દુ:ખોનું પોટલું – ડૉ. આઈ. કે. વીજળીવાળા

એક વખત એક માણસ પોતાનાં દુ:ખોથી અતિશય કંટાળી ગયો. રાત-દિવસની મગજમારી, પત્ની સાથે અણબનાવ, છોકરાંવની નિશાળ, ટ્યૂશન, પરીક્ષાઓ, એમને ક્યાં ગોઠવવાં એની માથાકૂટ, ધંધામાં ચડતી-પડતી, વૃદ્ધ માતા-પિતાની માંદગી અને એવા તો બીજા અનેક પ્રશ્નો અને જવાબદારીઓનું પોટલું ખભા પર ઉપાડીને ચાલતાં એ બિલકુલ ત્રાસી ગયો હતો. એને જિંદગીમાં ચારે તરફ ફકત અંધારું જ અંધારું દેખાતું હતું. ટૂંકમાં, આટલો બધો બોજો ઉપાડીને એ ગળે આવી ગયો હતો. એટલે એણે જિંદગી ટૂંકાવી દેવાનું નક્કી કરી નાખ્યું. આપઘાત કરાવાના ઈરાદાથી એક વખત ઘરે કોઈ નહોતું ત્યારે મોકો જોઈ એણે ઘેનની ગોળીઓ ગળી લીધી. હવે મરવા માટે જેટલી ગોળીઓની જરૂર પડે તેનાથી ડોઝ થોડો ઓછો રહી ગયો હશે એટલે એ માત્ર ઊંડી ઊંઘમાં સરકી ગયો.

અચાનક એને લાગ્યું કે એની આજુબાજુ જાણે દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો છે. જે તરફથી એ અદ્દભુત પ્રકાશ આવતો હતો એ બાજુ એણે નજર કરી. જોયું તો પરમ કૃપાળુ પરમાત્મા અતિ તેજસ્વી ચહેરા સાથે મંદ મંદ હાસ્ય વેરતાં ઊભા હતા. જેવી બંનેની આંખો મળી કે તરત જ એ બોલ્યા, ‘દીકરા ! મારા વહાલા સંતાન ! હું બોલાવું તે પહેલાં મારી પાસે આવવાની ઉતાવળ તને શા માટે થઈ આવી છે ?’

‘હે પ્રભુ ! મને માફ કરજો. હું તમારી પાસે આવવાની ઉતાવળ કરું છું તેના માટે ક્ષમા કરજો. પરંતુ જિંદગીનું એક પણ પગલું આગળ માંડી શકવાની ત્રેવડ હવે મારામાં રહી નથી. મારી જવાબદારીઓ અને ચિંતાઓ અને દુ:ખોનું આ પોટલું તમે જોયું ? હવે એનો ભાર વેંઢારવાની શક્તિ કે હિંમત એ બેમાંથી એકેય મારામાં રહ્યા નથી. એટલે હું મારી જિંદગી પૂરી કરી દેવા માંગું છું.’ પોતાના ખભા પરના મોટા પોટલા સામે આંગળી ચીંધી એણે ભગવાનને કહ્યું.
‘પણ મેં તો તમને સૌને તમારી બધી જ ચિંતાઓ મને સોંપી દેવાનું કહ્યું જ છે. તું પણ તારી ચિંતાઓ મને સોંપીને હળવો કેમ નથી થઈ જતો ?’ ભગવાન હસ્યા.
‘પણ ભગવાન ! તમે મને જ શું કામ સૌથી ભારે પોટલું આપ્યું છે ? મેં તો મારા પોટલા જેટલો ભાર ક્યારેય કોઈના ખભે જોયો નથી !’ રડમસ અવાજે એ માણસે ફરિયાદ કરી.

