યાત્રા – યશવંત કડીકર

‘બા, રિક્ષા આવી ગઈ’ નાના દીકરા અજયના અવાજથી બામાં સ્ફૂર્તિ આવી ગઈ. તેઓ જલદી જલદી એમનો સામાન સમેટવા લાગ્યાં. હજુ તો નવ વાગ્યા હતા. દસ વાગ્યાની ‘ટ્રેઈન’ હતી. અને પછી એમની બહેન દક્ષા અને સંબંધી મનુભાઈ, હંસાબેન પણ સ્ટેશન પર મળશે. કેટલાય દિવસોથી એમના મનમાં ઈચ્છા હતી કે પોતાનું ઘડપણ સુધારી લે. હરદ્વાર જઈ ગંગાજીમાં ડૂબકી મારી આવે. જ્યાં સુધી શરીરમાં થોડી ઘણી તાકાત છે, તો યાત્રા થઈ જાય, નહીં તો પછી કોઈની મદદની જરૂરત પડે.

આમ તો ભગવતીબેન મક્કમ મનનાં અને શરીરે સ્વસ્થ હતાં. એમના પતિ રેલવેમાં નોકરી કરતા હતા, એટલે રેલવેના પાસમાં એમણે થોડી ઘણી યાત્રાઓ કરી હતી. પરંતુ ઘણાં વર્ષોથી એમને હરદ્વાર જઈ, મા ગંગામાં સ્નાન કરવાની ઈચ્છા હતી. આ વખતે સારો સંગાથ પણ મળી ગયો. પ્રભુએ જાણે એમની વાત સાંભળી હોય એમ બધું જ ગોઠવાઈ ગયું. ઘરની ખાસ ચિંતા હતી નહીં. બંને દીકરા ડૉક્ટર હતા, બંને વહુઓ પણ ડૉક્ટર હતી. એમને ઉજળો વસ્તાર હતો. દીકરી પણ પરણીને સાસરે ગઈ હતી. એટલે ઘરની તો નિરાંત હતી.

અને આ ઘરની જવાબદારીઓ તો એવી છે કે કદી પૂરી ના થાય. પહેલાં પોતાનાં છોકરાઓનું કરો. પછી છોકરાઓના છોકરાઓનું. છોકરાઓના છોકરાના નામથી ભગવતી બેનના મ્હોં ઉપર કંઈક ઉદાસીનતા છવાઈ ગઈ. નાના દીકરા અજયની બેબી હજુ ત્રણ વર્ષની થઈ રહી હતી. હજુ તો હરવા-ફરવામાં, બોલવામાં એને તકલીફ પડી રહી હતી. બસ, બેસાડો ત્યાં એક જ જગ્યાએ બેસી રહે. નાનો દીકરો અને વહુ તો ડૉક્ટર હતાં એટલે એમના દવાખાનામાં વ્યસ્ત રહે. વ્યવસ્થા એવી કરી હતી કે કોઈ બાઈ રાખી લેવી યા નાનાની સાસુને અનુકૂળતા હોય તો બોલાવી લેવાં. પરંતુ બીજી વાત એ પણ હતી કે સારો સંગાથ મળ્યો છે તો જઈ આવવું.

‘બા, રિક્ષા આવી ગઈ છે’ બાને મોડું કરતાં જોઈ નાના દીકરા અજયે ફરી કહ્યું અને ભગવતીબેન વિચાર નિંદરમાંથી જાણે ઝબકીને જાગ્યાં. એમણે જલ્દી નાસ્તો ભરી લીધો અને ‘બેગ’ લઈને બહાર નીકળ્યાં. અજયે એમને રિક્ષામાં બેસાડ્યાં. એમની ‘બેગ’ મૂકી અને બાને પગે લાગી એ બાજુમાં ખસી ગયો. વહુ તો દવાખાને જવા નીકળી ગઈ હતી. શહેરમાં મોટો દીકરો રહેતો હતો. એનાં છોકરાં તો મોટાં થઈ ગયાં હતાં, એટલે એની ખાસ ચિંતા નહોતી. કેવા એ આનંદના દિવસો હતા. મોટા દીકરા શૈલેષનાં લગ્ન થઈ ગયાં હતાં. વહુ પણ ખૂબ શાણી અને ડાહી મળી હતી. એને તો બે છોકરા હતા લવ અને કુશ. કુશ મોટો, લવ નાનો. બંને સ્કૂલમાં ભણતા હતા. કુશ તો દસમા ધોરણમાં બોર્ડમાં નંબર લાવ્યો હતો. હવે તે બારમામાં હતો. નાનો દીકરો લવ પણ નવમા ધોરણમાં હતો. બંને ભણવામાં હોંશીયાર હતા. ભગવતીબેનને મોટા દીકરાની કોઈ ચિંતા ન હતી, પરંતુ નાનો એમની સાથે રહેતો હતો. એની દીકરી પ્રિયમ નાની હતી એટલે એની ચિંતા રહેતી. ‘છોકરીની જાત છે, કોણ એને સાચવશે, પારકાં પોતાનાની જેમ તો ના જ રાખે ને ?’ આમ વિચારતાં વિચારતાં જ ભગવતીબેનની આંખમાં આંસુ આવી ગયાં.

