નવું કૂંડું – દિલીપ રાણપુરા

[‘જલારામદીપ’ સામાયિક, દીપોત્સવી અંક ભાગ-1, ઓક્ટો-07 માંથી સાભાર.]

માવજી માંડમાંડ સાકરચંદના ઘેર પહોંચી શક્યો. ડેલીમાં પગ મૂકતાં તો જાણે એના પગ ઓગળી ગયા હોય એવું થઈ આવ્યું. તેણે હતી તેટલી તાકાત એકઠી કરીને શરીરને ઊભું રાખ્યું ને પછી બૂમ પાડી. ‘સાકરચંદ… ઓ સાકરચંદશેઠ…..’
‘કોણ છે ?’ મેડીના રવેશમાં આવતાં સાકરચંદે પૂછ્યું.
‘એ તો હું….’
‘ઓહ માવજી, તું ! અટાણે, સંધ્યાટાણે ?’
‘હા, અટાણે તો શું અર્ધી રાતેય આવવું પડે એવી વાત સાંભળી છે.’
‘હું નીચે આવું છું.’ કહીને સાકરચંદ દાદર ઉતરવા લાગ્યો.
માવજી ઓસરી ઉપર બેસી ગયો.
સાકરચંદ….
હજુ એનું શરીર ટકી રહ્યું છે. થોડો જાડો થયો છે. પણ શરીરને દડાની જેમ હેરવીફેરવી શકે છે. સુખી માણસ છે… માવજી વિચારતો હતો.

‘શું આવ્યો ? કાંઈ ભીડમાં તો નથી ને ?’ સાકરચંદે નીચે આવતાં લાગણો પ્રશ્ન કર્યો.
‘ના, ભીડમાં નથી. પણ એક બીજું કામ છે.’
‘શું ? ચાલ અંદર, કેટલા વખતે મળ્યા ?’
‘બે’ક મહિના થયા હશે.’
‘હા, તું દુકાન પાસેથી નીકળ્યો હતો ત્યારે મેં તને બોલાવ્યો હતો.’
‘તારી લાગણી થોડી ભુલાશે !’ માવજીએ કહ્યું : ‘ગમે તેમ તો ય લંગોટિયા દોસ્ત !’
‘કામ શું છે ?’ સાકરચંદને અધીરાઈ આવી ગઈ.
‘તને સાંભરે છે આપણે ભણતા હતા એ દિવસો !’
‘ઓલી કૃષ્ણ સુદામાની વાત કરવા આવ્યો છે ?’
‘હા, કંઈક એવું જ છે.’
‘પણ હું કૃષ્ણ નથી હોં.’
‘તો ય હું સુદામા બનીને આવ્યો છું ! તું કૃષ્ણ ન હોય તો કંઈ નહીં. મારે તારી પાસેથી માલમિલકત નથી જોઈતી.’
‘તાંદુલ લાવ્યો છે ?’

