શું વાંચશું ? (ભાગ-1) – સં. પ્રા. બી. એમ. પટેલ

[ગુજરાતી સાહિત્યના વિવિધ પુસ્તકો, વાંચનને લગતી જાણવા જેવી બાબતો, મહાનુભાવોના વાંચન વિશેના અભિપ્રાયો, વાંચવા જેવા પુસ્તકો વગેરે જેવી વિવિધ માહિતીને આવરી લેતું એક સુંદર પુસ્તક ‘ગ્રંથ વંદના’ માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ યાદીમાં આપેલા પુસ્તકો ક્યાંથી પ્રાપ્ત થશે તેની કોઈ વિગત એ પુસ્તકમાં આપવામાં આવી નથી પરંતુ આપની પાસે વાંચવા અને વસાવવા જેવા પુસ્તકોની એક યાદી આનાથી જરૂર ઉપલબ્ધ બનશે. લેખનો ભાગ-2 આવતીકાલે આપવામાં આવશે. – તંત્રી ]

[કવિતા]

[1] બાળ ગરબાવળી (1877) : નવલરામ લ. પંડ્યા
સ્ત્રી-કેળવણીના ઉદ્દેશથી રચાયેલી આ કૃતિઓમાં ભણતરથી માંડીને માતૃત્વ સુધીના સ્ત્રીજીવનના કાળનું આલેખન થયું છે.

[2] દલપતકાવ્ય : 1-2 (1879) : દલપતરામ કવિ
આ રચનાઓમાં મધ્યકાલીન અને અર્વાચીન કવિતાનાં સંધિસ્થાનો હોવાને કારણે ઈશ્વર, સદાચાર, ધર્મ, વ્યવહારચાતુર્ય છે; તો સુધારો, દેશભક્તિ અને સમાજભિમુખતા પણ છે. જેમ બને તેમ સહેલી-સરલ અને ઠાવકી કવિતા રચવાની કવિતાની નેમ છે.

[3] કલાપીનો કેકારવ (1903) : સુરસિંહજી ગોહિલ ‘કલાપી’
26 વરસના ટૂંકા આયુષ્યમાં રચાયેલાં 250 જેટલાં કાવ્યોને સમાવતો સર્વસંગ્રહ. એની નોંધપાત્ર વિશેષતા એને મળેલી વ્યાપક લોકચાહના છે.

[4] કાવ્યમાધુર્ય (1903) : સં. હિંમતલાલ ગ. અંજારિયા.
પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ ની ઘાટીએ થયેલું, 19મી અને 20 મી સદીના સંધિકાળની ગુજરાતી કવિતાનું નોંધપાત્ર સંપાદન. સંપાદકની કાવ્યરુચિ, સાહિત્યની સમજ અને એમની સરળ પ્રવાહ અને છટાયુક્ત ગદ્યનો તેમાં પરિચય મળે છે.

[5] ન્હાના ન્હાના રાસ : 1-3 (1910-1937) : ન્હાનાલાલ કવિ
લય, અલંકાર, શબ્દચયન અને ભાવનિરૂપણની દષ્ટિએ ગુજરાતી ભાષાની વાણીસમૃદ્ધિ આ રાસસંગ્રહોમાં ઊતરી આવેલી છે.

[6] ભણકાર (1918) : બળવંતરાય ક. ઠાકોર.
પંડિતયુગ અને ગાંધીયુગની કડીરૂપ આ કાવ્યસંગ્રહનું પ્રથમ પ્રકાશન કાવ્યક્ષેત્રે ઐતિહાસિક બનાવ છે.

[7] રાસતરંગિણી (1923) : દામોદર ખુ. બોટાદકર
સંસ્કૃતપ્રચુર અને પંડિતભોગ્ય ત્રણ કાવ્યસંગ્રહો પછી આ ચોથા સંગ્રહમાં કવિએ લોકગીતોના ઢાળોમાં સરલ-સ્વાભાવિક અને લોકભોગ્ય અભિવ્યક્તિ સાધી છે. ભવ્યતા સાથેની સુંદરતા દર્શાવતો કવિનો ઉન્મેષ ગૃહજીવનનાં, કુટુંબજીવનનાં અને ખાસ તો સ્ત્રીહૃદયનાં સૂક્ષ્મ દર્શનોમાં જોવા મળે છે.

