માનવયંત્ર – મૃગેશ શાહ

એક ગામડાનો ભોળો ખેડૂત એક વખત શહેરમાં ગયો. શહેરના રસ્તાઓ, મોટા મોટા મકાનો વગેરે જોઈને એ ખૂબ પ્રભાવિત થઈ ગયો. એવામાં એને એક મિત્ર મળી આવ્યો. એ મિત્રને પોતાનું કારખાનું હતું. એટલે તેને થયું કે લાવ, આજે મારો મિત્ર શહેરમાં આવ્યો છે તો એને મારું કારખાનું પણ બતાવી દઉં. બંને સાથે ઉપડ્યા. રસ્તામાં એણે પોતાના ધંધા-રોજગાર વિશે ઘણી વાતો કરી. મિત્રની પ્રગતિની વાતો સાંભળીને પેલો ખેડૂત ખુબ ખુશ થયો.

બપોરના જમવાના સમયે જ્યારે કર્મચારીઓ ‘કેન્ટીન’ તરફ ગયા હતા, ત્યારે આ બંને મિત્રો કારખાને પહોંચ્યા. એ મિત્ર ખેડૂતને જ્યાં મોટા મોટા વિશાળ મશીનો રાખ્યા હતા એ શેડ તરફ દોરી ગયો. ત્યાં જઈને તેણે કહ્યું : ‘કે આ જો મોટા મોટા મશીનો…. મારી સમસ્ત પ્રગતિનો આધાર આ તમામ મશીનો છે. આજે હું જે કંઈ છું તે એના થકી છું.’ ખેડૂત આ બધું જોઈ સાંભળીને વિસ્મય પામ્યો. એણે મનમાં કંઈક નક્કી કર્યું અને મિત્રની મહેમાનગતિ માણીને બે દિવસ પછી પોતાને ગામ પાછો ફર્યો.

શહેરથી આવ્યા પછી ખેડૂતને કંઈ ચેન પડતું નહોતું. એને પણ એમ થતું હતું કે મારે મારા મિત્ર જેવી પ્રગતિ કરવી છે. મારે પણ એવું કારખાનું નાખવું છે અને પ્રસિદ્ધિ મેળવવી છે. ખૂબ વિચારને અંતે એણે કાપડ પર છાપકામ કરવાનું એક મશીન લેવું એમ નક્કી કર્યું. પોતાની અમુક વીઘા જમીન એણે વેચી દીધી અને શહેરમાંથી મશીન લાવીને ખેતરમાં એક શેડ ઊભો કરીને મશીન મૂકી દીધું. એ ભોળા ખેડૂતના મનમાં એમ હતું કે એકવાર મારી પાસે મશીન આવી જશે એટલે મારી જાહોજલાલીમાં આપોઆપ વધારો થશે જ. સરસ મજાનું છાપરું અને સિમેન્ટનો ઓટલો બનાવીને મશીન એણે મૂકી દીધું. પેલા મિત્રને ત્યાં જોયું હતું એ પ્રમાણે એણે મશીનના વિવિધ ભાગોને રોજ ઓઈલ મૂકવા માંડ્યું. મશીનને ભેજ ના લાગે એની માટે મિત્ર જે જે રીતે ઉપાયો કરતો હતો એ બધા ઉપાયો આ ખેડૂતે કરવા માંડ્યા. જેનાથી મિત્રની પ્રગતિ થઈ હતી, એ સાધનને દેવ તરીકે માનીને તેની રોજ તે પૂજા આરતી કરવા માંડ્યો. દિવસો વિતતા ગયા અને ખેડૂતનું મશીન જાળવવાનું ખર્ચ વધતું ગયું. મશીનનો શું ઉપયોગ કરવો અને એનાથી કેવી રીતે કામ લેવું એની એને સમજ નહોતી. એને મન તો મશીન એક દેવતા કે જાદુઈ ચિરાગના જીન જેવું હતું ! મહિનાઓને અંતે થાકીને એણે એ મશીન વેચવાનો વિચાર કર્યો ત્યાં પેલો શહેરમાં રહેતો મિત્ર એક દિવસ એના ગામ તરફ આવ્યો.

