કૂંપળ ફૂટી – આનંદરાવ લિંગાયત

[ આ કૃતિ લેખક શ્રી આનંદરાવભાઈ (લોસ એન્જલીસ, અમેરીકા) દ્વારા લિખિત પુસ્તક ‘કંકુ ખર્યું’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે. આ વિશિષ્ટ પ્રકારના પુસ્તકમાં લેખકે અમેરીકામાં રહીને ત્યાં વસતા ગુજરાતીઓને લગતી એટલે કે ઈન્ડો-અમેરીકન જીવનને સ્પર્શતી ટુંકી વાર્તાઓ રજૂ કરી છે. પુસ્તકની વધુ વિગત માટે પ્રકાશન સંસ્થા : Sangam Publications and Producations. c/o 4914 Crenshaw Blvd. Los Angeles, CA 90043 નો સંપર્ક કરવો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી વલ્લભભાઈ ભક્તનો (કેલેફોર્નિયા) ખૂબ ખૂબ આભાર.]

બાની તબીયત દિવસે દિવસે વધારે ને વધારે બગડતી જતી હતી. હોસ્પીટલના ત્રીજા માળે પ્રાઈવેટ રૂમમાં એમને રાખ્યાં હતાં. બાની દવાદારૂમાં કે સારવારમાં મેં ક્યાંય કશી કચાશ રહેવા દીધી નહોતી. સારવાર કરનાર ડૉક્ટરોની ટીમમાં એક તો મારો બાળપણનો દોસ્ત અરુણ હતો. અમે એક જ ગામના. એક જ ફળિયામાં સાથે રમતા રમતા અમે ઉછરેલા અને નાનપણથી જ સાથે ભણતા આવેલા. પરીક્ષાઓ વખતે રાત્રે એક બીજાને ઘેર વાંચવાનું, સૂવાનું, ખાવાપીવાનું, માબાપને ઠપકો અને ક્યારેક થોડો માર ખાવાનું… આ બધું અમે સાથે જ કરતા આવેલા. ડ્યુટી ઉપર ન હોય તો પણ અરુણ ખાસ બા પાસે આવીને બેસતો અને જાત જાતની વાતો કરી એમનું મન બહેલાવતો. અમારા કુટુંબનું એક જણ તો હંમેશાં બા પાસે રહેતું જ.

એન્ડી પણ એની અનુકૂળતાએ અચૂક રોજ આંટો મારીને બાની ખબર કાઢી જતો. આજે ડૉક્ટરોએ આશા છોડી દીધી હતી. બાના છેલ્લા શ્વાસ ચાલતા હતા. ઘડીઓ ગણાતી હતી. અરુણે બાની ગંભીર હાલત વિષે મને ઑફિસમાં ફોન કર્યો અને તરત હોસ્પીટલમાં પહોંચી જવા કહ્યું. આ એમની અંતિમ ઘડીઓ છે એમ એણે મને જણાવી દીધું. હું દોડતો હોસ્પીટલે પહોંચી ગયો અને ત્યાંથી જ ફોન કરીને મેં મારી પત્ની, મારી બહેન તથા બનેવી અને મારા બે ભાઈઓને હોસ્પીટલમાં બોલાવી લીધા. અમે બધાં બાની પથારીની આસપાસ ઘેરાઈ વળ્યાં. અરુણ તો ત્યાં હતો જ. હું બાના ઓશિકે બેસી એમના માથા ઉપર હાથ ફેરવવા લાગ્યો. બા વચમાં વચમાં આંખ ખોલીને અમને સૌને જોઈ લેતાં. અમને બધાંને એમની પથારી પાસે હાજર થઈ ગયેલાં જોઈને એમના મોઢા ઉપર પરમ સંતોષનું આછું સ્મિત આવી જતું. કાંઈક કહેવું હોય એમ વારંવાર મોં ખોલી બોલવા પ્રયત્ન કરતાં. પણ ગળામાંથી અવાજ નીકળી શકતો નહોતો.
 

હોસ્પીટલમાં દાખલ થવા બા તૈયાર થતાં નહોતાં. મેં જેમ તેમ એમને મનાવેલાં. છેલ્લાં ત્રણેક વર્ષથી બા વધારે લથડી ગયાં હતાં. બાની ઉમ્મર પણ હવે અંદાજે અડસઠ વર્ષની થઈ ગઈ હતી. એમને એમની જન્મતારીખ કે તિથિ વગેરેની કાંઈ જ ખબર નહોતી. હૃદયની નબળાઈ ને લીધે થોડાં વધારે નંખાઈ ગયાં હતાં. ડોક્ટરોએ ખુલ્લી હવામાં રોજ બે-ત્રણ બ્લોક જેટલું, ધીમે ધીમે ચાલવાનું કહેલું એટલે હું અને બા રોજ સવારે નિયમિત રીતે થોડું ચાલી આવતાં. બા મારી પાસે અહીં અમેરિકામાં છેલ્લા ચૌદ વર્ષથી રહેતાં હતાં. મારી પત્ની પણ ફુલ ટાઈમ જોબ કરતી હોવાથી અમારાં બાળકોની સાચવણી માટે બા આશિર્વાદ રૂપ થઈ પડેલાં. બેબી-સીટીંગનો ખર્ચ બચ્યો એવું હું નથી કહેવા માગતો, પણ અમારાં બાળકોને જન્મથી જ દાદીમાનો ખોળો ખૂંદવા મળ્યો, દાદીમાનું વ્હાલ મળ્યું, લાડ પ્યાર મળ્યાં અને તે પણ અહીં અમેરીકામાં !! કેટલાં બાળકોના નસીબમાં આ પ્રકારનું સુખ લખ્યું હોય છે !