[8] પૂર્વાલાપ (1926) : મણિશંકર ભટ્ટ, ‘કાન્ત’
દાંપત્યપ્રેમ, મિત્રપ્રેમ અને વ્યક્તિપ્રેમ નિરુપતાં આ કાવ્યો અનન્ય રચનાઓ છે.

[9] ઈલા-કાવ્યો (1933) : ચંદ્રવદન મહેતા
આ કાવ્યોમાં ભાઈ-બહેનના નિર્વ્યાજ પ્રેમ અને શ્રદ્ધાના ભાવોને આર્દ્રતાથી આલેખતાં સ્મૃતિચિત્રોમાં કિશોર વયની મુગ્ધતા, સ્વપ્નશીલતા અને સરળતાનું દર્શન થાય છે.

[10] કોયા ભગતની કડવી વાણી (1933) : સુન્દરમ્
જૂની ઢબનાં ભજનોની ઘાટીમાં નવા જમાનાના વિષયો ને એની ભાવના અહીં રજૂ થયાં છે.

[11] બારી બહાર (1940) : પ્રહલાદ પારેખ
મધુર, સુરેખ અને સંવેદ્ય કાવ્યો. કવિની સૌરભપ્રીતિ અજોડ છે.

[12] આંદોલન (1951) : રાજેન્દ્ર શાહ
પ્રણય, પ્રકૃતિ અને અધ્યાત્મ જેવા સનાતન વિષયોનું નિરુપણ કરતાં સાઠ ગીતોનો આ સંગ્રહ, ન્હાનાલાલનાં ગીતો પછીનું ગીતક્ષેત્રનું મહત્વનું પ્રસ્થાન છે.

[13] પરિક્રમા (1955) : બાલમુકુંદ દવે
ભાવરસ્યાં ચિત્રાંકન, મર્મસ્પર્શી ઊર્મિ-આલેખન અને પ્રાસાદિક અભિવ્યક્તિથી દીપ્ત કાવ્યોનો ગુજરાતી કવિતામાં નોંધપાત્ર સ્થાન ધરાવતો સંગ્રહ.

[જીવનચરિત્ર]

[1] દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ (1925) : મો.ક. ગાંધી
દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન ગાંધીજીને જે કીમતી અનુભવો થયેલા એનું પાત્રો, સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરુપણ. એમનું જીવનઘડતર, રંગદ્વેશ સામેનો એમનો સંઘર્ષ, ત્યાંની ભૂગોળ – બધું એમને હાથે રોચક બનીને ઊતર્યું છે.

[2] સત્યના પ્રયોગો (1927) : મો. ક. ગાંધી.
આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરુપણ, નિર્વ્યાજ સરલતા અને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુરસ્સર વિનિયોગ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યક્તિ – આ બધાં વડે શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આનું મોખરે સ્થાન છે.

[3] સોરઠી બહારવટિયા : 1-3 (1927-1929) : ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રની ભૂમિમાં બહારવટે ચઢેલાં નરબંકાઓનાં ચરિત્ર-ચિત્રોના સંગ્રહો. દોઢસો-બસો વર્ષ પૂર્વેનાં લોકમાનસ અને રાજમાનસનું દસ્તાવેજી ચિત્રણ આપતી આ કથાઓમાં અન્યાય સામે ઝૂઝનારા સ્વમાની પુરુષોનાં શૌર્ય-પરાક્રમ-ટેકને નિરુપવામાં આવ્યાં છે.

[4] મારી હકીકત (1933) : નર્મદાશંકર લા. દવે
સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને લેખકે અહીં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તે ગાંધીજીના સમર્થ પુરોગામી છે.

