- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

કાળો કામણગારો – પ્રવીણ શાહ

[રીડગુજરાતીને આ ટૂંકી વાર્તા મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (ઘાટલોડિયા, અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો pravinkshah@gmail.com પર સંપર્ક કરી શકો છો.]

નિધિને ઓગણીસ વર્ષ પૂરાં થયાં અને વીસમું બેઠું. સાથે સાથે તે કૉલેજના છેલ્લા વર્ષમાં આવી. રજનીભાઈ અને સોનલબેનને હવે લાગવા માંડ્યું કે દીકરી ઉંમરલાયક થઈ ગઈ છે એટલે મૂરતિયાની તપાસ શરૂ કરવી જોઈએ. એક વર્ષમાં જો તેનું ઠેકાણું પડી જાય તો અભ્યાસ પૂરો થઈ જાય અને પછી લગ્ન પણ લઈ લેવાય.

મા-બાપને સૌથી વધુ ફિકર હોય છે છોકરાંના લગ્નની. તેમાંય દીકરી હોય તો ખાસ ચિંતા રહે. જમાઈ સારો મળશે કે નહિ, તેની ચિંતામાં મા તો અડધી થઈ જાય.

રજનીભાઈએ નિધિને લાયક છોકરાની, જ્ઞાતિમાં શોધ આદરી. તેમાં પ્રથમ તેમની નજરે ચડ્યો બકુલભાઈનો મનન. મનન કેમિકલ એન્જીનિયર થયેલો હતો અને હાલમાં જ અંકલેશ્વરમાં એક જાણીતી ફેકટરીમાં ટ્રેઈની એન્જીનિયર તરીકે જોડાયો હતો. ઉંમરમાં નિધિ કરતાં ત્રણ વર્ષ મોટો હતો. શાંત પ્રકૃતિનો, સમજદાર અને હસમુખો. જ્ઞાતિમાં બકુલભાઈની શાખ પણ સારી હતી એટલે રજનીભાઈએ બકુલભાઈને ત્યાં નિધિ માટે માગુ નાખ્યું. જ્ઞાતિબંધુ હોવાથી તેઓ અન્યોન્ય ઓળખતા પણ હતા.

નિધિ-મનનની મુલાકાત ગોઠવાઈ. નિધિ દેખાવે રૂપાળી હતી. એકદમ પાતળી ગૌર કાયા, સપ્રમાણ ઉંચાઈ અને સંસ્કારી કુટુંબની છોકરી. વિવેકી અને ચપળ પણ ખરી. મનનને તો નિધિ જોતામાં જ ગમી ગઈ. પણ નિધિને મનન પ્રથમ નજરે ગમી જાય એવો ન લાગ્યો. બધુ બરાબર હતું, મનનનું ભણતર, નોકરી, આવક, સ્વભાવ, હોશિયારી, દેહાકૃતિ – બધું જ અનુકૂળ હતું, પણ રંગે તે થોડો કાળો હતો, જ્યારે નિધિમાં કોઈ જ ખામી ન હતી. મુલાકાતનું પરિણામ મુલતવી રખાયું.

ઘેર પાછા ફર્યા પછી, સોનલબહેને દીકરીને પૂછ્યું, ‘બેટા, મનન કેવો લાગ્યો ? તારો શું અભિપ્રાય ?’ નિધિએ તરત જવાબ ન આપ્યો. માતા સમજી ગઈ કે દીકરીને છોકરો ખાસ ગમ્યો લાગતો નથી. કદાચ કારણ પણ સમજી ગયાં હશે. બીજે દિવસે ફરી પૂછપરછમાં નિધિએ કહ્યું, ‘મમ્મી, આપણે હજુ આ પહેલો જ છોકરો જોયો છે. હજુ બીજા છોકરા પણ જોઈશું.’ માતાએ દબાણ ન કર્યું. છોકરીની મરજી વિરુદ્ધ કરેલાં લગ્ન કદાચ સફળ ન પણ નિવડે.