રોજ સવારે અમારાં બંને બાળકો બાની રૂમમાં જઈને બેસતાં. અને જે પૂજા પાઠ તથા આરતી વગેરે બા કરતાં એ ધ્યાનથી જોતાં. બાનો બધો વિધિ પૂરો થાય ત્યાં સુધી ધીરજ રાખીને શાંતિથી બેસતાં. પૂજા વખતે બા જે કાંઈ શ્લોકો વગેરે બોલતાં એ પણ એ લોકો સાથે બોલવા પ્રયત્ન કરતાં. બનવા જોગ છે કે રોજ સવારમાં પૂજામાં અચૂક હાજરી આપવાનું એમનું મુખ્ય આકર્ષણ પુજા-પાઠ પત્યા પછી પ્રસાદ તરીકે મળતો મોટો લાડુ પણ હોય ! જે હોય તે. પણ ઘરમાં રોજની પૂજા, આરતી, પ્રસાદ જેવા નીતિનિયમો અને કર્મકાંડથી બા ઘરને સુવાસિત રાખતાં. એકાદશી, પૂનમ અને એવા બીજા નાના મોટા વાર તહેવારોની યાદ બા જ રાખતાં. આ તહેવારોની ઉજવણી નિમિત્તે ઘરમાં અવારનવાર રંધાતા ફરાળી ખોરાકને લીધે ઉત્સવનું વાતાવરણ રહેતું. નાની નાની પૌરાણિક વાર્તાઓ અને બીજી ધાર્મિક બાબતો અમારાં બાળકો બા પાસેથી જ શીખતાં રહેતાં. બાની હાજરીનો એક મોટો ફાયદો ગુજરાતી ભાષાનો પણ ખરો. છોકરાં નિશાળે જતાં થયાં ત્યારથી તો ઘરમાં અંગ્રેજી જ વધારે બોલતાં થઈ ગયેલાં, પણ બાને લીધે એમનું ગુજરાતી બોલવાનું ટકી રહેલું કારણ કે બા અંગ્રેજી બોલી કે સમજી શકતાં નહીં. ધીમે ધીમે પછી થોડું ઉલ્ટું બનવા માંડેલું. છોકરાંઓને લીધે બા થોડું થોડું, ભાંગ્યુ તૂટ્યું અંગ્રેજી બોલતાં અને સમજતાં થઈ ગયેલાં. તેમ છતાં છોકરાંઓને એ ગુજરાતી ભૂલવા દેતાં નહીં. આમ તો બાએ નિશાળનું મોઢું પણ જોયું હશે કે નહીં એ મને ખબર નથી પરંતુ અમારાં બાળકો માટે તો એ સંસ્કારની જીવંત યુનિર્વસીટી હતાં.

બાપુજીના ગુજરી ગયા પછી તરત હું એમને અહીં અમેરિકા મારી પાસે લઈ આવેલો. નાનો હતો અને અમારા નાના ગામડાની પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે બાની અંગત જિંદગી વિષે કાંઈ જ ખ્યાલ નહોતો. એ સમજવાની મારી ઉમ્મર પણ નહોતી. પરંતુ આજે બાની એ અંગત જિંદગી વિશે વિચારું છું તો હૃદયમાં જાણે એક તીરાડ પડી જાય છે.

મારા પિતાજી સરકારી નોકર હતા. એમનો હોદ્દો શું હતો એ તો મને અત્યારે કાંઈ યાદ નથી. ગામડાની રૂઢી ચુસ્ત અને પુરુષવર્ચસ્વવાળા કુટુંબમાં એ ઉછરેલા. સ્ત્રી એટલે પગનું ખાસડું…. એક મરી જાય તો પરણીને બીજી તરત લઈ અવાય એવું ગૌરવથી માનવાવાળું એમનું કુટુંબ. પિતાજી થોડું ભણેલા અને એમાં પાછી સરકારી નોકરી મળી ગયેલી એટલે એ હવામાં અદ્ધર ચાલતા. મિજાજે બહુ ગરમ અને ભયંકર ગુસ્સાવાળા. હું એમનો દીકરો હતો છતાં એમની સાથે બોલતાં કે વાત કરતાં બહુ ગભરાતો. બાની પણ એ જ હાલત હતી. એ પણ એમનાથી હંમેશાં ડરતાં, ધ્રૂજતાં અને ફફડતાં રહેતાં. પત્ની એટલે જીવનસાથી, સુખ દુ:ખની વાતો કરવા માટેનું ભાગીદાર પાત્ર, સુખ દુ:ખના સંજોગોમાં સદાય સાથે રહેનારું પોતાનું પ્રિય પાત્ર….. એવું કશું પિતાજીએ કદી માન્યું હોય એવું મને નથી લાગતું. એમને મન તો પત્ની એટલે ‘બૈરુ’… ઘરમાં વગર પૈસે વૈતરું કરવા માટે સામાજીક વિધિસર ઢસરડી લાવવામાં આવેલું પાત્ર. પોતે ઘરમાં પગ મૂકે એટલે ખડે પગે પોતાના બધા હુકમ ઝીલનાર એક ગુલામડી… એ જ એમને મન બાની કિંમત હતી.

બાનો ઉછેર પણ ક્દાચ નાનપણથી એ જ રીતનો થયો હશે…. છોકરીની જાતને વળી નિશાળમાં જઈને ભણવાની જરૂર શી ?!! ક્યાં નોકરી કરવા જવાનું છે !…. પતિને તાબે રહી પતિ કહે એમ કર્યા કરવાનું એજ સ્ત્રીનો ધર્મ છે… પતિ એ જ પરમેશ્વર…. આ પ્રકારના સંસ્કારો બાને ગળથૂથીમાં જ આપવામાં આવ્યા હશે. જે હોય તે. પણ બાએ તો બાપુજીનો કડક તાપ, ત્રાસ અને અપમાન ડગલે ને પગલે મૂંગે મોઢે જીવનભર સહ્યા કર્યા હતાં. ગામડાના અમારા એ નાનકડા ઘર સિવાય બાએ બહારની દુનિયા જોઈ નહોતી. મને નથી યાદ કે બાપુજી કોઈ દિવસ બાને સાથે લઈને કોઈ સગાંસંબંધીને ત્યાં કે કોઈ સામાજીક મેળાવડામાં કે કોઈ મનોરંજનના સ્થળે ગયા હોય. ઉલટાનું બાનું અપમાન, તિરસ્કાર અને અવગણના થયાના કેટલાય પ્રસંગ મારી આંખ આગળ તરી આવે છે.