[5] વીર નર્મદ (1933) : વિશ્વનાથ મ. ભટ્ટ
ચરિત્ર-અભ્યાસના ઉત્તમ નમૂનારૂપ આ ગ્રંથમાં પ્રેમ અને શૌર્યથી ઊછળતા નર્મદ-જીવનનો ચરિત્રકારે ટૂંકો પણ માર્મિક પરિચય કરાવ્યો છે.

[6] સ્મરણયાત્રા (1934) : કાકા કાલેલકર
અહીં સંચિત નાનપણનાં સ્મરણો મોટેભાગે કૌટુંબિક જીવનનાં તેમજ મુસાફરી અંગેનાં છે. જ્યાં જ્યાં જવાનું થયું ત્યાંનું લોકજીવન તથા ત્યાંના પ્રકૃતિસૌંદર્ય, ઉત્સવો અને વ્રતો ઉપરાંત મન ઉપર કાયમી છાપ મૂકી ગયેલી વ્યક્તિઓ અને પ્રસંગો એ આ પુસ્તકની મુખ્ય સામગ્રી છે.

[7] ગાંધીજીની સાધના (1939) : રાવજીભાઈ મ. પટેલ
ગાંધીજીના આફ્રિકાના નિવાસ દરમિયાનની ત્યાંની સત્યાગ્રહની લડત તેમજ ફિનિક્સ આશ્રમની પ્રવૃત્તિઓના આધારભૂત ઈતિહાસને સરળ અને રોચક શૈલીમાં આલેખતી કૃતિ.

[8] જીવનનાં ઝરણાં : 1-2 (1941-1960) : રાવજીભાઈ મ. પટેલ
સત્યાગ્રહી દેશભક્ત, સ્નેહાળ પિતા, સમાજસુધારક એવાં પોતાનાં વિવિધ સ્વરૂપો રજૂ કરતા આ આત્મવૃતાંતમાં લેખકે ગુજરાતનું 1907થી 1957 સુધીનું સામાજિક અને રાજકીય વાતાવરણ આલેખ્યું છે.

[9] ગ્રંથ અને ગ્રંથકાર : 1-11 (1944-1946)
ગુજરાતી સાહિત્યના શિષ્ટગ્રંથો અને ગ્રંથકારોનો તેમજ સાહિત્યની ગતિવિધિનો પરિચય મળી રહે તેવા ઉદ્દેશવાળી આ અત્યંત ઉપયોગી શ્રેણીના આઠ ખંડોનું સંપાદન હીરાલાલ ત્રિ. પારેખે કર્યું છે; બાકીનાનું સાત જુદા જુદા વિદ્વાનોએ.

[10] મહાદેવભાઈની ડાયરી : 1-7 (1948-1980)
મહાદેવભાઈ દેસાઈની 1917થી શરૂ થયેલી રોજનીશીમાં લખનારની આત્મકથા નહિ, પરંતુ મહાન ચરિત્રનાયક ગાંધીજી અંગેની વિપુલ કાચી સામગ્રી પડેલી છે. સ્વલ્પ ગુજરાતી ડાયરી-સાહિત્યમાં આ ગ્રંથો અત્યંત મૂલ્યવાન છે.

[11] જીવનપંથ (1949) : ‘ધૂમકેતુ’
એક સામાન્ય પણ ગરવા બ્રાહ્મણ કુટુંબની જીવનપંથ કાપવાની મથામણોનો પરિચય લેખકે અહીં મોકળાશથી આપ્યો છે.

[12] બાપુના પત્રો : 1-10 (1950-1966) : મો. ક. ગાંધી
સ્વાભાવિકતા, સાદગી અને પારદર્શક વ્યક્તિત્વનો પરિચય કરાવતા ગાંધીજીના પત્રોના આ સંચયો વિશ્વના પત્રસાહિત્યમાં નોંધપાત્ર છે.

[13] અમાસના તારા (1953) : કિશનચિંહ ચાવડા
જીવનશ્રદ્ધા અને જીવનમાંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી મનસ્તંત્રની અનેક મુદ્રાઓ પ્રગટાવતા આ લેખકના ગદ્યનું ઉત્તમ પ્રતિનિધિત્વ કરતું પુસ્તક. એમાં રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા પ્રસંગોમાં જીવનના અનુભવોનું વિદ્યાયક બળ છે.