‘હા.’
‘ક્યાં છે ? પોટલી છુપાવીશ નહીં, અહીં કોઈ રૂક્મિણી નથી. તારે શરમાવું નહીં પડે.’
‘પોટલી તો બંધાઈ ગયેલી છે.’
‘પણ ક્યાં ?’
‘અહીં મારા હૈયામાં તાંદુલ છે, આપણી નાનપણની મૈત્રીના’
‘એલા, તું આવું બોલતાં ક્યાંથી શીખ્યો ?’
‘ઉંમર થઈને….! ને અનુભવ પણ ઘણું બોલતાં શીખવી દે છે.’
‘બોલ, તાંદુલના બદલામાં તારે શું જોઈએ છે ?’ સાકરચંદની અધીરાઈ પણ પ્રગટ થઈ ગઈ.
‘વડલો જોઈએ છે મારે.’
‘વડલો…! સાકરચંદ કશું જ સમજ્યો નહીં. તેને થયું માવજીને ઉમર બરાબર આંબી ગઈ લાગે છે. કંઈ ચિત્તભ્રમ જેવું તો નહીં થયું હોય ને ! વડલો માગે છે. એવો વડલો મારી પાસે ક્યાંથી ?’
‘હા, વડલો…’ માવજીએ વેધક નજરે સાકરચંદ સામે જોઈને કહ્યું.
‘પણ શાનો વડલો ?’ સાકરચંદે ફરી પૂછ્યું.
‘આપણે ત્રીજીમાં ભણતા’તા ત્યારે ચોમાસામાં લાભશંકર માસ્તર આપણે પાદર ફરવા લઈ ગયેલા તને સાંભરે છે ? હું, તું અભેસિંહ દરબાર, મગન ખોજો ચતુર રાત…’
‘હા…હા… પણ એનું શું છે અટાણે ?’
‘આપણે વડલાની એક ડાળ કાપીને રોપેલી.’
‘હા, લાભશંકર માસ્તરે કહેલું અહીં વડલા વાવો, ઉછેરો, બરાબર યાદ છે. પછી આપણે એની ફરતે વાડ કરેલી. ને રોજ પાણી પાતા. વડલાના ઠુંઠાને કૂપળો ફૂટેલી. ત્યારે આપણે આનંદમાં મસ્ત બનીને આખા ગામને એ સમાચાર આપેલા. હા, બરાબર યાદ છે.’ સાકરચંદે કૃષ્ણની અદાથી બધું સાક્ષીરૂપે કહેવા માંડ્યું.
‘ને હું ચાર ચોપડી ભણીને ઊઠી ગયેલો, તું સાત સુધી ભણ્યો. અભેસિંહ દરબાર શહેરમાં આગળ ભણવા ગયા. મગન ખોજો ધંધે લાગી ગયો ને રાત મરી ગયો. હું ખોટમાં પડી ગયો.’
‘ને હું વેપારમાં…’ સાકરચંદે ટહુકો પૂર્યો.
‘ને બધા જુદા પડી ગયા. પણ મને સાંભરે છે, આપણે નવરા પડતા ત્યારે આપણે ઉછેરેલ વડલા પાસે ભેગા થતા. એની છાયામાં બેસતા ને આપણે આ વડલો વાવેલો એનું ગૌરવ લેતા, આપણને વડલા પ્રત્યે અપાર માયા હતી.’ માવજી લાગણીભર્યા સ્વરે બોલતો હતો.
‘અને વડલાને આપણે તીર્થ જેટલું માન આપતા હતા.’ સાકરચંદે કહ્યું.

‘તીર્થ’ માવજી ગણગણ્યો. ‘હા. એ તીર્થ સ્થાન હતું. એ વડલાના ટેકે આવીને બેસતો. એના ટેટા ગમતા. મગન ખોજો ગામ છોડીને જતો રહ્યો, ચતુર મરી ગયો. એની નનામીને મેં ખાંધ આપેલી એ નનામી વડલા પાસેથી પસાર થઈ ત્યારે મને થયેલું એક વિસામો અહીં લેવડાવી લઉં. ચતુર રાતના આત્માને શાંતિ મળશે. પણ એવું ન થયું. અભેસિંહ દરબાર તો ડેલી બહાર ભાગ્યે જ નીકળતા. હવે તો એ મોભાવાળા માણસ બની ગયા હતા. સાકરચંદ વેપારમાં પડી ગયો હતો. ને રૂપિયા પૈસાના હિસાબમાંથી એને ક્યારેય વડલાની સામે કે એ દિશામાં જોવાની ફુરસદ મળતી નહોતી. રહ્યો હું એક… માવજીએ માથું હલાવ્યું. હા, હું એક રોજ ખેતરે જતો ત્યારે એ વડલા સામે જોતો ક્યારેક ત્યાં ઊભો રહેતો. ક્યારેક એની વડવાઈને સ્પર્શી લેતો. ક્યારેક થઈ જતું વડલાના થડને બાથ ભરીને હેત કરી લઉં. કેટકેટલી મમતાથી ઊછેર્યો હતો. પોતે ક્યારેક અજંપ બની જતો ત્યારે એની શીતળ છાંયામાં બેસીને સંસારના બધા પરિતાપો શીતળ થઈ જતા ને જીવનમાં એક પ્રકારનો આહ્લાદ પથરાઈ જતો. જિંદગી ભરી ભરી લાગતી. વડલો એના રક્તના કણેકણમાં પ્રવાહી થઈને ફરી રહ્યો હતો. સાઠ સાઠ વર્ષ સુધી વડલા સાથેની દોસ્તીના એની સાથેના આત્મીયભાવ. એક લાગણી, એક પ્રેમવાત્સલ્ય બધું સાઠ સાઠ વર્ષથી બંધાયેલું હતું. પોતે દીકરાને એક વખત કહેલું મારી નનામીને વડલા નીચે વિસામો લેવરાવશો તો મારું શ્રાદ્ધ નહીં કરો મારી પાછળ દાન પુણ્ય નહીં કરો તો ય મારો આત્મા ગતિએ જશે.’

