલ-મસાલા જેવા તામસિક પદાર્થોને કોઈ સ્થાન નહોતું. ટૂંકમાં અમારું ભોજન સંતો જેવું (પહેલાન) હતું. તેથી અમને અસંતોષ રહેતો.

દર રવિવારે જ્યારે અમારા બોર્ડિંગ સંચાલકોની મીટિંગ થતી અને તેલમસાલા વગરના માત્ર બાફેલા શાક વિશે અમે ફરિયાદ કરતા ત્યારે તેઓ વિસ્તારપૂર્વક બાફેલું ખાવાના ફાયદા વૈજ્ઞાનિક ધોરણે સમજાવી તેમાં શિખામણનો છંટકાવ કરી અમને ટાળી દેતા. અમારી ફરિયાદોમાં દાળમાંથી વંદો નીકળવો, રોટલી ન તૂટવી, ભાત સિમેન્ટના ચોસલા જેવા હોય વગેરે રહેતી. ત્યારે અમારા એક બુદ્ધિજીવી ગણાતા ટ્રસ્ટી અમારી ફરિયાદને મનોવૈજ્ઞાનિક ઢબે ટાળવા શાંત સ્વરે કહેતા કે, ‘ભગો, જુઓ આજે મારે ઘરે પણ દાળમાંથી વાળ નીકળ્યો હતો બોલો ?’ ત્યારે અમારા એક આખાબોલાએ કીધેલું કે, ‘તો પછી તમેય અહીં આવતા રહો ત્યાં શું કામ પડ્યા છો.’ તે આખાબોલાને શિસ્તભંગની નોટિસ મળેલી પણ પેલા બુદ્ધિજીવીએ ત્યાર પછી પોતાના મનોવૈજ્ઞાનિક મંત્રનો ત્યાગ કરેલો. ભાત સિમેન્ટના ચોસલાની જેમ જામેલા અને કાયમ કાચા રહેતા. આ ચોસલું થાળીમાં લઈ તેના પર દાળ નાખતા ત્યારે ‘પથ્થર પર પાણી’ જેવી હાલત થતી. આ દાળ અને ભાતને યુગોથી બાપે માર્યાં વેર હોય એવું લાગતું. ટૂંકમાં ભાતને પલાળીને પોચા બનાવી દેવાની દાળની દાળ ગળતી નહિ. તેઓ મિક્સ થવા માગતા નહિ ને અમે તેને મિક્સ કર્યા વગર છોડતા નહિ. ટૂંકમાં અમારાં દાળભાતને ભેગાં કરવાં એ ભાજપ અને ડાબેરીઓને ભેગા કરીને સરકાર રચવા જેવું અઘરું કામ હતું.

અમે એક હાથેથી સામે છેડેથી થાળીને ઊંચી પકડી રાખતા ને નીચાણવાળા ભાગમાં દાળ સ્વરૂપે એકઠાં થયેલા પ્રવાહીમાં પરાણે ભાતને ચાર આંગળા વડે નિર્દયપણે છૂંદીને મિક્સ કરતા. એમાં પણ થોડી મરચાની ભૂકી છાંટતા. જેથી તીખાશ પકડે. અમને દાળભાતમાં નાખવા માટે લીંબુ કે દહીં એવું કશું મળતું નહિ. ત્યારે કોઈક વિદ્યાર્થી પોતાના ખર્ચે લીંબુ લાવતો ત્યારે બીજા પણ કહેતા કે થોડું મને દે જે, બે ટીપાં પડે એટલું મને દેજે. આમ, એક લીંબુનું અડધું ફાડિયું ચાર-પાંચ જણ નિચોવતા, લીંબુનું છોતરું એકના હાથમાંથી બીજાના હાથમાં જાય ત્યારે દર વખતે તે જોતાં એવું લાગતું કે હવે આમાંથી કાંઈ નીકળશે નહિ. પણ એ નિચોવાયેલા લીંબુને સ્વીકારનારા દરેક વિદ્યાર્થી ‘જોર લગા કે હેઈસા’ કરીને તેમાંથી બબ્બે ટીપાં રસને તો કાઢતો જ. ‘ચિચોડો’ કહેવાતા અમારા એક મિત્રને તો લીંબુનું છોતરું છેલ્લે જ આપવામાં આવતું. આ ‘ચિચોડો’ ઉપનામધારી મિત્રને કુદરતે એવી શક્તિ આપી હતી કે તે પથ્થર નિચોવે તો પણ તેમાંથી રસ કાઢી શકે. ચિચોડો ‘બજરંગબલી કી જય’ બોલીને ગોઠણભેર થઈને, દાંત કચકચાવીને મકરધ્વજની જેમ લીંબુ પર એવું ભયંકર દબાણ કરતો કે ખલ્લાસ થઈ ગયેલા છોતરામાંથી આઠ-દશ ટીપાં રસ નીકળતો. પછી કોઈની તાકાત નહોતી કે તેમાંથી એક ટીપું પણ કાઢી શકે. આ મિત્રના હાથમાંથી લીંબુ નીકળી ગયા પછી સૌ કહેતા બસ હવે ચિચોડામાં આવી ગયું. હવે એમાં કાંઈ ન હોય. આમ ચિચોડાના હાથમાંથી પસાર થયા પછી લીંબુ ખરેખર છોતરું બની જતું.

