મારા આદરણીય ગુરુજનો ! – મહેશ પ્રજાપતિ

[હાસ્યલેખ]

મારા આદરણીય ગુરુજનોનું સ્મરણ મને ઘણી વાર ભૂતકાળમાં ખેંચી જાય છે. ગુરુ પરમેશ્વર તુલ્ય ગણાય છે. ગુરુ સર્વોપરી છે, શ્રદ્ધેય છે. ગુરુ સર્વાંગી શિક્ષણ દ્વારા શિષ્યનું જીવન ઘડતર કરે છે. મારા ગુરુઓએ મારું જીવન ઘડતર કર્યું છે કે નહિ તે સમજમાં નથી આવતું પણ મારી કાયાનું ઘડતર તેઓએ અવશ્ય કર્યું છે. મારી સશક્ત કાયા મારા ગુરુજનોની પરમ કૃપા પ્રસાદીનું ફળ છે.

એક ગુરુ મારા વાળ જોરથી પકડી દીવાલમાં માથું અફળાવતા. પોતાની શિક્ષા કરવાની પ્રેકટિસ છૂટી ન જાય એટલે આંતરે દિવસે કંઈક બહાનું કાઢી પુનરાવર્તન કરી લેતા. આજેય મારા મસ્તકની ચામડી પ્રહાર સ્થળે નાળિયેરના પડ જેવી કઠણ થઈ ગઈ છે. બીજા ગુરુવર્યને મારા ગાલ બહુ ગમતા. તેઓ એમના બન્ને હાથની બરછટ આંગળીઓથી ડાબા જમણી લપ્પડોનો વરસાદ વરસાવતા. એ ગુરુજીના પ્રતાપે મારા બન્ને ગાલની ચામડી પણ સ્ટ્રોન્ગ બની ગઈ છે. હેરકટિંગ સલૂનવાળો બબ્બે બ્લેડ બદલે ત્યારે મારી દાઢી કરી શકે. ગુરુકૃપાથી ગાલની ચામડી ખડકાળ ભૂમિ જેવી બની ગઈ છે. જેથી એમાંથી કડક વાળ જ ઊગે છે. ત્રીજા એક ગુરુ માર મારવાની પ્રચલિત પરંપરામાં માનતા ન હતા. તેથી એમણે પોતાની આગવી કેડી કંડારી હતી. તેઓ મારા ઢીંચણમાં સજોડે (જોડા પહેરેલા પગ વડે) લાત મારતા. તે વખતે તો પગમાં કળતર થતું પણ હવે નથી થતું. તેમના પાદ પ્રહારથી મારા પગ ઘણા મજબૂત બન્યા છે. આમ અગાઉ કહ્યું તેમ મારી કાયાના ઘડતરમાં મારા ગુરુજનોનો અમૂલ્ય ફાળો રહ્યો છે. મમ ગુરુ ગુણદર્શન કરાવતાં પહેલાં ભારતીય ગુરુપરંપરાનો અછડતો ઉલ્લેખ કરી દઉં.

વિશ્વ સાહિત્યમાં સૌથી પ્રાચીન એવા ચારેય વેદોએ ગુરુની મહત્તા સ્વીકારી છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા – એમ ખટ દર્શનોમાં ગુરુને મોક્ષના માધ્યમ તરીકે ઓળખાવ્યા છે. રામાનુજ, પાશુપત, શૈવ, શાક્ત, વલ્લભ જેવા સંપ્રદાયો તેમજ જૈન અને બૌદ્ધ ધર્મમાં ગુરુને પરમપદ પ્રેરક ગણ્યા છે. સનાતન સંસ્કૃતિમાં આશ્રમ પ્રણાલિકા અસ્તિત્વમાં આવી ત્યારે શિષ્યો આશ્રમમાં રહીને અભ્યાસ કરતા. ગુરુની પાસે ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીઓ હોય ! વિષય પણ બે જ. એક શસ્ત્ર અને બીજો શાસ્ત્ર. અઠવાડિક, માસિક, સત્રાંત, પ્રિલિમિનરી કે વાર્ષિક જેવી કોઈ પરીક્ષા જ નહિ. લેખિત પરીક્ષાઓનો તે કાળે જન્મ જ નહોતો થયો. માત્ર ઓરલ અને પ્રેક્ટિકલ – બે જ પરીક્ષાઓ. વિદ્યાને કંઠસ્થ જ કરવાની. અભ્યાસને અંતે સૌની ઉપસ્થિતિમાં પ્રેકટિકલ એકઝામ. દ્રોણાચાર્યની યુનિવર્સિટીમાં અર્જુન બાણવિદ્યામાં ફર્સ્ટ કલાસ ફર્સ્ટ આવેલો. રીઝલ્ટ પણ તરત જ મળે. અભ્યાસ પરિપૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ ન મળે. પછી માર્કશીટ સાથે ચેડાં તો થાય જ ક્યાંથી ?
 