‘હવે ભગવતીબેનને આ શું સૂઝ્યું, તે યાત્રાએ જવા તૈયાર થયાં છે.’ આજુબાજુની પાડોશની સ્ત્રીઓ વાતો કરતી. તો કોઈક એમ પણ કહેતું કે – ‘પહેલાં મોટા છોકરાનું કર્યું. હવે યાત્રાએ જવાના દિવસ આવ્યા, કુટુંબની જવાબદારીઓમાંથી કંઈક મુક્તિ સાંપડી, તો અજયની બેબીએ એમને ઘરમાં જકડી લીધા.’ ભગવતીબેનને પણ થયું કે ‘શું બધાની સેવા ચાકરી કરવાની જવાબદારી મારી એકલીની જ છે. મારી તો કોઈ ઈચ્છા કે પસંદગી જ નહીં.’ એમને એમના વતન કડીનો એક પ્રસંગ યાદ આવ્યો….

એક કુટુંબમાં એક અપંગ બાળકનો જન્મ થયો હતો. આ બાળકનાં માતા-પિતા તો નોકરી કરતાં હતાં. દાદીમા આ અપંગ બાળકને સાચવતાં. એક દિવસ આ બાળકની માતા એમને કહી રહી હતી – ‘દાદીમા, મારા બાળકને સાચવે છે. અમે તો એમના આભારી છીએ જ.’ નહીં તો પછી કોઈ અનાથ આશ્રમમાં મૂકી આવીશું. ભગવાને એના ભાગ્યમાં લખ્યું હશે, તે થશે. ‘અપંગ બાળકો વારસાગત જીન્સમાંથી ખરાબીના કારણે, કે પછી ગર્ભ સમયે કોઈ ‘એન્ટીબાયોટીક’ દવા લેવાના કારણે જન્મે છે.’ આમ ડૉક્ટર શાહ કહી રહી હતી. પતિ-પત્ની બંને નોકરી કરતા હોય તો આવાં બાળકોના પાલન-પોષણમાં તકલીફ પડે છે. આજના જમાનામાં નોકરી મળતી નથી, એટલે નોકરી છોડવી એ સમસ્યાનું સમાધાન નથી. ઉપચાર પણ ખૂબ જ કરાવ્યા. ઘણા બધા ડૉકટરને બતાવ્યું. બાધા-માનતાઓ પણ ઘણી રાખી, પ…ણ કંઈ પરિણામ ના આવ્યું. મા-બાપ માટે આ બાળક ચિંતાનું કારણ હતું. જેટલા મ્હોં એટલી વાતો. કોઈ કહેતું કે કોઈ જન્મનાં કર્મ હશે. કોઈ કહેતું કે કોઈ જન્મનાં કર્મ હશે. કોઈ કહેતું કે કોઈ વડીલનો આત્મા દુભવ્યો હશે…. પરંતુ આ બધી વાતોનો શો અર્થ ? હવે તો ડોકટરો પર જ આધાર. એક ડોક્ટરે આશા બંધાવી હતી કે ‘આવાં બાળકોનો વિકાસ મોડો થાય છે. સામાન્ય બાળક કરતાં એના વિકાસની ગતિ ધીમી હોય છે. આ માટે કંઈ ચોક્કસ ના કહી શકાય. હવે તો જે છે, તે આપણું નસીબ…. આવું પેલા બાળકની માતા કહી રહી હતી.

