- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

નારી – ચંદ્રિકા થાનકી

[‘અખંડ આનંદ’ માંથી સાભાર.]

મન હોય તો માળવે જવાય’, ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ આ બધી કહેવતોને વાસ્તવિક સ્વરૂપ આપનારા મુઠ્ઠી ઊંચેરા માનવીઓના અનેક પ્રેરણાદાયી પ્રસંગો મનુષ્યજીવનને સાર્થક બનાવવામા મદદરૂપ થાય છે. ત્યારે જીવનની કડવી વાસ્તવિકતાઓ વચ્ચે માનસિક અને શારીરીક રીતે ખુવાર થઇ ગયેલ 77વર્ષના એક વૃધ્ધ માજીએ હિંમત હારવાને બદલે યોગ દ્વારા ઢળતી ઊંમરે પોતાની શારીરીક તકલીફો અને માનસિક હતાશા પર કાબુ મેળવીને, પોતાના પરિવાર જ નહીં પરંતુ શારીરિક અને માનસિક રીતે પડી ભાંગેલા સમાજના અસંખ્ય લોકો માટે જબરદસ્ત પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હજી પોણા બે મહિના પહેલા તો વોકરની મદદથી માંડ માંડ ચાલી શકતાં અને બે ચાર માણસોએ પલંગમાંથી ઉભા કરવા પડતા એવા વલસાડ તાલુકાના હરિયા ગામના મધુબહેન દેસાઇ નામના 77 વર્ષીય માજીને આજે પોતાની મેળે હરતા ફરતાં અને કામ કરતા જોઇ તેમના પરિવારના સભ્યો અને પાડોશીઓ આશ્ચર્યથી મોઢામાં આંગળા નાંખી રહ્યાં છે.

શાળાજીવન દરમિયાન વિધાર્થીઓમાં માનસિક મક્કમતા આવે તે માટે ચોપડાઓમાં મહાપુરુષોના પ્રેરણાદાયી પ્રસંગો વર્ણવવામાં આવતા હોય છે. પરંતુ આજની ભાગદોડ ભરી અને સ્પર્ધાત્મક શૈલીવાળા જીવનધોરણે કાળા માથાના માનવીને માનસિક અને શારિરીક રીતે હતાશાની ગર્તામાં ધકેલી દીધો છે. બહુ ઓછા લોકો માનસિક મકકમતા કેળવીને આવી હતાશાની ગર્તામાંથી બહાર આવી શકે છે. ત્યારે વલસાડ તાલુકાના હરિયા ગામે રહેતાં શ્રીમતી મધુબહેન ગુણવંતરાય દેસાઇ નામના 77 વર્ષીય વૃધ્ધ મહીલાએ આખું આયખું અનેક શારીરીક અને માનસિક વિટંબનાઓ વેઠ્યાં બાદ જ્યારે લોકોએ તેમને હવે જીવી ન શકે તેમ કહી લખી વાળ્યાં હતા, તેવા સમયે તેમણે યોગશકિત દ્વારા પોતાના જીવનની દિશા જ નથી બદલી. પરંતુ સમાજના આવા તો અનેક લોકોને નિરાશાની ગર્તામાંથી બહાર આવવાની ગુરુચાવી બક્ષી છે.

