નારી અગણિત રૂપ – અજ્ઞાત

તૃષ્ણા ભણેલી હતી. તેણે સંસ્કૃત વિષય સાથે બી.એ.કરેલું હતુ. સાહિત્યની શોખીન તૃષ્ણાએ ભાસ, કાલિદાસ વાંચેલા. ગુજરાતના નામી અને પ્રતિષ્ઠિત નવલકારોની નવલકથાઓ તેણે વાંચી હોય તે સ્વાભાવિક છે. બાળસાહિત્ય પણ તેણે ઉથલાવી કાઢેલું. આવી આ તૃષ્ણા મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી હતી. સ્વભાવે શાંત, સૌમ્ય અને સંતોષી હતી. જીવન એટલે માત્ર “પૈસા પાછળની દોટ” નથી તેવું તે સમજતી હતી.

તૃષ્ણાના પતિનું નામ ધીરજ હતું. પરંતુ નામ પ્રમાણે તેનામાં ગુણ નહોતા. ધીરજ ગ્રેજ્યુએટ થયો હતો. તેણે એક-બે સારી નોકરીઓ લાગવગના જોરે મળતી હતી. તેમ છતાં તેણે તે નોકરીઓ સ્વીકારેલી નહી. કારણ કે તે એમ માનતો કે નોકરીમાં રહેવાથી જીવનમાં કદાચ સ્થિર થવાય. બે ટંકના રોટલા મળી રહે, લાંબે ગાળી થોડી બચત પણ થાય, પરંતુ ધનના ઢગલાં મળે, તે પણ તાત્કાલિક એવું તો ન જ બની શકે. આ તેની વાત સાચી હતી. સ્વભાવે આવા ધીરજે નોકરી ન લીધી, અને શેર બજારના શેરોની દલાલી એટલે કે બીજાના વતી ખરીદવા, વેચવા વગેરેનું વ્યાપારી કામ કરવું તેવું તેણે નકકી કર્યું. શેર બજારની ઘોડાપૂર જેવી વધઘટની ધમાલ અંગેના વર્તમાનપત્રો વાંચતો, અને લાખો અને કરોડો રૂપિયાની વાતો વાંચી તેનું મગજ આ બધી સંપત્તિ પોતાના આંગણે આવી જાય તેવું કંઇક કરવા માટે ચકરાવે ચઢ્યું હતું. તેણે ‘ડી.તૃષ્ણા લી.’ નામની કંપની ઊભી કરવાનું વિચાર્યુ. અને તે અમારી ઓફિસમાં આવ્યો સલાહ માટે.

મેં પૂછ્યું : ભાઇ ધીરજ, આ ‘ડી’ એટલે ધીરજ એ તો હું સમજ્યો પણ આ “તૃષ્ણા” કોણ છે? ડી. તૃષ્ણા એન્ડ કંપની નામ રાખ્યું છે તેનું કારણ શું ? તેણે તુરંત જ કહ્યું : ‘ડી’ એટલે હું ધીરજ અને તૃષ્ણા મારી પરણેતરનું નામ છે. મેં તુરત જ કહ્યું : આવું બધુ જવા દો, બીજુ કંઇ નામ રાખો. તમારી પરણેતરને આ ધમાલમાં તેનું નામ રાખી સંડોવવાની જરૂરી નથી. તેને આ ન ગમ્યું. તેણે કહ્યું : અરે વકીલ સાહેબ, હું તો તેને કંપનીની મેનેજર ડીરેક્ટર બનાવવા માંગુ છું. હું તો જોઇ જ રહ્યો. મેં કહ્યું : ખરેખર જો એમ જ હોય તો તમે જાવ અને એને મારી પાસે બોલાવી લાવો. એ જો પોતાનું નામ રાખવા માટે અને મેનેજિંગ ડીરેક્ટર થવા માટે સંમત થશે તો આપણે તેવું કરીશું.

