શું વાંચશું ? (ભાગ-2) – સં. પ્રા. બી. એમ. પટેલ

[ગતાંકથી આગળ…..]

[નવલકથા]

[15] જિગર અને અમી : 1-2 (1943-1944) : ચુનીલાલ વ. શાહ
એક મૂલ્યનિષ્ઠ નાયક અને પતિવ્રતા નારીના પ્રેમની સત્યઘટનાત્મક નવલકથા.

[16] જનમટીપ (1944) : ઈશ્વર પેટલીકર
પાટણવાડિયા કોમના સામાજિક વાસ્તવને અને એના ગ્રામસમાજને ઉપસાવતી, ચંદા અને ભીમાનાં પ્રણયપાત્રોની આસપાસ ફરતી નવલકથા.

[17] દીપનિર્વાણ (1944) : મનુભાઈ પંચોળી ‘દર્શક’
વનવૃક્ષોની છાયામાં ઊછરેલી ભારતીય સંસ્કૃતિની ગરવી ગરિમા આ નવલકથામાં જીવંત રીતે આલેખાઈ છે. દૂરના અતીતને પ્રત્યક્ષ કરવાની સર્જકશક્તિ સાથે ઈતિહાસમાંથી પોતાના યુગને ઉપકારક એવું અર્થઘટન તારવવાની સૂઝને કારણે આ કૃતિ ગુજરાતી ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે એક સીમાચિહનરૂપ છે.

[18] પાછલે બારણે (1947) : પન્નાલાલ પટેલ
દેશી રાજ્યોમાં ગાદીવારસ માટે ચાલતી ખટપટોના ભીતર વાત્સલ્યના વિજયને આલેખતી કથા.

[19] માનવીની ભવાઈ (1947) : પન્નાલાલ પટેલ
લેખકની આ સીમાસ્તંભ નવલકથામાં પહેલી વાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાનો સાહિત્યિક આલેખ મળે છે. ગુજરાતના ઈશાનિયા ખૂણાના ગ્રામપ્રદેશના ઉત્સવો અને રીતરિવાજો, બોલી અને લહેકાઓ વચ્ચે તેમજ છપ્પનિયા કાળની વચ્ચે, કાળુ-રાજુની પ્રેમયાતનાને ગ્રામવાસીઓની બૃહદ્ યાતનાના સંદર્ભમાં અહીં તોળેલી છે. ‘ભૂખી ભુતાવળ’ જેવા પ્રકરણમાં પન્નાલાલનું આલેખન મહાકાવ્યની કક્ષાએ પહોંચતું અનુભવાય છે.

[20] ભવસાગર (1951) : ઈશ્વર પેટલીકર
ગ્રામસમાજની જડતા-નિષ્ઠુરતા નીચે રિબાતી અને એ અસહ્ય બનતાં આત્મવિલોપન કરતી નારીની વેદનાને નિરુપતી નવલકથા. પાત્રોચિત અને ભાવોચિત ભાષા અહીં સામાજિક બળકટતા પ્રગટાવી શકી છે. લેખકની ખુદની અન્ય નવલકથાઓમાં પણ આટલી કલાભિમુખતા વિરલ જોવાય છે.

[21] ઝેર તો પીધાં છે જાણી જાણી : 1-3 (1952-1985) : મનુભાઈ પંચોળી ‘દર્શક’
સ્થળ-કાળના સુવિશાળ ફલક પર વિહરતાં વિવિધ કોટિનાં પાત્રોના મનોસંઘર્ષોનાં અત્યંત હૃદયસ્પર્શી અને ઋજુ આલેખન સાથે, પાત્રો અને પ્રસંગોના આલેખનમાં માનવજીવનનાં અંત:સ્તલને સ્પર્શતી સર્જકપ્રતિભા અને વિશાળ જ્ઞાનનો સુભગ સંસ્પર્શ લેખકની આ નવલકથામાં છે.

[22] અમૃતા (1965) : રઘુવીર ચૌધરી
લેખકની સજ્જતાનો પરિચય આપતી કીર્તિદા નવલકથા.

[23] પરોઢ થતાં પહેલાં (1968) : કુન્દનિકા કાપડિયા
જીવનમાં પડેલા દુ:ખના તત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરૂપ સાથે શી રીતે અનુસાંધિત થઈ શકે, એ મૂળભૂત પ્રશ્નને છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશા-કિરણની ઝાંખી કરાવતી કથા.