સાંજના ભોજનમાં ભાખરી, ખીચડી, કઢી અને શાક રહેતાં. આમાં જે દિવસે સેવ-ટામેટાનું શાક બનતું તે દિવસે રંગ રહી જતો. એનો અર્થ એવો નથી કે સેવટામેટાનું શાક ખૂબ સ્વાદિષ્ટ બનતું. સેવટામેટાનું શાક એટલે ખરેખર તો સેવટામેટાની દાળ જ જોઈ લ્યો. ચાળીસ જણ માટે તપેલું ભરીને બનેલા શાકમાં જેમ પેસિફિક મહાસાગરમાં પચાસેક માછલીઓ તરતી હોય તેમ ટામેટાના સાત-આઠ ટુકડા તરતા હોય. રડી-ખડી સેવ તરતી હોય. કારણ કે શાક માટે સેવ પચાસ ગ્રામ જ મંગાવવામાં આવતી. શાકમાં સેવ અને ટામેટા અતિ અલ્પ માત્રામાં હોવા છતાં તે શાકનું નામ ‘સેવટામેટાનું શાક’ કહેવાતું. પીરસતી વખતે કોઈ કોઈના વાટકામાં તો માત્ર સેવટામેટાનો ગરમાગરમ સૂપ જ આવતો. સેવ કે ટામેટું તો આવતું જ નહિ. આવી ઘટના બનવાથી એક વિદ્યાર્થી સેવટામેટાના શાકથી છલ્લોછલ્લ ભરેલો કટોરો લઈ ગૃહપતિ સાહેબની ઑફિસમાં ગયો. અમે પણ ભોજન પડતું મૂકી મનોરંજન ખાતર તેની પાછળ ગયા. તેણે સાહેબના ટેબલ પર વાટકો મૂકી પુણ્યપ્રકોપ ઠાલવતા કહ્યું : ‘સાહેબ આમાં માત્ર એક ટમેટું તો બતાવો, એક ટુકડો તો બતાવો.’ સાહેબ ગુસ્સે થયા. પેલાને દોષિત ઠરાવવા કટોરામાં ચમચી ફેરવવા લાગ્યા. પાંચસાત મિનિટ હલાવતા છતાં ન જોવા મળ્યું ટમેટું કે ન જોવા મળી સેવ ! છતાં સાહેબ ગર્જયા. ‘આ બધું કરવાનું કારણ ?’ પેલાએ કહ્યું, ‘આપણા બોર્ડના દૈનિક ટાઈમટેબલ મુજબ આને સેવટામેટાનું શાક કહેવામાં આવે છે. જેમાં સેવ કે ટામેટા શોધ્યાં જડતાં નથી.’ ત્યારે સાહેબે ફરી પેલા વિદ્યાર્થીને તતડાવતા કહ્યું, તને શું ખબર પડે, આપણે શાક માટે ખૂબ સારી ગુણવત્તાવાળાં પાકેલાં ટમેટાં લાવીએ છીએ. આ ટમેટાં ગરમ થતાં, બફાતાં પાણી સાથે એકરસ થઈ જાય છે. ઓગળી જાય છે. હવે પેલા પાસે કોઈ જવાબ નહોતો. આ વિદ્યાર્થીને પણ ‘સેવટામેટાના શાકના મુદ્દે વિદ્યાર્થીઓની ઉશ્કેરણી’ એવી ગંભીર નોટિસ આપવામાં આવી.