રજનીભાઈ-સોનલબેહેને વળી પાછી શોધ ચાલુ રાખી. તેમના એક સંબંધીએ અન્ય જ્ઞાતિનો એક છોકરો બતાવ્યો. ફરી મુલાકાત. નિધિએ જોયું કે છોકરો રૂપાળો હતો, પણ ઠીંગણો હતો. ખાસ ભણ્યો ન હતો. તેને ગાતાં સારું આવડતું હતું, પણ કમાવામાં ઢીલોપોચો હતો. નિધિએ તેના પર ચોકડી મારી દીધી. ત્રીજો છોકરો જોયો. જ્ઞાતિનો જ હતો. બધી રીતે બરાબર, પણ રખડવાની બહુ ટેવ. પાનના ગલ્લે રાતના મોડે સુધી ગપાટા મારવાની ટેવ. પાનમસાલા તમાકુનું વ્યસન. આ પણ ન ચાલે.

બીજા છોકરા પણ જોયા. છેવટે નિધિને લાગ્યું કે ‘કદાચ સર્વાંગસંપૂર્ણ કોઈ છે જ નહિ. કદાચ કોઈક ખૂબ નસીબવંતી છોકરીને જ બધી રીતે ગમી જાય તેવો છોકરો મળતો હશે. તે થોડીક નિરાશ થઈ. પણ તે વ્યવહારુ હતી. બધી રીતે ગમે એવો છોકરો શોધવામાં ઉંમર વહી જાય, પછી તો અત્યારે મળતો હોય તેવો પણ ન મળે એટલે તેણે કંઈક જતું કરવાનું નક્કી કર્યું. પ્રથમ જોયેલો છોકરો મનન જ તેને વધુ યોગ્ય લાગ્યો. મનન તો તૈયાર હતો જ. મનનના પિતાજીએ તેમના એક મિત્ર મારફત રજનીભાઈને આડકતરું જણાવી પણ દીધું હતું કે ‘મનનને અને અમને તો નિધિ પસંદ છે.’

છેવટે મનન અને નિધિની ફરી મુલાકાત ગોઠવાઈ. બંનેએ એકબીજાને પસંદ કર્યાં અને નિધિ-મનનનો વિવાહ જાહેર થયો. મહેમાનોને જમાડ્યા. બધા મહેમાનો વિખરાયા પછી, સોનલબહેને દીકરીને પૂછ્યું : ‘બેટા, મનન માટે તેં પહેલાં ના પાડી હતી, અને આજે તું તૈયાર થઈ છું. તને કોઈ દુ:ખ તો નથી ને ? તારી મરજીથી જ તેં હા પાડી છે ને ?’
નિધિ કહે : ‘મમ્મી, કંઈક મેળવવા માટે કંઈક તો છોડવું જ પડે છે. મેં પુખ્ત વિચાર કર્યા પછી જ હા પાડી છે. મને કોઈ વાતનું દુ:ખ નથી. તું ચિંતા કરીશ નહીં.’

છ મહિના પછી નિધિ-મનનનાં લગ્ન લેવાયાં. એ દરમ્યાન તેઓને કોઈ કોઈવાર મળવાનું થતું હતું. નિધિ જેમ જેમ મનનના સંપર્કમાં આવતી ગઈ, તેમ તેમ તેને મનન ગમવા માંડ્યો. મનનની લાગણી અને હૂંફમાં તે તણાવા લાગી હતી. લગ્ન થતા સુધીમાં તો તે ભૂલી પણ ગઈ કે મનન કાળો છે.

લગ્ન થયે આજે દોઢ વર્ષ થયું છે. એક બેબી જન્મી છે, તે સહેજ કાળી છે પણ રૂપાળી છે. તેનું નામ ‘ઘટના’ રાખ્યું છે. નિધિ-મનન આજે ખૂબ સુખી છે.