[14] ઘડતર અને ચણતર (1954) : નાનાભાઈ ભટ્ટ
લેખકનો પ્રધાન ઉદ્દેશ દક્ષિણામૂર્તિ સંસ્થાનું ચિત્ર સમાજ પાસે મૂકવાનો છે. આ કૃતિ એમના જન્મ-ઉછેરથી આરંભાઈ, ચરિત્રનાયક જેમ જેમ વ્યક્તિ મટી સંસ્થા બનતા ગયા છે તેમ તેમ તે સંસ્થાની બની છે. રસિક અને પ્રેરક પ્રસંગો લેખકનું પારદર્શક વ્યક્તિત્વ ખડું કરે છે.

[15] વનાંચલ (1967) : જયન્ત પાઠક
શૈશવના આનંદપર્વના આ વિશાદ-મધુર સંસ્મરણમાં શિશુવયના નિર્ભેળ રોમાંચની સૃષ્ટિ ખૂલે છે. સાથે વતનની આદિવાસી પ્રજાની ગરીબી, અજ્ઞાન, વહેમ, લાચારી, ઈમાનદારી, એમના પર થતાં જુલમ-સિતમ, એમના હરખશોકની આર્દ્રવેદનશીલ હૃદયમાં અંકિત છબી પણ ઊપસે છે.

[16] અભિનય-પંથે (1973) : અમૃત જાની
જૂની રંગભૂમિના સુવર્ણકાળ અંગેની મહત્વની વિગતોવાળું, સંસ્મરણાત્મક શૈલીમાં લખાયેલું આ પુસ્તક દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે.

[17] થોડા આંસુ, થોડાં ફૂલ (1976) : જયશંકર ભોજક ‘સુંદરી’
સંનિષ્ઠ અને પારદર્શી વ્યક્તિત્વ ધરાવતા ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ અદાકારે ઉચ્ચ કોટિનું નાટ્યકૌશલ સિદ્ધ કરવા કેવી તપશ્ચર્યા કરી હતી તેની સંઘર્ષમય કથા. ગુજરાતી ધંધાદારી રંગભૂમિની અહીં મળતી અનેકવિધ વિગતો ઐતિહાસિક દષ્ટિએ મૂલ્યવાન છે.

[18] ગુજરાતના સારસ્વતો (1977) : કેશવરામ કા. શાસ્ત્રી
ગુજરાતી લેખકોનો, એમનાં પુસ્તકોના નિર્દેશો સાથે પરિચય.

[19] આત્મવૃત્તાંત (1979) : મણિલાલ ન. દ્વિવેદી
લેખક, ચિંતક અને અધ્યાત્મપ્રેમી લોકશિક્ષક તરીકે ખ્યાતિ પામેલા જીવનવીરે વ્યાધિ, કુસંગ અને અતૃપ્ત પ્રેમતૃષાને કારણે અદમ્ય બનેલી પ્રકૃતિની સામે ચલાવેલા યુદ્ધની દારુણ કથા.

[20] નામરૂપ (1981) : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
જીવનના વિવિધ પ્રસંગોએ ચેતનાના ભિન્ન ભિન્ન સ્તરે આવીને જીવી ગયેલાં ચરિત્રો.

[21] થોડા નોખા જીવ (1985) : વાડીલાલ ડગલી
દેશી-વિદેશી મહાનુભાવોના જીવનપ્રસંગોનું પ્રેરણામૂલક નિરુપણ અને ચરિત્રસંકીર્તન આ ચરિત્ર-નિબંધોની લાક્ષણિકતા છે.

