એક તારની રામાયણ – શ્રી માલતી આગટે

[મરાઠી વાર્તાનો અનુવાદ.]

ગામડાગામની અમારી નિશાળ અને તેના ડ્રોઈંગ માસ્તર. હું ત્યારે ચોથીમાં હતો. ત્યારનો એક પ્રસંગ યાદ આવતાં આજેય હું હસીને લોથપોથ થઈ જાઉં છું. તમે જાણશો તો તમારુંયે હસી-હસીને પેટ દુ:ખી જશે.

ડ્રોઈંગ માસ્તરે પાટિયા ઉપર એક નિસર્ગ દશ્ય દોરી દીધું અને અમને છોકરાંવને કહ્યું કે તમે તે તમારી પાટીમાં દોરો. બસ, અમને સહુને આમ કામે લગાડી દઈ એમણે પોતાની કાળી ટોપી કાઢીને મૂકી. હવે શું કહું ? તે ટોપીમાંથી કાંઈ વાસ આવે, કાંઈ વાસ આવે ! કોઈ માણસ બેભાન થઈ ગયો હોય અને તેને આ ટોપી સુંઘાડો તો એય ફડાક દઈને ઊભો થઈ જાય ! માસ્તરે તે ટોપી ઉતારીને પગ ટેબલ ઉપર લાંબા કરીને લંબાવ્યું. થોડી વારમાં તો એમનાં નસકોરાં સંભળાવા લાગ્યાં.

માસ્તરની આ મૂર્તિ પાટિયા પરના ચિત્ર કરતાં વધારે સરસ હતી. એટલે કેટલાકે નિસર્ગદશ્યને બદલે એ જ પાટીમાં દોરવા માંડી. કેટલાક ડાહ્યા ડમરા થઈ પાટિયા પરનું ચિત્ર દોરતા હતા. તો કેટલાક મસ્તી તોફાનમાં મસ્ત હતા. મારી બાજુનો છોકરો માસ્તરનો પટ્ટ શિષ્ય. એય ઘોરવા લાગ્યો. એક છોકરાએ કાગળની ભૂંગળી કરી તેના કાનમાં ખોસી કે સફાળો જાગ્યો. ‘કોણે કર્યું ? કોણે કર્યું ?’

તેવામાં ‘મારો લાલિયો અહીં ભણે કે ?’ – કહેતાં એક ડોસીમા વર્ગમાં પ્રવેશ્યાં. હેં ! આ તો મારાં દાદીમા ! એ અહીં ક્યાંથી ? એમની હાકથી માસ્તરસાહેબ હાંફળા-ફાંફળા જાગી ગયા. ‘મારા લાલિયાનો વર્ગ આ જ કે ?’ પણ માસ્તર બિચારા લાલિયાને ક્યાંથી ઓળખે ? એમના રજિસ્ટરે તો લાલજી શાહ નામ નોંધાયેલું. હું તરત ઊભો થઈને ત્યાં હાજર થઈ ગયો. મને જોઈ દાદીએ એક ગુલાબી કાગળ મારા હાથમાં મૂક્યો. ‘લે, આ તાર આવ્યો છે, વાંચ ને !’ દાદીનો ચહેરો ભય અને ચિંતાથી વ્યાકુળ થઈ ગયેલો. હું પણ બહુ ગભરાયો. તાર ક્યાંથી આવ્યો હશે ? અને શાનો હશે ? મારી મા બીમાર હતી અને આરામ માટે મારા મામા પાસે ગયેલી. એને કાંઈ થયું હશે ? પણ અંગ્રેજી તાર હું તો કેવી રીતે વાંચવાનો ? મેં માસ્તર સાહેબનો આશરો લીધો.