‘શું થયું તું આટલો દુબળો અને નિસ્તેજ દેખાય છે. આ વખતે ખેતરમાં પાક નથી લીધા કે શું ?’ મિત્રે પૂછ્યું.
‘ના. વાત કંઈક જુદી જ છે. આ મેં પણ અમુક વીઘા જમીન વેચીને તારી જેમ મોટું મશીન લીધું. મને એમ કે એ મશીન આવવાથી મારી પ્રગતિ થશે, હું પણ અમીર બનીશ. પરંતુ હું તો રોજ એની સંભાળ રાખું છું તોય મારી પ્રગતિ માં કોઈ ફેર પડતો નથી…. હવે તું જ કહે મારે શું કરવું ?’ ખેડૂતે પોતાની નિરાશા વ્યકત કરી. ભોળા ખેડૂતની વાત પર મિત્ર ખૂબ હસ્યો. સૌ પ્રથમ તો એને શું કહેવું એ જ સમજાયું નહિ, પછી શાંતિથી એ ખેડૂતના ખભે હાથ મૂકીને બોલ્યો : ‘જો ભાઈ, કોઈ પણ મશીન આપણે લાવીને મૂકી દઈએ એનાથી આપણી પ્રગતિમાં કોઈ ફેર પડતો નથી. એ મશીનને યોગ્ય રીતે ચલાવવું પડે. એનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવું પડે. ઉત્પાદન કરવા માટે કાચો માલ લાવવો પડે. કર્મચારીઓ રાખવા પડે. કલાકોના કલાકો મશીનનો ઉપયોગ કરીને કામ કરવું પડે. તૈયાર થયેલો માલ બજારોમાં પહોંચાડવો પડે અને એ માલ જ્યારે વેચાય ત્યારે આપણે સમૃદ્ધ થઈએ. મશીનને તેલ પૂર્યા કરીએ કે પછી મશીનની રોજ પૂજા કર્યા કરીએ એથી મશીન ખુશ થઈને આપણને કંઈ આપી ન દે. એ આપવા માટે તૈયાર છે, પરંતુ એનો યોગ્ય ઉપયોગ આપણને કરતા આવડવો જોઈએ.’ ખેડૂત પોતાના વિચારો પર શરમાયો, તેને સાચી વાતનું ભાન થયું.

ઉપરોક્ત ભોળા ખેડૂતની વાત આપણા જીવનને અનેક રીતે સ્પર્શે છે. મનુષ્યનું શરીર એક યંત્ર છે. એ યંત્રને આપણે ખૂબ સ્વસ્થ અને ચોખ્ખું રાખવા પ્રયત્ન કરીએ છીએ. એની માટે રોજ ‘મોર્નિંગ વૉક’ કરીએ છીએ, પૌષ્ટિક ખોરાક લઈએ છીએ, વિવિધ પ્રકારના પકવાનો આરોગીએ છીએ, કસરતો કરીએ છીએ, વિટામીન-પ્રોટિનની ગોળીઓ લઈએ છીએ, આયુષ્ય વધે એના સતત ઉપાયો કરીએ છીએ પરંતુ એ આયુષ્યને વધારીને કરવાનું શું એ આપણને કદાચ જ્ઞાત નથી….. તમામ પ્રકારના ઉપાયો કરીને આપણે આપણા આ શરીરરૂપી યંત્રને સ્વસ્થ અને ચોખ્ખું રાખીએ એ સારી વસ્તુ છે પરંતુ એ માત્રથી જ આપણે સફળ થઈ ગયા, એ માનવું ભૂલ ભરેલું છે. વ્યક્તિની, કુટુંબની અને સમાજની જરૂરિયાત માટે જો આ યંત્ર નો ઉપયોગ ન થતો હોય, તો એનું હોવું વ્યર્થ છે. જીવનના પડકારો અને સમસ્યાઓરૂપી કાચો માલ એને સતત મળવો જોઈએ. પરિશ્રમ અને વિચારરૂપી એના ચક્રો સતત ગતિમાન રહેવા જોઈએ, તો જ શુદ્ધિ, શાંતિ, અનુભવ, અને પ્રસન્નતારૂપી પાકો માલ વ્યક્તિના જીવનને પ્રાપ્ત થાય છે. પૂ. રવિશંકર મહારાજનો મંત્ર હતો ‘ઘસાઈને ઊજળા થવું.’ જીવન જો બીજા માટે ઘસાય તો એની સાર્થકતા છે બાકી શરીર સ્વસ્થ રાખવા અનેક દવાઓની ગોળીઓ લઈને, જો સોફા પર પડી રહેવાનું હોય તો એ પેલા મશીન જેવી વાત છે ! માત્ર શ્રમ કરે એટલું જ નહિ, વ્યક્તિ પ્રતિપળ કંઈક શીખે, એનામાં નવા વિચારો વિકસે, એ પ્રસન્નતા અનુભવે – એ બધા મનુષ્યશરીરરૂપી સાધનના શ્રેષ્ઠ ઉપયોગો છે. શરીરને બદામ અને પિસ્તા ખવડાવીને બેસાડી રાખીએ તો એનાથી શરીર જરૂર તંદુરસ્ત થાય છે, જીવન સમૃદ્ધ નથી થતું કારણકે કોઈ ઉત્પાદન થતું જ નથી. કદાચ એ કારણને લીધે બહુધા એવું બને છે કે જે લોકો ખૂબ ધનસમૃદ્ધિમાં આળોટતા હોય, એવા લોકોને સર્જનાત્મક વિચારો ઓછા આવે છે, તેમની જ્ઞાનની ભૂખ ઓછી થતી જાય છે.

