પ્રથમ શિશુના જન્મે – સુરેશ દલાલ

પરદેશમાં અનેક પ્રકારનાં પુસ્તકો સોગાત રૂપે આપવામાં આવે છે. આ પુસ્તકોનું પ્રકાશન એ હેતુથી થાય છે કે જેથી પુસ્તકો પ્રિયજનોને આપી શકાય. હેલેન ઍક્સલે ખાસ આ રીતે જ પુસ્તકો તૈયાર કરે છે. કેટલાંક શીર્ષકો સૂચક છે – મારી દીકરી મારો આનંદ. માતૃસ્તુતિ. મારી દીકરી માટે. માતા થવું એટલે શું ? મારા પપ્પા માટે વિશિષ્ટ સોગાત. મારી દાદી અને દાદા માટે…. આ પુસ્તકોમાં તસવીરો હોય અને સામે અવતરણો હોય. અવતરણો તો બોલે, પણ તસવીર પણ પોતાની ભાષા બોલે.

તાજેતરમાં એક પુસ્તક ‘ધ બેબી બ્લેસિંગ’ હાથમાં આવ્યું. બાળક આશીર્વાદ છે. અને એમાંય પ્રથમ બાળક. એનો આનંદ અનેરો હોય છે. બાળક જન્મે છે ત્યારે મા-બાપને અનંત કુતૂહલ હોય છે. બાળકતો ઊછરતું હોય છે, સાથે મા-બાપ પણ ઊછરે છે. ક્યારેક તો મા-બાપને એમ લાગે છે કે જાણે પારણામાં પોતાનું જ બચપણ આવ્યું હોય. નવા જન્મેલા બાળકને પોતાની એક સુગંધ હોય છે. બાળક જન્મે છે ત્યારે એમ લાગે છે કે જીવનની જાણે કે ફરી શરૂઆત થઈ. બાળકની સાથે આશ્ચર્ય, આશા અને સ્વપ્નો સંકળાયેલાં હોય છે. ટાગોરનું એક પ્રસિધ્ધ વાકય છે કે પ્રત્યેક બાળક એક સંદેશો લઈને આવે છે કે ઈશ્વરે મનુષ્યજાતમાંથી હજુ શ્રધ્ધા ગુમાવી નથી.

માતા સત્ય છે, પિતા સત્યના સાક્ષી છે, પણ પરમસત્ય બાળક છે. એક લેખિકાએ પોતાની અનુભૂતિને આમ વર્ણવી. બાળકને કહે છે કે તું મારા ગર્ભમાં પ્રવેશે એ પહેલાં મેં તારી ઝંખના કરી હતી. તું જન્મે એ પહેલાંથી મેં મારો તમામ પ્રેમ તારા પર ઢોળ્યો હતો. તને જન્મ્યાને તો હજુ એક કલાક થયો પણ તને ખબર છે, તારે માટે હું મરવા પણ તૈયાર હતી. જીવનનો આ તો ચમત્કાર છે. જીવમાંથી જીવ પ્રગટવો એ સહેલી વાત નથી. બાળકના જન્મ પછી બાળક રડે છે અને બાળકનું રુદન માતાના હોઠ પર સ્મિત ફરકાવે છે. એ સ્મિતમાં ઈશ્વરના આશીર્વાદની ધજા લહેરાય છે. થોડાક કલાક પહેલાં પ્રસૂતિની અસહ્ય યાતના ભોગવતી માતા બાળકની સાથે નવેસરથી જન્મ પામે છે.

કહેવાય છે કે બાળક જ્યારે સૂતું હોય અને ઊંઘમાં પણ હસતું હોય એ સૌથી પવિત્ર દશ્ય છે. કહેનારા એમ પણ કહે છે કે બાળક જાણે કે એના પૂર્વજન્મની કોઈક સુખદ ઘટનાને યાદ કરીને હસતું હોય છે. જીવન એક જ્યોત છે, પણ બાળક જ્યારે જ્યારે જન્મે છે ત્યારે પ્રકાશનું અવતરણ થાય છે. બાળકનો જન્મ વાસ્તવિકતા છે. સપનું સાકાર થયાનો આનંદ છે. એકસાથે સૂર્યનો પ્રકાશ ચંદ્રની શીતળતા અને તારલાનું તેજ હયાતીની આસપાસ પ્રસરતું હોય છે. એક ક્ષણ તો એમ લાગે કે આખું બ્રહ્માંડ આપણા આશ્લેષમાં આવી ગયું.

વિવિધ વ્યકિતઓએ પોતાના પ્રતિભાવો તાજા જન્મેલા બાળક જેવા આ સુગંધિત સોહામણા પુસ્તકમાં આપ્યા છે. બાળકને પહેલીવાર તેડવાનો આનંદ વર્ણવી ન શકાય અદ્ભૂત અને અનન્ય છે. એના લલાટ પરનું ચુંબન – એના આનંદને વ્યક્ત કરવા માટે ભલભલા શબ્દો નિષ્ફળ નીવડે છે. આપણા હાથમાં જાણે કે એક તાજું ગુલાબ ન મહેકતું હોય.