[નવલકથા]

[1] સરસ્વતીચંદ્ર : 1-4 (1884-1901) : ગોવર્ધનરામ ત્રિપાઠી
આશરે 1800 પૃષ્ઠમાં વિસ્તરેલી આ નવલકથાએ ગાંધીજી પૂર્વેના ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ પાડ્યો, એનું કારણ તેમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊંડું ચિંતન અને એ ચિંતનને કળારૂપ આપનારી સર્જક પ્રતિભા છે. પ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ ને અર્વાચીન પશ્ચિમ – એ ત્રણ સંસ્કૃતિઓના સંગમકાળે ઊભેલા ભારતીય પ્રજાજીવનનાં વિવિધ સ્તરોમાંથી અહીં વિપુલ પાત્રસૃષ્ટિ આવે છે. એ સર્વને લેખક પ્રતીતિકર રીતે આલેખે છે તેથી એ જીવંત અને હૃદયસ્પર્શી બને છે. આજે બતાવી શકાય એવી આ કૃતિની કેટલીક મર્યાદાઓને સ્વીકાર્યા પછી પણ આ બૃહત્ નવલકથામાં જીવનને આટલા વ્યાપક સંદર્ભોમાં જોવા-મૂલવવાનો અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે, તે ઘટના સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે.

[2] ભદ્રંભદ્ર (1900) : રમણભાઈ મ. નીલકંઠ
આ હાસ્યરસિક નવલકથાનો વિષય સુધારા-વિરોધનો ઉપહાસ છે. એક અલ્પજ્ઞ બ્રાહ્મણની સર્વજ્ઞ તરીકે નીવડી આવવાની દાંભિક પરિસ્થિતિઓ દ્વારા હાસ્ય-કટાક્ષને વિકસાવીને લેખકે નવલથાને અને તેના મુખ્ય પાત્ર ભદ્રંભદ્રને અમર કરી દીધા છે.

[3] ઉષા (1918) : ન્હાનાલાલ કવિ
અનેક સ્થળે કાવ્યકોટિએ પહોંચતું, તાજગીભર્યું, આલંકારિક ગદ્ય ગુજરાતની આ પહેલી ગણનાપાત્ર લઘુનવલને કાવ્યાત્મક સાહિત્યકૃતિ બનાવે છે. એમાંની ગદ્યસૌરભે એને ગુજરાતીની ‘કાદંબરી’ પણ કહેવડાવી છે.

[4] પૃથિવીવલ્લભ (1921) : કનૈયાલાલ મુનશી
તત્કાલીન સમયપટ, વેગવંત ઘટનાદોર, નાટ્યાત્મક રજૂઆત, પ્રતાપી ચરિત્રરેખાઓ અને ભાષાની વેધકતાથી આ ઐતિહાસિક નવલકથાએ ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રભાવ જન્માવ્યો છે.

[5] કોકિલા (1928) : રમણલાલ વ. દેસાઈ
પ્રસન્નમધુર દાંપત્યજીવનનું આલેખન કરતી આસ્વાદ્ય નવલકથા.

[6] ગ્રામલક્ષ્મી : 1-4 (1933-1939) : રમણલાલ વ. દેસાઈ
1200થી વધુ પાનાંમાં વિસ્તરેલી આ આદર્શવાદી નવલકથા ગામડાંની અવદશાને આગળ કરે છે અને કથાનાયક ગ્રામોદ્યોગના અનેક કાર્યક્રમો અમલમાં મુકાતાં, બદલાતા ગ્રામજીવનની ઝાંખી કરાવે છે.

[7] બંદીઘર (1935) : મનુભાઈ પંચોળી ‘દર્શક’
લેખકની પ્રથમ નવલકથા. આ રસપ્રદ કૃતિમાં જેલના અમલદારોના દમન સામેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું ભાવવાહી આલેખન છે.

[8] ભારેલો અગ્નિ (1935) : રમણલાલ વ. દેસાઈ
મુખ્યત્વે કાલ્પનિક અને કેટલાંક ઐતિહાસિક પાત્રો દ્વારા 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ઘટનાઓનું આલેખન કરતી, એના સર્જકની સૌથી વધુ સફળ અને સંતપર્ક ગણાયેલી ઐતિહાસિક નવલકથા.

[9] અમે બધાં (1936) : જ્યોતીન્દ્ર હ. દવે, ધનસુખલાલ મહેતા
રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ ‘ભદ્રંભદ્ર’ પછી આપણા હાસ્યસાહિત્યમાં બીજી મહત્વપૂર્ણ આસ્વાદ્ય કૃતિ.