વળી, ઉત્પાદન માત્ર સમૃદ્ધિ અને ઐશ્વર્યનું જ થાય એવું પણ નથી. વ્યક્તિના જીવનમાં આવતી વિષમ પરિસ્થિતિઓ તેને વિવિધ પ્રકારે ઘડે છે અને એનાથી જે ઉત્પાદન થાય છે તેને ‘અનુભવ’ કહે છે. અનુભવી માણસ જીવનની કોઈ પણ પરિસ્થિતિ સામે સૌમ્ય અને શાંત રહી શકે છે કારણકે તેણે તેના શરીર અને મનનો યોગ્ય ઉપયોગ કરીને, તેને કેળવીને જીવનનું ભાથું બાંધ્યું છે. એવો વ્યક્તિ વિચારવાન અને પ્રજ્ઞાવાન બને છે. એવા વ્યક્તિને પછી દુનિયાના દુન્યવી રસોમાં જવાની ઈચ્છા નથી થતી.

થોડા સમય પહેલાં એક અખબારમાં એક વૃદ્ધાની મુલાકાત હતી કે જેમના તમામ સ્વજનો મૃત્યુ પામ્યા હતા. તેમની ઉંમર પણ સિત્તેર વર્ષની આસપાસ પહોંચી હતી. બહુ ખોરાક લઈ શકતા નહતા. ઉંમરને કારણે પથારીમાંથી બહુ ઊઠી શકાતું નહતું. માત્ર કોફી અને થોડા ખોરાકને આધારે તેઓ પોતાનું જીવન વ્યતિત કરતાં હતાં. પરંતુ સમાજને સારા વિચારો પહોંચાડવાની તેમની લગની એટલી અદ્દભુત હતી કે તેમણે પથારીમાં રહીને પણ અનેક ગ્રંથોનું સર્જન કર્યું, તેમને અનેક પારિતોષિકો મળ્યા અને તેમનું સાહિત્ય દરિયાપારના અનેક દેશો સુધી પહોંચ્યું. સુપ્રસિદ્ધ કવિ શ્રી સિતાંશુભાઈ યશશ્ચંદ્રના સુપુત્રી જન્મથી જ અસાધ્ય રોગથી પીડાતા હોવાને કારણે હાથપગ કામ કરી શકતા નથી પરંતુ આજે આપણી જ સામે તેમણે અમેરિકા જઈને પી.એચ.ડી સુધીનું ભણતર પૂરું કર્યું. આપણા લાડિલા શરણાઈવાદક, જીવનની છેલ્લી પળો સુધી હોસ્પિટલમાં પણ શરણાઈના સૂર રેલાવતા હતા. વિદ્વાન પુરુષ કે.કા.શાસ્ત્રી સાહેબ જીવનની અંતિમ પળો સુધી સંસ્કૃત ગ્રંથોના ભાષાંતર અને સાહિત્યના નવર્સજન પ્રત્યે કટિબદ્ધ હતા. આમ, જેમણે આ યંત્રની મહત્તા જાણી છે તે તો તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ સમાજમાટે વિવિધ સ્વરૂપે કરવા તત્પર જ રહે છે. તેનાથી તે વ્યક્તિ સંતોષ અને પ્રસન્નતા પામે છે. આજકલ ઘણા લોકો એ પ્રશ્ન પૂછે છે કે એવા કામો કરવાથી શું મળે ? અત્રે યાદ રાખવું જરૂરી છે કે જે કામોમાં આપણને પ્રત્યક્ષ લાભ દેખાતો ન હોય, એવા દરેક કામોમાં પ્રસન્નતા મળતી હોય છે. અને ચિત્તની શાંતિ અને પ્રસન્નતાની તોલે દુનિયાની કોઈ સંપત્તિ આવી શકે નહિ.