એક વખત… રાતના આઠ-નવ વાગ્યા હશે. આખો દિવસ કપડાં, વાસણ, કચરો, પોતાં, રસોઈ અને અમારી બે ભેંસોની સરભરા કરીને થાકીને લોથ થયેલી બાપુજીની વાટ જોતી એ જરા આડી થઈ હતી. નીચે જમીન ઉપર જ, કોણીનું ઉશીકું કરીને તે સૂતી હતી. હજુ જમી પણ નહોતી. એ કદી બાપુજી પહેલાં જમતી નહીં. ગમે એટલું મોડું થયું હોય તો પણ એ એમની વાટ જોઈને બેસી રહેતી. બાપુજી પ્રત્યેનો એનો આ પ્રેમ હતો કે બાપુજીની બીક હતી કે પછી એક જાતનો ક્રૂર રિવાજ હતો… એ મને ત્યારે કશું સમજાતું નહોતું. થોડીવારમાં બાપુજી આવ્યા. એમની સાથે એમના ત્રણ-ચાર મિત્રો હતા. બધાંને જોઈને બા એકદમ ઊભી થઈ ગઈ. બાજુમાં પડેલો ખાટલો ઢાળીને એના ઉપર એણે શેતરંજી પાથરી અને માથે ઓઢીને ઘરમાં ચાલી ગઈ. બધા ખાટલા પર બેઠા. બા અંદર બેઠી બેઠી બાપુજીના હુકમની રાહ જોવા લાગી. આ બધા માટે માત્ર ચા-પાણી જ કરવાનાં હશે કે પૂરી રસોઈ કરી બધાને જમાડવાના હશે ! જો બધાને જમાડવાના હશે તો પાંચ જણાની રસોઈ કરવા માટે ફરી ચૂલો સળગાવવા જેટલી તાકાત હવે આ થાકેલા શરીરમાં પોતે ક્યાંથી લાવશે! ચિંતાથી ફફડતી એ બાપુજીના હુકમની અદ્ધર શ્વાસે રાહ જોવા લાગી. અને થયું પણ એવું જ.
‘સાંભળે છે ?’ બાપુજીએ બાને સંબોધી હુકમ કર્યો, ‘આ મહેમાનો માટે થોડી રોટલી અને દાળ ભાત બનાવી નાખ. શાક માટે આ થેલીમાં હું રીંગણાં લેતો આવ્યો છું.’

એક અક્ષર પણ બોલ્યા સિવાય, ચૂપચાપ આવીને બા ખાટલા પાસે પડેલી રીંગણાની થેલી લઈ ગઈ. બા હુકમ ઝીલવા જ ટેવાયેલી હતી. એને કદી સામે દલીલ કરતાં આવડતી નહોતી. અને બાપુજી સામે દલીલ થઈ શકતી પણ નહીં. એ તરત જ ઉકળી ઉઠતા. બાપુજી માટે બનાવી રાખેલી ખીચડી બાજુમાં મૂકી એણે ફૂંકો મારી મારીને, લાકડાં સંકોરી સંકોરીને, ફરી ચૂલો સળગાવ્યો. માઈક્રોવેવ ઓવન કે ઈલેકટ્રોનિક ગેસનો ચૂલો બા પાસે નહોતો. લાકડાનો ધૂમાડિયો એ ચૂલો જ એની ઉત્તમ સગવડ હતી. એકલા હાથે એણે એટલા દાળ-ચોખા વીણ્યા, શાક સમાર્યું, રોટલીનો લોટ બાંધ્યો, અને એ ચૂલાના ધૂમાડાથી આંખમાં આવતું પાણી લૂછતાં લૂછતાં પાંચ જણાની રસોઈ કરી બધાંને જમાડ્યાં. પાછાં એ ઢગલો વાસણો એકલા હાથે માંજ્યાં. અને છેવટે થાકીને તૂટી ગયેલા એ શરીરને એણે બાજુમાં પડેલી શેતરંજીમાં નાખ્યું, અને ઊંઘી ગઈ. હું ત્યાં જ સામે બેઠો બેઠો, ફાનસના અજવાળે મારું હોમ-વર્ક કરી રહ્યો હતો. પણ મને એ વખતે એમ ના સૂઝ્યું કે હું બાને થોડી મદદ કરું. છોકરો હોવાને કારણે બા મને કદાચ ‘બૈરાં’ ના એ કામમાં મદદ કરવા પણ ન દેત. વળી, મને એવું કામ કરતો જોઈને બાપુજી તો મારી ઉપર અને બા ઉપર તૂટી જ પડત.

બીજો પણ એક પ્રસંગ યાદ આવે છે. એક વખત, એક જૂનું તપેલું માંજતાં બાની હથેળી કપાઈ ગઈ. ઘા ઘણો ઊંડો હતો. લોહી ખૂબ જતું હતું. બાજુવાળાં જમનાબેન આવ્યાં. એમણે એક જૂના ઓશિકામાંથી થોડું રૂ કાઢીને બાળ્યું અને ઘા ઉપર દાબી એક જૂના ચિંથરાનો પાટો બાંધી દીધો. લોહી બંધ થયું અને બા રાબેતા મુજબ પાછી કામે લાગી ગઈ. સાંજે બાપુજી આવ્યા. એમણે બાના હાથનો પાટો જોયો. ‘જરા સરખી રીતે.. ચિત પરોવીને કામ કરતી જા. ઊભો ડોયો રાખીને કામ ના થાય સમજી ?’ બાપુજી બા ઉપર ઘૂરક્યા. પહેરણ અને ટોપી ખીંટીએ લટકાવી, બાએ મૂકેલા પાટલ ઉપર એ જમવા બેસી ગયા. બા ચૂપચાપ પીરસતી રહી. હાથે કેમ કરતાં વાગ્યું ? ઘા કેટલો ઊંડો છે ? હવે દુ:ખાવો કેમ છે ? અથવા શું ચોપડ્યું છે ?… એવા કોઈ પ્રકારના મમતા કે સહાનુભૂતિ ભર્યા શબ્દો બાપુજીના મોઢામાંથી નીકળ્યા નહોતા. જમીને એ સીધ્ધા પથારી ભેગા થઈ ગયેલા.