પરંતુ ગામડાના ડ્રોઈંગ માસ્તર. એમણે તાર હાથમાં લીધો, આંખે ચશ્મા ચડાવ્યાં, અને કાગળને આમ તેમ કરી થોડીવારે કહ્યું : ‘આ દાક્તર અને પોસ્ટના લોકોના અક્ષર ભારે ! ચિત્રગુપ્ત સુદ્ધાં તેને ઉકેલી ન શકે, તો મારા જેવાનું તો ગજું જ શું ? તું એમ કર, હેડ માસ્તર પાસે જા.’ અમારી સવારી પહોંચી હેડમાસ્તર પાસે. મેં તાર એમના હાથમાં મૂક્યો. એ જરીક ચોંક્યા, જાણે તાર કોઈક બોમ્બ ન હોય ! એમનુંયે અંગ્રેજીનું જ્ઞાન માસ્તર જેટલું જ અગાધ. છતાં એમણે પ્રયત્ન કર્યો. એકાદ શબ્દ ઉકેલ્યો, અને જાણે ક્રોસવર્ડની એકાદ ચાવી મળી ગઈ હોય તેવા ઉત્સાહ સાથે બોલ્યા : ‘આ શામજી કરીને કોઈ છે ?’
‘હા, એ તો મારા દાદા.’
હેડમાસ્તરે મારી દાદી સામે જોયું. માળો કાંઈ મેળ નથી પડતો ! દાદી તો વિધવા લાગે છે. તાર સ્વર્ગમાંથી ક્યાંથી આવે ? એમણે મને જરા બાજુમાં લઈ જઈને પૂછ્યું : ‘તમારા કુટુંબમાં બીજું કોઈ શામજી નામનું છે ?’ મારા ચિત્તમાં તુરત ચમકારો થયો : ‘અરે હા ! મારી મોટી બહેનના વરનું નામ પણ શામજી જ છે.’

‘બસ ત્યારે આ તાર શામજીભાઈ પાસેથી આવ્યો છે. તું એમ કર, સામે પરાંજપે વકીલ છે. એમની પાસે જઈને આ તાર બરાબર વંચાવી આવ. તાર આવ્યો છે શામજીભાઈ પાસેથી એ નક્કી.’ – પોતે આટલું તો વાંચી આપ્યું, એટલો સંતોષ લઈને એમણે તાર મને પાછો આપ્યો. દાદી બિચારાં શું બોલે ? એમની વ્યાકુળતા વધતી જતી હતી. અમે પરાંજપે વકીલ પાસે પહોંચ્યા, ત્યારે બિલકુલ રડવા જેવા થઈ ગયેલાં.

પરાંજપે વકીલે તાર હાથમાં લીધો. તેના ઉપર નજર ફેરવી. એમની સામે જોઈ મને ખાતરી થઈ કે એમણે તાર વાંચ્યો છે ખરો. ત્યાં તો એ હરખ કરતાં બોલ્યાં : ‘ઓહ ! માજી, તમારે તો અમને પેંડા ખવરાવવા પડશે. શુકનવંતા સમાચાર છે.’
માજી કહે : ‘આ હું ક્યારની ચિંતાથી બળી મરું છું અને તમને પેંડા શાના જોઈએ ?’
‘અરે માજી ! ચિંતા શાની ? લલિતા કોણ છે, તે કહો ?’
‘મારી પોતરી. આ લાલિયાની મોટી બહેન. એને શું થયું ?’
‘એને દીકરો થયો, એવો શામજીભાઈનો તાર છે. હવે તો અમને પેંડા ખવડાવશો ને ?’
દાદીમાના માથેથી મણનો ભાર ઊતર્યો. ‘ભલું થજો તારું દીકરા ! તને જ શું, પડોશ આખામાં પેંડા વહેંચું છું’ – કહી ઉતાવળે પગલે દાદી ઘર ભણી વળ્યાં.

મેં ય વર્ગમાંથી દફતર ઉપાડી ઘર ભણી દોટ મૂકી. લલિતાને બાબો આવ્યો. હવે હું મામો થયો. નિશાળમાંથી ગુટલી મારવા આનાથી મોટું બહાનું બીજું શું જોઈએ ? ઘરે પહોંચ્યો, ત્યાં દાદી કહે, ‘અહીં આવ. એક પોસ્ટકાર્ડ લે અને મારી સામે બેસીને હું લખાવું તેમ પત્ર લખ. તારા એ બનેવીને લખ અને પૂછ કે પાંચ પૈસાનો પોસ્ટકાર્ડ તને ન મળ્યો તે તારની આ આવડી અમથી ચબરખી મોકલી ? આવા શુકનના સમાચાર આપતાં આમ પૈસા સામે કાંઈ જોવાતું હશે !’
મેં દાદીને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો કે શામજીભાઈએ આમાં પૈસાની કંજૂસી કરી નહોતી. ઊલટાનો તાર કરવામાં વધારે પૈસા લાગે…. તો દાદી કહે, ‘પણ તો આટલા પૈસા ખરચવાનું તેને કહ્યું હતું કોણે ? મૂરખાને એટલી ખબર નહોતી કે તાર કોઈક મર્યું-કર્યું હોય ત્યારે જ કરાય ! આવા શુભ પ્રસંગે તો કોઈ તાર કરતું હશે ? નિરાંતે બેસીને પત્ર લખીએ તો તેમાં વિગતે સમાચાર તો અપાય કે માની તબિયત કેમ છે, દીકરાની તબિયત કેમ છે ! આ તો તાર મોકલીને મારો જીવ એકદમ અદ્ધર કરી દીધો ! તમને નવા જમાનાનાં છોકરાંવને કાંઈ અક્ક્લ છે કે નહીં !’