વ્યક્તિના જીવનના શ્રેષ્ઠતમ ઉપયોગ માટે વ્યક્તિએ પોતાની ઊર્જા, શક્તિને એક જગ્યાએ કેન્દ્રિત કરવાની આવશ્ક્યતા છે જેથી કરીને તે આ શરીરરૂપી મશીનનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને સુખ,શાંતિ, સમૃદ્ધિ અને પ્રસન્નતા બધું જ મેળવી શકે. પરંતુ વ્યક્તિને પોતાની ક્ષમતા પર વિશ્વાસ નથી તેથી તે પદ, પ્રતિષ્ઠા અને પૈસાની આંધળીદોડમાં આમથી તેમ દોડીને પોતાની આંતરિક સમૃદ્ધિને ખોઈ બેસે છે. આ શરીરનો શ્રેષ્ઠતમ ઉપયોગ કેવી રીતે કરવો તે આપણે સૌએ ઉપરના રૂપક પરથી સમજવું રહ્યું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous યાત્રા – યશવંત કડીકર
ભગવાનનો પત્ર ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

24 પ્રતિભાવો : માનવયંત્ર – મૃગેશ શાહ

 1. sunil shah says:

  તમામ પ્રકારના ઉપાયો કરીને આપણે આપણા આ શરીરરૂપી યંત્રને સ્વસ્થ અને ચોખ્ખું રાખીએ એ સારી વસ્તુ છે પરંતુ એ માત્રથી જ આપણે સફળ થઈ ગયા, એ માનવું ભૂલ ભરેલું છે. વ્યક્તિની, કુટુંબની અને સમાજની જરૂરિયાત માટે જો આ યંત્ર નો ઉપયોગ ન થતો હોય, તો એનું હોવું વ્યર્થ છે. જીવનના પડકારો અને સમસ્યાઓરૂપી કાચો માલ એને સતત મળવો જોઈએ. પરિશ્રમ અને વિચારરૂપી એના ચક્રો સતત ગતિમાન રહેવા જોઈએ, તો જ શુદ્ધિ, શાંતિ, અનુભવ, અને પ્રસન્નતારૂપી પાકો માલ વ્યક્તિના જીવનને પ્રાપ્ત થાય છે. પૂ. રવિશંકર મહારાજનો મંત્ર હતો ‘ઘસાઈને ઊજળા થવું.’ જીવન જો બીજા માટે ઘસાય તો એની સાર્થકતા છે
  વાહ..મૃગેશભાઈ ! સરસ ચિંતન રજુ કર્યું. અભિનંદન.

 2. શરીરરુપ યંત્ર સદા કાર્યરત રહે એ પ્રભુનું વરદાન જ સમજવું

 3. purna says:

  ખુબ જ પ્રેરણાદાયી લેખ….

  ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણિ પ્રજ્ઞાચક્ષુ ખોલવા માટે પણ જે વ્ય્ક્તિ એણે નિર્માણ કરી રાખી હોય એ શક્ય એટલી વહેલી આપણી સમક્ષ આવી જાય.

  ભોળાખેડુતને મળ્યો એવો સાચી રાહ બતાવનાર મિત્રો ઇશ્વરકૃપાથી સૌ ને મળે.. અને એના માર્ગદર્શન પર વિશ્વાસ મુકવાની પણ ઇશ્વર આપણને સહુને પ્રેરણા અર્પે.