મધુબહેન ગુણવંતરાય દેસાઇનું સમગ્ર જીવન અનેક માનસિક અને શારીરિક વિટંબનાઓથી ભરેલું રહ્યું છે. 13 વર્ષ પહેલાં તેમને ગર્ભાશયનું કેન્સર થયુ હતું. જેને પગલે ઓપરેશન દ્વારા તેમનું ગર્ભાશય કાઢી નાંખવુ પડેલું. આ ઓપરેશનના સાડાત્રણ વર્ષ બાદ તેમની યુરિનની નળી પર ગાંઠ હોવાનું નિદાન થતાં, સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડેલી. ત્યારબાદ પીઠમાં અસહ્ય દુ:ખાવો થતાં, તપાસ કરાવતાં પાંચમા મણકા પર વાંધો હોવાનું અને કદાચ ટી.બી. ની અસર હોવાનું ડોકટરોએ જણાવ્યું. હજી તો તેની સારવાર ચાલે, તે દરમિયાન ગત એપ્રિલમાં તેઓ ઘરમાં એકાએક પડી જતાં થાપામાં ફ્રેક્ચર થયું અને ઓપરેશન કરી પ્લેટ બેસાડવી પડી. જેને કારણે તેઓ હલનચલન કરવાને લાયક રહ્યાં નહીં. વલસાડના ડોકટર હાઉસમાં દાખલ કરાયાં. અને એક દિવસ એકાએક તેમનાં શરીરમાં વ્હાઇટ સેલ્સ વધી ગયાં. હ્રદયના ધબકારા એકાએક વધી ગયા. ડોકટરોએ તેમનાં નજીકના પરિવારજનોને બોલાવી લેવાની સુચના આપી. મોટાભાગના લોકોએ માની લીધું કે, મધુબહેન હવે જીવી શકે તેમ નથી. પરંતુ ઇશ્વર કૃપાથી તેઓ બચી ગયા. જો કે, પલંગમાંથી તેઓ મેળે ઉભા થઇ શકતા નહોતા. તેમને ઉંચકીને બેઠાં કરવા બે ચાર માણસોની જરૂર પડતી અને બાથરૂમમાં જવું હોય તો વોકરની મદદથી માંડ માંડ ચાલી શકતાં.

જીવન દવાની દયા પર અવલંબિત થઇ ગયું હતું. ભૂખ મરી ગઇ અને રાત્રે ઊંઘવા માટે ઊંઘની ગોળીઓ લેવી ફરજિયાત થઇ પડી. આટઆટલી શારીરિક પીડા સહન કરી રહેલાં મધુબહેન માટે માનસિક પીડા પણ ઓછી ન હતી. સાત વર્ષ પહેલાં તેમની પુત્રવધુનું અકાળે અવસાન થયું હતું. તો ગત ઓક્ટોબરની 16મી તારીખે તેમના 44 વર્ષીય પુત્ર વિનીતનું પણ બીમારીથી અવસાન થયું.

એક પુત્ર ભરૂચ છે અને પુત્રી સુરત સ્થાયી થયેલ છે. ઘરમાં તેમના વૃધ્ધ પતિ ગુણવંતરાય અને તેમની નાનકડી પૌત્રી માટે રસોઇ બનાવવા માટે કોઇ નહોતું એટલે બહારથી ટિફિન મંગાવવુ પડતું. વાંરવારની શારિરીક બીમારીને પગલે તેમની આર્થિક સ્થિતિને પણ ભારે અસર પહોંચી હતી. આવી કપરી પરિસ્થિતિમાં અન્ય કોઇ હોત તો ભગવાન પાસે મોત સિવાય અન્ય કોઇ ચીજની માંગણી ન કરતે. પરંતુ મધુબહેન જેમનું નામ. માનસિક મક્કમતા એ તેમના જીવનનું જમાપાસુ છે અને એટલે જ એક દિવસ તેમના પુત્રના સુરત ખાતે રહેતા એક મિત્રને તેમના ઘરમાં કોઇ સમારકામ માટે બોલાવતા, તેણે 77 વર્ષીય મધુબહેનને તેમની તકલીફોમાંથી બહાર આવવા યોગાસન કરવાની સલાહ આપી. આ માટે તેણે ટી.વી. પર આવતા બાબા રામદેવ મહારાજનો સવારે કાર્યક્રમ આવે છે તેને જોઇને યોગાસન કરવાની સલાહ આપી.