અક્કલ તો ત્યારે મારામાંયે ક્યાં બહુ હતી ? મેંય દાદીએ લખાવ્યું તેમ લખ્યું હતું. દાદી ભારે ગુસ્સામાં હતાં. પત્રમાં છેલ્લે એમણે લખાવ્યું હતું : ‘દીકરો કેવો છે તે લખજો. લલીને કહેજો કે દીકરાની બરાબર કાળજી લે. સાસુ પાસેથી શીખે. આજકાલનાં છોકરાં ! એમને બાળકની રૂડી માવજત કરવાનુંયે શીખવવું પડે.’

એક તારને લીધે ત્યારે કેવી રામાયણ થયેલી ! આ આખો પ્રસંગ યાદ આવે છે, ત્યારે આજે હસવું આવે છે. બોલો, તમનેય હસવું આવ્યું કે નહીં ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નારી – ચંદ્રિકા થાનકી
શું વાંચશું ? (ભાગ-1) – સં. પ્રા. બી. એમ. પટેલ Next »   

9 પ્રતિભાવો : એક તારની રામાયણ – શ્રી માલતી આગટે

 1. 🙂 મજાની વાત ….અહિંયા એ જોવાનું છે કે એ જમાનામાં pre-defined norms હતાં કે જો તાર આવે તો મોટાભાગે અશુભ સમાચાર હોય અથવા કાંઈક urgent સમાચાર હશે… !!!

  આજે સંદેશ-વ્યવહારના આટઆટલા ઝડપી માધ્યમોના લીધે વાત ઘણી ફટાફટ પહોંચાડી શકાય છે…

  પણ સાથે સાથે આ બધા માધ્યમો ખુબ જ vulnerable છે.. મોબાઈલ છે પણ network coverage વગર નકામું … ઈમેઈલ છે પણ Internet connectivity વગર ન ચાલે … પણ ટપાલસેવા આજે પણ સુદ્રઢતાથી ચાલી રહી છે ..

 2. Atul Jani says:

  ઘણાં લોકો ટુચકા (Joke) કહે પછી તેમને કહેવું પડે કે ભાઈ હસો તો ખરા હવે ટુચકો પુરો થયો. ઘણી વાર લેખ મુળ ભાષામાં બરાબર રીતે લખાયો હોય પણ પછી અનુવાદકની ક્ષતીને લઈને મુળ લેખની મજા મારી જાય.

  અત્રે વિષય હાસ્યનો જ છે પરંતુ રજુઆત એટલી ચોટદાર થઈ નથી. કાં તો મુળ લેખકની ઊણપ અથવા તો અનુવાદક્ની જે હોય તે પણ જો આ લેખ હાસ્યલેખ છે તેમ કહેવામાં ન આવ્યું હોત તો હસવુ આવત કે કેમ તે એક સવાલ છે.

 3. pragnaju says:

  અક્કલ તો ત્યારે મારામાંયે ક્યાં બહુ હતી ? મેંય દાદીએ લખાવ્યું તેમ લખ્યું હતું. દાદી ભારે ગુસ્સામાં હતાં. પત્રમાં છેલ્લે એમણે લખાવ્યું હતું : ‘દીકરો કેવો છે તે લખજો. લલીને કહેજો કે દીકરાની બરાબર કાળજી લે. સાસુ પાસેથી શીખે. આજકાલનાં છોકરાં ! એમને બાળકની રૂડી માવજત કરવાનુંયે શીખવવું પડે.’
  આ જમાનાનો ખ્યાલ આવી ગમ્મત સાથેની વાતોથી આવે!

 4. ભાવના શુક્લ says:

  કૃણાલભાઇ ની pre-defined norms વાળી વાત થી તો વધુ હસવુ આવ્યુ. આવુ જ એક વાર થયુ હતુ જ્યારે તાર આવ્યો હતો માસીબાની બિમારીનો અને મારા બા એ દાડાનો દિવસ કયારે હોય ને રિઝર્વેશન કેવી રીતે કરાવવુ તે નક્કિ કરી, કરી નાખ્યુ હતુ અને પછી તો એ માસીબા મારા બા કરતા પણ વધુ ૧૦ વર્ષ જીવ્યા હતા. મજા આવી હળવાશ પુર્વક માણવાની.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.