અહીં અમેરિકા મારી પાસે આવ્યા પછી એ ધૂમાડિયો ચૂલો અને શરીર તોડી નાખે એવા એ કામમાંથી બાને રાહત મળી. અહીંનું સારું હવામાન, સારો ખોરાક અને પૂરતા આરામથી બાના શરીર ઉપર જાણે નવું તેજ આવવા માંડ્યું હતું. હવે બાને કોઈ પ્રકારનો ત્રાસ ન થાય એ રીતે એને આનંદમાં રાખવા હું પૂરો પ્રયત્ન કરતો. મારું નસીબ સારું કે મારી પત્ની પણ બાને એની ‘સાસુ’ ન ગણતાં પોતાની ‘મા’ જેવો સંબંધ રાખે છે. એ બંને વચ્ચેના ગાઢ સંબંધથી તો કેટલીક વાર હું એકલો પડી જાઉં છું. એ બંનેનું સંગઠ્ઠન જબરું છે. ઘરના વ્યવહારની બાબતમાં કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે મારું એ બંને આગળ કાંઈ ચાલતું નથી. છોકરાં પણ એમનાં જ પક્ષમાં હોય છે. હું તદ્દન એકલો પડી જાઉં છું…. જવા દો એ વાત. બધું હોવા છતાં, ઊંડે ઊંડે, એક જાતનું પરાવલંબન અથવા ઓશિયાળાપણું બા અનુભવતાં હોય એવું મને લાગતું. એ વિષે એ કદી કશું બોલતાં નહીં કે ફરિયાદ કરતાં નહીં. પણ હું સમજી શકતો હતો. મારી કે મારી પત્નીની અનુકૂળતા હોય ત્યારે જ એમને ઘરની બહાર નીકળવા મળતું. અમારી અનુકૂળતા પ્રમાણે જ એમને અમારી સાથે આવવું પડતું અથવા ઘેર રહેવું પડતું. આડોશી પાડોશી સાથે કોઈ પણ પ્રકારની બોલચાલ વિના, જેલ જેવા એ ઘરના એકાન્તમાં એમને આખો દિવસ પૂરાઈ રહેવું પડતું. એમના મનની ઈચ્છા પ્રમાણે, સ્વતંત્ર રીતે, કાંઈ પણ કરવાની તક જીવનમાં ક્યારેય… કદી પણ એમને મળી નહોતી. બાને પોતાને, એમની આગવી અને સ્વતંત્ર ઈચ્છાઓ હોઈ શકે એવી કલ્પના પણ એ વખતે મને નહોતી.

છેલ્લાં ત્રણેક વર્ષથી આર્થરાઈટીસ અને હૃદયની નબળાઈએ બાને વધારે ઢીલાં કરી નાખ્યાં હતાં. ઘરમાં રસોઈ જેવું કામ પણ હવે એમનાથી થઈ શકતું નહોતું એટલે એ ખૂબ લાચારી અનુભવ્યા કરતાં. ડોકટરોએ રોજ સવારે થોડું થોડું ચાલવાનું કહેલું એટલે હું નિયમિત સવારે એમને ફરવા લઈ જતો. ક્યારેક મારો હાથ પકડીને તો ક્યારેક મારા ખભાનો ટેકો લઈ બા ધીમે ધીમે ચાલતાં. રોજ ત્રણેક બ્લોક ચાલીને અમે અમારી નક્કી કરેલી જગ્યાએથી પાછા ફરી જતાં. અમારી સ્ટ્રીટ ઉપર રહેતો એન્ડી અમને રોજ સામે મળતો. એ જૉગીંગ કરતો.
‘Good morning Dave… Good morning Chhampa…’ કહીને એ ક્યાંય આગળ નીકળી જતો. દેવેન્દ્રમાંથી મને ડેવ અને બાને ચંપામાંથી છંપા એ કહેતો. એની ઉમ્મર લગભગ સીત્તેરની આસપાસ હશે. પણ એની તંદુરસ્તી અને સ્ફૂર્તિ જુવાનને પણ શરમાવે એવી હતી. એ રિટાયર્ડ સરકારી અમલદાર હતો. અમારી બાજુના શ્રીમંત લતામાં એક નાનું લગઝરી કંન્ડોમીનીયમ લઈ, પોતે એકલો આરામનું નિવૃત્ત જીવન જીવતો હતો. એનાં છોકરાંઓ ભણી ગણીને ઠેકાણે લાગી ગયાં હતાં. પૈસે ટકે એને કશી કમી હોય એવું લાગતું નહોતું. પત્ની ગુજરી ગયાને દસેક વર્ષ થઈ ગયાં હતાં એટલે એનો મોટા ભાગનો સમય માનવતાનું કામ કરતી જુદી જુદી સંસ્થાઓમાં સેવા આપવામાં જતો.

બાનો અને મારો સવારે ચાલવા જવાનો આ કાર્યક્રમ એકાદ મહિનો બરાબ ઘડિયાળના કાંટે ચાલ્યો. ત્યાં… અચાનક મારી કંપનીના કામે મારે બે-ત્રણ અઠવાડિયાં માટે શિકાગો જવાનું થયું. બાનો ચાલવાનો ક્રમ તૂટી જશે એ વિચારથી હું નિરાશ થયો અને મનમાં થોડો દુ:ખી પણ થયો. પરંતુ ગયા વગર મારો છૂટકો નહોતો એટલે હું શિકાગો જવા નીકળી ગયો.

બાનું મનોબળ આટલું પાકું હશે એની મને ખબર નહોતી. ચાલવા જવાનો નિયમ એમને તોડવો નહોતો એટલે બીજા દિવસે સવારે, મારા સિવાય, એકલાં એ ચાલવા નીકળી પડેલાં. થોડું ચાલ્યાં હશે ત્યાં થાક લાગ્યો. એટલે થોડો શ્વાસ લેવા એક ઝાડના થડને અઢેલીને ઊભા રહ્યાં.
‘Good morning chhampa’ એન્ડી સામેથી દોડતો સડસડાટ પસાર થઈ ગયો. થોડી વારે એને જાણે કાંઈક ખ્યાલ આવ્યો અને એ તરત પાછો આવ્યો.
‘Champa… where is Dave ? are you alone ?’
‘Yes… Dave…. Chicago..’ એન્ડી શું પૂછે તે બા સમજી ગયાં અને એમણે અંગ્રેજીમાં ભાંગ્યો તૂટ્યો જવાબ પણ આપ્યો.
‘OK… come with me…’ એન્ડીએ બહુ નાજુકાઈથી બાનો હાથ પકડ્યો. જાણે પ્રેમથી હિંમ્મત આપતો હોય કે ‘ગભરાઈશ નહીં… હું છું…’ એમ બાનો હાથ પકડી આગળ વધવા હિમ્મત અને પ્રોત્સાહન આપવા લાગ્યો. કોઈ પરપુરુષનો સ્પર્શ આજ સુધી બાને થયો નહોતો. એન્ડીએ આમ એકાએક હાથ પકડ્યો એટલે એન્ડીના આ સ્પર્શથી બા કેટલાં મૂંઝાયાં હશે અને એમને કેટલો સંકોચ થયો હશે એ હું કલ્પી શકું છું. આસપાસ કોઈ જોશે તો શું કહેશે એવી બીક પણ એમને લાગી હશે. તેમ છતાં એન્ડીના સહારે એ આગળ વધેલાં.
‘એન્ડી… back….’ અમે જ્યાંથી રોજ પાછા ફરતાં એ જગા આવી એટલે બાએ ઈશારો કરી એન્ડીને પાછા ફરવા કહેલું.
‘No….No… Chhampa…. You can do it… let’s walk a little more… you can do it… come on…’ ધીમે ધીમે અતિ પ્રેમથી બાનો હાથ પકડી એન્ડી બાને આગળ વધવા હિમ્મત આપ્યે જતો હતો. વાત્સલ્ય ભર્યા આગ્રહથી એ બાને થોડું વધારે આગળ ચલાવી હેલ્થ-ફૂડની એક નાનકડી દુકાનમાં લઈ ગયો. કાચનું બારણું ખોલી, અંદર બાને એક ખુરશી ઉપર કાળજીથી બેસાડી પોતે કાઉન્ટર ઉપર ગયો.

