સાચું ન હોય તોય સારું તો છે જ – દિનકર જોષી

સારાં કર્મો કરવાથી ભલે એનું પરિણામ તરત અહીં ન મળે, તોય સ્વર્ગનું સુખ મળશે, પુનર્જન્મમાં આ જન્મનાં સારાં કર્મોનું ફળ મળશે…
ખરાબ કર્મો કરવાથી ભલે તેની સજા અહીં ન મળે, તોય એને નર્કની પ્રાપ્તિ થશે. બીજા જન્મમાં આ જ્ન્મનાં દુષ્કૃત્યોને કારણે એ દુ:ખી થશે…

આ અને આવી જાતના અનેક સુભાષિતો તથા વેદવાક્યો આપણને નાનપણથી શીખવવામાં આવ્યા છે. સ્વર્ગ કોઈએ જોયું નથી. જેમણે જોયું હોવાનું માનીએ છીએ એ પૈકી કોઈએ આપણને એનો સત્તાવાર અહેવાલ મોકલ્યો નથી. નર્કનું ય એવું જ છે. આવા કોઈ સ્થાનની સત્તાવાર માહિતી કોઈ પાસે નથી. પૂર્વજન્મ કે પુનર્જન્મ એય એક માન્યતાનો પ્રદેશ છે. વૈજ્ઞાનિક રીતે એ કોઈ પુરવાર થયેલો મુદ્દો નથી. આ બધું નહીં જ હોય એવું ય નથી. એને વિશે આપણે ઘણુંખરું જાણતા નથી. એને જાણવાના પ્રયત્નો આપણે હજ્જારો વરસોથી, પેઢીઓથી કરતા આવ્યા છીએ. હજી સુધી એ વિશે આપણે આ પાર કે પેલે પાર એમ ખાતરીપૂર્વક કંઈ કહી શક્યા નથી. આ બધું કદાચ સાચું હોય, કદાચ ન પણ હોય.

પણ જે સાચું નથી એ સારું પણ નથી એમ ન કહી શકાય. સ્વર્ગ, નર્ક, પૂર્વજન્મ, પુનર્જન્મ આ બધી વિભાવના સાચી ન હોય તોય માણાસજાતને જીવવા માટે બહુ જ ઉપયોગી છે. માણસ એના જીવનકાળમાં હમેશાં સફળ નથી થતો. સફળતા ઓછી અને નિષ્ફળતાઓ જ વધારે હોય છે. આમાં જોકે અપવાદ હોય છે ખરા પણ બહુધા કવિએ ગાયું છે એમ :

છે માનવીજીવનની ઘટમાળ એવી
દુ:ખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી !

અર્થાત જીવનમાં હતાશાઓ અને નિષ્ફળતાઓ વધારે હોય છે. જીવનનું જ્યારે આ એક નઠોર સત્ય છે ત્યારે એ સત્ય સામે સમાધાન સાધીને નિષ્ફળતાઓ હળવી બનાવીને સફળતા માટે સતત પ્રયત્નો કરવા માટે માનસિક શકિત કેળવવી એ શું વધુ બહેતર નથી ?

આવું શી રીતે બને ? જીવનમાં જો વારંવાર હતાશા કે નિષ્ફળતા સાંપડતી હોય તો નિરાશ થયા વિના લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવા માટે માણસે શું કરવું જોઈએ ? આ ઉપરાંત જીવનમાં અસ્તિવાચક અને નાસ્તિવાચક એમ બે પ્રકારના તત્વો છે જ. માણસ સામાજિક પ્રાણી છે, વિચારશીલ છે અને એટલે સમાજકલ્યાણ માટે પેલાં અસ્તિવાચક મૂલ્યો વધુ અને વધુ વિકાસ પામે એ જરૂરી છે. માણસ જેમ વધુ પ્રમાણમાં આ અસ્તિવાચક મૂલ્યોને અનુસરતો થાય એટલા જ વધુ પ્રમાણમાં સમાજ વધુ તંદુરસ્ત અને સુખી બની શકે. માણસને આ દિશામાં વધુ અને વધુ પ્રવૃત કરવો હોય તો શું કરવું ? માણસ પોતાના તત્કાલીન સ્વ-કેન્દ્રી લાભના ભોગેય સમાજનું બહુજન હિતાય, બહુજન સુખાય, કલ્યાણ સાધવા પ્રવૃત થાય એવું શી રીતે સંભવિત બને ?