‘એ તીર્થના આપણે એક વખત દર્શન કરવા જઈએ….’ માવજીએ કહ્યું.
‘કેવી વાત કરે છે ! હવે તો વડલો ખખડધજ થઈ ગયો છે.’
‘આપણી જેમ માવજી બોલ્યો’
‘હા, આપણી જેમ…. આપણે હવે ખખડી ગયા. આપણે તો હવે મોતની રાહ જોવાની.’
‘પણ કોઈ જીવતાં કાપી નાખે તો….?’
‘આપણે એવાં પાપ નથી કર્યા…..’ સાકરચંદ બોલ્યા.
‘સાકરચંદ, તું ધર્માત્મા છે. તેં ઘણી સખાવતો કરી છે.’
‘હા, એટલે તો આપણું કમોત ન થાય.’
‘પણ વડલાનું કમોત કરાય, કેમ ?’ માવજીનો સ્વર કંપી ગયો.
‘એટલે ?’
‘એલા સાકરચંદ, મેં સાંભળ્યું છે કે આ વડલાની આસપાસની જગ્યામાં તું સોસાયટી બાંધવાનો છે….’
‘હા, મારા દીકરાએ સોસાયટી બાંધવાનો ધંધો શરૂ કર્યો છે. ગામ સુખી થયું છે. બે પૈસા થયા છે માણસો પાસે, વસ્તી વધી ગઈ છે. માણસોને રહેવા સારા આવાસ જોઈએ ને !’
‘માણસો સુખી થાય. સારા બંગલાઓ બંધાવે એમાં વડલાનો શો વાંક ?’
હવે સમજાયું, હવે સાકરચંદની આંખો ઝીણી થઈ ગઈ. તે બોલ્યો, સોસાયટીના પ્લાનમાં એ વડલો આડો આવે છે. મેં તો ઘણી મહેનત કરી. છોકરાને સમજાવી જોયો. પણ વડલાને બચાવવો જોઈએ પણ વડલાને બચાવવા જતા સોસાયટીનો દેખાવ માર્યો જાય છે.’
‘તે વડલો કાપવો જ પડશે ?’
‘છૂટકો જ નથી.’
‘આપણને કોઈ કાપી નાખે તો ?’
‘તો….’ સાકરચંદ થોડીવાર મૌન રહીને બોલ્યા : ‘ઘરડાખખ માણસો આ દુનિયાને બિનઉપયોગી લાગે તો એમણે શા માટે જગ્યા ન કરી આપવી જોઈએ. નવી દુનિયાના સારા દેખાવ માટે.’
‘સાકરચંદ, હું તને વિનવું છું. તને ખબર છે આ વડલો મારો પ્રાણ છે. મેં જ્યારથી વાત સાંભળી છે ત્યારથી હું ઊંઘ નથી લઈ શકતો. પૂરું જમી પણ નથી શક્યો. એ વડલા પાસે જાઉં છું ને રડી પડું છું. એના વિચારો કરું છું ને શ્વાસ ગૂંગળાતો હોય એવું લાગે છે.’
‘આવી વેવલાઈ ન કરાય !’
‘આને તું વેવલાઈ કહે છે ?’
‘તો બીજું શું ?’
‘આપણે વાવેલો, ઊછરેલો વડલો, સાકરચંદ, આપણા સંતાન જેવો છે.’
‘હું શું કરું ?’ સાકરચંદે પોતાની લાચારી વ્યકત કરી દીધી.
માવજીને લાગ્યું. ખલાસ સાકરચંદ નહીં માને, નિષ્ઠુર છે. મારો બાળગોઠિયો આટલો દયાહીન, લાગણીહીન થઈ ગયો. તે પાછો ફર્યો. માંડ માંડ ઘેર પહોંચ્યો.

બીજે દિવસે સવારે તે વડલો જોવા ગયો. તેણે જોયું બે-ત્રણ મજૂરો વડલાને દોરડા બાંધી રહ્યા હતા. અને આઠદસ મજૂરો મૂળમાંથી ખોદી રહ્યા હતા. માવજી ત્યાં જ બેસી પડ્યો. એની આંખો ભીની થઈ ગઈ. એની સિત્તેર વર્ષની કાયા એક વખત ટટ્ટાર થઈને પાછી વળી ગઈ. વડલાના મૂળમાં પડતો એક એક ઘા તેના હૃદય ઉપર એક એક સોળ પાડી જતો હતો. પણ સાંભળે કોણ ? સાંજ પડતા પડતા તો વડલો નમી ગયો. માવજીનું હૃદય સોળથી સૂજીને સોજો થઈ ગયું ને એમાં પાણી ઝમવા લાગ્યું. મજૂરો ગયા.

