પ્રતિષ્ઠાની પગદંડી – ડૉ. મોહનભાઈ પટેલ

કીર્તિ ક્યારે પ્રાપ્ત થાય ? આ પ્રશ્નનો ઉત્તર મહાત્મા ગાંધી આપે છે : તેઓ કહે છે કે આત્માના અવાજ પ્રમાણે જીવવાથી કીર્તિ પ્રાપ્ત થાય છે. મન કહે તે કરવું. મન તો ઉચિત જ કરવાનું કહે છે. પરંતુ ક્યારેક તે અનુચિત કાર્ય કરવા પણ પ્રેરે છે. જાગૃત અવસ્થામાં તે હોય ત્યારે તેને સદવિચાર આવે અને પરિણામે સત્કાર્ય જન્મે. માણસ પ્રતિષ્ઠા કીર્તિ નામ ઝંખે છે. પણ તે જો લોકહિતના કાર્યોમાં રત રહે અને સ્વાર્થમુક્ત રહે તો જ તે નામ કમાય છે. તે એકલપેટો રહી ધનનો સંગ્રહ કર્યા કરે, વૈભવ વધાર્યા કરે, સત્તામાં લીન રહે અને જો અન્યોનાં હિતનો વિચાર ન કરે તો તેને પ્રતિષ્ઠા ક્યાંથી મળે ?

ધારો કે એને કીર્તિ – પ્રતિષ્ઠા મળે અને જો એને પાછો એનો નશો ચડે, એ અભિમાની થઈ જાય, છકી જાય તો એ નશો, એ અભિમાન એને બહુ જ જલદી પાયમાલ કરી નાખે છે. પ્રેમચંદના મતે – પ્રતિષ્ઠા મેળવવામાં મહેનત કરવી પડે છે જ્યારે કલંક એક ક્ષણમાં જ લાગી જાય છે.

તમે ચોરી કરો, વ્યભિચાર કરો, જૂઠ બોલો, દગો કરો, લોકોની નજરે કોઈ પણ અયોગ્ય વર્તણૂંક કરો તો તમે પ્રતિષ્ઠાની પગદંડીથી દૂર ફેંકાઈ જવાના. આમ જુઓ તો બધા પ્રકારની કીર્તિ જોખમી છે. ‘સારી કીર્તિથી ઈર્ષા પેદા થાય છે અને ખરાબ કીર્તિથી શરમ ઉત્પન્ન થાય છે.’ એમ થોમસ કુલર કહે છે. માણસ કીર્તિ વગરનું લાંબું જીવન જીવે તે નકામું છે. એવું તો પશુ-પંખીઓ પણ જીવે છે. વૉલ્ટર સ્કૉટ તો કહે છે કે જીવનનો એક યશપૂર્ણ કલાક જીવો તોય જીવન સાર્થક થયું કહેવાય.

કીર્તિ મળતાં કેટલાક લોકો છલકાઈ જાય છે. આ બરાબર નથી. એમ કરવાથી તો કીર્તિ ધોવાઈ જાય છે. જે પીડાગ્રસ્ત હોય તેમને દિલાસો આપો. જેને સંતાન નથી તેને આશ્વાસન આપો. જે રોગથી પીડાતું હોય તેને આશા બંધાવો. જે હતાશ થઈને બેસી પડેલું હોય તેનામાં ઉત્સાહની જ્યોત જગાડો. જેનું સ્વજન મૃત્યુ પામ્યું હોય અને જે શોકમાં ગરકાવ બનીને સૂનમૂન બની ગયું હોય તેને બુદ્ધની પેલી રાઈના દાણાવાળી વાત કહો અને કાર્યમાં મન પરોવવા પ્રેરો. આવાં નાનાં નાનાં કામો કર્યા કરવાથી તમારી પરોપકારી તરીકેની છાપ ઊભી થશે ને આવી છાપ એ જ તમારી ખરી કમાણી છે એમ સમજો.

કીર્તિ પામવા માટે અન્યોની મહેનતનો સહારો ન લો. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે – ‘જે પોતાનું નામ પોતાનાં કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ.’ રોજિંદા કામોમાં પારકા ઉપર વધારે આધાર ન રાખો. જાત વગરની જાતરા ખોટી. પારકી આશા સદા નિરાશ. ધનનો ત્યાગ આમ તો મુશ્કેલ છે. એ જ પ્રમાણે ભોગોનો ત્યાગ પણ મુશ્કેલ છે. પણ આ બંને પ્રકારનો ત્યાગ માણસ ધારે તો કરી શકે છે. પરંતુ વધુ મુશ્કેલ છે પ્રતિષ્ઠાના મોહનો ત્યાગ. પ્રતિષ્ઠા મેળવવા લોકો અખબારોની ઑફિસનાં પગથિયાં ઘસી નાખે છે, ગમે તેવું નુકશાન વેઠીને પણ માણસ પ્રતિષ્ઠા પામવા તૈયાર રહે છે. આ બરાબર ન કહેવાય. સત્કર્મો કર્યા કરો. સ્વાર્થથી દૂર રહો. મારા કરવાથી આ બધું થાય છે એ જાતનો ભાવ ધીમે ધીમે કાઢી નાખો. પ્રામાણિક વ્યવહારો રાખો. આટલું કરશો તો આપોઆપ કીર્તિના માલિક બનશો. કીર્તિને પચાવી જાણો ત્યારે ખરા. સંસ્કારી લોકો જ કીર્તિને પચાવી જાણે છે. નીચે નમી જતા વૃક્ષની જેમ નમ્રતા કેળવવી જોઈ. એમ કરવાથી જ એને મળેલી કીર્તિ લાંબા સમય સુધી ટકી રહે છે.