‘મારા દીકરા ! આ દુનિયામાં દરેકેદરેક વ્યક્તિને મેં કંઈક ને કંઈક બોજો ઉપાડવા આપેલ જ છે. અને એ ફરજિયાત છે. જો ! અહીંયાં તારા ઘણા આડોશી-પાડોશીઓનાં પોટલાં પડ્યાં છે. તને એવું લાગતું હોય કે તારું પોટલું જ મેં સૌથી ભારે આપ્યું છે તો તું એના બદલે આમાંથી બીજું લઈ શકે છે. બોલ, એવી અદલા-બદલી કરવી છે ?’ માર્મિક હસતાં ભગવાને કહ્યું.

નવાઈના ભાવો સાથે પેલા માણસે ભગવાનનાં ચરણ પાસે પડેલાં પોટલાંઓ તરફ નજર નાંખી. બધાં જ પોટલાંઓનું કદ પોતાનાં પોટલા જેટલું જ હતું. પણ દરેક પોટલા પર એક નામ લખાયેલું હતું. જે વ્યક્તિનું પોટલું હોય તેનું નામ-સરનામું એ પોટલા પર લખાયેલું હતું. સૌથી આગળ પડેલા પોટલા પરનું નામ એણે વાંચ્યું. એના પોતાના જ ઘરની બાજુમાં રહેતી એક અતિ સુંદર અને ખૂબ જ સુખી દેખાતી એક પૈસાદાર સ્ત્રીનું નામ એના પર લખેલું હતું. એ સ્ત્રીનો પતિ ખૂબ જ મોટો ઉદ્યોગપતિ હતો. એના ઘરમાં સમૃદ્ધિની તો રેલમછેલ રહેતી. ઘરની દરેક વ્યક્તિ માટે એ લોકો અલગ જ કાર વાપરતાં અને એ પણ પાછી ઈમ્પોર્ટેડ ! એ સ્ત્રીની દીકરીઓ મોંઘાદાટ પોશાકો અને અત્યાધુનિક ઘરેણાં જ પહેરતી. કૉલેજમાં ભણતો એનો દીકરો દર મહિને એની કાર બદલાવતો. ઉનાળાની ગરમીનો એક મહિનો એ સ્ત્રી અને એનું કુટુંબ સ્વિટ્ઝર્લૅન્ડમાં જ વિતાવતાં. આ સ્ત્રીનું પોટલું લેવાનો પેલા માણસને વિચાર આવ્યો. એણે પોતાનું પોટલું બાજુમાં મૂકીને એ સ્ત્રીનું પોટલું ઉપાડ્યું. પણ જેવું એણે એ પોટલાને ઊંચું કર્યું કે એને ખૂબ નવાઈ લાગી. એ સ્ત્રીનું પોટલંદ હળવું હોવાને બદલે એના પોતાના પોટલા કરતાં બમણું ભારે હતું. માંડમાંડ એણે એ પાછું મૂક્યું. પછી ભગવાન સામે જોઈને પૂછ્યું : ‘ભગવાન ! આટઆટલી સુખસાહ્યબીમાં રહેતી આ સ્ત્રીનું પોટલું તો પીછાં જેવું હળવું હોવું જોઈએ, એના બદલે એ આટલું બધું ભારે કેમ ? મને સમજાયું નહીં !’ ‘ન સમજાયું હોય તો તું જાતે જ એ ખોલીને જોઈ લે ને !’ એ જ માર્મિક સ્મિત સાથે ભગવાને કહ્યું.