[10] દેવો ધાધલ (1937) : ચંદ્રશંકર બૂચ, ‘સુકાની’
વિષયવસ્તુની રીતે અનોખી રહેલી સમંદરના સાવજોની આ સાહસકથા માહિતીસભર હોવા છતાં રોમાંચક રીતે વાસ્તવિકતાનું વાતાવરણ રચે છે. બસો વર્ષ પહેલાંનો જમાનો એમાં આલેખાયેલો છે.

[11] બંધન અને મુક્તિ (1939) : મનુભાઈ પંચાળી ‘દર્શક’
1857ના મુક્તિસંગ્રામની પશ્ચાદભૂમાં સર્જાયેલી, અવિરત રાષ્ટ્રપ્રેમ પ્રેરતી આ નવલકથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજયની અને એ વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે.

[12] વળામણાં (1940) : પન્નાલાલ પટેલ
જાનપદી જીવનની, નાનકડા ફલકની પણ વિલક્ષણ કથા અહીં રજૂ થઈ છે. ગ્રામજીવનનું સાચકલું વાસ્તવલક્ષી ચિત્રણ, પ્રકૃતિનો જીવંત પરિવેશ, ગૌણ પાત્રોની પણ બળવાન રેખાઓ અને સુરેખ રચાઈ આવેલી આકૃતિ આ લઘુનવલને આગવું મૂલ્ય આપે છે.

[13] દરિયાલાલ (1941) : ગુણવંતરાય આચાર્ય
આપણી અલ્પ દરિયાઈ સાહસકથાઓમાં નોંધપાત્ર આ નવલકથામાં કથાનું આયોજન ચુસ્ત, નાટ્યાત્મક અને આકર્ષક છે; વર્ણનો ને વસ્તુ વાસ્તવનિષ્ઠ.

[14] મળેલા જીવ (1941) : પન્નાલાલ પટેલ
ઈડરિયા પ્રદેશના પટેલ કાનજી અને ઘાંયજી જીવીની આ કરુણાંત પ્રેમકથા લેખકની સીમાસ્તંભ નવલકથા છે. સુન્દરમે સાચું કહ્યું છે : ‘અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિંદના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ, ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ ધારી શકે તેવી બની છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક તારની રામાયણ – શ્રી માલતી આગટે
શું વાંચશું ? (ભાગ-2) – સં. પ્રા. બી. એમ. પટેલ Next »   

18 પ્રતિભાવો : શું વાંચશું ? (ભાગ-1) – સં. પ્રા. બી. એમ. પટેલ

 1. Dyuti says:

  Thanks…. I really appreciate…Actually, I was checking myself to see, how many of the list I have read….

 2. આને ખજાના સુધી જવાનો નકશો જ કહીશું ને !!! “ગ્રંથવંદના” પુસ્તકના રચયિતા અને પ્રકાશકનો આ અમૂલ્ય ભેટ વાચકો માટે સર્જવા બદલ ખુબખુબ આભાર.. અને મૃગેશભાઈનો આના વિશે અહિં લેખ આપવા બદલ આભાર..

  એક આડવાત .. તમે RDG પ્રકાશિત કરી એના પહેલા લેખ તરીકે જે તંત્રીનોંધ મૂકી હતી તેનુ એક વાકય મને યાદ છે ..તમે કહ્યું હતું કે RDG ગુજરાતી અને ગુજરાતી સાહિત્યને નવુ રૂપ આપશે .. exact શબ્દો યાદ નથી પણ આ વાતને મળતી આવતી જ વાત કહી હતી આપે .. અને આજે હું એ ચીજને હકીકત બનતી જોઇ રહ્યો છું..

  ખુબ ખુબ અભિનંદન એ માટે …

 3. Atul Jani says:

  જો નામ મળે તો નામી સુધી પહોંચી શકાય. અત્રે સુંદર રચનાઓના નામ તથા તેના રચઈતાઓના નામ તથા તે કઈ સાલ માં રચવામાં અથવા પ્રકાશીત કરવામાં આવી છે તેની એક રસપ્રદ સુચી આપણને પ્રાપ્ત થઈ છે. એમાંની કેટલીક આપણે વાંચી હશે, કેટલીક વીષે સાંભળ્યું હશે અને કેટલીકના નામ પહેલી જ વાર જાણવા મળ્યા હશે.