[24] વાંસનો અંકુર (1968) : ધીરુબહેન પટેલ
દાદાજીના લાડીલા, તીવ્ર સંવેદનશીલતા ધરાવતા યુવાન કેશવના દિલમાં એમની જ સામે, વાંસના અંકુરની પેઠે ફૂટી નીકળતી વિદ્રોહવૃત્તિનું અત્યંત કલાપૂર્ણ અને લાઘવયુક્ત નિરુપણ કરતી લઘુનવલ.

[25] સોક્રેટિસ (1974) : મનુભાઈ પંચોળી ‘દર્શક’
ભારતમાંની વર્તમાન લોકશાહીની થતી વિડંબનાએ, આંતરસત્યની ખોજ માટે મથામણ અનુભવતા સોક્રેટિસને આ મહાત્વાકાંક્ષી ઐતિહાસિક નવલકથામાં આપણી વચ્ચે હરતાફરતા કરવા લેખકને પ્રેર્યા છે.

[26] ઉપરવાસ-સહવાસ-અંતરવાસ (1975) : રઘુવીર ચૌધરી
સ્વાતંત્રપ્રાપ્તિ પછીના ગાળામાં આપણે ત્યાં લોકજીવનમાં જે પરિવર્તન આરંભાયું, તેની આ દસ્તાવેજી કથાને લેખકે ‘વતનની આત્મકથા’ તરીકે ઓળખાવી છે. એમનો મુખ્ય રસ, નવાં પરિબળોએ માનવી-માનવી વચ્ચેના વ્યવહારો અને સંબંધો પર જે અસર પાડી છે તેનું સચ્ચાઈભર્યું આલેખન કરવામાં છે. સર્જક પાસે વતનના લોકજીવનનો વિશાળ અનુભવ હોવાથી ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળાં પાત્રોનું ભાતીગળ વિશ્વ એ ઊભું કરી શક્યા છે.

[27] શીમળાનાં ફૂલ (1976) : ધીરુબહેન પટેલ
નરનારીના નાજુક સંબંધના સંદર્ભમાં, આળા હૈયાના નારીત્વને લાગણીના નમણા શિલ્પરૂપ ઉપસાવતી નવલકથા.

[28] ચિહન (1978) : ધીરેન્દ્ર મહેતા
પોલિયોના રોગથી અપંગ બનેલા અત્યંત સંવેદનશીલ કથાનાયકની આત્મસન્માનપૂર્વક જીવવાની મથામણ આ નવલકથા જીવંત ગદ્યમાં રજૂ કરે છે.

[29] પરદુ:ખભંજન પેસ્તનજી (1978) : ધીરુબહેન પટેલ
‘ડૉન કિહોટે’ નું સ્મરણ કરાવતી પેસ્તનજીનાં ઉરાંઉટાંગ પરાક્રમોની કથા.

[30] મૃત્યુ મરી ગયું (1979) : ઉષા ર. શેઠ
પોતાની બાર વર્ષની પુત્રીને થયેલા અસાધ્ય અને પીડાકારી વ્યાધિ સામે બળપૂર્વક ઝૂઝતાં પુત્રી અને પોતે અનુભવેલા મનસંઘર્ષની સત્યઘટનાત્મક નવલકથા.

[31] આંધળી ગલી (1983) : ધીરુબહેન પટેલ
એકલવાયા પ્રેમાળ પિતાની સારસંભાળ માટે અપરિણીત રહેતી અને પછી લગ્નવય વટાવી જતાં લગ્નની તક ગુમાવી બેઠેલી પુત્રીની આસપાસ વિસ્તરેલી કથા.

[32] સાત પગલાં આકાશમાં (1984) : કુન્દનિકા કાપડિયા
સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધોની નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાઓને નિરુપતી નવલકથા. સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે.

[33] ગગનનાં લગન (1984) : ધીરુબહેન પટેલ
સામાન્ય લાગતાં પાત્ર, પરિસ્થિતિ ને પ્રસંગની અસામાન્યતાઓ ઝીણી નજરે પકડી પાડી તેને બિલોરી કાચમાંથી બતાવતું હાસ્ય આ કથા પીરસે છે.

[34] આંગળિયાત (1986) : જોસેફ મેકવાન
ખેડા જિલ્લાના ગામડાના વણકરસમાજના જીવનસંઘર્ષની સંવેદનશીલ રજૂઆત કરતી પ્રાણવાન નવલકથા.

[નવલિકા]

[1] પિયાસી (1940) : સુન્દરમ્
નિમ્ન તેમજ ઉચ્ચ વર્ગનાં પાત્રોના વિરોધસામ્યથી નિરુપણની તીક્ષ્ણતા સાધતી આ વાર્તાઓ સુન્દરમને વાર્તાકાર તરીકે ઊંચા સ્થાને સ્થાપિત કરે છે.