ભગવતીબેનને થયું કે મારી પૌત્રીની કોણ સંભાળ લેશે ? એના મમ્મી-પપ્પા દવાખાને જશે, ત્યારે આ બાળકીનું કોણ ? નોકર તો નોકર જેવું કરે. એને તો પગારથી મતલબ. એનામાં બાળક પ્રત્યે લાગણી થોડી હોય ? આમ વિચારોના વમળમાં ભગવતીબેન ટ્રેનમાં આવીને પોતાની જગ્યા પર ગોઠવાઈ ગયાં. એમની બહેન દક્ષા અને સંબંધી મનુભાઈ અને હંસાબેન પણ સ્ટેશન ઉપર સમયસર આવી ગયાં હતાં. બધાનું ‘રિર્ઝવેશન’ પણ એક ડબ્બામાં સાથે જ હતું. ટ્રેન હરદ્વાર તરફ દોડી રહી હતી. આખા રસ્તે ભગવતીબેન ખૂબ જ ખુશ હતાં. ભજન-કિર્તન કરતાં-કરતાં રસ્તો કપાઈ રહ્યો હતો. પછી તો બધાની આંખ પણ લાગી ગઈ હતી.

‘હર…. હર… ગંગે’ ના અવાજથી ભગવતીબેનની આંખ ખૂલી ગઈ. તો શું હરદ્વાર આવી ગયું. જલદીથી પોતાનો સામાન સમેટી બધાંની સાથે તેઓ નીચે ઊતરી ગયા.
‘ઓહ, કેટલી શાંતિ છે અહીં… આ રેલવે સ્ટેશનનો દરવાજો પણ કેવો સુંદર બનાવ્યો છે. અહીંથી હવે “ગુજરાતી સમાજ” માં જઈએ. ત્યાંથી આગળનો કાર્યક્રમ બનાવીશું. ભગવતીબેન પોતાની જાતને ધન્ય માની રહ્યાં હતાં. આમેય એકવાર તે એમના મોટા દીકરા સાથે અહીં ફરવા માટે આવ્યાં હતાં. એણે અહીં ઘણું બધું બતાવ્યું પણ હતું. પણ આવા સરખે-સરખાના સાથની મજા જુદી જ હોય છે. આજુબાજુના દશ્યો જોતાં તે ‘ગુજરાતી સમાજ’ પહોંચ્યા. અહીં આવીને બધાં ન્હાઈ-ધોઈ, જમીને આરામ કરવા લાગ્યાં. પરંતુ દુનિયાના વ્યવહાર એવા છે, જે ક્યારેય પીછો નથી છોડતા. ભગવતીબેનને ફરી એમના નાના દીકરાની દીકરી પ્રિયમની યાદ આવી ગઈ.

‘શું વિચારો છો, મોટી બહેન ?’ એમની નાની બહેન દક્ષાના અવાજથી એ ચમકી ઊઠ્યાં – ‘કશું જ નહીં, બસ, જરા પ્રિયમની યાદ આવી ગઈ….’ ભગવતીબેને કહ્યું.
‘ઓહ, મોટી બહેન, એક અઠવાડીયાની તો વાત છે. હવે અહીં ભજન-પૂજનમાં મન જોડો. ઘર છોડીને આપણે શાંતિ માટે તો અહીં આવ્યા છીએ.’ એમની બહેન દક્ષા કહી રહી હતી.
‘હા બહેન, હવે ઘડીક શાંતિથી સૂઈ જાઓ. સાંજના ‘હરકી પેડી’ એ જઈશું. આરતીના સમયે તો ગંગાજી ખૂબ સરસ લાગે છે.’ મનુભાઈએ કહ્યું.

ભગવતીબેન કંઈ પણ બોલ્યા વગર આંખો બંધ કરીને સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. પરંતુ એમના મનમાં તો ‘તુમુલ યુદ્ધ’ ચાલી રહ્યું હતું. વારે વારે પ્રિયમનો ચહેરો સામે તરી આવતો હતો. પ્રિયમ શું કરતી હશે ? આજે તો રવિવાર છે એટલે એમની પુત્રવધુ કેતલ ઘેર હશે. પરંતુ આ તો એક અઠવાડિયાની વાત છે. જે થશે, એ જોયું જાશે ! પ્રિયમે દૂધ પીધું હશે કે નહીં. એને તો દાળભાત ચોળીને સૂતાં-સૂતાં જ ખવરાવવાં પડે છે. ક્યાંક ગળામાં કશુંક અટકી ના જાય. વચ્ચે-વચ્ચે પાણી પણ પાવું પડે છે. આ બધી વાતની પેલી કામવાળીને તો ખબર હોય નહીં.
‘બહેન, તૈયાર થઈ જાઓ’ ભગવતીબેને સાલ્લો બદલ્યો. એક સાલ્લો, લોટો, થોડા પૈસા થેલીમાં મૂક્યા. અને તેઓ જવા માટે તૈયાર થઈ ગયાં. હવે અહીં સુધી આવ્યા છીએ, તો ગંગાજીમાં ડૂબકી લગાવીએ. બધાં પાપ ધોવાઈ જાય. ‘બહેન, બધાં એકબીજાનો હાથ પકડી રાખજો. ખૂબ જ ભીડ થાય છે. આરતી પૂરી થયા પછી ભીડ ઓછી થઈ જાય છે. ત્યારે આપણે ડૂબકી લગાવીશું.’ હંસાબેન સમજાવી રહ્યાં હતાં.