નિર્લેપ લાગતા બાળકમાં કયાંક શાણપણ છુપાયેલું હોય છે. બાળક ધીરેધીરે માબાપને ઓળખવા માંડે છે. હજી તો માંડ બે-એક મહિનાનું થયું હોય ત્યાં તો બાળક માતાનો હાથ ઓળખી જાય છે. ગમે એટલું રડતું હોય અને બીજા કોઈ તેડે ને બાળક શાંત ન રહે, પણ જેવો માતાનો હાથ ફરે એટલે તરત શાંત થઈ જાય. તાજા જન્મેલા બાળકનો ચહેરો કદાચ જગતનું પવિત્ર દશ્ય છે. એનું પહેલું રુદન મહામૂલી મિરાત છે.

દરેક માબાપની એક જ ઝંખના હોય છે કે હું મારા બાળકને માટે વધું સારું જગત મૂકતો જાઉં. એક બાળકને જન્મની સાથે જિંદગીનો અર્થ સમજાય છે. વિશ્વનો અર્થ સમજાય છે અને આખી દુનિયા માબાપ માટે બદલાઈ જાય છે. માબાપને એમ લાગે છે કે હવે આપણી કોઈક મનગમતી જવાબદારી શરૂ થઈ છે. ફૂલની પાંદડી જેવા બાળકના હોઠ, એની નાનીનાની આંગળીઓ, બાળકની ગુલાબની ગાદી જેવી હથેળી. આ હથેળીમાં વિધાતાએ દોરેલી હસ્તરેખાઓ…. કેટલું બધું સમાયું છે. અમેરિકન કવિ કાર્લ સેન્ડબર્ગ તો ત્યાં સુધી કહે છે કે પ્રત્યેક બાળક સાથે ઈશ્વરનો એક અભિપ્રાય સંકળાયેલો છે કે જિંદગીનું સાતત્ય રહેવું જોઈએ. આપણા કવિ રા.વિ પાઠકે તો બે પંક્તિમાં યૌવનની અને ભારતીય પરંપરાની કહો કે વૈશ્વિક પરંપરાની વાત મૂકી છે.

રૂઝવે જગના જખમો, આદર્યાને પૂરા કરે,
ચલાવે સૃષ્ટિનો તંતુ ધન્ય તે નવયૌવનને.

જે જુવાન છે એની ફરજ છે કે જગતના ઘા રૂઝવવા જોઈએ. જે શરૂ કરે તે પૂરું કરવું જોઈએ અને સૃષ્ટિનો તંતુ ચાલવો જોઈએ. પ્રેમમાંથી જન્મેલું બાળક, એ પ્રેમ માટે જ જન્મ્યું છે. માણસ ગમે એટલી સફળતાને પ્રાપ્ત કરે, પણ જ્યાં સુધી સંતાનના ઉછેરમાં માબાપ તરીકે સફળ ન થાય ત્યાં સુધી એ માણસ તરીકે કાયમ માટે નિષ્ફળ રહેવાનો અને માણસની આ નિષ્ફળતા માટે એણે અંતે જવાબ આદિમાતા પ્રકૃતિને અને આદિપિતા પરમેશ્વરને આપવાનો રહેશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આ છે જિંદગી – સાત્વિક શાહ
મારી મા – અનુ. મૃગેશ શાહ Next »   

8 પ્રતિભાવો : પ્રથમ શિશુના જન્મે – સુરેશ દલાલ

 1. congrats.it made my day.good night dady is just superb.here in calcutta i cant get gujarati literature so easily.so this is blessing for me.we r new to this place this site feels me great and i feel as if am reconnected with my roots.thanks

 2. takshashila desai says:

  I think everybody should read this and understand this philosofy of life

 3. nayan panchal says:

  ખૂબ જ સરસ.

  તમારા લેખે તો મને ભૂતકાળમાં મોકલી દીધો. નવ નવ મહીના માતાના પેટમા રહીને, માતાના શરીરમાંથી ભરણપોષણ મેળવીને અને માતાના ગર્ભમા સંપૂર્ણ સુરક્ષિત રહીને બાળક જ્યારે આ દુનિયામાં પ્રવેશે છે ત્યારે અસ્વસ્થ બની જાય છે. હવે તેને પોતાના નાક વાટે શ્વાસ લેવો પડે છે.
  સાચે જ નવજાત શિશુ તો ૧૦૦% pure હોય છે. કહેવાય છે કે નવજાત શિશુમા aura જોઈ શકવાની શક્તિ હોય છે, તેને પૂર્વજન્મનુ પણ સ્મરણ હોય છે જે સમય સાથે ભૂલાતુ જાય છે.

  હું જ્યારે પણ મારા જન્મનો સમય યાદ કરુ છુ ત્યારે આવુ જ બધુ વિચારુ છુ, પરંતુ સાલુ કશુ યાદ નથી આવતુ.

  નયન

 4. અતુલ જાની (આગંતુક) says:

  પ્રથમ શીશુના જન્મની સાથે જ માતા-પિતાનો પણ જન્મ થાય છે અને પ્રેમની પારંપરિક સાંકળમાં એક નવી મજબૂત કડી ઉમેરાય છે.

  સુંદર લેખ. મને ભુતકાળ નો એ સમય યાદ આવી ગયો કે જ્યારે મારો પિતા તરીકે જન્મ થયો હતો એટલે કે એક સુંદર બાળકીનું અમારા ઘરે અવતરણ થયું હતું.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.