આશ્રમ પ્રણાલિકા સાથે ગુરુ શિષ્ય પરંપરા ચાલતી રહી. ધર્માચાર્યો, સંતો-મહંતો શ્રદ્ધાના બળે સમાજમાં ગુરુનું સ્થાન મેળવતા. અંગ્રેજોનું આગમન આપણા દેશમાં થયું અને ગુરુ પરંપરા તૂટી. ગુરુ-શિષ્ય વચ્ચે પિતા-પુત્ર જેવા સંબંધો હતા તેને બદલે ગુનેગાર અને પોલીસ જેવા સંબંધો રચાયા. ‘ગુરુ’ શબ્દ ભૂંસાતો ચાલ્યો અને ‘સર’ શબ્દ ફેલાતો ગયો. ‘આચાર્ય’ શબ્દનું સ્થાન હેડમાસ્તરે લીધું. કહેવાય છે કે હેડમાસ્તરને માત્ર ‘હેડ’ જ હોય છે, ‘હાર્ટ’ હોતું નથી. શિક્ષણમાં નવા નવા સુધારા થતા રહ્યા. દરેક ધોરણમાં સાત સાત વિષયો. અને એક એક વિષયમાં બબ્બે ગુરુઓ. આ સિચ્યુએશનમાં ગુરુ શિષ્યનું ઘડતર કરે કે સાઈઠ વિદ્યાર્થીઓ ભેગા થઈ ગુરુનું નડતર વધારે એ આજે પણ વણઉકલી સમસ્યા છે.

સદભાગ્યે હું જે માધ્યમિક શાળામાં ભણ્યો એ શાળાના ઘણા ગુરુઓ પોતાના વિષયને શોભાવે એવા હતા. કદાચ અકબર બાદશાહને પોતાના દરબારનાં નવરત્નો શોધવામાં તકલીફ નહિ પડી હોય પણ અમારી શાળાની મેનેજમેન્ટને આ ગુરુવર્યોની શોધ પાછળ ઘણી જહેમત ઉઠાવવી પડી હશે !

મારા દેહ ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપનાર ગુરુજનો પૈકી પ્રથમ ક્રમ આપવો પડે ત્રિકમલાલ તરવાડી સાહેબને. ‘ગુરુ’ શબ્દનો એક અર્થ ‘ભારે’ થાય છે. તરવાડી સાહેબની કદ સમૃદ્ધિ જોનારને ‘ગુરુ’ શબ્દનો અર્થ સમજાઈ જાય. કદાચ વજનકાંટા પર એ ઊભા રહે તો કાંટાનો દર્શક બે-ત્રણ વખત ગોળ ગોળ ફર્યા કરે. ગજાનન ગણપતિ જેવું મોટું માથું. ગળું અને ગરદન વચ્ચે અર્ધા સેન્ટિમીટરનો પણ ગેપ નહિ. આડા વિસ્તરેલા મોટા મોટા કાન. બુદ્ધિવર્ધક જ્ઞાનતંતુઓ સમાન ધોળા ધોળા વાળનાં કાન પર ઝૂમખાં. સોડા વોટરની બાટલીમાંથી ઘસી ઘસીને તૈયાર કરાવ્યા હોય એવા ચશ્માંના જાડા ગ્લાસ. એમના ભારેખમ ચહેરાને જોતાં જ ધ્રૂજી જવાય એવી મુખાકૃતિ. એમની વિશાળ ફાંદ જોઈને કોઈને એવો વહેમ પડે કે એમણે ઝભ્ભા નીચે મોટું માટલું સંતાડ્યું હશે ! ખાદીનો ઝભ્ભો, ધોતી અને ધોળી ટોપી એ એમનો પરમેનન્ટ યુનિફોર્મ. શિવલાલ દરજી બે હાથે એમની કમરનો ઘેરાવો માપે તો મેજરટેપ પણ ટૂંકી પડે.

