- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

આખરે અટકી જવાના આપણે…. – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી શૈલેષભાઈનો (ખેડા, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો bhinash@gmail.com પર સંપર્ક કરી શકો છો. ]

રંગમાંથી અર્થ શોધી, આખરે અટકી જવાના આપણે
એક,બે, ત્રણ દશ્ય ચોરી, આખરે અટકી જવાના આપણે

દોડતી ઘટના હૃદયમાં સાચવીને રાખવી સ્હેલી નથી,
બંધ મુઠ્ઠી સ્હેજ ખોલી, આખરે અટકી જવાના આપણે.

આમ તો બેઠા જ છીએ શ્વાસ રોકી, મૌન રાખી તોય પણ,
એક મૂંગું ચિત્ર દોરી, આખરે અટકી જવાના આપણે.

ક્યાં રહ્યું સાહસ કે ડૂબીને, તરીને બ્હાર પણ આવી શકે…
બે ચરણ જળમાં ઝબોળી, આખરે અટકી જવાના આપણે.

શોધ જેવું શોધતા કૈં ના મળ્યું ને જિંદગી પુરી થઈ,
વારતા, સિદ્ધાંત છોડી, આખરે અટકી જવાના આપણે.