આટલી વાત થઇ, અને ધીરજ ગયો. અડધા કલાક પછી તે તૃષ્ણાને લઇને મારી પાસે આવ્યો. તૃષ્ણા નમસ્તે કરીને મારી સામેની ખુરશીમાં બેઠી. સૌમ્ય, સરળ મૃદુભાષી, એવી તૃષ્ણા પ્રથમ નજરે જ મને ડાહી, સુશીલ, સમજુ, ગુજરાતી ગૃહિણી લાગી. મેં તેને બધી વાત કરી. અને આ બાબતમાં તેના શું વિચારો છે તે જણાવવા કહ્યું. તૃષ્ણાની આંખો ધીરજ સામે મંડાણી. અને ધીરજની આંખોમા કરડાકીથી આ કંપની કાઢવા બાબતમાં અને કંપનીનું નામ ‘ડી. તૃષ્ણા એન્ડ કંપની’ રાખવા મને હા પાડવા માટે મૌન રહીને પણ જાણે તે હુકમ કરતો હોય તે રીતે તેણે તૃષ્ણા સામે જોયું.

મારી તો અનુભવી નજર. હું પારખી ગયો કે આ બાઇ પાસે ધીરજ પરાણે હા પડાવવા માંગે છે. અને હકીકતે તૃષ્ણા તેવું ઇચ્છતી નથી તેમ છતાં તે હા પાડશે જ. કારણ કે તે એક ગભરુ, સંસ્કારી પરણેતર, ગુજરાતણ છે. આ તબક્કે મારે એક વકીલ તરીકે શું કરવુ જોઇએ તેવો વિચાર મક્કમ થઇ ગયો, અને મેં ધીરજને કહ્યું : ‘જરા બહાર બેસો. મારે તૃષ્ણા જોડે એક્લા વાત કરવી છે.’ ધીરજ બહાર બેઠો. અને મેં તૃષ્ણાને પૂછ્યું : ‘મુક્ત મને જે જવાબ આપવો હોય તે આપ તૃષ્ણા.’
અને તૃષ્ણાએ કહ્યું કે : ‘પોતે સંતોષી છે, શાંત અને વ્યવસ્થિત ગૃહજીવન તેને ગમે છે. ઓછી આવકમાં પણ પોતે ઘર ચલાવી શકવાની ક્ષમતા ધરાવી શકે છે. અને તેવી તેનામાં આવડત પણ છે. તેણે વધુમાં કહ્યું કે મારા પતિને તો રાતોરાત કરોડપતિ થઇ જવું છે, અને ઘેર મોટર નહીં. પણ મોટરો દોડે તેવું કરવું છે. અને તેથી જ આ કંપની ઉભી કરવા માંગે છે. અને તે પણ મને આગળ કરીને. હું આખી યોજનાનો વિરોધ કરું છું, અને જયારે વિરોધ કરું છું ત્યારે ત્યારે મને ધમકી આપે છે કે જો તું મને સાહસો કરતો રોકીશ તો હું આપઘાત કરીશ. સાહેબ, મારું ગૃહજીવન અને દામ્પત્ય જીવન નંદવાઇ ન જાય એટલે લાચાર બની હું હા પાડું છું, અને આપની પાસે પણ અત્યારે હા પાડુ છું કારણ કે હું મારા પતિનો સ્વભાવ જાણું છું. સાહેબ, એમને બોલાવો એટલે હું એમના દેખતાં જલદી હા પાડી દઉં. કંપનીનું તો ભવિષ્યમાં જે થવું હોય તે થાય અને આ મારા ધીરજનું પણ જે થવાનું હશે તે થાશે પરંતુ એક વાત ચોક્કસ છે કે ભવિષ્યમાં આ કંપનીઓના ઉધામાને કારણે અમે મુશ્કેલીમાં તો આવીશું જ. પરંતુ આ તબક્કે સાહેબ, હું તો માત્ર એટલું જ વિચારું છું કે વર્ષો પછી જે બનવાનું છે તેનો વિચાર છોડી દઇને મારા જીવનનાં શરૂઆતનાં 25 વર્ષો હું શાંતિથી વિતાવી દઉં. સાહેબ, બોલાવો ધીરજને હું તેની દેખતા જ ‘હા’ પાડી દઉં.’ મેં ધીરજભાઇને અંદર બોલાવ્યાં. અને શુભ સમાચાર આપ્યાં કે તમારાં પત્ની તૃષ્ણાબેન કંપની સાથે તેમનું નામ જોડાય તે માટે સંમત છે. અને મેનેંજિગ ડિરેક્ટર થવા માટે પણ સંમત છે. ધીરજ આ સાંભળીને ખુશ થઇ ગયો અને ‘ડીયર તૃષ્ણા, આઇ એમ વેરી હેપ્પી. થેંક્યુ. થેંક્યુ’ બોલ્યો અને પછી બંને જણા ગયાં.