‘Here Chhampa… This is good for you….. Drink it…’ ટેબલ ઉપર તાજા ગાજરના રસના બે ગ્લાસ એન્ડીએ મૂક્યા અને ખુરશી ખેંચી પોતે સામે ગોઠવાયો. તાજા ગાજરનો એ રસ બાએ આરામથી પીધો. એમને ભાવ્યો પણ ખરો. રસ પીધા પછી એન્ડીએ બાને હળવેથી ખુરશીમાંથી ઊભા કર્યાં, બારણું ધકેલીને બા સલામત રીતે બહાર નીકળી ગયાં ત્યાં સુધી પકડી રાખ્યું.
‘OK… Chhampa. I will see you tomorrow…’ એન્ડી બાને અમારા ઘરના બારણા સુધી હાથ પકડીને મૂકી ગયેલો. એન્ડી સાથેનો આ અનુભવ બાના જૂનવાણી મગજને ખૂબ મુંઝવતો હશે. જિંદગી આથમવાની તૈયારીમાં છે ત્યાં આ રીતનો, પર-પુરુષનો સંગ બરાબર નહીં…. આ રીતનો પર-પુરુષનો સ્પર્શ પણ બરાબર નહીં… આવા અસંખ્ય વિચારોએ બાનું મગજ કોરી ખાધું હશે એની મને ખાત્રી છે. છતાં બાએ એનો વિરોધ પણ કર્યો નહોતો. જીવનભર, એક પુરુષ તરફથી સતત પડેલા અસંખ્ય દુ:ખદ ઘા ઉપર એન્ડીના સ્પર્શથી મમતાનો મલમ ચોપડાતો હોય એવો કાંઈક અનુભવ એમને કદાચ થતો હશે.

ત્રણેક અઠવાડિયાના શિકાગોના રોકાણ પછી હું ઘેર આવ્યો. આખો વખત બા એન્ડીની મદદથી ચાલવા જતાં હતાં એની મને ખબર નહોતી. બહુ દિવસે મારી પોતાની પથારી મળી હોવાથી રાત્રે હું ઘસઘસાટ ઊંઘી ગયો. સવારે બાના રૂમના ક્લોઝેટનું બારણું ખોલ-બંધ થવાના અવાજથી હું સફાળો જાગ્યો અને બાને ફરવા લઈ જવાનું એકદમ યાદ આવ્યું. તરત પથારી છોડી હું બહાર આવ્યો. સ્વેટર અને શાલ ઓઢીને બા તૈયાર હતાં.
‘બા, મને થોડો વહેલો કેમ ના ઊઠાડ્યો ?’ મેં કહ્યું.
‘બેટા, તું સૂઈ રહે. હું એન્ડી સાથે જાઉં છું. એ બહાર મારી રાહ જોતા હશે.’ બાએ બારણું ખોલ્યું. એન્ડી બહાર side walk ઉપર બાની રાહ જોતો ઊભો હતો. મને જોતાં એણે હાથ હલાવ્યો. મેં પણ બારણામાંથી સામે હાથ હલાવ્યો.

બા….! એન્ડી સાથે… !
મને બહુ નવાઈ લાગી પણ હું કાંઈ બોલ્યો નહીં. બા બહાર નીકળ્યાં એટલે ચૂપચાપ બારણું બંધ કરી હું પાછો આવી પથારીમાં લપાઈ ગયો. ઊંઘ તો હવે ક્યાંથી આવે ? એ જ દિવસ સાંજે એન્ડી પાછો આવ્યો. એણે સૂટ-બૂટ પહેરેલાં હતાં.
‘Hi… Dave… how was your trip ?’
‘It was all right… please have a seat’ મેં વિવેક કરી એને સોફા ઉપર બેસવા કહ્યું.
‘Where is Chhampa ? If you don’t mind I am taking her to play Bingo at our church…’ સોફા ઉપર બેસતાં એણે પૂછ્યું…. હું એને શું જવાબ આપું ? એન્ડી આવ્યાના ખબર આપવા હું બાના રૂમમાં ગયો. પથારીમાં બેઠાં બેઠાં બા માળા કરતાં હતાં. હું કાંઈ પૂછું તે પહેલાં બાએ હકારાત્મક ડોકું હલાવ્યું અને જાણે કહેતાં હોય કે ‘મને ખબર છે એન્ડી આવ્યા છે… થોડીવારમાં હું બહાર આવું છું.’ એવો ઈશારો કર્યો. બંને આંખોએ માળાનો સ્પર્શ કરી માળા બાજુના ટેબલ ઉપર મૂકી, પછી લાકડીના ટેકે ધીમે ધીમે ઊભાં થઈ, એન્ડીને મળવા એ બહાર લીવીંગ રૂમમાં આવ્યાં.
‘Chhampa, ready ?’ બા લીવીંગ રૂમમાં આવ્યાં કે તરત, એન્ડીએ ઊભા થઈને બાને માન આપ્યું. બાને કદાચ પહેલી વાર કોઈ પુરુષ તરફથી આટલું માન મળ્યું હશે. બાએ આછું સ્મિત કર્યું અને હકારાત્મક ડોકું હલાવ્યું.

