વાચકો સાથે વાતચીત – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ દિવસોમાં આપણે ઘરની સાફસફાઈ અને રંગરોગાનમાં વ્યસ્ત બનીએ છીએ. દિવાળીની તૈયારીને લગતા નાના-મોટા કામ જલદીથી આટોપી લેવાના હોય છે જેથી કરીને પછી મજાથી ફાફડા-મઠિયા સાથે દિવાળીનું વેકેશન માણી શકાય. કંઈક આવી જ વાત રીડગુજરાતી માટે છે. રીડગુજરાતી પર દિવાળીની તૈયારી એટલે સ્પામ કોમેન્ટસને દૂર કરવાની સાફસૂફી અને નવા લે-આઉટના રંગરોગાન ! (ફાફડા-મઠિયાની રીત અગાઉ મૂકેલી છે એટલે એ વાત પણ આવી ગઈ !!)

લગભગ આ સંપૂર્ણ સપ્તાહ દરમિયાન રીડગુજરાતીનું લે-આઉટ સતત રૂપાંતરિત થતું રહ્યું. પ્રથમવાર પસંદ કરાયેલા લે-આઉટમાં ટેકનિકલ ક્ષતિઓ થવાને કારણે પુન: એકવાર સમગ્ર પ્રયાસ નવેસરથી કરીને રંગરોગાનની કામગીરીને વધુ લંબાવવાની ફરજ પડી. જુદા જુદા સોફટવેરો અને કૉમ્પ્યુટરોના વૈવિધ્યને કારણે એક જ લે-આઉટને Internet Explorer માં, Firefox માં, Windows XP, Windows Vista એમ જુદી જુદી સિસ્ટમોમાં તપાસવાના હોઈને કાર્ય ખૂબ સમય માંગી લે તેવું હતું, જેને લીધે નવા લેખો મૂકવાનું કામ બે-ત્રણ દિવસ માટે વચ્ચે સ્થગિત પણ કરવું પડ્યું.

ઘણા વાચકો પ્રશ્ન પૂછે છે કે આ નવી ડિઝાઈન શા માટે ? આપે ઘણી વાર જોયું હશે કે અમુક લેખો સાથે જે ચિત્રોનો સમાવેશ કરવામાં આવે છે તેને જગ્યાના અભાવે ખૂબ નાના કદના મૂકવામાં આવતા હતા. વળી, જૂની ડિઝાઈનમાં આજુબાજુની જગ્યા વપરાયા વગરની ખાલી રહી જતી હતી. ટેકનીકલી નવી આવતી સુવિધાઓનો ઉપયોગ કરી શકાય તે માટે જૂના લે-આઉટને બદલવું ખૂબ જરૂરી હતું. તેથી આ રંગરોગાન કરવાની ફરજ પડી ! વિવિધ પ્રકારના કોમ્પ્યુટરો પર ચકાસણી કર્યા બાદ રીડગુજરાતી આ નવા લે-આઉટ સાથે તમામ પ્રકારના કોમ્પ્યુટરો પર સરળતાથી વાંચી શકાય છે. આપના કોમ્પ્યુટરમાં Windows XP + Interent Explorer 6.0, Windows XP + Internet Explorer 7.0 , Windows Vista + Internet Explorer 7.0, Windows XP + Firefox, Windows Vista + Firefox કે એવી કોઈ પણ પ્રકારની અન્ય સિસ્ટમ હોય ત્યાં આપ રીડગુજરાતી આસાનીથી વાંચી શકો છો. અગાઉના લે-આઉટ કરતાં આ નવી ડિઝાઈન વધારે કલર અને ચિત્રોનો ઉપયોગ કરતી હોવાથી શરૂઆતમાં કદાચ સાઈટ ખૂલવામાં 1 થી 2 સેકન્ડનો સમય વધુ લાગી શકે છે જેની નોંધ લેશો. પરંતુ સાઈટ ખૂલ્યા બાદ આપ તમામ વિભાગોમાં ખૂબ સરળતાથી જઈ શકશો. વળી, આ લે-આઉટ 1+9 પ્રકારે ગોઠવાયેલું છે, એટલે કે પ્રથમ લેખને અલગથી ગોઠવે છે અને એ પછી ના 9 (એમ કુલ 10 લેખો) સાહિત્ય વિભાગમાં ગોઠવાય છે. નવા લે-આઉટમાં Previous Article અને Next Article ની સુવિધા મૂકવાના આપના સૂચન મારા ધ્યાન પર છે અને તે માટે જરૂર પ્રયત્ન કરવામાં આવશે.