અહીં સ્વર્ગ અને નર્ક, પૂર્વજન્મ અને પુનર્જન્મ એ બધું બહુ ખપ લાગે એવું છે. સખાવતો અને દાનો આ સ્વર્ગની પ્રાપ્તિ માટે તો થતાં હોય છે…. ! સમાજમાં સંખ્યાબંધ શૈક્ષણિક, સામાજિક વિવિધ કલ્યાણકારી પ્રવૃતિઓ થાય છે. લાખો લોકો જેઓ અંગ્રેજીમાં જેમને ‘હેવનોટ્સ’ કહે છે એવા છે, તેઓ આ પ્રવૃતિઓનો લાભ મેળવીને જીવનને થોડુંક બહેતર પણ બનાવે છે એનો યશ પેલી સ્વર્ગની વિભાવનાને જ આપવો જોઈએ. આ સ્વર્ગપ્રાપ્તિની લાલચે કેટલાંક સદ્કૃત્યો થતાં હોય છે. આ નર્કની પ્રાપ્તિના ડરે કેટલાંય દુષ્કૃત્યો રોકાઈ જતાં હોય છે. આમ આ વિભાવના સદ્કૃત્ય અને દુષ્કૃત્યો વચ્ચે આબાદ સંતુલન જાળવે છે.

માણસ સતત પ્રયત્નશીલ હોય, નિષ્ઠાવાન હોય, પ્રમાણિક હોય અને એમ છતાં એને કશું સુફળ ન મળતું હોય, ઊલટો એ વધુ ને વધુ નિષ્ફળ જતો હોય, દુ:ખી થતો હોય એવું જીવનમાં ઘણીવાર જોવા મળે છે. આથી ઊલટું માણસ સાવ અકર્મણ્ય હોય, અપ્રમાણિક હોય અને દુષ્ટ હોય અને એમ છતાંય એની પાંચેય આંગળીઓ ઘીમાં જ સતત ડૂબેલી હોય એવું જોવા મળે છે. આવાં દશ્યો સરેરાશ માણસને પેલાં નાસ્તિવાચક મૂલ્યો તરફ જ ઘસડી જાય. જો આમ થવા માંડે તો આસ્તિવાચક મૂલ્યો સમૂળગાં પરાજિત થઈને નાશ પામે અને માણસ માનવી મટીને ફરી એકવાર જીવસૃષ્ટિના એક પ્રાણી જેવો જ બની જાય. આને રોકવું હોય તો કોઈકે બળવત્તર વિભાવના માણસના મનમાં સ્થાપિત કરવી જ જોઈએ. આવું બળ પૂર્વજન્મ કે પૂનર્જન્મની કલ્પના પૂરું પાડે છે. આ ભવમાં ભળે મારાં સદ્કૃત્યોનો બદલો ન મળ્યો પણ પુનર્જન્મ થશે ત્યારે તો તેનો લાભ મને મળવાનો જ છે એ બહુ મોટું આશ્વાસન છે. નિષ્ફળતાઓ કે આ જાતના દેખીતાં હતાશાજનક ચિત્રો તો મળવાનાં જ છે. એનાથી ઊગરવું શકય નથી. આ સંજોગોમાં પુનર્જન્મના વિશ્વાસે જો માણસ એની આ જન્મની યાત્રા થોડી સહ્ય બનાવી શક્યો હોય તો એમાં ખોટું શું છે ? એ જ રીતે દુષ્ટોને મળતા દેખાતા દેખીતા લાભોથી લલચાઈને પ્રત્યેક માણસ દુષ્ટતા તરફ વળી ન જાય એય જોવું રહ્યું. આ માટે કર્મનો સિધ્ધાંત ભારે આશ્વાસન આપે એવો છે. એ દુષ્ટે ગયા જન્મમાં ભારે પુણ્યકર્મો કર્યો હશે એનું આ ફળ એને મળે છે પણ આવતા જન્મે તો આ જન્મનાં દુષ્કૃત્યોનાં પરિણામો એ અવશ્ય ભોગવવાનો છે એ આશ્વાસન સાથે વાડ પર બેઠેલો માણસ આસ્તિવાચક મૂલ્યો જોડે આછોપાતળો પણ વળગી રહે છે અને આમ સામાજિક સંતુલન જળવાઈ રહે છે, ખોરવાઈ નથી જતું.

