- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

યાદગાર પ્રસંગ – દીપિકા પાંડે

[રીડગુજરાતી આંતરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધા 2007માં પ્રાપ્ત થયેલી કૃતિઓમાંની એક રચના. આ કૃતિ મોકલવા માટે દીપિકાબેનનો (ઓસ્ટ્રેલિયા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dipika.pande@gmail.com સંપર્ક કરી શકો છો.]

ટીના આજે સવારથી ખુબજ ટેન્શનમાં હતી. વિચારી વિચારીને એણે પોતાની મૂંઝવણમાં વધારો કરી દીધો હતો. ‘શું થશે ? કેવું રિઝલ્ટ આવશે ? મમ્મી પપ્પા રાજી થશે કે કેમ ? સારા ટકા ના આવ્યા તો મને વઢશે તો નહિ ને ? મારા ટીચર્સ મારી વિશે શું વિચારશે ? લોકો મારી મજાક ઉડાવશે તો ?’ ટીનાનું બારમા ધોરણનું પરિણામ આજે જાહેર થવાનું હતું. એટલે જ આજે તે ગભરાયેલી અને ચિંતિત હતી. ટીના ભણવામાં ખુબ જ હોશિયાર. કલાસમાં હંમેશા પ્રથમ હોય. તેના શિક્ષકો પણ હંમેશા તેના વખાણ કરતાં. આટલી હોંશિયાર હોવા છતાંય એને અભિમાન જરાય નહિ.

હંમેશાં કલાસમાં બીજા વિધાર્થીઓને મદદ કરતી. કોઇ ને કાંઇ પણ તકલીફ હોય કે સમજ ન પડતી હોય તો ટીના એમને સમજાવતી. એટલું જ નહિ, પેપરના જવાબ કેવી રીતે લખવા, મુદ્દા કેવી રીતે બનાવવા, સુઘડતાથી પધ્ધતિસર પેપર કેવી રીતે લખવું એ પણ સૌને સમજાવતી. બારમાં ધોરણમાં હોવા છતાં પણ એણે ટ્યુશન રખાવ્યું ન હતું. એ જાતે જ ઘરે મહેનત કરતી. ખુબ વાંચતી અને કંઇ સમજ ન પડે તો તેના ટીચરને પૂછી લેતી. તેની ધગશ અને મહેનત જોઇને મમ્મી-પપ્પા ખુબ જ ખુશ થતા. હંમેશા એને પ્રોત્સાહિત કરતા. ક્યારેક ટીના ટેન્શનમાં આવી જાય તો એની સાથે ખુબજ મસ્તી કરતા. એને ફરવા લઇ જતાં કે ફિલ્મ જોવા લઇ જતા. ભણવાની સાથે સાથે ઇતરપ્રવૃત્તીઓ માં પણ ટીના ભાગ લેતી. માત્ર પુસ્તકીયા કીડા બની રહેવાનું એને પસંદ ન હતુ. મમ્મી-પપ્પા ટીના પર ગર્વ કરતાં.

ટીનાનું એક જ સપનું હતું મોટા થઇને ડોક્ટર બનવાનું અને બધાની સેવા કરવાનું. પણ સારા ટકા વગર મેડીક્લમાં એડમિશન નહિ મળે એ ટીના જાણતી હતી. આજે એ દિવસ આવી ગયો. આજે ટીના નું ભાવિ નક્કી થવાનું હતુ. નાનો સોનુ પણ સવારનાં ટીનાની પાછળ પડી ગયેલો ‘દીદી આજે તો તારું રિઝલ્ટ આવશે. આ વખતે પણ તું સ્કુલમાં ફ્સ્ટ આવીશને ?’ ખબર નહિ કેમ પણ ટીનાને આ વખતે થોડી બીક લાગતી હતી. પરીક્ષામાં મેથ્સનું પેપર બરાબર લખી શકી ન હતી. પેપર ધાર્યા કરતાં પણ અઘરું હતું બીજા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડેલી. કદાચ રીઝલ્ટ સારું ન પણ આવે. ટીના આજે સવારથી જ એની રૂમમાં જ હતી. ભગવાનને મનોમન પ્રાર્થના કરી રહી હતી. આજે એણે ચા નાસ્તો પણ કર્યો નહિં. મમ્મીયે બહુ કહ્યું પણ ટીનાને કંઇ જ ખાવા પીવાનું મન ન હતુ. બસ રૂમમાં એક્લા એક્લા વિચારોમાં ઘેરાયેલી હતી.