રીગુજરાતીની આ યાત્રામાં મેં અનુભવ્યું છે કે ઘણા નવોદિત વાચકોને પોતાના લેખો મોકલવા હોય અથવા કોઈ સર્જક અંગે કોઈ વિગતો મેળવવી હોય તો સમય અભાવમાં કોમેન્ટ વિભાગમાં કોમેન્ટ મૂકવી પડતી હતી. તે ઉપરાંત કોઈના કોમ્પ્યુટર પર સાઈટ બરાબર ન વાંચી શકાતી હોય તો ઈ-મેઈલથી સંપર્ક કરીને ખૂબ પ્રતિક્ષા કરવી પડતી. આવા અનેક વાચકોની સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તે ભાગરૂપે રીડગુજરાતી પર ‘ReadGujarati Support Centre’ નામનો એક નવો વિભાગ ખૂલ્લો મૂકવામાં આવ્યો છે જેનો તમામ વાચકો લાભ લઈ શકશે. માત્ર એટલું જ નહીં, વાચક પોતાને ગમેલા ગુજરાતી પુસ્તકો, લેખો, પોતાના ગામ કે શહેરમાં થનારા સાહિત્યના કોઈ વિશિષ્ટ કાર્યક્રમો કે પછી ગુજરાતી સાહિત્યને લગતી કોઈ પણ માહિતીની એકબીજા સાથે આપ-લે કરી શકે છે. ટૂંક સમયમાં જ, તે વિભાગમાં નામાંકિત લેખકો સાથે પ્રશ્નોત્તરી ગોઠવવામાં આવશે, જેમાં વાચકોએ રજૂ કરેલા પ્રશ્નોના જે તે લેખક જવાબ આપીને સીધી વાતચીત કરી શકશે. આ વિભાગનો ઉપયોગ ચર્ચા માટે નહીં પરંતુ ઉપયોગી માહિતીની સરળતાથી આપ-લે થઈ શકે તેનો રહેશે. એક નાનકડું ફોર્મ ભરીને કોઈ પણ તે વિભાગમાં જોડાઈ શકે છે. તેથી રીડગુજરાતીના સૌ વાચકમિત્રોને જોડાવવા મારી વિનમ્ર વિનંતી છે.

એક પ્રશ્ન ફોન અને ઈ-મેઈલ પર પણ વારંવાર પૂછાયો છે કે આ નવા લે-આઉટમાં spam protection શું છે ? ઈન્ટરનેટના માધ્યમથી આવતી અજાણી, જાહેરાતોને લગતી અને અનિચ્છનીય કોમેન્ટોથી સાઈટને દૂર રાખવા માટે આ સુવિધા મૂકવામાં આવી છે. આ સુવિધામાં કોમેન્ટ મૂકતી વખતે કોઈ પણ બે આંકડાનો સરવાળો વાચકને પૂછવામાં આવે છે, જેનો સાચો જવાબ બાજુના બોક્સમાં લખવાનો રહે છે. ખોટા જવાબ કે જવાબના અભાવમાં કોમેન્ટ સ્વીકાર્ય બનતી નથી. સોફટવેર પ્રોગ્રામ દ્વારા ઓટોમેટિક નહીં પરંતુ માણસ દ્વારા તે કોમેન્ટ લખવામાં આવી છે તેની માહિતી કોમ્પ્યુટર આ રીતે નોંધે છે. તેથી વાચકમિત્રો, હવેથી પ્રતિભાવો આપતી વખતે આ સુવિધાને જરૂરથી ન્યાય આપશો.