પેલા માણસે પોટલું ખોલ્યું. બહારથી ખૂબ જ સુખી અને અતિ વૈભવશાળી જીવન જીવતી એ સ્ત્રીના પોટલામાં રાતદિવસ એને હેરાન કરતી અને એનો જીવ લેવા માટે ઝંખતી એની કર્કશા સાસુ દેખાઈ. એ સ્ત્રીનો પતિ દારૂડિયો હતો. એ ધંધાના કામે દેશવિદેશમાં રખડતો રહેતો અને અત્યંત વ્યભિચારી જીવન જીવતો હતો. એના કારણે ભયંકર રોગો પણ એને ઘેરી વળ્યા હતા. પેલી સ્ત્રીને પણ એ બધા રોગોનો ચેપ લાગી ચૂક્યો હતો. પતિ-પત્ની બંને ગુપ્ત રીતે લાખો રૂપિયા એ રોગની સારવારમાં ખરચતાં હતાં. એનો દીકરો એક દાણચોર સાથે સંબંધ ધરાવતો હતો. એની દીકરીના માથા પર એણે પાટો જોયો. એ બિચારી મગજના કૅન્સરથી પીડાતી હતી…. બસ ! એણે ઝડપથી પોટલું બંધ કરી દીધું. એ આગળ જોઈ ન શક્યો. એનાથી બોલાઈ જવાયું, ‘ભગવાન ! બહારથી અત્યંત શ્રીમંત અને ખૂબ સુખી લાગતી સ્ત્રીનું જીવન આટલી બધી યાતનાઓથી ભરેલું છે ? હું કલ્પના પણ નથી કરી શકતો !’

ભગવાન હસી પડ્યા, કહ્યું : ‘મેં તને કહ્યું ને ! દરેકની માથે પોટલું હોવું ફરજિયાત હોય છે. બીજાનું પોટલું તમને હળવું જ લાગે છે, કારણ કે એ તમારા ખભા પર નથી હોતું. હજુ પણ તારે બીજા કોઈનું પોટલું જોઈને એ લેવું હોય તો તને છુટ્ટી છે !’

એ માણસ જેને જેને સુખી અને ખુશકિસ્મત માનતો હતો એમનાં નામ જોઈ જોઈને એણે પોટલાં ખોલી જોયાં. પણ નવાઈ પમાડે એવી વાત એ બની કે એ દરેક વ્યક્તિનું પોટલું એને વધારે ભારે અને પોતાથી અનેક ગણી વધારે વિટંબણાઓથી ભરેલું દેખાયું. એક એક કરીને ઘણાં બધાં પોટલાં એ ફંફોસતો રહ્યો અને એ વખતે મંદ મંદ હાસ્ય વેરતા ભગવાન એકદમ શાંતિથી ઊભા હતા. ખાસ્સી વાર પછી અચાનક જ એણે પોટલાં ફંફોસવાનું બંધ કરીને હળવાશ સાથે કહ્યું, ‘પ્રભુ ! મને મારું જ પોટલું આપી દો. લાગે છે કે એ જ આ બધામાં સૌથી હળવું છે !’
‘એવું છે ? તો પછી તેને જિંદગી ટૂંકાવી નાંખવી પડે એટલો બધો ભાર શેનો લાગે છે ? જોઈએ તો ખરા કે એમાં શું ભરેલું છે ? તારું પોટલું ખોલ જોઉં !’ ભગવાને કહ્યું.

એ માણસે પોતાનું પોટલું ખોલ્યું. અંદર સોનાની ઈંટો હતી, પૈસાની થપ્પીઓની થપ્પીઓ હતી અને બીજા સાવ નાનકડા કહી શકાય તેવા પ્રશ્નોરૂપી પથ્થરો હતા !