મને તો બાનું આ વર્તન સમજાતું નહોતું. મારે માટે આ બધું એક મોટા પ્રશ્નાર્થ જેવું – એક મોટા કોયડા જેવું થઈ પડ્યું હતું. કોણ જાણે કેમ, પણ મારી પત્ની આ બીન્ગો રમવા જવાની વાતથી બહુ ઉત્સાહિત… ખૂબ excite… થઈ ગઈ હતી. એનો હરખ માતો ન્હોતો. એ બાને અમારા બેડરૂમમાં લઈ ગઈ. બાને પરાણે નવી સાડી અને નવું બ્લાઉઝ પહેરાવ્યું. નવી નકોર શાલ કાઢીને ખભે ઓઢાઢી અને લીવીંગ રૂમમાં લાવી ! મારું વોલેટ કાઢીને બિન્ગો રમવા હું બાને પૈસા આપવા લાગ્યો.
‘No…No… Dave… I will take care of that.’ એન્ડીએ મને પૈસા ન આપવા દીધા.

મેં બારણું ખોલ્યું. એન્ડીએ સાચવીને બાને બહાર કાઢ્યાં. એન્ડીના ટેકે ધીમે ધીમે બા એન્ડીની ગાડી સુધી પહોંચ્યાં. ક્યાં બાની કાચબા જેવી ધીમી ગતિ અને ક્યાં એન્ડીની સ્ફૂર્તિ ! એન્ડીને જરૂર અકળામણ થતી હોવી જોઈએ. છતાં બા પ્રત્યેની એની ધીરજ ગજબની હતી. એન્ડીએ ગાડીનું બારણું ખોલ્યું. બાને અંદર બેસાડ્યાં. બરાબર કાળજીથી બાના બંને પગ સાચવીને અંદર ગોઠવ્યા. સાડીનો છેડો બહાર લટકતો હતો એ પણ અંદર કર્યો અને સાચવીને બારણું બંધ કર્યું. પછી દોડીને પોતાનું બારણું ખોલ્યું અને અંદર ગોઠવાઈ ગાડી સ્ટાર્ટ કરી. ગાડી દેખાતી બંધ થઈ ત્યાં સુધી મેં અને મારી પત્નીએ બાને ‘આવજો’ કહેતા હાથ હલાવ્યા કર્યા. જેવી ગાડી દેખાતી બંધ થઈ કે તરત અમે એકબીજા સામે જોયું અને થોડું હસી પડ્યાં…. ખરી જોડી !

બીન્ગોની રમત પૂરી થયા પછી એન્ડી બાને પોતાને ઘેર લઈ ગયેલો. એણે બા માટે સ્વાદિષ્ટ શાકાહારી સેન્ડવીચ બનાવી. પીવા માટે ગરમ દૂધમાં ઓવલટીન નાખી મોટો ગ્લાસ ભરી આપ્યો. દૂધ અને સેન્ડવીચથી બા ધરાઈ ગયાં. દૂધનો ગ્લાસ પૂરો કરી બા પોતાની પ્લેટ અને ગ્લાસ સીંકમાં મૂકવા ઊભા થવા પ્રયત્ન કરતાં હતાં ત્યાં એન્ડીએ જ એમના હાથમાંથી એ લઈ લીધાં અને પોતે જ સીંકમાં મૂકી આવ્યો. જે બાએ જિંદગી આખી બીજાઓ માટે રાંધ્યા જ કર્યું હતું અને બીજાઓને પીરસ્યા જ કર્યું હતું એ બાને જ્યારે એન્ડીએ… એક પુરુષે… આમ તૈયાર ભાણું પીરસ્યું હશે ત્યારે એમના મનમાં કેવા ભાવ જાગ્યા હશે એ હું વર્ણવી શકું એમ નથી.

જમાડ્યા બાદ એન્ડી બાને ઘરે મૂકી ગયેલો. પછી તો એન્ડી ઘણી વખત પોતાની ગોલ્ફની રમત, બોલીંગની રમત અને પોતાની સામાજીક સેવાઓની પ્રવૃત્તિઓ જોવા બાને સાથે લઈ જતો. બાને એ બધામાં શું સમજ પડતી હશે એ તો મને ખબર નથી પણ એન્ડીના સહવાસથી એ ખુશ રહેતાં એટલું હું જોઈ શક્યો હતો. એન્ડી તરફથી મળતું માન, લાગણી અને નિ:સ્વાર્થ મિત્રતાથી બાનું મન જાણે તૃપ્ત થતું હતું.

બા કેટલાં નશીબદાર કે આજે એમની આ અંતીમ પળો વખતે અમે બધાં જ ભાંડરડાં એમની પથારીની આસપાસ હાજર હતાં ! હું એમને ઓશિકે બેસી માથા ઉપર હાથ ફેરવી રહ્યો હતો. જાણે કે છેલ્લીવાર અમને બધાંને ધરાઈને જોઈ લેવા તરસતાં હોય એમ વચમાં વચમાં આંખો ખોલી અમારા સૌનાં મોઢાં જોઈ લેતાં. કાંઈક કહેવા માટે વારંવાર હોઠ પણ ફફડાવતાં. પરંતુ અવાજ નીકળી શકતો ન્હોતો. બા કાંઈક કહેવા માગે છે પણ બોલી શકતાં નથી એ પરિસ્થિતિ જોઈને અમને સૌને મૂંઝવણ, અકળામણ અને દુ:ખ થતું હતું. બા શું કહેવા માગતાં હશે ? છેવટે, હતી એટલી શક્તિ ભેગી કરી બાએ બોલવા ભગીરથ પ્રયત્ન કર્યો. આંખો ખોલી. આખા રૂમમાં એક નજર ફેરવી. પછી અમારા તરફ મીડ માંડી. એમનું મોઢું ખૂલ્યું. હોઠ ધીમે ધીમે હાલવા લાગ્યા. બાના આ છેલ્લા અંતિમ શબ્દો સાંભળવા અમારા સૌની ઈન્તેજારી વધી ગઈ. કાન સરવા રાખી, અમે સૌ શાંત થઈ આતુરતાથી બાના શબ્દોની રાહ જોવા લાગ્યાં. એમણે ઓશિકા ઉપરથી માથું સહેજ ઊઠાવ્યું. ફરી આમ તેમ નજર ફેરવવા કોશીષ કરી. પછી તૂટક તૂટક શબ્દો બાના મ્હોમાંથી નીકળ્યા : ‘એ..એ…એ…એન્ડી…ન..ન..નથી…આવ્યા.. હજુ ?…’