આમ છતાં ભગવાન બુદ્ધે કહ્યું છે કે, ‘દુ:ખ છે તો દુ:ખનો ઉપાય પણ છે.’ આવી રીતે માત્ર પ્રવાહી સ્વરૂપે જ્યારે સેવટામેટાનું શાક આપવામાં આવતું ત્યારે અમે એક સાથે ચાર-પાંચ ભાખરી લઈ અને તે ગરમ હોય ત્યાં જ એનો ભૂકો કરી, ચૂરમું બનાવી આ ભાખરિયા ભૂકામાં ટમેટાની અસરથી ખાટા થઈ ગયેલા પાણીમાં મરચાની ભૂકી નાખી, તીખાશ ઉમેરીતે પ્રવાહીને ભૂકામાં રેડી, તેમાં ભાખરી ચોળીને ચાર-પાંચ ભાખરી ખાઈ જતા. ભાખરીના ભૂકા અને ખાટા-તીખા પાણીથી બનેલી આ ખાટસવાદિયા છાપ નવી જ વાનગી અમે આરોગતા. એનો સ્વાદ સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. કારણ કે તે વાનગીની તુલના થઈ શકે એવી જગતમાં બીજી કોઈ વાનગી જ નથી. તેની તો અનુભૂતિ જ કરવી પડે, શબ્દોથી વર્ણવી શકાય નહિ. આમ જેને સેવટામેટાનું શાક જ ન કહી શકાય એવા શાકમાં પણ અમે ભરપેટ જમી લેતા. પેલા બબ્બે તપેલી દાળ પીનારા તો દશ-દશ ભાખરી ચોળીને ખાઈ જતા. પછી ગીરના સાવજ ડણકતા હોય એમ કાચા-પોચાના તો હાંજા ગગડી જાય એવા રજવાડી ઓડકાર ખાતા. અમારા ઓડકાર ધ્વનિ (જેનું મહત્વ ત્યારે ‘ૐકાર’થી પણ વિશેષ હતું.) સાંભળનાર ને ભારોભાર ઈર્ષ્યા થાય કે આ આવા ઓડકાર ખાય છે તો તેમનું ભોજન કેવું સ્વાદિષ્ટ હશે ?’ આમ ઓડકાર એ અમારી ભોજનચર્યાની ખૂબી હતી. અમને ભલે કાંઈ ન મળતું પણ ઓડકાર તો બીજાને ઈર્ષ્યા થાય તેવા જ ખાતા. પેલા શ્રદ્ધાસૂત્રમાં અમે ઉમેરો કર્યો હતો કે, ખાધું પ્રભુ પચાવે છે એટલું જ નહિ, ‘કાચું પણ પ્રભુ પચાવે છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રસન્નતા – મણિલાલ દ્વિવેદી
યાત્રા – યશવંત કડીકર Next »   

35 પ્રતિભાવો : અમારી ભોજનચર્યા – નટવર પંડ્યા

 1. Mital says:

  Natwarbhai and Mrugeshbhai,
  Kharekhar Hasya lekh vanchi ne mari bhavnagar ni hostel yaad avi gayee.
  Natwarbhai e je shabdashah varnan karyu ewu j amari hostel ma thatu, pan teni pan majaa and anand alag prakar no hato.
  aaje USA ma rahi ne , uttam prakar na bhojan khai ne pan je anand nathi madto, te tyaare hostel nu કાચું khaai ne pan madto hato…

  Aa lekh vanchi ne jaane hostel ma pahonchi gaya hoi ewu ghadi bhar to laagyu.