‘દીકરા !’ અત્યંત માયાળુ અવાજે ભગવાને કહ્યું, ‘વરસોથી તું આ સોનાની ઈંટો લઈને ફરતો હતો અને આ પૈસાની થપ્પીઓ ભેગી કર્યે જતો હતો, તો પણ તારે વારો તો આપઘાત કરવાનો જ આવ્યો ને ? તો પછી એ સોનાની ઈંટો કે પૈસાની થપ્પીઓ કામની શું છે ? કોઈ લઈ જશે કે ખર્ચાઈ જશે એની બીકમાં તેં એનું વજન કેટલું વધારી દીધું છે ? હવે તું દુનિયામાં પાછો જા, અને આ પૈસા મારાં એવાં સંતાનોમાં વહેંચી દે કે જેને જિંદગીએ કંઈ જ નથી આપ્યું. જેઓ ભૂખે મરી રહ્યાં છે. હું તને ખાતરી આપું છું કે એમનો આનંદ જોઈને તારા આત્માને જે સુખ અને શાતા મળશે એ આ દોલતથી તને ક્યારેય નહીં મળ્યાં હોય. ઉપરાંત એ બધું આપવાથી તારા ખભા પરનાં પોટલાનું વજન પણ ઘટતું જશે ! અને હા ! આ નાના નાના ધારદાર પથ્થરો શેના ભેગા કર્યા છે બતાવ જોઉં !’
પેલા માણસને ઘણી શરમ આવી. નીચું જોઈને એ બોલ્યો, ‘પ્રભુ ! એ મારાં અભિમાન, સ્વાર્થ, પાપ અને દ્વેષનાં પથ્થરો છે. જેની ધારથી મેં હંમેશા બીજાને ઈજા પહોંચાડવાનું કામ કર્યું છે.’

ભગવાન હસી પડ્યા. પછી બોલ્યા : ‘કંઈ વાંધો નહીં બેટા ! તું તારે નિરાંતે દુનિયામાં પાછો જા. પણ એ નાના પથ્થરો મને આપી દે. આજથી હું એ બધું તારી પાસેથી લઈ લઉં છું !’ કહી કરુણાના અવતાર પરમાત્માએ એનાં પાપ, રાગ-દ્વેષ તેમજ અભિમાન વગેરેના પથ્થરો પોતાના હાથમાં લઈ લીધા. એ પથ્થરો એટલા તીક્ષ્ણ હતા કે ખુદ ભગવાનના હાથમાંથી પણ લોહીની ધાર થઈ.

પેલા માણસને હવે ઘણી બધી હળવાશ લાગી રહી હતી. ભગવાનનો આભાર માનીને એણે એમને પ્રણામ કર્યાં. પછી પોતાનું જ પોટલું ખભે નાંખીને ધરતી પર પાછો આવવા માટે નીકળી પડ્યો. થોડેક દૂર ગયા પછી અચાનક એને કંઈક યાદ આવ્યું. પાછાં ફરીને એણે ભગવાનને પૂછ્યું કે, ‘પ્રભુ ! મારું પોટલું તો હંમેશાં મારા ખભા પર જ હોય છે. તો આ બધાંનાં પોટલાં અહીંયાં કેમ પડ્યાં છે ?’ હવે ભગવાન એકદમ ખડખડાટ હસી પડ્યાં. પછી બોલ્યાં : ‘મારા વ્હાલા દીકરા ! એ જ તો વાત છે જે તું છેક અત્યારે સમજી રહ્યો છે. આ દરેકના ખભે અસહ્ય અને તારા કરતાં પણ ક્યાંય ગણો વધારે ભાર છે, છતાં એ લોકો સરસ રીતે જીવી રહ્યાં છે, કારણ કે એમણે એમનું પોટલું મને સોંપી દીધું છે ! જ્યારે તું તારું પોટલું તારા ખભે લઈને જ ફર્યા કરે છે !’

હવે પેલા માણસના મગજમાં ચમકારો થયો. એની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. ધીમા પગલે એ પાછો ફર્યો, ખભેથી પોટલું ઉતારીને એણે ભગવાનનાં ચરણોમાં મૂકી દીધું. પગે લાગ્યો. અને કોઈ દિવસ નહોતી અનુભવી એવી દિવ્ય હળવાશ અનુભવતો ધરતી પર પાછો આવવા નીકળી પડ્યો ! એ જ ક્ષણે ઘેન ઊતરી જવાથી એની આંખ પણ ખૂલી ગઈ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જ્ઞાનધન – સં. મહેન્દ્ર મેઘાણી
વાચકો સાથે વાતચીત – તંત્રી Next »   