આવા તરવાડી સાહેબ મદમસ્ત ગજરાજની અદાથી વર્ગમાં પ્રવેશે. વર્ગમાં પ્રવેશતાં જ એમની પહેલી નજર ખુરશી પર સ્થિર થાય. ખુરશી પર ચોકની રજકણો ઊડીને પડી હોય. તરવાડી સાહેબ મોઢામાં હવા ભરી ફુગ્ગાની જેમ ગલોફાં ફૂલાવે. પછી ફૂંક મારે, રજકણ ઊડી જાય પછી તેઓ ખુરશી પર બિરાજમાન થાય. એ ફૂંક મારે ત્યારે રીંછ છીંકતું હોય એવો અવાજ સંભળાય. મનીયો કાનકટ્ટો નામનો એક તોફાની છોકરો તો તરવાડી સાહેબ આવવાના હોય તે પૂર્વે મંજીરાની જેમ બે ડસ્ટર ખખડાવી ખુરશી પર ચોકનો ભૂકો ભભરાવી દે. એ નોકરીમાં દાખલ થયા ત્યારે અમારી સ્કૂલના પ્રિન્સિપાલે તમામ વર્ગની ખુરશીઓનાં હેન્ડલો કઢાવી નાખેલાં જેથી તરવાડી સાહેબને આસન ગ્રહણ કરવામાં કોઈ તકલીફ ન પડે. ઉપરાંત પ્રત્યેક ખુરશીના સાંધાઓ આગળ લોખંડની એન્ગલો ફીટ કરાવી દીધી હતી.

તરવાડી સાહેબનો અર્ધો પિરિયડ તો છોકરાઓને શાંત રાખવાની સૂચનાઓ આપવામાં વેડફાય. ‘ટટાર બેસો’, આ વાક્ય ચાર-પાંચ વાક્યોના અંતે રીપીટ કર્યા જ કરે. તરવાડી સાહેબ ભાષા શિક્ષક હતા. વારંવાર તેઓ ભાષાની અનિવાર્યતા સમજાવતા. એક વખત તરવાડી સાહેબના પિરિયડ પછી ફ્રી તાસ હતો. બધા છોકરાઓ બેલનો ટકોરો પડે એની રાહ જોઈ રહ્યા હતા. થોડીવારમાં બેલ પડ્યો. બધા છોકરાઓ હુડુડુડુ… કરતાં દોડ્યા. એમાં કોઈકના હાથની ઝાપટ વાગી અને તરવાડી સાહેબની ટેબલ પર ગોઠવેલી ટોપી ફર…ર…ર… અવાજ કરતી ચકલીની જેમ ઉડીને બારણા બહાર ફંગોળાઈ…. તરવાડી સાહેબ ધૂઆંપૂઆં થઈ ગયા પણ આખો વર્ગ મેદાન પર હતો. બબડતાં બબડતાં એમણે ચદગડા પડી ટોપી હાથમાં લીધી ને ખંખેરીને માથે મૂકી.