થોડા સમય પહેલા ‘રસોઈ બરાબર છે ને ?’ એ વિષય અંતર્ગત મેં આપને રીડગુજરાતી માટે આપના પ્રતિભાવો પૂછ્યા હતા અને આપ સૌના ખૂબ રસપ્રદ સૂચનો પ્રાપ્ત થયા છે એ માટે હું આભારી છું. એ પ્રતિભાવોમાં પ્રાપ્ત થયેલા કેટલાક વિષયો અંગે અહીં થોડી વાત કરવાનું મન થાય છે. આપ સૌની જેમ મને પણ અમુક લેખો વાંચતા ખૂબ ખુશી થાય છે તો અમુક લેખો વાંચતા ‘ઠીક-ઠીક’ એમ મહેસૂસ થાય છે. વળી, ઘણીવાર નવ સર્જકને સર્જનનું માધ્યમ આપવાનું હોઈ અથવા કોઈ સમયે પ્રસંગને અનુરૂપ લેખો શોધી ન શકાયા હોય અથવા કોઈ અત્યંત અગત્યના અંગત કાર્યની વ્યસ્તા પછી રીડગુજરાતીના લેખો પસંદ કરવાનું કામ આવ્યું હોય, તો લેખોની પસંદગીમાં શ્રેષ્ઠતાનો માપદંડ ઉપર-નીચે થઈ જવો સંભવ છે કારણકે આખરે આપણે એક માણસ છીએ. માત્ર રીડગુજરાતીની જ આ વાત નથી, પ્રકાશિત થતા પુસ્તકો, લેખન કાર્ય કરતા લેખકો… એ તમામને આ અનુભૂતિમાંથી પસાર થવું પડે છે એમ મને લાગે છે. કળાના ક્ષેત્રમાં સાતત્ય જળવાય તો કળા નૈસર્ગિક નથી રહી શકતી. તેથી સારા-નરસા લેખોની માત્રામાં વધ-ઘટ હોવી શકય છે પરંતુ હા, ગુણવત્તાની દષ્ટિએ તેમાં કોઈ બાંધછોડ કરવામાં નથી આવતી.

મને રીડગુજરાતીના ઘણા વાચકો ફોન અને ઈ-મેઈલ દ્વારા કહે છે કે “અમુક સમાજિક સમસ્યાઓ, ઘરના કામો, ઓફિસના ટેન્શનો વગેરેમાંથી તાણમુક્ત થવા અમે ઘણીવાર અડધો કે આખો દિવસ સાઈટ ખોલીને બેસી જઈએ છીએ અને બસ વાંચતા જ જઈએ છીએ અને વાંચીને હળવાફૂલ બન્યા હોય અને બધી તાણ જાણે કે દૂર થઈ ગઈ હોય એમ મહેસૂસ કરીએ છીએ.” અગાઉ મને ઘણા લોકો પૂછતા કે આપને આ સાઈટ બનાવવાની પ્રેરણા કેવી રીતે મળી ? તેનો જવાબ આ જ છે. સાહિત્ય આપણને હંમેશા હળવાફૂલ અને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપે છે. રીડગુજરાતીના માધ્યમથી હું એ અનુભૂતિને આપ લોકો સાથે વહેંચવાનો પ્રયાસ કરું છું અને સાથે વિનમ્રતાથી એટલું કહેવા માગું છું કે આ પ્રસન્નતા, આનંદ આપણને જે મળી રહ્યો છે તે કેવળ સાહિત્યની શીતળ છાયાને કારણે છે, રીડગુજરાતીને કારણે નથી. સાઈટની તો જે કંઈ પણ શોભા છે તે આપણી ગુજરાતી ભાષા અને સત્વશીલ જીવન જીવનારા એવા સાહિત્યના સર્જકોના જીવનની વાતોથી છે.