27 પ્રતિભાવો : દુ:ખોનું પોટલું – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. bhushan padh says:

  khub sundar lekh… jivan ni vastavikta darshav to ane adhyatmik lekh..thanx mrugeshbhai n dr.i k vijdivala

 2. અતુલ જાની (આગંતુક) says:

  હે ભગવાન ઘણીએ વાર મે તને મારૂં પોટલું આપી દીધુ છે અને હળવો થયો છું. પણ ફરી પાછું અહં અને મમત્વના કારણે પોટલું ઉપાડી લેવાય છે અને ભૂલી જવાય છે કે મારો સુહ્રદ સખા પ્રભૂ મને હંમેશા મદદ માટે તૈયાર છે. આજે શ્રી વિજળીવાળાએ મને ફરી તારી યાદ અપાવી દીધી. લે ત્યારે ફરી એક વાર આ પોટલું તને સોંપ્યું અને હા…શ હળવો ફુલ થઈ ગયો.

  હે ભગવાન એક વધુ વિનંતી મારે તને આ વખતે કરવી છે કે કાંઈક એવું કર કે હવે હું ભુલુ નહીં કે તુ મારો બોજ ઉપાડવા માટે હંમેશા મારી સાથે જ છે અને તારી આ હંમેશની સહાય બદલ કૃતજ્ઞતાના ઝરણાં મારા હ્રદયમાંથી કદી એ સુકાય નહીં.

 3. pragnaju says:

  પ્રેરણાત્મક અને સુંદર વાતોનું પુસ્તકો સાયલન્સ પ્લીઝ ,અંતરનો ઉજાસ વિ.થી જાણીતા ડૉ. આઈ. કે. વીજળીવાળાની “વ્હાલા દીકરા ! એ જ તો વાત છે જે તું છેક અત્યારે સમજી રહ્યો છે. આ દરેકના ખભે અસહ્ય અને તારા કરતાં પણ ક્યાંય ગણો વધારે ભાર છે, છતાં એ લોકો સરસ રીતે જીવી રહ્યાં છે, કારણ કે એમણે એમનું પોટલું મને સોંપી દીધું છે ! જ્યારે તું તારું પોટલું તારા ખભે લઈને જ ફર્યા કરે છે !” વાળી વાત વાંચતા જ આપણો ખ્યાલ આવ્યો.
  અનેકો ડીપ્રેશનની દવાઓ લેતાં પહેલા આ વાત વાંચે તો !
  ધન્યવાદ

 4. Raj says:

  mind blowing. I liked it very much and will try to follow god’s word as and when I remember it. thanks for such a wonderful inspirational story.

 5. તમને શું કહેવા….ઇશ્વર( આઇ ) ..કે…વિજળીવાળા…!!!
  વિજળી ના ઝબકારાની માફક ઇશ્વરની નિકટતાનો અનુભવ કરાવો છો…
  અદભુત…….અભિનંદન…..ડો. જગદિપ નણાવટી..

 6. Kalpesh Pandya says:

  very inspiring story.Similar story I had com across in Osho book. A saint was trvelling in the train but he kept his bag on his head. So the passengers laughed at him and ask him to keep the bag down from his head. Saint said – if he does so, the weight would be on the train and he wants to carry the bag himself and doesn’t want to keep the bag in the train. Everybody laughed again and told him that babaji whether you keep it on head or in the train, weight is on the train only, so better keep it down. Here babaji told –

  We all are travelling in the train of GOD, then why you all are keeping your problems, worries and sorrows on ur head ? Ultimately the weight is on the train only…..

  Just to share…from Osho book

 7. ramesh shah says:

  કોઈ સંતમહાત્મા ની વાતો સાંભળીયે કે આવા લેખો વાંચીયે, બહુ ગમે તો ફરીફરી સાંભળીયે-વાંચીયે અને કોઈક ને સલાહ પણ આપીયે પણ સરવાળે આપણે તો જ્યાં છીયે ત્યાંજ નથી રહેતા? ખુબ સુંદર લેખ્.