બીજે દિવસે તરવાડી સાહેબનો પિરિયડ હતો. બધાને ભીતિ હતી કે સાહેબ ટોપીના પ્રસંગથી ગુસ્સે થશે. પણ એવું કંઈ ન બન્યું, પરંતુ વિદ્યાર્થીઓની રમતની ઘેલછા પર રોષે ભરાઈને બોલ્યા, ‘સુવ્વરો ! કબડ્ડી, ક્રિકેટ કે ફૂટબોલની રમત પાછળ પાગલ થયા છો પરંતુ એ રમત તમને જીવનમાં આગળ નહિ લાવે. હું જે ભાષા ભણાવું છું એ જ કામ આવશે. શું મહાત્મા ગાંધી ક્રિકેટ રમીને રાષ્ટ્રપિતા કહેવાયા ? જવાહરલાલ નહેરુ કબડ્ડી રમીને વડાપ્રધાનના પદ સુધી પહોંચ્યા ? સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફોજની રચના કરવાની પ્રેરણા ફૂટબોલની રમતમાંથી મળી ? યાદ રાખો, આ બધા મહાન નેતાઓની મહાનતા ભાષાને અભારી છે, માટે ભાષા પચાવો.’
તરવાડી સાહેબનું વાક્ય સાંભળી મારી બાજુમાં બેઠેલો રસિક ધીમા અવાજે બોલ્યો : ‘મગની ખીચડી તો પચતી નથી ને સાહેબ ભાષા પચાવવાની વાત કરે છે.’ મેં તેને ચૂપ રહેવા ઢીંચણ મારીને ઈશારો કર્યો. ખાનગીમાં જેમને શિક્ષકો અને વિદ્યાર્થીઓ ‘મદનિયું’, ‘ઘઉંની ગુણ’, ‘કોઠી’, ‘હિપોપોટેમસ’, ‘જમ્બો જેટ’, ‘ડબલ ડેકર’ જેવાં અનેક વિશેષણોથી નવાજતા એવા તરવાડી સાહેબને હું હજી ભૂલી શક્યો નથી.

મારા મનમાં હજીયે જેમના પ્રત્યેનો અહોભાવ અકબંધ રહ્યો છે તેવા મથુરભાઈ પટેલની યાદ આજે પણ આવે છે. ખાદીનો ઝભ્ભો, ધોતિયું, કાળી ટોપી અને રાઠોડી મોજડીઓ પહેરી પટેલ સાહેબ ફોજદારીની અદાથી વર્ગમાં પ્રવેશે. મોટી મોટી મૂછો આડી ફાલવાને બદલે નીચેની તરફ લબડતી અને નીચલા હોઠને ગલગલિયાં કરતી દેખાય. ચાની તપેલી સીધી મોંએ માંડે તો ચા ગળાઈને પેટમાં પ્રવેશે એવી ભરાવદાર મૂછો હતી. એમનો પિરિયડ શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓ પાછલી બેન્ચ પર બેસવા પડાપડી કરે. ક્યારેક મારામારી પણ થાય. પહેલી બે બેંચો પર જે કાયમ બેસતા હોય તે પટેલ સાહેબના પિરિયડમાં જગા બદલી નાખે. કારણ કે પટેલ સાહેબ બોલે ત્યારે શબ્દે શબ્દે એમના મુખારવિંદમાંથી અમૃતબિંદુઓનો છંટકાવ થાય. એ અમી છાંટણાંથી બચવા બધા પાછળની પાટલીઓ પર બેસવાનો આગ્રહ રાખે.

એમના ઉચ્ચારો અનુનાસિક હોય એવા લાગે. આમ તો વાણી મુખમાંથી પ્રગટ થતી હોય છે, પણ વિદ્યાર્થીઓ કહેતા, સાહેબ નાકમાંથી બોલે છે. ‘ઢ’ અને ‘ધ’ બેઉ મૂળાક્ષરોના ઉચ્ચાર સરખા. ‘ણ’ અને ‘ન’ માં કોઈ ફરક નહિ. પટેલ સાહેબ શું બોલે છે એ પોણા ભાગના વિદ્યાર્થીઓને સમજાય નહિ, પણ સાહેબ પૂછે – ‘સમજ પડે છે ?’ તો આખો વર્ગનો સામૂહિક જવાબ હોય… ‘હા’. કેટલાક કાચંડાની જેમ ડોકું ધુણાવતાં ધુણાવતાં જવાબ આપે… ‘હા.’ પટેલ સાહેબની બન્ને આંખો કાયમ ડાબા-જમણી ખેંચાયેલી રહે. એ ક્યા વિદ્યાર્થી સામે જોઈને બોલે છે એની કોઈને ખબર ન પડે. કોઈ વાતોડિયા વિદ્યાર્થીને ઊભો કરવા હાથથી ઈશારો કરે, જ્યારે આંખો જુદી દિશા બતાવતી હોય. કોઈને ખબર ન પડે એટલે એકને ઊભા થવાની સૂચના આપે અને પાંચ-છ વિદ્યાર્થીઓ ઊભા થઈ જાય. એમાંથી જે ગુનેગાર ન હોય એને જ ઝડપી લે. પટેલ સાહેબના પિરિયડમાં નિર્દોષ વિદ્યાર્થીઓ જ ઝૂડાય.