કંપનીના આર્ટીકલ્સ, મેમોરેન્ડમ ઘડાયા. કંપનીની શરૂઆત થઇ ગઇ. શરૂઆતમાં વ્યાપારી કામકાજ સફળતાપૂર્વક ચાલ્યું પણ ખરું. અને રોજબરોજના જીવનમાં ધીરજ તૃષ્ણાને કહેવા લાગ્યો કે જો તૃષ્ણા તું ના પાડતી હતી અને મારી ગણતરી ખરી પડી છે. હવે તને સમજાતું હશે કે ધનના ઢગલા કેમ થતા હશે. તૃષ્ણા કંઇ બોલતી નહીં, સાંભળ્યા કરતી. બે-ચાર વર્ષો વીતી ગયાં. અંદરખાનેથી બેંકોના લેણાં, વલણ ચૂકવવાના ધાંધીયા, ખોટાં શેર સર્ટીફીકેટો આ બધી ગોલમાલો ચાલતી રહી. ધીરજલાલ તમાચો મારીને ગાલ લાલ રાખવાનું શીખી ગયાં હતા. ધીરજલાલની કહેવાતી પ્રગતિના અને અંદરની ધૂંધવાતી પરિસ્થિતિના સમાચારો અવારનવાર ગામગપાટા તરીકે તેમના વકીલ તરીકે મને મળતા. અને હું ચોક્કસ માનતો કે આ પરપોટો ઓચિંતો ફૂટી જશે. બિચારી તૃષ્ણાને આ ધીમા આર્થિક પતનનો ખ્યાલ આવેલો નહીં. બે-ત્રણ વર્ષના વચ્ચેના સમયમાં મને કોઇ મળેલું નહીં.

થોડા સમયમાં એવું બન્યું કે અનેક ફોજદારીઓ કેસના કાગળિયા, કોર્ટોએ કાઢેલા સમન્સો અને વોરંટો-જપ્તી અને જપ્તીના હુકમો દાવાઓના કાગળિયા આ બધું લઇને ધીરજલાલ મારી પાસે આવ્યાં. રડું રડું તેમનો ચહેરો હતો. તેમણે લેણદારોને આપેલા અનેક ચેકો બેંકમાંથી પાછા ફર્યા હતા. અને લેણદારોએ ફોજદારી કેસો કરેલા હતાં. મેં તુરત જ ચેકો નીચે સહી જોઇ અને તેમાંય તૃષ્ણાની સહીઓ હતી, કારણ કે તે તો મેનેજિંગ ડીરેક્ટર હતી કંપનીની એટલે તો હોય જ ને? મેં મારા અભિપ્રાયમાં કહ્યું કે ધીરજલાલ, લેણદારોને નાણાં ચૂકવી દો અને એમ જો નહીં થાય તો કદાચ તૃષ્ણાબેનને માટે જોખમ ઊભું થશે. મારી અજાયબી વચ્ચે ધીરજ એવું બોલ્યો કે ‘સાહેબ, તૃષ્ણા જેલમાં જાય તો પણ હું તો નહીં જાઉ ને ?’ આ ધીરજમાં સામાન્ય રીતે હોય છે તેમ મને એક કાયર, નિર્માલ્ય, સ્વાર્થી, ભીરું, એકલપટો, ફટકણીઓ, વ્યાપારી દેખાયો.
મેં કહ્યું : ‘પછી મળજો. તમે અને તૃષ્ણાબેન બંને આવજો. આપણે સાથે બેસીને વિચારી કંઇક રસ્તો કાઢીશું. હું તમને આ મુશ્કેલીઓમાંથી બહાર કાઢીશ જ.’ પરંતુ એ સમયની વાત છે. તેઓ બંનેએ મને પાંચ સાત દિવસ પછી મળવાનું કહ્યું, અને ગયાં. પરંતુ એ પાંચ-સાત દિવસ આવે તે પહેલાં બે દિવસમાં જ વર્તમાન પત્રમાં મથાળું હતું : “ડી.તૃષ્ણા એન્ડ કંપની” ના ડિરેક્ટરે, ધીરજલાલે નાણાકીય ગોટાળામાં પોતાની પત્ની તૃષ્ણાને કેરોસીન છાંટી બાળી નાંખી.