ખૂબ જ સુંદર દશ્ય છે. ઘાટ પરનાં બધાં મંદિરોમાંથી આરતી તૈયાર થઈને આવે છે, અને પછી ‘હર…હર…. ગંગે’ થી આખું વાતાવરણ ગૂંજી ઊઠે છે. પુલ ઉપરથી આ બધું ખૂબ જ અલૌકિક લાગે છે. ગંગામાં તરતા સેંકડો પ્રગટાવેલા દીવા ખૂબ જ અદ્દભુત દશ્ય ખડું કરે છે. ગંગાજીમાં ડૂબકી લગાવ્યા પછી…. એક ટોપલામાં પત્તાં ઉપર લોટમાંથી બનાવેલા કોડીયામાં દીવો લઈ આવેલ પંડિતે કહ્યું : ‘બા ! આ દીવો પ્રગટાવી ગંગાજીમાં વહેતો મૂકી દો. ઘર-કુટુંબની સુખ-શાંતિ માટે આ દીવો ગંગાજીમાં વહેતો મૂકવામાં આવે છે.’ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવતીબેને દીવો ગંગાજીમાં વહેતો મૂક્યો. આ પ્રગટેલા દીવામાં ભગવતીબેનને પ્રિયમનો ચહેરો દેખાયો. ભગવાન, પ્રિયમને સાજી-નરવી રાખજે.
‘હવે આપણે કાલે બદ્રીકેદાર જવા માટે વિચારીએ. વારે વારે તો અહીં આવવાનું નથી ને. શો ફેર પડે જો એક અઠવાડિયાના બદલે બે અઠવાડિયાં થાય તો. આપણી યાત્રા તો પૂરી થાય.’

રાત્રે જમીને બધાં પાછાં આવ્યાં. ભગવતીબેનના મનમાં તો હજુ પેલું દ્વંદ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. ‘શું મેં એ સારું કર્યું કે હું પ્રિયમને મૂકીને અહીં આવી. એક બે અઠવાડિયામાં તો એ હેરાન પરેશાન થઈ જશે, અને અજય અને કેતલ પણ એને કેવી રીતે સાચવતાં હશે. તો શું હું પાછી ચાલી જાઉં. પ..રં..તું… એકલી કેવી રીતે જઈશ ? ‘ના રડીશ મારી પ્રિયમ બેટી, ના રડીશ, હું આવું છું. ગંગાસ્નાન તો થઈ ગયું છે અને ગંગાજીને પ્રિયમને સાજી-નરવી રાખવા માટે પ્રાર્થના પણ કરી લીધી છે. હવે તો મારી પ્રિયમને સાચવવી એ જ મારી તીર્થયાત્રા છે. જ્યાં સુધી જીવીશ, ત્યાં સુધી એની જ સારસંભાળ લેતી રહીશ.’

સવારે બધાં જલદી-જલદી સામાન બાંધવા લાગ્યાં.
‘ભગવતીબેન ટ્રાવેલ્સની બસમાં જઈશું. ચાર સીટ આગળની એકસાથે ‘બુક’ કરાવી લઈશું.’ હંસાબેન કહી રહ્યાં હતાં. પરંતુ ભગવતીબેન તો જાણે સાંભળી જ ના રહ્યાં હોય – ‘બહેન, મને તો પાછા જવાની ટિકિટ કઢાવી આપો. મારી પ્રિયમ મને યાદ કરી રહી છે.’
‘શું વાત કરો છો, ભગવતીબેન ?’ મનુભાઈએ કહ્યું.
‘હા, મનુભાઈ, મેં નક્કી કરી લીધું છે. હવે તો હું પાછી જ જઈશ. મારું મન તો પ્રિયમમાં જ છે, શરીરથી જ હું અહીં ફરી રહી છું. મારાથી નહીં રહેવાય.’