અમુક વાચકો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરમાં જણાવવાનું કે રીડગુજરાતી પર વિવિધ પ્રકારના સાહિત્ય લેખો અને ટૂંકી વાર્તાઓને ખૂબ મોટા પ્રમાણમાં સ્થાન આપવાનું હોઈને નવલકથાઓ મૂકવી શક્ય નથી. વળી, તે માટે કોપીરાઈટ, પ્રકાશન સંસ્થા તેમજ લેખક દ્વારા મંજૂરી વગેરે અનેક પ્રશ્નો ઉપસ્થિત હોઈ હાલ પૂરતી કોઈ શક્યતા નથી. ભવિષ્યમાં સુલભ થયે કદાચ PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવાની વ્યવસ્થા અંગે વિચારી શકાય. આ સાથે એ પણ જણાવવાનું કે રીડગુજરાતીને સાહિત્યકારો તરફથી વાર્તાના ઓનલાઈન પ્રકાશન અંગેની જ મંજૂરી મળી હોવાથી પ્રત્યેક લેખ માટે PDF Download સુવિધા મૂકવી શકય બનતી નથી. પ્રકાશિત થનારા લેખોનો વ્યક્તિગતરૂપે-પરિવાર માટે ડાઉનલોડ કે પ્રિન્ટ કરીને ઉપયોગ જરૂરથી કરી શકાય છે પરંતુ તેને પુન:પ્રકાશિત કરી શકાતા નથી. પરદેશમાં કોઈ સામાયિક ને રીડગુજરાતીના અમુક લેખો ગમ્યા હોય અને તેને પોતાના સામાયિકમાં પ્રકાશિત કરવાની ઈચ્છા હોય તો તેમણે જે તે લેખકની સીધી જ મંજૂરી લઈ લેવી વધારે યોગ્ય રહેશે તેવું મારું વિનમ્ર સૂચન છે. આપ સૌ વાચકોએ પોતાને ગમતા જે જે લેખકના લેખો મૂકવા માટે મહત્વના સૂચનો કર્યા છે તે સહર્ષ આવકાર્ય છે અને તેવા જીવનપ્રેરક લેખો સતત આપ સુધી પહોંચતા રહે તેવો પ્રયાસ ચોક્કસ કરવામાં આવશે. મને એ વાતનો પણ વિશેષ આનંદ છે કે અમુક વાચકોના પ્રતિભાવો ખૂબ જ માહિતીપ્રદ અને વિચાર કરતા કરી મૂકે એવા સુંદર અને મનનીય હોય છે. વાર્તા કે કથાને અનુરૂપ પોતાના જીવનના પ્રસંગો અને પોતાની અનુભૂતિ વાચક જણાવે છે ત્યારે ખરેખર એ વાર્તા વાચકો સુધી પહોંચાડ્યાનો સંતોષ પ્રાપ્ત થાય છે. સર્જક અને સંપાદક બંને ને સુંદર અને રસપ્રદ માહિતી આપતા આપના પ્રતિભાવો અમને સતત જણાવતા રહેશો.

આ સાથે ઘણા વાચકોએ એ નોંધ્યું છે કે સાઈટના મુખ્ય પાના પર જોક્સ અને સુવાક્યોનું પુનરાવર્તન થાય છે. સાઈટના લે-આઉટ તેમજ પ્રથમ પાના પર જરૂરી ફેરફારો કરવાના હોઈને તે નાના વિભાગોને હાલ પૂરતા સ્થગિત કરવામાં આવ્યા છે જેથી તે નિયમિતરૂપે રૂપાંતરીત કરી શકાતા નથી. ટૂંક સમયમાં જ તે વિભાગોને નવા સ્વરૂપે રજૂ કરીને અપડેટ કરવામાં આવશે. સાઈટને વધુ સારી બનાવવા માટે આપના સૂચનો અમારા સુધી સતત પહોંચાડતા રહેશો. આપ આપના સૂચનો હવે ‘ReadGujarati Support Centre’ માં જણાવી શકો છો જેથી એ સૂચનો સતત મારી નજર સમક્ષ રાખીને અનુકૂળતાએ તેનું અમલીકરણ કરી શકાય.

ટૂંકમાં, એક સપ્તાહના આ રંગરોગાન બાદ આજે અહીં વિરામ લઈએ છીએ. આશા છે કે રીડગુજરાતીનું આ નવું રૂપ અને નવી સુવિધાઓ આપને પસંદ આવશે. સૌ વાચકોને વંદન. સોમવાર સવારથી બે નવા લેખો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.

તંત્રી :
રીડગુજરાતી.કૉમ.
મૃગેશ શાહ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દુ:ખોનું પોટલું – ડૉ. આઈ. કે. વીજળીવાળા
મારા આદરણીય ગુરુજનો ! – મહેશ પ્રજાપતિ Next »   

12 પ્રતિભાવો : વાચકો સાથે વાતચીત – તંત્રી

 1. ramesh shah says:

  મ્રુગેશ,

  મને તમારી સહજ સાલસતા બહુ જ પસંદ છે.આટલુ બધુ સુંદર કામ કરો છો છતાં “હું એ અનુભૂતિને આપ લોકો સાથે વહેંચવાનો પ્રયાસ કરું છું અને સાથે વિનમ્રતાથી એટલું કહેવા માગું છું કે આ પ્રસન્નતા, આનંદ આપણને જે મળી રહ્યો છે તે કેવળ સાહિત્યની શીતળ છાયાને કારણે છે, રીડગુજરાતીને કારણે નથી.” આવા ઊમદા વિચારો માટે ધન્યવાદ.