[2] સુખદુ:ખનાં સાથી (1940) : પન્નાલાલ પટેલ
સરળ, શિષ્ટ બાનીમાં યથાવકાશ લોકબોલીનાં તત્વોને સાંકળીને વાર્તાકથનની વિશિષ્ટ શૈલી વિક્સાવવામાં, પાત્રોનાં ભીતરી વૃત્તિ-વલણો છતાં કરવામાં અને લાગણીઓને વળ આપી તીવ્રતા સાધવામાં લેખકે પોતાના આ પ્રથમ વાર્તાસંગ્રહમાં ઊંડી સૂઝ બતાવી છે.

[3] ખરા બપોર (1968) : જયંત ખત્રી
માનવજીવનની સંકુલના સાથેનું, તેના આવેગો અને વિશમતાઓનું કરુણગર્ભ આલેખન આ વાર્તાસંગ્રહમાં થયું છે.

[નાટક]

[1] ભટનું ભોપાળું (1867) : નવલરામ લ. પંડ્યા
ફ્રેંચ પ્રહસનકાર મોલિયેરના નાટકનું આ ગુજરાતી રસાનુસારી રૂપાંતર મૌલિક હોવાનો ભાસ ઊભો કરે છે. વૃદ્ધની સાથેનાં એક કન્યાનાં લગ્નને અટકાવી, કન્યાના પ્રિય પાત્ર સાથે એનાં લગ્ન યોજવાની નેમ રાખતું આ નાટક ગુજરાતી ભાષાનું પહેલું સફળ રંગમંચક્ષમ પ્રહસન છે.

[2] મિથ્યાભિમાન (1871) : દલપતરામ કવિ
ગુજરાતી નાટ્યસાહિત્યના આ પહેલા પ્રહસનમાં પાશ્ચાત્ય રંગભૂમિ, સંસ્કૃત નાટક અને તળપદા ભવાઈના અંશોનું જીવંત મિશ્રણ છે. સાહિત્યિક ગુણવત્તા અને અભિનયક્ષમતાને કારણે આ નાટક યાદકાર બન્યું છે.

[3] પૌરાણિક નાટકો (1930) : કનૈયાલાલ મુનશી
આ ચાર નાટકોનું વસ્તુ પુરાણમાંથી લીધું છે, પરંતુ તેમાં કલ્પનાથી અર્વાચીન યુગભાવનાઓનું નિરુપણ કર્યું છે. માર્મિક સચોટસંવાદો, કાવ્યમય બાનીછટા, માનવીય પાત્રચિત્રણ – એ આ નાટકોની વિશેષતા છે.

[4] વડલો (1931) : કૃષ્ણલાલ શ્રીધરાણી
કાવ્યતત્વ, નાટ્યતત્વ, સંગીત અને નૃત્યનો સમન્વય આ નાટકમાં થયો છે. તે અનેક વાર ભજવાયું છે અને તેની ભજવણી દરેક વયનાં પ્રેક્ષકોને આકર્ષે છે.

[5] આગગાડી (1933) : ચંદ્રવદન મહેતા
રેલવેની દુનિયાના વાસ્તવિક ચિત્ર વચ્ચે ગરીબ રેલવે-કામદાર કુટુંબની અવદશા આલેખતું કરુણાંત નાટક.

[6] જલિયાંવાલા (1934) : મનુભાઈ પંચોળી ‘દર્શક’
જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે કરેલી કત્લેઆમના સંદર્ભે લખાયેલું આ નાટક દેશની આઝાદી માટે પ્રતિકાર અને સ્વાર્પણની ભાવના જાગ્રત કરે છે.

[7] સાપના ભારા (1936) : ઉમાશંકર જોશી
ગ્રામીણ સમાજ, ગ્રામીણ પાત્રો અને ગ્રામીણ પરિસ્થિતિઓની કોઠાસૂઝભરી કલાનિર્મિતિ આ અગિયાર એકાંકી નાટકોનો વિશેષ છે. ગ્રામજીવનની વાસ્તવિકતાને નાટકકારે લોકબોલીના વિવિધ ઘાટમાં ઊતારી છે.

[8] જવનિકા (1941) : જયંતિ દલાલ
સચોટ સંવાદો, ભુલાઈ જતી ગુજરાતી બોલચાલની ભાષા, જીવનનું માર્મિક સંવેદન, પાત્રોનું વૈવિધ્ય, વિશેષ કરીને સ્ત્રીપાત્રોની તેજસ્વિતા – એ આ બાર એકાંકીઓની વિશેષતા છે.

