ચતુર વાણિયો – ગિજુભાઈ બધેકા

[‘ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓ’ માંથી સાભાર.]

[1] બાપા-કાગડો !

એક હતો વાણિયો. વાણિયાને છ-સાત વરસનો એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહિ. કોઈ દિવસ પોતે ખિજાઈ ન જાય. હંમેશાં ઘેલિયાભાઈ કહે તેમ કરે.

એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી બાપનો ખોળો ખૂંદવા લાગ્યો ને જે તે પૂછવા લાગ્યો. એટલામાં, દુકાનની સામે એક ઝાડ હતું. તેના પર એક કાગડો આવીને બેઠો ને ‘કો-કો’ કરવા લાગ્યો. ઘેલિયાએ કાગડાને જોયો, એટલે તેની તરફ આંગળી કરીને બાપને કહ્યું : ‘બાપા-કાગડો !’

બાપા કહે : ‘હા, ભાઈ ! કાગડો’
ફરી વાર છોકરે બાપનો હાથ પકડી કહ્યું : ‘બાપા-કાગડો !’
બાપાએ એટલી જ ધીરજથી કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો’ જવાબ આપીને બાપ દુકાનના કામમાં જરા રોકાયો, એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવી કહ્યું : ‘જુઓ તો બાપા – કાગડો !’
બાપે ધંધામાંથી ધ્યાન કાઢી ઘણી શાંતિથી કહ્યું : ‘હા, બેટા ! કાગડો.’
છોકરાને આટલાથી સંતોષ થયો નહિ. બાપ પાછો પોતાના કામમાં રોકાયો, ત્યાં તેની પાઘડી ખેંચી વળી બોલ્યો : ‘બાપા – કાગડો !’
બાપે જરા પણ ચિડાયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો – હં.’
છોકરો તો વેને ચડ્યો ને વળી બોલ્યો : ‘જુઓ તો ખરા ! બાપા – કાગડો !’
બાપે ચોપડો લખતાં લખતાં છોકરા સામે જોઈને વળી કહ્યું : ‘હા હોં, બેટા ! કાગડો. એ કાગડો છે હં.’

થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો, અને વળી ઘૂરી આવી હોય તેમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો : ‘બાપા-કાગડો !’
બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો’
આ રીતે છોકરો તો વારેવારે બાપને ‘બાપા – કાગડો !’ ‘બાપા-કાગડો !’ એમ ચીંધતો ગયો, ને બાપ ‘હા, ભાઈ, કાગડો’ ‘હા, ભાઈ, કાગડો !’ એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને ‘બાપા-કાગડો’ બોલતો બંધ પડ્યો. બાપ વાણિયો હતો, શાણો હતો. છોકરો જેમ જેમ ‘બાપા-કાગડો !’ ‘બાપા-કાગડો’ બોલતો ગયો તેમ તેમ તે પોતાના ચોપડામાં ‘બાપા-કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર એકસો વાર ‘બાપા-કાગડો’ ‘હા, ભાઈ ! કાગડો’ લખાયેલું હતું. ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે, એમ ધારી ડાહ્યા વાણિયાએ ચોપડાને સાચવીને જૂનાં દફતરોમાં મુકાવ્યો.

આ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં. વાણિયો છેક ઘરડો થઈ ગયો હતો; ને પેલો ઘેલિયો ત્રીશ વર્ષનો જુવાન થઈ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની રહ્યો હતો અને વેપાર ધમધોકાર ચાલતો હતો. ‘ઘેલિયો’ સઘળે ‘ઘેલાશેઠ’ ‘ઘેલાશેઠ’ થઈ પડ્યો હતો ને તેનું બધેય બહુ માન હતું. પરંતુ ઘરડો વાણિયો દુ:ખી હતો. ઘેલાશેઠ તેને બહુ દુ:ખ આપતો હતો. બાપ બહુ કંટાળ્યો, એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછેર્યો હતો એ તેને યાદ આપવાનો તેણે વિચાર કર્યો. એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલાશેઠની ગાદીએ ચડીને બેઠો. બાપને જોઈને દીકરો ચિડાયો ને મનમાં બબડ્યો : ‘આ ડોસો વળી અહીં ક્યાં આવ્યો ? નકામો ટકટકાટ કરશે અને જીવ ખાશે !’

થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ ટાઢે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’
ઘેલશા તો ડોસાના પ્રશ્નથી જ વિચારમાં પડ્યા અને ચિડાઈને બોલ્યા : ‘હા, બાપા ! કાગડો.’
ડોસાએ વળી કહ્યું : ‘ભાઈ-કાગડો’
ઘેલશાએ જરા વધારે ચિડાઈને અને કાંઈક તિરસ્કારથી જવાબ વાળ્યો : ‘હા, બાપા ! કાગડો.’
ડોસાએ જાણ્યું કે દીકરો ચિડાય છે. પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો, તેથી પૂરેપૂરી શાંતિ રાખી ફરી બોલ્યો : ‘ભાઈ-કાગડો !’
ભાઈ તો હવે ભભૂકી ઊઠયા : ‘હા, બાપા ! કાગડો. હા, એ કાગડો છે. એમાં વારે વારે ‘ભાઈ-કાગડો !’
‘ભાઈ-કાગડો !’ એમ શું બોલ્યા કરો છો ? મને મારું કામ કરવા દો ને !’ કહીને ઘેલાશા આડું મોં કરીને પોતાને કામે લાગ્યા.

ઘરડો વાણિયો કંઈ કાચો ન હતો. તેણે ઘેલાશાનો હાથ પકડી, કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’ હવે ઘેલાશાનો મિજાજ ગયો. તેણે વિચાર્યું : ‘આ ડોસો જો ને નકામો ‘ભાઈ-કાગડો’ લવ્યા કરે છે ! નથી કાંઈ કામ કે કાજ. નવરો પડ્યો એટલે નકામો લવારો !’
તેણે ડોસા સામે જોઈ કહ્યું : ‘બાપા ! ઘેર જાઓ. અહીં તમારું શું કામ છે ? દુકાને કામકાજમાં નાહક શા માટે ડબડબ કરો છો ?’
શાંતિથી જરા હસી, કાગડા સામી આંગળી કરી, ડોસો બોલ્યો : ‘પણ, ભાઈ-કાગડો !’
‘હા, બાપા ! કાગડો – કાગડો – કાગડો ! હવે તે કેટલી વાર કાગડો ? કાગડામાં તે શું છે તે ‘કાગડો’ ‘કાગડો’ કરો છો ?’

ડોસો ફરી વાર આંગળી કરી ‘ભાઈ-કાગડો !’ એમ બોલે તે પહેલાં ઘેલા શેઠે વાણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. કાગડાને ઉડાડી મુકાવ્યો. પછી લખતો લખતો, પોતાના મનમાં બળતો મોટેથી બબડ્યો : ‘ખરેખર, “સાઠે બુદ્ધિ નાઠી” તે બરાબર સાચું છે. આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે. હવે તો ડોસો મરે તો સારું !’

ડોસાની આંખે આંસુ આવ્યાં. તેણે જૂના વાણોતરને બોલાવીને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં ‘બાપા – કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ લખેલું પાનું મૂકયું. ઘેલાશાને તેના બાળપણની સઘળી હકીકત વાણોતરે કહી સંભળાવી. ઘેલાશા તરત બધું સમજી ગયો : દીકરાએ બાપાની માફી માગી અને તે દિવસથી બાપની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો.

[2] ભેંશ ભાગોળે

ગામડું એવું ગામ હતું. એક વાર પાદરે ભેંશો વેચાવા આવી. ગામના પટેલને થયું કે, ‘હું એક ભેંશ લઉં.’ જઈને પટલાણીને કહ્યું : ‘સાંભળ્યું કે ? – આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ હોય તો સારું. છોકરાંછૈયાંને દૂધ મળે; બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય; ને છાશ થાય તે આડોશીપાડોશીને અપાય.’
પટલાણી કહે : ‘એ બધું ઠીક, પણ જાડી રેડ જેવી છાશ તો હું મારાં પિયરિયાંને જ આપીશ.’
‘તે એકલાં તારાં પિયરિયાં જ સગાં, ને મારાં સગાં તો કાંઈ નહિ, કાં ? એમ છાશ નહિ અપાય.’
પટલાણી કહે : ‘નહિ કેમ અપાય ? અપાશે ! ઘર તો મારું ય છે ને ? ને ભેંશ તો મારી યે તે, ને તમારી યે તે. બહુ બહુ તો દૂધ તમારાં સગાંને, પણ છાશ મારાં પિયરિયાંને !’