 2. અતુલ જાની (આગંતુક) says:

  મૃગેશભાઈ,

  આપે કહ્યું કે, આ પ્રસન્નતા, આનંદ આપણને જે મળી રહ્યો છે તે કેવળ સાહિત્યની શીતળ છાયાને કારણે છે.

  વૃક્ષ નીચે બેસવાથી છાંયડો મળે અને તનને ટાઢક થાય. શીતળ જળનું પાન કરવાથી અંગે અંગમાં ઠંડક થાય અને શાંતી અને પ્રસન્નતા પ્રાપ્ત થાય. ક્ષુધાતૂર પ્રાણી ભોજનથી તૃપ્ત થાય અને હાશકારો અનુભવે. સાહિત્યની શીતળ છાયાને કારણે પ્રસન્નતા, આનંદ પ્રાપ્ત થાય.

  હા આ બધા માં ઉપાદાન કારણ તો જરુર વૃક્ષ, જળ, અન્ન અને સાહિત્ય છે. પરંતુ શું નિમિત્ત કારણ વગર આ ઉપાદાનો પોતાની ભૂમિકા સારી રીતે ભજવી શકે?

  વૃક્ષને વાવનારા કોઠાડાયા મનુષ્યો, જળનો સુયોગ્ય ઉપયોગ થાય તે માટે જળાશયો બંધાવનારા, અન્નને ઉત્પન્ન કરવાથી લઈને છેક ક્ષુધાતુર મનુષ્યો સુધી પહૉચાડવાની વ્યવસ્થામાં સંકળાયેલા અનેક લોકો અને આ સહિત્યને અમ જેવા વાચકો સુધી પહોંચાડનારા ReadGujarati જેવા નિમિત્ત કારણો વગર શું આ આનંદ અને પ્રસન્નતા સંભવિત છે?

  ઉપાદાન કારણોની અગત્યતા તો મૃગેશભાઈ આપે સારી રીતે સ્વીકારી છે પરંતુ અમ વાચકો માટે નિમિત્ત કારણો પણ એટલા જ અગત્યના છે.

  આપના આ સુંદર પુરુષાર્થ બદલ આપને વારંવાર ધન્યવાદ.

 3. sunil shah says:

  ભાઈ, તમારી નીખાલસ વાતો ગમી. નવું સ્વરુપ ગમ્યું . પરીવર્તન ટાણે પ્રશ્નો થાય–મુંઝવણો થાય,કોકને ઝટ ગળે ન ઉતરે આ બધું સ્વભાવીક છે. તમે ઉત્તમ સાહીત્યને વાચકો સુધી પહોંચાડવા કટીબધ્ધ છો તે પછી બાકીનું ગૌણ બની જાય છે.

 4. dharmesh Trivedi says:

  મ્રુગેશભાઇ
  નવા કલેવર નવા લુક સાથે ના આપ્ના આગ્મન ને વધામણિ…આપ સફલતા પચાવિ શક્યા તે તમારિ લેખનિ મા વરતાય છે…ઇશ્વર શ્રિજિબાવા તમ્ને એ તકાવવા નિ શક્તિ અર્પે…ધર્મેશ

 5. krishna says:

  આપના આ સહજ સરળ સ્વભાવ કોઈને પણ ગમી જાય….

  એમાં પણ આ સાહિત્યની સૃષ્ટીમાં અમ્ને સહુને લક્ઝરીય ટ્રાવેલ્સમાં સફર કરાવા બદલ ખુબ ખુબ આભાર!!!

 6. pragnaju says:

  નવું રૂપ
  અને
  નવી સુવિધાઓ
  અમને
  પસંદ
  પસંદ
  પસંદ

 7. Pinki says:

  દિવાળીના આ નવા રંગ રૂપ ગમ્યાં…… !!

  ગુણવંતભાઈએ કહ્યું છે એમ,

  જીવનમાં વરસો ઉમેરાતા જાય છે
  આ વરસે જીવન ઉમેરીએ તો કેવું ?!!

  અને આ જીવન તો આવા સાહિત્ય, સર્જનથી જ જીવંત રહે
  એક ઈતિહાસ બનીને…….. શબ્દાંકિત થઈને !!

  આપનો પ્રયાસ સુંદર અને સફળ બની રહે અને
  અમારા વર્ષોમાં જીવન ઉમેરતાં રહે ….. !!

  શુભ દિપાવલી ………..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.