  Aa hasya lekh maate, hoon and mara hostel na vidhyarthi mitro aapno aabhar maaniye chhiye.
  Mital

 2. ખુબ જ સુંદર લેખ… વાંચતા વાંચતા મને એકવાર વિચાર આવી ગયો કે લેખકશ્રી ક્યાંક મારી બોર્ડિંગની વાત તો નથી કરતાને !!

 3. GUNVANT PANCHAL says:

  On a similar reasons & added atrocity of increase in Hostel mess bill of our L.D.College of Engineering , Ahmedabad (in year 1972 ) there was biggest student movement called NAVNIRMAN. A govt. was toppeled because of that.

 4. Vikram Bhatt says:

  અત્યન્ત બારીકાઈથી હાસ્ય ઉપજાયેલ લેખ. ખુબ હસ્યા, સાચ્ચે જ.

 5. Pratik Madhani says:

  Kkahani har hostel ki……

  Very nice articlesss

 6. chetan says:

  સરસ, ખુબ હસાવ્યા.

 7. Hardik says:

  natvarbhai,

  Awesome article..we really went in our heydays of our hostel. Its coincident that all hostels have the same stories from food to rectors:) time and place doesnt matter…yes food menu was better then yours..:)
  Thanking again from heart and also one of my batchmate and bro who forwarded this link..thnx mital..

 8. chirag says:

  ખુબ સરસ્.. really nice to read such a cool article…

 9. Bharat Lade says:

  Very nice, ha ha ha ……

 10. Dhaval B. Shah says:

  Nice one.

 11. pragnaju says:

  નટવર પંડ્યાની અમારી ભોજનચર્યા જે વિરલાઓ
  હોસ્ટેલમાં રહ્યા હોય તે સારી રીતે માણી શકે!
  આપણા ગુજરાતીમાં બોર્ડીગ રહેવા અને લોજીંગ જમવા માટે વપરાય છે પણ અંગ્રેજીમાંથી ઉતરી આવેલ આ શબ્દોનો અર્થ બોર્ડીગ જમવું તથા લોજીંગ રહેવું થાય છે એમ અમારા શિક્ષક કહેતા. હવે તો જે શબ્દો જે રીતે વધુ લોકો વાપરે તે સાચુ તરીકે સ્વીકારાય છે. મારા અનુભવોની નટવર પંડ્યાને કેવી રીતે ખબર પડી?
  અભિનંદન

 12. khushboo says:

  અમારે પન કઈક આવુજ હતુ.

 13. Bhavna Shukla says:

  બધી વાનગીઓ મા ખીચડી અને કઢીનુ વર્ણન બાકી રહી ગયુ તેથી અધુરપ લાગે છે.
  માતા (મમ્મી કહુ તો વધુ રુચે) ના હાથના વ્હાલના કોળીયા ભરતા ભરતા લોજીંગ ના (કદાચ જ ખાધેબલ) કોળયા ભરતા ભરતા સ્થૂળ હાસ્ય નિરુપાયુ છે તેની પાછળ જે સુક્ષ્મ કટાક્ષો ડોકાઈ રહ્યા છે તે વિદ્યાર્થી જીવનની (જગતની) સૌથી મોટી વિટંબણા રહી છે. ભાગ્યે જ કોઈ આમાથી બાકાત રહ્યુ હશે માટે આખો લેખ બહુ પોતિકો લાગ્યો. ખરુ કહુ તો વિદ્યાનગરની એક ખરે જ સારી (ભોજનપુર્વક) હોસ્ટેલ મા રહેતા ત્યારે પણ આમાનુ દરેક એક યા બીજા બહાને ભોગવેલુ જ છે. યાદ કર છુ તો આવો જ એક હાસ્ય સભર લેખ બની રહે. નટવર પંડ્યાને અભિનંદન.
  આ સાથે,
  ……………………………………………………………..
  હે ઈશ્ તારી સૃષ્ટિમા ખારાશ કમ નથી
  આથીજ હ્રદયના રુદન ને હસી વહાવુ છુ.