પટેલ કહે : ‘છે ડંભો !’
પટલાણી કહે : ‘તમારાંને આપો !’
આમ કરતાં વાત વધી પડી ને પટેલ-પટલાણી લડી પડ્યાં !
એક તો પટેલ – ને એમાં વઢવાડ થઈ. પછી જોઈ લ્યો ! પરોણી લઈને પટેલે પટલાણીને સબોડી જ નાખ્યાં ! ઘરમાં હો-હો થઈ રહ્યું. આડોશીપાડોશી દોડી આવ્યાં.
‘છે શું, પટેલ ? આ શું માંડ્યું છે ?’
પટલાણી કહે : ‘જુઓ તો બાપુ – આ વાંસામાં સોળ ઊઠ્યા છે તે ! પટેલનો કાંઈ હાથ છે !’
પટેલ કહે : ‘તે કો’કની જીભ ચાલે, ને કો’કનો હાથ ચાલે !’
‘પણ છે શું ? કજિયો શાનો છે ?’
‘એ તો છાશનો છે. પટેલ કે’છે કે, છાશ તારાં પિયરિયાંને નહિ ! તે નહિ શું કામ ? દૂધ ભલે ને એનાં ખાય; મારાં પિયરિયાં સુધી છાશે નહિ ? એ મારે નહિ ચાલે !’

ત્યાં તો પાછા પટેલ ખિજાયા ને પરોણી લઈને દોડ્યા. પાડોશમાં એક ઠાવકો હતો. તેણે વિચાર્યું : ‘અરે, ભેંશ તો હજી ભાગોળે છે, ને આ ધમરોળ શાના ?’ વાણિયો હતો યુક્તિવાળો.
જઈને કહે : ‘પટેલ, પટેલ ! વઢવાડ શું કરો છો ? આ તમારી ભેંશે શિંગડું મારીને અમારી વંડી પાડી નાખી – તે ચણાવી આપો ! ઢોર રઝળતાં મૂકતાં શરમાતા નથી ?’
પટેલ કહે : ‘ભેંશ વળી કોને હતી ?’
વાણિયો કહે : ‘ત્યારે કઈ ભેંશની છાશ સારું લડો છો ?’
પટેલ-પટલાણી શરમાઈ ગયાં ને છાનાંમાનાં કામે લાગ્યાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રતિષ્ઠાની પગદંડી – ડૉ. મોહનભાઈ પટેલ
પ્રેરક કથાઓ – સંકલિત Next »   

22 પ્રતિભાવો : ચતુર વાણિયો – ગિજુભાઈ બધેકા

 1. બંન્ને વાર્તાઓ જુની હોવા છતાં યે જુની ન લાગી,મજા બસ મજા પડી

 2. વાહ, બાળપણની વાર્તાઓ યાદ આવી ગઈ. બંને વાર્તાઓ રમુજી તો છે જ પણ સાથે સાથે બહુ મોટા સત્યને દેખાડે છે.. “બાપા કાગડો” માં સંતાનોની વડિલો પ્રત્યેની ફરજ અને “ભેંશ ભાગોળે” માં સંસારની નાની-નાની વાતમાં કારણ વગરના ઝગડાનો સુંદર બોધ રજુ કર્યો છે.

 3. કલ્પેશ says:

  મારી મમ્મી આ ઘણી વખત બોલે છે “છાશ છાગોળે અને ભેંસ ભાગોળે”. યાદ આવી ગઈ.

  પહેલી વાર્તા સારી છે. પણ બાળક બોલ્યા કરે એ સમજાય, માણસ એક જ વાક્ય બોલ્યા રાખે અને કોઈને ધીરજ રાખવી પડે એ ન સમજાયુ. સરખામણી બરાબર ના લાગી.

 4. અતુલ જાની (આગંતુક) says:

  “મુંછાળી મા” તરીકે આગવી ઓળખ ધરાવતા ગિજુભાઈ બધેકાએ બાળકોના વિકાસ માટે પોતાનૂં જીવન ખર્ચી નાખ્યું છે. “નાના શરીર માં વસી રહેલા ઈશ્વરના હું પળે પળે દર્શન કરું છું” એમ કહેનારા અને એ પ્રમાણે અનુભવનારા ગિજુભાઈની બાળવાર્તાઓ બાળકોને અને મોટેરાઓને ગમ્મત સાથે જ્ઞાન પુરું પાડે છે. ભાવનગરમાં શ્રી ગિજુભાઈએ બાળકો માટે એક સુંદર બાળમંદિર વિકસાવેલ છે. મારી મોટી દિકરી તેનો આનંદ લઈ ચુકી છે અને મારો દિકરો હાલમાં તેમાં રમવાનો અને નવું નવું શિખવાનો આનંદ લઈ રહ્યો છે.