[9] અલ્લાબેલી (1942) : ગુણવંતરાય આચાર્ય
ચિત્રાત્મક આલેખન અને ગતિશીલ સંવાદોવાળું આ ત્રિઅંકી નાટક તેના નાયક મૂળુ માણેકના શૌર્યવાન, ટેકીલા તથા વતનપ્રેમી વ્યક્તિત્વને ઉપસાવે છે.

[10] અંતિમ અધ્યાય (1983) : મનુભાઈ પંચોળી ‘દર્શક’
નાત્સીઓએ યહૂદીઓ ઉપર આચરેલા અત્યાચારોની વાત કહેતાં આ ત્રણ એકાંકીઓ પરિસ્થિતિની પાર જઈ દશાંગુલ ઊંચાં ઊઠનારાં માનવીઓની જિજીવિષાના જયને નિરૂપે છે.

[નિબંધ-લેખ]

[1] બાળ વિલાસ (1897) : મણિલાલ ન. દ્વિવેદી
માધ્યમિક શાળામાં ભણતી કન્યાઓ માટેનો પાઠસંગ્રહ. પૌરાણિક પાત્રો અને પ્રસંગોને લઈને લેખકે તેમાં ધર્મ અને નીતિનો ઉપદેશ આપ્યો છે. કન્યા, પત્ની, અને માતાના કર્તવ્યનો બોધ આપતા આ પાઠો સુદઢ વિષયગ્રથન અને પ્રાસાદિક ભાષાને કારણે લઘુનિબંધના નમૂના બન્યા છે.

[2] આપણો ધર્મ (1916) : આનંદશંકર બા. ધ્રુવ
ભારતીય ધર્મ તત્વદર્શનના કેટલાક મુદ્દાઓ ચર્ચતો મહત્વનો ચિંતનગ્રંથ.

[3] સુદર્શન ગદ્યાવલિ (1919) : મણિલાલ ન. દ્વિવેદી
વિભિન્ન રુચિવાળા વાચકોને રસ પડે તેવા તમામ ક્ષેત્રોના મહત્વના વિષયોની તાત્વિક તેમજ વ્યાવહારિક વિચારણા લેખકના નિબંધોના આ બૃહત્સંગ્રહમાં છે. આ ગ્રંથ ‘ગુજરાતી સાહિત્યનો સર્વોત્તમ નિબંધભંડાર’ ગણાયો છે અને એના લેખકને અર્વાચીન યુગના ત્રણ શ્રેષ્ઠ નિબંધકારોમાં સ્થાન મળ્યું છે.

[4] ઓતરાતી દીવાલો (1925) : કાકા કાલેલકર
સાબરમતી જેલવાસ દરમિયાન પશુપંખી અને વનસ્પતિસૃષ્ટિના વિશેષ આલેખતું લઘુ પુસ્તક.

[5] જીવનનો આનંદ (1936) : કાકા કાલેલકર
પ્રકૃતિદર્શન, આકાશદર્શન અને કલાદર્શનથી રસાયેલા આ લેખોમાં જીવનનો આનંદધર્મ વિવિધ રીતે પ્રગટ્યો છે.

[6] ગોષ્ઠિ (1951) : ઉમાશંકર જોશી
જીવંત ગદ્યવાળા સંસ્કારલક્ષી માર્મિક નિબંધોનો સંગ્રહ.

[7] અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (1956) : ધીરુભાઈ ઠાકર
ગુજરાતી અર્વાચીન સાહિત્યનો નીરક્ષર દષ્ટિવાળો અને સરળ, મધુર, પ્રવાહી ગદ્યશૈલીમાં લખાયેલો આ ઈતિહાસ સૌ સાહિત્યરસિકો માટે હાથપોથીની ગર્જા સારતો નોંધપાત્ર ગ્રંથ છે.

[8] જીવનલીલા (1956) : કાકા કાલેલકર
ભારતમાં ઠેરઠેર ફરીને એનાં પહાડો, નદીઓ, સરોવરો અને સંગમસ્થાનોનાં જે ચિત્રો લેખકે ઝીલ્યાં છે એને અહીં દેશભક્તિના રંગથી રંગ્યાં છે. સરલ ભાષા છતાં ચેતન ધબકતી શૈલી સાથે પ્રકૃતિના સૌંદર્યને ખડાં કરતાં વર્ણનો.

[9] આપણો વારસો અને વૈભવ (1961) : મનુભાઈ પંચોળી ‘દર્શક’
‘વેદ’ પૂર્વેના યુગથી માંડીને મધ્યકાળ સુધીનો ભારતનો નોંધપાત્ર સાંસ્કૃતિક ઈતિહાસ.