આખરે સમય થઇ ગયો. પપ્પાએ બુમ મારી ‘ટીના બેટા, ચાલ આપણે રિઝલ્ટ લઇ આવીએ.’ ટીના તો પરસેવે રેબઝેબ થઇ ગઇ. એનું શરીર એને ઠંડુ પડી જતુ લાગ્યું. એનામાં પરિણામનો સામનો કરવાની હિંમત જ ન હતી. એણે પપ્પાને કહ્યું : ‘ડેડી, પ્લીઝ તમે જઇ આવો ને, મારે નથી આવવું.’ પપ્પા આ સાંભળતાં જ ગુસ્સે થઇ ગયા. ‘એવું કેમ ચાલે?’ તારે રિઝલ્ટ લેવા તો આવવું જ પડે ને ! બધા તારી ત્યાં રાહ જોતા હશે. એમાં ગભરાવાની શું વાત છે ? માણસે દરેક પરિસ્થિતિનો સામનો કરતાં શીખવું જોઇએ. તેં મહેનત તો કરી જ છે. પરીણામ સારું જ આવશે. તું પ્રથમ ન આવે તો કોઇ વાંધો નહીં. તારા ટકા સારા જ આવશે.’ પપ્પા એ ટીનાને ઘણી સમજાવી પણ એ માની નહીં. છેવટે પપ્પા એક્લા જ રીઝલ્ટ લેવા ગયા. સ્કુલે પહોચતા જ ટીનાના પપ્પાને સૌએ અભિનંદન આપ્યા અને જણાવ્યું કે ટીના પ્રથમ આવી છે. તેના 92% માર્કસ આવ્યા છે.પપ્પાના આનંદનો પાર ન રહ્યો. સૌ કોઇ ટીનાને મળવા માગતા હતા. પણ ટીનાને ન જોતા સૌને અચરજ થયું. પપ્પાએ સૌને જણાવ્યું કે સાંજે સૌ ઘરે આવો. ટીના તમને ચોક્કસ મળશે. ટીનાના પપ્પા ઘરે આવી રહ્યા હતા. રસ્તામાં જ એમને વિચાર્યુ, ‘ટીનાને સરપ્રાઇઝ પાર્ટી આપવી જોઇએ. તેમણે ઘરે પહોચતા સુધીમાં બધા જ સગા સ્નેહીઓને મોબાઇલ પરથી સાંજે ઘેર પધારવા આમંત્રણ આપી દીધું. ઘરે પહોચીને મમ્મીને પણ બધી વાત ખાનગીમાં જણાવી દીધી. મમ્મીએ વિચાર્યુ કે ટીનાને કેક બહુ ભાવે છે એટલે કેક મંગાવી લઇશું. સાથે સાથે મહેમાનો માટે પણ ગુલાબજાંબુ અને સમોસા મંગાવી લઇશું. પપ્પાને પણ આ યોગ્ય લાગ્યું. ટીના હજુ પણ રૂમમાં જ હતી.

બપોર થઇ ગઇ હતી. રસોઇ બની ગઇ હતી. મમ્મીએ જમવા માટે બૂમ પાડી. ટીનાએ પૂછ્યું, ‘પપ્પા આવી ગયા? મમ્મીએ ‘હા’ પાડી. ટીનાના દિલની ધડકનો વધી ગઇ. પપ્પા આવી ગયા, રીઝલ્ટ પણ આવી ગયું હશે ! શું હશે? પપ્પા કેમ મને જણાવવા ન આવ્યા ? ચોક્કસ સારા માર્કસ નહીં આવ્યા હોય, હવે શું કરીશું? હું મેડીકલમાં એડમિશન કેવી રીતે મેળવીશ? ડોક્ટર બનવાનું મારું સપનું કેવી રીતે પૂરું થશે? ટીના વિચારતા વિચારતાં જ રડવા લાગી. રડતા રડતા એ ક્યારે સૂઇ ગઇ એની એને ખબર ના પડી. પપ્પાએ ધીમે રહી ટીનાના રૂમ નું બારણું ખોલ્યું. એને સુતેલી જોઇ કંઇ બોલ્યા નહીં. થોડો આરામ કરી મમ્મી–પપ્પા પાર્ટીની તૈયારીમાં લાગી ગયા. મમ્મીયે ઘરને થોડું શણગાર્યું. સાંજના છ વાગી ગયા હતા. ધીમે ધીમે મહેમાનો આવવા લાગ્યા હતા. સૌ કોઇ ટીના માટે કંઇક ને કંઇક ગીફ્ટ લાવ્યા હતા. બધા ટીના વિશે પૂછતા. પપ્પાએ કહ્યું : ‘બસ, થોડી વારમાં જ બોલાવી લાવું.’ એની કેક પણ ટેબલ પર ગોઠવી દીધી હતી. પપ્પા બજારમાંથી સમોસા અને ગુલાબ જાંબુ પણ લઇ આવ્યા હતા.

