કાગવાણી (ભાગ-2) – દુલા ભાયા કાગ

[1]
કડવો લીંબડ કોય, મૂળેંથી માથા લગી;
(એની) છાયા શીતળ હોય, કડવી ન લાગે, કાગડા !

હે કાગ ! લીંબડાનાં સર્વ અંગ કડવાં હોય છે. મૂળિયાથી એનાં ફળ (લીંબોળી) સુદ્ધાં કડવાં હોય છે. પણ એની છાંયડી ઠંડી અને મીઠી હોય છે. એ કડવી લાગતી નથી. ખરાબમાં પણ એકાદ ગુણ સારો હોય છે.

[2]
હેવા કુળના હોય, લાંઘણિયો લટકે નંઈ;
કુંજર જમવા કોય, કરે ન ઘાંઘપ, કાગડા !

હે કાગ ! જેના કુળ-કુટુંબના જે હેવા (ટેવ) હોય તે પ્રમાણે જ તે વરતે છે. હાથી ઘણા દિવસોનો ભૂખ્યો હોય, છતાં જમતી વખતે ઉતાવળ કરતો નથી. તેનો માવત તેને રીઝવે – બિરદાવે છે, પછી જ તે ધીરેથી ખાય છે – ઘાંઘો (ઉતાવળો) થતો નથી.

[3]
ચામ નકે સિવાય, આખી ધરતી ઉપરે;
પગમાં લઈ પહેરાય, કાંટાવારણ, કાગડા !

હે કાગ ! કાંટા ન વાગે એટલા માટે આખી પૃથ્વી ચામડે મઢાતી નથી; પણ ચામડાના જોડા સિવડાવી પગમાં પહેરવાથી પગનું રક્ષણ થાય છે અને કાંટા વાગતા નથી.

[4]
ઘટમાં ભરિયેલ ઘાત, મોઢેથી મીઠપ ઝરે;
(પણ) વેધુ મનની વાત, કઈ દે આંખું, કાગડા !

હે કાગ ! અંત:કરણમાં ઘાત (કપટ) હોય અને માણસ મોઢેથી મીઠી મીઠી વાતો કરતો હોય, પણ કુશળ અને ચતુર માણસના હૃદયની વાતને પણ તેની આંખો કહી દે છે, અર્થાત આંખમાં અંદરના મનનું પ્રતિબિંબ ઝબક્યા વિના નથી રહેતું.

[5]
હૈયામાં હરખાય, મેડક મચ્છરને ગળે;
(એને) જાંજડ ગળતો જાય, (પણ) કળ્યું ન પડે, કાગડા !

નીચેનો બનાવ નજરે જોયેલ છે : મારા ઘર આગળ એક તળાવડી છે. તેમાં ચોમાસે ઘણા દેડકા થાય છે. ત્યાં એક દેડકો ઠેકી ઠેકીને મચ્છરના ગોટામાંથી મચ્છર ગળતો હતો, ત્યાં પાછળથી મોટો જાંજડ (નાગ) આવ્યો અને તેણે દેડકાને પાછલા ભાગમાંથી પકડ્યો; છતાં દેડકો તો મચ્છર સામે ઠેકડા મારતો હતો. સરપ દેડકાના અરધા શરીરને ગળી ગયો, ત્યાં સુધી તો દેડકો ઠેક્યો. દેડકાને છેવટ સુધી ખબર પડી નહિ કે મને પણ કાળે પકડ્યો છે.

[6]
ધર લાડુ ધરે, આખો લઈને ઉપરે;
મોત વિના મરે, કીડી અનેકું, કાગડા !

હે કાગ ! વિવેક વગરની વપરાશ નુકશાનકર્તા નીવડે છે. જ્યાં મોટું કીડિયારું હોય, ત્યાં જઈ અઢી શેરનો લાડુ કીડીઓ પર મૂકીએ, તો વિના મોતે અનેક કીડી તેની નીચે દબાઈને મરી જાય છે.

[7]
સે દોરે સિવાય, માઢુ-કુળ એક જ મળ્યાં;
વાળે નો વીંધાય, (તો) કાપડ ફાટે, કાગડા !