શેક્સપિયર તો એમ કહે છે કે – ‘નામમાં શું છે ? ગુલાબને ગમે તે નામે બોલાવો, સુગંધ તો તેની આવવાની છે.’ નામ કમાવા લોકો તખતી ઉપર નામ કોતરાવે છે. અખબારોમાં ચમકે છે. પોતે જ પોતાનાં સત્કાર્યોનાં ઢોલ વગાડે છે. વારંવાર પોતાનાં સત્કાર્યોની વાતો કરવાથી કરેલાં કાર્યો ધોવાઈ જાય છે એનું એમને ભાન રહેતું નથી. એક પોર્ટુગીઝ કહેવત અનુસાર : ‘તમે પ્રતિષ્ઠાને લાયક બનો અને તમને પ્રતિષ્ઠા ન મળે તો ચાલશે પણ પ્રતિષ્ઠાને પાત્ર બન્યા વિના જ પ્રતિષ્ઠા મળે તો તે નુકશાનકારક છે.’

એકવાર પ્રતિષ્ઠા મળે તે પછી માણસની જવાબદારી વધી જાય છે. મળેલી પ્રતિષ્ઠા ધોવાઈ ન જાય એટલા માટે માણસે સત્કાર્યોમાં જોતરાયેલા રહેવાની જરૂર છે. બાકી વશિષ્ઠ મુનિ કહે છે તેમ – ‘જેની કીર્તિ નષ્ટ થઈ જાય છે તેનું જીવન પણ નષ્ટ થઈ જાય છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તથાસ્તુ ! – ચંદ્રકાન્ત વાગડિયા
ચતુર વાણિયો – ગિજુભાઈ બધેકા Next »   

13 પ્રતિભાવો : પ્રતિષ્ઠાની પગદંડી – ડૉ. મોહનભાઈ પટેલ

 1. krishna says:

  really very good article.

  it’s teach us where we are ? & where we have to go ?

 2. pragnaju says:

  ડૉ. મોહનભાઈ પટેલે ગાધી વિચાર ધારા તથા બીજા દ્રુષ્ટાંતો દ્વારા પ્રતિષ્ઠાની પગદંડીનો
  આદર્શ સમજાવ્યો છે.તેમાંથી થોડા ટકા પણ અનુસરવામાં આવે તો પણ સંસ્કારી બની કીર્તિને પચાવી શકનારા બની શકે છે

 3. અતુલ જાની (આગંતુક) says:

  વિતૈષણા, પુત્રૈષણા અને લોકૈષણા આ ૩ ઐષણાનો ત્યાગ કરનાર જ પરમપદનો અધિકારી બને છે. સામાન્ય માનવી એકેનો ત્યાગ કરી શકતો નથી. સાધુ- સંતો પ્રથમ ૨ ઐષણાનો ત્યાગ કરી શકે છે પરંતુ લોકૈષણાનો ત્યાગ તો તેમાંથી પણ કોઈક જ કરી શકે છે. પ્રતિષ્ઠીત થવું જોઇએ પરંતું પ્રતિષ્ઠાની ઐષણા નુકશાનકારક છે.

  જો ગંભીરતાથી લેવામાં આવશે તો ડૉ. મોહનભાઈ પટેલ નો આ લેખ ઘણો ઉપયોગી થઈ પડશે.

 4. Hemant Jani says:

  ઘણા વખતે જુનિ વાર્તા વાચવા મલી. આ મારો ગુજ્રરાતી લખવાનો પ્રથમ પ્રયાસ છે. આભાર કે
  તમે આ રીતે ભાષાને જિવન્ત રાખવા કાર્યન્વિત્ છો.

 5. neetakotecha says:

  સાચ્ચી વાત .
  પણ આજે ખોટી રીતે હોય કે સાચ્ચી રીતે પણ જો કોઇ પાસે પૈસો હોય તો લોકો એને મહાન બનાવી નાંખે છે.

  ‘તમે પ્રતિષ્ઠાને લાયક બનો અને તમને પ્રતિષ્ઠા ન મળે તો ચાલશે પણ પ્રતિષ્ઠાને પાત્ર બન્યા વિના જ પ્રતિષ્ઠા મળે તો તે નુકશાનકારક છે.’

  ખુબ જ સરસ વાત.

  અને કાગડા વાળી વાત તો ખુબ જ ગમી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.