 8. krishna says:

  હા કેટલી સાચી વાત છે.
  ઈશ્વર આપણી સાથે જ છે. આપણો બધો જ ભાર એ વહન કરે છે… આપણા માટે કોઈ માનવી થોડુ પણ કરે તો જીંદગી ભર આપણે એના આભાર વશ રઈએ છીએ. પણ એ ઇશ્વર નું ઋણ ચુકવવા નું આપણને યાદ નથી આવતું… એટલું જ નહી પણ એના જ સંતાનો ને ( અન્ય મનુષ્યોને) નુક્શાન પહોંચડવા માટે આપણે હંમેશા તત્પર રહીએ છીએ.

 9. Divyant Shah says:

  Very Good Article

 10. Trupti Trivedi says:

  Dr. Vijaliwala,
  As usual I always wait for your article. Thank you very much.

 11. Keyur Patel says:

  એકદમ માર્મિક પ્રસંગ કહ્યો તમે.

 12. Maitri says:

  ખુબજ સુન્દર પ્રેરણાદાયિ લેખ્….

 13. Dr.Aroon.V.Patel. says:

  Dear Dr..I.K.,
  I was really immersed in divine joy to read your most appealing and really interesting ‘bodhakatha’. congrat.s for weaving such a nice thought flower.
  Thanks.
  aroon.

 14. Prevacid. says:

  Prevacid….

  Prevacid….

 15. Jatin Gandhi, Bangalore says:

  WOW!!!!.,

 16. jimish says:

  આ વાર્તા વાંચ્યા પછી મને જીન્દગી જીવવાનો એક અલગ જ માર્ગ મલી ગયો છે.

 17. nayan panchal says:

  ખૂબ જ સુન્દર લેખ.

  મેં ઘણીવાર પોટલુ સાથે ઉપાડીને જીવવાનો પ્રયત્ન કરી જોયો છે,પરંતુ થોડા સમયે થાકી જાઉં છું. અનુભવે મને પણ સમજાયુ છે કે પોટલુ ભગવાનને આપી દેવામાં જ સાર છે. અતુલભાઈની વાત સાથે સંપૂર્ણ સહમત. અને એ વાત તો સાચી છે જ કે દરેક વ્યક્તિએ પોતાનો સંઘર્ષ લડવો જ પડે છે.

  નયન

 18. lmpatel says:

  વાર્તા વાઁચીને ખરેખર પોટલુ ભગવાનને સોપી દીધા જેટલો હળવો થઇ ગયો.

 19. chetan shah says:

  Dear Mr. Vijadiwala

  Tamara lekh mane ganaj game , tamaru ek pustak moti charo mari pase chhe, jenathi mane gani prerna madi. Hu khubaj dukhi hau chhu tyare tamaru pustak vanchu chhu. pan amuk kharab paristhiti ne karane himmat tuti jay chhe. man ne vadvani koshish to gani karu chhu pan mara mate ishwar sivay koi aro nathi.
  ek navo drastikon apava badal abhar.

  uparokt lekh ganoj sharo chhe. ek request chhe tamara pustako surat city ma kya available chhe te janavaso.

  chetan shah

  surat

 20. kailasgiri varal says:

  અદભુત

 21. Krimali Sodagar says:

  Great Story, Dr I. K. Vijdivala is not only great writer also a great human being. We can not only read his books and stories but also feel by heart……..I have set of books written by Dr. Vijdivala. Congratulations sir.

 22. Veena Dave, USA says:

  વાહ્ , ખુબ સરસ.

 23. બીજાની ખીચડીમાં આપણને ઘી વધારે દેખાય છે..!!

  જેવી દ્રષ્ટી તેવી સૃષ્ટી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.