એક વખત મનીયા કાનકટ્ટાને પટેલ સાહેબે સવાલ પૂછ્યો ‘બોલ મનુ, ન્યૂટન બગીચામાં બેઠો હતો અને ધરતી પર સફરજન પડતાં જોયું. એ ઘટના પરથી એમણે એક નિયમ શોધ્યો. તું બોલ કે એ સફરજન આકાશમાં કેમ ન ગયું ને પૃથ્વી પર પડ્યું ?’
મનીયો બોચી ખંજવાળતાં ખંજવાળતાં બોલ્યો, ‘સાહેબ ! આકાશમાં સફરજન ખાનારું કોઈ હતું નહિ ને પૃથ્વી પર રહેનારા સફરજન ખાતા હતા. માટે ભગવાને સફરજન પૃથ્વી પર ફેંક્યું.’ ….. આ જવાબ સાંભળ્યા પછી મનીયાની જે દશા થઈ એના અમે નજરે જોનારા સાક્ષીઓ છીએ. મનીયાને ભણવામાં બિલકુલ રસ નહિ. પરીક્ષામાં તે ક્યારેય ચોરી ન કરે. મનમાં આવ્યો તે જવાબ લખી નાખે છતાં દર વર્ષે પાસ થાય. એક વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો : ‘વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો – આપણે જે ઓરડામાં રાત્રે સૂતા હોઈએ એ ઓરડામાં બકરી જેવું પશુ ન બાંધવુ જોઈએ કે સળગતી સગડી ન રાખવી જોઈએ.’ મનીયો જાણતો ન હતો કે પશુની ઉપસ્થિતિ કે સગડીને કારણે ઓરડામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય. એણે જવાબ લખ્યો : ‘સુવાના ઓરડામાં બકરી ન બાંધવી જોઈએ કારણકે બકરી રાત્રે રૂમ અને પથારી ગંદી કરે તથા ઓરડામાં સગડી પડી હોય તો એની જવાળાથી ગાદલાં અને ઓશીકું બળી જાય.’ મનિયાના આ જવાબને પણ સાચો ગણી વિષય શિક્ષકે એને ત્રણમાંથી ત્રણ માર્કસ આપ્યા હતા !

પટેલ સાહેબ મૂડમાં હોય ત્યારે અમે રજૂઆત કરીએ કે ‘સાહેબ ! તમારી તબિયત બરાબર લાગતી નથી. તમે આરામ કરો, અમે અંતાક્ષરી રમીએ.’ હસતાં હસતાં પટેલ સાહેબ અમારો પ્રસ્તાવ સ્વીકારી લે અને પગ પર પગ ચડાવી, માથું ખુરશી પર ટેકવી આરામ કરી લે. પિરિયડ બદલાવાનો બેલ પડે એટલે પટેલ સાહેબની આંખો ખૂલે. બધા છોકરાઓ સામે જોઈ કારણ વગર હસે. એમના હાસ્યમાં સૂર પુરાવતા હોય એમ કેટલાક વિદ્યાર્થીઓ પણ ‘હી..હી..હી..હી…’ કરવા લાગે. એમના વર્ગગમન પછી આખા ઓરડામાં ‘હી…હી…હી…હા…હા…હૂ…હૂ…’ ના અવાજો ગુંજતા રહે. કોઈ બીજા શિક્ષક લોબીમાંથી પસાર થતા હોય તો તે પણ કારણ વગર હસવા લાગે.