વિચાર આવ્યો કે આવા વ્યાપારીઓ પોતાના વ્યાપારી કામકાજમાં પોતાના ધંધામાં સ્ત્રી સભ્યોને સંડોવતા ક્યારે અટકશે ? સંતોષી “તૃષ્ણા”ને ધીરજની તૃષ્ણાએ મૃત્યુદ્વાર બતાવ્યાં.

[ આ લેખના સર્જકનું નામ શરતચૂકથી પુસ્તકાલયના પુસ્તકમાંથી નોંધવાનું રહી ગયું હોવાથી ટૂંક સમયમાં જ પ્રાપ્ત થયે સુધારો કરવામાં આવશે જેની નોંધ લેવી. ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રીડગુજરાતી નવા સ્વરૂપે – તંત્રી
અંધકારથી પ્રકાશ તરફ – હેલન કેલર Next »   

12 પ્રતિભાવો : નારી અગણિત રૂપ – અજ્ઞાત

 1. Atul Jani (Agantuk) says:

  આ લેખ વાંચીને હું વિચારમાં પડી ગયો છુ. એનું કારણ તે છે કે મે બે પેઢી ખોલી છે જેમાં એકમાં હું અને એકમાં મારા પત્નિ પ્રોપ્રાઈટર છીએ. આ પેઢીઓમાં અમે કોઈ શેર સટ્ટા કરતા નથી પરંતુ અમારા ગ્રાહકોને એકાઊન્ટીંગ ના સોફ્ટવેરને લગતી સેવાઓ આપીએ છીએ. આવક બે ભાગમાં વહેંચી શકાય અને બંનેની પાસે મુડી ઉભી થાય તેવા વિચારને આધારે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

  સામાન્ય રીતે દરેક વેપારી ધિરજલાલ હોતા નથી. પરંતુ સરકારની વેપારી નિતિને અનુલક્ષીને તથા આવકવેરામાં સ્ત્રીઓને વિશેષ લાભની નિતિને કારણે ઘણાં વેપારીઓ પોતાની પત્નિના નામે વેપાર ખોલતાં હોય છે. આવા કીસ્સામાં હેતુ પોતાની પત્નિઓને મુશ્કેલીમાં મુકી દેવાનો નહીં પરંતુ વ્યાજબી રીતે વેપાર દ્વાર મહત્તમ લાભ મેળવવાનો હોય છે.