 14. Bhavna Shukla says:

  બધી વાનગીઓ મા ખીચડી અને કઢીનુ વર્ણન બાકી રહી ગયુ તેથી અધુરપ લાગે છે.
  માતા (મમ્મી કહુ તો વધુ રુચે) ના હાથના વ્હાલના કોળીયા ભરતા ભરતા લોજીંગ ના (કદાચ જ ખાધેબલ) કોળયા ભરતા ભરતા સ્થૂળ હાસ્ય નિરુપાયુ છે તેની પાછળ જે સુક્ષ્મ કટાક્ષો ડોકાઈ રહ્યા છે તે વિદ્યાર્થી જીવનની (જગતની) સૌથી મોટી વિટંબણા રહી છે. ભાગ્યે જ કોઈ આમાથી બાકાત રહ્યુ હશે માટે આખો લેખ બહુ પોતિકો લાગ્યો. ખરુ કહુ તો વિદ્યાનગરની એક ખરે જ સારી (ભોજનપુર્વક) હોસ્ટેલ મા રહેતા ત્યારે પણ આમાનુ દરેક એક યા બીજા બહાને ભોગવેલુ જ છે. યાદ કર છુ તો આવો જ એક હાસ્ય સભર લેખ બની રહે.
  અમને ભલે કાંઈ ન મળતું પણ ઓડકાર તો બીજાને ઈર્ષ્યા થાય તેવા જ ખાતા.
  નટવર પંડ્યાને અભિનંદન.
  આ સાથે,
  ……………………………………………………………..
  હે ઈશ્ તારી સૃષ્ટિમા ખારાશ કમ નથી
  આથીજ હ્રદયના રુદન ને હસી વહાવુ છુ.

 15. Atul Jani says:

  વાત સાચી છે. લગભગ મોટા ભાગ ના વિદ્યાર્થીઑ આ પ્રકાર ના ભોજન નો આનંદ (?) માણી ચુક્યા હોય છે. આ બધી અવ્યવસ્થા ના કારણો માં મને તો આપણી બેદરકારી જ વધારે જવાબદાર લાગે છે.

  When student avoid study, Organizor loose management power, politicians avoid people, Teachers avoid education and concentration on only self pleasure then the whole system broke down.

  આ હાસ્ય લેખ છે તે હુ જાણુ છું. પરંતુ જ્યારે ભોજનશાળા પૌષ્ટિક ભોજન ન આપી શકે, બોર્ડીંગો વ્યવસ્થીત રહેવાની વ્યવસ્થા ન આપી શકે તો વીદ્યાર્થીઑનુ ચિત્ત ભણવામાં ક્યાથી રહે ?

  આપણે વિકટ પરિસ્થિતિ ને હસી કાઢીયે છીઍ પરંતુ વિકસેલ દેશો ની માફક પરિસ્થિતિ નો હલ શોધતા નથી અને તેથી જ આપણી પાસે સંસાધનો હોવા છતા
  આપણે અભાવ મા જીવીયે છીએ.

 16. kunal says:

  હસી હસીને પેટની હાલત તો ‘ચિચોડા”ભાઈએ નીચોવેલા લીંબુ જેવી થઈ ગઈ … 😀

  મજા પડી ..

 17. Ashish Dave says:

  Simply great. Reminded me my days of Bhavnagar hostel.

  Ashish Dave
  Sunnyval, California

 18. Prashant Mehta says:

  Actually this is the story of my hostel too. Mital Juthani has been my junior in hostel when we were studying in engineering in Bhavnagar. These were the great days of life.Yes, you told the correct thing the people who have taken the food are on good position nowadays. I do not know but in Bhavnagar, Mahavir Jain Vidyalaya the people who have enjoyed this food are now working in MNCs and many of them are working in Europe and America. I am too in USA. I think these sufferings teach many lessons of life which otherwise can not be learned. It happened once in my hostel that our rector tried hard to find the source of peal(fotru) of onion in the hostel as it was a jain hostel and onion was prohibited. However, he could not find and seated peacefully afterwords.Thanks for writing this kind of article.

 19. Prashant Mehta says:

  Actually this is the story of my hostel too. Mital Juthani has been my junior in hostel when we were studying in engineering in Bhavnagar. These were the great days of life.Yes, you told the correct thing the people who have taken the food are on good position nowadays. I do not know but in Bhavnagar Mahavir Jain Vidyalaya the people who have enjoyed this food are now working in MNCs and many of them are working in Europe and America. I am too in USA. I think these sufferings teach many lessons of life which otherwise can not be learned. It happened once in my hostel that our rector tried hard to find the source of peal(fotru) of onion in the hostel as it was a jain hostel and onion was prohibited. However, he could not find and seated peacefully afterwords.Thanks for writing this kind of article.