 4. Pinki says:

  વ્યક્તિના જીવનના શ્રેષ્ઠતમ ઉપયોગ માટે વ્યક્તિએ પોતાની ઊર્જા, શક્તિને એક જગ્યાએ કેન્દ્રિત કરવાની આવશ્ક્યતા છે જેથી કરીને તે આ શરીરરૂપી મશીનનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને સુખ,શાંતિ, સમૃદ્ધિ અને પ્રસન્નતા બધું જ મેળવી શકે.

  બહુ જ સુંદર……….

 5. pragnaju says:

  “પરિશ્રમ અને વિચારરૂપી એના ચક્રો સતત ગતિમાન રહેવા જોઈએ, તો જ શુદ્ધિ, શાંતિ, અનુભવ, અને પ્રસન્નતારૂપી પાકો માલ વ્યક્તિના જીવનને પ્રાપ્ત થાય છે.”
  એ રૂપક પરથી સરળ રીતે સમજાવ્યું
  પૂ. રવિશંકર મહારાજનો મંત્ર હતો ‘ઘસાઈને ઊજળા થવું.’ જીવન જો બીજા માટે ઘસાય તો એની સાર્થકતા છે! માત્ર શ્રમ કરે એટલું જ નહિ, વ્યક્તિ પ્રતિપળ કંઈક શીખે, એનામાં નવા વિચારો વિકસે, એ પ્રસન્નતા અનુભવે – એ બધા મનુષ્યશરીરરૂપી સાધનના શ્રેષ્ઠ

  આવા આપણા મુલ્યોને સરળતાથી સમજાવતા ચિંતનાત્મક નીબંધ બદલ ધન્યવાદ

 6. neetakotecha says:

  ખુબ જ સરસ લેખ્.

 7. Vikram Bhatt says:

  ઘણા motivational sources જાણવા મળ્યા.
  પુજ્ય શ્રી કે.કા.શાસ્ત્રીજીનો સંદર્ભ એટલો ઉચીત હતો કે તેમનું સાહિત્યીક પ્રદાન વાંચવાની ઇછ્છા જણાવવાનું મન થઈ ગયું.

 8. Bhavna Shukla says:

  જે કામોમાં આપણને પ્રત્યક્ષ લાભ દેખાતો ન હોય, એવા દરેક કામોમાં પ્રસન્નતા મળતી હોય છે. અને ચિત્તની શાંતિ અને પ્રસન્નતાની તોલે દુનિયાની કોઈ સંપત્તિ આવી શકે નહિ.
  ………….
  અદભુત્!!!!

 9. Atul Jani says:

  ખુબ જ સરસ લેખ.

  ઘસાઈ ને ઉજળા થવુ છે કે કટાઈ ને કાળા થવુ છે તે હવે આપણા હાથની વાત છે.

  આપણે કદાચ લેખ લખી ન શકીયે પરંતુ વાંચી તો શકીઍ.

  આપણે કદાચ સારા કાર્યો ન કરી શકીયે પરંતુ સત્કાર્યૉ કરનારની પ્રશંસા તો કરી શકીયે.

  આવો આજ્થી જ આ માનવ યંત્રનો સદુપયોગ શરુ કરી દઈયે.

  ફરી ઍક વાર મૃગેશભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ.

 10. ramesh shah says:

  આપના લખેલાં અગાઉ ના લેખો જેવો જ પ્રેરણાદાયી લેખ.અભિનંદન.

 11. bharat dalal says:

  Very true that we have forgotten that we are meant to be useful to the needy ones and the society which made us. Our life is wasted if we do not contribute our might to the needy.

 12. ચિત્તની શાઁતિ ને પ્રસન્નતાની તોલે દુનિયાની કોઇ
  સઁપત્તિ આવી શકતી નથી.ઘસાવાથી ઊજળા થઇ
  શકાય.!આ લખાણો સનાતન સત્યો છે.સર્વશ્રી…..
  પ્ર..જુ અને ભા.શુક્લનાઁ તારણો હઁમેશાઁ ગમે તેવાઁ છે.

 13. સિતાંશુભાઇની દીકરી વિષે વધુ માહિતિ આપી શકો? જેથી બીજાને પ્રેરણા મળી શકે.

 14. nayan panchal says:

  તમે કેટલુ જીવો છો તે મહત્વનુ નથી, પરંતુ કઇ રીતે જીવો છો તે વધુ મહત્વનુ છે.

  સરસ લેખ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.