બધાંને ખૂબ જ નવાઈ લાગી. ભગવતીબા આટલાં જલદી કેમ પાછાં આવ્યાં ? ભગવતીબેને તો પ્રિયમને પોતાની છાતીએ લગાવી દીધી, અને કહ્યું – ‘મારી તીર્થયાત્રા તો દીકરી તારી જાળવણીમાં છે.’ ત્યાં સુધીમાં તો અજય અને એની પત્ની કેતલ આવીને બાને પગે લાગી રહ્યાં હતાં. બધાંની આંખો પ્રેમનાં અશ્રુઓથી ભીંજાયેલી હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમારી ભોજનચર્યા – નટવર પંડ્યા
માનવયંત્ર – મૃગેશ શાહ Next »   

24 પ્રતિભાવો : યાત્રા – યશવંત કડીકર

 1. ramesh shah says:

  લગભગ બધાજ દાદા-દાદી અને નાના-નાની ની વાત.મારું પોતાનું ઘર પણ બાકાત નથી….મારા પત્ની એટલે બીજાં ભગવતીબહેન જ્.

 2. ANGEL says:

  મારા બા હવે રહ્યા નથિ ….. i miss her alot

 3. ANGEL says:

  મારા બા હવે રહ્યા નથિ ….. પન આ વાચિને એમનિ બહુ જ યાદઆઆ વિ ગઈ…………..

 4. Minu says:

  Lucky family who has such a great Grandma. Some kids and family missed such grand parents even though they are present. Some times, elderly people have their own ideas and rules, also feel that it’s a burden for them to take care of their grand children. Though, they feel great when their children are taking their care. May be it’s a destiny. In Gujarati, it says, “Chhoru kachhoru thay pan MAvatar K Mavatar na thay”, may be it’s a reverse.

 5. pragnaju says:

  ભગવતીબેને તો પ્રિયમને પોતાની છાતીએ લગાવી દીધી, અને કહ્યું – ‘મારી તીર્થયાત્રા તો દીકરી તારી જાળવણીમાં છે.’
  ભગવતીબેનની જગ્યાએ મારું અને પ્રિયમની જગ્યાએ ૫-પુત્ર-પુત્રી કે ૯ પૌત્રો-પૌત્રીનું નામ લખો .
  પછી થોડા સમય સ્થળ બદલવાના રહે!

 6. neetakotecha says:

  મારા દાદી પણ મને ખુબ પ્રેમ કરતા હતા.મારા દાદી જે યાત્રા એ ગયા છે ત્યા થી શુ એ પાછા આવી શકશે?
  યશવંત ભાઈ તમે રડાવી દીધુ. એ વ્હાલ યાદ કરાવી દીધુ અને એ વાર્તા ઓ યાદ કરાવી દીધી.

 7. Dhaval B. Shah says:

  Nice one.

 8. Bhavna Shukla says:

  મારા નાનીમા (હવે તો નથી આ દુનીયામા) ને સ્વપ્ન પણ એવાજ આવતા કે નાના ગામડા મા કોઇ પ્રસંગે ગયા હોય ને જમણવારની પંગત પડી હોય (પરંપરાગત રીત તો એ જ હતી. બુફે નો ફાયદો એટલો જ કે બગાડની સ્વતંત્રતા… પીરસણ મા તો જેટલુ પીરસાયુ હોય તેનથી વધુ બગાડી ના શકાય અને બા અમારી બધાની જગ્યા રાખીને બેઠા હોય ને કોઇની સાથે કાયદેસર ઝઘડી રહ્યા હોય. ઉંઘ મા “એ બેન થોડા દુર બેસો અહિ તો મારી છોકરી આવે છે” એવુ બબડતા હોય, રાત્રે વાંચતા વાંચતા સાંભળી જાવ તો જગાડી ને પુછુ કે બા શુ થયુ? કોને દુર જવાનુ કહો છો… તો ફચ્ચ… કરતા હસી પડે..કહે..”લે બેન થોડી મોડી જગાડી હોત તો તને જમાડી લેત્ , મારી બાજુમા જગ્યા રોકીને ક્યારની રાહ જોતી હતી..” આવા મારા બા, ભારતથી અહિ મામાના ઘરે NewJercy આવે તો સારી વસ્તુઓ ખાય ના શકે. (તેમના મન થી પિનટ બટર કુકીઝ પણ અલભ્ય રહેતી.) આવા મારા બા. એક જ શબ્દમા દુનીયાભરનુ વ્હાલ ભરીને લાવતા “બા”.