  ઘણીએ વાર આપણે આપણા મા-બાપ પ્રત્યે તોછડું અને અણછાજતું વર્તન કરી બેસતા હોઈએ છીએ. “બાપા કાગડો” આપણાં આ વર્તન સામે આંખ ઊઘાડનારી બની રહી.

  ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ – કેટલીય વાર આપણે કાલ્પનિક વિચારોથી જ ઘરમાં ધમાધમ ઉભી કરી દેતા હોઈએ છીએ. પાડોશમાં એકાદ વાણિયો રાખવો સારો.

 5. krishna says:

  ખુબ મજા આવી.

  બન્ને બાળવાર્તા માં માનસિક વલણ દર્શાવવા માં આવ્યું છે.

  એક તો બાળક ઉછેર એ ખુબ જ ધિરજ માંગી લે તેવી બાબત છે. આ ધીરજ એક માતા – પિતા માં જેટલી હોય છે તેટલી બીજે ક્યાંય જોવા મળતી નથી.

  બીજી વાત પણ ધીરજ અંગે ની જ છે. કોઈ પણ ઘટના ઘટતા અગાઊ આપણા મન માં એક હાઊ (ડર) ઉભરાતો હોય છે. ત્યારે જ આ ભેંસ ભાગોળે…. જેવી વાર્તા જન્મ લેતી હોય છે. એના કરતા જો શાંતી થી એ સમય પસાર થવા દઈએ તો કદાચ આપણે કલ્પેલા ભય પ્રમાણે નુ કશુંજ ન પણ થાય એવું પણ બને.

  તમારા લેખ વાંચી ને ક્યારેક એવું લાગે કે અમે રીફ્રેશર કોર્ષ કરી રહ્યાં છીએ.

 6. pragnaju says:

  આપણા બાળપણમાં અનેકવાર વાંચેલી,બાળકોને કહેલી ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓ ફરી વાંચી આનંદ થયો. હંમણાનાં બાળકોને આ બધુ સમજાવવાની તકલીફ રહે છે.પહેલાનાં વખતની પરીસ્થિતી,આપણો સમાજ તથા ‘ભેંશ ભાગોળે’ અને ‘બાપા-કાગડો’ જેવી વાર્તાઓ દ્વારા તેમને ગંમ્મત સાથે સમજાવી શકાય છે

 7. Suhas Naik says:

  મજા પડી…આભાર

 8. neetakotecha says:

  ખુબ જ સરસ

 9. Maitri says:

  બાળપણ ની યાદો તાજા થઈ ગઈ.. મજા આવી… આભાર….

 10. ભાવના શુક્લ says:

  બહુ મજા આવી. ભેંશ વાળી વાત તો ખરેખર સરસ રહી. બાજુ મા વાણિયો રાખવા વાળી વાતે તો વધુ રમુજ થઇ. વણિક બુદ્ધિ હંમેશા ઠરેલ અને વ્યવહારૂ રહી છે.
  બહુ માર્મિક રહે છે ક્યારેક આવી વાર્તાઓ.

 11. VISHAL says:

  It’s Very good to read these kind of stories and remembering my childhood.

 12. nipun says:

  સરસ વાત

 13. Keyur Patel says:

  સારી બાળ વાર્તાઓ છે.

 14. VIRALKUMAR TILVA says:

  બહુજ સારી વાર્તા છે.

 15. Jinal says:

  આને કેવાય …ભેશ ભગોલે , છાશ છાગોલે અને ઘેર ધમાધમ …..

 16. Jinal says:

  આને કેવાય …ભેશ ભાગોલે , છાશ છાગોલે અને ઘેર ધમાધમ …..

 17. Baapa Kagdo Story is beautiful.

 18. dhiraj says:

  jordar vaarta keedhi bhai,
  mrugeshbhai ne khas janavavanu ke gijubhai badheka ni vadhu vaartao mooko
  hun SWAMINARAYAN BAL-MANDAL chalavu chhu. to kaam laage.

  aabhar

 19. ચતુરભાઈ પટેલ says:

  સરસ વાતુ લખી છે. ઘણી ગમ્મત.

  મૃગેશભાઈ ને વિનંતી કે બીજી ગિજુભાઈ ની વાર્તા ઓ મૂકે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.