છેલ્લે મોહનલાલ માવાણીને યાદ ન કરું તો લેખ અઘૂરો ગણાય. મોહનલાલ માવાણી તમામ ઋતુઓમાં કોટ તો પહેરે જ. ઉનાળાની ઋતુમાં વિદ્યાર્થીઓ ગરમીથી કંટાળી ખમીસનાં ઉપરનાં બે બટન ખોલી નાખે, જ્યારે મોહનલાલ સાહેબના કોટનાં બટન ભીડેલાં જ હોય. તેઓ નાસ્તો કરવાના ખૂબ શોખીન. અમારી સાથે પ્રવીણ નામનો એક છોકરો ભણે. એના કાકાની ભજિયાંની લારી હતી. આમ તો માવાણી સાહેબનો સ્વભાવ તીખા પટણી મરચાં જેવો પણ નાસ્તો કરવો હોય ત્યારે સ્વભાવ સુધારે. રીસેસમાં પ્રવીણને બોલાવી કહે, ‘તું મારી પાસે ભણે છે, પણ ગુરુદક્ષિણા આપતો નથી, ગુરુદક્ષિણા નહિ હોય તો ગુરુકૃપા ક્યાંથી ઉતરશે ?’ માવાણી સાહેબનો પ્રશ્ન પ્રવીણ સાનમાં સમજી જાય અને દોટ મૂકીને કાકાની લારીએ પહોંચી ભજિયાનું પડીકું બંધાવી લાવે. છાનોમાનો લેબોરેટરી રૂમમાં જઈને માવાણી સાહેબને પડીકું પધરાવી દે. કોઈ બીજો શિક્ષક એમના નાસ્તામાં ભાગ ન પડાવે એટલે તેઓ રીસેસમાં લેબોરેટરીમાં જઈ એકલા જ બેસે. ટેબલનું ડ્રોઅર અર્ધું ખોલીને તેમાં પડીકું છોડી છાનામાના ખાય. પૈસા ખર્ચીને તેઓ ક્યારેય નાસ્તો કરતા નહિ. એમને મફતિયો જ નાસ્તો માફક આવે.

એક વખત શ્રાવણ માસના દિવસો હતા. એક ટીખળી છોકરો શીતળા સાતમના તહેવાર માટે બનાવેલ પૂરી, ઢેબરાં, ઘુઘરા અને વડાં જેવા નાસ્તામાંથી બે વડાં ખિસ્સામાં સંતાડીને નિશાળે લાવ્યો. માવાણી સાહેબ બ્લેક-બોર્ડ તરફ નજર કરીને ભારતનો નકશો દોરવામાં તલ્લીન હતા ત્યારે ટીખળી કનુએ બેન્ચ પરથી ઊભા થઈ માવાણી સાહેબ પર વડુંનો પ્રહાર કર્યો. વડું સાહેબની બોચીમાં અથડાઈ ટેબલ પર પડ્યું. અચાનક આક્રમણથી ભયભીત થયેલા માવાણી સાહેબે પાછળ જોયું. ટેબલ પર વડું જોયું. ખૂબ ગુસ્સે થયા. નકશો દોરવાનો અધૂરો મૂકી ખુરશીમાં બેસી ગયા. ટેબલ પર હાથ પછાડી કહે – ‘આ નાલાયકી કરનારને છોડીશ નહિ. પ્રિન્સિપાલને ફરિયાદ કરી સર્ટિ. અપાવી દઈશ.’ માવાણી સાહેબને એક આદત હતી. એ ગુસ્સે થાય ત્યારે બધા વિદ્યાર્થીઓને નારીજાતિના સંબોધનથી જ બોલાવતા. ‘મનુડી ! શી વાતો કરતી હતી ? તારી બાજુમાં ત્રાંસી થઈને ડોશીની જેમ બેઠી છે એ કનુડી પણ છૂપી રૂસ્તમ છે. હવે હું લેસન ચેક કરીશ. જે લેસન નહિ લાવી હોય એને આખો દિવસ ઊભી રાખીશ.’