મહેમાનોનો અવાજ સાંભળી ટીનાની ઉંઘ ઉડી ગઇ. તે જાગી ગઇ. શું વાતચીત ચાલી રહી છે એ સાંભળવાનો પ્રયત્ન કરવા લાગી. ‘નીચે રૂમમાં શું ચાલી રહ્યું છે ? કોણ આવ્યું છે?’ ટીના વિચારવા લાગી. ત્યાંજ મમ્મીએ બારણું ખોલ્યું : ‘ટીના બેટા જલ્દી તૈયાર થઇ જા. તને બઘા મળવા આવ્યા છે.’ મમ્મીએ કહ્યું. મને મળવા ? પણ કેમ ? ટીના આશ્ચર્યચકિત થઇ ગઇ. એને સમજાતું ન હતું કે આ બધુ શું ચાલી રહ્યું છે. મમ્મી કહે ‘તું ફટાફટ તૈયાર થઇને નીચે ચાલ, તને બધી ખબર પડી જશે.’ થોડી જ વારમાં ટીના તૈયાર થઇ ગઇ અને મમ્મી સાથે નીચે આવી. ટીના તો નીચેનું દ્રશ્ય જોઇ નવાઇ પામી ગઇ. ટીનાના બધા જ ફ્રેન્ડસ અને ટીચર્સ આવ્યા હતા. કાકા-કાકી,માસી અને મામા પણ હાજર હતા. બીજા સગા સ્નેહીઓ પણ પાર્ટીમાંઉપસ્થિત હતા. ટીનાને જોતાંજ બધાએ તાળીઓ પાડી. અત્યારે બધા કેમ ભેગા થયાછે ! મને જોઇને તાળી ઓ કેમ પાડી રહ્યા છે ? કેટલાય સવાલો ટીનાના મગજમાં ચાલી રહ્યાં હતા.

પપ્પાએ પાસે આવીને કહ્યું : ‘ખુબ ખુબ અભિનંદન ટીના, તું તારી સ્કુલમાં પ્રથમ આવી છે.’ ટીનાને તો વિશ્વાસ જ નહોતો થતો. આ હકીક્ત છે કે સ્વપ્ન ! ટીનાના આનંદ નો પાર જ ન હતો. તેણે પપ્પાને ગળે લગાડી લીધા. મમ્મીએ પણ ખુબ ખુબ અભિનંદન આપ્યા. એના ગાલ ને વહાલથી ચુમી લીધા. સોનુ પણ દીદીને વળગી પડ્યો. ટીના ખરેખર ખુબ જ ખુશ હતી. મમ્મી પપ્પાએ કેટ્લી સરસ સરપ્રાઇઝ આપી ! ત્યારબાદ ટીનાએ કેક કાપી. સૌએ ટીનાને આશીર્વાદ અને ગીફ્ટ આપ્યા. પપ્પાએ ટીનાને કહ્યું : ‘ટીના બેટા, મે કહ્યું હતુ ને તારું રિઝલ્ટ સરસ જ આવશે. હવેથી ક્યારેય ગભરાવું નહી. સારુ કર્મ કર્યુ હોય તો ફળ સારું જ આવે. પરિણામથી ગભરાઇ જઇએ તો જીવનમાં ક્યારેય સાહસ કરી શકીએ નહી અને સાહસ વિના સફળતા મળી શકે નહી.’
‘હા પપ્પા, હવેથી હું ક્યારેય પરિણામથી ડરી જઇને હિંમત હારીશ નહી અને મારી મહેનત પર હંમેશાં વિશ્વાસ રાખીશ.’ સૌએ પાર્ટીમાં ટીનાની પ્રશંસા કરી.

રાત્રે સુતી વખતે ટીના વિચારી રહી હતી, ‘હવે હંમેશાં હું મારી જાત પર ભરોસો રાખીશ. આત્મવિશ્વાસથી માણસ અશક્ય કામને પણ શક્ય બનાવી શકે છે. મેડીકલમાં એડ્મીશન લઇ ને ડોક્ટર બનીશ. અને ગરીબોની સેવા કરીશ. એણે મનોમન ભગવાનનો આભાર માન્યો. આજનો દીવસ અને મમ્મી પપ્પાએ આપેલી સરપ્રાઇઝ પાર્ટી ટીના માટે જીવનનો યાદગાર પ્રસંગ બની ગયો.