 20. maurvi vasavada says:

  વાહ મજા પડી ગઇ. This me make me to remember my hostel days.

  Very nicely cured article.

  One thing i would like to share. Has anyone ever seen the રસા વાળુ ભીંડાનુ શાક? we have not seen but had to eat in our hostel. o I Really miss those days. They were great days. eventhough i did not like them at that time, today i miss them.

 21. Atul Jani says:

  Mauravi તમારી વાત સાચી છે. મેં પણ હોસ્ટેલ માં રસાવાળા ભીંડાનું શાક ખાધું છે. ઘરે કોઈ તે બનાવવાની હિંમત એટલા માટે નથી કરતું કારણ કે તે ઘણું જ ચિકણૂં થઈ જાય છે. પરંતુ હોસ્ટેલ માં તો કોઈ પણ શાક નો જથ્થો વધારવાનો સરળ ઊપાય પાણી જ છે, તેથી હોસ્ટેલમાં રસાવાળા ભીંડાનુ શાક સહેલાઇથી ઉપલબ્ધ થાય છે.

 22. Atul Jani says:

  તમારુ નામ English માં ઍટલે લખ્યું છે કે મને તમારા નામ નો ઉચ્ચાર ગુજરાતી માં કરતા ન આવડ્યો.

 23. Dipak Vagadiya says:

  મને મારા હોસ્ટેલના દિવસો યાદ આવી ગયા. ઘણુ સામ્ય્ છે.

 24. Jayesh says:

  Superb article. Those of us who have stayed in hostel could connect to the article instantly. I strongly believe that those who do not get to live in hostel miss out on very exciting experience of life.

 25. Dhaval says:

  LOL…..nice article indeed…..
  I have also seen such incidences when I was studying at Vidhyanagar.

 26. Vipul Chauhan says:

  Very nicely memorized ! In the era of Hi-fi Boarding schools this kind of enjoyment will not be there.
  I also passed my 4 years in a hostel… there food was OK….
  I enjoyed this article very much… particulary Chichodo.

 27. Mehul Parmar says:

  A Really superb article. It reminds me my older days of L.D. Engg. College. જ્યા મેસ મા રોજ જે વિદ્યાર્થિ શાક નુ નામ કહિ આપે તેને free ભોજન મળતુ.

 28. ઋષિકેશ says:

  It reminded me of my hostel days, but I was lucky to be in Rajkot Lohana boarding where the food was great. Probably an exception in the kind of boardings everyone is talking aboug. 🙂

 29. Bhoomi Trivedi says:

  ખુબ જ સરસ. લેખ વાચિને મને તો મરા hostel ના દિવસો યાદ આવિ ગયા. ખરેખર બહુજ સરસ. પણ એ દિવસો પણ બહુજ પ્રિય દિવસો હતા , hostel મા રહિને મા ના હાથ ના ભોજન નિ કિમત શુ એ ખબર પડી. 2 years hostel મા રહિને જ્યારે હુ ઘર આવી ત્યારે mummy જેનૂ પાણ શાક બનાવતી એ ચુપચાપ જમી લેતી. But i enjoyed those days a lot… everyday my little sis used to call me to inform me that they had delicious lunch and dinner.. and i used to cry on phone….. once i told my mummy that we dont get good food and my papa cried that day a lot… papa ની તો હુ લાદકિ દિકરિ રહી ને .. but after that i never complaint abt that bcoz i knew that if i say anything it will hurt papa…. જયારે રજા પડતી ને હૂ ઘરે અવતી ત્યારે તો જલસા પડી જતા. મા રોજ રોજ નવી નવી વાનગીઓ મારા માટે બનાવાતી. પણ hostel ના એ દિવસો અદ્ભભુત હતા.

 30. ખુબજ મજા પડિ ગઇ. આભાર … વાહ ગુજરાત …

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.