  સહિત્ય એક દિવસમાં રચાતુ નથી, કેટલીક કૃતિઑની બાજુમાં કૌંસમાં બે સાલ આપવામાં આવી છે. મારા માનવા પ્રમાણે તે ગ્રંથ રચનાનો કાળ દર્શાવે છે. જેમાં ઘણી કૃતિઓની રચનામાં તો ઘણો દિર્ઘ કાળ ગયો છે. જેમ કે

  * ન્હાના ન્હાના રાસ : 1-3 (1910-1937) : ન્હાનાલાલ કવિ (લગભગ ૨૮ વર્ષ)

  * સોરઠી બહારવટિયા : 1-3 (1927-1929) : ઝવેરચંદ મેઘાણી (૩ વર્ષ)

  * જીવનનાં ઝરણાં : 1-2 (1941-1960) : રાવજીભાઈ મ. પટેલ (૨૦ વર્ષ)

  * ગ્રંથ અને ગ્રંથકાર : 1-11 (1944-1946)
  (૩ વર્ષ)

  * મહાદેવભાઈની ડાયરી : 1-7 (1948-1980) (૩૩ વર્ષ)

  * બાપુના પત્રો : 1-10 (1950-1966) : મો. ક. ગાંધી (૧૭ વર્ષ)

  * સરસ્વતીચંદ્ર : 1-4 (1884-1901) : ગોવર્ધનરામ ત્રિપાઠી (૧૮ વર્ષ)

  * ગ્રામલક્ષ્મી : 1-4 (1933-1939) : રમણલાલ વ. દેસાઈ (૭ વર્ષ)

  સાહિત્યકારોના અવિરત અને અથાગ પ્રયાસને લીધે જ આપણને આવું પ્રેરક સાહિત્ય પ્રાપ્ત થાય છે.

  નવા સાહિત્યકારોઍ આ વાત ધ્યાનમાં લેવાની છે કે સાહિત્ય રચના તે કાંઈ બે ચાર દિવસનો ખેલ નથી પરંતુ તે તો એક અવિરત સાધના છે. અને સાધનાના પરિપાક રુપે જ ઉત્તમ કૃતિઓનો ફાલ આવતો હોય છે.

  સર્વ સહિત્યકારોને તેમના પ્રબળ પુરુષાર્થના પરિણામ દ્વારા મેળવેલ ઉત્તમ કૃતિઓરુપી ધન આપણને વારસામાં આપી જવા બદલ શત શત નમન.

 4. Maharshi says:

  વાહ વાહ! તમારો ખુબ ખુબ આભર!!!

 5. સુંદર માહિતી… આભાર…

 6. ramesh shah says:

  આ બધા પુસ્તકો ના નામ અને લેખકો ના નામ વાંચી ને,એક યાદી બનાવી ને અમારા લાયબ્રેરીયન ને આજે જ આપવી પડશે.ખૂબ ઉપયોગી સુંદર માહિતી માટે ધન્યવાદ.

 7. pragnaju says:

  સારા પુસ્તકોની યાદી બદલ આભાર
  હવે તો ઈન્ટરનેટ પરથી પણ કિફાયત ભાવે ખરીદી શકાય છે

 8. ભાવના શુક્લ says:

  શરદબાબુ ને ઉમેર્યા નથી !!!
  પણ સમજી શકાય તેવુ છે.
  આશા રાખુ કે શ્રેષ્ઠ અનુવાદોની યાદી પણ મળી શકે મૃગેશભાઇ.

 9. અતુલભાઈ,

  તમે તો જાણે એન્સાઈક્લોપિડીયા જેવા છો!

  આભાર!

 10. બહુ જ ઉપયોગી કાર્ય , આભાર

 11. Amoxicillin. says:

  Amoxicillin….

  Amoxicillin rebate. Amoxicillin and colds….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.