આમ માર મારવાનું બહાનું શોધવા માવાણી સાહેબે નોટબુકોનું ચેકિંગ શરૂ કર્યું. મનીયો કાનકટ્ટો તોફાન કરવામાં નામીચો એટલે પહેલાં જ ઊભો કર્યો. લેસન આપેલું એમાં એક પ્રશ્ન હતો. ‘ટૂંકામાં ટૂંકો દિવસ ક્યારે હોય છે ?’ મનીયાએ જવાબ લખ્યો હતો : ‘આખર તારીખે.’ જવાબ વાંચ્યા પછી માવાણી સાહેબ ઉકળ્યા. ‘શું ટૂંકામાં ટૂંકો દિવસ આખર તારીખે હોય છે ? તમને બે પિરિયડ વહેલા છોડે એટલે તમને ભણવાનો ટૂંકો દિવસ આખર તારીખે દેખાય. હું તો ભારતની વાત કરું છું અને તે પણ ભૂગોળને અનુલક્ષીને, સમજી ?’ મનીયાના કાન માવાણી સાહેબ આમળતા હતા ને રિસેસનો બેલ પડ્યો. માવાણી સાહેબે ટેબલ પર પડેલું વડું હાથમાં લીધું. પ્રિન્સિપાલની ઑફિસમાં ગયા. એક હાથ કોટના ખિસ્સામાં હતો. વડું ફેંકનાર વિદ્યાર્થી ગભરાયો. માવાણી સાહેબ ઑફિસમાંથી બહાર નીકળ્યા. અને લેબોરેટરીમાં આવ્યા. મનીયો ચિંતાનો માર્યો ઊંચો નીચો થતો હતો. પાંચમા પિરિયડને અંતે મનીયો પટાવાળા પાસેથી જાણી લાવ્યો કે માવાણી સાહેબે પ્રિન્સિપાલને કોઈ જ ફરિયાદ કરી નથી. જે વડું પુરાવા તરીકે પ્રિન્સિપાલને બતાવવા માવાણી સાહેબ લઈ ગયા હતા એ પુરાવાનો નાશ એમણે રિસેસ દરમ્યાન ચા સાથે કરી નાખ્યો હતો. ઈતિહાસમાં બલ્બન નામના શાસક વિશે એવું ભણેલા કે એ જીવનમાં ક્યારેય હસ્યો નહોતો. માવાણી સાહેબ પણ બલ્બનની જ કાર્બન કોપી જેવા હતા.

સ્કંદ પુરાણના ઉત્તરાખંડમાં ગુરુગીતાનું પ્રકરણ છે. ગુરુગીતામાં ગુરુમહિમા વર્ણવતા લખ્યું છે :

ધ્યાનમૂલં ગુરોર્મૂતિ: પૂજામૂલં ગુરો: પદમ |
મન્ત્રમૂલં ગુરોર્વાક્યં મોક્ષમૂલં ગુરો: કૃપા ||

અર્થાત્ ‘ધ્યાન ધરવા યોગ્ય ગુરુની મૂર્તિ છે. પૂજન કરવા યોગ્ય ગુરુના ચરણ છે. માત્ર ગુરુવાક્યમાં જ મંત્ર સમાઈ જાય છે. જ્યારે મોક્ષ માટે ગુરુની કૃપા જ પર્યાપ્ત છે.’ ગુરુગીતાનો આ શ્લોક યાદ કરું છું ત્યારે મારા જ ગુરુજનોની છબી મારા મન:ચક્ષુમાં ખડી થાય છે. ધ્યાન કરવા યોગ્ય મૂર્તિ ગુરુવર્ય ત્રિકમલાલ તરવાડીની છે. અને પૂજા કરવા યોગ્ય લાતો મારનાર ગુરુનાં ચરણ છે. જેના મુખારવિંદમાંથી અમીઝરણાંનાં બિંદુ નિરંતર છંટાતાં એ ગુરુનો એક એક શબ્દ મંત્રતુલ્ય છે અને બધા જ ગુરુજનોની ટીમકૃપાને કારણે મને વગર તપ કર્યે મોક્ષ મળી ગયો છે.

સંત કબીરે ગુરુની મહત્તા દર્શાવતા દોહામાં લખ્યું છે :

સાત સમંદ મસી કરું
લેખિની સબ વનરાય.
સબ ધરતી કાગદ કરું
ગુરુ ગુણ લીખ્યા ન જાય.

કબીર કહે છે કે સાત સમુદ્રની શાહી બનાવું, સમગ્ર વનરાજીની કલમ બનાવું અને આખી ધરતીને કાગળ બનાવું અને તેના પર દિન-રાત લખ્યા કરું તો પણ હે ગુરુ ! તમારા ગુણોનો પાર ન પામી શકાય.