હે કાગ ! કપડું કાયમ દોરાથી જ સિવાય-સંધાય છે, કારણ કે બંનેનું એક જ કુળ છે, જેથી દોરાને અને કાપડને મેળ મળી જાય છે. ઝીણામાં ઝીણો અને પાતળો હોય તો પણ વાળાથી – તારથી કપડું સિવાતું નથી, ઊલટું ફાટી જાય છે.

[8]
જમવા કારણ જોય, મનગમતાં ભોજન મળે;
(પણ) જેને હૈડે વ્યાધિ હોય, (એને) કડવું લાગે, કાગડા !

હે કાગ ! ખાવા માટે પોતાને રૂચે એવો ખોરાક થાળીમાં પીરસ્યો હોય, પણ જેને તાવ આવતો હોય અથવા શરીરનો કે મનનો કોઈ વ્યાધિ કે દુ:ખ હોય, એને એ મનગમતાં ભોજન પણ કડવાં ઝેર લાગે છે.

[9]
જળથી ભરિયાં જોય, તે વાસણ તાંબા તણાં;
ટાકર મારો તોય, કદી ન બોલે, કાગડા !

હે કાગ ! પાણીથી ભરેલ તાંબાનો અથવા કોઈ ધાતુનો હાંડો, ગાગર કે કોઈ વાસણ હોય, એને ટકોરો મારે છતાં એ અવાજ આપતું નથી, કારણ કે જે સંપૂર્ણ ભરેલ હોય, એ ફાવે તેમ બોલ્યા કરતું નથી, અથવા એને ક્રોધ ચડતો નથી.

[10]
જુવો વૃખ જેતાં, તપસી ને ખાટકીઓ તણે;
દિલ છાંયો દેતાં, કરે ન ટાળો, કાગડા !

હે કાગ ! ઝાડવાંઓનો કેવો સમદષ્ટિવાળો સ્વભાવ છે ! એમની નીચે પ્રાણીઓને હણનાર ખાટકી કે પારધી આવે, તો એને પણ શીતળ છાયા આપે છે અને વેદપાઠી બ્રાહ્મણ તપસ્વી આવે, તો એને પણ પોતાની છાંયડી આપે છે – કોઈ સાથે ભેદભાવ રાખતાં નથી.

[11]
(જેની) ફોર્યું ફટકેલી, (એને) ચૂલે જઈ ચડવું પડ્યું,
(પણ) આવળ અલબેલી, (એને) કોઈ ન પૂછે, કાગડા !

હે કાગ ! જે સુગંધવાળા ફૂલ છે (ડોલર, કેતકી, ચંપો, ગુલાબ વગેરે), એને તો અત્તર બનાવવા માણસો ચૂલા પર ઉકાળે છે અને એનાં અંગેઅંગ સળગાવી એને નિચોવી લે છે; પણ આવળનાં પીળાં રૂપાળાં ફૂલની કોઈ ખબર પણ કાઢતું નથી. એનામાં ફોરમ નથી. માટે એને આગમાં બળવું પડતું નથી.

[12]
ચિત્ત ન રિયા સંતોષ, રોષ સદા ભરિયા રિયા;
દેખે સૌના દોષ, કુમત આવી, કાગડા !

હે કાગ ! જેના ચિત્તમાં કદી સંતોષ કે શાંતિ હોતી નથી અને કાયમ રોષના અગ્નિથી જે બળ્યા કરે છે, તે આખા જગતના અવગુણો જ જોયા કરે છે, કારણ કે તેને કુમતિ આવી હોય છે.

[13]
ધંધે ન મળે ધ્યાન, કાયમ ગામતરાં કરે;
થોડા દિવસ થાન, (પછી) કાંઈ ન મળે, કાગડા !

હે કાગ ! જે ધંધામાં ચિત્ત પરોવતો નથી અને દરરોજ મુસાફરી જ કર્યા કરે છે, તેને માણસો થોડા દિવસ આવકાર આપે છે, પણ પછી એનો તિરસ્કાર કરે છે, તેનું સ્થાન રહેતું નથી.

[14]
તારે ન પૃથ્વી તોય, પંડે ધૂળ તળિયે પડે;
જળમાં પૃથ્વી જોય, કેમ તરે છે, કાગડા ?