બીજે દિવસે સવારે પણ આવ્યા ત્યારે માવજી ત્યાં જ હતો. ને વડલાનું એક ઠુંઠું ખૂણામાં રોપાયેલું હતું. એ ઠૂંઠાને અડેલીને માવજી આંખો બંધ કરીને બેઠો હતો. મજૂરે એને ઉઠાડવા માટે ઢંઢોળ્યો તો એનો દેહ એક બાજુ ઢળી ગયો. પણ પેલું નવું તાજું રોપાયેલું વડનું ઠૂંઠું પોતાને નવી તાજી કૂંપળો ફૂટશે એ આશામાં ઉન્નત મસ્તકે આકાશભણી મીટ માંડી રહ્યું હતું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભગવાનનો પત્ર ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
શ્રી અંબાજી આરતી અને ગરબા – સંકલિત Next »   

19 પ્રતિભાવો : નવું કૂંડું – દિલીપ રાણપુરા

 1. sujata says:

  Readgujarati vadLo thavani taiyari ma chhey………pan maya ochhee nahi thaaye……..

 2. Bansi Patel says:

  Awesome. Outstanding story.

 3. Ami says:

  ખુબ જ સરસ વાર્તા.. અમારા ફેમિલિ માં આ રીતે જ ઘરના આંગણાનુ વૃક્ષ કપાઈ જતા એક સ્નેહિજન નુ અવસાન થયુ હતું. તમે વૃક્ષ વાવીના શકો તો હજુ ચલાવી લઇશુ પણ ઉગેલા છોડને મહેરબાની કરી કાપશો નહિં.

 4. Dhaval B. Shah says:

  Too good.

 5. Atul Jani says:

  લાગણી અને બુદ્ધિનો સંઘર્ષ અનાદિ કાળ થી ચાલ્યો આવે છે. ક્યારેક લાગણી તો ક્યારેક બુદ્ધિનો વીજય થાય છે. બુદ્ધિ અને લાગણી નો સમન્વય પ્રેમ અને સામર્થ્ય નો સમન્વય તો ક્યાંક કૃષ્ણ જેવા મહામાનવ માં જોવા મળૅ છે. વિકાસ નો વિરોધ નથી પણ સાથે સાથે માનવ હૈયા માં વિકસેલી લાગણીઑ ને સમજવાવી સમજ પણ વિકસે તે પણ ઍટલુ જ જરુરી છે.

  હ્રદયના તાર ને ઝણઝણાવી નાખનાર સુંદર કથાનું આલેખન કરવા બદલ દિલિપભાઇ ને ઘણી ખમ્મા !

 6. Trupti Trivedi says:

  Mrugeshbhai just go on giving this kind of articles. We need that very much in todays world.

 7. pragnaju says:

  “ડામરની પરશુ,
  ઈંટની કરવતનો રંજાડ;
  રૂંવા કાઢે કોઈ હાથથી
  એમ કપાયા ઝાડ.
  ચીસોના ટોળાં, હું કોને હોઠે આંગળી રાખું ?
  ટહુકે ટહુકે પાંખે પાંખે ગગન ઊડતું આખું”
  -વિવેક મનહર ટેલરે આ વેદના આવી રીતે વ્યક્ત કરી છે.અમારા વ્યારાના મિત્ર રાજુભાઈએ તો બે વૃક્ષો બચાવવા ઘરનો પ્લાન બદલાવ્યો…આવી વાતોથી જનજાગૃતિ આવી ચેતેતો સારું નહીંતો ગ્લોબલ વોર્મિંગથી નાશ છે જ!

  દિલીપ રાણપુરાને ધન્યવાદ

 8. Pinki says:

  very nice ……………. ! !

 9. ramesh shah says:

  લાભશંકર ઠાકર ની ક્રુતી ‘વ્રુક્ષ’ યાદ આવી ગઈ.

 10. Bharat Lade says:

  આવી લાગણી- હેત ના કોઇ મૉલ નથી.
  very touching – nice story

 11. bharat dalal says:

  Most touching and heartning.

 12. pratik patel says:

  outstanding story emostionl story but not prectical because man is become more &more selfies

 13. Sohil Patel says:

  Awesome. ……

 14. Divyant says:

  ખુબ જ સરસ વાર્તા

 15. nilesh says:

  ખુબ સરસ વાર્તા ચે. ખુબ મજ અવિ.

 16. chittarth p. mehta says:

  really a touchy story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.