પ્રત્યેક ઘર્મ આધ્યાત્મિક અને વ્યકિતગત ઉન્નતિ માટે રચાય છે પણ પ્રત્યેક માણસ માટે આ આધ્યાત્મિક અભિગમ શક્ય નથી હોતો. માણસની એ મર્યાદા છે. આ સંજોગોમાં ધર્મ કેટલાક નિયમો કે આશ્વાસનો ઘડીને માણસને જીવવાનું સ્થૂળ બળ પૂરું પાડે તોય એ એક જાતની આધ્યાત્મિક ઉન્નતિ જ છે. સ્વર્ગ, નર્ક કે પૂર્વજન્મ કે પુનર્જન્મ આ પ્રકારમાં આવે છે. એ પ્રદેશો સાચા ન હોય તોય માણસને જીવવા માટે ભાથું પૂરું પાડે છે અને એ અર્થમાં સારા તો છે જ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રૂપિયાનું છે રાજ…
આ છે જિંદગી – સાત્વિક શાહ Next »   

13 પ્રતિભાવો : સાચું ન હોય તોય સારું તો છે જ – દિનકર જોષી

 1. thakkar dhiraj says:

  majja aavi gai

 2. Parul says:

  It’s one of the best truth of life, we don’t know what is truth still it matters. relly nice message, thanks for sharing.

  Parul Patel.

 3. prerana lashkari says:

  AA KADVU SATY CHHE J. PAN SANSARMA RAHIYE TETHI KHABAR HOVA CHHA TA AMUK KARYO KARVA PADE CHHE. TE VAKHATE ATMA JARUR DANKHTO HOY CHHE, PANCHE AGLI GHEE MA TO HOIJ NA SHAKE. KARMA NA SIDHANT MA AJJ VASTU LAKHI CHHE.

 4. takshashila desai says:

  nice message

 5. nayan panchal says:

  લેખકની વાત સાથે સંપૂર્ણપણે સહમત. આવા આશ્વાસન વગર, વળતરની ખાતરી વગર તો લોકો સ્વચ્છંદી થઈને વર્તવા માંડશે. આ તો મનુષ્યો માટે સામ,દામ,દંડ અને ભેદની નીતિ અપનાવવા જેવુ છે, જેમા કશુ જ ખોટુ નથી.

  નયન

 6. અતુલ જાની (આગંતુક) says:

  અલબત બધા જ સત્યો ખરાઈ કરી શકાય તેવા હોય છે – હા જુઠાણાને અસ્તિત્વ નથી હોતું તેથી તેની ચકાસણી નથી થઈ શકતી પણ જે સત્ય હોય તે ચકાસી શકાય તેવું જ હોય છે. સામાન્ય માનવી પોતાની મર્યાદાઓને લઈને આ સત્યો ચકાસી શકતો નથી તેમ છતાં કેટલાક અનુમાન અને મહાપુરુષોના અનુભવને આધારે આપણે નિષ્કર્ષ પર આવી શકીએ. જો કે આ બધી વિભાવનાઓ આપણા વર્તમાન જીવન માટે સારી તો છે જ તેમાં બે-મત નથી.

 7. ભાવના શુક્લ says:

  સ્વર્ગ, નર્ક કે પૂર્વજન્મ કે પુનર્જન્મ આ પ્રકારમાં આવે છે. એ પ્રદેશો સાચા ન હોય તોય માણસને જીવવા માટે ભાથું પૂરું પાડે છે અને એ અર્થમાં સારા તો છે જ.
  …………………………….
  ચારે પ્રદેશો આંખ બંધ કરોને ઝમીરને જરાક ઢંઢોળો તો સામે જ છે … જેન આંગળી પકડીને આંખ બંધ કરીને ચાલીયે તોય પડવા કે ભટકવાનો ડર ના રહે..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.