આટલું બોલી, એન્ડીને શોધતી બાની આંખો સદાને માટે બંધ થઈ ગઈ. એમની ડોક ઢળી પડી. મૃત્યુની આ ક્ષણ સહન ન થતાં મારી બહેનો એકદમ ચીસ પાડી ઊઠી. મારો નાનો ભાઈ પણ નાના બાળકની જેમ રડી પડ્યો. હું સૌથી મોટો હતો એટલે મેં મારી જાત ઉપર કાબૂ રાખી રડવું અને દુ:ખ ખાળી રાખવા ખૂબ પ્રયત્ન કર્યો. તપીને લાલ થયેલા સળીયાથી કોઈએ ડામ દીધો હોય એવું વેદનાનું શૂળ મારા હૈયામાં ભોંકાયું હતું. એન્ડીને ફોન કરવાનો રહી જાય એવી અક્ષમ્ય ભૂલ મારાથી થઈ જ કેવી રીતે ?! ભીંતમાં માથું પછાડી મારી આ ભૂલનું પ્રાયશ્ચિત કરવાનું મન થઈ આવ્યું. એન્ડીને મળવાની બાની અંતિમ ઈચ્છા પૂરી ન કરી શકવાનો દોષ મને જીવનભર ડંખ્યા કરશે…..

હું મારી બહેનોને શાંત રાખવાની કોશિષ કરતો હતો ત્યાં એન્ડી રૂમમાં પ્રવેશ્યો. એના હાથમાં ફૂલ હતાં. કમનસીબે આજે એ થોડો મોડો પડ્યો હતો. એન્ડીને જોઈને હું મારો કાબૂ ગુમાવી બેઠો. હું ડૂમો ખાળી ન શક્યો. અણીના સમયે એને ફોન ન કરી શકવા બદલ મારી ભૂલની માફી માગતો હોઉં એમ હું એને વળગીને, નાના બાળકની જેમ, છૂટે મોઢે રડી પડ્યો. એન્ડીએ પણ એટલા જ પ્રેમ અને ઉષ્માથી મને છાતી સરસો લગાવ્યો અને વાત્સલ્યથી મારી પીઠ પંપાળી આશ્વાસન આપવા લાગ્યો. શું બની ગયું છે એનો એન્ડીને ખ્યાલ આવી ગયો હતો.

થોડી વારે મને છાતીથી અળગો કરી, ધીમે પગલે એ ચીર નિદ્રામાં પોઢેલાં બાના ખાટલા પાસે ગયો. હળવેથી બાના મોઢા ઉપર ચાદર ઓઢાડી દીધી. હાથમાનું ગુલાબનું ફુલ બાના મૃત દેહ ઉપર મૂકી, ભીની આંખો લૂછતાં, ગળગળા અવાજે બોલ્યો,
‘Chhampa, this time you walked faster and left me behid…..’

(આ વાર્તા ગુજરાતી, મરાઠી, કન્નડ, હિન્દી અને મલયાલમ ભાષાનાં પ્રતિષ્ઠિત સામાયિકોમાં પ્રકાશિત થઈ ચૂકી છે.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારા આદરણીય ગુરુજનો ! – મહેશ પ્રજાપતિ
જીવનમાંથી હું શું શીખ્યો ? – સુરેશ દલાલ Next »   

43 પ્રતિભાવો : કૂંપળ ફૂટી – આનંદરાવ લિંગાયત

 1. વાંચતાંવાંચતાં આંખોમાં શ્રાવણ ભાદરવો વરસ્યા,

 2. કલ્પેશ says:

  દરેક પેઢીએ વિચારો બદલાય છે. સ્ત્રીઓને સમાજમા એમનુ સ્થાન મળે અને આપણે એમને એક બીજી જાતિ તરીકે જોવા કરતા આપણા સમકક્ષ જોઈએ, તેનુ શિક્ષણ બાળપણથી જ મળે એ સારુ

  “આ તો બયરાઓનુ કામ છે મારુ નહિ” – સમાજમાથી આ માન્યતા કાઢીએ તો સારુ.
  શરુઆત આપણા ઘરથી જ કરવી રહી.

 3. અતુલ જાની (આગંતુક) says:

  બે સંસ્કૃતિના મિલનથી આવા અવનવા ચમત્કારો સર્જાઈ રહ્યાં છે. પૂર્વ અને પશ્ચિમ બંને પાસે હકારાત્મક અને નકારાત્મક સંસ્કારોનો વૈવિધ્યસભર ખજાનો ભરેલો છે. બંને સંસ્કૃતિના હકારાત્મક સંસ્કારોનો સમન્વય કરીને એક નુત્તન જોમવંતી સંસ્કૃતિ ઉભી કરવાની અત્યારે તક છે. પણ હા નકારાત્મક બાબતોથી સાવધાન રહેવાની પણ એટલીજ આવશ્યકતા છે.

  આનંદરાવ લિંગાયતની કલમનો જાદૂ હ્રદયને સ્પર્શી ગયો. આ લેખકની અન્ય કૃતિઓ પણ વાંચવા મળશે તો આનંદ થશે.

 4. Ami says:

  આજ સુધીમાં મુકવામાં આવેલી ઉત્ત્મ રચનાઓમાંની એક.

 5. Paresh says:

  ખુબ જ સુંદર.
  અતુલભાઈની વાત સાચી છે કે “બંને સંસ્કૃતિના હકારાત્મક સંસ્કારોનો સમન્વય કરીને એક નુત્તન જોમવંતી સંસ્કૃતિ ઉભી કરવાની અત્યારે તક છે.”
  શ્રી આનંદરાવ લિંગાયતની વાત કહેવાની અભિવ્યક્તિ પણ સરસ છે.

 6. pragnaju says:

  “ધીમે ધીમે અતિ પ્રેમથી બાનો હાથ પકડી એન્ડી બાને આગળ વધવા હિમ્મત આપ્યે જતો હતો. વાત્સલ્ય ભર્યા આગ્રહથી એ બાને થોડું વધારે આગળ ચલાવી હેલ્થ-ફૂડની એક નાનકડી દુકાનમાં લઈ ગયો. કાચનું બારણું ખોલી, અંદર બાને એક ખુરશી ઉપર કાળજીથી બેસાડી પોતે કાઉન્ટર ઉપર ગયો”
  અતિ સુંદર.
  આ પહેલાં વાંચેલી વાર્તા વાંચતા અનુભૂતી થઈ.એ બા તે હું જ. અહીં આવ્યા બાદ કેટલા બધા અજાણ્યા સ્વજન થઈ ગયાં!એક સ્વજન તો ગંમ્મત કરે કે તારા ફ્યુનરલમાં તો તું ઓરગન ડોનર છે એટલે ઘણાં જન આવશે!
  આનંદરાવ લિંગાયતને ધન્યવાદ

 7. Keyur Patel says:

  એકદમ હ્રદય સ્પર્શિ!!!! જીવનમા કંઈક શિખવા મળે એવી વાત …..