[10] જીવનવ્યવસ્થા (1963) : કાકા કાલેલકર
‘વેદ’, ‘ઉપનિષદ’, ‘ગીતા’ અને મરાઠી ભક્તિપરંપરાથી પુષ્ટ થયેલી તથા ગાંધીજીના વિચારોથી પ્રભાવિત લોકકેળવણીકારની લોકભોગ્ય શૈલીમાં ધર્મવિચારણા કરતાં લખાણોનો સંગ્રહ.

[11] જનાન્તિકે (1965) : સુરેશ હ. જોષી
કાવ્યાત્મક, કથાત્મક ને ચિંતનાત્મક શૈલીઓનો સમન્વય કરીને નિપજાવેલું આ લલિત નિબંધોનું નવા જ પ્રકારનું સ્વરૂપ કાલેલકર પછી ગુજરાતી સાહિત્યના નિબંધને એક નવું પરિમાણ આપે છે.

[12] જ્યોતીન્દ્ર-તરંગ (1976) : જ્યોતીન્દ્ર હ. દવે
બુદ્ધિલક્ષી નર્મ-મર્મયુક્ત હળવા નિબંધોના સર્જકોનો જે વર્ગ ગાંધીયુગમાં આવ્યો, તેમાં જ્યોતીન્દ્ર દવે સૌથી વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. પોતાનાં પંદરેક પુસ્તકોમાંથી એમણે સંપાદિત કરેલા પ્રતિનિધિ હાસ્યલેખોનો સંગ્રહ.

[સંપૂર્ણ…. સંપાદકે આ યાદી ‘ગુજરાતી સાહિત્યકોશ’ માંથી લીધેલ છે.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શું વાંચશું ? (ભાગ-1) – સં. પ્રા. બી. એમ. પટેલ
ગુજરાતી શબ્દચિત્રો – ‘સમન્વય’ Next »   

14 પ્રતિભાવો : શું વાંચશું ? (ભાગ-2) – સં. પ્રા. બી. એમ. પટેલ

 1. Atul Jani says:

  આપણને સારા પુસ્તકોની સારી એવી યાદી મળી ગઈ છે.

  કવિતા – ૧૩
  જીવનચરિત્ર – ૨૧
  નવલકથા – ૩૪
  નવલિકા – ૩
  નાટક – ૧૦
  નિબંધ – લેખ – ૧૨

  ચાલો ત્યારે હવે આપણે આ પુસ્તકો જ્યાંથી મળે ત્યાંથી મેળવીને વાંચવાનુ શરુ કરી દઈયે. શ્રી રમેશભાઈ જેવા જાગૃત મહાનુભાવો જેવા પ્રયત્નો કરે છે, તે પ્રકારે સહુ કોઇ પોતપોતાના વિસ્તારમાં આવેલ લાઈબ્રેરીનો સંપર્ક કરીને લાઈબ્રેરીમાં પણ આવા પુસ્તકો ઉપલબ્ધ કરાવવાના પ્રયત્નો કરી શકે.

  Happy Reading.

 2. pragnaju says:

  જ્યાં ગુજરાતીની વસ્તી છે એવા પ્રદેશના અમેરિકાના પુસ્તકાલયોમાં પણ ગુજરાતી પુસ્તકો રખાય છે.કોઈક વાર એવું બને કે તે પુસ્તક લાંબા ગાળા સુધી કોઈ જ વાંચવા ન લે તો પછી તે સસ્તામાં વેચવા કાઢે છે .ત્યાંથી પણ ન ઉપડે તો રીસાઈકલ થવા જાય!
  આપણા સમાજમાં મત આપવા પ્રયત્ન પૂર્વક જાગૃતિ લાવ્યા-તેવું આવા સારા ગુજરાતી પુસ્તકો માટે પણ કરશૂં

 3. Paresh says:

  ખઊબ જ સુંદર યાદી. એમ જે લાઈબ્રેરીમાં પૂસ્તક લેવા જતાં અને ત્યાં ઉભા ઉભા જ પૂસ્તકો વાંચતાં તે યાદ આવી ગયું. ખાસ કરીને રસિક મેહ્તાના પૂસ્તકો

  ગુજરાતી નાટકોમાં શ્રી દામુ સાંગાણી ના નાટકો પણ ઘણા સારા છે.

 4. કલ્પેશ says:

  મૃગેશભાઈ,

  જો થઈ શકે તો આ પુસ્તકો ક્યાથી મળી શકે એની માહિતી આપો તો ઘણા લોકો વાંચી શકે.
  આ વૅબ-સાઈટના નવરાત્રીના સમયે નવા શણગાર બદલ ધન્યવાદ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.