  મારા એક વેપારી મિત્ર છે જેઓ તૈયાર ખોરાક (બિસ્કિટ – ચોકલેટ વગેરે) ના ઉત્પાદનો વેચવાની એજન્સી ધરાવે છે અને ભાવનગર શહેર માં મહત્તમ વેચાણ કરવાના દર વર્ષે ઈનામો તેમની કંપની તરફથી પ્રાપ્ત કરે છે. ઍક વાર કોઈએ તેમને કહ્યું કે તમે તમારા પત્નીના નામે બીજો વેપાર કરો તો તમને આવકવેરામાં મોટો લાભ થાય. ત્યારે તેમણે કહ્યું કે ના ભાઈ ના આ તો Fast Food નો ધંધો છે અને ક્યારેક ભૂલ થાય તો જેલ માં જવાના વારા આવે – હું તો કદી ન ઈચ્છું કે મારાં ઘરની કોઈ સ્ત્રી ને જેલમાં જવૂં પડે.

  સીક્કાની બે બાજું છે – ધિરજલાલ જેવા માણસો કે જે તૃષ્ણાથી ઘેરાયેલા છે તે તો કોઈ પણ રીતે પોતાના બચાવ માટે પોતાના પ્રિય પાત્રને સુદ્ધાં મુશ્કેલીમાં મુકતા અચકાય તેમ નથી જ્યારે જેનામાં સત્વ પડેલું છે તે ક્યાંરેય કોઈ મુશ્કેલીમાં મુકાય તેમ ઈચ્છતું નથી.

  પણ હા એક વાત ચોક્કસ છે કે જે ધંધામાં જોખમ હોય તે ધંધામાં સ્ત્રી પાત્રના નામે ધધો ન જ કરવો જોઇઍ તે પણ સ્ત્રી પાત્રની મરજી વિરુદ્ધ.

  ધિરજલાલ ને લાખ લાખ ફીટકાર પણ હા બધા ધિરજલાલ હોતા નથી તેવી સમજણ સાથે.

 2. “કોર્પોરેટ” ફિલ્મમાં પણ આવું જ કંઈક બતાવાયું છે…

  કરુણ વાત …

 3. pragnaju says:

  “ડી.તૃષ્ણા એન્ડ કંપની” ના ડિરેક્ટરે, ધીરજલાલે નાણાકીય ગોટાળામાં પોતાની પત્ની તૃષ્ણાને કેરોસીન છાંટી બાળી નાંખી.વિચાર આવ્યો કે આવા વ્યાપારીઓ પોતાના વ્યાપારી કામકાજમાં પોતાના ધંધામાં સ્ત્રી સભ્યોને સંડોવતા ક્યારે અટકશે ? સંતોષી “તૃષ્ણા”ને ધીરજની તૃષ્ણાએ મૃત્યુદ્વાર બતાવ્યાં…”
  વાંચતા જ અમને પણ આઘાત લાગ્યો! આવું પણ થાય છે તે જાણ્યું અને અતુલનાં કોમેન્ટથી માન્યું…
  આવું થઈ શકે તે જણાવવા બદલ અજ્ઞાતનો આભાર

 4. ભાવના શુક્લ says:

  શુ હવે પછીની બધી તૃષ્ણાઓ પરિપક્વ નિર્ણયો ના કરી શકે!!! અહી તૃષ્ણાનુ બલિદાન કામ લાગી શકે એક સફળ અને સુખી સમાજ વ્યવસ્થા માટે થઈ ને પણ દરેક તૃષ્ણાઓ blackmail થવાનુ સદંતર છોડે તે જરુરી છે. બાકી આવી કરુણાંતીકાઓ માત્ર readgujarati ના વાચકો સુધી રહી જાય તે નહિ જ ચાલે હવે કોઇ પણ રીતે.

 5. Keyur Patel says:

  Please never ever get blackmailed by such “Dhirajlals”. An eye opener for all Indian ladies…….

 6. ત્રુષ્ણા જો ધીરજલાલના દબાણને વશ ના થઇ હોતતો? આટલી હદે પતિની શરણાગતિ સ્વીકારવી તે યોગ્ય ગણાય?

 7. Dhaval B. Shah says:

  Nice article.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.