મધુબહેને તે સલાહને હસવામા કાઢી નાંખવાને બદલે ગંભીરતાથી લીધી અને ગત એપ્રિલની આઠ તારીખથી સવારે ટી.વી. પર આવતા યોગના આસનો જોઇ જોઇને ધીરે ધીરે તેનો પ્રયત્ન કરવાનો આરંભ કરી લીધો અને જાણે કે ચમત્કાર થયો. માંડ માંડ વોકરથી બે ડગલા ચાલી શકતા અને બેચાર માણસોની સહાયથી પલંગમાંથી ઊઠી શકતા મધુબહેન યોગ ચાલુ કર્યાના ચાર દિવસમા જ પોતાની મેળે પલંગમાંથી બેઠા થયાં અને વોકર વિના ચાર ડગલા ચાલ્યાં. અને પછી તો રોજ સવારે પાંચથી આઠ વાગ્યા દરમિયાન યોગાસન કરવા માટે તેમને જાણે કે કેફ ચઢ્યો. ધીરે ધીરે તેઓએ તમામ દવાઓ છોડી દીધી. કમર અને થાપાનો દુ:ખાવો ઓછો થવા લાગ્યો. અને એક સવારે તો તેઓ પોતાની મેળે ઘણા અંતર સુધી ચાલ્યાં.

તે જોતાં જ પાડોશીઓ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયાં. ધીરે ધીરે તેમનું જીવનધોરણ સામાન્ય થવા માંડ્યું. બહારથી ટિફિન મંગાવવાનું બંધ થઇ ગયું. કારણકે તેઓ જાતે જ રસોઇ બનાવવા મંડ્યા. ઊંઘ નિયમિત થઇ જતાં, ઊંઘની ગોળીઓ ક્યારે છૂટી ગઇ તેની તેમને જાણ પણ ન થઇ. ભૂખ લાગવા માંડી અને વજન પણ અઢી કિલો વધ્યું. થાપામા થયેલ ફ્રેક્ચર અને મણકાની તકલીફને લીધે વલસાડના હાડકાના ડોકટરે ઓપરેશન કરવું પડશે અને તેઓ ક્યારેય ચાલી શકશે નહી તેમ જણાવ્યું હતું. પરંતુ પોતાના મજબૂત આત્મિક બળ, હકારાત્મક અભિગમ અને ક્યારેય હિંમત ન હારવાના મક્કમ મનોબળ ધરાવતાં 77 વૃધ્ધ મધુબહેને યોગશકિત દ્વારા તમામને ખોટા પાડ્યાં.

મધુબહેન દેસાઇ સાથેની એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ વ્રજાસન સિવાય મોટાભાગનાં યોગાસનો ટી.વી પર જોઇને કરે છે. તેમને જણાવ્યું કે, પોતાની 77 વર્ષની ઊંમરમાં તેમણે કદી યોગાસનો કર્યા જ ન હતાં, જેનો તેમને અફસોસ થાય છે. કારણ કે જે વિટંબનાઓમાંથી તેઓ પસાર થયાં છે, તેમાંથી વહેલાં બહાર આવવામાં તેમને યોગ ખુબ જ સહાયરૂપ બની શક્યો હોત. હજી પોણા બે મહિના પહેલા માંડ બે ડગલાં ચાલી ન શકતાં મધુબહેન આજે ધડલ્લેથી વલસાડ સુધી એકલાં જઇ આવે છે. અને આજે પોતાના પતિ ગુણવંતરાય દેસાઇને તેમની શારીરિક તકલીફમાંથી છુટકારો મેળવવા પ્રેરણા પૂરી પાડે છે.

તેમણે જણાવ્યું કે, તેમના આ કાર્યમા પડોશી દીપકભાઇ દેસાઇ, અશોકભાઇ દેસાઇ, કૌશિકભાઇ દેસાઇ વગેરેએ ખૂબ પ્રેરણા પૂરી પાડી છે. તેમણે તેમના જેવી તકલીફ ભોગવી રહેલાં અસંખ્ય લોકોને હિંમત ન હારવાની અને જીવનની પીડાઓમાંથી મુક્તિ મેળવવા યોગનો આશરો લેવાની હાકલ કરી છે. આમ વલસાડ તાલુકાના હરિયા ગામના મધુબહેન ગુણવંતરાય દેસાઇની આ જીવનકહાણી, શારીરિક અને માનસિક પીડાઓના પગલે હતાશાની ગર્તામાં ધકેલાયેલા લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત પૂરો પાડનારી બની રહેશે તેમાં કોઇ શંકા નથી.