હે કાગ ! તોય એટલે પાણીને પૃથ્વી તારતી નથી; ઊલટું પાણીમાં થોડીક ધૂળ નાખીએ છીએ, તો તે તરત જ તળિયે બેસી જાય છે; અને આવડી મોટી ધરતી જળમાં કેમ તરતી હશે, એનું કાંઈ અનુમાન થતું નથી.

[15]
મળિયાં મન મોટે જેણે ન મોટપ જીરવી;
(પછી) ઉંદર આળોટે, કાંચળ ઉપર, કાગડા !

હે કાગ ! ઈશ્વરે જે મોટાઈ આપી, તેને નિભાવતાં ન આવડવાથી કાંચળીની કેવી દશા થાય છે ! સર્પના અંગ પર રહેવાથી એની મોટાઈને સહુ કોઈ માનતું હતું; પણ સાપની કાંચળી જુદી થયા પછી તેના પર ઉંદરો પણ સૂવા લાગ્યા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રસોઈ બરાબર છે ને ? -તંત્રી
વાચનયાત્રા – સંકલિત Next »   

22 પ્રતિભાવો : કાગવાણી (ભાગ-2) – દુલા ભાયા કાગ

 1. Atul Jani says:

  દુલા ભાયા કાગ ગુજરાતી સાહિત્ય ના તળપદી ભાષાના ઉત્તમ સાહિત્યકાર છે.

  કબીરજી ના દોહરા જેમ કબીરવાણી તરીકે ઑળખાય છે તેમ દુલાજી ના દોહરા કાગવાણી તરીકે ઑળખાય છે.

  ગાગર માં સાગર સમાવી દેતા આ દોહરાઑનો સંગ્રહ તેના અર્થ સહિત વાંચવાનો ઘણૉ આનંદ આવ્યો.

  કાગ કાગ માં ફેર છે, બેઉ કરે કાગારૉળ
  કાળૉ કાગ માથું પકવે, દુલા ઉપર ઑળઘૉળ

  એક તો આખો દિવસ કાં કાં કરતા કાગડા અને બીજા દુલા ભાય કાગ્ બન્ને આખો દિવસ કાગારોળ કરે છે. પરંતુ એક ની કર્કશ વાણી માથું પકવી દે છે, જ્યારે બીજાની બોધક વાણી આપણા અંતરમાં અજવાળા પાથરી દે છે અને ઍટલે જ તેના ઉપર ઑળઘૉળ થઈ જવાનું મન થાય છે.

 2. Maharshi says:

  પોતા સોવ પોતા tana ne pale pankhida,
  pan bachada bija na, eeto kok j seve kaagda

  Ek ranga ne ujala, jene bhitar biji na bhat,
  ene wali-davli wat, kehji dil ni kaagda

 3. pragnaju says:

  અમને કોમ્પુટર પાસે જતા જોઈ…
  ધંધે ન મળે ધ્યાન, કાયમ ગામતરાં કરે;
  થોડા દિવસ થાન, (પછી) કાંઈ ન મળે, કાગડા !
  દોહો યાદ કરે…

 4. દુલાભાયા કાગ તો દુહા ભાયા કાગ જ
  કહેવાવા ઇચ્છનીય છે.ગીતાની જેમ
  તેમના બોધદાયક દુહા અમર રહેશે.

 5. Dipika says:

  આપણી સ્કુલમાં ભણવામાં હોવા જોઈએ. જેથી દરેક જણ જાણે.

 6. હું કાગપ્રેમી જણ, એટલે મને તો ખુબ જ મઝા પડી,”ઉડી જાવ પંખી પાઁખ્યુવાળા ” કાગની એ રચના મુકો તો ભઇલા મોજ હી મોજ

 7. natwar charania says:

  ગાગર માં સાગર સમાવી દેતા આ દોહરાઑનો સંગ્રહ તેના અર્થ સહિત વાંચવાનો ઘણૉ આનંદ આવ્યો.

 8. sachin gauswami says:

  kabir …….kabir ……….he is our gujarati kabir..

 9. nayan panchal says:

  ખુબ સરસ. વધુ કાગવાણી આપતા રહેજો.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.