  આપનો ખૂબ ખૂબ આભાર!!!

 8. BMehta says:

  Good Story. First I thought this is as usual common story but suddenly it changed in middle. It was real nice story…

 9. Suhas Naik says:

  “Chhampa, this time you walked faster and left me behid…..”! Very good story…very touchy…Thanks…!

 10. Keyur says:

  ખુબ જ સુંદર રચના.

 11. Rachana says:

  ખુબ જ સરસ અને હદયને સ્પશ કરી ગઈ. આંખોમા પાણી આવી ગયુ.

 12. neetakotecha says:

  સ્ત્રી ઓ ના મન ને, એની લાગણી ઓ ને કદી કોઇ પુરુષ સમજી જ નહી શકે. એ વાત એકદમ ૧૦૦% છે.
  અને આવી જ રીત નુ જીવન હજી આજની તારીખે પણ બહુ બધા બહેનો જીવે છે.
  હુ રાજી થઈ વાંચીને કે બા નો દીકરો બા ને એક પુરુષ થઇ ને પણ બા ને સમજી શક્યો.
  મને માન છે આવા પુરુષો માટે કે જે સ્ત્રી ઓ ને સમજે છે.

 13. ramesh shah says:

  જો વાંચવાન મળી હોઈ તો જીવન માં સારુ વાંચવા જેવુ કંઈક ગુમાવ્યાનો વસવસો રહી જાત.પૂન્રજન્મમાં માનતા હોઈએ તો કહેવાય જાય કે આવતાં ભવે ‘બા’ અને ‘એન્ડી’ નુ નવા સબંધોથી પુન્રમિલન થજો.

 14. ranjan pandya says:

  વાર્તા વાચતા એવુ લાગ્યુ જાને વર્સ્સો પહેલાના સમયમા સરિ પદિ ચ્હુ. આખો સામે જિવન પસાર થઇ રહ્યુ ચ્હ્ને. અને—અને—હુ જ હોસ્પિતલમા ચ્હુ.

 15. zalak says:

  Well Done Writer its suparb story.

 16. bharat dalal says:

  Most relavant andsignificant. All my praise for Andy and his real feelings for the old peroson. We should be perceptive of the elders.

 17. Hetal Vyas says:

  જીવનભર, એક પુરુષ તરફથી સતત પડેલા અસંખ્ય દુ:ખદ ઘા ઉપર એન્ડીના સ્પર્શથી મમતાનો મલમ ચોપડાતો હોય એવો કાંઈક અનુભવ એમને કદાચ થતો હશે.

  ઘના સાથે અવુ બન્તુ હસે

 18. Hetal Vyas says:

  Simpally Superb !!!!!!!!!!!!!!!!!!!!!!!

 19. Anandrao says:

  As a writer of this story ”Kumpan Footi” I am overwhelmed by the response of all the readers. Any writer feels great when readers respond. I take this opportunity to thank all the readers who have responded. In a few days English version of my stories including ”Kumpal Footi” will be published in a book form titled ”the Red dot”. These are the stories of Indo-American living.

  I want to thank ”ReadGujarati.com” also for the space they devoted for my story.

  Thank you all….

  Anandrao Lingayat

  Note : Dear Readers of ”readgujarati.com” let’s standardize our gujarati key-board so everybody can read and write Gujarati easily all over the world. Everybody start thinking about this.

 20. ભાવના શુક્લ says:

  આનંદરાવભાઇ, આ કથાવસ્તુમા જે સત્યતા છે તે ખુબ જ સ્પર્શી રહી છે. ખુબ જ ભાવ પુર્વક લખી શક્યા છો. તમારી અન્ય કૃતિઓ વાચવા મળે તો ખુબ જ રૂણી રહીશુ.

 21. Divyant Shah says:

  Ecellent Article

 22. Hiral Thaker 'Vasantiful' says:

  Realy very nice….! No words to say…! Some relations are there, which we can not give name….we can not define…..!!!!!!!!!

  કદાચ એને જ ઋણાનુ બ્ધન કહેવાય્……..!

 23. Pinki says:

  કેટલાંક નામ વિનાના સંબંધ ખરેખર તો જેને નામની જરુર નથી
  એવા સંબંધો જ સાચા હોય છે………. !!

  ખૂબ જ ભાવવાહી અને હૃદયસ્પર્શી રચના………!!

 24. Dhaval B. Shah says:

  આજ સુધીમાં મુકવામાં આવેલી ઉત્ત્મ રચનાઓમાંની એક.

 25. swati shah says:

  very intresting story.

 26. lall patel says:

  it’s a heart touching story… really good one..
  the feelings can not be differentiate by the cultures and languages..
  its expressed by undefine way..

 27. Shreyas says:

  હ્રદયસ્પર્શીઆ અને ભાવુક વાર્તા છે. બધા જ પાત્રો ની લાગણી ઓ નુ ખૂબ જ સરસ નીરૂપણ કર્યુ છે. આવી સરસ રચના માટે અભિનંદન સાથ આભાર.

 28. Priya says:

  classic

 29. Falguni says:

  Really very very good story!!!!

 30. nayan panchal says:

  ખૂબ જ સુંદર હ્રદયસ્પર્શી વાર્તા.

  કદાચ બા અને એન્ડિ જેવા સંબંધોને જ platonic કહેવાતા હશે.

  નયન

 31. Jinal says:

  Jinal says it’s very good story.!!!!!!!!!!!!!

 32. ameeta says:

  બહુજ સરસ વારતા હતેી.

 33. rahul says:

  જિવનમા વાચેલિ શ્રેસ્થ વાર્તામાનિ, એક અદભુત વાર્ત્તા…………

 34. twinkle says:

  જે બાએ જિંદગી આખી બીજાઓ માટે રાંધ્યા જ કર્યું હતું અને બીજાઓને પીરસ્યા જ કર્યું હતું એ બાને જ્યારે એન્ડીએ… એક પુરુષે… આમ તૈયાર ભાણું પીરસ્યું હશે ત્યારે એમના મનમાં કેવા ભાવ જાગ્યા હશે એ હું વર્ણવી શકું એમ નથી.

  Excellent!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.