 9. Pinki says:

  તે બધાં દાદી – નાની
  ભગવતીબેન જ કેમ હોય ?

  આ અમીઝરણું વાત્સલ્ય તણું જે વહેતું’તું
  એ કયાં શોધવું ? !

 10. Atul Jani says:

  ૨ પેઢી સુધી દ્રષ્ટિ કરશું તો લગભગ બધા જ ઘરો માં ભગવતી બહેન જોવા મળશે.

  Frienkly કહુ તો મને ભગવતી બહેન નું એક સ્વરુપ ગમે છે પણ બીજુ નથી ગમતુ.

  જ્યારે પ્રિયમ સામે છે ત્યારે તેની પુરે પુરી કાળજી લેવી તે વાત બરાબર છે પરંતુ જ્યારે તમારી સામે પરિસ્થીતી બદલાઇ ચુકી છે અને જ્યારે તમે તિર્થયાત્રામાં છો તે વખતે જો તમારું મન પુરે પુરુ બદલાયેલી પરિસ્થિતી સાથે તાલમેલ ન મેળવી શકે તો તમે જીવન ને પુરે પુરુ ન માણી શકો.

  અહીં હું પ્રેમ અને ભાવાવેશ વચ્ચે રહેલી પાતળી ભેદરેખા વીશે વાત કરવા માંગુ છુ.

  પ્રેમ માં અન્ય માટે સમર્પણ છે પરંતુ સાથે પુરી જાગૃતિ છે. ભાવાવેશ માં લાગણીના ઘોડાપુર છે, પરંતુ સ્વંય પર ના કાબુનો અભાવ છે.

  આ તો મે મને જેવુ લાગ્યુ તેવુ કહ્યું, બાકી યશવંતભાઈ ની કડીબદ્ધ વાર્તાઍ આપણને સૌને નાની યાદ કરાવી દીધી એમાં તો મીન-મેખ નથી.

 11. બનવાજોગ છે કે ભગવતીબેને યાત્રાએ જવાનો નિર્ણય પરાણે લીધો હોય

 12. bharat dalal says:

  Honest affection is rare which this human grandma has shwon. I was also fortunate for such affection.I lost mu grandma but sometimes she comes in my dream and blesses me.

 13. Krunal Choksi, NC says:

  આજે મારા બા ની બહુ જ યાદ આવે છે…….. i miss her a lottt….. : (

 14. shruti maru says:

  મારા દાદી સાથે મને પણ આવો જ લગાવ છે મને પણ મારા દાદી આવા જ લાડ લડાવે છે તેમને પણ મારા વિના ચાલ્તુ નથી આજે હુ ૧૮ વર્સ ની છુ પણ દાદી સાથે જ સુવુ છુ અને તે ન હોય તો મને રાતે ઉન્ધ આવતી નથી અને તે પણ મને મુકી ને ગમે ત્યા જાય પણ રાતે ફોન જરુર આવે છે.મારા દાદી આમતો મને મુકી ને કશે જાતા જ નથી. આજે હુ કહુ છુ દરેક પૌત્રી ને તેના દાદી મા હોય તો તેનો ભરપુર લાભ લેવો જોઈઍ. હુ જો કોલેજ થી ૨ મિનિટ મોડી આવુ તો મારા મમ્મી કરતા મારા દાદી ને વધુ ફીકર થાય છે અમે દાદી- પૌત્રી જમવા નુ પણ સાથે જ જમી છે. મારા દાદી ને તેની પોતાની દિકરી કરતા મારી વધુ ફીકર છે. ઍ વાત કોઇ ને માન્યા મા નહી આવે.

  કોઇ વાત નહી માને પણ મારા best friend એક જ છે તે છે મારા દાદી

  લેખકજી તમે મને રડાવી દીધી પણ મને તો બહુ મજા આવી. આવા લેખ વારવાર લખો.

  મારા અભિપ્રાય વિશે મારા ઇ મેલ પર આપ સૌના અભિપ્રાય મોકલી શકશો.
  shrutimaru1991@rediff.com

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.