કબીર સાહેબ જેટલી ગુરુભાવના મારા જેવા ક્ષુલ્લક માનવીમાં ક્યાંથી હોય ? છતાં મારા ગજા પ્રમાણે લખું તો : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે જેટલો કાગળ હોય, વીજળીના તમામ થાંભલાઓને વેલ્ડિંગથી જોડી દઈ તેની કલમ બનાવવામાં આવે, ગુજરાતનાં તમામ ખાબોચિયાંમાં શાહી રેડવામાં આવે અને તમામ વિદ્યા સહાયકો ઓવરટાઈમ કરીને તમારા ગુણોનું વર્ણન કરવા બેસે તો પણ હે ગુરુજનો (?) તમારા ગુણોનો પાર ન પામી શકાય !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચકો સાથે વાતચીત – તંત્રી
કૂંપળ ફૂટી – આનંદરાવ લિંગાયત Next »   

15 પ્રતિભાવો : મારા આદરણીય ગુરુજનો ! – મહેશ પ્રજાપતિ

 1. જોરદાર…બહુ મજા આવી…

 2. krishna says:

  હસી હસી ને ફિંડલુ વળી ગયા.

 3. અતુલ જાની (આગંતુક) says:

  હાસ્યલેખ વાંચવાની મજા પડી. ઘણી વાર હૂં હાસ્યલેખને ગંભીરતાથી લઈ લઉ છું. પણ આ વખતે પાકો નિર્ણય કર્યો કે હું હાસ્યલેખને હાસ્યલેખ તરીકે જ માણીશ અને ઍટલે જ મહેશભાઈ નો આ લેખ વાંચવાનો આનંદ આવ્યો.

 4. pragnaju says:

  હાસ્ય લેખક તરીકે પ્રવેશ કરનારા મહેશ પ્રજાપતિએ રમુજી શૈલીથી આદરણીય ગુરુજનોનું સ્મરણ
  કરાવ્યું! પહેલા લેખ માણ્યો પછી પ્રીન્ટ કાઢી બધાને હસાવ્યાં!
  મઝાનો લેખ

 5. Keyur Patel says:

  મનેય શાળા ના મસ્તિભર્યા દિવસો યાદ આવી ગયા. મજા આવી ગઈ……..

 6. ભાવના શુક્લ says:

  મારો એક ગુરુભવ જણાવ્યા વગર નહી રહી શકુ…. 1oth Science મા Maths નો પિરિયડ ડી.કે.મહેતાનો. શૈલી ખુબ જ રસાળ…. ભણવાનો આનંદ પણ આવે. પણ ક્યારેક એવુ થાય કે સર ને પોતાને બીજ ગણીતના કુટ પ્રશ્નો કે ભુમિતિની રાઇડર ભુલ ભુલૈયા જેવી થઇ પડે અને એ મુંઝવણ ઉતરે શર્ટના બટન પર.. સાહેબ એટલુ ગોળ ગોળ ફેરવી કાઢે કે જાણે પૃથ્વિની સાથે હોડ કરીને આજે ને આજે સુર્ય ફરતે એક ચક્ર પુરુ કરીલે બિચારૂ બટન્.. અંતમા બે કે ત્રણ ટૂકડામ ભોય ગ્રસ્ત થાય. પછી સરતો બિચારા એક ટાંકણી લગાડીને ફર્યા કરે. પણ અમને મજા પડી જાય. રોજ પિરિયડ આવે અને જો સરના શર્ટમા બે કરતા વધુ ટાંકણીઓ પ્રથમથી જ દ્રશ્ય થાય તો મોનીટરની નોટ ફરે વર્ગમા (છુપી રીતે સ્તો..) ” આજે સરને કોઇ નવો પ્રશ્ન પુછવાનો નથી કોઇ એ…..”
  Fishpond ના પ્રોગ્રામમા પણ સરને એક કાર્ડ આપેલુ લખીને કે “હવે પછીના ૧૦૦ પ્રશ્નોની અગમ તૈયારી રુપે સપ્રેમ ભેટ…..” સાથે એક મોટા ટાંકણીના બોક્સને ગિફ્ટ રેપ કરીને…

  કેટલા નિર્દોષ હતા એ દિવસો આ હા!!!!!

 7. nayan panchal says:

  લેખનુ શીર્ષક વાંચીને મને લાગ્યુ કે આ તો કોઈ સિરિયસ લેખ હશે. મને થયુ ચાલો ગુરૂપૂર્ણિમા નિમિત્તે વાંચી લઈએ.

  વાંચવાનુ ચાલુ કર્યુ તો હસી હસીને હાલત ખરાબ થઈ ગઈ. ખૂબ જ રમૂજી લેખ.

  મજા આવી ગઈ, સાથે સ્કૂલના દિવસોની યાદ તાજી થઈ ગઈ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.